વેદનાઓનો અંત સુખદ સંવેદના (૧૧) પ્રવીણા કડકિયા

અંત વેદનાઓનો સુખદ સંવેદનાઓ. ૧ jpg

દ્રષ્ટીએ બારણું ખોલ્યું. તેનું નિખરેલું રૂપ જોઈને આલોક પળવાર આંખ ઝપકવાનું ભૂલી ગયો. દ્રષ્ટી તે પળે શરમાઈ અને ધીરેથી બોલી, ‘ અંદર આવશો કે બારણામાં જ ઉભા રહેવાનો ઈરાદો છે’? આલોક આશાના વિચારોમાં ડૂબી ગયો. જ્યારે પહેલીવાર તેને ત્યાં ગયો હતો ત્યારે  તે આવી સુંદર લાગતી હતી.એક પળ ઉલઝનમાં પડી ગયો કે આશા અને અહીં ક્યાંથી ? ભ્રમ ભાંગ્યો, જાગ્યો અને આલોક ગડમથલમાંથી બહાર આવ્યો, ‘ અરે તમે ખસો એટલે અંદર આવું ને ?’ બન્ને સાથે હસી પડ્યા. દ્રષ્ટીને ભાન થયું  બારણામાં એવી રીતે ઉભી હતી કે આલોકને અંદર આવવું હોય તો પણ કેવી રીતે આવે ? તેને ભટકાઈને આવે એવો બેશરમ ન હતો !  બન્ને જણા ૪૦ની નજદીક હતા. આ કાંઈ જીંદગીનો પ્રથમ પ્યાર ન હતો. દિલ ધડકી રહ્યું હતું. જે ખૂબ ગમ્યું. લાગે છે  જીવનનો પહેલો પ્યાર વિસરાય નહી. દ્રષ્ટીને દસ વર્ષ થયા હતાં અને આલોકને પાંચ પણ  આ ઘડીએ દ્રષ્ટી અને આલોકના દિલોની ધડકન જુદો ઈશારો કરી રહી હતી. બન્ને જણાના દિલ એક સૂર કાઢી રહ્યા હતા. સાંભળીને મુખ પરના ભાવ તેની સાક્ષી પૂરી રહ્યા.

ડાઈનિંગ ટેબલની ગોઠવણી આંખે ઉડીને વળગે તેવી હતી. દ્રષ્ટી સભાન પણે બધું સંભાળી રહી હતી. લગભગ બે અઠવાડિયા થઈ ગયા. ડૉ. જગત્યાનીની ઓફિસમાં જવાનું કોઈ કારણ ન હતું. આજે ઘરના બારણામાં જોઈને આનંદનો અવધિ ઉછળ્યો. પહેલાં જ્યારે ડૉ.જગત્યાની આવ્યા હતાં ત્યારે દ્રષ્ટીની દશા દયાજનક હતી. આજે તેના રંગરૂપ અનેરા હતા. તેના દિલની ધડકન તેને વિચલિત બનાવવા પૂરતી હતી.

આલોક, દરરોજ  દિવસમાં એક વાર ફોન કરી દ્રષ્ટીની હિલચાલના સમાચાર મેળવતો. બીજલ કે અભિ ફોનનો જવાબ આપે તો  મમ્મી ખૂબ સરસ રીતે તેમનું ધ્યાન રાખે છે, કહી સારા સમાચાર આપતાં. દીર્ઘના મમ્મી લીનાબહેન અને પપ્પા સમિરભાઈ તો પોતાની પુત્રવધુ જે દીકરીથી પણ અધિક તેમનું ધ્યાન રાખે છે. તેવા સમાચાર આપી આલોકને હૈયે શાંતિ પ્રદાન કરતાં.

આલોક ખૂબ ખુશ હતો. તેણે દ્રષ્ટીને સાજી કરવામાં કામિયાબી હાંસિલ કરી હતી. દર્દી સાજો થયો અને તેની સારવાર કરતાં  ડૉક્ટર દર્દી બન્યો એ સમાચાર ખૂબ રોમાંચિત હતા. ” દર્દી પણ કેવો જેણે સારવાર માટે એ દર્દી પર નિર્ભર થવાનું હતું.” ‘આશા, આખરે તારી આશા પૂર્ણ થઈ’. સામે દ્રષ્ટી ઉભી હતી. આલોક ઘરમાં આવ્યો. કુક અને દ્રષ્ટીની બનાવેલી મનભાવતી વાનગીઓનું ડીનર સહુએ પ્રેમે માણ્યું. સામાન્ય વાતો થતી  હતી. ભૂતકાળ દુમ દબાવી વિદાય થઈ ગયો હતો. વર્તમાનનું વર્ચસ્વ વિસ્તરી વાતાવરણને માધુર્યથી ભરી રહ્યું!

કઈ રીતે વાતની શરૂઆત થશે એનું કોઈ ઠેકાણું ન હતું. જમવાના ટેબલ પર વાનગીઓની મોજ સહુ માણી રહ્યા હતા. વાતની કંઈક તો શરૂઆત કરવી રહી સમીરભાઈને ખબર હતી ડૉક્ટરના બે બાળકો કૉલેજમાં છે.

‘શું ક્રિસમસ વેકેશનમાં તમારા બાળકો ઘરે આવવાના કે નહી’?

‘અરે એમના વગર ક્રિસમસની મઝા કેવી રીતે આવે’?

બિજલથી ન રહેવાયુ, ડૉકટર અંકલ, આ વખતે આપણે બધા સાથે ક્રિસમસની ઉજ્વણી કરીશું?’

‘આલોકે કહ્યું,’ આ સુપર્બ આઈડિયા છે. મારું સમર હૉમ અંહીથી ૧૦૦ માઈલ દૂર છે. બધી સગવડ ત્યાં કારાવી લઈશ’. દ્રષ્ટીની સામે જોઈને જવાબ આપતા હતા. દ્રષ્ટી તો શરમની મારી ઉંચુ જોઈ શકતી નહી. અભિ અને બીજલે એકબીજાને આંખ મારી. દાદાએ જોયું અને મૂછમાં હસ્યા.

બીજલ પણ આ વર્ષે કૉલેજ જવાની હતી. અભિ પછીના વર્ષે. બાળકો બધા મોટા હતા. આલોક જાણી ગયો હતો કે અભિ અને બીજલ જો આલોક અને દ્ર્ષ્ટી એક થાય તો રાજી છે.  છેલ્લા બે મહિનાથી બન્ને બાળકો ડૉ. જગત્યાનીને બદલે  ડૉ. અંકલ કહેતા હતા. આલોકે આ સામે કોઈ વાંધો ન ઉઠાવતા, સંમતિની મહોર મારી હતી. તેનાં બન્ને બાળકો દ્રષ્ટી વિષે માહિતગાર હતાં. ઘરની બહાર હોવાથી પરિચિત ન હતા. પણ તેમના વહાલેરા પપ્પા જે રીતે દ્રષ્ટીના કેસમાં દિલચશ્પી લઈ તે વિશેની વાત ‘કેઝ્યુઅલી’ મેન્શન કરે તે્ના પરથી અંદાઝ આવ્યો હતો. દર્દી  વિષે વાત કરતાં પપ્પાના મુખની ચમક ચાડી ખાતી કે મમ્મીના ગયા પછી પહેલીવાર પપ્પા કોઈ સ્ત્રી વિષે આ રીતે વાત કરે છે.  આશા  અને  આલોકનો મોટો દીકરો જરા શાંત હતો પણ નાનો નટખટ. પપ્પાની સામે જોઈ ડોકું હલાવે અને અંહ, અંહ કહી સૂર પુરાવે. આલોક તેનો જરા પણ વિરોધ ન કરતાં તેની તરફ જોઈ   સ્મિત રેલાવે. કૉલેજિયન છોકરાઓ પાસે મગનું નામ મરી પાડવાની જરૂરત આલોકને જણાઈ ન હતી. આવા સફળ ડૉકટર અને પ્રેમાળ પપ્પા જે મમ્મીની ખોટ પણ પૂરી પાડતાં હતા. આવા પ્રેમાળ પપ્પાના જીવનમાં પાછો આનંદ પ્રવેશે તેનાથી વધુ આનંદના  સમાચાર તેમના માટે શું હોઈ શકે?

ચારેય બાળકોને કંપની સારી રહેશે એવી આશા આલોકના મનમાં પ્રગટી. અમેરિકાના બાળકો ખૂબ ખુલ્લા દિલના હોય  છે. એમને જીવનની જરૂરિયાતો અને મોજશોખના પ્રસાધનો બે હાથે સાંપડે તેથી તેમને કાવાદાવા કરતાં નિખાલસતા વધુ પસંદ હોય છે. આલોકના બે અને દ્રષ્ટીના બન્ને ઉમળકાભેર આ સમાચાર વધાવશે તેની આલોકને સો ટકા ખાત્રી હતી. આલોક બેઠો હતો બધાની સાથે જમવાના ટેબલ પર એના દિમાગમાં ‘ખયાલોની ખીચડી’ પકાવતા મોઢા પરના ભાવ ખૂબ મોહક હતા.

જમવાના ટેબલ પરથી કોઈને ઉઠવાનું મન થતું ન હતું. વાતાવરણ  ખૂબ સુંદર હતું. ડીનર લઈ સહુ સોફામાં ગોઠવાયા. સમિરભાઈ  અને લીનાબહેન ખૂબ મુંઝવણમાં  હતા. આખરે લીનાબહેને કૌશલ્યતા પૂર્વક મમરો મૂક્યો. ડૉક્ટર સાહેબ આપની આશાને ગયે, હવે તો પાંચ વર્ષ થઈ ગયા. હજી તો ૪૫ પણ નથી થયા. ભવિષ્યનો શું વિચાર છે? બોલીને એકીટકે આલોકને નિરખી રહ્યા.

આવા સીધા સવાલ માટે આલોક તૈયાર ન હતો. લીના બહેન તેના મુખ પરના પલટાતા ભાવ નિહાળે છે તેમ અનુભવ્યું.  સ્માર્ટ માણસ ઈશારો સમજવામાં ખૂબ નિપુણતા ધરાવતો હોય છે. “ખરું કહું, આંટી” બોલી આલોકે ગળું સાફ કર્યું, “મારા મનમાં કોઈએ હલચલ મચાવી છે. મેં તેને દિલમાં વસાવી છે. બસ તેની મરજી જાણવાની ઈચ્છા પૂરી થાય  તો વાત આગળ વધારી શકાય. બાકી જો મારો અભિપ્રાય જાણવા માગતા હો તો ૧૦૦ ટકા તૈયાર છું!”

“કહીં પે નિગાહે કહીં પે નિશાના”. કેટલી સુંદર રીતે પોતાના મનના ભાવ પ્રદર્શિત કરવામાં આલોકને સફળતા મળી. તેના દિમાગમાં ઝબકારો થયો. ‘વાહ, કેટલી સુંદર રીતે હૈયાની વાત હોઠ ઉપર આવી ગઈ’.

સહુના મોઢાના ભાવ જોવા જેવા હતા. બધાને ખબર હતી. છતાં અજાણ બની વાતનો દોર લંબાવ્યે જતા હતા. દ્રષ્ટી જાણે મુંગી ન હોય. કશું બોલતી ન હતી. જુવાન બાળકોની માતા હતી ને જુવાનીનો અહેસાસ તેનું દિલ અનુભવી રહ્યું હતું. આલોકનો ઈશારો તેના તરફ હતો તે સમજતાં તેને વાર ન લાગી. મનમાંથી તો લડ્ડુ ફૂટ્યા. તેના મુખારવિંદ પર સ્પષ્ટપણે  દેખાતું હતું કે આલોકના ચોખ્ખાચટ જવાબથી તેને ખુશી થઈ છે. આલોકના અંતરના ભાવ ઉઘાડી કિતાબની જેમ તેની નજર સમક્ષ ઉપસી આવ્યા.

પોતાના અંતરની વાત સહુની હાજરીમાં મુકવા તે શક્તિમાન ન હતી ! માતા અને પિતાની આમન્યા, બાળકો પ્રત્યેની લાગણીનો વિચાર કરતાં સંકોચથી ગુંગળાઈ મરી. આ ગુંગળામણથી  છૂટવા  કિચનના દરવાજા તરફ જવા તેણે પગ ઉપાડ્યા.

અચાનક ફોનની ઘંટડી રણકી ઉઠી. બીજલે ફોન લીધો.

‘હલો, નાની કેમ છો’?

‘હા દીકરા, આશિર્વાદ. અત્યારે સમય શું થયો. તમારા બધાની સાથે વાત કરવાનું મન થઈ ગયું.’.

‘નાની, નાના કેમ છે? સમય તો એકદમ ઉત્તમ  જોઈને તમે ફૉન કર્યો. મમ્મીને આપું. હેં નાની તમે ને નાના અંહી આવવાની તૈયારી કરો હવે!’

હજુ કેમ પૂછે, તે પહેલાં દ્રષ્ટીને હાથમા ફૉન પકડાવ્યો.

‘મમ્મી જય શ્રી કૃષ્ણ’.

દ્રષ્ટી બોલતી હતી ફોનમાં. સામે છેડે મમ્મી  હતી પણ શરમના શેરડા તેના મુખ પર છવાયા હતા. આલોકને જોવાની મઝા આવી રહી હતી. તે જાણતો હતો દ્રષ્ટી એની વાતોમાં રહેલા ભાવને બરાબર સમજતી અને તેને કારણે તેના મુખના ભાવ પલટાતા હતા. દ્રષ્ટી બધા ઈશારા સમજતી હતી. જેને કારણે  શરમથી કોકડું વળી જતી. દ્રષ્ટીને આલોકની બધી વાતોમાં દીર્ઘ દેખાતો હતો. દીર્ઘ સાથેનું  પ્રેમ પ્રકરણ કેટલી મધુરતાથી છલકાતું  હતું. દીર્ઘને માટે કેટલા વર્ષ રાહ જોઈ હતી. ટ્રીટમેન્ટ દરમ્યાન આલોક, દીર્ઘનો ભાગ ભજવતો. જેને કારણે દ્રષ્ટીને દર્દમાંથી  બહાર આવવામાં સરળતા સાંપડી હતી. કોણ જાણે કેમ આલોકમાં દીર્ઘ ભાળી તે આજે મોહાંધ બની હતી.

દ્રષ્ટી પાછી વર્તમાનમાં આવીને પટકાઈ. ‘મમ્મી હું, ક્યાં ધીરેથી બોલું છું. અંહી બધા ડીનર પછી મિઠાઈની.  રાહ જોતાં બેઠા છે. મારે કિચનમા જઈ બધાના મિઠાઈના બૉલ  તૈયાર કરવાના છે. હવે તું પપ્પા અને મમ્મી સાથે વાત કર’. મમ્મી પૂછે તે સવાલના જવાબ આપવા અત્યારે બધાની હાજરીમાં દ્રષ્ટી અસમર્થ હતી.

હા, હું સમીર બોલું છું. ‘સ્વાતિ બહેન અમેરિકા આવવાની તૈયારી કરો. તમે અને રોહિતભાઈ બન્ને, બને એટલી જલ્દી ટિકિટ બુક કરાવો.’

સામે છેડે શું બોલાતં એ એકલા સમીરભાઈ સાંભળે.

‘હા, પણ તમારી હાજરી જરૂરી છે’.

‘કારણ, તમે આવો એટલે તમને જણાવવામાં આવશે ‘. ફૉન ઉપર તમને કશું જણાવવામાં નહી આવે.

રોહિતભાઈએ દીર્ઘના મમ્મીની (લીના બહેન) સામે જોયું.  તેઓ મલકાતા હતાં. ઈશારાથી કહી રહ્યા હતા તેમને કશું કહેતા નહી !  પતિની વાત કરવાની આવડત પર વારી ગયા.

બિજલ અને અભીએ જોરથી હાઈ-ફાઈ કર્યું. આલોક જાણતો હતો . આખું કુટુંબ શું ચાહે છે. દરેકની હિલચાલ અને આંખોના ભાવ સ્પષ્ટ પણે વંચાતા હતા. કોને ખબર કેમ તે દ્રષ્ટીને જોતાં ધરાતો ન હતો. દસ વર્ષનો વિયોગ દ્રષ્ટીને અને પાંચ વર્ષનો વિયોગ આલોકને ! જુવાન હૈયા, એકલતામાં સાથી વગરના શુષ્ક હતાં. પ્રેમની માધુર્યતાનો અનુભવ કરવા આતુર હતા. દ્રષ્ટી શરમના પડદા પાછળ  લપાઈ હતી,  બોલવાની  હિમત જુટાવી શકતી નહી. સમિરભાઈ અને લીના બહેનની આમન્યા. બાળકોની સમક્ષ પોતાના હૈયાની વાત કરવી તેને જચતી નહી. આલોક સામે આંખોથી વાત કરી લેતી. આલોક આજે  દ્રષ્ટીના હાવભાવને  બરાબર ઓળખી શકતો હતો.

આલોક સાથે વાત કરવા માટે શબ્દ ન્યાય આપશે એવું ન લાગ્યું.  દિલથી દિલના તાર. આંખોથી આંખોના ઈશારા બસ હવે વધુ શેની આવશ્યકતા હતી? હજુ ખુલ્લી રીતે વાતનો ઘટોસ્ફોટ થયો ન હતો. આગ્રહ પૂર્વક સ્વાતિ બહેન અને રોહિતભાઈને અમેરિકા આવવા માટે મનાવીને   સમિરભાઈ ઝંપ્યા.

બધા દ્રષ્ટીએ બનાવેલી અંગુર રબડીને ન્યાય આપી રહ્યા હતા. આલોક સાથેની વાતોમાં દ્રષ્ટી જાણવા પામી હતી કે આલોકને બંગાળી મિઠાઈ ખૂબ ભાવે છે. તેને માટે ખાસ અંગુર રબડી અને જાતજાતના સંદેશ બનાવ્યા.  જીવનના દસ વર્ષ દ્રષ્ટીની કિતાબમાં આડી અવળી, ચિત્ર વિચિત્ર લીટીઓથી ચિતરાયા  હતા. હવે, તેમાં ભાતભાતની કારીગરી કરવાનો સમય પાકી ગયો હતો. રાત ગુજરતી હતી. આલોકે જવા માટે રજા માગી. સમિરભાઈ અને લીનાબહેન, મોડું થયું હતું એટલે સૂવા જતા રહ્યા. જતા પહેલાં તેમણે બન્નેએ  આલોકની રજા લીધી !બીજલ અને અભિ કાલે સ્કૂલ છે કહીને છટકી ગયા.

આલોકે નિરાંતનો શ્વાસ લીધો. ‘મને પાણી મળશે’?

દ્રષ્ટી, ક્રિસ્ટલનો પાણીથી ભરેલો ગ્લાસ આકર્ષક ટ્રેમાં મૂકીને લાવી.

ગ્લાસ લેતાં તેના હાથને હળવો સ્પર્શ કર્યો. ‘દ્રષ્ટી, હવે તો મારી આંખમાં આંખ મિલાવ’!

‘દ્રષ્ટી, આખી સાંજ વાતો દ્વારા મારા હ્રદયના ભાવ  તને બતાવતો રહ્યો. તને નિરખવામાં અને તારા પ્રત્યુત્તર રૂપી ભાવો દ્વારા મેં જે અનુમાન બાંધ્યું છે. એ સાચું છે ને ?’ આટલું બોલી અંતે,આલોકે દ્રષ્ટીની  હડપચીને સ્પર્શ કરવાની ધૃષ્ટતા કરી. દ્રષ્ટીને ખૂબ ગમ્યું. સંકોચાઈ અને તેની નજદીક  સરી. આલોક આ ઈશારાનો અર્થ ન સમજે એવો કિકલો ન હતો. તેણે દ્રષ્ટીને આલિંગનમાં જકડી લીધી. બે જુના ભૂતકાળ વિસરાતા ગયા અને નવા વર્તમાનમાં ઉજળા ભવિષ્ય કાળે જન્મ લીધો

સંપૂર્ણ

 

 

 

 

Advertisements

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s