ગૌતમ એક શિક્ષક હતો. એક શિક્ષકને અનુરૂપ બધા જ ગુણ એનામાં હતાં એ શાંત સરળ, મિલનસાર અને હસમુખો હતો. જિંદગીના હર ચઢાવ – ઉતારને એ ઈશ્વરની મરજી ગણી સ્વીકારી લેતો. સ્નાતક થયા પછી આગળ ભણવાની ઘણી ઈચ્છા હતી પણ પિતાજીના મૃત્યુના કારણે એ શક્ય ન બન્યું તો શિક્ષકની નોકરી પણ ઈશ્વરની મરજી ગણી સ્વીકારી લીધી . એની સરળતા અને પ્રમાણિકતા ના કારણે ઘણીવાર એને સ્પર્ધા તેમ જ ઈર્ષ્યાનો ભોગ બનવું પડતું પણ એ બધું જ ઈશ્વરની મરજી ગણી સ્વીકારી લેતો.
એની પત્ની મોહિની સાથેનું એનું જીવન પણ એટલું જ સુંદર હતું. મોહિની ધાર્મિક અને સંસ્કારી હતી. મોટાભાઈ અને ભાભીએ પિતાજીની બધી જ મિલકત પર હક જમાવી લીધો તો પણ ગૌતમ ખામોશ જ રહ્યો. મોહિની ઘણી વાર ગૌતમ સાથે થતા અન્યાયથી અકળાઈ જતી પણ દરેક વખતે ગૌતમ એને પ્રેમથી મનાવી લેતો. લગ્નજીવનના પાંચ વર્ષ પછી મોટાભાઈને હસતા મુખે પિતાજીનું ઘર સોંપી દીધું અને પોતાનું એક નાનકડું ઘર લઇ લીધું. મોહિનીએ પોતાના એ પ્યારા ઘરને ‘સ્વપ્ન‘ નામ આપ્યું. પૂરી મહેનત અને દિલો દિમાગથી મોહિનીએ સ્વપ્નને સજાવી દીધું. કલાત્મક અને જરૂરી વસ્તુથી સજ્જ એમનું ઘર જાણે સ્વર્ગ બની ગયું હતું. ઘર સાથે મોહિનીને ગજબનો લગાવ થઇ ગયો હતો.
સાંજના શાળાએથી આવીને જમ્યા પછી બંને હીંચકા પર ઝુલતા અને અલકમલકની વાતો કરતાં . ગૌતમ શાળાએ જાય પછી મોહિની એનો મોટાભાગનો સમય પૂજાપાઠ અને પ્રવચન સાંભળવામાં વિતાવતી. મોહિનીને ઈશ્વરમાં અનન્ય શ્રદ્ધા હતી. ગૌતમ બધું જ ઈશ્વરની મરજી ગણી સ્વીકારી લેતો પણ પૂજાપાઠમાં ક્યારે ય સમય વિતાવતો નહી. સવારના ઉઠતાં અને રાત્રે સૂતાં એ ઈશ્વરની પ્રાર્થના કરતો. નવરાશના સમયમાં એ પુસ્તકોની દુનિયામાં ખોવાઈ જતો ઘણાં બધાં વિષયોના પુસ્તકો એણે વાંચ્યા હતાં . લખવાનો પણ એને શોખ હતો . ગૌતમ એણે વાંચેલી
પ્રેરણાત્મક વાતો મોહિનીને કહેતો. એ જે કંઈ પણ લખતો તે પણ એને કહેતો. મોહિની પ્રવચનની સારી વાતો તેમ જ આડોશપાડોશની વાતો કરતી. બંને એકબીજાથી ખૂબ જ ખુશ હતાં. લગ્નના દસ વર્ષ પછી પણ ઘરે પારણું ન બંધાયું તેથી મોહિની ક્યારેક ઉદાસ થઇ જતી પણ ત્યારે ગૌતમ બાળક જેવો બની જઈ એવી મસ્તી કરતો કે એની બધી ઉદાસી દૂર થઇ જતી .
તે દિવસે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો હતો. હિંડોળે ઝૂલતા ગૌતમે કહ્યું “આજે એક કવિતા સહજ રૂપે સ્ફૂરી છે . છ જ લાઈન લખાઈ છે. તને સાંભળવી ગમશે . સાંભળ
મને કોલાહલ નથી ગમતો પણ
આ વાદળોનો ગગડાટ પ્યારો છે.
મને અંજાવું નથી ગમતુ પણ
આ વીજળીનો ઝબકાર પ્યારો છે .
મને આંસુઓ નથી ગમતાં પણ
આ વરસતો વરસાદ પ્યારો છે. ”
મોહિનીએ ખુશ થઈને કહયું ” બહુ જ સરસ લખ્યું છે. “ને પછી થોડીવાર રહીને અચાનક બોલી ઉઠી ” ગૌતમ આજે પહેલીવાર મારા મનમાં પણ બે પંક્તિ સ્ફૂરી છે. સાંભળ
મને ભીંજાવું નથી ગમતું પણ
આ લાગણીનો છંટકાવ પ્યારો છે.
બસ , તારાં પ્રેમમાં મારે આમ જિંદગીભર ભીંજાતા જ રહેવું છે. તને પામીને હું બહુ જ ખુશ છું . ખેર ! તેમની આ ખુશી લાંબી ચાલી નહી . ઝરમર વરસતો વરસાદ મુશળધાર ને પછી સાંબેલાધારે વરસવા લાગ્યો. તાપી નદી છલકાયને ગાંડીતૂર બની વહેવા લાગી . નદીના પાણી શહેરમાં ભરાવા લાગ્યા.ગૌતમના ઘરમાં પણ ધીરે ધીરે પાણી ભરાવા લાગ્યા.દર મીનીટે પૂરની પરિસ્થિતિ વણસતી હતી.એમના સ્વપ્ન બંગલાનો નીચેનો માળ પાણીથી ભરાઈ ગયો . જીવ બચાવવા બંનેને અગાશીમાં આશરો લેવો પડ્યો . છત્રી ને પ્લાસ્ટીકનો સહારો હોવા છતાં બંનેને ભીંજાતા જ રહેવું પડ્યું . પાણી અગાશીમાં પણ આવી ગયું ને જો એકાદ કલાક આવી જ રીતે વરસાદ વરસતો રહે તો પૂરના પાણીમાં તણાયા સિવાય કોઈ બીજો વિકલ્પ ન હતો. વિદ્યુત પ્રવાહ ખંડિત થઇ ગયો હોવાથી ચોમેર ભયંકર અંધારુ હતું. પરિસ્થિતિ એટલી કપરી હતી કે કોઈ કોઈની મદદ કરી શકે એમ ન હતું. જો કે આવી હાલતમાં પણ ગૌતમ સ્થિતપ્રજ્ઞ રહીને પ્રકૃતિના તાંડવ ને શાંતિથી નિહાળી રહ્યો હતો. મોહિની તો ભયભીત બનીને ગૌતમનો હાથ પકડી ચુપચાપ ઉભી ઉભી ધ્રુજી રહી હતી. મોહિનીના ભયને દૂર કરવા આવી પરિસ્થિતિમાં પણ ગૌતમે કહ્યું “એય, આપણે કેટલા નસીબદાર છીએ. જીવ્યા પણ સાથે અને મરીશું પણ સાથે.” જો કે મોહિની જવાબ આપવાની હાલતમાં જ ન હતી.
સદભાગ્યે વરસાદે પોરો ખાધો.તાપીના પૂર પાછા વળ્યા. પાણી ધીરે ધીરે ઓસરવા લાગ્યું . ગૌતમ તો આ ઓસરતા પાણીને પણ શાંતિથી જોઈ રહ્યો હતો. પાણી પૂરું ઉતર્યા બાદ બંને નીચે આવ્યાં . સવાર થઇ ગઈ હતી અને ચારે બાજુ થયેલો વિનાશ દ્રષ્ટિગોચર થતો હતો. મોહિની નીચે આવી તો ખરી પણ એને પ્રાણથી યે વધુ વહાલા એના ઘર સ્વપ્નની હાલત જોઇને કમકમી ગઈ. આજુબાજુના લોકો પાસેથી જાત જાતની ખુવારીના સમાચાર આવતા હતાં, પણ મોહિની તો સ્તબ્ધ થઇ ગઈ હતી. ત્યાં જ સમાચાર મળ્યાં કે ગલીમાં સફાઈનું કામ કરનાર મનજી અને એની બૈરી દીવાલની નીચે ચગદાઈને મરી ગયાં હતાં . સદભાગ્યે કહો કે કમનસીબે મનજી અને ગંગાની આંખનું રતન ગોપાલ બચી ગયો. મોહિની આ સંભાળતા એકદમ જ ભાંગી પડી. ગૌતમે એને સંભાળતા કહ્યું “ઈશ્વરની મરજી આગળ
” ગૌતમને વચ્ચેજ અટકાવીને મોહિનીએ જોરથી કહ્યું “આ કેવી ઈશ્વરની મરજી ? મારી પૂજા , પ્રાર્થના અને ભક્તિનું શું આ ફળ? આખી જિંદગી તમે પરોપકારમાં અને ઈમાનદારીથી વિતાવી એનો આ બદલો? મેં કોઈનું શું બગાડ્યું હતું કે મારું ‘સ્વપ્ન ‘ આમ અચાનક જ ખંડિત થઇ ગયું . કેટલાં દિલથી મેં આ ઘરને સજાવ્યું હતું ને હવે આ ચાર ભીની લથબથ દીવાલ સિવાય બીજું કંઈ જ ન બચ્યું . બધું જ સાવ ખાલી ખાલી થઇ ગયું. હું મારા કન્હૈયા પાસેથી આનો જવાબ જરૂરથી માંગીશ. ”
ગૌતમે પ્રેમથી એનાં માથે હાથ ફેરવતાં કહ્યું, ” થોડી સ્વસ્થ થા અને સાંભળ. આ દિવસ – રાત, ધૂપ – છાંવ , વસંત – પાનખર, જીવન – મરણ આ બધું જ એક પરમ શક્તિને આધીન છે . શા માટે તું એમ વિચારે છે કે તારું સ્વપ્ન ખંડિત થઇ ગયું . તું એમ વિચાર કે એ પરમશક્તિએ ‘સ્વપ્ન‘ નું નવસર્જન કરવાની તને તક આપી છે. આપણે બંને સાથે મળીને એનું નવસર્જન કરશું. જો તારી ઈચ્છા હોય તો અનાથ ગોપાલને દતક લઇ આપણે એ નવસર્જનની શરૂઆત કરીએ . આપણું ખાલી ઘર ભરાઈ જશે . “મોહિનીની આંખમાં આ સાંભળતા જ એક ચમકારો થયો . એનું માતૃત્વ જાગી ઉઠ્યું . ઈશ્વર પ્રત્યેનો રોષ ઉતરી ગયો. મનોમન ઈશ્વરને વંદન કરતાં ને આંસુઓ લૂછતાં એણે કહયું ” આસમાની સુલતાની થઇ ગઈ તો પણ તમે તો એવાને એવા જ રહ્યા.” ને પછી મનોમન બોલી ” મારા ભોળા ભગવાન”. ગૌતમનો હાથ પકડી એણે કહ્યું ” ચાલો , હવે ઉભા શું રહ્યા છો ? ગોપાલ રડતો હશે. “બંને એક બીજાનો હાથ પકડી કાદવ ખૂંદતા ખૂંદતા ગોપાલના યશોદા ને નંદ બની ચાલી નીકળ્યાં .