“તમે એવાને એવા જ રહ્યા”– ચંદ્રહાસ ત્રિવેદી

બેઠકના વિષયને અનુરૂપ એક વાર્તા “તમે એવાને એવા જ રહ્યા -(ગુજરાત સમાચાર)

આગમ સાહિત્યમાં એક સત્ય નિષ્ઠ પંકપ્રિય નામના કુંભારની વાત આવે છે જે ઘણી રસપ્રદ છે. સત્યને સમર્પિત થઇને તે જીવતો હતો. તે કયારેય અસત્ય બોલતો નહિ એ તેનો મટો ગુણ હતો. પરંતુ તે કયારેય અસત્યને સાંખી શકતો નહિ તે તેની મોટી નિર્બળતા હતી. સંસારમાં કેટલાય માણસો સત્યનિષ્ઠ રહીને જીવતા હોય છે પણ વ્યવહારમાં દેખાતા કે બોલાતા અન્ય લોકોનાં અસત્ય કથનોને સહી લેતા હોય છે. આ પંકપ્રિયની ખાસિયત એ હતી કે તે વ્યવહારમાં હળવાશથી બોલાતાં અસત્ય કથનોને જીરવી શકતો નહિ અને જેવું કોઈ એવી વાત કરે કે તે ગુસ્સે થઇને પોતાનું માથું કૂટી નાખતો હતો.
કોઈ માણસ સામાન્ય દેખાતી સ્ત્રીને સારુ લગાડવા કે તેની ખુશામત કરવા કહે તે તો ચંદ્રમુખી છે અને પંકપ્રિય આ સાંભળે તો તુરત જ પોતાનું માથું કૂટી નાખે. કોઈ વ્યકિત સામાન્ય દેખાવના બાળકને લઈને જતી હોય અને સામે મળનાર કોઈ બોલે કે વાહ ભાઈ, આ તમારો દીકરો તો રાજકુંવર જેવો લાગે છે અને પંકપ્રિયને કાને આ શબ્દો પડે એટલે તેને કંઇ ને કંઇ થઈ જાય અને પોતાનું માથું કૂટી નાખે અને ઝઘડવા લાગે. ‘જુઠું તદ્દન  જુઠુ. આ વળી કયાં રાજકુમાર જેવો લાગે છે !’ જે વાત જેમ હોય તેનાથી વિપરીત કોઇ બોલે કે તેનાથી વધારે બોલે તો પંકપ્રિય માથાં કૂટવા લાગે.
પંકપ્રિયને માતા-પિતાએ તેને ઘણો સમજાવ્યો કે વ્યવહારમાં તો આમ જ ચાલે. સૌ પોત પોતાની રીત વાત કરે એમાં તું શું કરવા માથાં કૂટે છે ? પણ પંકપ્રિયથી રહેવાય જ નહિ. પરિણામે તેના માથાાં ઢીમણાં થઇ જતાં. છેવટે તેને લાગ્યું કે આ દુનિયામાં મારાથી નહિ જીવાય તેથી તે જંગલમાં ચાલ્યો ગયો અને ત્યાં એકાંત જગાએ એક નાની ઝૂંપડી બાંધીને સુખે રહેતો હતો.
હવે બનવાકાળ એવો થયો કે એક વખત તે પ્રદેશનો રાજા ભૂલો પડયો અને આકસ્મિક રીતે આ પંકપ્રિયની ઝૂંપડીએ જઈ પહોંચ્યો. રાજા ભૂખ્યો અને તરસ્યો હતો. પંકપ્રિયે તેની આગતા-સ્વાગતા કરી. રાજા ખુશ થઈ ગયો અને બંને વાતોએ વળગ્યા ત્યાં રાજાને ખબર પડી કે આ તો તેમના જ નગરનો કુંભાર છે પણ તેના સત્યના આવા દુરાગ્રહને કારણે અહીં આવીને વસ્યો છે. રાજાએ પંકપ્રિયને સમજાવીને સાથે લીધો અને કહ્યું,’ ‘હું તે વાતનું ઘ્યાન રાખીશ કે કોઇ તારી હાજરીમાં ખોટું બોલશે નહિ જેથી તારે માથાં કૂટવાં પડશે નહિ.’
વર્ષોથી એકલા રહેવાને કારણે પંકપ્રિય પણ કંટાળેલો તેથી તેણે રાજાની વાત વધાવી લીધી અને તે રાજા સાથે નીકળી પડયો. તેઓ થોડેક આગળ ગયા ત્યાં તેમણે એક સુંદર કન્યાને બોરડીના ઝાડ નીચે બોરાં વીણતી જોઈ. રાજાને આ કન્યા ગમી ગઈ. રાજાએ તેની સાથે થોડીક વાત કરી અને તેનાં નામ ઠામ જાણ લીધાં. નગરમાં આવ્યા પછી રાજાએ વજીરને બોલાવીને આ કન્યાની વાત કરી. ‘તેનું નામ ખખ્ખા છે. તમે જંગલમાં જાવ. તેનાં મા-બાપને સમજાવી પટાવીને મારા માટે માગુ કરી તેમને અહીં લઈ આવો. મારે તેની સાથે લગ્ન કરવાં છે.’
વજીર તો હુકમનો તાબેદાર. તે ખખ્ખાનાં માતા-પિતાને રાજી કરીને નગરમાં લઈ આવ્યો. રાજાએ ખખ્ખા સાથે લગ્ન કર્યાં અને ખખ્ખા રાજરાણી બનીને રહેવા લાગી. પંકપ્રિય તો રાજાનો સાથી બની ગયેલો. તે પણ રાજાની નિકટમાં મોજથી રહેતો હતો. તેને તો ખખ્ખાની આખી વાતની ખબર હતી. વાર-તહેવારે ત્રણે જણ જંગલમાં ફરવા માટે જાય. ખખ્ખા મૂળે વનવાસી હતી તેથી તેને જંગલમાં ફરવું ઘણું ગમતું હતું. એક મઝાને દિવસે ત્રણેય જણ જંગલમાં ફરવા નીકળ્યાં હતાં ત્યાં માર્ગમાં એ જગા આવી કે જયાં રાજાએ ખખ્ખાને બોરાં વીણતી જોયેલી. રાજાએ ઉત્સાહથી ખખ્ખા રાણીને પૂછયું, ‘ખખ્ખા ! ’ખબર છે આ કયું સ્થળ છે ? આ ઝાડ કયું છે ?’
રાજા સાથે આટલો સમય રહીને ખખ્ખા તો હવે રાજરાણીના પૂરા સ્વર્ગમાં આવી ગયેલી. તેણે મૃદુતાથી કહ્યું ‘મને ખબર નથી કે આ ઝાડને શું કહે છે. જગા મઝાની લાગે છે.
ખખ્ખાની આ વાત સાંભળતાં પંકપ્રિયનો મૂળ સ્વભાવ જાગી ઊઠયો અને તેણે માથાં કૂટતાં કહ્યું, ‘જોયુંને રાજા સાહેબ, આ રાણી કેવું બોલે છે ? અહીં તો તેઓ બોરાં વીણતાં હતાં.’
પંકપ્રિયની વાતથી અને વર્તનથી ખખ્ખા રાણીને માઠુ લાગ્યું. રાજાએ પંકપ્રિયને કહ્યું,  ‘મિત્ર, મેં તમને આટલા દિવસ સાચવ્યા પણ તમે એવાને એવા જ રહ્યા.. તમે રાણીની સામાન્ય વાતને જીરવી ન શકતા હો તો ભલે જંગલમાં જ રહો.’ અને પંકપ્રિય ફરીથી પોતાની ઝૂંપડીએ પહોંચી ગયો. ત્યાં જ તેણે જીવનનો શેષ કાળ પૂર્ણ કર્યો અને એકલો મર્યો.
પોતાની માન્યતા પોતાની સાથે ભલી. આખા જગતને આપણે આપણી રીતે વિચાર કરતા ન કરી શકીએ. ભલે અન્યની વાત સ્વીકારીએ નહિ પણ તેને સાંભળી તો લઈએ. સંસારમાં સુખે જીવવા માટે સહિષ્ણુતા જેવો કોઈ મોટો ગુણ નથી. સત્યનો પણ આગ્રહ થાય તો તે હિંસા બની જાય. સંસાર, તેની રીતે જ ચાલવાનો, સંસારમાં રહેવું હોય તો તે જેવો છે તેવો તેને સ્વીકારીને જ રહેવું પડે. અને તો જ સુખે જીવી શકાય.

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s