કયા સંબંધે ! (૧૫) રાજુલ કૌશિક

“હું મારા ચારે છોકરાઓની જ કાંધે ચઢીને જઈશ. અને મને અગ્નિદાહ તો મારો આશિર જ આપશે.”
હવે આવું કોઇ સાંભળે તો એમાં નવુ શું લાગે? કોઇ પણ મા-બાપ હોય તો અંતિમ સફરે જવાની ઇચ્છા તો પોતાના છોકરાની કાંધે ચઢીને જ જવાની હોય ને? પણ ના! આ એક એવી વ્યક્તિની વાત છે જે આ ચારે છોકરાની નથી મા કે નથી બાપ. નથી કોઇ લોહીનો સંબંધ કે નથી સગપણનો સંબંધ.
તો પછી આવી ઇચ્છા ? કયા સંબંધે ! 
 
વાત જરા માંડીને કરીએ તો આજથી લગભગ ૬ દાયકા વળોટીને ભૂતકાળની સફરે જવું પડે.
નાની અમસ્તી દિકરીને મુકીને દવાખાને જવું એ જ વાત ડૉ. અનિતાને ભારે વિમાસણમાં મુકી દેતી હતી. પણ કોઇ રસ્તો તો શોધવો જ પડે એમ હતો. દવાખાનું કેટલા દિવસ બંધ રાખી શકાય? અને એક રસ્તો મળી ગયો. ઋજુતાને સાચવે એવા એક માયાળુ બેન મળી ગયા. શારદાબેન એમનું નામ. પરિવારમાં આગળ પાછળ કોઇ બંધન નહોતું . હતા તો ફક્ત એમના પતિ કાંતિલાલ, પણ એ ક્યારે કેમ અને ક્યાં જતા રહ્યા હતા એની માહિતી શારદાબેન તો શું કાંતિલાલના ભાઇ-બહેન કે એમના ધંધાના ભાગીદારને પણ નહોતી. શારદાબેનને કોઇના ઓશિયાળા બનીને રહેવું નહોતું નહીંતર એમનો ય હર્યો ભર્યો સંયુક્ત પરિવાર હતો. દિયર-જેઠ અને એમના ય બાળકો મળીને સૌ શારદાબેનને અત્યંત માન આપતા અને પ્રેમ પણ એટલો જ કરતા પરંતુ જેમના નામનો ચુડો પહેરીને આવ્યા હતા એ નામધારી વ્યક્તિ જ જો ન હોય તો એમના પરિવારને આધારે શું કામ રહેવું?
 
એટલે પોતાની રીતે સ્વતંત્ર થવાનો માર્ગ શોધી લીધો. અને ડૉ. અનિતાબેનના ઘેર ઋજુતા માટે રહી ગયા. અને એ માત્ર ઋજુતા જ નહીં ડૉ. અનિતા અને અજયભાઇના પણ વડીલ બની ગયા. જે  કાળજી અને મમતાથી એમણે ઋજુતાને જ નહીં પણ ઘરને પણ સંભાળી લીધુ હતું એનાથી ડૉ. અનિતાને હવે  ઋજુતા કે ઘરની કોઇ ચિંતા રહી નહોતી. ઋજુતા જ નહીં પણ એ ડૉ. અનિતાના ય મા બની ગયા કારણકે ડૉ. અનિતાએ એની અગિયાર જ વર્ષની ઉંમરથી મા ગુમાવી હતી.
 
જેટલી મમતાભરી કાળજી શારદાબા લેતા એટલો રૂઆબ પણ જમાવતા. અનિતાને એ ય મંજૂર હતું કારણકે એમાં ય કોઇ અપેક્ષા વગરનું વ્હાલ જ હતું. ઋજુતાને મોટી કરતા તો નવ નેજા પાણી ઉતર્યા કારણકે અવાર-નવાર એને માંદગી નડી જતી અને માંદગી ય એવી કે સૌના શ્વાસ અધ્ધર થઈ જતા. ક્યારેક તો એ ભગવાનના ઘરનું બારણું ખખડાવીને પાછી આવી હોય એવી ક્ષણો પસાર થઈ જતી. અનિતા અને અજયની સાથે શારદાબા પણ રાતોની રાતો જાગતા. ડૉકટરની દવા સાથે શારદાબાની દુવા કામ લાગતી. ઋજુતા આંખો નહીં ખોલે ત્યાં સુધી પાણીનું ટીપું પણ મ્હોં માં નહી મુકુ એવી આકરી બાધા ય શારદાબા લઈ લેતા. આવા તો કેટલાય પ્રસંગો બન્યા કે જ્યાં શારદાબાની પ્રેમહઠ જીતી જતી. 
 
ખેર ઋજુતા મોટી થઈ .એ પછી નમિતા ,અનિકા અને છેલ્લે આશિર.  
 
શારદાબા એ સૌને સાચવી લીધા. પણ આશિર પર તો એમનું અદકેરુ વ્હાલ. એક બાજુ આશિર અને બીજી બાજુ આખી દુનિયા હોય તો આશિર તરફનું એમનું પલ્લુ નીચે ઢળેલું હોય જ. શારદાબા આશિરની વાત આવે ત્યાં શારદા મટીને યશોદા બની જતા. જે નિર્વ્યાજ પ્રેમથી યશોદાએ કૃષ્ણના લાલન-પાલન કર્યા એવા અદ્કેરા પ્રેમથી આ યશોદા એ એમના કૃષ્ણના લાલન-પાલન કર્યા. કાનુડાના તોફાનોથી વાજ આવી કયારેક યશોદાએ એમને પાશથી બાંધી – ખાંડણીયા સાથે બાંધી દીધાનું સાંભળ્યુ છે પણ યશોદાને મન તો એનો કાનુડો અને તોફાન ? ? અને ભુલ ? કરે જ નહી ને !  વિતેલા વર્ષોમાં લગ્નની ઊંમરે પહાચેલી ત્રણેય દિકરીઓને એક પછી એક વળાવી. દિકરીઓ વળાવતા પરિવારમાં ખાલીપો સર્જાવાના બદલે આ પરિવાર કંઇક વધુ વિસ્તર્યો  વધુ બહોળો બન્યો. દિકરીઓ ને વળાવીને દિકરાઓ એ પરિવારમાં ઊમેરાયા.
 
બહારથી આવનાર વ્યકિત કયારેય સમજી ના શકી કે આ કોના બા છે ?  ચારે ભાઇ-બહેનોના ? અનિતાના ? અજયના  ? પણ અનિતા અજય માટે તો આ બધુ ગૌણ હતુ. મહત્વનો હતો શારદાબાના સ્નેહના તાંતણે બંધાયેલો એમનો પરિવાર.
 
શારદાબાના આ નિર્વ્યાજ પ્રેમની સામે કયારેય જો કોઇ અપેક્ષા હોય તે એક જ માત્ર.  એને પોતાની અંતિમયાત્રા એના ચારે છોકરાઓને એટલે કે ઋજુતા , નમિતા, અનિકા અને આશિરના ખભે ચઢીને કરવી હતી. દિકરી અગ્નિદાહ આપે તે તો હવેની વાત થઇ પણ આજથી પચીસ વર્ષ પહેલા દિકરીઓના ખાંધે ચઢવાની વાત તો શારદાબા  જ કરે. એવું નહોતું કે એમને પોતાના સગા-વ્હાલા નહોતા પોતાના સગા તો હતા પણ વ્હાલા તો આ ચારે ભાઇ-બહેન.  – સગાઓ એ એમની એ ઇચ્છા પણ સ્વીકારી લીધી. ગંગાજળ કે અંતિમ સંસ્કાર તો આશિર જન્મ્યો ત્યારથી જ શારદાબા એ એના માટે નિશ્ચિત કરી દીધા હતા. અને દોણી પકડવા હવે તો ઋજુતાનો દિકરો તો હતો જ.- પાંચ વર્ષની ઉંમરે દોણી કોને કહેવાય એની એને ખબર નહી પણ બા ને વિદાય આપવા માટે દિવો લઈને રસ્તો બતાવવો પડે એવું કંઇક એણે માની લીધુ. 
 
સૌ પાસે શારદાબાના તો અઢળક સંસ્મરણો હતા પણ એ નાનકડા બાળકે – એ દોહિત્રએ પોતાની રીતે બા ની યાદ સાચવી લીધી – બા એ આપેલા કાલુના ફૂલમાંથી ઝાડ વાવી દીધુ – જાણે ઝાડ જેમ ફાલશે તેમ ફાલશે તેમ બા ની છાયા પણ અનુભવાશે – વળી બા ના અસબાબમાંથી શારદાબાનો એક સુંવાળો સાડલો કાઢી પોતાના ખજાનામાં મૂકી બા ની યાદને ચિરસ્મરણીય બનાવી.

આજ સુધી કોઇને તો શું પણ આ પરિવારને પણ સમજણ નથી પડી કે કયા સંબંધે આ સ્નેહગાંઠથી એ સૌ બંધાયેલા હતા.
 
 
 

Advertisements
This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s