સબળા નારી ૩ પ્રવીણા કડકિઆ

sabala nari.

 

સબળા નારી  ૩ પ્રવીણા કડકિઆ

 

ગૌરી એકદમ હરખ પદુડી જણાતી હતી આટલી ખુશ તો કદાચ તેના લગ્ન રાવજી  સાથે થયા ત્યારે પણ  નહોતી. બાળકી હતી, કશું ભાન હતું નહી. માતા અને પિતાએ કહ્યું એટલે રવજી સાથે પરણીને સાસરે આવી. આજની વાત જુદી હતી. તેના હૈયાનો હાર, કલેજાનો ટુકડો ગોમતીનું માગુ લઈને તેના દાદા જવાના હતા. ફરક એ હતો કે ગોમતીને મનનો માન્યો મળવાનો હતો ! ધનજી અને ગોમતી એક બીજાને ચાહતા હતા એ બધાને ખબર હતી. તેથી જ તો ગૌરી, ગોમતીને પરણાવવા ઉંચી નીચી થતી હતી. જુવાનીના આવેશમાં કોઈ આડુ પગલું ભરાઈ જાય તો નાલોશી લાગે તે જાણતી હતી. દીકરીની મા હમેશા સાવધાન હોય! સસરાજી આવી ગયા હતા. ગોમતીની વાત કાને નાખી. ઘડી ભરના વિલંબ વગર તૈયાર થઈ ગયા. તેઓ જાણતા હતા ‘સારા કામમાં સો વિઘ્ન આવે’ !

ગૌરી ખૂબ  ખુશ થાય તેમાં શી નવાઈ ? રવજીની ખોટ સાલી પણ તે તો હવે થોડા દિવસોની  વાત હતી. આંગણામાં શરણાઈના સૂર રેલાઈ ઉઠશે. ઢોલ ઢબૂકશે અને છમ છમ કરતી ગોમતી તેના મનના માનેલાનો હાથ ઝાલી સાસરે વિદાય થશે. મહેંદી ભર્યા ગોમતીના હાથની કલ્પના તેના મનને ભાવી. પીઠી ચોળતી વખતે કયું ગીત ગાશે તે ગણગણી રહી. હા, તેનું આંગણું સુનું થશે પણ એ તો કુદરતનો ધારો છે. તે પણ એક દિવસ પિયર છોડી સાસરે સંચરી હતી. ‘ગૌરી, હવે વર્તમાનમાં આવ, ખયાલોમાં ખિચડી પકાવવાનું બંધ કર’! અંતરનો અવાજ સંભળાયો! મનમાં પાછી ઘડા લાડવા ઘડવા માંડી.

હરિહર જોશીડાને તેડું મોકલવું પડશે. ખાસ કહેવાનું ઘડીનો વિલંબ કર્યા વગર આવી જાય. વાર જોવાનો, તિથી જોવાની અને મૂહર્ત જોવાનું.

‘બાપુ આજે પેલા હરિહરને તેડાવ્યો છે’.

‘હા, બેટા એ આવીને સારો દિવસ અને ચોઘડિયુ બતાવી જાય એટલે જઈશ’. એ બે દિવસ પછી આવ્યો. ગૌરીએ પરોણાગત કરી અને શા કાજે તેડાવ્યો છે તે બરાબર સમજાવ્યું. જુઓ, હરિહરકાકા, સારો દિવસ, વાર ચોઘડિયુ જો જો. આપણી ગોમતીનું માગુ લઈને બાપા અને ધરમશી ભાટિયા જાતે જવાના છે. જેટલો સમય લેવો હોય તેટલો લો. ત્યાં સુધીમાં હું શીરો અને ભજિયા બનાવું છું. પ્રેમથી ખાઈને જજો.

શીરો અને ભજિયાનું નામ સાંભળી હરિહરકાકાના મોઢામાં પાણી આવ્યું. થેલીમાંથી પંચાગ કાઢ્યું અને ગણતરી કરવા લાગ્યા. બે દિવસ પછીનું મુહર્ત બતાવ્યું અને અખાત્રીજ  લગ્ન માટે પણ કહ્યું. રવજી એ પહેલા આવી જશે તેની ખાત્રી કરી લીધી.

સારા  સુરભી ગાયના શુકન જોઈને બાપુ અને ધરમશીભાઈ નિકળ્યા. ગૌરીએ કંસાર તો ખવડાવ્યો પણ પાછું નિકળતા ગોળ દીધો અને તાજુ મીઠુ દહી ખવડાવી વિદાય કર્યા. મેઘજીભાઈને ઘરે દીકરી ગોમતીનો હાથ તેમના દીકરા ધનજીને સોંપવા.’ખુબ સુંદર અવસર હતો. બન્નેના મનમાં આશા અને ઉમળકાનો સાગર ઉમટી રહ્યો હતો. અધુરામાં પુરું ધનજી અને ગોમતી એકબીજાને ખૂબ ચાહતા હતા એ વાત અજાણી ન હતી. ઘીના ઠામમાં ઘી પડી રહે એનાથી વધુ આનંદની  વાત  કઈ હોય?

ગોમતીને ખબર પડી દાદા અને ધરમશી બાપુ ધનજીના બાપુને ત્યાં જાય છે. પાછલે બારણેથી દોડી ઝટ ધનજી પાસે આવી. ધનજી તેના કામમાં ગળાડૂબ હતો. તેની પાસે સરીને કાનમાં બોલી,

‘એય , આજે હું બહુ ખુશ છું!”

‘કેમ આજે કાંઈ ખાસ વાત છે’?

‘અરે, તને કહીશ તો તું મને —-‘!

‘હા, હા બોલ હું તને—‘?

‘ઉચકીને ગાલે—‘?’

‘તું છે ને યાર વાત નથી કરતીને વાતમાં મોણ નાખ્યા કરે છે’.

‘પ્રિયે, વાત એવી છે કે  તને કહું કેવી રીતે’?

‘તારા સુંદર મુખેથી’!

‘હા, તો સાંભળ મારા દાદા અને ધરમશી બાપુ તારે ઘરે આજે આવે છે’.

ધનજીને ગોમતીને ચીડવવાની અને તેના હાવભાવ જોવાની મઝા આવતી હતી. જાણી જોઈને તેને પરેશાન કરતો હતો. ‘તો ભલેને આવતા’!

‘એય, પાગલ તારી ને મારી વાત કરવા’!

‘ઓ, હવે ખબર પડી કહી ગોમતીને લાજ શરમ છોડી ઉચકી લીધી અને પાગલની માફક ગોળ ગોળ ફરવા લાગ્યો.

‘હવે મને નીચે મૂકીશ ? ચક્કર આવે છે.’

જેવી નીચે મૂકી કે ગોમતી પાછી ઘર તરફ નાઠી. આવી હતી તેના કરતા બમણી ઝડપે દોડી. તેને ડર હતો કે મા ને ખબર પડી જશે તો ?

બાપા ધરમશીભાઈ ભાટિયા અને ગૌરીના બાપાને ઘર જેવા સંબંધ. ધરમશીભાઈને ગૌરી જાણે પોતાની દીકરી હોય એટલું વહાલ. હવે ગૌરીની દીકરી ગોમતીનું માગુ લઈને રવજીના બાપા સાથે જવાનું હોય એ તેમને મન ગૌરવ અપાવે એવી વાત હતી.તેમણે જુવાનીમાં ‘સ્ટીમ કંપની ‘ ચાલુ કરી હતી. નાના ગામના નવા નિશાળિયા  પાસે બહુ મૂડી મળે નહી. નસિબનું પાનું ક્યારે ફરે તેને કોણ કહી શકે. આજે બે દીકરા જોડાયાને મોટી કંપનીમા દીકરાઓ સાથે ભાગિ્દાર બની ગયા. હવે પોતે નિવૃત્ત જીવન ગાળતા. ગામમાં શાખ અને નામના જમાવ્યા હતા. ટાણે , કટાણે મદદ કરવામાં પહેલો નંબર.

ધરમશી ભાઈ ભાટિયાને નામે સિક્કા ચાલે. મોટા સખાવતી ગામના મોભાદાર માણસ. દરિયાવ દિલના હોવાને કારણે કદી કોઈ માણસ ખાલી હાથે પાછો ન ફરે. તેમને થતું ‘તારું દીધું લેવું ને તારું દીધું દેવુ’. જ્યારે ઈશ્વરે આટલી મહેર કરી છે તો શામાટે દિલ ટુંકું રાખવું. અડધી રાતે કોઈને કામ પડે તો ધરમશી શેઠ હાજર જાણવા. ધરમશી શેઠ ગાંઠનું ગોપીચંદન કરીને પણ ગામના લોકોના કામ કરે. એમાં જો જેની સાથે સંબંધ સારા હોય તેમને કાજે મરી ફીટે. ગામની ઘણી સંસ્થામાં પ્રમુખ હોવાને કારણે નિવૃત્તિકાળમાં ખૂબ પ્રવૃત્તિમય જીવન વિતાવે છે.

નાના મોટા કૌટુંબિક પ્રશ્નોનું નિરાકરણ ચપટી વગાડતા કરે. લોકો તેમને ઈજ્જત આપે . તેમની વાત પર સંપૂર્ણ ભરોસો મૂકી કબૂલ કરે !આજે તેમને હરખ માતો ન હતો. ગૌરીની દીકરી, ગોમતી માટે આવો કનૈયા કુંવર જેવો ધનજી સરસ મજાનો લાંબો ડગલોને પાઘડી પહેરી તૈયાર થઈ ગયા.

તેમણે  ગૌરીને નજર સમક્ષ મોટી  થતા જોઈ હતી.  એ ગૌરી રવજીની સાથે પરણી ત્યારે એમની આંખોના આંસુ  રોકાતા ન હતા. આજે એની દીકરી ગોમતી પરણવા જેવડી થઈ ગઈ. ગોમતીના બાપ રવજીની ખોટ સાલી, જ્યારે બાપ કરતા  દાદા આવી શુભ વાત કરવાના હોય એનો ઉમંગ અનેરો હોય. રવજીને તે પોતાનો જમાઈ ગણતા. રવજીની પ્રગતિ અને તેની ચડતી જોઈ પોરસાતા. તેની  લાખોમાં એવી એકની એક દીકરી ગોમતી પરણવા જેવડી થઈ ગઈ તે આનંદનો અવસર હતો.

નિવૃત્તિ કાળ દરમ્યાન સારા પ્રસંગે ધરમશીભાઈ ભાટિયાએ જ્યારે સાથે જવાની હા ભણી તેથી ગૌરી ખૂબ હરખાઈ. એમના બોલનું વજન પડે. ગામમાં પાંચમા પુછાય એવા વ્યક્તિની સાથે જવાનું છે એ જાણી રવજીના બાપુ પણ ખૂબ ખુશ થયા. ધંધાનું સુકાન બન્ને બાળકોને સોંપી તેઓ પાછલી જીંદગી ઉદ્યમ પૂર્વક જીવતા. ગામમા મોટી હૉસ્પિટલ બંધાવી. શાળા માત્ર નાના બાળકોની હતી.  વિદ્યાની અગત્યતા જાણતા તેથી મોટી શાળા બંધાવી. છોકરાઓને રમવા માટે મેદાન  બનાવડાવ્યું. રમત ગમતના સાધનો પણ વસાવી આપ્યા.

‘  બાપુ, ગોમતીના પિતાજી  (રવજી) તો હજુ આવી શકવાના નથી તમે અને મારા બાપુની જગ્યા લે એવા ધરમશી કાકા બન્ને સાથે ગોમતીનું માગુ લઈને મેઘજીભાઈને દ્વારે જજો! હરિહર જોશીડા એ મૂહર્ત જોઈ ચોઘડિયું કાઢી આપ્યું  છે. તમે બન્ને એ સમયે ઘરેથી પધારજો. હું તાજા ઘીનો કંસાર બનાવીને લાવું છું’!

શ્રીધરમશી ભાટિયા અને રવજીના બાપુ ઘરેથી નિકળ્યા ત્યારે ગૌરીએ  કુલડીમાં રાંધેલો ઘી અને ખાંડ મિલાવેલો કંસાર બન્નેને આગ્રહ કરીને ખવડાવ્યો. હરિહરના કહ્યા પ્રમાણે શુકન અને શુભ ચોઘડિયુ જોઈ બન્ને સિગરામમાં બેસીને નિકળ્યા. આખે રસ્તે તેઓ ગોમતીના ગુણ અને રૂપની વાતો કરતા  ધરાયા નહી. મેઘજીભાઈને ઘરે કહેણ મોકલ્યું હતું.  વેવાઈને ત્યાં જવાનું હતું. વટવહેવાર બરાબર સાચવવો પડે, એમાંય દીકરાના બાપ હમેશા વેવાઈનો મોભ અને મર્યાદા જાળવે. દીકરાવાળા પણ હેત ભેર આગતા સ્વાગતા કરે અને ધીર બંધાવે. તમારી દીકરી અમે સાચવશું. હવે એ અમારા ઘરની લાજ અને શરમ સાચવી આબરૂ વધારશે!

મેઘજીભાઈ આંગણે આવેલા અતિથિનું ઉમળકાભેર સ્વાગત કરે છે.  તેમને આજનું નિમિત શું છે તેનો બરાબર ખ્યાલ હતો. હરખ માતો ન હતો.  દીકરા માટે ગોમતીનું માગું લઈને આવનાર અતિથિનું સ્વાગત તેમાં જારાય ખામી ન આવવી જોઈએ. સાથે ધરમશી ભાટિયાને જોઈ રાજીના રેડ થઈ ગયા.

‘આવો, આવો મુરબ્બી તમે અમારું  ખોરડું પાવન કર્યું’!

નમ્રતા જીભને ટેરવે વસી હોય એવા ધરમશી ભાટિયા કહે,’અરે ત્રણ મેડીવાળી હવેલી ખોરડું કહેવાતું હોય તો ખોરડાને શું કહીશું’?

ત્રણેય જણા ખડખડાટ હસી પડ્યા. મેઘજીભાઈના બા દોડીને આવ્યા., આવો, ભલે પધાર્યા. વેવાઈ બોલવા જતા હતા ત્યાં અટકી ગયા. ‘અરે કહો , કહો આનંદથી આજે કહો. અમે અમારી લાડલી દીકરીનું  માગુ લઈને આવ્યા છીએ. તમે મંજૂરીની મહોર મારો એટલે હવેથી આપણે વેવાઈ, બરાબરને ‘?

મેઘજીભાઈને તો ભાઈબંધની દીકરીનું માગુ ધનજી માટે આવ્યું જાણી સોનામાં સુવાસ હોય તેવું લાગ્યું. સહુને ખબર હતી આ એક દિવસ થશે. એ શુભ દિવસ આજે છે તે જાણી ખૂબ આનંદ થયો.

બાએ ખુશીથી માથું ધુણાવ્યું અને બોલ્યા,’ હા ઉભા રહો હું ગોળધાણા લાવી મ્હોં મીઠુ કરાવું એટલે વાત પાકી’.  આજે કાયદેસર વાત આવી તેથી આનંદમાં ઉમેરો થયો. જે ઘડી પળની બન્ને કુટુંબો વાટ નિહાળી રહ્યા હતા એ આજે હકિકતમાં પલટાઈ. મેઘજીભાઈની માએ ખબર હોવાથી ખંડવા ઘંઉને દળાવી રાખ્યા હતા. તાજો કંસાર ચુલા પર રાંધ્યો, તેમા ઘી ને બુરુ ભેળવી સહુને પ્રેમથી જમાડ્યા.

મેઘજીભાઈ ખુશીથી હરખાઈ ઉઠ્યા. ગોમતીનાા દાદાને  કહે,’ આ તો મારી અંતરની ઈચ્છા હતી. આજે મારા સપના સાકાર થયા. તમે મારા ભાઈબંધની દીક્નુંરી કહેણ લઈને ક્યારે આવશો એની તો અમે કાગડોળે રાહ જોતા હતા. આજે મારે આંગણે સોનાનો સૂરજ ઉગ્યો. મારો ધનજી અને ગોમતી એકબીજાને પસંદ કરે છે. તમારી છોડી અમારે ઘેર આવીને રાજ કરશે.’

બે વખત ઘરભંગ થયેલા મેઘજીભાઈ આજે અંતરની વાણી બોલતા થાકતા ન હતા. ‘ગોમતીએ તો મારી બાનું દિલ પણ જીતી લીધું છે. જ્યારે પણ અંહી આવે ત્યારે, ‘બા બેસો તેલ ઘસી દંઉ’.કહેતીકને માથામાં ઘસવાનું ધુપેલ જરા ગરમ કરી બાને એવી સરસ માલિશ કરી આપે કે તેમને મીઠી નિંદર આવી જાય’.

બાપુજી ક્યારના પોતાના બોલવાની રાહ જોઈ રહ્યા હતા. ‘વેવાઈ, શ્રીમાન મેઘજીભાઈ ચાલો ત્યારે કરો કંકુના’! કહીને ગૌરીએ સાથે બાંધી આપેલું ખડી સાકરનું પડીકું આપ્યું’. આમ રંગે ચંગે ગોમતીની સગાઈ નક્કી કરી સહુ વાતોએ વળગ્યા. આવો શુભ અવસર આંગણે હોય ત્યારે આખું ઘર કિલ્લોલ  કરતું લાગે. ચારે દિશાઓ શુભ સમાચારના પડઘા પાડે.

બા ત્રણેયને જમાડતા જાય અને ગોમતીના ગુણગાન ગાતા જાય, ધરમશી બાપુ અને દાદા પોતાની વહાલી છોડીના વખાણ સાંભળી રાજીના રેડ થાય.  કયો દાદો હોય જેને પોતાની છોકરીના ગુણગાન સાંભળવા ના ગમે. બાપુને થયું અત્યારે રવજી હોત તો સોનામાં સુગંધ ભળત.

ગોમતી પલંગમાં પડી પડી ધનજીને સપનામાં સતાવતી હતી. ધનજી કામેથી આવ્યો. ઘરમાં આવેલા મહેમાનોને જોઈ પાછલે બારણેથી રૂમમાં ભરાયો. બસ હવે ગોમતી મારી થવાની બહુ ઝાઝા દિવસ રાહ નહી જોવી પડે !

*******

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in સબળા નારી. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s