ફાંસીને માચડેથી (૩) પ્રવીણા કડકિયા

 

fansine machade thi

૩. કોમલના  દિલનું પરિવર્તન

કઠોર ,પથ્થર દિલ કોમલ નિર્જીવ હાલતમાં જેલની કોટડીમાં પડ્યો હતો. તેનામાં અદભૂત પરિવર્તન આવી ગયું. હત્યા, અને તે પણ પોતાની વહાલી પત્ની કુસુમની, બસ ખેલ ખતમ કોમલને બદલે તે પાષાણ બની ગયો. ન બોલવાનું ભાન ન વર્તનનું. કપડા પણ ઢંગ વગરના પહેર્યા હોય. જાણે જેલના કોઈ પણ નિયમ તેને લાગુ પડતા નહી. કુલકર્ણી સાહેબ બધુ નિહાળી રહ્યા. જેલના કેદીની માનસિક હાલત વિષે અચરજ થયું.

જ્યારે કેદીનું નામ ‘કોમલ જોશી’ વાંચ્યું તો નવાઈ લાગી. બ્રાહ્મણનો દીકરો મરઘીનું ઈંડુ ફોડતા જેના હાથ  ધ્રુજે તેણે હત્યા કરી ! તે પણ પોતાની વહાલી પત્નીની. તેમને આ કિસ્સામાં રસ જાગ્યો. કુલકર્ણી સાહેબ  નિરાળા હતા. તેમને  જ્યારે કેદીના કિસ્સામાં રસ જાગે ત્યારે તેની પૂરી છણાવટ કરે. તેમના મત પ્રમાણે કોઈ વ્યક્તિ બૂરી નથી. સંજોગો તેને આવું  ખરાબ આચરણ કરવા પ્રેરે છે. બૂરા અને  વિપરિત સંજોગોમાં જો માનવી સારાસારનું ભાન ભૂલી જાય ત્યારે ગુનાહિત આચરણ કરવા પ્રેરાય છે. તેઓ બને ત્યાં સુધી વ્યક્તિને સુધારવાના હિમાયતી હતા. તેમના અનોખા જેલર કાળ દરમ્યાન અનેક કેદીઓ સુધરીને સાચા રાહે ચાલવા પ્રેરાયા છે. તેઓ કુલકર્ણી સાહેબનો અંતરથી આભાર માનતા.

જેલના શરૂઆતનાદસેક દિવસ કુલકર્ણીએ તેના પર બહુ ધ્યાન ન આપ્યું .રાબેતા મુજબનું પોતાનું કાર્ય ચાલુ હતું તેમાં વ્યસ્ત રહેતા. હવે કોમલ જરા નરમ પડ્યો હતો. તેને વાસ્તવિકતાનું ભાન થયું. મુખની તંગ રેખા જણાવતી કે તે હજુ ખૂબ ઉશ્કેરાયેલો હતો. જેલની કઠોર જીંદગી તેને ખુંચતી. હકિકતનો સામનો તથા સ્વિકાર બન્ને અનિવાર્ય હતા. કદીક ખાતો, કદીક ખાવાનો ઈન્કાર કરતો. અંહી કાંઇ કુસુમ ન હતી કે તેને મનાવવા આવે ! અરે, વહાલી કુસુમ તો હવે રાખ બની ચૂકી હતી.  આગળ પાછળ કોઈ રડનાર પણ ન હતું.

આજે જ્યારે કુલકર્ણી સાહેબ તેની કોટડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમને તાકી રહ્યો. જેલર કુલકર્ણી પણ ટસ ના મસ ન થયા. તેની સાથે નજર મિલાવી લુખું હાસ્ય ફેંક્યું. બહુ ભાવ ન આપ્યો. તેમના મનમાં પણ ઉથલ પાથલ ચાલી રહી હતી. પ્રથમ તો જોશી એટલે બ્રાહ્મણ. બીજું જુવાન જોધ, જ્યાં પ્યાર કરવાની  અને આપવાની ઉમર હોય ત્યાં હત્યા ? દેખાવે સાધરણ અને સરળ લાગતો કોમલ આવું હીચકારું કૃત્ય કેવી રીતે કરી બેઠો? એક પણ પ્રશ્ન નો જવાબ તેમને મળ્યો નહી. મનમાં ને મનમાં લાગ્યું આનો ભેદ ખોલવો રહ્યો. જેલર તરિકે તેમણે સારું નામ જમાવ્યું હતું. સહ્રદયતા માટે પંકાયેલા કુલકર્ણી સાહેબ તેમના મનનું સમાધાન ચાહતા હતા.

શરૂઆતના પંદર દિવસ તેની કોટડી પાસેથી જાણે રોજનું ચક્કર લગાવતા હોય એમ પસાર થતા. એમનો સમય થાય એટલે કોમલ ઉંચુ જુએ. જેવા દેખાતા બંધ થાય કે તરત નીચું જોઈને બેઠો રહે. પંદરમાંથી   દસ દિવસ તેનું ભોજન એમનું એમ પાછું ગયું. તેના શરીરના હાડકાં દેખાવા લાગ્યા. તેને ખાવાનું મન ન થતું. કુસુમની હત્યા કરી હતી તે હકિકતની તેને ખબર હેતી જેને કારણે જેલમાં છે. છતાં અવારનવાર તે સ્વપનામાં આવતી. વહાલ વરસાવતી અને તેને પંપાળી સુવડાવવાનો પ્રયત્ન કરતી. નિંદ અને ભૂખ બન્ને જાણે કુસુમ સાથે વિદાય થઈ ગયા હતા. અંતરમાં પેલી સુંવાળી લાગણીઓ રહી રહીને તેને પજવતી. કુસુમ કેટલા પ્રેમથી જમાડતી. અડધા દિવસો બન્ને એક થા્ળીમાં જમતા. કેવો મીઠો કલરવ કરતા. તે સમયે તેના ચહેરા પર મૃદુતા તરવરતી.

એક વખત ચક્કર મારતા કુલકર્ણીએ  કોમલના ચહેરાનું અવલોકન કરતા ખાસ નોંધ લીધી. તેમને લાગ્યું આ પાષાણ દિલના માનવીમાં કશેક નિષ્પાપ ઝરણું વહી રહ્યું છે. તેને પાછું સજીવન કરવું પડશે. તે હતા તો જેલર પણ કેદીઓને સુધારવાનો ભેખ ધર્યો હતો. માનવી સંજોગનો માર્યો જ્યારે ક્રોધમાં અંધ બને છે ત્યારે પાપાચરણ કરે છે. ક્રોધનો અગ્નિ શાંત થાય પછી પસ્તાવો થાય પણ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે.

રવીવારની રજા પછી કુલકર્ણી આજે સવારે જેલમાં આવ્યા ત્યારે નક્કી કરીને આવ્યા હતા. આજે પેલા નવા કેદીની સાથે વાત કરી નાતો બાંધવો  છે. સવારે કરવાના કામ શાંતિથી પૂરા કર્યા. બધા કેદીઓની વર્તણુકનો અહેવાલ તપાસ્યો. એકાદ બે ખાઈ બદેલા કેદી સિવાય બધાની વર્તણુકમાં કોઈ વાંધો ન જણાયો. કોમલે બે દિવસથી ખાધું ન હતું. જેલના નિયમ પ્રમાણે દરેક કાર્યમાં સહકાર આપતો. તેના વર્તનમાં નરમાશ આવી હતી.

કુલક ર્ણી આજે ‘નવધા ભક્તિ’, જેવો શબ્દ કોમલની કોટડી પાસે આવી બોલ્યા. અર્ધ ઉંઘમાંથી બેભાન અવસ્થામાં કોમલ બોલી ઉઠ્યો, શ્રવણ, કિર્તન, સ્મરણ અને પછી માથું પકડીને રોવા લાગ્યો. કુલકર્ણી આ બધો તાલ જોતા હતા.આજે કોમલ કોઈ સુખદ  લાગણીના સ્પંદનો અનુ્ભવી રહ્યો. ત્રણ અઠવાડિયા પૂરા થયા. ખાધા વગર અશક્તિ જણાઈ. ભુખનું દુઃખ અને મગજના તણાવ વચ્ચે તુમુલ યુદ્ધ ચાલ્યું. કોમલ જે હકિકતમાં લાગણીશીલ અને પ્રેમાળ વ્યક્તિ હતો. જે પત્નીની હત્યાને કારણે જેલમાં હતો ! શું સાચું ? પહેલાનો સામાન્ય લાગણી પ્રધાન કોમલ કે આજનો ક્રૂર, લાગણી શૂન્ય ,પથ્થર હ્રદયી કોમલ ? દરેક માનવી ભલે રાક્ષસી વૃત્તિવાળો  કેમ ન  હોય તેના અંતરના ખૂણામાં પ્રેમ વહેતો હોય છે.

દિવસે દિવસે કોમલ ઠંડો પડતો ગયો. તેના ઉપરનું સખત કોચલું ભેદાતું ગયું. કુલકર્ણીને લાગ્યું ‘લોઢુ બરાબર ગરમ થયું છે, હવે તેને ઘા મારવો પડશે’!  સંજોગોનો સદઉપયોગ કરવો તેનું નામ માનવ. કુલકર્ણીમાં આ ભાવના ઉત્પન્ન કરનાર હતી દિલ્હીની તિહાર જેલની જેલર, ફિરણ બેદી ! જેણે વિપરિત સંજોગોમાં પણ પોતાનું ધાર્યું કર્યું. સ્ત્રી થઈને ખરેખર મુત્સદ્દીગીરી વાપરી. અનેકના જીવનની પ્રેરણાદાત્રી બની.  કોઈથી ગાંજી જાય તેવી તે નહતી. તેના માર્ગમાં રોડા નાખવાનું કામ દિલ્હીની જનતા અને સરકારે કર્યું લડત આપી અંતે સફળતાને વરી. સ્ત્રી જ્યારે સબળા બને છે ત્યારે પર્વતને પણ ઝુકાવી શકે !

કોમલના કિસ્સામાં કુલકર્ણીએ રસ દાખવ્યો. કૉર્ટ કચેરીના મામલામા દખલ ન કરતા. જે સજા થવાની હતી તેમાં કોઈ મીનમેખ ન થઈ શકે તેની તેમને ખબર હતી. કાર્ય પણ ઘૃણાસ્પદ કર્યું હતું . હવે તેમને ગુનેગારમાં રસ એટલા માટે હતો કે મરતા સુધીમાં તેનું ‘હ્રદય પરિવર્તન’ શક્ય બને તો સારું. કોમલ જમીને જરા આડે પડખે થયો હતો. મુખ પર થોડી નરમાશ અને લાચારી સ્પષ્ટ તરવરી રહ્યા હ્તા. આજે સવારથી કુલકર્ણી સાહેબે મનોમન નક્કી કર્યું હતં, ‘આજે પેલા બ્રાહ્મણ કેદીને કેમ છે કરીશ’!

જેવા કુલકર્ણી સાહેબ તેની જેલની કોટડીની સામે આવીને ઉભા રહ્યા કે ભર ઉંઘમા પણ તેમના પગલાં પારખી ગયેલો કોમલ સફાળો બેઠો થઈ ગયો. તેનાથી યંત્રવત બે હાથ જોડાઈ ગયા! બસ આટલી ક્રિયા કુલકર્ણીના હ્રદયને સ્પર્શી ગઈ. તેમને લાગ્યું આ વ્યક્તિનું મોત હું સુધારી દઈશ. તેમને પોતાના કરતા કોમલમાં વધુ શ્રદ્ધા જણાઈ. તેના મુખના ભાવ તેની ભૂલનો એકરાર કરતા હતા. કુલકર્ણીને ખબર હતી આ કેસનો ચૂકાદો કાંઈ રાતો રાત નથી આવવાનો!  કદાચ વર્ષ પણ થાય કે પાંચ વર્ષ પણ.

બસ, કોમલે કુલકર્ણીના હ્રદયમાં પ્રવેશ મેળવ્યો. હીરાના પારખુ કુલકર્ણી સંજોગોના શિકાર બનેલ કોમલનું હ્રદય પરિવર્તન કરાવી શકશે એ તેમની શ્રદ્ધા દૃઢ બની ! પછી તો ક્યારે બે જણા નજીક સર્યા તેનું બેમાંથી કોઈને ભાન ન રહ્યું. કોમલ દિલ ખોલીને બધી વાત જણાવતો. જેલ વાસ દરમ્યાન તેનું વર્તન બીજા કેદીઓની સરખામણીમાં ખૂબ શિસ્ત ભર્યું જણાતુ. કુલકર્ણીએ તેને ડાયરી આપી પોતાના મનમા ચાલતા વિચારો ટપકાવવા કહ્યું. આ રીતે તેના મગજ્માં ઉદભવતા સવાલોનું કુલક્ર્ણી નિરાકરણ કરતા ગયા,

બાલ ગંગાધર ટિળકે લખેલું ‘ગીતાનું રહસ્ય’ વાંચીને પચાવ્યું હતું. તેના દ્વારા કોમલના મનમાં ઉઠતા પ્રશ્નોનું સમાધાન કરતા ગયા. અરે, ગાંધીજીની લખેલી ‘મારા સત્યના પ્રયોગો; કોમલ માટે ખાસ મંગાવ્યું.પથ્થર પર પાણી પડે અને તેમં ખાડો પડી શકે તો આ તો કોમલ હતો. ક્રોધાવેશમામ અયોગ્ય આચરણ કરી બેઠો તેનું ફળ તો ભોગવવું જ પડશે! કિંતુ ન્યાયાધિશ સજા સુણાવે તે પહેલા હ્રદય પરિવર્તન તેને અનિવાર્ય લગ્યું. એમા કુલકર્ણી સાહેબના સુનહરો સહેવાસે માર્ગ સરળ બનાવી આપ્યો.

કોમલ  દરરોજ નિયત સમયે કુલકર્ણી સાહેબની કાગડોળે રાહ જોતો.  તેમની સાથે થતો વાર્તાલાપ શિતળતાનું પ્રદાન કરતા.

” હા, પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે.

પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે’!

કોમલ પાપી ન હતો. ક્રિધાગ્નિમાં જલતા પાપી વર્તન કરી પસ્તાઈ રહ્યો હતો. કુલકર્ણી સાહેબને થયું આ કેદીને પારખવામાં ભૂલ નથી કરી. તેમને આત્મ સંતોષ થયો.આ કેદી મરશે ભલે ફાંસીની સજાથી પણ તેનો જીવ ગતે જશે. જીવનની કિતાબમાંથી  જૂના ન ગમતા બનાવો રબર લઈ ભુંસી શકાતા નથી. ‘ગીતામાં કૃષ્ણ સ્પષ્ટ પણે ઠોકીને કહે છે, તારો અધિકાર માત્ર કર્મ ઉપર છે. ફળ મળશે જરૂર , વહેલું કે મોડું’. તેમાંથી તું કોઈ પણ હિસાબે છટકી નહી શકે’!

કોમલે આ સત્ય સ્વિકારી લીધું.  તે હવે નિર્લેપ ભાવે જીંદગી જીવતો હતો. કોઈ અભિલાષા ન હતી. કશામાં આસક્તી ન હતી. બસ, ન્યાયાધિશ જે ચૂકાદો સંભળાવશે તે માથે ચડાવશે. પહેલા દિવસથી ગુનો કબૂલ કર્ય હતો. બચાવ માટે વકિલ પણ નહોતો રાખ્યો. ક્ષણભરના અવેગનો નતીજો આંખ સમક્ષ તરવરતો હતો. તેથી તો કહ્યું છે સંયમ રાખો. કોઈ પણ કાર્ય સારું કે નરસુ કરતા પહેલા એક પળ વિસામો ખાઇ લેવો. તેનું પરિણામ આંખ સમક્ષ દેખાશે.

કુલકર્ણી આજે રવીવારને દિવસે વિચારી રહ્યા હતા. તેમનો આટલા વર્ષોનો અનુભવ ખરેખર કામ લાગ્યો. કોમલના અંતરાત્માને ઢંઢોળવામાં તેઓ કામયાબ રહ્યા. તેમની અનુભવી આંખો કેદીની આરપાર ઉતરી જતી. જેમ અગ્નિ જ્યારે ઠંડો પડે છે ત્યારે તેના પર રાખ વળી જાય છે. એ રાખને હટાવીએ તો નીચે પ્રજ્વલિત અગ્નિના દર્શન થાય છે. કોમલની આંખો અને હ્રદય પર કુસુમના બેહુદા વર્તન વિશે ખ્યાલ  પથરાયો જેને કારણે કુસુમના પ્યારના દીવાના કોમલે કુસુમની કરપીણ હત્યા કરી. રાખ દૂર થઈ અને કુસુમ નિર્દોષ જણાઈ. તેની માતૃત્વની ઝંખના એ તેને આવું કૃત્ય કરવા મજબૂર કરી હતી. અંતરથી તે જાણતો હતો, કુસુમ તેને બેહદ પ્યાર કરતી હતી. લગ્નના દસ વર્ષ પછી પણ બાળકની એંધાણી ન જણાઇ તેથી આવું પરિણામ આવ્યું.

ફાસીની સજાની સુનવણી થઈ હતી. કુલકર્ણી સાહેબ હચમચી ગયા હતા. તેમના દિલને દર્દ થતું હતું. કોમલ તો હસતો  અને કહેતો સાહેબ હું મારી કુસુમ પાસે પહોંચી જઈશ! તેની માફી માગીશ . કુસુમ હું જો તારા વગર ન રહી શક્યો એટલે તારી પાસે દોડી આવ્યો. ‘

‘ સાહેબ તમારો અંતરથી આભારી છું. તમે મને મારી સાચી ઓળખાણ કરાવી આપી’! હવે હું નિરાંતે પવિત્ર તન અને મનથી ઉપર જઈશ’.

આજે બસ છેલ્લી મુલાકાત હતી. આવતી કાલની સવારના ઉગતા સૂરજના દર્શન કરી કોમલની આંખ સદાયને માટે મિંચાઈ જશે. કોમલને કોઈ  અંતિમ ઈચ્છા ન હતી. તેની પાસેના સ્થાવર જંગમ મિલકતની સઘળી જવાબદારી કુલકર્ણી સાહેબને સોંપી. કોમલને વહાલ ભર્યું  અંતિમ આલિંગન આપી ઘરે જવા નિકળ્યા.

આમ તો કેદીઓને થતી સજા અને શિક્ષા તેમને બહુ અસર કરતા નહી. કોમલની વાત જરા જુદી હતી. આ અલગારી કેદી અલગ  નિકળ્યો. એ તો પોતાની જેલની કોટડીમાં ઘસઘસાટ ઉંઘતો હતો. સ્વપનામાં કુસુમની છેડતી કરી તેને મળવા તલપાપડ  છે તેવા શુભ સમાચાર આપી રહ્યો હતો. માત્ર કુલકર્ણી પડખાં ઘસતા હતા. હવે કોમલનું ‘કોમલ’ મુખ જોવા નહી મળે. સવારે કેવી રીતે તેના અંતિમ સંસ્કાર કરશે તેના વિચારમાં ખોવાઈ ગયા. ઉંઘ ન આવી તે ન જ આવી !

Advertisements

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in ફાંસીને માંચડે. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.