સબળા નારી (૨) પ્રવીણા કડકિયા

sabala nari.પ્રકરણ ૨

સ્ટિમરનું ભૂગળું જોરથી વાગ્યું. રવજીને થયું હું પણ આ સ્ટિમરમાં માંડવી ભેગો થાંઉ. કાશ, મનની ઈચ્છા પૂરી થાય. શાળામાં રજાઓ પડવાની વાર હતી. રવજીનું મન ઉડીને ક્યારનું ગૌરી અને ગોમતી પાસે પહોંચી ગયું હતું.   એમ મનનું ધાર્યું થતું હોત તો કેટલું સારું? રવજી સ્ટિમરમાંથી ઉતરવાનું વિસરી ગયો. પાછું ભુંગળુ જોરથી વાગ્યું ત્યારે તેને ભાન આવ્યું. સ્ટિમરનું લંગર છૂટે એ પહેલાં ઠેકડો મારીને કિનારે ઉતરી ગયો. બા અને બાપુ તો મોઢું ફાડીને જોઈ રહ્યા. નજર દૂર જતી સ્ટિમર પર મંડાણી. જ્યાં સુધી આંખોથી ઓઝલ ન થઈ ત્યાં સુધી તાકતો કિનારે ઉભો રહ્યો. આખરે ધીરે પગલે ઘર તરફ ફર્યો. ઘરે જવાની મરજી ન હતી. ઘરમાં ન વહાલી ગૌરી હતી કે લાડલી દીકરી ગોમતી. બા અને બાપુ પણ આજે ભારત જવા નિકળ્યા હતા. ખાલી ચાર દિવાલ વાળા ઘરમાં જઈને શું કરવાનું? તેને ખબર હતી ઘર આજે ખાવા ધાશે ! જો કે ઘરે ગયા વગર છૂટકો પણ ન હતો. દરિયા કિનારે બેઠો અને વિચારોના સમુદ્રમાં ડૂબકા ખાવા લાગ્યો.

‘હેં બાપુ’, અને સફાળો ઝબકી ગયો.

‘ગોમતી, ગોમતી તે તો કેવું મઝાનું કાઠુ કાઢ્યું છે’? રૂપ રૂપના અંબાર જેવી તારી મા પર ઉતરી છો’.

જાણે ગોમતી શરમાઈને માની ગોદમાં છુપાતી હોય એવું તેને લાગ્યું. તેને વિચાર આવ્યો, ‘બાપ થઈને મને મારી દીકરીનું સૌંદર્ય આંખે ઉડીને વળગે છે તો જુવાનિયાઓની શી હાલત થતી હશે ? હવે આ છોડીના હાથ પીળા કર્યા વગર મને ચેન નહી પડે ‘!

વિચારોની સુનહરી દુનિયામાંથી વર્તમાનમાં આવી પટકાયો. આભમાં એક તારો શોધ્યો જડતો ન હતો. હાલમાં અજવાળિયાના દિવસો હતા. ચંદ્રમા સોળે કળાએ ખિલ્યો હતો. બીજે દિવસે એકાદશી હતી. બા અને બાપુને યાદ રાખીને કહ્યું હતું સાબુદાણાની ખિચડી બનાવીને ભાથામાં લઈ લે. સૂકો મેવો બાંધી આપ્યો હતો. કાતરી પણ તળીને લેવડાવી હતી. બા અને બાપુ બન્ને ૬૦ વટાવી ચૂક્યા હતા. તેને હૈયે હમેશા ચિંતા રહેતી, દરિયાની મુસાફરીમાં વાંધો તો નહી આવે ને ? મનમાં ભગવાનને વિનવી રહ્યો, તેમની કાળજી કરજો ભગવાન.

ઘરમાં પગ મૂકતાની સાથે  એકલતા સતાવી રહી. મન મક્કમ કર્યું. રસોડામાં જઈ બાએ ઢાંક્યું હતું એ ખાવાનું લઈ જમવા બેઠો. કોળિયા ગળે ઉતરતા નહી પણ પેટ ભાડું માગતું હતું. રોજ કરતા અડધુ માંડ ખાધુ. ગમતું ન હતું તેથી પલંગમાં લંબાવ્યું. ઉંઘ તો સો જોજન દૂર હતી. ગૌરી અને ગોમતી ઝંપવા દેતા નહી. કેમ વિતાવીશ હું બાકીના દિવસો.  આ નોકરી ન હોત તો?  તો દીકરી પરણાવવા પૈસા ક્યાંથી ભેગા થાત. અંતે હારી થાકીને નિદ્રાદેવી એ કૃપા કરી. સપનામાં પણ ગોમતી દેખાઈ. છોડીને આવ્યો ત્યારે ફરાકમાં ઘુમતી આજે ચણિયા અને ચોળીમાં જોઈ  છળી મર્યો.

છોડીને ચડેલી જવાની, નજરે જોઈ ન હતી પણ બાપ હતો ને અંદાઝ લગાવતા તકલિફ ન પડી. પાંખમાં ઘાલતો હવે, તેની આમન્યા જાળવવી પડશે. બાપની આંખનું રતન બીજાનું આંગણુ ઉજાળશે. ગૌરીના સંસ્કાર પર એને જરાય શંક ન હતી. અંતે ક્યારે સૂઈ ગયો તેનું ભાન ન રહ્યું.

બા અને બાપુજી આવે છે એનો તાર ગૌરીને મળી ગયો હતો. રોજ તારિખિયાનું પાનું ફાડે અને દિવસો ગણે. આઠ દિવસ આવતા થાય. નસિબ સારા હતા તેમને કોઈ તકલિફ પડી નહી. સ્ટિમરનો રસોઈઓ તેમના ખાવાનાનું ધ્યાન રાખતો. તેમને માટે દહી , દુધ અને ફળફળાદી આપી જતો. ભાથુ તો તેઓ સાથે લાવેલા.  કેટલા દિવસ એવું ભાવે. બાને પૂછી ગયો. દુધે લોટ બાંધી ગરમા ગરમ પૂરી અને બટાકાની સૂકી ભાજી બનાવી લાવ્યો. તેમના આચાર અને વિચાર ધ્યાનમાં રાખી રસોડામાં ખાસ જુદુ ખાવાનું બનાવતો. બા, બાપુજીની આંતરડી ઠારી. તેમને જોઈને એ રસોઈઆને એના માતા ,પિતા યાદ આવતા. જાણે તેમની ચાકરી ન કરતો હોય એવો આનંદ તેને અંતરે થતો.

આમ વગર તકલિફે બા અને બાપુજીને ખબર પણ ન પડી તેમની આઠ દિવસની મુસાફરી કેવી રીતે પૂરી થઈ. ઉતરવાને દિવસે બાએ એક નવી સાડી તેની પત્ની માટે ભેટ  આપી.  રસોઈઓ ખૂબ ખુશ થયો અને બા, બાપુને પગે લાગ્યો. કંડલા બંદરે તેમને ઉતરવામાં મદદ કરી. હજુ તો આગગાડીમાં બેસી માડવી જવાનું હતું. સ્ટિમરમાંથી ઉતર્યા પછી સ્ટેશને પહોંચતા મોડું થયું. સરળ રીતે પસાર થયેલી બોટની મુસાફરી અને અંહી રીક્ષા ન મળી તેથી સ્ટેશને પહોંચતા મોડું થયું. માંડવી જતી ગાડી જતી રહી. સાથે સામાન અને શિયાળાના હિસાબે થોડી ઠંડી.

આ બાજુ ગૌરી બા બાપુજીને આવવાની કાગના ડોળે રાહ જોતી હતી. એ ગાડીમાં ગામનાં લોકો હતા એટલે ગૌરીને સમાચાર મળી ગયા કે બા અને બાપુજી તેમાં ચડ્યા નથી. તેને ખૂબ ફિકર થઈ. કરે શું? ભગવાનને પ્રાર્થના ! હે, મારા દયાળા પ્રભુ તેમનું ધ્યાન રાખજે. ગાડી હવે બીજે દિવસે  મળવાની હતી.

એ તો વળી સ્ટેશન માસ્ટરના દિલમાં રામ વસ્યા. પરદેશથી આવેલા મોટી ઉમરના બુઝર્ગને જોઈ મદદ કરી. બાનો સ્વભાવ પ્રેમાળ બોલે એટલે કોઈના દિલમાં વસી જાય. થાક્યા હતા એટલે ઉંઘ તો આવી ગઈ પણ ગૌરી અને ગોમતી પળ ભર વિચારમાંથી ખસતા નહી. સવારે ગરમ ચા અને ગાંઠિયાનો નાસ્તો સ્ટેશન માસ્ટરે કરાવ્યો. દેશનો નાસ્તો બન્ને જણાને ખૂબ ભાવ્યો. સામાનમાંથી ચોકલેટ અને નાનું પાકિટ સ્ટેશન માસ્તરની દીકરી માટે ભેટમાં આપ્યા. માસ્તર રાજીના રેડ થઈ ગયા. વિદેશની વસ્તુઓ આમ પણ સહુને ગમે !

આખરે બા અને બાપુજી ઘરે માંડવી આવી પહોંચ્યા. સ્ટેશન પર નાનો ભાઈ દેવજી, મોટાભાઈ અને ભાભીને હરખભેર ભેટ્યો. તેને મોટાભાઈ થોડા નબળા જણાયા, ભાભી  માટે પણ થયું હવે તેમની  ઉમર વધે છે. દેવજી ખુબ ખુશ થયો. તેમને થોડી તકલિફ પડી એ બદલ દિલગીરી વ્યક્ત કરી. બે ઘોડાની બગી લઈને સ્ટેશને લેવા ગયો હતો. ઘોડાના ગળે વાગતા ઘુઘરું જાણે લગ્નનો હરખ ન રણકાવતા હોય ? ગાડી ક્યારે ઘરના આંગણામાં આવી ઉભી રહી ખબર પણ ન પડી.

ગૌરી દોડતી આવી તેમને પાયે પડી આશિર્વાદ પામી.  ગોમતીતો બા અને દાદાને જોઈને ઘેલી થઈ ગઈ. આજે ફળિયાવાળા સહુ મળવા આવશે એવી ગૌરીને ખબર હતી તેથી બાજરીના વડા અને ચેવડો બનાવી રાખ્યા હતા. ગરમ  ચા અને નાસ્તાથી બધાનું સ્વાગત કરવાની હતી.. હવે લગન માંડવાના હતા તેથી ખૂબ ખુશ હતી. બા અને બાપુજી તો ગોમતીને આંખો ફાડીને જોઈ રહ્યા.

‘આ છોડીએ તો કાંઈ કાઠું કાઢ્યું છે?’

બાપુજીએ હકારમાં માથું હલાવ્યું. ‘વહુ બેટા રંગે રૂપે ગોમતી અસલ તારા પર છે’.

બાથી ન રહેવાયું, ‘હા, પણ જુઓ તો ખરા ઉંચી એના બાપ જેવી છે’.

ગોમતી શરમાઈને બીજા રૂમમાં જતી રહી. ત્રણેય જણા ગોમતીની વાતોમાં ગુંથાયા. ગૌરી મનોમન વિચારતી હતી,’મને મારા રાવજીના તો કાંઇ સમાચાર જણાવો? તેઓ કેમ છે? અમને મા દીકરીને યાદ કરે છે કે નહી ? ક્યારે આવશે? મારી આંખો તો તેમને જોવા અધીરી થઈ ગઈ છે’.

બાએ ગૌરીનું  મન વાંચ્યું. વહુ બેટા,’ રાવજી અમને મૂકવા સ્ટીમર પર આવ્યો હતો. બોલ, તું નહી માને છેલ્લું ભુંગળું વાગ્યું ત્યારેદોડીને ઉતરી ગયો. એને રજા મળશે એટલે પહેલું વિમાન પકડી ઉડીને આવ્યો સમજજે. ગોમતીને અને તને મળવા ખૂબ આતુર છે’.

ગૌરીને હૈયે ટાઢક થઈ.

‘અરે વહુ બેટા, ચા પિવડાવશો , કાંઈ ખાવા દેશો કે બેઉ સાસુ વહુ આ ડોસાને ભૂખો મારશો’?

‘લાવી બાપુ બધું તૈયાર છે.  ગરમા ગરમ બાજરીના વડા અને ચેવડો બનાવ્યો છે. ‘

‘લો બાપુ તમે અને બા શાંતીથી માણો. હાં, તમે આવી ગયા છો એટલે મને ટાઢક થઈ. બાપુ, ગોમતીના બાપુ આવે ત્યાં સુધીમાં આપણે બધી તૈયારી કરવાની છે’.

‘આ પેલા હરિવદન જોશીડાને કાલે ઘેર આવવાનું  કહેણ મોકલું છું. બાપુજી ગૌરીનો ઉત્સાહ એકટક નિહાળી રહ્યા. તેમને થયું વહુ આમન્યા જાળવે છે અને પોતાના મનની વાત પણ કહે છે. સાક્ષાત લક્ષ્મીનો અવતાર આ મારી ગૌરી છે. વાત સાંભળતા હતા અને ગૌરીને હરખાઈને નિરખી રહ્યા,’ હા વહુ બેટા’. અનાયસે તેમના મોઢામાંથી નિકળી ગયું.

હવે ગૌરીને શરમ આવી. નીચુ જોઈને બોલી, બાપુ તમે ધરમશીભાઈ હારે   મેઘજીભાઈને ઘરે જજો.  એમના દીકરા સાથે આપણી ગૌરીનું  વેવિશાળ કરીએ તો કેવું?’

બાપુ ખૂબ ખુશ થયા મનની વાત કરી અને મારી મંજૂરી પણ માગી.’ તેમને થયું રવજી હવે જલ્દી આવે તો સારું’.

બાપુએ આવ ઉદગાર કાઢ્યા એ ગૌરીને ખૂબ મીઠા લાગ્યા. આવ્યાને બે દિવસ થઈ ગયા. ફળિયાવાળા અને સગા મળવા આવે તેમની ગૌરી ખૂબ ઉમળકાભેર આગતા સ્વાગતા કરતી. સહુને ચા તેમજ નાસ્તા વગર જવા ન દેતી. પાડોશીઓને થતું ગૌરી ખરેખર ઘર ડાહી છે. તેની દીકરી ગોમતી જેને ઘેર જશે, માબાપનું નામ ઉજાળશે!

બા અને બાપુજીનો થાક ઉતર્યો. જોશીડાને બોલાવી શુભ મૂહર્ત કઢાવ્યું. આ હોળાષ્ટક ઉતરે પછી વાત કરવા જશો તો સારા સમાચાર પામશો. આ તો બધો માત્ર વ્યવહાર હતો. હોળાષ્ટકના આઠ દિવસ ક્યારે  પૂરા થાય ? સહુથી વધારે ઉતાવળ ગોમતીને હતી. ધનજી છાનોમાનો આવીને ચેનઅાળા કરી ભાગી જતો.  ગોમતી ઉપરથી ના પાડે પણ અંતરમા આનંદ છવાઈ જતો. રવજીને તે ખૂબ યાદ કરતી.

તેને થતું ,’બાપુ મને જોઈને શું કહેશે? મને હવે મારા બાપુ પાસે ખુલ્લા દિલથી જવું ગમશે કે નહી? પછી જાતને જવાબ આપતી,’ અરે મારા બાપુ છે. ખૂબ વહાલા છે. હું તો તેમની આંખનું રતન છું. તેમને છોડીને જવા મારો પગ આ ઘરની બહાર કેવી રીતે ઉપડશે’?

ગૌરીએ બૂમ પાડી, ‘અલી, તું આખો દિવસ શમણા જોઈશ કે આ આપણી સુરભિ ગાયને ઘાંસ નીરીશ કે નહી’.

‘હા, મા આવી દૂધ લાવી.’ કહીને નાઠી ગમાણમા. સુરભીના વાછરડાને કસીને ખીલે બાંધ્યું.

ગૌરીનું  મેઘજીભાઈના દીકરા સાથે નક્કી જ હતું. ગૌરી જાણતી હતી. માગુ લઈને જવું જોઈએ એ રિવાજ તેને બરાબર ખબર હતો. એમાંય જો વડિલ જાય તો પછી કાંઈ કહેવાપણું રહે નહી.હવે બે દિવસ બાકી  છે. દાદા દીકરીનું માગુ લઈને જાય તેનાથી રૂડું શું?

એક મિનિટ ગૌરીને મનમાં થઈ આવ્યું, ‘હેં અલી ખૂબ ખુશ થાય છે, પણ ખબર છે ને ગોમતીના ગયા પછી તારું આંગણું સુનું થઈ જશે’?  પછી હસીને બબડી,’દીકરી તો સાસરે શોભે. આ જગનો ધારો છે, સોનાની કટારી કેડે શોભે તેને પેટમાં ન ખોસાય’.

‘મારી દીકરી પિયર અને સાસરી બન્નેને ઉજાળશે. ‘મારું દુધ નહી લજવે.’તેને મેં ખૂબ સારા સંસ્કાર આપ્યા છે. તેના બાપે અને મેં કશી કમી રહેવા દીધી નથી. દાદા અને દાદીએ તેને ફુલશી ઉછેરી છે.

સવારે ગૌરી વહેલી ઉઠી . સ્નાન કરી સેવામાં ઠાકોરજીને સરસ મઝાની લાપસી કરીને આરોગાવી. ભગવાનને પ્રાર્થના કરી ,’હે પ્રભુ મારી ગોમતી જે ઘેર જ્યાં ત્યાં સુખ અને શાંતિ પ્રસરાવે. તેના ઘરમાં દાદી સાસુએ ખૂબ મહેનતથી ઘર સાચવ્યું છે. તેમને પણ ગોમતી ખૂબ વહાલી છે. બસ વધુ કાંઈ નહી માગું’!

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in સબળા નારી. Bookmark the permalink.

One Response to સબળા નારી (૨) પ્રવીણા કડકિયા

 1. Girish Parikh કહે છે:

  http://www.gadyasarjan.wordpress.com બ્લોગ પર “સહિયારું સર્જન” વિભાગમાં શરૂ થયેલ “સબળા નારી”ના પ્રવીણા કડકિયા લિખિત પ્રકરણ ૨ દ્વારા જાણ થતાં આ મુક્તક સ્ફૂર્યું.
  આ ચતુર્શબ્દ મુક્તક પ્રવીણાબહેન કડકિયાને અર્પણ કરું છું.

  નારી
  અબળા
  કે
  સબળા ?
  ગિરિશ પરીખ

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s