સબળા નારી (૧) ડૉ ઇન્દુબહેન શાહ

sabala nari.

 

                                           સબળા નારી ( ૧)

ગોમતીબા અને તેમની દીકરી નીમા નલિનીના નવા પડોશી, ઇન્ડીયાથી સીધા નવા ઘરમાં રહેવા આવ્યા ઘરમાં ચાર દિવાલ, ૮૦ વર્ષના ગોમતીબા બોલે તો જાણે ૨૦ વર્ષની યુવાન યુવતી બોલતી હોય તેવો જુસ્સો, ઘર જોવા આવ્યા ત્યારે ગુજરાતીના નાતે નલિનીએ ઘેર ચા,પાણી માટે બોલાવ્યા, થૉડી વાતો થઇ, તેમના પરિવાર વિષે, તે દિવસથી નલિનીના મનમાં ગોમતીબાએ સ્થાન જમાવી દીધેલ.

નવા ઘરનું વાસ્તુ પુજન કર્યું, મહારાજે લીસ્ટ આપેલ સામગ્રી અને પ્રસાદ માટે ગ્રોસરી, બધુ પ્લાસ્ટીક્ની બેગોમાં, સામાન ઇન્ડીયાથી શીપમાં આવવાનો હતો, ફર્નિચર ઓર્ડર કરેલ, બેસવાના આસન, પાથરણા બે ચાર ખુરશી વગેરેની બધી વ્યવસ્થા નલિની

જેવા બીજા મિત્રોએ કરી, પ્રસાદનો શીરો વહેંચ્યો મહારાજને દક્ષિણા આપી વિદાય કર્યા અઠવાડીયામાં તો ગોમતીબાનું ઘર વસાવાય ગયું, ગોમતીબા શ્રીમંત કચ્છી ભાટીયા ધનજીભાઇ આસરના પત્નિ.

ગોમતી ૧૨ વર્ષે પરણી સાસરે આવી, ધનજીની ઉમર ૧૮ વર્ષની, નવી સાસુ, સસરા મેઘજીભાઇ, બે નાના દિયરો વેલજી દસ વર્ષનો,મુલજી બાર વર્ષનો અને વડસાસુ. મેઘજીભાઇને, માંડવીમાં બાપ દાદાની બે દુકાનો, કાપડની અને કરિયાણાની, મોટું ત્રણ માળનું સહિયારું મકાન, ઉપરના બે માળ બે કાકાઓના પરિવાર માટે અને નીચે મેઘજીભાઇનો પરિવાર તેમના બા સાથે રહે.

ગોમતીનો જન્મ આફ્રિકામાં, બીજા વિશ્વયુધ્ધની શરૂઆત થઇ અને આફ્રિકા, રંગુન, શીલોંગ, પિનાંગમાં વસતા ગુજરાતીઓએ પોતાના કુટુંબના સ્ત્રી બાળકોને સ્વદેશ રવાના કરવા માંડેલ, એ અરસામાં ગોમતીનું કુટંબ પણ માંડવી આવ્યું. ગોમતીના પિતાશ્રી, રવજીભાઇ અને મેઘજીભાઇએ માંડવીમાં એકડા બગડા સાથે ઘૂંટેલા, મેઘજીભાઇ સૌથી મોટા પિતાશ્રીનું ટાઇફોઇડ તાવમાં અકાળે અવસાન થયું એટલે માંડ પાંચમું ધોરણ પાસ કર્યું અને કાકા સાથે દુકાને જવાનું શરું કર્યું. રવજીભાઇએ સાળંત પાસ કર્યું આફ્રિકાના ગામડામા શિક્ષક તરીકે જોડાયા, એ જમાનામાં ઇસ્ટ આફ્રિકામાં શિક્ષકોની અછત, સ્થિતિનો લાભ ઉઠાવી રવજીભાઇનું આખુ કુટુંબ ગવરમેન્ટના ખર્ચે આફ્રિકા આવી ગયું, કુટુંબમાં ફક્ત નિવૃત પિતા અને માતા, રવજીભાઇને નાયરોબિમાં સરકારી શાળામાં તુરતજ નોકરી મળી ગઇ, સરકારે રહેવા માટે કવાર્ટ્સ આપ્યું, તેમના પિતાશ્રીને પણ તેમના ગામના વેપારીની કરિયાણાની દુકાનમાં નોકરી મળી ગઇ, એક વર્ષમાં રવજીના લગ્ન પિતાશ્રીના શૅઠની એકની એક દીકરી ગૌરી સાથે થયા. રવજી અને ગૌરીને એકની એક દીકરી ગોમતી.

૧૫ વર્ષે બન્ને લંગોટીયા મિત્રો મળ્યા. રવજીભાઇના કોઇ સગા માંડવીમાં નહી મેઘજીભાઇના મકાનમાં એક રુમ રસોડુ ભાડે રાખ્યા. રવજી મા દીકરીની દેખભાળ મિત્રને સોપી, નિશ્ચિંત મને આફ્રિકા જવા રવાના થયા. ગોમતી ૭મા ધોરણ સુધી અંગ્રેજી માધ્યમમાં ભણેલ, ખૂબ હોશિયાર, મેઘજીભાઇના મનમાં જોઇ ત્યારથી પોતાના દીકરા ધનજી માટે વસી ગયેલ ધનજી મેટ્રિક પાસ કરે એટલે પરણાવવાનો તેમના બાનો આગ્રહ. માંડવીમાં ક્ન્યાઓ માટે હાઇસ્કુલ ન હોવાથી, ગોમતીએ કમને ઘરકામમાં અને ક્ચ્છી ભરતકામ, મોતીકામ વગેરેમાં મન પરોવ્યું.ગોમતી રૂપાળી, બોલકી, મેઘજીભાઇના બા પાસે બપોરે બેસે,’મોટાબા માથુ ધોયું છે? તેલ ખસી આપુ?”

“ લે તારે આવી છે તો ઘસી દે તુ માલીસ કરી આપે છે, માથુ હળવું ફૂલ થઇ જાય છે હો”,

ગોમતી બ્રાહ્મી આમળાનું ઘરે બનાવેલ તેલની વાડકી ઓઢણાનો છેડો ઢાંકી સાથે લાવી હોય તે કાઢે મોટાબાને તેલ ખસવા બેસી જાય, ખાસ્સો અડધા કલાક માથાનો માલીસ થાય, મોટાબાની વાતો સાંભળે, “ગોમતી આ કચ્છડો બહુ હારો ભલે મેઘ ઓછો વર્ષે પણ ભુમી બહુ હારી અરે આ ભુમી માટૅ તો એવું કહેવાય માથુ વાઢી ભેંકાર વગડામાં નાખ્યો ને ઊગી નીકળે,”

‘હેં મોટાબા!!આ બધા પાળિયા એમ જ ઉગ્યા હશે?’

“એક એક પાળિયા પાછળ એક એક વાર્તા કોક દિ ભાટ ચારણ આપણા ગામના પાદરે આવશે તો હાંભળવા જાસુ”.

“ભાટ ચારણ કોણ?કેવા હોય પરદેશથી આવે?”

ભાટ, ચારણ જાતીના લોકો તેઓ રાજાના દરબારમાં રાજા મહારાજાના વખાણ તેમની અનોખી ઢબે કરે, રાજા ખુશ થાય, ને નવલખા હાર ડોકેથી ઊતારી ભેટ આપે. ખણી ખમ્મા બાપુ, ઘણી ખમ્મા, જુગ જુગ જીવો એમ બોલતા ભાટ ત્યાંથી વિદાય લે બીજા ગામની વાટે,”મોટીબા તેમને ઘર બાર ના હોય જીપ્સીની જેમ રખડે?” બેટા તેઓને ઘર હોય ગામમાં તેમના પરિવાર રહેતા હોય ફક્ક્ત પુરૂષો એક ગામથી બીજા ગામ રોટલો રળવા જાય બે ચાર દિવસે પાછા આવે.ભાટ ચારણ જાતિના લોકો કવિતા, દોહા, સૌર્ય ગીતો વગેરે લખે.આ એમની આવડત,તેમની આજીવિકાનું સાધન.

આમ ગોમતીને કચ્છ વિષે મોટીબા પાસેથી ઘણું જાણવા મળે.ગોમતી મેઘજીભાઇના આખા કુટુંબમાં છવાય ગઇ.નાના મોટા બધાને ગોમતી ગમે, બે દિવસથી ગોમતી મેઘજીભાઇના ઘેર આવી નહીં મોટીબાથી નહીં રહેવાયું,અલ્યા ધનજી જો તો બે દિથ્યા ગોમતી દેખાણી નથી તું ડોકિયું કરી આવ, ગૌરી માસી અને ગોમતી મઝામાં તો છે ને,ધનજીને તો ભાવતુ વૈદે બતાવ્યું તુરત ઉપડ્યો ગોમતીને લેવા, ગોમતી ઓસરીના ખૂણામાં બેસી મોતીનુ તોરણ પરોવતી હતી, “અલી એ હાલ્ય મોટીબા રાહ જુવે છે બેદિથ્યા કેમ ડૉકાણી નથી?”

“ધનજી મારી માએ ના પાડી છે, હું બાર બેઠી છું, તે એમાં શું! અમારી ઑસરીમાં ખાટ પર બેસજે, અને ધનજીએ તો ગોમતીના હાથ પકડ્યા ને ઊભી કરી, “અરે ધનિયા આ શું કરશ?”બોલી  પણ હાથ છુટ્યા નહીં આખા શરીરમાં સ્પર્શના સ્પંદનો ફરી વળ્યા, ઝણઝણાટી અનુભવી રહી તેણીની આંખો બંધ થઇ માથુ ધનજીના ખભા પર ક્યારે ગોઢવાયું બેમાથી એકેયને ખબર ના પડી બન્ને એકબીજાના આલિંગનમાં સ્વર્ગનું સુખ માણી રહ્યા, ગોમતીની મા ગૌરી આજે ગામ બહાર મહાદેવના મંદિર ગયેલી, શિયાળાની સાંજ શેરીમાં અંધકાર અને આજે ઠંડીનું પ્રમાણ વિષેશ હોવાથી શેરીમાં ચકલુય ફરકતું નહોતું, બન્ને પ્રેમ પંખીડાને જાણે સ્વર્ગ મળી ગયું, ઓશરીની ઠંડી ફરસ એકબીજામાં ઊભરાતી ઉષ્ણતાના તાપમાં હુંફાળી સુવાળી સેજ બની ગઇ, આલિંગનમાં ખોવાય ગયા,  ભાન ભૂલ્યા, ન કરવાનું કરી બેઠા.ખડકી ખૂલી બન્ને બેબાકળા ઊભા થયા ગોમતી દોડી અંદર બાથરૂમમાં ગઇ,ધનજીએ ખમીશ પહેર્યું.ગૌરી ઓસરીમાં આવી “અરે ધનજીભાઇ તમે અત્યારે અહીં!!ગોમતી ક્યાં છે?” માસી ગોમતી હમણા જ બાથરૂમ ગઇ, હું અબીહાલ આવ્યો,મોટીબાએ મને તમારી ખબર પૂછવા મોકલ્યો, માસીબા મઝામાં તો છો ને?”હા એકદમ મઝામાં છીએ લે આ સોમવારી પેંડા મહાદેવના મંદિરનો પ્રસાદ લેતો જા”,ધનજીએ હાસકારો અનુભવ્યો હાસ બચી ગ્યાં, પ્રસાદ લીધો “આવજો માસીબા મોટીબા રાહ જોતા હશૅ હું જાઉ”,”આવજે મોટાબાને મારા પાય લાગણ કેજે.

ધનજીને વળાવી ગૌરી ઘરમાં આવી, મનમાં વિચારના વંટોળ, આ ધનજી સંધ્યાટાણે, અહીં ગોમતી ઘરમાં એકલી, કોણ જાણે શું કર્યું હશે! ના ના મા મારી ગોમતી સમજુ છે, કોઇ અજુગતુ કામ કરે નહીં, તોય ચડતી જુવાનીનો શું ભરોશો? ક્યારે ફસાય કંઇ કહેવાય નહીં, મારે હવે જલ્દી ધનજી હારે મારી ગોમતીનું ગોઢવાય એવું કરવું પડશે, ગોમતીને હવે સાચવવી ભારે પડશે,બોલકી ચાલાક બધા હારે ભળી જાઇ ક્યાંય આ છોડીને અજાણ્યું નાલાગે, હવે તો બાર બેસતી થઇ ગઇ, તેના બાપ વગર મારે કેમ સાચવવી? બાપની બીકે ઘરમાં રહે, વખતસર ઘેર આવે, મારું તો ગાંઢતી નથી, ચાર દિવસ પહેલા મેં મોકલી મોટાબાને ખમણ દેવા, કલાકે પાછી આવી પુછ્યું કેમ આટલું મોડું થ્યું? બા હું નીકળી ત્યાં બાર ધનજી મળી ગ્યો તો થોડી વાર તેની હારે વાત કરવા ઊભી રહી. ત્યારે તો સમજાવેલ સંધ્યાટાણે છોકરા હારે વાત કરવા નહીં ઊભા રહેવાનું કોઇ જોઇ જાય તો વાતો કરે,ને તોય આજે હું મંદિરે ગઇ એટલી વારમાં ધનજી સાથે વાતો કરી, કોણ જાણે બેઉ એકલા હતા, શું કર્યું હશે?ધનજીને ય દાઢી મુછો ફુટ્યા છે.આમ મનમાં બોલતી ગૌરી ઓસરીમાં આવી.સામે ગોમતી માથાબોળ નાહી બાથરૂમમાંથી નીકળી ઓસરીમાં વાળ જાટકતી હતી પગ સંચાર સાંભળી માથુ ઊંચુ કર્યું, બેઉ હાથે રેશમ જેવા સુંવાળા લાંબા વાળને પાછળ પીઠ પર નીતરતા મુકી બોલી “અરે બા તું ક્યારે આવી?”ગૌરી દીકરી સામે જોઇ રહી છુટા નીતરતા કેશ, કસકસતું કાપડું, ગોમતીનું રૂપ આજે કંઇક અનેરુ અંગે અંગમાંથી નીતરી રહ્યું છે, જાણે સોળે સણગાર સજી રહેલી કન્યા, આટલી રૂપાળી છે મારી દીકરી, આને હું એકલી કેમ સાચવીશ!!?

ગોમતી ઓઢણું ઓઢતા બોલી શું આમ જોયા કરશ! ક્યારે આવી?ગોમતી તંદ્રામાંથી જાગી

“હં..હમણા જ,ધનજી બહાર નીકળતો’તો ને હું આવી”,”સારું થયું બા તું ધનજીને મળી, એ તને જ મળવા આવેલો, હું બે દિવસથી ગઇ નો’તી એટલે મોટીબાએ ખબર પૂછવા મોકલ્યો હતો, બા જલ્દી થાળી પીરસ મને તો કકડીને ભૂખ લાગી છે. “હા હા આજે તે સોમવાર કર્યો છે તે હું ભૂલી જ ગઇ,” બેસ હું થાળી પીરસી લાવું છું.” ગૌરીએ હાથ પગ ધોયા બે થાળી પીરસી, બન્ને મા દીકરી જમવા બેઠા. ગોમતીએ વાસણ માંજ્યા, ગૌરીએ રસોડું સાફ કર્યું. બન્ને સુતા.ગોમતી તો પથારીમાં પડી એવી ઊંઘી ગઇ.

ગૌરીનું મન આજે સુવા તૈયાર નથી, માળા લીધી ૐ નમઃ શિવાય મણકા ફર્યા કરે જીભ બોલ્યા કરે મન તો પહોંચ્યું આફ્રિકા પતિ રવજી પાસે, છે કાંઇ ચિંતા? દીકરી જુવાન થઇ હવે જટ હાથ પીળા કરવા પડશે, કાગળ લખું છું આવતી કાલે મોટા શેઠનો ભાણીયો દેસમાં હટાણું કરવા આવ્યો છે તેની હારે મોકલી દઉ, હાથોહાથ મળી જાય, ટપાલના કંઇ ભરોસા નહીં.

ઊભી થઇ કાગળ લખ્યો ગોમતીના બાપુ રજા પડે ટ્યુસનના લોભમાં પડ્યા વગર વહેલા બની શકે તો વિમાનમાં વહેલા આવી જશો, ટીકીટ મોંઘી પડે તોય ખરચ કરશો જલ્દી દેસ આવી જજો સ્ટીમરમાં અઠવાડિયું બગડે રજા દોઢ મહિનાની અઠવાડિયું દસ દિ સ્ટીમરમાં વેડફાઇ નહીં. આપણી ગોમતી જુવાન થઇ છે એના હાથ જલ્દી પીળા કરવા છે, મારા મનમાં ધનજી માટે વિચાર આવે છે, તમારા દોસ્તનો દીકરો, જાણીતું ખમતીધર કુટુંબ, તમે આવો એટલે વાત કરીએ એક મહિનામાં વિવાહ લગ્ન બધુ પતાવી દઇએ.બા બાપૂજીને મારા પાય લાગણ કેજો, બધા સાચવીને રેજો હવે તો લડાઈ પુરી થાય એમ લાગે છે.બસ વધારે રૂબરુ તમારા આવવાની રાહ જોઇ રહી છું. તમારી પત્નિ ગૌરીના પાય લાગણ…

 

સાંજે રવજી ઘેર આવ્યો રવજીને કાગળ મળ્યો, વાંચી વિચારે છે ગૌરીની વાત સાચી છે, હું બે વર્ષથી દેશમાં નથી ગ્યો, મારી ગોમતી કેવડી મોટી થઇ ગઇ હશે, બાર, તેર વર્ષની સારુ ગજુ કર્યું હશે, એના હાઇટ બોડી મારા પર, નમણાસ અને વાન ગૌરી જેવા, રવજીનું મન હજારો માઇલ દૂર માંડવી પહોંચી ગયું, માનસ પટ પર પત્નિ અને દીકરી છવાઇ ગયા, ગૌરી વઢી રહી છે “આવડી મોટી જુવાન દીકરી, છે કાંઇ તમને ચિંતા? હું અહીં એકલી બે વર્ષ વીતી ગ્યા કોઇ દિવસ અમારી ભાળ લીધી, જાણે અમને ભૂલી જ ગ્યા! ના ના નથી ભૂલી ગ્યો, બોલતો રવજી તેના રૂમ તરફ ચાલ્યો સાંભળી રવજીના બાએ પૂછ્યું “શું ભૂલી જવાની વાત છે બેટા? કોનો કાગળ છે? દેશમાં બધા કુશળ તો છે ને?””બા કંઇ નથી આતો ગૌરીનો કાગળ શેઠના ભાણા હારે આવ્યો છે,”

“વહુ શું લખે છે? બધા હેમ ખેમ તો છે ને,

“હા બા બધા કુશળ છે, ગૌરીને ગોમતીની ચિંતા છે, લખે છે હવે એના જલ્દી હાથ પીળા કરીએ”’

“જુવાન દીકરીની માને ચિંતા થાય, એ સ્વાભાવિક છે, તમે છોકરા જોવાના શરુ કરી દ્યો’,

“બા ગૌરી મેઘજીના ધનજી વિશે લખે છે તમને શું લાગે છે?”

“મેઘજી તારી હારે ભણતો’તો બિચારાનું નાની ઉમરે ઘર ભાંગેલ દિકરો હાવ નાનો હતો, એ ધનજીની વાત કરશ?”

“હા બા એ જ, મેઘજીએ બીજા લગ્ન કરેલ, ધનકુવર હારે, એને બે દિકરા છે, વેલજીને મુળજી મુળજી પાંચ વર્સનો હતોને ધનકુવર મેલેરિયાના તાવમાં પાછી થઇ, મેખજીના નસિબમાં પત્નિ સુખ લખાયું જ નહીં હોય, હવે તો મળેય કોણ ત્રણ છોકરાના બાપને, બા બેઠા છે, એટલે ઘર ને છોકરા સંભાળે છે.”

“સાચી વાત સાવકી મા કરતા દાદી પાસે છૉકરા મોટા થાય એ સારું, તમે આપણી ગોમતી હારુ ધનજી માટે વિચારો છો તે આમ તો હારુ પણ તેની ઉમર જેવડા કે તેનાથી નાના બે દિયરો, માજીતો કેટલુક જીવવાના? બધો ભાર ધનજી અને આપણી ગોમતી પર પડવાનો”.

“બા તમારી વાત સાચી પણ બાએ બીજી વારના છે, ઉમરમાં મેઘજી કરતા થોડા જ મોટા, અને તંદુરસ્ત છે હજુ વાંધો આવે એમ નથી”.

“તો કરો કંકુના, માંડવીમાં તેમના જેવડા મેડી વાળા મકાન કોઇના નહીં, બહુ મોટા ઘરમાં આપણી ગોમતી જશૅ.”

“હા બા હું કાગળ લખું છું, તમને અને બાપાને વેલા મોકલું છું, “

“ઇ વાત સાચી હું અને ગૌરી તૈયારી કરીએ મોટા ઘરની જાન એટલે તૈયારી મોટી કરવી પડશે, ભલે તો તુ કાગળ લખી નાખ”.

 

રવજીએ તુરત જ કાગળ પેન લીધા પત્ર લખવા બેસી ગ્યો.

મારી વ્હાલી ગૌરી,

તું અને ગોમતી તો મારી બે આંખો તમને તે ભૂલતો હોઇશ, લડાઇના હિસાબે ઘણા શિક્ષકો દેશમાં જતા રહ્યા છે, તો ઘણા લાંબી રજા પર છે, એટલે સવાર સાંજની સીફ્ટ મારે કરવી પડતી, હવે થોડી રાહત છે, બાંગલા દેશ અને પાકિસ્તાનથી થોડા નવા શિક્ષકો આવ્યા છે, તારી વાત સાથે હું સહમત છું, હું બા બાપાને વહેલા સ્ટીમરમાં સંગાથ સાથે મોકલી દઉ છું, તેથી તને એકલું ન લાગે, અને બીજું આપણા વડીલ હોય ત્યાં સુધી તેઓના મારફત ગોમતીના સગપણ માટૅ મેઘજીના કાને ગામના વડીલ મારફત વાત જાય એ વધારે સારું લાગે, ગૌરી કાલે જ બા બાપૂજીની ટિકીટ કરાવી લઉ છું.તું રોજ રાત પડે યાદ આવે છે, પલંગમાં વચ્ચો વચ સુઇ જવ ઘણી વાર વિચાર આવે તમને મા દીકરીને પાછા બોલાવી લઉ, લડાઇ બંધ થઇ છે, પણ હવે આફ્રિકા આપણા રહેવા લાયક નથી, અહીના સ્થાનિક હબશીઓ માથું ઊંચકતા થયા છે. આપણે બધા બ્રિટીશ પાસપોર્ટ હોલ્ડર છીએ, એટલે આપણે ઇંગલેન્ડમાં પણ સ્થાયી થઇ શકીએ.એ બધુ પછી સાથે બેસી નિરાંતે નક્કી કરીશું અત્યારે તો તારી સલાહ મુજબ ગોમતીના વિવાહ-લગ્ન વિશે જ વિચાર કરવો રહ્યો. મારા વતી મારી ગોમતીને ખૂબ પ્યાર કરજે, જરાય ઓછું આવવા નહી દેતી. જેવું વેકેસન પડે પ્લેનમાં આવું છું, મારા મને તો ત્યાં ઊડાન શરુ કરી દીધી છે, પહોંચી જ ગયું છે.

કાગળ લખતી રહેજે.

તમને બન્નેને જોવા તલપાપડ રવજીનું વ્હાલ.

એરમેલનું પરબિડીયું વાળી બંધ કર્યું.

પલંગમાં લંબાવ્યું, રોજ ઓશીકે માથુ મુકે, કે નિદ્રાદેવીના ખોળે રવજીની આંખ બીડાઇ જતી, આજે, મન મરકંડ વિચારોના વમળમાં ભૂતકાળના પાના ઉથલાવા માંડ્યું, ગોમતી મારી કેવી મઝાની પરી જેવી, મોન્ટૅસરિ સ્કુલમાં બધા શિક્ષક પરી કહી બોલાવતા, હંમેશા હસતી, રમતી કુદતી હોય, મારા બા અને બાપાએ ખૂબ મોઢે ચડાવેલી, હવે પરણાવવાની સાસરામાં કેમ વરતશે? રવજીને તેની એકની એક દીકરીની ચિંતા સતાવવા લાગી. અત્યારે તો વહેલામાં વહેલી તકે બા બાપાને દેશમાં મોકલવાની વ્યવસ્થા કરું, મારા બા અને ગૌરી બધુ સંભાળી લેશે. આમ મન સાથે સમાધાન કરી પત્નિ અને બા પર વિશ્વાસ મુકી વિચારોના વમળથી થાકેલ રવજી આખરે નિદ્રાધીન થયો. સવારે તૈયાર થઇ ચા નાસ્તો પતાવી થોડો વહેલો નીકળ્યો રસ્તામાં સ્ટીમરની ટ્રાવેલ બુકીંગની ઓફિસમાં ઇન્ડિયા જવાનું બુકીંગ કરાવ્યું, હજુ વેકેસન પડવાને વાર હતી બે ટીકીટ કેબીનમાં મળી ગઇ, થોડી શાંતિ થઇ,

સાંજે ઘેર બા બાપૂજીને વાત કરી, બા બાપૂજી તો દેશમાં જવા માટે તૈયાર જ હોય, બાએ થોડી ચિંતા વ્યક્ત કરી “રવજી અમે વહેલા જઇએ પણ તને અહીં ખાવાની તકલીફ પડશે’ “બા મારી ચિંતા ન કરો હું ભુખ્યો નહીં રહુ, મારા સસરાનું ઘર મારી સ્કુલથી નજીક છે, તેમના ઘેર જમવા જઇશ. એ વાત સાચી પણ સાંજના શું કરીશ, બા તમે ચિંતા નહીં કરો બે અઠવાડીયા આપણો હબૌ જે બનાવશે તેનાથી ચાલશે,અને થોડુ હું બનાવી લઇશ’ આમ બાને માંડ સમજાવ્યા અને બન્નેને ઇન્ડિયા મોકલ્યા. બા બાપૂજી ચુસ્ત વૈશ્નવ ભાટિયા કાંદા લસણ ખાઇ નહીં કોઇના હાથનું બનાવેલ જમે નહીં અઠવાડિયાનું ભાથુ સાથે લઇને નીકળે, દુધમાં બનાવેલ ભાખરી ગોળ, અથાણું વગેરે.

અઠવાડિયે સ્ટીમર માંડવી બંદર આવશે ત્યાંથી ગાડામાં કે ખટારો જે મળે તેમાં સામાન સાથે ઘેર જવાનું .

 

 

Advertisements
This entry was posted in સબળા નારી. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.