જીંદગી પ્યાર કા ગીત હૈ -(૧૪) રાજુલ શાહ

184075_491554977530419_1231385242_n

લંડનના હિથ્રો એરપોર્ટ પરથી બ્રિટીશ એર વેયઝ ઉડ્ડાન ભરવાની તૈયારીમાં હતું પણ બીનાનુ મનતો ક્યારનીય ઉડ્ડાન ભરી ચુક્યુ હતુ. બીના લગ્ન કરીને આવી પણ જાણે હજુ ય એનું મનતો કુંવારુ જ હ્તુ. બીનાના નામ પાછળ સૂર્યનું નામ ઉમેરાવાથી જ જો એને લગ્ન કહી શકાતા હોત તો હા ! બીના પરણીતા હતી. સૂર્ય સાથેના ફિઝીકલ રિલેશનને જ જો લગ્ન કહી શકાતા હોય કે જેનો દિવસ સૂર્યના ઘરમાં ઉગીને સૂર્યના બેડરૂમમાં આથમતો હોય અને એને જો લગ્ન કહેવાય તો હા! એ પરણીતા હતી. મન અને તનના ધર્મ જુદા હોય એવો વિચાર મનમાં ઉદભવે કે મન એને સમજે એ પહેલા જ મન તનથી વિખુટુ પડીને ક્યાંય જોજનો દૂર સોનપુરમાં જ રહી ગયુ હતુ. આજે એ મન એના માણીગરને મળવા બહાવરુ બન્યુ હતુ.

“પ્લીઝ ફાસન યોર સીટ બેલ્ટ મેમ.” બકુલના વિચારોમાં ગરકાવ બીનાના કાને સીટ બેલ્ટ બાંધવાની સુચના પણ મગજ સુધી પહોંચતી નહોતી. પરિચારિકાએ પાસે આવીને અત્યંત નમ્રતાપૂર્વક બીનાનું ધ્યાન દોર્યુ અને એ સાથે પૂજા માટે પણ સુચના આપી. બીના જરા સભાન બનીને પરિચારિકાની સુચનાને અનુસરી રહી.

એક દિવસ એવો હતો કે જ્યારે એ સૂર્યને પરણીને લંડન જઈ રહી હતી એ દિવસ અને આજના દિવસ વચ્ચે કેલેન્ડરના ઘણા પાના ફેરવાઇ ગયા હતા. ઋતુઓ બદલાઇ ગઈ હતી. વચ્ચે કેટલા સ્પ્રીંગ, ઑટમ કે ફોલ પસાર થઈ ગયા? પણ બીનાના મનની સ્થિતિ તો એવીજ અધુરી , એટલીજ વ્યાકુળ હતી. એના મનની તપ્ત ધરતી પર એ આજે ય બકુલના પ્રેમનુ અમી ઝંખી રહી હતી.

કેટલીય વાર એ પોતાની જાતને મનોમન સૂર્યની અપરાધી માનતી હતી. જે રીતે સૂર્ય બીનાને જાળવતો, સંભાળતો , પ્રેમ કરતો એ જોઇને બીનાને અત્યંત સંકોચ થઈ આવતો. કેટલીય વાર સૂર્ય અને બકુલ વચ્ચે સરખામણી થઈ જતી. જે પ્રેમની ઉત્કટતા એ બકુલ પાસે ઝંખતી એ સૂર્યમાં જોવા મળતી પણ એ પોતે સૂર્યને ગમે એવો કે સૂર્ય ઇચ્છે એવો પ્રતિભાવ આપી શકતી નહી ત્યારે એને ખુબ વસમુ લાગતું. સૂર્ય પણ બીનાની આવી ઉમળકા વગરની વર્તણુક જોઇને અકળાઇ જતો ત્યારે ઘણીવાર તો એવી પ્રબળ ઇચ્છા થઈ આવતી કે સૂર્યને સાચી હકિકત જણાવી દે. મન બેધારી તલવાર પર ચાલતુ. ઘડીક વારમાં વિચાર બદલાઇ જતો કે સૂર્યને કહીને ય શું ફાયદો જ્યાં બકુલ તરફથી જ એના પ્રેમની સ્વીકૃતિના સંકેત મળ્યા ન હોય .

બકુલ..બકુલ..બકુલ

મન જાણે બકુલને જોવા મળવા અધિરુ બન્યુ હતુ. લંડનથી સોનપુરનો આ પ્રવાસ કેમ કરીને પુરો થશે? સાથે જો પૂજા ન હોત તો બીનાને એક એક પળ લંબાઇને એક યુગ સમાન લાગતી હતી. પણ એમ કંઇ વિચારે થોડું બકુલ પાસે પહોંચી જવાનુ હતુ?

બકુલ કેવો લાગતો હશે? એને છોડીને ગઈ ત્યારે જેવો દેખાતો હતો એવો જ કે એનામાં કોઇ ફેરફાર થયા હશે. પોતે જે રીતે બકુલને યાદ કરતી હતી એવી જ એટલી ઉત્કટતાથી એ બીનાને યાદ કરતો હશે? સવાસ સાંજ પોતાના ઘેર દોડી આવતો બકુલ હજુય એવી રીત દોડી આવતો હશે? મમ્મીના હાથે બનાવેલી કેટલીય વસ્તુ બકુલને કેટલી પ્રિય હતી અને એટલે જ તો મમ્મી પણ બીનાને બકુલ માટે આપવા મોકલતી ને? આજે પણ મમ્મી એવી જ રીતે યાદ કરીને બકુલ માટે મોકલતી જ હશે ને? પણ આપવા કોણ જતું હશે?

“બીના , આ કચોરી એટલે એટલી સ્વાદિષ્ટ લાગે છે કે એ લઈને તું આવે છે બાકી તો આવી કચોરી તો બધે ય બનતી હશે ને!”

બકુલની આ પ્રશસ્તિ એને મમ્મીની કચોરી કરતા પણ વધુ ટેસ્ટી લાગતી હતી ને? પોતે જશે એવો જ બકુલ એની પર વરસી પડશે…કેટ કેટલી ફરિયાદો ભેગી થઈ હશે? કેટલો તો ગુસ્સો કરશે સાહેબજાદા અને કેટલા તો મનાવા પડશે એમને.

મ્હોં ફુલાવીને કહેશે “તું તો પરણીને લંડન શું ગઈ જાણે અહીં અમને બધાને તો ભુલી જ ગઈ ને? એકવાર ફોન પણ ના કરાય ? જાણે લંડનની ક્વીન… તને કોઇની યાદ નહોતી આવતી? આવા તો કેટલાય સવાલો બકુલના હશે અને એના જવાબો આપવા ભારે પડશે. પણ વાંધો નહી એને તો હું આમ મનાવી લઈશ. અને જેટલો સમય સોનપુરમાં છું ત્યાં સુધી એને સાથે ને સાથે રહેવા સમજાવી લઈશ.

આવા તો કેટલાય શેખચલ્લીના વિચારોમાં અટવાયેલી બીના નિંદરમાં સરી ગઈ. પણ સપનામાં ય બકુલ ક્યાં કેડો મુકે એમ હતો?

લગ્ન પછી પહેલી વાર બીના સોનપુર જઈ રહી હતી અને એ પણ પૂજાને લઈને એટલે સ્વભાવિક રીતે અંદરથી ખુબ ખુશ હતી. મમ્મી- પપ્પા , તોરલકાકી –કાકા , નાનપણથી માંડીને કોલેજ સુધીની સૌ સહિયરો બધાને મળવાનું થશે. બીનાએ એની અંતરંગ સખીઓને તો પોતે આવી રહી છે એ અગાઉથી જ જણાવી દીધું હતુ અને વધુમાં વધુ મળી જવાનુ અલ્ટીમેટમ પણ આપી દીધું હતુ. મમ્મી પપ્પા માટે સ્વેટર, તોરલકાકી અને કાકા માટે પરફ્યુમ, એમ યાદ કરીને સૌ માટે ગિફ્ટ લીધી હતી. એ બધા માટે કેટલું સરળ હતું શોપિંગ કરવાનું પણ બકુલ માટે કેટલીય વાર એ શોપિંગ મોલમાં જઇને પાછી આવી પણ મનમાં કોઇ વસ્તુ જચતી જ નહોતીને. ઓક્સફર્ડ સ્ટ્રીટના લગભગ બધા જ શો રૂમમાં એ ફરી વળી હતી. માર્ક્સ એન્ડ સ્પેન્સર્સ, પ્રાઇમાર્ક , ગૅપ કયો સ્ટોર બાકી રાખ્યો હતો?

અંતે ઘણું વિચારીને એણે એક રિસ્ટ વોચ પસંદ કરી. એમાં એણે એક સરસ મઝાનું કુકુના રણકારવાળુ એલાર્મ ગોઠવી દીધુ. સમય સવારના આઠ વાગ્યાનો…

આ સમય હતો જ્યારે એ અને બકુલ સાથે કોલેજ જવા નિકળતા હતા .એ રીતે બકુલને હંમેશા એની યાદ આવશે…..

છટ્… એમ કંઇ એ એને ભુલી થોડો ગયો હશે તો પાછી યાદ અપાવી પડે? બકુલ પણ પોતાની જેમ સ્તો એને દિવસ રાત – ઉંઘતા જાગતા હરદમ હરપળ યાદ તો કરતો જ હશે ને? પણ … આ તો એમના સાથે ગુજારેલા સમયનું પ્રતિક કહેવાય.. બકુલને જરૂર ગમશે જ. અને કહેશે પણ ખરો કે

“ અરે વાહ! બીના તને હજુ પણ આ બધુ યાદ છે? મને તો એમ કે લંડન જઈને સૂર્યની સાથે રહીને અમને સૌને વિસારે પાડી દીધા હશે.

પણ હાય રે! કિસ્મત. જેને એ એટલી ઉત્કટતાથી , આતુરતાથી મળવાની ઝંખના કરતી હતે એ ક્યાં?

બીના સોનપુર પહોંચી.. લગ્ન પછી અને પૂજાના જન્મ પછી એ પહેલી વાર પિયર પધારી હતી ને! મા એ ઓવારણા લીધા . ઘરની અંદર ઉંબરા પાસે ઉભી રાખીને બીના અને પૂજાના માથેથી પાણીનો લોટો ઉતારીને ઘરની બહાર રેડી આવી. બીના અને પૂજાને લલાટે કંકુનુ તિલક કરી ચોખાથી વધાવીને ઘરમાં લીધી. પાણીયારે ઘી નો દિવો કરી બીના પગે લાગી. એ દિવસે મા એ લાપસીના આંધણ મુક્યા અને બીનાને ભાવતું ભરેલા ભીંડાનું શાક અને ભજીયા ઉતાર્યા. પૂજા માટે પણ કેટલી તૈયારી કરી હતી મા એ?

જમવા બેસતાની સાથે બીનાને વિચાર આવ્યો કે ક્યારે મા આ ભજીયા અને કંસાર લઈને બકુલને આપવા મોકલે? સીધુ જ બકુલ માટે પુછવું યોગ્ય ન લાગતા આડી અવળી વાતો કર્યા કરી.

મા અને બાપુએ પણ કેટલા સવાલો કર્યા?

લંડનમાં ફાવે તો છે ને? ઘરમાં સૌ સાથે ગમે તો છે ને? સૂર્ય સાથે સ્ટોર પર જાય છે તો હવે ત્યાંની સિસ્ટમ ફાવી તો ગઈ છે ને? અહીંથી ગઈ તો લંડનની ઠંડી સહન તો થતી હતી ને? બાપરે કેવી ઠંડી હોય છે ત્યાં તો? કાતિલ પવન અને પાછો ક્યારેક તો સ્નો પણ પડે ને? હેં બીના, ત્યાં તો કહે છે કે શિયાળામાં તો સાવ વહેલુ ચાર વાગ્યામાં અંધારુ થઈ જાય? અને ઉનાળામાં તો રાત્રે દસ વાગ્યા સુધી અજવાળુ હોય? આ બધામાં તું ગોઠવાઇ તો ગઈ ને?

“ હા મા હા ,બધુ બરાબર છે અને હું પણ બરાબર છું અને ગોઠવાઇ પણ બરાબર ગઈ છું.તું અને પપ્પા મારી જરાય ફિકર ના કરતા.” બીના બધા સવાલોના જવાબની સાથે મા અને બાપુને સધિયારો ય આપતી જતી હતી. પણ મા બાપુના અગણિત સવાલો હતા અને બીના ,સૂર્ય ,પૂજા અને એના પરિવાર વિષે બધું જ કહેતી ગઈ. મા બાપુને જાણવું હતુ એ બધું જ.

જીભેથી અસ્ખલિત વાણીનો વેગ ચાલતો રહ્યો અને એની સાથે મનનો વેગ પણ એટલો જ અસ્ખલિત ચાલતો રહ્યો.

સાંજ સુધીમાં તો આજુબાજુમાંથી સૌ આવીને મળી ગયા. તોરલકાકી પણ બીનાની ભાવતી પુરણપોળી લઈને હાજર થઈ ગયા.

“ બીના, હવે તો મારે તારી સાથે બેવડું સગપણ થયું કહેવાય ને? તારા બધાજ ખબર અંતર હું પુછતી રહેતી હતી હોં કે ! વગેરે વગેરે….. તોરલકાકીનો ઉત્સાહ પણ બેવડા સગપણની જેમ બેવડાઇને છલકાતો હતો. આજ સુધીમાં તો કેટલીય વાર એ બીના માટે રાજાના કુંવર જેવો વર શોધી આપ્યો એનો ઉલ્લેખ કરી ચુક્યા હશે પણ આજે બીના સામે વ્હાલસોયી નજર નાખી અને ફરી એકવાર પોરસ કરી લીધો.

પણ હવે આ બધી વાતથી પરે બીના મનોમન અકળાવા માંડી હતી. એને તો આ બધી વાતો સાંભળવા કરતાં બકુલને સાંભળવાની વધુ તાલાવેલી હતી. કેટલીય વાર જીભે બકુલનું નામ આવીને પાછું વળી જતું હતું. રખેને એના મનનો ભાવ કોઇની નજરે ચઢી જાય તો? પણ હવે તો હદ આવી ગઈ હતી. સામેથી તો કોઇ બકુલની વાત કાઢતુ નહોતુ કે નહોતા બકુલના થતા દર્શન…..

“પણ કાકી, આખી વાતમાં બકુલ ક્યાં? એક ક્ષણે તો એની ધીરજનો અંત આવી જ ગયો અને લાગલું કાકીની વાત કાપીને પુછી લીધું.

“અરે ! તને ખબર જ નથી? બકુલ તો એના બિઝનેસના કામે ચાયના ગયો છે.”

“હેં? જાણે મૂઢ માર માર્યો હોય એમ બીનાની સંવેદનાઓ જામી ગઈ. મૂઢ મારના તો ચકામા ઉપસી આવે આ મારના લીલા સોળ તો કોને દેખાવાના? મનના આવેગોને તમ્મર ચઢી ગયા અને બીના દિગ્મૂઢ , હતપ્રભ બની ગઈ. તોરલકાકી કોણ જાણે કેટલીય વાતો કરીને ગયા પણ એ પછી તો કોઇની એકે વાત કાનથી વધીને મન સુધી પહોંચી જ નહી ને. અને હવે આગળ કોઇની સાથે વાત કરવાની હામ સુધ્ધા બચી નહીં.

આ ઘર, આ ગામ, સૌ સગા સંબંધી………બધું જ અચાનક બીનાને અકારુ લાગવા માંડ્યુ. જે ઉત્સાહ ,જે વેગ, જે તાલાવેલી હતી અહીં સુધી આવવાની એ બધી જ જાણે વ્યર્થ બની ગઈ. શરીરમાંથી જાણે પ્રાણવાયુ ઓસરી ગયો હોય એમ બીના આત્મા વગરના નિશ્ચેષ્ટ તન જેવી બની ગઈ. આ પહેલાની પળ સુધી સૌને મળવાનો ઉમંગ મનમાં હતો ,જે આનંદ તનમાં હતો એ ભરતીના પાણી ફીણ ફીણ બની પાછા વળી જાય એમ ક્ષીણ ક્ષીણ થઈ ગયા.

માંડ માંડ એ એટલું પુછી શકી “કેમ ? એને ખબર નહોતી કે હું આવવાની છું?”

“ખબર હતી ને ,સૂર્યે સૌથી પહેલા તો એને જ ફોન કરીને કહ્યું હતુ કે તું આવવાની છું. એને ખબર હતી કે તું ક્યારે આવવાની છું અને ક્યાં સુધી રોકાવાની છું”

“ તો પણ?”

“ એજ તો સમજણ પડતી નથી કે ગઈ કાલ સુધી તો ક્યાંય કોઇ જગ્યાએ જવાની વાત સુધ્ધા નહોતી અને આમ રાતોરાત એને શું કામ આવી ગયું કે એ બધું જ ઉભાભઠ મુકી ને નિકળી ગયો.”

“ક્યારે આવશે?” માંડ માંડ જીભેથી શબ્દો સર્યા.

“બસ, તું જઇશ એના બે દિવસમાં..”

હવે બીનાના મનમાં કોઇ પ્રશ્નો ન રહ્યા કે ન કશું જાણવાની ઇન્તેજારી. એ એક ઝાટકે સમજી ગઈ કે જેને મળવાની આશ લઈને આવી હતી એની પર તો બકુલ ઠંડુ પાણી રેડીને ચાલતો થયો હતો. જેની યાદોના સહારે એ ટકી રહી હતી એ ટેકણ લાકડી જ ખેસવીને બકુલ દૂર ખસી ગયો હતો. આ ક્ષણ સુધી જેની સાથે મૂક સંવાદો રચ્યા હતા એણે ચીનની દિવાલ કરતા પણ વધુ અભેદ મૌનની દિવાલ રચીને એની અને બીના વચ્ચે ન તોડાય એવી સરહદ આંકી દીધી હતી.

જેનામાં એક ધસમસતી નદીની જેમ સમાવા આતુર રહેતી એ સાગર તો મૃગજળ સાબિત થઇને રહ્યો હતો.

એને તો એમ હતુ કે બકુલની સાથે પહેલાની જેમે જ એમની પ્રિય જગ્યાએ જઈને બેસશે અને બકુલની એક એક પળનો હિસાબ લેશે. આટલા દિવસ બકુલે કેવી રીતે વિતાવ્યા , કેટલી વાર એને યાદ કરે એ બધું જ પુછશે. વરસાદની મોસમમાં પલળતા પલળતા શેકેલી મકાઇ ખાવાનો લ્હાવો લીધો કે એ ય બીના ગયા ભુલાઇ ગયો? જો કે મન તો એવું સાંભળવા આતુર હતુ કે “ બીના, એ મકાઇ કે એ વરસાદમાં પલળવાની મઝા તારા વગર ક્યાંથી?”

પણ આ બધું જ એક ઝાટકે કડડડ ભૂસ થઇને તુટી પડ્યું જાણે પત્તાનો મહેલ. એક જ ફુંકે ધરાશાયી થઈ ગયો. આ ક્ષણ સુધી સેવેલા સપના પર ખરેખર આ કઠુરાઘાત હતો.કશું જ બોલ્યા વગર બકુલે એ બંને વચ્ચે એક ન ભુંસાય એવી લકીર ખેંચી હતી.

બકુલ માટે તો એ પરણી ત્યારથી પરાઇ થઈ હતી આજે બકુલ પણ એના માટે પરાયો બની ગયો હતો.

 

 

Advertisements
This entry was posted in જિંદગી પ્યાર કા ગીત હૈ.. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s