ફાંસીને માંચડે ! (૧) પ્રવીણા કડકિયા

પ્રકરણ —૧ કોમલને ફાંસી અપાઈ****

hanging

કોમલને કાલે સવારે  ફાંસીની સજા મળવાની હતી. મુખ પર આછું સ્મિત ફરકી રહ્યું હતું. જીંદગીનો અંતિમ દિવસ, કોઈ ચિંતા નહી. જરા પણ કલેશ નહી. દિલગીરીનું નામોનિશાન નહી. જાણે આજે ઉત્સવ ન હોય ! કોમલને કોઈ પારિતોષક મળવાનું ન હોય!  જીંદગીની આખરી રાતના ૧૦ વાગ્યાનો ડંકો વાગ્યો અને દરવાજાને તાળા ભચકાયા. બત્તીઓ બુઝાઈ ગઈ. ઘોર અંધકારનું સામ્રાજ્ય ચારેકોર પ્રસરી ગયું. કોમલની ચીર વિદાયની અંતિમ ઘડી  ચૂપકીદીથી નજીક  સરી રહી હતી.

ટન, ટન, ટન, ટન ,ટન દરરોજ સવારે પાંચ વાગે  જેલની  લોલકવાળી મુખ્ય ઘડિયાળમાં જોરથી ડંકા વાગે. સવારના સહુને ઉઠાડવા માટે. આ વ્યવસ્થા કુલકર્ણી સાહેબે  ચાલુ કરાવી હતી. કોઈને ઉઠાડવા જવાની તસ્દી ન લેવી પડે. માત્ર આ સમયે પાંચ ડંકા વાગે તેથી દરેક જણ સમજી જાય ઉઠવાનો સમય થઈ ગયો છે. બાકી દર  કલાકે એક ડંકો વાગે. કુલકર્ણી સાહેબ આવ્યા પછી જેલની વ્યવસ્થામાં ઘણો  ફરક આંખે ઉડીને વળગે તેવો સાફ જણાતો. કુલકર્ણી પોતે જેલના રસોડે દરરોજ જમતા, સ્વાભાવિક છે ખોરાકની ગુણવત્તામાં ફરક આવ્યો  હોય  ? ભલભલા કેદીઓને પ્રેમથી વશ કરતાં.   મોટાભાગના  કેદીઓની ચાલચલગતમાં સજા કાળ દરમ્યાન  સ્પષ્ટ ફરક જણાતો. જેલમાંથી છૂટીને  તેમની જીંદગી અર્થસભર  બને તેવી  તેમની કોશિશ રહેતી. માનવતા અને લાગણી ભર્યા વર્તનને કારણે કુલકર્ણી જેલરના સ્વાંગમાં અનેકના જીવન ઉદ્ધારક પૂરવાર થયા હતા. નવા જેલર  કોઈ પણ બીજી જેલમાં જ્યારે નિયુક્ત થાય ત્યારે ખાસ સલાહ આપવામાં આવે,’નોકરીની શરૂઆત કરતાં પહેલાં  કુલકર્ણી સાહેબને મળજો, તેમની જેલર તરીકેની પદવી કેવી રીતે આટલી રસપ્રદ છે તે જાણવાનો પ્રયત્ન કરજો’ !

આજે સવારે  સાતના ટકોરે કોમલને ફાંસીએ લટકાવવાનો હતો. બધી તૈયારી લગભગ થઈ ગઈ હતી. આકાશમાં સૂરજને આવું બેહુદું દૃશ્ય જોવાની જાણે શરમ ન લાગતી હોય! વાદળમાંથી બહાર ડોકિયું કાઢતો ન હતો. તેને કારણે કાંઈ ફાંસી બંધ રહેવાની ન હતી !  સુંદર પ્રભાત, મનભાવન સૂર્યના કિરણો સંગે ગેલ કરતાં પક્ષીઓ, કોમલ મન ભરીને નિહાળી રહ્યો. જાણતો હતો થોડા વખતનો મહેમાન છે. પછી ? ક્યાં હશે? શું બની રહ્યું હશે? સાવ અનજાણ ! જો કે તેને ફિકર પણ ન હતી.

દરરોજના કાર્ય નિયમ અનુસાર ચાલતા હતાં. આજે ક્યાંકથી કુકડાની કુકરે કૂક સંભળાઈ ? કોમલને એ મધુર અવાજ ગમ્યો. મુખ પર હાસ્યની સુરખી પથરાઈ. કુસુમને જ્યારે સવારે ઉઠાડતો ત્યારે તેના કાનમાં કુકરે કુક બોલતો ! કુસુમ વળતો જવાબ આપતી, ‘તું કોમલ છે, તો આવા કર્કશ અવાજથી મને કેમ ઉઠાડે છે?’ અરે, કાંઈ ન આવડે તો નરસિંહ મહેતાનું ભજન ગાઈને ઉઠાડ. મને ખૂબ ગમશે,’ કોમલ એવા સરસ રાગે ભજન ગાતો કે કુસુમ સાંભળવામાં લીન થઈ જતી. તેનો અવાજ કુસુમને ખૂબ સૂરીલો લાગતો.

આજે અંતિમ દિવસ હોવાને કારણે કોમલના શરીરમાં આળસ ભરાઈ હતી. કોઈ ઉદ્વેગ નહી. જીવન પ્રત્યે કોઈ ફરિયાદ નહી. માત્ર કુસુમની યાદથી હૈયું છલોછલ ઉભરાતું હતું. ક્ષણભર તેના દિમાગમાં વિચાર ઝબકી ગયો. શું કુસુમનો બધો પ્યાર વિસરાઈ ગયો હતો ! પ્યાર સભર  કુસુમ કઈ રીતે ભૂલાઈ  ગઈ ? તેનું પ્રેમાળ વર્તન, તેના મીઠા મધ જેવા બોલ બધું ક્યાં અદ્રશ્ય થઈ ગયા અને ‘આવું ગોઝારૂં કૃત્ય  કેવી રીતે હું કરી બેઠો’?  ‘કુસુમશી કોમળ કુસુમ’નું જીવન તેના હાથે કચરાયું હતું. વહેમ અને ગુસ્સામાં માનવી કેવી ભયંકર ભૂલો કરે છે ! કોમલ તેનું દૃષ્ટાંત પુરૂં પાડવામાં સફળતા પૂર્વક પાર ઉતર્યો !

૧૨-૧૨-૧૨, દિવસ ક્યારનો ડાયરીમાં નોંધી રાખ્યો હતો.  એ દિવસની પ્રતિક્ષા ન હતી પણ આવવાનો હતો એ નક્કી હતું!  જે દિવસે હત્યા કરી હતી એ પણ બારંમી ડિસેમ્બરની રાત હતી. પાંચ વર્ષ પહેલાંની વાત હતી. કૉર્ટમાં કેસ ઘણો લાંબો ચાલ્યો. લગભગ છ વાર તો મુદત પડી. જે થયું તે સારા માટે થયું. દિવસ પછી રાત અને રાત પછી દિવસ અવિરત સર્યા કરે છે. કોમલના દિમાગમાં વિચારોના ઘોડાપૂર ઉમટતાં તેના અસ્તિત્વને હચમચાવી વિરમતા .   પાંચ વર્ષના ગાળામાં તેની મુસાફરી ક્યાંથી શરૂ થઈ હતી ને ક્યા આવીને ઠરીઠામ થઈ એ ખૂબ નવાઈનો વિષય હતો. એ પાંચ વર્ષના પરિણામ રૂપે કોમલ આજે આ મુકામ પર પહોંચ્યો હતો. હા, અફસોસ જરૂર હતો અને કેમ ન  હોય? કાંઈ નાનું સુનું કામ નહોતું કર્યું?  જેને પોતાનાથી અધિક ચાહી હતી. જેના પર પ્રાણ પાથરતો હતો. તે વહાલી કુસુમની હત્યાનો આરોપી હતો.

તેને તો પેલા હરામ–ને પણ મારવો હતો.   તે ભાગી છૂટ્યો અને  પૉલિસે તેને રંગે હાથ પકડ્યો. હવે કાંઈ કહી શકાય તેવું બાકી હતું નહી. મનમાં એક ગીતની પંક્તિ ગણગણી રહ્યો.

“क्यासे क्या हो गया बेवफा तेरे प्यारमे

 चाहा क्या, क्या मिला बेवफा तेरे प्यारमे 

‘ફાંસીની સજા’, એ તેના ગુન્હા માટે ભલે અંતિમ  ચૂકાદો ગણાય પણ કોમલને માટે એ સજા ખૂબ સામાન્ય હતી. જીવનમાં મુસાફરી કરવાના ઘણા સાધનો ઉપલબ્ધ છે. અંતરની મુસાફરી તો જેમ કરતાં જાવ તેમ નિયત સ્થળ દૂર દૂર સરતું લાગે. જ્યારે દિલમાં શાંતિ, ઉત્સાહ અને ઉમંગ હોય તો સઘળે મેઘધનુના રંગ જણાય. જ્યારે દિલમાં કડવાશ અને તિરસ્કાર હોય ત્યારે કાળી ડિબાંગ  રાત્રી સમાન જીવન લાગે. એવા જીવનનું અંતિમ પરિણામ  સુંદર લાવવામાં કુલકર્ણી સાહેબે અગત્યનો ભાગ ભજવ્યો. તેમના પ્રયત્નો કોમલને બદલવામાં સફળ થયા. જીવનની અંતિમ ક્ષણોએ પથરાયેલી શાંતિ અને સંતોષ, હ્રદયની પાવનતાના અધિકારી હતાં, કુલકર્ણી જેલર સાહેબ !

આજની છેલ્લી રાતનું દૃશ્ય કોમલ આંખ ભરીને પી રહ્યો હતો. જેલર કુલકર્ણી, કોમલના મિત્ર, સખા કે સ્નેહી જે ગણો તે  જેલવાસના સમય દરમ્યાન બન્યા હતા. કોમલના હ્રદય અને જીવન પરિવર્તનને કારણે છેલ્લી રાત એવી કોટડીમાં પસાર કરવાની હતી જ્યાંની બારીમાંથી ચંદામામા ડોકિયું કરતાં જણાતા હતા. પૂનમની રાત અને સોળે કળાએ ખીલોલો ચાંદ ! જબરદસ્તીથી તેની ચાંદનીની શિતળતામાં કોમલને સ્નાન કરાવી  શિતળતા અર્પી રહ્યા હતા. કોમલનું તન બદન આનંદથી વિભોર થઈ ઉઠ્યું. આવા રમણિય વાતાવરણમાં પ્રિય પત્ની કુસુમની યાદ ન આવે તો જ નવાઈ લાગે !

દુધ ઉભરાયા પછી રડવાથી શો ફાયદો?  હા એ જ પ્યારી ,  કુસુમનું કાસળ કાઢી નાખવા માટે આજે તેની જીંદગીની અંતિમ રાત્રીની માદકતાનો સ્વાદ માણી રહ્યો હતો. જેલના નિવાસ કાળ દરમ્યાન, માનસ  યાત્રા દ્વારા મંઝિલ પ્રાપ્ત થઈ હતી તે અલૌકિક હતી. જેને કારણે મુખ પર પરમ શાંતિની આભા નિખરી રહી હતી. હૈયામાં કચવાટ નહી. ઉદ્વેગતાનું નામોનિશાન નહી ! કુદરતનું પાન કરતાં કરતાં આહલાદક વાતાવરણમાં કોમલ ખોવાઈ ગયો.  કુલકર્ણી સાહેબ  રાતના ઘરે જતાં પહેલાં આવીને ‘અલવિદા ‘ કરી ગયા હતા. તેમને ખબર હતી બીજે દિવસે ફરજ પર આવશે ત્યારે પહેલું કામ કોમલના મૃતદેહને ઠેકાણે પાડવાનું હશે !.જતાં પહેલાં કોમલના મુખ પરના ભાવનું બરાબર અવલોકન કરી રહ્યા. મનમાં વિચાર ઝબકી ગયો, જે ગોઝારી રાતે ખૂન કરીને આવ્યો હતો એ કોમલ અને આજનો પસ્તાવાના પુનિત ઝરણામાં સ્નાન કરીને પાવન કોમલ!

બરાબર સવારના સાત વાગે તેને ફાંસીને માંચડે ચડાવવા્માં આવશે તે જણાવતો કાગળ તેના હાથમાં હતો. આજે અંતિમ દિવસ હતો. સવારના નાસ્તામાં ગરમા ગરમ પુરી, બટાટાની સૂકીભાજી અને  આદુ તેમજ મસાલાવાળી ચા તેને કોટડીમાં આપવામાં આવ્યા હતા. કોઈ પણ જાતની ફરિયાદ યા ઉદ્વેગ વગર કોમલ તેની મોજ માણી રહ્યો હતો. આ તેનું આખરી ભોજન. જાણે સાત પકવાન અને અન્નકૂટ આરોગતો હોય તેવી પરમ શાંતિ. જગથી અલિપ્ત એવા તેના વદનકમળ પર સંતોષ પથરાયો હતો. ન કોઈની સામે ફરિયાદ, ન કોઈ સાથે લગાવ ! જાણે ઈશ્વરના દરબારમાંથી આવેલા તેડાંને ઉમંગભેર વધાવી મળવાની સંપૂર્ણ તૈયારી.

દરવાજા બહાર પહેરો ભરી રહેલો સંત્રી વિચારતો હતો, ‘આવો અદભૂત કેદી, દસ વર્ષની જેલની નોકરીમાં આજે પહેલીવાર  જોયો’! બરાબર કલાક પછી જે ફાંસીને માંચડે લટકશે તેના દિલોદિમાગ પર ભયનું નામોનિશાન જણાતું નથી.’ આરામથી નાસ્તાનો સ્વાદ માણી રહ્યો છે. કલાક પછી જેનું મૃત્યુ નિશ્ચિત છે. કઈ માટીનો આ માનવી ઘડાયો હશે? સંત્રીની માત્ર છ મહિના પહેલા આ જેલમાં  બદલી થઈ હતી. કુલકર્ણી સાહેબથી ખૂબ પ્રભાવિત થયો હતો. જેને કલાક પછી ફાંસી મળવાની હતી એ કેદીના મુખ પર પથરાયેલી શાંતિ તેને નવાઈ પમાડી ગઈ.

જેલવાસ દરમ્યાન ‘ગીતા’નું  અધ્યયન અને અંતરની યાત્રા દ્વારા અભયતાને તે વરી ચૂક્યો હતો. કર્યા કર્મની સજા તેણે ભોગવવાની છે તે સત્ય જાણતો હતો. ખબર નહી કેમ કોમલને કુલકર્ણીમાં કૃષ્ણ દેખાતા હશે? આમ તો કોમલ બ્રાહ્મણનો દીકરો હતો. નાનપણમાં જનોઈ પહેરતો અને સંધ્યા પૂજા વગર જમતો પણ નહી. જેલવાસ દરમ્યાન તેના સંસ્કાર જાગૃત થયા અને વિચારવંત બન્યો.

આરામથી નાસ્તો કર્યો. તેની છેલ્લી ઈચ્છા પુછવામાં આવી. પળવાર વિચારમાં ગરકાવ થઈ ગયો. ઉંડો શ્વાસ લઈને બોલ્યો, યાદ રહે,’ મારા પ્રાણ જેવા આ ખોળિયાની બહાર નિકળે કે તરત શરીરના બધા અંગોનું યોગ્ય વ્યક્તિને દાન કરશો. હું જુવાન છું. નિરોગી છું. અંગો બધાં સારી સ્થિતિમાં છે. મારા ગુનાની સજા ભલે મને મળે. મારી અનોખી બદલાયેલી શૈલી દ્વારા હું અનેકના દિલમાં  જીવીત રહીશ ! આ કાર્ય સરખી રીતે પાર પાડશો તો મને ખરેખર શાંતિ મળશે ! તેના અંતરના ઉંડાણમાંથી નિકળતો હરએક શબ્દ હ્રદયની પાવનતાનો અનુભવ કરાવતો.

બાકી ‘કોઈ અંતિમ એષણા નથી ! બને તો હાથમાં ‘ગીતા’નું પુસ્તક રાખવાની રજા આપશો તો ગમશે’ ! તેને ખબર હતી જેવું  ફાંસીનું દોરડું ખેંચાશે ત્યારે પુસ્તક હાથમાંથી સરી પડશે. ચેતના વિહિન હાથ ‘ગીતા’ને કઈ રીતે પકડી રાખે. ‘ગીતા’નું  સૂરીલું સંગિત કાનોમાં સદા ગુંજતું.

ફાંસી આપનાર વ્યક્તિ નિર્દય નથી હોતી. તેઓ માત્ર ચિઠ્ઠીના ચાકર હોય છે. હા, આ કાર્ય કાંઈ આનંદ આપનાર નથી, પણ કોઈકે તો આ કામ કરવું પડે ? માત્ર નોકરી ઉપર, ઉપરીની સૂચના મુજબ અનુસરવાનું હોય. સજા પામનારની અંતિમ ઈચ્છાને માન આપવાનો નિર્ણય લેવાયો.

કોમલને ખૂબ ગમ્યું. હાથમાં રહેલી ‘ગીતા’ને પ્રેમે પસવારી મધુરું ચુંબન આપ્યું. નાસ્તો થઈ ગયો. શાંતિથી બેસી તેનો સ્વાદ માણતો હતો. તેના નયનો દિશાશૂન્ય બની તાકી રહ્યા હતા. તે્ની નજરમાં કોઈ પણ જાતના ભાવ ન જણાયા. હા, જાણે સમગ્ર જગતથી અલિપ્ત ન થઈ ગયો હોય. તેનું લાગણી તંત્ર બધિર થઈ ગયું હતું. સઘળી આસક્તિ છૂટી ગઈ હતી.

દસ મિનિટ પછી સંત્રી આવ્યો.

‘તમારે અંતિમ સ્નાન લેવાનું  છે’.

કોમલે સ્નાનાગાર તરફ પ્રયાણ કર્યું. જુવાન કોમલ, દેખાવડો કોમલ, બસ ચંદ મિનિટોનો મહેમાન હતો. જેલમાં તેને કોઈ મળવા ન આવે તેનો આગ્રહી. જેને કારણે અંતિમ ક્ષણોમાં લાલસા ન રહી જાય.

કુલકર્ણી સાહેબ પણ ઘરે તૈયાર થઈ રહ્યા હતા. વિચારોમાં કોમલ અડ્ડો જમાવીને બેઠો હતો. કોમલ શાંત ચિત્તે મૃત્યુને ભેટશે તેનો વિચાર મનમાં ઘોળાતો હતો. જ્યારે કોમલ આ જેલમાં આવ્યો ત્યારનો દિવસ યાદ આવી ગયો. કેવું બેહુદું તેનું વર્તન હતું. મિજાજનો તુમાખી અને ગુસ્સાથી છલકાતો. દારૂ પીધેલ હાથીની જેમ તેને વશમાં લાવવા અથાગ પ્રયત્ન કરવો પડ્યો હતો. એમને મન તો ‘બ્રાહ્મણનો’ દીકરો આવું કૃત્ય કેવી રીતે કરી બેઠો એ સમજાતું ન હતું. કોમલમાં સૂતેલા સંસ્કારોને ઢંઢોળી તેની અસલિયત બહાર લાવવામં કુલકર્ણી સાહેબ સફળ થયા. જરા અસ્વસ્થતા અનુભવી રહ્યા. તેમને માટે હવે કોમલ ભૂતકાળ બની જશે!

કોમલ સ્નાનવિધી પૂરી કરી તૈયાર થયો. શરીર પર શ્વેત ચાદર વિંટાળી હતી. બે બાજુ  સંત્રીઓ ચાલી રહ્યા હતા. વધ સ્થંભ પાસે ઉભો રાખ્યો ત્યારે કોમલ આભને નિરખી રહ્યો. પ્રભાતમાં આભનું નિરિક્ષણ તેને ગમતું. એક પણ વાદળ છૂટા છવાયા  નજરે ન ચડ્યાં. નિર્મળ સ્વચ્છ આકાશમાં સૂર્ય સાત ઘોડાના રથ પર સવાર થઈ લટાર મારવા નિકળ્યો હતો. અવનવા દૃશ્ય નિહાળવાની આ તેની રોજની આદતથી કોમલ પરિચિત હતો. બન્ને હાથ જોડી તેના આગમનને વધાવતા મુખમાંથી સરી પડ્યું,

सर्वे भवंतु सुखिनां

सर्वे संतु निरामया

 

તેનું મુખ  કાળી ટોપી પહેરાવી ઢાંકી દીધું અને ગળામાં ફાંસીનું દોરડું સરી પડ્યું.  પ્રાર્થનાનો સૂર વિરમી ગયો. કોમલે, કુસુમને મળવાના માર્ગે પ્રયાણ કર્યું.  —–

 

 

 

Advertisements

About pravina

Enjoy writing and social work. have loving family with God's grace.
This entry was posted in ફાંસીને માંચડે. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s