જિંદગી પ્યાર કા ગીત હૈ. (૮-૯ ) – પ્રજ્ઞા દાદભાવાલા

184075_491554977530419_1231385242_n

આ બધા કામમાં બકુલે સૌથી વધારે મહેનત કરી હતી,એમ વિચારીને કે તેની પ્રિયને માટે કરવાનું આ છેલ્લું કામ છે.પ્રેમ એટલે સમર્પણ ,પ્રેમમાં બધું પામવાનું જ હોતું નથી.”.’આપણો પ્રેમ આત્માનો પ્રેમ છે, શરીરનો નહીં પણ ત્યાગનો પ્રેમ છે કાંઈ મેળવવાનો નહીં. બકુલ મનોમન જાણે સમાધાન કરતો હતો ,મન તો કહેતું હતું કે બીના જ મારી પત્ની બને ,પણ હોઠ ઉપર ક્યારે ન આવ્યું, અને એક ક્ષણ માટે વિચાર આવ્યો કે બીનાએ પત્ર લખ્યો પણ મેં જવાબ ન આપ્યો તો સામેથી કેમ ન પુછ્યું ?ફરી પ્રેમી હ્રદય પોકારી ઉઠ્યું સંબંધો, પ્રેમ અને લાગણી જ્યારે ગિવ એન્ડ ટેઈકની પરંપરા થઈ જાય છે, ત્યારે એ સોદાબાજી થઈ જાય છે. સંબંધોનું વિનિમય ન હોય. સંબંધો તોલી, માપી કે જોખીને ન રખાય. કોઈ મુઠ્ઠી ભરીને આપે તો આપણે ખોબો ભરીને આપવું જોઈએ. બીના સાથે જેટલી જિંદગી જીવ્યો એ ખુબ લીલીછમ હતી..

બીના શા માટે મને ગમે છે એનાં કોઈ કારણો મળતાં નથી. બસ, એનો સાથ ગમેં છે. બીના નજીક હોય ત્યારે આસમાન પણ પહોંચી શકાય એટલું નજીક લાગે છે.. .બીના તું નજીક હોય ત્યારે મેઘધનુષ્ય ઘરના તોરણ જેવું લાગે છે. પંખીઓ આપણા માટે જ કલરવ કરતાં હોય એવી અનુભૂતિ થાય છે.પણ હવે બીના સાથેની એક એક ક્ષણ હું મારા દિલમાં એક બંધ રાખીશ ,બીના એ મને ખોબો ભરીને પ્રેમ આપ્યો છે તો હું દરિયો બનીને આપીશ . ફૂટપટ્ટી અને વજનકાંટાની શોધ પ્રેમ અને લાગણી માટે નથી થઈ, બધું જ માપનારા સરવાળે કંઈ પામી શકતા નથી.

હા હું બીના ને ખુશ થતી જોઇશ બીના મારું માત્ર આકર્ષણ નથી મારે પારા જેવું થવું છે પારો તો એકમેકમાં ઓગળી જાય છે ને !. બીના તું કે હું એક બીજાને કહીકે ન કહીએ આપણાં સંબંધો પારા જેવા રહેશે. બીના પ્રેમને સીંચતા રહેવાનો હોય છે. પ્રેમને રોજ તાજો રાખવાનો હોય છે. બે જીવનું મળી જવું એ પ્રેમની મંઝિલ નથી, બે જીવનું જીવવું અને જીવતા રહેવું એ પ્રેમ છે મારો પ્રેમ તારું બળ બનશે અને તારો પ્રેમ મને સદાય બળ આપશે તોજ આજે આટલી હોંશે તારા લગ્નની તૈયારી કરી શકું છું ને બસ આમ મન માનવતા બકુલે બારણે તોરણ સાથે હૃદય ની ઝબુકતી લાઈટ પણ ગોઠવી દીધી

અંદર દુલ્હનના જોડામાં સજેલી બીના બહુ ખૂબસૂરત લાગતી હતી.અદલોઅદલ જાણે કોઇ પરી સજી હોય એવી લાગતી હતી.બીના કોઈની સાથે સપ્તપદીના સાત ફેરા ફરે તે જોવાની તાકાત બકુલમાં નહોતી તો આ તરફ સજાવટ અને શણગારમાં પણ બીનાની આંખોમાં અજબ ઉદાસી દેખાતી હતી, એને પોતાના મનને મનાવતા ન આવડયું અને એટલેજ ચહેરા પર ઉદાસી ઉપસી આવી આ જોઈને તેની સખી તેની પાસે આવે છે અને પૂછે છે કે,”હવે શું દુખ છે તને કશું ખૂટે છે ?

બીના જવાબ આપી ન શકી અને મનમાં જ બોલી મારા નસીબ તો જુવો . કોઇ પ્રેમ ને પ્રાપ્ત કરે છે …તો કોઇ પ્રેમમાં ત્યાગ કરે છે … મારા માબાપ ખાતર પણ લગ્ન કરવા જ પડશે। ..મારા સ્વજનો મારો પહેલો પ્રેમ છે। .કોઇ પ્રેમને ખાતર પ્રેમનો ત્યાગ કરે છે.અને કદાચ મારો પ્રેમ એક તરફી જ હોય બકુલ મને પ્રેમ કરે છે કે નહિ એ પણ ખબર નથી ને ! ..પણ બહુ કોશિષ પછી પણ બકુલ મનમાંથી ખસતો કેમ નથી ?આ ઉદાસી શેની છે ?જો આવું જ રહેશે તો શું હું મારા પતિને સ્વીકારી શકીશ ?બસ આટલું પુછતાની સાથે આંખમાંથી બોર બોર જેવડા આંસુડા ખરી પડે છે .પરાણે આંસુ ખાળતા જવાબ આપે છે,”જરા જઇને બકુલને અહી બોલાવી લાવ!”

એની સહેલી બહાર ગઈ કે ફરી મન વિચારે ચડ્યું, જિંદગીને થોડીક જુદી રીતે સમજવાનો પ્રયાસ કર્યો ,માં કહેતી જિંદગી એટલે સાચા અને ખોટા નિર્ણયોનો સરવાળો. બેટા આપણાં સુખ અને દુ:ખનો ઘણો મોટો આધાર આપણે લીધેલા નિર્ણયો પર નિર્ભર કરે છે. બકુલને માત્ર મિત્ર તરીકે જ જોવો પડશે, આપણે નાના હોઈએ ત્યારે સાથે રમતા હસતા કુદતા “મારા”પણા ના ભાવ જાગે એ સ્વાભાવિક છે પણ હવે આપણે મોટા થયા ।..

પણ બકુલનો પ્રેમ એટલે આત્મિયતા નું સદૈવ મૈત્રીમાં પરિણમતું અખંડ ઝરણું।… અરે ભગવાન આજે હું કેવા જીવનના ફાંટા પર આવીને ઉભી છું…શું આ માત્ર મિત્રતા જ છે …પણ બકુલની મારા માટેની કાળજી, જવાબદારી, આદર, માન,  મારા માટે કંઇક કરી છુટવાની ભાવના અને એકબીજા ના ઉત્કર્ષની ઝંખના એ પ્રેમનો સંકેત નથી ?

ભલે એણે પત્રનો જવાબ ન આપ્યો હોય પણ મને હંમેશા પ્રેમના સંકેત મળ્યા છે. હે ભગવાન મને  મદદ કરો આ લગ્ન એ મારો ખોટો નિર્ણય તો નથી ને ?  નાના હોઈએ ત્યારે આપણે નાના નિર્ણયો લેતાં હોઈએ છીએ, મોટા થતાં જઈએ એમ  મોટા નિર્ણયો લેવા પડતાં હોય છે. લગ્ન પણ એક મારો મોટો નિર્ણય છે. આજે આટલી મુંઝવણ કેમ ? દર વખતે મારા નિર્ણયમાં મને બકુલનો સાથ હતો આજે જાણે હું એકલી થઇ ગઈ.

પ્રેમ એટલે શું? .જે આપણી બધી ખામીઓને અવગણી આપણને પોતાના બનાવે. હા, બકુલે હંમેશા આમ જ કર્યું છે. દરેક પરિસ્થિતિમાં મને સાથે આપ્યો છે.  આજે  મારા લગ્નની તૈયારીમાં પણ કેટલી મહેનત કરે છે. તો બીજી તરફ બુદ્ધિ કહે છે, બીના તું હવે બકુલને ભૂલી જા. મન કહે છે અમે નાનપણથી સાથે મોટા થયા. એક દિવસ પણ મળ્યા વગર અમે રહ્યા નથી. આતો જળ વડે પથ્થર ઉપર કોતરેલું બકુલનું નામ છે તો એને ભુસવું કઈ રીતે ?

થોડીવારમાં તેનો સૌથી વહાલો મિત્ર બકુલ અંદર આવે છે. હસતું મોઢું રાખી કહે છે, “અરે તું કેટલી સુંદર લાગે છે. જોજે મારી નજર તને ન લાગે, તને ખૂબ ખૂબ અભિનંદન.  બકુલે બીનાનો હાથ પકડી લીધો ! બકુલ હાથ છોડી નથી શકતો અને બીનાની આંખો બોલ્યા વગર જ સંકેત આપતી હતી કે હવે આ હાથ પકડ્યો છે તો છોડતો નહિ. કાશ તેં મને મારા પત્રનો જવાબ આપ્યો હોત ?

આ તરફ બકુલ પણ વિચારતો હતો કે હજી સમય છે બોલી નાખ સમય પાછો નહિ આવે. કાલ પછી બીના કોઈની થઇ જશે! બકુલ એની આંખોમાં જોઇને મનમાં  બોલ્યો .

દરિયાના મોજા કૈં, રેતીને પૂછે ;

તને ભીંજાવું ગમશે કે કેમ ?

 બીના વળતો  મનમાં જવાબ આપે છે .” બકુલ, એમ પૂછી ને થાય નહીં” પ્રેમ.બકુલ તમે પ્રણયનાં ફૂલ છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં. બકુલ બોલો, હવે નહિ કહો તો ક્યારે કહેશો ?

બન્નેની આ કદાચ છેલ્લી મુલાકાત હતી। બંને એકબીજાના હાથ ક્યાંય સુધી પકડીને બેસી રહ્યા બંનેની આંખોમાં દુનિયા આખીનું દર્દ હતું।

પ્રેમ છિપાયા ન છીપે, જો ઘટ પ્રગટ હી હોય,

                                             જો કી મુખ બોલે નહી, નયન દેત હૈ રોય “

અચાનક બકુલ બોલી ઉઠે છે, “બીના લગ્ન મંડપમાં નહી આવું શકું. તું કોઈ બીજાની થયા કેવી રીતે જોઈ શકું ? “આટલુ બોલતા તો બકુલ જાણે અંદરથી તૂટી ગયો. જાણે શરીરમાંથી અત્મા નીકળતો હોય એવું અનુભવવા લાગ્યો. બીનાની આંખોમાં એક ચમકારો થાય છે .એના પત્રનો જવાબ મળી ગયો તે સમજી જાય છે.બકુલ મને પ્રેમ કરે છે. મારો પ્રેમ એક તરફી નથી!  મારા જેવી જ સંવેદના બકુલ પણ અનુભવે છે. પણ હવે શું ?

ચાલ ભાગી જઈએ એવો વિચાર બંનેને એક ક્ષણ માટે આવે છે બીનામાં એટલી હિમ્મત નહોતી કે એના પરિવારના નિર્ણયની સામે થઇ શકે. આ જુદાઈનું દુખ બંને પક્ષે સરખું છે.  બીના વિચારે છે, મેં મારી બધી જ સમસ્યાઓના ઈલાજ તરીકે લગ્નને સ્વીકાર્યું હતું. માબાપ ને સમાજને કોઈને ખરાબ નહિ લાગે કે આપણે કેટલું બધું સારું લગાડવા માટે અથવા તો ખરાબ ન લાગે એટલા માટે કરતા હોઈએ છીએ? પણ મારા પ્રેમનું શું ?. પણ એક જિંદગીમાં બે જિંદગી જીવનારો માણસ જ જિંદગીથી થાકી જતો હોય છે તો હું પણ સૂર્યને કેવી રીતે અપનાવીશ। આપણી એક તરફ પ્રેમ હોય છે અને એક તરફ પરિવાર.

સ્ત્રીને બંને વચ્ચે એકસરખું અને બરાબરનું બેલેન્સ જાળવવું પડતું હોય છે. મા, બાપ ,વહેવાર, સમાજ ને સારા લગાડવા માટે મારે મારા પ્રેમનો ત્યાગ કરવો જ રહ્યો। સંબંધો એક નથી હોતા. સંબંધો અનેક હોય છે. આપણા વર્તુળની અંદર બીજાં અનેક નાનાંમોટાં વર્તુળો હોય છે. સંવેદના અને અનુભવો પછી આ વર્તુળો સંકોચાતાં અથવા તો વિસ્તરતાં જતાં હોય છે. બીના અને બકુલના મનમાં અનેક વિચારો થોડી ક્ષણ માટે આવી ગાયા।  વણ ઉકેલ્યા પ્રશ્નનો ઉત્તર તો મળ્યો પરંતુ કોયડો બની ઉભો રહ્યો હવે શું ? આ કોયડાને ઉકેલવા બન્ને સ્વયં પોતાને પ્રશ્ન કરે છે. તારી સૌથી નજીક કોણ છે? એવી કઈ વ્યક્તિ છે જેને તારી અંગત વાત કરવાનું સૌથી પહેલું મન થાય છે? કોઈ સારા કે ખરાબ સમાચાર હોય તો તું કોને પહેલી જાણ કરો છો? બધા સવાલનો જવાબ બીના માટે બકુલ અને બકુલ માટે બીના જ છે. હવે બન્ને ખાતરી થાય છે કે જીવનમાં એકબીજાની વગર રહેવું અશક્ય છે.

બકુલને બીનાને કાયમ દિલથી જકડી રાખવી છે . બકુલ ગમે તે પરિસ્થિતિમાં આપણા સંબંધો અકબંધ રહેવા જોઈએ. હું જાણું છું સંબંધોને માણવા જેટલા સહેલા છે એટલા જ અઘરા સંબંધોને જીરવવા છે પણ તું મારા લગ્ન જોઈશ। જો બકુલ સાથે હોવું પૂરતું નથી, સાથે જીવવું જ જરૂરી હોય છે,તું સદાય મારી સાથે જ છો તો મારી વિદાય વખતે પણ સાથે જ રહ્જે, હાલાત થી ભાગી ન જવાય બકુલના દિલમાં વેદના ઊઠે છે .

વેદનાનાં વાદળો ઊમટે છે,અને તોફાન મચાવી દે છે બકુલ પણ છાના ખૂણે રડયો જ હોય છે. કેટલાંક આંસુ કોઈને બતાવી શકાતાં નથી. આવાં આંસુઓમાં માત્ર ડૂબવાનું હોય છે. આ આંસુ બકુલને ડૂબવા પણ નથી દેતાં અને તેમાં તરીને બહાર પણ નીકળી શકાતું પણ નથી. બકુલને અને બીનાને દૂર સુધી કોઈ કિનારો દેખાતો નથી ત્યારે વેદનાને સહન કર્યા સિવાય કોઈ છૂટકો નથી!

વેદના બકુલને વેરણછેરણ કરી દે છે. પોતાની અંદર કંઈક તૂટતું હોય તેવો અહેસાસ અનુભવે છે . પ્રેમને જ્યારે પરીક્ષા પર ચડાવાય ત્યારે વેદના વિકરાળ અને અસહ્ય  બની જાય. બકુલ પોતાની જાતને પુછે છે.. .નક્કી કરી લે કે તારે શું કરવું છે? બીના કોઈની સાથે સપ્તપદીના સાત ફેરા ફરે તે જોવાની તાકાત બકુલમાં તારામાં છે ?ના ના નથી।

હ્રદયે  ફરી થી ઉથલો માર્યો એ “કોઇ” મારો ભાઇ છે.એ સૂર્ય છે . એ લંડનમાં છે મારા કરતા વધુ તેને સુખ આપશે  અને આને જ તો પ્રેમ કહે છેને? પોતાની પ્રિય વ્યક્તિને આપણે આપવા ધારતા હોય તેથી વધુ મળે ત્યારે કેવી રીતે સ્વાર્થી થવાય? પ્રિય વ્યક્તિને મળતુ સુખ જોઇને પ્રિય વ્યક્તિ તરીકે રાજી થવાનું.. મારું સુખ લુંટાઇ જાય છે તે  સ્વાર્થી વલણ છે.તેની ખુશી બમણી અને ચોગણી થાય તેવી દિલથી દુઆઓ દે.

મન ફરી થી વકર્યુ -પણ મને તો જુદાઇનું દુઃખ મળે છે ને?હું બીનાને કેવી રીતે જોઇશ ? મારે મારા દિલના જ ટુકડાઓને ભેગા કરીને લગ્નમાં હાજર રહેવાનું ?પ્રિય વ્યક્તિએ જો દૂર થઈ જાય તો દિલના એક ભાગમાં દુકાળ પડી જાય છે. દિલમાં પડેલા ચાસને જીરવવા બહુ આકરા હોય છે. બીના હવે આપણે એકબીજા વગર કેમ રહી શકશું ,ભગવાન આ કેવી સજા ? બંને પગ એટલા ભારે થઈ જાય છે કે નથી આમ જવાતું કે નથી તેમ જવાતું! બકુલને પોતાનુજ વજન લાગવા માંડે છે! મનમાં થાય છે બીના ચાલ ભાગી જઈએ

રૂમમાથી બહાર જવાને ડગ ભરતા બકુલનો હાથ પકડીને બીના કહે છે,”હવે આ શક્ય નથી મારી વિદાઈ વખતે છેલ્લી ઘડી સુધી હું તને જોવા માગું છું હું જાણું છું..તું મારો બોલ કદી નહી ઉથાપે અને બકુલ મનમાંજ કહે છે નાં હું જઈશ કારણ બીના એ કહ્યું છે..આજે બંને પાસે એક બીજાને કહેવા માટે કોઈ પાસે શબ્દો નહોતા..બસ વહેવાને આંસુનો ખારો દરિયો હતો…” બીનાની વાતનો મૌનસુચક જવાબ “હા”નો બકુલની આંખોમાથી બીનાને મળી ગયો… ત્યા તો ગોર મહારાજનો અવાજ બંનેના કાને પડયો..”કન્યા પધરાવો સાવધાન…એક વાર બે વાર….અને ત્રીજો સાદ પડે એ પહેલા તો બીનાની સહેલીઓ બીનાને લેવા આવી પહોચી…બીના બકુલ સાથે નજર મિલાવ્યા વગર જ પગલા માંડ્યા। .ઉદાસ બકુલ બીના સાથે હળવે પગલે ચાલવા લાગ્યો….બાજોઠ પર બીના બેસી ત્યારે એની નજર બકુલ પર પડી….બીનાની નજરમાં પોતાના અસ્તિત્વની ઝાંખપ સહન ના થતા બકુલ બીનાની નજરથી દૂર સરી ગયો.

આ તરફ બીનાની સાસુનો હરખ અને ચહેરા પર વર્તાય છે મારા સૂર્યની વહુ રમઝુમ કરતી આવશે અને દીકરાના ઓવારણા મનોમન લઇ લે છે આ તરફ બીના માતા અને પિતા બન્ને ખુશ છે આમતો લગ્નનો અવસર ખુશીનો અવસર હોય છે. પણ દીકરીના માબાપના મોં પર અનેરો આનંદ છવાયેલો હોય છે. આ દિવસ તેઓની દીકરીનો જિંદગીનો સૌથી ખુશીનો દિવસ છે. દીકરીનું ભાવિ જાણે સોનેરી આશાઓથી ચમકી રહ્યું બન્ને ના મુખપર દીકરીનું ઉજ્વળ ભવિષ્ય વર્તાઈ રહ્યું છે અને બીના એમને જોઇને પોતાના મનને સાંત્વન આપતા માના દુધનો ઋણ ચુક્વ્યાનો સંતોષ માને છે

બે વિજાતિય દેહનું જોડાણ તેનું નામ લગ્ન પણ તેનો ખરો અર્થ તો એવો છે કે બે દેહ દ્વારા બે મન એક કરવા. એનાથી પ્રેમ પ્રગટે, આત્મિયતા વધે અને અંદરના આંતરિક સૌંદર્યને જોઈ સુખનો અનુભવ થાય એ જ ખરૂં લગ્ન છે ગોરમહારાજ બોલતા હતા પણ બીનાનું મન જાણે હાજર ન હતું।…મનમાં ફેરા ફરતા એક જ વાત ઘૂમતી હતી કે આવું કેમ થયું,પણ અંતે છેલ્લા ફેરે મન મનાવતા મનમાંજ બોલી પ્રભુ મારા જીવન નો તમે આવોજ નિર્ણય લીધો છે. તો મને મજુર છે હું આજ થી આપના નિર્ણયનો સ્વીકાર કરી સૂર્ય ને અપનાવીશ।આજ મારું ભાગ્ય છે મારા માબાપના સ્વપ્નો પુરા કરીશ।.. સ્પતપદીના બોલતા જાણે ભાર લાગતો હતો। ..લાગણીનું યુધ્ધ એક દીકરીના પીતાપ્રેમ સામે હારી ગયું હતું।..બીના એ જોએલા બકુલ સાથેના સપના હવે એ યજ્ઞમાં અહુતી દે છે પણ આ અંત નથી એ જાણે છે કે હકીકતમાં લગ્ન એ અંત નહિ, બલ્કે શરૂઆત છે.

રંગેચંગે લગ્નવિધિ પૂરી થઇ…બીના હવે સપ્તપદીના બંધન તળે સૂર્ય સાથે બંધાય ગઇ હતી…… પ્રસંગ આનંદથી ઉકલી ગયો .લાગણીનું યુધ્ધ એક દીકરીના પીતાપ્રેમ સામે હારી ગયું હતું…બીના વિચારે છે આપણે સ્ત્રી આવા કેટલા બધા સમયે આપણે આપણા મનને મનાવતાં હોઈએ છીએ? મન અને મગજ, દિલ અને દિમાગ, વાસ્તવિકતા અને અપેક્ષા ઘણી વખત આપણી સામે સવાલોનાં ઝૂંડ લઈને આવી જાય છે..એક રેખા જે હથેળીમાંથી સરકીને બીજાની હથેળીમાં સ્થાયી બની ગઇ હતી…આપણા હાથની વાત હશે ત્યારે આપણે આપણાથી જે થઈ શકશે એ કરીશું. અત્યારે તો તું કે હું કંઈ કરી શકું એમ નથી. આપણું આપણી જાત સાથે જ ઘર્ષણ થતું રહે છે, આ ઘર્ષણમાં છેલ્લે તો આપણે જ ઘાયલ થવાનું હોય છે. કેવું છે, આપણા હાથે જ આપણે ઘાયલ થઈએ છીએ અને પછી આપણી સારવાર પણ આપણે જ કરવી પડે છે! મનને મનાવી, પટાવી, બહેલાવી અને ક્યારેક છેતરીને આપણે આશ્વાસન મેળવતા હોઈએ છીએ. આપણે આપણી પાસેથી જ આશ્વાસન મેળવતા હોઈએ છીએ.

બકુલ માટે એના હ્રદયની રાણી સૂર્યના અંતઃપૂરની પટરાણી બની ગઇ હતી..વરરાજાની ગાડીનું પૈડું નાળીયેર થી સીચાય છે બકુલ દુરથી જોઈ રહ્યો છે અને મનમાં વિચારે છે કે એ જાન તો આવી વાજતે ગાજતે પણ મારી જાન (બીના )ને લેતી ગઈ આંસુ દળદળ હાલ્યા જાય છે પછી મન મનાવતા વિચારે છે કે બધું આપણું ધાર્યું થતું નથી .દિલ રડતું હોય ત્યારે એને છાનું રાખવું બહુ આકરું હોય છે, બકુલની સ્થતિ પણ આવી છે કારણ કે સવાલ પણ એની પોતાની પાસે જ છે અને જવાબ પણ પોતાની પાસે જ છે. મન જવાબને સાચો મનાતો નથી. જવાબ સાચો હોવા છતાં બકુલ કંઈ કરી શકતો નથી.

આપણી સમજદારી જ ઘણી વખત આપણાં પર ભારી પડતી હોય છે. આપણે હાથ ખંખેરી શકતા નથી, આપણે પીછો છોડાવી શકતા નથી. તમારી નજર સામે બધું થતું હોય છે અને તમે કંઈ જ કરી શકતા નથી. કંઈ જ કરી ન શકે ત્યારે માણસ મનને મનાવે છે બકુલ પણ આ વિધિના લેખને આંસુ સારતા સ્વીકારે છે. બીના ની મા પ્રગટાવેલ દીવડો હાથમાં લઈને વિદાય આપવા આવે છે એ એમ કહે છે કે હે દીકરી તેં તારી સેવા, સુશ્રુષાઅને સદગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાળ્યું છે તેમ જ તું તે સંસ્કારોથી તારા પતિના ઘરને પણ અઝવાળજે.અને એક ડૂસકું નીકળી પડે છે માં માટલું ગાડીમાં મુકાય છે બીનાની માતા વિદાય વેળાએ ખુબ રડે છે અનેમહેન્દ્ર ભાઈ પિતા બોલ્યા વગર આંસુ સારે છે… પાછળ દીકરી તો પારકી થાપણ કહેવાય વિદાયનું ગીત વાગી રહ્યું છે. અને સૂર્યની ગાડી બીનાને લઈને આગળ વધે છે

Advertisements
This entry was posted in જિંદગી પ્યાર કા ગીત હૈ.. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s