શુભેચ્છા સહ (૭) ડૉ .લલિત પરીખ

 Best wishes

             
કારણ વિના આપણા અનેક ધર્મોએ ઈચ્છાને દુઃખનું કારણ કહી આપણી  સ્વાભાવિક
સહજ મનોવૃત્તિને વગોવી મૂકી છે. ઈચ્છા જન્મની સાથે જ જન્મે છે અને જીવન થી લઈને  મૃત્યુ સુધીની  મંગળ યાત્રામાં હુંફાળો સથવારો આપે છે.ઇચ્છા પોતામાં કાયમ શુભ જ હોય છે,પોતાનું અને બીજાઓનું શુભ જ ઈચ્છે છે.આપણી સેક્યુરિટીનું ધ્યાન રાખનાર ઈચ્છાને વગોવીને આપણે આપણી  જાતનું,આપણી આસપાસના જગતનું,પરસ્પર જોડાયેલા જ જોડાયેલા રહેવા ઈચ્છતા સંબંધોનું અકારણ અહિત કરી બેસીએ છીએ.પરહિતમાં  જ આપણું  હિત સમાહિત  છે એ અને એટલે જ ઇછાપ્રેરિત આપણું  દરેક કાર્ય, સ્વધર્મની રક્ષા કરતું રહી આપણી સાથે સમસ્ત જગતનું સદાસર્વદા   કલ્યાણ  કરતુ  રહી,જાતનો ,સમાજનો સતત  વિકાસ કરતુ રહ્યું છે.પ્રસ્તર યુગથી પવનયુગ સુધીની આપણી વિકાસયાત્રાના મૂળમાં આપણી,આપણા સહુ કોઈની શુભ ઈચ્છા જ માનવ વિકાસનું મજબૂત પાસું છે, એ જ મૂળ તત્વ છે એ તો દીવા જેવી ચોખ્ખી વાત છે.ભગવાન પણ સહુનું ભલું જ ઈચ્છે છે તો આપણી  અશુભ ઇચ્છા હોય તો ય અંતે તો દરેકનું શુભ જ શુભ થઈને રહેવાનું છે.
ઈચ્છા અશુભ હોઈ જ કેવી રીતે શકે?આપણું  મન,આપણું તન,આપણો આત્મા સદૈવ ‘સ્વાન્ત :સુખાય’ જ  સંચાલિત થાય છે,પ્રવૃત્ત રહ્યા કરે છે.સહુના હિતમાં જ નિજ હિત સમાહિત છે એ ચરમ -પરમ સત્ય આપણા મનને દોરે છે,આપણી  સાનને ઠેકાણે રાખે છે,આપણને સાચા અને ઊંડા આનંદનો અનુભવ કરાવે છે.સહુના કલ્યાણમાં જ આપણું કલ્યાણ છે એ સમજીને તો આપણે “સહુનું કરો કલ્યાણ પ્રભુજી,સહુનું કરો કલ્યાણ”એમ ગાતા આવ્યા છીએ,”સર્વે જના: સુખીનૌ  ભવંતુ” એમ પોકારતા રહ્યા છીએ.આપણે પાગલ નથી કે બીજાઓના ભલા,સુખ અને કલ્યાણના ગીતડાં ગયા કરીએ. આપણે  જે કંઈ વિચારીએ છીએ,કરીએ છીએ એ અંતતોગત્વા તો આપણા  સુખ માટે જ કરીએ છીએ.સહુના સુખમાં જ આપણું સુખ સમાહિત  છે એ બરાબર સમજેલા આપણા  મહાકવિઓ એટલે જ ગાતા રહ્યા:-“પર હિત સરિસ ધર્મ નહિ કોઈ “(તુલસીદાસ) “સહુનું કરો કલ્યાણ પ્રભુજી સહુનું કરો કલ્યાણ ” , “વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે”(નરસિંહ મેહતા).માતા બાળક માટે રાત રાત જાગે છે,ભૂખી તરસી રહે છે, એ પણ અંતે તો આ બધું પોતાના સુખ માટે જ કરે છે.બાળકનું દુખ પોતાનું દુખ બની જાય છે;બાળકનું સુખ પોતાનું સુખ બની જાય છે.આપણું પ્રત્યેક કાર્ય આત્મસુખ માટે જ હોય છે.પોતાનો અને પારકાનો ભેદ, અભેદમાં પરિણમી જાય છે,આપણો વસ્તાર આપણો   વિસ્તાર છે,આખું જગત, આખી જીવસૃષ્ટિ આપણો જ વિસ્તાર છે,આપણું જ પ્રતિબિંબ છે,હકીકતમાં એ બધું આપણે જ છીએ.એકમાં અનેક અને અનેકમાં એક જ આત્મતત્વ છે એ તો નિર્વિવાદ સત્ય છે.”બ્રહ્મ લટકા કરે બ્રહ્મ સામે” એ પણ સમજીએ તો આપણે  જ આપણા પ્રતિબિંબ સમાન સમસ્ત જગતના પદાર્થો અને જીવોને જોઈએ છીએ,અનુભવીએ છીએ.ભૂખ્યાને જમાડી જે ધરવ થાય છે,કોઈને સુખી કરીને જે સુખનો સાક્ષાત્કાર થાય છે એ આપણી  શુભ ઈચ્છાની જ ફલશ્રુતિ છે.સાહિત્ય પણ આપણને એ જ શીખવે છે,સમજાવે છે.સાધારણીકરણ આપણને પાત્રો સાથે,પરિસ્થિતિઓ સાથે એકરૂપતાનો અનુભવ કરાવે છે.સાહિત્યમાં પણ ‘સ્વ હિત’ અને ‘પર હિત સમન્વિત’ છે જ છે.સત્યમ,શિવમ અને સુંદરમનો સમન્વય શું સાહિત્યમાં અને શું જીવનમાં સમાહિત છે જ છે.

સમસ્યા એ છે કે આપણી જીવનદૃષ્ટિ સંકુચિત થઇ ગઈ છે,આપણી  વિચારસરણી સંકીર્ણ  થઇ ગઈ છે, માંકડું મન સાંકડું થઇ ગયું છે અને એટલે સ્વમાં સર્વને જોવાનું ભૂલી, સહુમાં  પોતાને જોવાનું ભૂલી પોતાના – પારકાના ભેદ કરવા માંડ્યા છીએ.

હકીકતમાં તો પોતે તો અત્ર તત્ર સર્વત્ર છે જ છે ;પણ દૃષ્ટિ એવી સૃષ્ટિના કારણે

‘અભેદ’માં ‘ભેદ’ જુએ છે.વહાલા-દવલાનું વિશ્વ ઊભું કરે છે.બાકી તો ઈચ્છા તો હમેશા, શું પોતા માટે શું,શું બીજા માટે શુભ જ શુભ હોવાની હોવાની અને હોવાની જ.અશુભ ઈચ્છા પણ અંતે તો પોતાનાઅને જીવ માત્રના,સમસ્ત જગતના  શુભ માટે શુભમાં જ પરિવર્તિત થવાની,એમ થઈને જ રહેવાની.અસત્યોમાંથી સત્ય તરફ સહજ સ્વાભાવિક રીતે જનારું આપણું મન,ઊંડા અંધારેથી તેજ જનારું આપણું મન શત પ્રતિશત અશુભમાં  થી શુભ તરફ જ જવાનું તેમાં લવલેશ સંદેહને સ્થાન નથી.કોઈનું અશુભ ભૂલથી,દ્વેષથી ,તિરસ્કારથી ઈચ્છો તો પણ શુભનું બળ એવું અને એટલું છે કે જેનું અશુભ ભૂલથી ઈચ્છ્યું હોય તો ય તેનું  તો શુભ જ શુભ થવાનું,થઈને જ રહેવાનું.વિકાસ,પ્રગતિ અને ઉન્નતિનું જોર એવું જબરું હોય છે કે અંતે તો શુભનો જ વિજય થઈને રહે છે.તેથી જ સહુનું શુભ ઇચ્છવું જોઈએ,”જા  સુખમ” કહેવું જોઈએ.ભગવાન તારું ભલું કરે એ જ મનમાંથી નીકળવું જોઈએ,જેથી આપણને પોતાને સારું લાગે,સામાને સારું લાગે અને પ્રભુ તો જે સારું કરવાના જ  છે, તો થોડો યશ આપણે પણ  પણ અનાયાસ કેમ કમાઈ ન લઈએ ?

ગમે તેટલું અંધારું ઉમટ્યું હોય -અમાસની રાતે; બીજી સવારે સૂર્યને,સૂર્યના પ્રકાશને જગતની કોઈ કરતા કોઈ તાકાત રોકી શકતી નથી-તેનું અજવાળું,તેનો ઉજાસ,તેનું તેજસ્વી તેજ ફેલાવવામાં.તે જ પ્રમાણે અશુભનું જોર કેટલું? શુભ જ બળવાન હોય છે, શુભ જ શક્તિશાળી હોય છે,શુભ જ વિકાસશીલ હોય છે એટલે “શુભેચ્છા સહ” તો આપણા શ્વાસોચ્છવાસ સમાન હોય છે,પ્રાણવાયુ સમાન હોય છે.શુભની દિશા અને દૃષ્ટિ નિશ્ચિત હોય છે.સુખડ બળીને ય સુગંધ જ પ્રસરાવે છે,પુષ્પ ચીમળાઈને ય સુવાસ જ ફેલાવે છે,મેહંદી પીસાઈનેય મહેકે છે,. તળાવ અને સમુદ્રનું જળ સૂર્યના કિરણોથી બળીને ય વાષ્પ બનીને પુન:વાદળ સ્વરૂપે જીવન સ્વરૂપે -જળ  સ્વરૂપે વરસે જ વરસે છે.તે જ પ્રમાણે અશુભ અંતતોગત્વા તો શુભ જ શુભમાં પરિણમીને રહે છે. તેથી જ “શુભેચ્છા સહ” માં શુભ જ શુભ સમાહિત છે જે આપણા  સહુના હિતમાં જ છે.તેથી હેતે હેતે ગાતા રહેવું જોઈએ કે “સહુનું કરો કલ્યાણ પ્રભુજી સહુનું કરો કલ્યાણ !” ‘શુભેચ્છા સહ’ની પાછળ “ઓમ સહના વવતુ, સહનૌ ભુનકતુ , સહ વીર્યમ કરવા વહૈ,તેજસ્વિના વધી તમસ્તુ,મા  વિદ્વિષા વહૈ,ઓમ શાંતિ:શાંતિ: શાંતિ: “. શુભેચ્છાનો સંદેશો શુભ જ શુભમાં પરિણામે છે એ મહા સત્ય છે,અચળ સત્ય છે, અડગ સત્ય છે,ચરમ અને પરમ સત્ય છે.એ સત્યની સામે અશુભનું વજૂદ કેટલું બધું બેવજૂદ છે?

(સમાપ્ત)

This entry was posted in અવર્ગીકૃત. Bookmark the permalink.

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.