જિંદગી પ્યારકા ગીત હૈ (૬) પ્રભુલલ ટાટારિઆ ” ધુફારી”

184075_491554977530419_1231385242_n

“બીના,આજે હું એકદમ ખુશ છુ,તું મારા ઘરમાં જ આવવાની છે.”બહુજ ઉત્સાહમાં બોલાયેલા તોરલબેનના આ શબ્દોએ બીનાને કેવી ભાવ વિભોર કરી દીધી હતી.ભલે તે બકુલને પોતાના પ્રેમનો અણસાર ન આપી શકી પણ બકુલની મમ્મીએ પોતાના અને બકુલના મનની વાત કેવી સમજાઇ ગઇ.બકુલ ભલે એની આંખની ભાષા વાંચી ન શક્યો પણ આન્ટી અમારી આંખોમાં ઉભરાતા પ્રેમના ઉભરાતા પૂર જોઇ સમજી શક્યા હતા ત્યારે જ પોતાને પોતાની પુત્રવધુ બનાવવા તૈયાર થયા હશે અને એટલે જ એને પોતાના ઘેર લઇ જવાની વાત સામેથી કહી એનો અનેરો આનંદ બીનાને થતો હતો.

કદાચ મારી મમ્મી અને બકુલની મમ્મીએ ખાનગીમાં મસલત કરીને નક્કી કર્યું હોવું જોઇએ.આવી વાતની અમારી હાજરીમાં ચર્ચા કરવાનું એમને યોગ્ય નહીં લાગ્યું હોય. કદાચ મમ્મી અને આંટી બંને મને અને બકુલને સરપ્રાઇઝ આપવા માંગતા હશે એટલે જ વાત છુપાવી હશે.પેલા પંડીતે ભલે કહ્યું કે તમારી દીકરી પરણીને પરદેશ જશે.એવા પંડીતો તો દક્ષિણાની લાચમાં આપણે ખુશ થઇએ એવી જ વાત કરે એવું ન બને? કદાચિત એની આગાહી સાચી હોય તો એવું પણ બને કે બકુલને પરદેશમાં સારો જોબ મળે અને તે ત્યાં જાય તો પછી તે એને પરણીને અહીં મુંકીને કેમ જાય? એ તો જ્યાં વર ત્યાં વધુ એટલે તે પણ બકુલ પાછળ પરદેશ જ જાય ને?

તોરલબેન જેવી સાસુ અને બકુલ જેવો ભરથાર તો નશીબદારને જ મળે.શ્યામ અંકલ ભલે પપ્પાના મિત્ર રહ્યા પણ મને સગી દીકરીથી વિશેષ માનતા આવ્યા છે. આવા સસરા પણ નશીબદારને જ મળે.પોતે કેવી ખુશ નશીબ છે.

લગ્ન પછી પણ પોતાને ક્યાં દૂર જવાનું છે એક જ આંગણામાં માવતર પણ છે અને સાસરું પણ થશે. લગ્ન પછી વિદાય વખતે પોતે કોઇને રડવા નહીં દે.પહેલાથી જ મમ્મી અને પપ્પાને કહી રાખીશ કે,ચીલા ચાલુ દીકરીની વિદાય વખતે રડવું નહીં ખુશી ખુશી વિદય આપવાની નહીંતર શું?એક ખોરડામાંથી બીજામાં જવાનું છે તેમાં રડવાનું શું હોય?

અરે! હા એ બકુલને કહેશે એક બ્લેન્ક કેસેટ લાવી આપે એમાં એ પોતાના લગ્નના ગીત રેકોર્ડ કરી મમ્મીને આપશે અને લગ્ન વખતે ખાસ વગાડવાનું કહેશે.આ કેવો પ્રયોગ હશે? કોઇ કન્યાએ પોતાના લગ્નના ગીતો નહીં ગાયા હોય પણ એ ગાશે.આન્ટી પણ કહેશે વાહ! આ ખરું સુઝ્યું આ છોડીને.

વેવિશાળ થઇ ગયા પછી બકુલ સાથે સોન નદીના આરે ફરવા જશે ત્યારે પેલું એને ગમતું ગીત એ ગાશે અને બકુલને પણ સુર પુરાવવાનું કહેશે કહી ગાવા લાગી…..

જોને રાત ઢળવા આવી ચાલો ઘેર જઇએ)

એવી પણ ઉતાવળ શું છે થોડું બેસી લઇએ )(૨)

થોડું મોડું થયતો બા ખિજાય છે………)

જયાં જયાં બાનું નામ આવે એવું થાય છે)(૨)

ટીખળ નહીં કરવાની)

જરૂર શી ડરવાની       )(૨)

ખોટા ઊંઠા નહીં ભણાવા સમજ્યો?….હા સમજ્યો…જોને રાત

જાતા વેળા થઇ જશે તો બસ વહી જશે )

રીક્ષા કરશું નહીં મળે તો છકડો લઇ જશે   )(૨)

નહીં બેસું છકડામાં)

નખરા મુક નકામા   )(૨)

છકડામાં ઉછાળા આવે સમજ્યો?….હા સમજ્યો…જોને રાત

મન તો એવું થાય છે કે ચાલી નાખીએ)

ચાલવાનું આજે છોડો કાલે રાખીએ       )(૨)

આજનું કરીએ આજે)

ખોટી જીદ ન છાજે   )(૨)

‘ધુફારી’ પણ એ જ કહે છે સમજી?….હા સમજી…જોને રાત 

         ભલે ગીતમાં આવે છે તેમ સોનપુરમાં સીટી બસ નથી તેથી શું થયું ગમે તેમ પણ આ ગીતની મજા કંઇક ઓર જ છે.બકુલને સોન નદીના કિનારા પરથી ઘણી વખત ઊભા થવાનું મન નથી ત્યારે આ શબ્દો કેવા સાર્થક થશે? હવે પાછા વળતા બકુલનો હાથ પકડીને હક્કથી એના ખભે માથું મુકી ચાલી શકશે.

હા હવે જરા રિસ્પેકટીવ થવું પડશે.આટલો વખત શ્યામ અંકલના ઘરમાં એ…બકુલ એ…બકુલ પણ નહીં કરાય અને બકુલ પાછળ દોડાદોડી કરતી હતી એ નહીં થાય.નવોઢાની જેમ હળવે પગલે ચાલવું પડશે.પહેલા તો ઘણી વખત ખુલ્લા વાળ ફગફગાવતી ચાલતી હતી હવે પોની નહીતર અંબોડો લઇ માથે ઓઢીને રહેવું પડશે.બીનાએ માથા પર દુપટ્ટો રાખીને આયના સામે ઊભી રહી પાછળ પગલા ભરીને આગળ ડગલા માંડયા અને પછી પોતાને જ કહ્યું બ્રાવો બીના યુ લુક્સ ગ્રેટ.

બકુલને બોલાવવા એ તું તું કરતી હતી તે ઘરની આમન્યા ખાતર તમે કહેવાની ટેવ પાડવી પડશે અને તો પછી.સાસરે આવ્યા પછી આન્ટી અને અંકલ નહીં કહેવાય એટલે મમ્મી અને પપ્પા કહેવાની ટેવ પાડવી પડશે.

આ તોરલ આન્ટી શ્યામ અંકલનું ક્યાં નામ લે છે અને મમ્મી પણ પપ્પાનું નામ નથી લેતી એતો ‘એ…સાંભળો છો…?’ કહી વાતની શરુઆત કરે છે તો મારે પણ એવો જ કોઇ નુકશો બકુલને બોલાવવા અજમાવવો પડશે.આ સ્નેહા અને શિલ્પા બહેનોમાંથી વ્હાલી નણંદો થઇ જશે અને હું એમની ભાભી.

હવે છાનામાના એક બીજાને બારીમાંથી જોવાનો રોમાંચ પુરો થઇ જશે ભલે ને થઇ જતો એના કરતા પણ વધુ રોમાંચ બકુલની બાથમાં થશે.આટલો વખત મર્યાદામાં રહીને બકુલ સાથે બાઇક પર બેસતી હતી પણ લગ્ન પછી તેને બાજીને બેસવાનો હક્ક મળી જશે.એ રોમાંચ કેવો હશે?એની કલ્પના ક્યાંથી થાય?પણ એ રોમાંચ અનેરો તો હશે જ.હવે પોતાને રસોઇમાં જે નથી આવડતું એ મમ્મી પાસેથી શિખવાનું શરૂ કરી દઇશ અને બકુલને કહીશ કે તે નવી નવી વાનગીઓ બનાવવાની બુક લાવી આપે પછી એમાં જોઇને બકુલને તેને ભાવતી મનગમતી વાનગીઓ બનાવી બનાવી ને ખવડાવશે.

બકુલ ને કે અંકલને કહી એક ઇઝીચેર લેવડાવશે અને પેલું ટેપરેકોર્ડર હવે આન્ટીને સરસ ભજનની કેસેટ સાથે આપશે અને કહેશે હવે મમ્મી તમે આ ઇઝીચેર પર બેસીને આમાંથી સરસ ભજન સાંભળો યા તો તમને ગમતા ટીવીના કાર્યક્રમો જુવો ઘરની ફિકર નહીં કરતા હું બધું સંભાળી લઇશ એ સાંભળી તેઓ કેવા ખુશ થશે કદાચ મમ્મીને કહેશે પણ ખરા આ બીનાએ તો મને નવરી ધૂપ કરી નાખી કશું કરવા જ નથી દેતી એ સાંભળી મમ્મી કેટલી હરખાશે એને તો શેર લોહી ચઢશે

રોજ સવારે સૌથી વહેલી જાગીને અંકલ અને આંટીને સરસ ચ્હા બનાવીને પિવડાવશે અને આંટીને પૂજાની થાળી તૈયાર કરી આપશે.આંગણામાંના તુલસી ક્યારામાં સવાર સાંજ દીવો કરશે. હવે આંગણામાં સરસ ફૂલના છોડ વાવશે અને સવારે ઓલિયું મમ્મી ગાય છે જાગને જાદવા…એ પ્રભાતિયું ગાતા તુલસીની પૂજા કરશે અને ફૂલો ચુંટશે.

આવી બધી કરી રાખેલી કલ્પનાઓ પરદેશ પરણાવવાના વંટોળની ફૂક લાગતા પત્તાનો મહેલ ધરાશાહી થાય તેમ તેની સપનાઓનો સુંદર મહેલની બધી દિવાલ કડડભુસ થઇ ગઇ.તોરલબેનની વાત સાંભળીને થોડી વાર સુધી તો બીના અવાચક અને જડ થઇ ગઇ તોરલબેન તો એમ જ સમજયા કે,બીનાને આ સમાચાર તેની કલ્પના બહારના છે તેથી રોમાંચની અકથ્ય લાગણીથી જડવત થઇ ગઇ છે એટલે મલકીને બીનાના ખભે ધબ્બો મારી જતા રહ્યા. બીના અચાનક એના પંલગ પર ફસડાઇ પડી અને ઘ્રુસકે ઘ્રુસકે રડી પડી, બીનામાં એટલી હિમ્મત નહોતી કે એના પરિવારના નિર્ણયની સામે થઇ શકે.

આ બાજુ બકુલ પણ બધી હકિકત જાણ્યા પછી સાવ ઉદાસ થઇને ફરતો હતો..એની પરિસ્થિતિ પણ બીના જેવીજ હતી.એણે પણ બીના સાથે લગ્નની અને એને સુઘડ ગૃહિણી તરિકે જોવાની કેટલીય કલ્પના કરી રાખી હતી.પોતે નોકરી પર જશે ત્યારે બીના પોતાનું લંચ બોક્ષ તૈયાર કરી આપશે.સાંજે નોકરી પરથી ઘેર આવતા એ બીના માટે મોગરાની વેણી જરૂર લાવશે અને લંચબોક્ષના ખાનામાં મુકીને બીનાને આપશે.જમ્યા પછી બંને બાઇક પર લોંગ ડ્રાઇવ પર ફરવા જશે ના…ના…બાઇક ઉપર લોંગ ડ્રાઇવની મજા ન આવે એ બેન્ક લોન લઇને કાર ખરિદશે અને બીનાને બાજુમાં બેસાડીને લોંગ ડ્રાઇવ પર જશે.આવી બધી કલ્પનાઓના ઘેરાયલા વાદળ વાયરાની ફૂક લાગતા વગર વરસે વિખરાઇ જાય એમ વિખરાઇ ગયા.

ખુદ એની માતાએ જ આ સંબંધ નક્કી કર્યો હતો..પ્રેમનો એકરાર ના કરી શકવાના અવઢવની આવી ભારે કિંમત ચૂકવવી પડશે.એ બીના કે બકુલને ક્યાં ખબર હતી..એક બીજાના આંખમાં ઉમડતા ઘોડાપૂરને બંને એકરાર સમજીને ચાલ્યા હતા.આ આખોમાં દેખાય છે ત્યારે ‘આઇ લવ યુ” જેવો ઘસાઇ ગયેલો શબ્દ પ્રયોગ કરવાનું એમને ગમ્યું નહોતું.બંનેની આંખમાં ઉમડતા પ્રેમના ઘોડાપૂર શું મમ્મીને કે આન્ટીને દેખાયા નહીં

કદી પણ એક બીજાની સામે કોઈ વાત છુપાવતા નહિ કશુજ ખાનગી રાખતા નહી… પરંતુ આ એક વાત એકબીજાને જાણ છે માની કદીયે કહી નહિ અને તેનું પરિણામ આટલું દર્દનાક આવશે તેની જાણ આ ભોળા જીવોને નાં હતી …

ઘરના લોકોના નિર્ણય પ્રમાણે ડીસેમ્બર મહિના પહેલા બીનાને અભ્યાસ પૂરો કરવાનો હતો..બીના એની પરિક્ષાની તૈયારીમા ગળાડુબ હતી..ક્યારેક વાંચતા થાકી જતી ત્યારે એના ભાવી ભરથારના વિચારે ચઢી જતી.કેવો હશે તેનો સ્વભાવ? તેના મમ્મી પપ્પા આન્ટી અને અંકલ જેવા જ પ્રેમાળ હશે? જેણે પ્રવાસમાં જુનાગઢ,સોમનાથ જેવા શહેર પહેલી વખત જોયેલા તેણે આટલા દૂર જવાનું થશે? ત્યાં એ કોને પોતાના મનની વાતો કે સુખદુઃખની વાતો કરી હૈયું હળવું કરશે?બધા અજાણ્યા લોકો ઓ ભગવાન આ કેવી વિટંબણા છે…?

કોલેજે હજુ બંને સાથે જ જતા હતા.કોલેજે જતી વખતે અને આવતી વખતે પણ બકુલ બીના સાથે પહેલા જેમ એકદમ ઓતપ્રોત થઇને વાત નહોતો કરતો…હવે બીના મારી થવાની નથી તો સબંધ ઘાઢ કરવાનો મતલબ શો એમ મન વાળીને ખપ પુરતી વાતો જ કરતો.બીના પણ બકુલ માટે કરેલી બધી કલ્પના હવા થઇ જતા બકુલ સાથે વાત કરતા ઓછપાઇ જતી એ પહેલાની જેમ આંખોમાં આંખ પરોવીને વાત કરવા અસમર્થ હતી. એક બીજાની પીડા સમજતા બંને જીવો તે છતાય એકબીજાના સાનિઘ્ય માટે ઝંખના રાખતા ,બંને ભારે સમજુ હતા અને પોતાના પરિવારના હિત જોખમાય એવું કશું કરવા માગતા નહોતા , ખાસ બીના એના પિતાની એકદમ વ્હાલસોયી દીકરી હતી એના પિતા એક આબરુદાર પંચાયત પ્રમુખ હતા.એની દીકરી કોઇ અવિચારી પગલું ભરે તો પપ્પાની વર્ષોથી જે ધાક અને શાંખ છે તેને ધબ્બો લાગી જાય અને આ જોયા મહેન્દ્રભાઇ બીજાના ઝઘડા ચપટીવારમાં પતાવતા હતા તેના પોતાના ઘરનો દીકરી અને માવિત્રો વચ્ચેનો અંટસ પતાવવામાં સાવ નપાણિયા સાબિત થયા. બીનાના સ્વભાવમાં અને વર્તનમાં પણ એના પિતાની અસર દેખાઇ આવતી હતી તેના પાતાની સામે કે તેના પપ્પા સામે કોઈ આગળી પણ ચીંધે તે એને મંજુર ન હતું.(ક્રમશ)

Advertisements
This entry was posted in જિંદગી પ્યાર કા ગીત હૈ.. Bookmark the permalink.

One Response to જિંદગી પ્યારકા ગીત હૈ (૬) પ્રભુલલ ટાટારિઆ ” ધુફારી”

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s