એકદંડીયો મહેલ-રાજુલ શાહ

રાજુલ બહેન ની કલમ થી તો સહિયારા સર્જનના વાચકો વાકેફ છે.. અત્યારે રજુ કરું છું તેમની લઘુ નવલકથા..”છીન્ન” પુસ્તકાકારે મુકાઇ તે સમાચારની સહીં હજી સુકાઇ નથી ત્યારે આ બીજી સક્ષમ લઘુ નવલકથા મુકતા આનંદ અનુભવુ છુ

“સુનિરા..સામાન પેક કર. આ જ ક્ષણથી આ ઘર -મારી મા સાથેનુ મારુ રૂણાનુબંધ પુરુ થયુ. એક પળ પણ હું અહીં રોકાવા માંગતો નથી. હવે તું જો મારા વગરના આ ઘરમાં એક પળવાર પણ રોકાવા માંગતી હોય તો એ તારો નિર્ણય છે બાકી તું સાથે હોઇશ કે નહી હું અહીં નહી હોઉ. “
“પણ અભિ ,એવુ તો કયુ આસમાન તુટી પડ્યુ કે આમ બધુ જ મુકીને ઉભાભટ્ટ તારે અહીંથી નિકળી જવું છે?”
સહેજ ઓઝપાઇ ગયેલા જયાબેને બીતા બીતા અભિને સામો સવાલ તો કર્યો પણ જવાબ જે આવશે એ ઘણના ઘા જેવો હશે એવુ તો એ અભિનો લાલઘુમ ચહેરો જોઇને કલ્પી શકતા હતા.
” મા , ભલે તુ રસોડામાંથી બોલી હોય પણ એ વાત મારા કાને સાંભળી લીધી છે. તને એમ કે અભિ ન્હાવા બેઠો છે એને ક્યાં કઈ સંભળાવાનુ છે?”
” પણ એવુ તો મા એ શું કહી નાખ્યુ છે કે અભિ તું આમ વાતનુ વતેસર કરવા બેઠો છે?”
” જો સુનિરા, તારામાં એ ગળી પી લેવાની તૈયારી હશે પણ તારુ અપમાન એ મારુ ય અપમાન જ છે. અર્ધાંગીની બનાવી ને લાવ્યો છું આ ઘરમાં ઠાલી વાતો નથી આ. અને તારા શરીરના કોઇ એક ભાગને કોઇ વ્હેરી નાખે તો તારા બાકીના શરીરને એની કોઇ વેદના ન થાય એમ માને છે?”
“અભિ , મને દુઃખ નથી થયુ એવુ ખોટુ તો હું તારી પાસે નહી બોલુ પણ આવી સાવ નાની વાતને વધારીને ઘરની અને તારા મનની શાંતિ હણીને આપણે કોઇ સમસ્યાનો ઉકેલ તો નહી જ આણી શકીએ ને? “
” ઉકેલ? કોણે કીધુ કે મારે ઉકેલ લાવવો છે? મારે તો દરેક જાતની સમસ્યાનો જ અંત આણવો છે. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. આ ઘરમાં હવે હું કે તું જ નહી હોઇએ તો ફરી ક્યારે કોઇ સમસ્યા ય નહી રહેને ? “
“અભિ, પ્લીઝ તું આમ અથરો કે આકળો ન થા. ગુસ્સામાં લીધેલા નિર્ણય પછી કદાચ પસ્તાવાનો વારો આવશે ત્યારે આ ઘરમાં પગ મુકવો ભારે પડશે એ તને અત્યારે નહી સમજાય અને જ્યારે સમજાશે ત્યારે બહુ મોડુ થઈ ગયુ હશે.”
” મોડુ? સુનિ મારા માટે તો ખરેખર આ જ મોડુ છે.જે દિવસથી તું આ ઘરમાં આવતી જતી થઈ છું ત્યારથી હું જયાનો તારી તરફનો અણગમો જોઇ શક્યો છું”
અભિ એની મા ને હંમેશા જયા કહીને જ બોલાવતો. નાનપણમાં ડેડીને જયાના નામથી બુમ પાડતા જોઇને જ્યારે એ પહેલ વહેલો બોલતા શિખ્યો ત્યારે એણે પણ જયા નામની જ બુમ પાડી હતી. જયાબેનને એ વખતે બહુ જ વ્હાલુ વ્હાલુ લાગ્યુ હતુ. અને એમણે ક્યારેય એ પછી અભિ પાસે મા કે મમ્મી કહેવડાવવાનો આગ્રહ રાખ્યો નહોતો. હા! ક્યારેક અભિ લાડમાં હોય ત્યારે મા પણ કહી લેતો. એનુ જોઇને સુનિરાએ પણ જયાબેનને મા કહીને જ સંબોધ્યા હતા. પણ જયાબેન તરફથી ક્યારેય મા જેવો ઉમળકો એને સાંપડ્યો નહોતો એ અલગ વાત હતી.
ખબર નહીં કેમ પણ જયાબેન ક્યારેય મનથી સુનિરાને અપનાવી શકયા જ નહોતા. કદાચ એમાં એમનો અહં નડતો હતો એવુ અભિના ડેડીનુ માનવુ હતુ.અભિ પહેલેથી જ એના ડેડીની વધુ નજીક હતો. એ એની તમામ વાતો એના ડેડી સાથે જેટલી ખુલીને કરી શકતો એટલી જયાબેન સાથે ભાગ્યે જ કરી શકતો. એમાં ય કદાચ જયાબેનનો સ્વભાવ જ જડનુ મુળ હતા. સ્વચ્છતા, ચોકસાઇ અને સમયની પાબંદી છોડીને એ ભાગ્યેજ બીજુ કશુ વિચારી શકતા.
અભિના જન્મ પછીના બીજા બે વર્ષે અનેરીનો જન્મ થયો. બંને બાળકોને લગભગ એમણે અત્યંત કડક શિસ્ત વચ્ચે ઉછેર્યા. સ્કુલ અને ઘર વચ્ચે ભાગ્યેજ કોઇ ફરક અનુભવી શકતા અભિ અને અનેરીનુ બાળપણ એક બંધિયાર એકદંડીયા મહેલમાં પુરી રાખેલી રાજકુંવરીની જેમ વિત્યુ. હ! એમને ભાગ્યેજ કોઇ બાબતની ઉણપ લાગી હશે કારણકે અત્યંત શિસ્તપ્રિય જયાબેન અભિ અને અનેરીને દરેકે દરેક વસ્તુ માંગ્યા પહેલા આપી દેતા પણ એ પોતાની શરતોને આધિન કારણકે એ એવુ માનતા કે જો એક વાર બાળકોને માંગવાની ટેવ પડે તો પછી એ ક્યાં જઈને અટકે?
એમ તો સ્કુલના વેકેશનમાં એ અભિ અને અનેરીને જુદા જુદા કેમ્પમાં મોકલતા જેથી એ બહારની દુનિયા જુવે -જાણે પણ એ ય સાત ગરણે ગાળીને. અભિ કે અનેરીને જ્યાં જવાનુ મન હોય કે જે કરવાનુ મન હોય ત્યાં નહી જયાબેન નક્કી કરે ત્યાં અને એટલો સમય જ એ પ્રવૃત્તિ માટે મળતો. શાંત પ્રકૃતિની અનેરીને તો આ કોઠે પડી ગયુ હતુ પણ અભિને આ બધુ જરાય નહોતુ ગમતુ. એની સાથે ભણતા એના બીજા સહધ્યાયીને જોઇને, એમની વાતો સાંભળીને અભિને ય એમની જેમ પોતાને ગમતી ઇત્તર પ્રવૃતિ કરવાનુ મન થતુ અને એ એની રાવ , એની ફરિયાદ લઈને એના ડૅડી પાસે પહોંચતો.
ડૅડી–
એક સરસ સાલસ વ્હાલસોયુ વ્યક્તિત્વ જેની પાસે પહોંચો તો નરાતર વ્હાલભરી નજર અને હેત ભર્યા હાથના સ્પર્શથી જ જાણે દુઃખતા ઘા પર મલમ જેવી શિતળતા અનુભવાતી. ચંદ્રવદન શાસ્ત્રી સાચે જ ચંદન જેવા શિતળ સ્વભાવના હતા. અમદાવાદની આર્ટ્સ કોલેજમાં ગુજરાતીના પ્રોફેસર હતા. એમના હાથ નીચે જેટલાય વિદ્યાર્થી ભણીને આગળ વધ્યા એ આજ સુધી એમને ભુલી નથી શક્યા એવા ચંદ્રવદન શાસ્ત્રી ભાષા પર અનેરુ પ્રભુત્વ ધરાવતા. “મળેલા જીવ ” નો કાનજી હોય કે જીવી ” ઝેર તો પીધા જાણી જાણી” નો સત્યકામ હોય કે રોહીણી એમના જ માનસ પાત્રો હોય એવી રીતે એમને શબ્દોમાં સજીવ કરતા. લેક્ચર બંક કરવાના શોખીનો ય ક્યારેય એમના લેક્ચરમાં હાજરી આપવાનુ ચુકતા નહી.અને સાંજ પડે ઘેર જતા પહેલા ચંદ્રવદન શાસ્ત્રી ગુજરાત વિદ્યાપીઠ જવાનુ ક્યારેય ચુકતા નહી. વાંચન ભુખ એમની અનેરી હતી. આટલા વર્ષો પ્રોફેસરીમાં વિતાવ્યા પછી ય હજુ એમને પી.એચ.ડી કરીને ડૉક્ટરેટની ડીગ્રી લેવાની લાલસા હતી.
જયાબેન સાથેનુ એમનુ લગ્ન એક માત્ર સાંસારિક જવાબદારી પુરતુ જ સીમિત બની ગયુ હતુ. સાલસ -મૃદુ સ્વભાવનાચંદ્રવદનભાઇ અને જરાક જડ લાગે એવા જયાબેન વચ્ચે એવો ખાસ કોઇ તાલમેલ સર્જાયો જ નહી. બંનેની વેવલેન્થ વચ્ચે આભ-જમીનનુ અંતર હતુ .શરૂ શરૂમાં તો કશુંક સરસ વાંચ્યા પછી એ જયાબેનને પણ એ વંચાવવાનો આગ્રહ રાખતા પણ જયાબેનનો એ તરફનો અભિગમ ક્યારેય ઉભો થયો જ નહી.
“ભઇસાબ , તમને અને તમારા આ થોથાને જોઇને જ હું થાકી જઉ છું તો એમાં હું વળી ક્યાં અટવાઉ? અને તમારી જેમ હું ય જો થોથા લઈને બેસીશ તો આ ઘર અને છોકરાઓ રઝળી પડશે એનુ શું?
ક્યારેક ટાઉન હૉલ કે પ્રેમાભાઇ હૉલમાં કવિ સંમેલન , ડાયરો કે મુશાયરો હોય તો ચંદ્રવદનભાઇએ એકલા જ જવાની તૈયારી રાખવી પડતી. અભિ કે અનેરીના જન્મ પહેલા ય ક્યારેય જયાબેને એમનો સમય ચંદ્રવદન શાસ્ત્રીના શોખ માટે ફાળવ્યો નહોતો અને પછી તો અભિ અને અનેરીની જવાબદારી તો એમનુ આ બધામાંથી છટકવાનુ સબળ બહાનુ બની રહ્યા. જ્યારે અભિ અને અનેરીને ડૅડી સાથે સમય પસાર કરવો ખુબ ગમતો. સાંજે જમ્યા પછી જયાબેન રસોડામાંથી પરવારે ત્યાં સુધીનો સમય ડૅડી માટે ફાળવવામાં આવ્યો હતો. જાણે ચોરીને લીધેલા આ સમય માટે તો અભિ અને અનેરી સવારથી તરસતા. ડૅડી પાસે તો વાતોનો ખજાનો હતો.
એ એમનો વાતોનો પટારો ખોલીને બેસતા એમાંથી કંઇ કેટલીય અવનવી વાતો સાંભળવા મળતી.બે વર્ષની ઉંમરથી માંડીને બાવીસે પહોંચેલા અભિ માટે હજુ ય એમની પાસે વાતો ખુટતી નહોતી.ધીમે ધીમે અભિને આ બધુ જ ગમવા-સમજાવા માંડ્યુ હતુ. ડૅડીને આટલુ બધુ વાંચતા જોઇને એની ય વાંચનભુખ ઉઘડી હતી. જાતે સાયકલ ચલાવતા શિખ્યો ત્યારથી એ ય ડૅડીની જેમ લાયબ્રેરી જવાની જીદ માંડતો જે જયાબેનને જરાય પસંદ નહોતી.
બાપની જેમ બેટો ય પુસ્તકીયો કીડો બની રહે એમને મંજૂર નહોતુ. અનેરીને તો એમણે એમની રીતે પલોટવા માંડી હતી. કહેતા “છોકરીની જાત છે સાસરે જશે તો આ ચોપડા કંઇ કામમાં નહી આવે ,આવશે તો આ ઘરનુ કામ .આ બધુ નહી શીખો તો મા નુ નામ વગોવશો. ” અને અનેરી ચુપચાપ મા ના કહ્યા પ્રમાણે શિખતી ચાલી. આમે ય એનુ બાળપણ તો ક્યાં ય છીનવાઇ ગયુ હતુ એટલે એને પરિપક્વ થવામાં ખાસ વાર ન લાગી.
પણ હવે તો અભિ પોતાનુ ધાર્યુ કરવા માંડ્યો હતો. એણે પોતાની પસંદગીની જ કોલેજમાં એડમીશન લઈ લીધુ. ડૅડીની જેમ જ એને ય સાહિત્યનો રંગ લાગ્યો હતો. સાહિત્યની સાથે એનો ઝોક આર્ટ તરફઢળ્યો હતો. લાયબ્રેરીની સાથે રવિશંકર રાવળ કે કોન્ટેમ્પરી આર્ટ ગેલેરીની તો એ કાયમની મુલાકાત લેતો થઈ ગયો હતો. પેઇન્ટીંગ એક્ઝીબીશન હોય ત્યારે કોન્ટેમ્પરી આર્ટ ગેલેરીની બહાર બેઠેલા અગમ -નિગમની વાતોમાં ખોવાયેલા એ ચિત્રકારોને જોતો અને બસ જોયા જ કરતો. કોઇ પણ આર્ટ એને એટલી તો અભિભૂત કરી દેતી કે એ પોતાની જાતને એ કલાકારમાં ગોઠવી જોવાનો પ્રયાસ કરતો અને આ પ્રયાસો ,આ સપના જોતા જોતા એણે એક દિવસ નક્કી કરી લીધુ કે એ જર્નાલીઝમનો કોર્સ કરશે અને આર્ટ ક્રીટીક નહી પણ આર્ટ લવર બનશે. એ દરેક આર્ટની વિવેચના કરવાના બદલે એની ખુબીઓ લોકો સુધી લઇ જશે.
ચંદ્રવદન શાસ્ત્રી અભિની આ બધી વાતો સાંભળતા અને દિકરાના મનોવ્યાપારોમાં પ્રોત્સાહનનુ ખાતર પુરૂ પાડતા. હવે તો બાપ-દિકરો કલાકો સુધી વાતો કર્યા કરતા. ચંદ્રવદન શાસ્ત્રીને હવે ટાઉન હૉલ કે પ્રેમાભાઇ હૉલમાં કવિ સંમેલન , ડાયરો કે મુશાયરો હોય તો ક્યારેય એકલા જવુ પડતુ નહી. અભિ એમની સાથે હોય જ. આર્ટ ગેલેરીમાં હવે તો અભિ સાથે ચંદ્રવદન શાસ્ત્રી પણ જોવા મળતા. બાપ-દિકરાની દુનિયા અલગ હતી અને એમની જુગલબંધી ય અનન્ય હતી.
આવા જ કોઇ આર્ટ એક્ઝીબીશનમાં અભિની મુલાકાત સુનિરા સાથે થઈ. જર્નાલીઝમનો કોર્સ કરીને અભિ અમદાવાદના અગ્રગણ્ય અખબાર સાથે જોડાઇ ગયો હતો એટલે આર્ટ ગેલેરીની મુલાકાતો એના શોખની સાથે એના પ્રોફેશનનો પણ એક ભાગ બની ગઈ હતી. એક્ઝીબીશનના તો અભિને હવે ઓફિશિયલ ઇન્વીટેશન મળતા અને એના રિવ્યુ પર તો બીજા દિવસે કલા રસિકો થકી આર્ટ ગેલેરીની મુલાકાત વધી જતી.
કોન્ટેમ્પરી આર્ટ ગેલેરીમાં સુનિરાનુ આગવુ પેઇન્ટીંગ એક્ઝીબીશન ગોઠવાયુ હતુ. મંગલદિપના પ્રાગ્ટ્ય બાદ આ એક્ઝીબીશન પ્રેસ અને પબ્લીક માટે ખુલ્લુ મુકાયુ હતુ. અભિની જેમ બીજા પ્રેસના વિવેચકો પણ હાજર હતા. સુનિરા જરૂર પડે સૌને એટેન્ડ કરતી હતી અને સલુકાઇથી એના ચિત્રોની સમજ આપતી હતી.
” સુનિરા , તમને નથી લાગતુ કે આ મોર્ડન આર્ટ કહો કે એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટીંગ કહો એની નીચે તમારે તમારી કલ્પના લખાણમાં મુકવી જોઇએ? દરેક એંગલથી અલગ અલગ દેખાતા આ ચિત્રને સૌ કોઇ પોતાની રીતે વખાણે અથવા વખોડે એના કરતા તમારી જ કલ્પના મુજબ એ ચિત્રને જોવે તો તમને અને તમારા ચિત્રને વધુ ન્યાય મળે”
અભિ અને સુનિરાની એ હતી પહેલી મુલાકાત
સુનિરા–
એકવડો બાંધો , સહેજ ભીને વાન પણ સુરેખ નાક-નક્શી અને સપ્રમાણ હોઠ જાણે ઇશ્વરે ઇંચે ઇંચ માપી તોલીને ઘડી હોય એટલી સુરેખ કાયા ધરાવતી સુનિરાએ રૂપેરી બાદલુ છાંટેલી શૉકીંગ પિંક કલરની સ્ટેન્ડ પટ્ટીની ફુલ સ્લીવની સિલ્કની કુર્તી અને એની નીચે સફેદ ચુડીદાર પહેર્યો હતો. કાનમાં એ રૂપેરી બાદલુનુ ઝુમખુ ભેગુ કર્યુ હોય એવા હીરાના ટોપ્સ પહેર્યા હતા. સાવ જ સાદી અને છતાં ય નજરને બાંધી લે એવી સુનિરા જોતા વ્હેંત અભિના મન-હ્રદય સોંસરી ઉતરી ગઈ.
સામાન્ય રીતે આવા કોઇ આર્ટ એક્ઝીબીશનને શાંતિથી જોઇ માણી અભિ એ કલાકારનો નાનકડા ઇન્ટરવ્યુ જેવુ કરીને નિકળી જતો પણ આજે સુનિરાને જોઇને પહેલી વાર એને કલાકૃતિ કરતા કલાકારમાં વધુ રસ પડ્યો. આજે એને કશી વાતની જરાય ઉતાવળ નહોતી, નહોતી ઘેર જવાની કે નહોતી બહાર નિકળીને બીજા પત્રકારોને મળવાની. એને તો બસ સુનિરા સાથે સમય પસાર કરવો હતો. સુનિરાને જોયા કરવી હતી.
પહેલા દિવસે એક્ઝીબીશન એટેન્ડ કર્યા પછી અને એનો રિવ્યુ કર્યા બાદ એ ભાગ્યેજ ફરી ત્યાં જતો પણ આ વખતે તો ક્યારે ફરી સાંજે પાંચ વાગે અને પ્રેસ પરથી નિકળીને એ કોન્ટેમ્પરી આર્ટ ગેલેરી પહોંચે એના ઉચાટમાં સતત આખો દિવસ ગાળ્યો. ન તો કોઇ કામમાં ચિત્ત લાગ્યુ કે ન તો કોઇની સાથે વાત કરવાનુ મન થયુ.
અને ત્રીજા દિવસે તો એ ચંદ્રવદન શાસ્ત્રીને પણ સુનિરાના એક્ઝીબીશનમાં લઈ જઈને જંપ્યો.
“ડૅડુ , આપણને આ છોકરી ગમી ગઈ છે. આપણાથી હવે એના વગર નહી રહેવાય” કોઇ અંગત દોસ્તને કહેતો એટલી જ સ્વભાવિકતા અને જરા લાડ સાથે એણે ચંદ્રવદન શાસ્ત્રી જોડે ગોષ્ઠી માંડી.
“એમ કંઇ તારા ગમવાથી વાત થોડી પતી જવાની છે? એને તું પસંદ હોવો જોઇએ ને?”
“પતવાનુ તો દૂર શરૂ ય ક્યાંથી થવાની છે? પણ બસ આ શરૂ થાય પછી તો અભિ છે અને સુનિરા છે. એક વાર વાત શરૂ પણ થઈ જાય ને તો દુનિયાની કોઇ તાકાત અભિ અને સુનિરાને એક ક્ષણ માટે ય વેગળા નહી કરી શકે.”
અને સાચે જ એમ જ બન્યુ. ખુલતો ઘંઉ વર્ણો વાન, ગોળ ચહેરા પર ટ્રીમ કરેલા દાઢી-મૂછ અને બેફિકરાઇથી ઓળેલા વાળ .જીન્સ પર ખાદીનો ઝભ્ભો પહેરેલા અભિમાં એક આર્ટીસ્ટની આભા છલકાતી. વાચાળતો એ પહેલેથી જ હતો પણ હવે આ અખબારીત્વને નિભાવતા એ વધુ ને વધુ બોલકો બનતો ચાલ્યો હતો.સામેની વ્યક્તિની આંખમાં સીધી નજર માંડીને એ વાત કરતો ત્યારે ભાગ્યેજ કોઇ એની વાતને ટાળી શકતુ.એની વાત કરવાની છટા ,તિવ્રતાથી એની વાત રજૂ કરવાની ટેવના લીધે કોઇ પણ સહજ રીતે અંજાઇ જતુ. સુનિરા પણ આ ન ટાળી શકાય એવી વ્યક્તિ અને વ્યક્તિત્વથી અંજાતી ચાલી.
આર્ટ ગેલેરીથી શરૂ થયેલી મુલાકાતો હવે આર્ટ ગેલેરી સિવાય પણ વધતી ચાલી. આર્ટથી શરૂ કરેલી વાતો અંતર સુધી પહોંચવા માંડી અને એક દિવસ અભિએ નિર્ણય લઈ લીધો ” સુનિ , આ આમ કલાક બે કલાકના સાથથી હવે સંતોષ નથી થતો મારે તો પળે પળનો – ક્ષણે ક્ષણનો તારો સાથ હંમેશ માટે જોઇએ છે.આમ કલાક બે કલાક માટે હાથ પકડીને ,હાથ પસવારતા ક્યાં સુધી ટળવળીશુ? મારે તો આ હાથ હંમેશ માટે મારા હાથમાં જોઇએ છે. આ હાથ પકડીને સપ્તપદીના સાતમાં ફેરે સાત જનમ નો સાથ જોઇએ છે. “
“ડેડુ , આપણે જંગ જીત્યા છીએ હો! મેં કહ્યુ હતુને કે વાત શરૂ થશે પછી અભિ અને સુનિરાને દુનિયાની કોઇ તાકાત એક ક્ષણ માટે ય વેગળા નહી કરી શકે. “
અતિ વાત્સલ્યભર્યા ચહેરે ચંદ્રવદન શાસ્ત્રી એ દિકરાની સામે જોઇ ને એના માથે હાથ મુક્યો. મારા તો અંતરથી આશીર્વાદ છે દિકરા તને અને સુનિરાને. દુનિયાના તમામ સુખો તમે પામો પણ દિકરા હજુ તું પુરો જંગ ક્યાં જીત્યો છું ?
” મને ખબર છે ડૅડુ , જયા સામે જંગ જીતવો કેટલો અઘરો છે પણ ડેડી તમે ખુશ છો ને મારા આ નિર્ણયથી?તમે તો મારી સાથે, મારા પડખે છો ને ?”
” દિકરા , મારા સાથે હોવા માત્રથી બધુ નથી પતી જવાનુ , જો સુનિરાને આ ઘરમાં આવકાર જોઇતો હશે તો એમાં તારી મા ની સંમત્તિ ય જોઇશે ને?”
જયાબેનનુ નામ પડતા જ અભિના કપાળે સળ પડ્યા. એ જાણતો જ હતો કે આમ એના ગમવાથી કે ડેડીની મરજીથી કશુ જ સરખુ પાર પડવાનુ નથી. અનેરીને ય જયાબેને પોતાની મરજી મુજબ જ પરણાવીને ? લાખ વાના છતાં ડૅડી-અભિ કે અનેરીનું ક્યાં કશુ ચાલ્યુ હતુ? અને અનેરીએ તો જયાબેનની સામે નાનપણથી જ હથિયાર હેઠા નાખેલા જ હતા એટલે અભિએ વાંધો ઉઠાવ્યો તો ય અનેરી એ ઢીલુ જ મુક્યુ હતુ . ” જવા દે ને ભાઇ , મા નક્કી કરશે એ મારા માટે બરાબર જ હશે “અનેરીની વાત જુદી હતી એને પરણીને પારકા ઘેર જવાનુ હતુ જે ઘર ખરેખર ખાનદાન હતુ અને અનેરીને જયાબેનના સામ્રાજ્ય કરતા વધુ સ્વતંત્રતા અને સુખ સાંપડ્યા હતા. એટલે એ તો આ ઘરનો મોહ લગભગ વિસરી ચુકી હતી. જે મોહ હતો એ ડૅડી અને ભાઇ માટે હતો જે આજે ય અકબંધ હતો. પણ આ ઘરમાં આવનાર વ્યક્તિની સ્વતંત્રતા અને સુખની કોઇ ગેરંટી ચંદ્રવદન શાસ્ત્રી આપી શકે એમ નહોતા.
ક્યારેક અભિ અને સુનિરા ક્યાંક કોઇ શાંત જગ્યાએ બેઠા હોય ત્યારે ડૅડી અને મા માટે અછડતો ઉલ્લેખ થઈ જતો.સુનિરા ડેડી અને મા ની પ્રકૃતિ સમજવા પ્રયત્ન કરતી ત્યારે અભિ કહેતો ય ખરો “ જયા એ જયા જ છે. સાચુ કહુ તો મને ઘણી વાર થાય છે કે એણ્રે એની સમજની મર્યાદામાં રહીને અમારી ઉત્તમ પરવરિશ કરી છે માત્ર મોકળાશ નથી આપી. એ ક્યારેય હળવી થઈને જીવી શકી નથી અને અમને હળવા થવા સુધીની સ્પેસ નથી આપી. મારી કે અનુની પુષ્કળ કાળજી લીધી છે એણે બસ એક પ્રેમ કરવામાં સહેજ પાછી પડી છે. કદાચ પ્રેમ પણ હશે જ મારી અને અનુ પર પણ બસ એ વ્યક્ત કરવામાં ઉણી ઉતરી ”
“અભિ , એવુ ય બને ને કે ડૅડી અને તારા વચ્ચે કદાચ તેં મા ને આવવા જ ન દીધા હોય? બાકી તો દુનિયામાં ભાગ્યેજ એવુ કોઇ હશે જે મા થી તારી જેમ આટલુ દૂર હશે.”
ના, જયાથી દુર હું નથી પણ જયા એ જ ક્યારેય નજીક આવવાનો પ્રયત્ન કર્યો નથી. એને તો બસ એની રીતે એનો ઘર સંસાર ચાલે ,કોઇ બાંધછોડ કરવા માંગતી નહોતી એના નિતિ નિયમોમાં , અનેરી એની પ્રમાણે ચાલી મારાથી એવુ ન થઈ શકાયુ બસ.ને હવે તો તું ય બસ કર સુનિ આટલી સરસ જગ્યાએ આવી ને ય જો ઘરને જ વચ્ચે લાવવાનુ હોય તો ઘર ક્યાં ખોટુ હતુ? ” અને અભિ વાત અટકાવી દેતો.
એક દિવસ અભિ સુનિરાને લઈને ઘેર આવ્યો. સુનિરાએ આવીને મા અને ડૅડીના ચરણસ્પર્શ કર્યા. ડૅડીનો વ્હાલભર્યો હાથ મસ્તકે ફરતો રહ્યો” સદા સુખી રહો, ખુશ રહો” જયાબેન માટે આ આવી પડેલી ઘડી સાવ જ અચાનક હતી. અભિ એકદમ આમ એમના અસ્તિત્વનો અનાદાર કરીને ઉભો રહેશે એવી તો કલ્પના સુધ્ધા નહોતી. જો કે છેલ્લા કેટલાય સમયથી અભિ અને એના ડૅડી વચ્ચે ચાલતી કાનાફુસીથી કંઇક એમના માટે અણગમતુ બનવાનુ છે એવી આશંકા તો એમના મનમાં ઉભી થઈ હતી પણ એ આવી રીતે સામે આવશે એનો તો અણસાર સુધ્ધા નહોતો આવ્યો.એક વાર એમણે ચંદ્રવદન શાસ્ત્રીને પુછવા , અભિને નાણી જોવા ય પ્રયત્ન કર્યો હતો પણ કોઇ વાત આગળ વધે એ પહેલા જ એમણે ચુકાદો આપી દીધો હતો” છોકરી તો મેં જોઇ રાખી છે અને નક્કી તો એની સાથે જ થશે.” અને એમનો ચુકાદો અફર હોય બચાવ પક્ષે વકીલને કંઇ બોલવાનુ જ હોય એમ ઉભા થઈ ગયા. એટલે અત્યારે અભિ જોડે સુનિરાને જોઇને એ ખળભળી ગયા.
“અભિ”
એ જરાક અક્કડથી અને કડકાઇથી બોલવા ગયા પણ અભિએ એમને વચ્ચે થી જ રોકી લીધા.
“મા , આ સુનિરા છે . અમે એક બીજાને અત્યંત પસંદ કરીએ છીએ . આ ઘર તારુ છે , તારા આશીર્વાદ હશે તો જ અમે આ ઘરમાં સુખી થઈ શકીશુ , સુખેથી સૌ રહી શકીશુ.”
” સાથે રહેવાનુ તો નક્કી કરીને જ આવ્યો છે ને? નક્કી કરતી વખતે મા ના આશીર્વાદ લેવાનુ યાદ ન આવ્યુ તને?”
સામે ઉભેલી એક તદ્દન અજાણી છોકરીની સામે સ્વભાવવશ પોતાનુ પોત પ્રકાશી ન જાય એવી કાળજી લેવા છતાંય જયાબેનથી સહેજ અકળામણ છતી થઈ જ ગઈ.
અભિએ પોતાની મા ની ઓળખ જે રીતે આપી હતી એ રીતે સુનિરાને ઉમળકાભર્યા આવકારની અપેક્ષા તો હતી જ નહી પણ સાવ જ આવી રીતે વાત કરતા જોઇને એ સહેજ ઓઝપાઇ ગઈ. અંદરથી એ સહેજ ખળભળી ઉઠી અને ડરી પણ ગઈ.
અભિએ એની મા વિશે જે ચિત્ર ઉભુ કર્યુ હતુ એ પ્રમાણે એણે પોતાની જાતને જયાબેનના સામના માટે તૈયાર તો કરવા માંડી હતી પણ ઉંડે ઉંડે એને આશા હતી કે એનો ડર ઠાલો નિકળશે અને ડૅડીની જેમ મા પણ એને સ્વીકારી લેશે.
સુનિરા જે ઘર , જે વાતાવરણમાં ઉછરી હતી એ ઘર અને એ વાતાવરણ કરતા સાવ જુદુ વાતાવરણ અહીંનુ હશે એવી ધારણા એણે બાંધી ય હતી. કેવા મુક્ત અને સાલસ વિચારોના મમ્મી પપ્પા હતા કે જેમણે ક્યારેય સુનિરા પર પોતાના વિચારો લાદવા તો દૂરની વાત પ્રગટ પણ કર્યા નહોતા. સુનિરાને ફાઇન આર્ટસમાં રસ હતો અને એણે સી.એન વિદ્યાલયમાં ફાઇન આર્ટ્સ કરીને વડોદરા આગળ ભણવાનો વિચાર પ્રગટ કર્યો તો એ પણ મમ્મી-પપ્પાએ ઉમળકાભેર સ્વીકારી લીધો હતો. જાણતી હતી કે એના વગરના ઘરમાં મમ્મી-પપ્પાને કેવુ સુનુ લાગશે પણ મમ્મી કે પપ્પાએ એ વાતને જરાય પણ દિલ કે દિમાગ પર લીધા વગર રાજીખુશીથી એના નિર્ણયને વધાવી લીધો હતો. અરે ! અભિ વિશે જ્યારે એણે વાત કરી ત્યારે પણ મમ્મી-પપ્પાએ એના નિર્ણય પર સંમતિની મહોર મારી દીધી હતી એટલે જયારે જયાબેનની સમક્ષ ઉપસ્થિત થવાનુ આવ્યુ ત્યારે આટલુ અઘરુ પડશે એવુ લાગ્યુ નહોતુ. મમ્મી પપ્પાએ મુકેલા વિશ્વાસને ઠેસ પહોંચે એવુ એણે ક્યારેય કોઇ પગલુ ભર્યુ નહોતુ તો અહીં આ ઘરમાં પગ માંડતા પહેલા જ એ ડગમગી ગઈ?
ના! એ પાછી નહી જ પડે ,એણે એનુ મનોબળ મક્કમ કર્યુ . અભિએ એનો સાથ માંગ્યો હતો એ સાથ આપવામાં એ પાછી પાની નહી કરે . જયાબેનને એ મા નો દરજ્જો આપશે અને એ એમની દિકરી થઈને રહેશે એવો મનોમન નિર્ણય કરીને એ જયાબેન તરફ બે ડગલા આગળ વધી.
” મા,
” જુવો સુનિરા, તમે અને અભિ જે નક્કી કરીને આવ્યા હો એ જ મારે મંજૂર રાખવાનુ હોય તો એની સાથે સાથે મારે બીજુ જે કઈ મંજૂર રાખવાનુ હોય એ પણ પહેલેથી મને કહી જ રાખજો જેથી હું સાવ જ આમ અંધારામાં ન રહી જઉ.”
” જયા , તને અંધારામાં રાખીને એવુ કશુ જ નક્કી કરીને છોકરાઓ આવ્યા નથી . એ બંને જણે આપણી સાથે એક ઘરમાં ,એક છતની નીચે એકબીજાની સાથે જીવન જીવવાનુ નક્કી કર્યુ છે એટલી જ વાત છે અને આપણે ખુશી ખુશી એમને આવકારવાના છે, એટલુ તો આપણે આ બાળકો માટે કરી શકીએ ને?” અત્યાર સુધી તટસ્થભાવે જોઇ સાંભળી રહેલા ચંન્દ્રવદન શાસ્ત્રીએ હવે જરાક વાતનો દોર પોતાના હાથમાં લેવા પ્રયત્ન કર્યો.
” બીજુ શું કરી શકીએ એ પણ મને કહી દેજો એટલે એમને -તમને અને મને ય સરળ પડે.”
” મા, તારો ગુસ્સો કે અકળામણ હું સમજી શકુ છુ અને એવુ શુ જ નથી કે તને અંધારામાં રાખીને કશુ નક્કી થયુ હોય.”
જયાબેન કશુ જ બોલ્યા વગર અભિ સામે તાકી રહ્યા.પણ વણ બોલાયેલા એમના શબ્દો અભિએ એમની નજરમાંથી પારખી લીધા .એ જાણે નજરથી અભિને કહી રહ્યા હતા કે છેક ઘર સુધી આ છોકરીને લઈ આવ્યો એનાથી વધુ અંધારુ મારા માટે શું હોઇ શકે?
” મા , દુનિયામાં કોણે બાંગ પોકારીને પ્રેમ કર્યો છે ? અમને ય જરા આવા લુપાછુપીના લ્હાવા ના લેવા હોય? અભિએ જયાબેનની પાસે જઇને એમના ખભા પર હાથ મુકીને જરા લાડ ભર્યા અવાજે કહ્યુ. ” અને મા જેવુ અમને લાગ્યુ કે આ લુપાછુપીથી આગળ વધીને ય આપણે સાથે રહી શકીશુ એવુ તરત જ તો તમારી પાસે આવ્યા.”
” જયા, લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મ્હોં ધોવા ન બેસાય ને એમ લક્ષ્મી ખુદ આપણા ઘરમાં એના કંકુ પગલા પાડવા આવી હોય ત્યારે મુરત ના જોવાય. એ તો જે ઘડીએ આવી એજ શુભ ચોઘડીયુ કહેવાય માટે ગોળ લાવો અને મ્હોં મીઠુ કરાવો.”
જયાબેને મને કમને સુનિરાના માથે હાથ ફેરવ્યો અને રસોડામાં જઈ કંકુ , ચોખા લઈ સુનિરાને આવકારી અને ગોળ ખવડાવી મ્હોં મીઠુ કરાવ્યુ પણ અંતરથી કડવાશ તો ઓછી ન જ થઈ .
” જો સુનિરા , ડૅડીના આવકાર કે મા ના અનાદર વિશે એ ઝાઝુ વિચારીશ કે વિશ્લેષણ કરીશ તો તું ગુંચવાયા કરીશ પણ તને મારી પર એટલો તો વિશ્વાસ હોવો જોઇએ કે તારો અભિ હંમેશા તારો અને માત્ર તારો જ છે. આવકાર મળ્યો હોત તો સુખ છે જ પણ અનાદરનુ દુઃખ યાદ રાખીને હું તારી સાથેની એક પળનુ સુખ પણ ગુમાવા નથી માંગતો. ઘેરથી નિકળ્યા પછી ઉદાસ સુનિરાને જોઇને અભિ એની તકલીફ સમજી શકતો હતો.
” અભિ , માત્ર મારા અને તારા સાથે હોવાને જ સુખની પળો કહેવાય? હતી એ ય સુખની પળો હતી જ્યારે એમાં આપણે બે જ માત્ર હતા પણ હવે પછીની આવતી તમામ ક્ષણો એવી હશે કે જેમાં તારા ય મમ્મી ડૅડી એમાં સામેલ હશે ત્યારે એમના ય ગમા અણગમાને આમ આપણે ભુલાવી ય ન દઈ શકીએ ને? મારે માત્ર તારી સાથે એકલા નથી રહેવાનુ, મમ્મી ડૅડીની ય સાથે મારે રહેવુ છે. આપણા સુખમાં એમને સાથે રાખવા છે , એમને તકલીફ આપીને ખુશ થઉ તો હું સ્વાર્થી ન કહેવાઉ?”
અભિ અત્યંત વ્હાલથી સુનિરા સામે જોઇ રહ્યો. અલગારી જેવી દેખાતી જીન્સના પેન્ટ પર ખાદીના કુર્તા પહેરતી અને ખભે એક થેલો લઈને ફરતી આવી ફાઇન આર્ટસની સ્ટુડન્ટ, રાત દિવસ પોતાની ધૂનમાં મસ્ત રહેતી એક છોકરી આટલુ લાગણી ભર્યુ વિચારતી હશે એવી તો એણે કલ્પના નહોતી જ કરી. એ સાચે જ સુનિરા પર વારી -ઓવારી ગયો અને એક દિવસ રજીસ્ટર મેરેજ કરીને સુનિરા અને અભિ નવજીવનનો આરંભ કર્યો.
એ દિવસે સાંજે ચંદ્રવદન શાસ્ત્રીએ એમના અત્યંત ખાસ કહેવાય એવા સ્વજનો, નજીકના મિત્રો ,અભિના અખબારી આલમના દોસ્તો અને સુનિરાના કલાજગત ના કલાકારો ને એક ડીનર પાર્ટી આપી .
સાવ જ ઇન્ફોર્મલ કહેવાય એવી પાર્ટી. ના તો કોઇ મોટો- ભવ્ય પાર્ટી પ્લોટ , ના તો કોઇ રીસેપ્શન માટેનુ સ્ટેજ કે ના તો કોઇ આંખે ચઢે એવુ ડૅકોરેશન..ક્લબના મેઇન એન્ટ્રન્સ થી માંડીને લૉન સુધીના પેસેજને બંને બાજુથી કૅન્ડલ મુકીને સુશોભિત કર્યો હતો. હળવા સૂરે વહેતુ જલ-તરંગનુ મ્યુઝીક મનને સ્પર્શી જાય એવુ હતુ. અભિ અને સુનિરા ફુલોથી મઢયા સ્ટેજ પર ઉભા રહેવાના બદલે આમંત્રિત મહેમાનો સાથે ભળી જઈને અભિવાદન ઝીલતા હતા. કોઇ ઔપચારિકતા નહોતી , કોઇ શૉ કે ઝાકઝમાળ નહોતી છતાંય પાર્ટીનો માહોલ ખુબ એલિગન્ટ લુક આપતો હતો.
નેક લાઇન પર આછા જરદોસી વર્ક વાળા મરૂન સિલ્કના ઝભ્ભા અને ચુડીદારમાં અભિ સોહામણો લાગતો હતો તો એવી જ આછા જરદોસી વર્ક વાળી મરૂન સાડી અને એ સાડી સાથે મેચ થાય એવા સફેદ જડતર મોતીના આછા દાગીનામાં શોભતી સુનિરા ય બેહદ ખુબસુરત લાગતી હતી. ચહેરા પરનો હળવો મેકઅપ અને એ ચહેરા પર સરકી આવતા કાળા સુંવાળા અને જરા કર્લ કરેલા વાળ સુનિરાની મોહકતામાં વધુ ને વધુ ઉમેરો કરે જતા હતા.
ચંદ્રવદન શાસ્ત્રી અત્યંત સૌજન્યપૂર્વક મહેમાનોને આવકારી રહ્યા હતા. આમ તો જયાબેન પણ અભિ સાથે સોહતી સુનિરાને જોઇને મનોમન ખુશ થઈ જતા પણ મનની અંદર બેઠેલો પેલો અહં અમળાઇ અમળાઇને એ ખુશી છલકાવા નહોતો દેતો એ બીજી વાત હતી.
આ બધાથી અજાણ અનેરી તો એના ભાઇ-ભાભીને જોઇને અત્યંત રાજી રાજી. એ તો જયાબેનના મનમાં ચાલતા વિચારોથી તદ્દન અજાણ હતી. એને તો આ ઘર હસતુ-રમતુ થઈ જાય એટલે બસ….
પણ આ ઘર હસતુ રમતુ ક્યારેય ના થયુ તો ના જ થયુ.
સુનિરાના લાખ પ્રયત્નો છતાં ય જયાબેન એને મનથી ના જ સ્વીકારી શક્યા.કિચનથી શરૂ થઈને ઉગેલી સવાર સાંજ પડતા કિચનમાં જ આથમતી હોય એવા જયાબેનને મન સુનિરાના આ પેઇંટીંગ એક ફિતુર જ હતા. એમનો શોખ નવી નવી વાનગી બનાવવા અને એને લગતા રસોઇ શૉ પુરતો જ મર્યાદિત હતો. એટલે ચંદ્રવદન શાસ્ત્રી , અભિ અને હવે તો એમાં ભળેલી સુનિરાની ય વાતો એમને સુનિરાના ઍબસ્ટ્રેક્ટ પેઇંટીંગ જેવી ઍબ્સર્ડ જ લાગતી .સુનિરાના સાચા દિલથી કરેલા પ્રયત્નોમાં પણ એમને તો કોઇને કોઇ ખોડ દેખાતી જ.
“ અમારા ઘેર તો આમ જ થાય કે અમારા ઘરમાં તો આમ ન જ ચાલે “જેવી એમની તકિયા કલમથી સુનિરાને સાચે જ પરાઇ હોય એવો એહસાસ કરાવવાની પુરતી માનસિક તૈયારી સાથ સજ્જ રહેતા.ક્યારેક સુનિરા લાડમાં કહેતી ય ખરી કે “ મા , હવે તો હું ય આ ઘરની ના કહેવાઉ? આ ઘર મારુ નથી?”
“ કહેવડાવવુ અને હોવુ એ બે માં આસમાન જમીનનો ફરક હોય ને?સમસમી જતી સુનિરા પણ હજુ ય એનામાં ધીરજ ખુટી નહોતી.
પણ આ બધુ અભિ કે ડૅડીની હાજરી ન હોય ત્યારે જ બાકી બધા હાજર હોય ત્યારે એ સામાન્ય રીતે એ મુક પ્રેક્ષકની જેમ બની રહેતા. જો કે રસોઇમાં એમની પારંગતતા અંગે કોઇ બે મત નહોતો.સુનિરા એમની રીતે કશુ પણ કરવા પ્રયત્ન કરે તો એમની ટકોર તો સાંભળવી જ પડતી.
” આ કોઇ કાગળ પર આમ તેમ લીટા ખેંચો કે એમાં ગમે તે રંગના લસરકા ભરી દો એટલે કામ પતે એવુ માની નહી લેવાનુ, હાથમાં અમી હોય ને તો જ રસોઇમાં રંગ આવે.”
“ પણ મા, મને શિખવાડોને તમારી રીતે , ધીમે ધીમે મારો ય હાથ બેસી જશે.” સુનિરા હજુ ય શરણાગતિના સૂરમાં જ વાત કરતી.
પણ જયાબેનને એમના સામ્રાજ્યમાં એમની જ આણ પ્રવર્તતી હોય , એમનુ જ આધિપત્ય અકબંધ જોઇતુ હોય એમ એ કશુ જ શિખવવાના મુડમાં ક્યારેય આવતા જ નહી. અને આ એક જ તો વાત હતી જેમાં એ એમની સર્વોપરિતા સાબિત કરી શક્તા .
અને એ દિવસે તો એમણે હદ જ કરી નાખી.સુનિરાએ સલાડ બનાવ્યુ એ જોઇને એમણે આકરી ટીકા કરી. “અમારા ઘરમાં તો માણસો જ વસે છે આવા ઘાસપુસનો કચરો કોઇ ના ખાય” રસોડામાં તો એ બે જણ જ છે એવુ માની બેઠેલા જયાબેનને ખબર નહોતી કે અભિ નહાઇને બહાર નિકળી ગયો છે.અને બસ વાત ત્યાંની ત્યાં જ વણસી ગઈ. અભિ એની મા ને બરાબર ઓળખતો હતો અને એ જરા આમ તેમ હોય ત્યારે શું બની રહ્યુ છે એ ય એના ધ્યાન બહાર નહોતુ જ પણ ધીમ ધીમે બધુ થાળે પડી જશે એવી સુનિરાની આશા પર એ પાણી ય નહોતો ફેરવવા માંગતો એટલે જરા શાંત હતો.પણ આજે તો એનો રોષ એકદમ ભભુકી ઉઠ્યો.
સુનિરાએ લાખ પ્રયત્નો કર્યા તેમ છતાં એ શાંત ન જ થયો. અને સુનિરાને સામાન પેક કરી ઘર બહાર નિકળી જવાનો નિર્ણય આપી દીધો.
“અભિ , પ્લીઝ સાંભળ તો ખરો, મા છે કોઇવાર ભુલ થાય તો બે શબ્દ બોલે ય ખરા”
“ બે શબ્દ? આ બે શબ્દો તુ આ ઘરમાં આવી ત્યારથી રોજે રોજ સાંભળતો આવ્યો છું હવે નથી સાંભળવા બસ કહી દીધુ ને એકવાર હવે કોઇ ચર્ચા નથી કરવી મારે આ અંગે.”
એ દિવસ અને એ ઘડી અભિએ એ ઘરનો મોહ સાપ કાંચળી ઉતારે એમ ઉતારી દીધો. ન ઉતારી શક્યો ડૅડુ તરફનો મોહ. એનો એક એક દિવસ એના ડૅડુ વગર કેવો ઉગતો અને કેવો આથમતો એ તો માત્ર એ જ સમજી શકતો અને સુનિરા .
એ દિવસે અને એ પછીના દિવસોએ પણ ચંદ્રવદન શાસ્ત્રીએ ઘરમાં તટસ્થ ભાવે એમના દિવસો અભિ વગરના પસાર કરવા પ્રયત્ન કર્યા. જયાબેન રોજે રોજ જોતા કે ચંદ્રવદન શાસ્ત્રી અભિ વગર પ્રાણ વગરના ખોળીયા જેવા બની ગયા અને ખરેખર એક દિવસે એમનો પ્રાણ એ ખોળીયુ ય છોડી ગયો.
ત્યારથી માંડીને આજ સુધી જયાબેન એકદંડીયા મહેલની એકલી-અટુલી રાજકુંવરીની જેમ એમના દિવસો પસાર કરે છે.
હા! હજુ ય અભિની જાણ બહાર જયાબેનને મળવા અવાર-નવાર આવતી સુનિરાને પડોશીઓ જુવે છે ખરા .
http://rajul54.wordpress.com/2013/07/25/ek-dadiyo-mahel/

This entry was posted in અન્ય બ્લોગ ઉપરથી ગમેલુ, લઘુ નવલકથા. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.