ઉગી પ્રીત આથમણે કોર(૬) રાજુલ શાહ

waiting-for-someone

પણ સત્ય ક્યાં હતો? કોલોરાડોની કોન્ફરન્સમાં ? હવે તો એની ય પૂજાને  શંકા થવા માંડી.
પૂજાની શંકા સાવ અસ્થાને ય નહોતી જ સ્તો વળી. સત્ય કોલોરાડો કોન્ફરન્સમાં તો ગયો જ હતો પણ છેલ્લા કેટલાક વર્ષોથી એક સિલસિલો ઉભો થયો હતો એમ એ એકલો નહોતો. સાથે હતી કિમ.

આ કિમ ! ઓહ એની તો હવે કોઇ કાળે અવગણના કરી શકે એમ હતો જ નહી સત્ય. પૂજાની જેમ કિમ પણ એના જીવનનુ એક સત્ય બની ગઈ હતી જેના વગર સત્યની એક એક પળ અધુરી હતી. જેના વગર સત્ય ખુદ અધુરો હતો. કઈ ક્ષણે એણે સત્યના જીવનમાં એક ચોક્કસ જગ્યા બનાવી હતી એ ય સત્યને તાજી જ અનુભવેલી ક્ષણની જેમ યાદ હતી અને હવે તો એ સમજાતુ હતુ કે હવે કિમ વગર એના દિવસો ,એનુ જીવન સુનુ હતુ. પૂજા એક હકિકત હતી તો કિમ એક ખુબસુરત ખ્વાબ હતુ જેને સત્ય ખુલ્લી આંખે પણ નજર સમક્ષ નિહાળી શકતો હતો. જેની સાથે પળે પળ વિતાવી શકતો હતો , જેનુ સાનિધ્ય સતત માણી શકતો હતો એવુ એક જીવંત ખ્વાબ.

પૂજા એના જીવનની એક ઢળતી સાંજ હતી તો કિમ ઉગતા સૂરજની લાલિમા. પૂજા વરસાદી સાંજનો મંદ મંદ વહેતો પવન હતી તો કિમ વાસંતી વાયરો જે એના તન-મનને ઉન્માદિત કરી મુકતો. પૂજા શાંત શિતળ વ્યક્તિત્વ હતુ તો કિમ એક ચંચળ વ્યક્તિ જેની હાજરીમાં સત્ય ખુદ ચંચળ બની જતો અને એની પાકટતા એની પીઢતા પળ વારમાં ઓગળી જતી.

૨૫ ૨૫ વર્ષોના લગ્ન જીવન પછી પૂજામાં એક સ્થિરતા આવી હતી. ઘરની વ્યવસાયની જવાબદારીઓ એ એને પ્રગલ્લ્ભ બનાવી હતી. સત્ય તરફ એનો પ્રેમ હજીય એમ જ અકબંધ હતો પણ વહેવાની રીત બદલાઇ હતી. લગ્નના શરૂઆતના વર્ષો હતા જ્યારે પૂજા પણ ધસમસતી સરિતાની જેમ સત્યમાં સમાઇ જતી. સત્યને એની લાગણીનો આ ધસમસતો પ્રવાહ ખુબ ગમતો. સત્ય એના આ પૂરના વહેણમાં વહી જતો. એને એનુ આમ વહી જવુ ખુબ ગમતુ. એક બીજાના સાનિધ્યને પળે પળ ઝંખતા સત્ય અને પૂજા માટે મધુરજની સમા એ સમય દરમ્યાન દિવસો લાંબા અને રાત ટુંકી બની રહેતી.પળ પળની એક બીજા માટેની તરસ , એ તલસાટે ય મધુરા લાગતા.આ તરસ , આ તલસાટ અમર અને અક્ષયના જન્મ સુધી બરકરાર રહ્યા. પરંતુ ત્યાર બાદ બાળકોના ઉછેર અને વ્યવસાયની વ્યસ્તતાએ પૂજાને ધીર ગંભીર બનાવી. ઉન્માદના એ વર્ષોમાં ચંચળ ઝરણા જેવી પૂજા આસ્તે આસ્તે બંને કાંઠે વહેતી અને તેમ છતાં ઠરી ઠામ થયેલી સરિતા સમી બનતી ચાલી.જવાબદારીઓ એને ગંભીર અને કંઇક અંશે ઠરેલ બનાવી.પૂજામાં એક પ્રિયતમા પછી એક પત્નિ અને હવે એક પત્નિની સાથે સાથે એક મા વિકસતી ચાલી. જ્યારે સત્ય હજુ ય એના પ્રેમમાં ગળાબૂડ , સત્યની આસપાસ મંડરાતી પૂજા શોધતો. ધીમેધીમે એના ય ઉન્માદો ઓસરતા ચાલ્યા. માત્ર ઓસરતા ચાલ્યા, ઠર્યા તો નહોતા જ. હ્રદયના એક ઉંડા ખૂણે હજુ ય  એ પૂજાનો સતત સહવાસ ઝંખ્યા કરતો. હજુ ય એના મનમાં પૂજા પત્નિ કરતા પ્રિયતમા બની રહે એવી તિવ્રતા એટલી જ પ્રબળ હતી. હજુ ય એવી કેટલીક એષ્ણાઓ હતી જે સત્યમાં રહેલા પુરૂષને સતત બળતો રાખતી. એવી કેટલીક એષ્ણાઓમાં એક એવી તિવ્ર ઝંખના હતી દિકરીની.

“પૂજા, આ અમર અને  અક્ષય તો બે વર્ષના થવા માંડ્યા હવે તો કંઇક વિચાર. એક દિકરી તો જોઇએ જ ને? દિકરા તો ક્યાંય આપણને મુકીને એમના સંસારમાં ઓતપ્રોત થઈ જશે. દિકરી હશે તો ઘડપણ નો છાંયો બની રહેશે”

“કેમ? સત્ય આપણે નથી? બા -બાપુજીને કોણ સાચવે છે? દિકરો કે દિકરી એ તો નસીબની વાત છે.
ઋણાનુબંધની વાત છે. દિકરી તો મારે ય જોઇતી હતી.પણ એટલા માટે નહી કે એ આપણા ઘડપણનો છાંયો બની રહે. દિકરી તો ઘર આંગણનો તુલસી ક્યારો છે. પણ જો પુત્રવધુને નિરંતર પ્રેમથી સિંચીએ  તો એ પણ ઘરમાં રાતરાણીની જેમ મહેકી ના ઉઠે? પુછી જુવો બા-બાપુજીને એમને ક્યારેય દિકરી ન હોવાની ખોટ સાલી છે? આજે કદાચ તારા કરતા ય મારી સાથે એમનો વ્હાલનો નાતો વધુ ઉંડો છે. ક્યારેક એવુ બને કે  લોહીના સંબંધ કરતા  લાગણીનો સંબંધ વ્હેંત ઉંચો ય સાબિત થાય .”

“પૂજા, તારી સાથે તો વાત કરવી જ અઘરી છે . વાતને તું સીધુ વિવાદનુ સ્વરૂપ આપી દે છે. મારી ઇચ્છાઓનો પડઘો ક્યારેય તારા સૂરમાં હોતો જ નથી. ક્યારેય એવુ બન્યુ છે કે બસ મને ખુશ કરવા ઢાલી તો ઢાલી પણ હા પાડી હોય?   ”

“પણ મારી વાત ખોટી હોય તો બોલ , તું કહે એ કરવા તૈયાર છું બસ? ”

અને સત્યને ખબર હતી કે પૂજાની વાત ખોટી તો નહોતી જ પણ બસ સત્યને હજુ ય આજે એની હા માં હા પૂરાવતી , એના બોલનો પડઘો પોતાની વાણીમાં ઝીલતી પૂજા જ જોઇતી હતી. અને તેમ છતાં ય એણે એના મનનુ સમાધાને ય કરી જ લીધુ હતુ. પૂજાની મરજીને ઉવેખીને એને કશું જ પ્રાપ્ત નહી થાય એ ય એણે સ્વીકારી લીધુ હતુ. એક પુરૂષે , એક પતિએ અનિચ્છાએ પણ પત્નિની સમજને સ્વીકૃતિ આપી દીધી હતી.

કોઇ જાતના ચઢાવ-ઉતાર વગર જીવન જીવાતુ જતુ હતુ. જીવનમાં કોઇ ઉણપ હતી એવુ ય નહોતુ. ઘરમાં સ્થિરતા હતી, સ્નેહ હતો , સંપ હતો ,સંપત્તિ હતી જે ઉત્તરો ઉત્તર  વધતી જતી હતી. કોઇ જાતની ઉણપ સુધ્ધા નહોતી. કદાચ આ જીવનનુ આ સત્ય સત્યે સ્વીકારી લીધુ હોત જો કિમ એના ક્લિનિકમાં  અને એના જીવનમાં પ્રવેશી ન હોત તો.

કોલારાડોની કોન્ફરન્સ પત્યા પછીની એ સાંજે કોફીના કપમાંથી ઉઠતી સેરની આરપાર જોઇ રહેલા સત્યને જોઇને કિમ સમજી શકી કે એના મનમાં કોઇક કશ્મકશ ચાલી રહી છે જેમાંથી સત્યને બહાર લાવવો હાલ પુરતો તો શક્ય જ નથી. એ પણ ચુપચાપ કોફીનો કપ હાથમાં લઈ ધીમી ચુસ્કી સાથે દૂર ગગનમાં આથમતા સૂર્યની લાલિમા જોઇ રહી.

સત્યને આજે પણ એ દિવસ એમ જ યાદ હતો જ્યારે કિમને એના ક્લિનિકમાં  કિમોથેરેપી આસિસ્ટન્ટ નર્સની પોસ્ટ પર હાયર કરવામાં આવી હતી. સહેજ સાંવલી પણ શાર્પ ફિચર્સ ધરાવતી અલ્લડ આફ્રો-અમેરિકન કિમ અમેરિકન કરતાં ઇન્ડીયન વધારે લાગતી હતી.કિમના વ્યક્તિત્વમાં એક અજબ સંમિશ્રણ હતુ.  ચંચળ વ્યક્તિત્વ ધરાવતી કિમ કીમોથેરેપી દરમ્યાન પેશન્ટ સાથે અત્યંત માયાળુ બની જતી. એ હંમેશા માનતી કે કેન્સરના પેશન્ટોના મનમાં  એક અનિશ્ચિત્તતા હોય છે. રોગ સાથે સમય સામે ઝઝૂમવા છતાં જીવન કે મ્રુત્યુ સામે હાર કે જીત માટે અનિશ્ચિત્તતાનો ભય સતત હોય છે. આવા સમયે દવાની સાથે સાથે દુવા , સારવારની સાથે સંવેદના ,કીમોની સાથે કોમળતાભર્યો વ્યવહાર જ પેશન્ટને દર્દ સહેવાનુ બળ આપે છે. અરે બાળ દર્દી કરતાં ય એમના માતા -પિતાને વધુ હમદર્દીની જરૂર હોય છે. હજુ તો રોગ પ્રતિકારક વેક્સિન શૉટ આપ્યા ન આપ્યા અને કીમો આપવાની જરૂર પડી જાય ત્યારે એ અભાગી બાળકના માતા-પિતા પર કેવો કેર વરસતો હોય? આવા સમયે બાળકને શારીરિક અને મા-બાપ માનસિક રીતે ન તુટે એટલો સધિયારો મળી જાય તો એ ય એમના માટે એ આશિર્વાદ કહેવાય.

કિમ ઘણી વાર બાળકો માટે અવનવા નુસ્ખા શોધી લાવતી. ફેસ્ટીવલ સમયે ક્યારેક  વોર્ડમાં જ એનુ પરંપરાગત રીતે સેલીબ્રેશન કરાવતી તો ક્યારેક બાળકોને ક્લિનિકની નજીક પાર્કમાં લઈ જઈ પિકનિક મનાવતી. હંમેશા દરેક બાળકની વર્ષગાંઠ યાદ રાખીને એના માટે કેક અથવા નાની અમસ્તી ય ગિફ્ટ લઈ આવવાનુ એ ક્યારેય ન ચુકતી. કિમની હાજરી માત્રથી ક્લિનિકનુ વાતાવરણ જીવંત બની રહેતુ.  એનો તરવરાટ , એની પરિસ્થિતિને હળવી બનાવવાની રીત દર્દીના ચહેરા પરની ગહેરી ઉદાસી ચીરીને સ્મિત લીપી  દેતુ.સત્ય  અભિભૂત થઈને એને જોઇ રહેતો.

બીજા પેશન્ટોની જેમ હવે ધીમે ધીમે સત્ય પણ કિમની રાહ જોતો થઈ ગયો હતો. કારણ કશું જ નહી બસ એમ જ પણ એ એની રાહ જોતો થઈ ગયો હતો. કિમની હાજરીની એને ટેવ પડવા માંડી હતી.
એ દિવસે તો કિમે કમાલ કરી. સત્ય ક્લિનિક પહોંચ્યો ત્યારે કિમે ક્લિનિકને ફુલોથી સજાવી રાખી હતી. સત્યના ટેબલ પર પણ એક સરસ મઝાનો બુકે ગોઠવીને મુક્યો હતો. પણ કિમ ક્યાં હતી? એ તો ક્યાંય દેખાતી નહોતી? સામાન્ય રીતે કિમ સત્ય કરતા વહેલી પહોંચીને સત્યની એપોઇંટ્મેન્ટ ડાયરીમાં જોઇને એ પ્રમાણે પેશન્ટ્ની ફાઇલ તૈયાર કરી રાખતી. અને સત્યનુ સ્મિતથી અભિવાદન કરી પોતાના કામે લાગી જતી. પણ આજે તો એ ક્યાંય દેખાતી નહોતી .સત્યને થયુ કોઇ ઇમર્જન્સી હશે એટલે એ વૉર્ડમાં હોવી જોઇએ.એટલે એ ઉભો થઈને વોર્ડ તરફ ચાલ્યો પણ ત્યાંય સાવ જ સુનકાર સિવાય કોઇ નહોતુ. જરા મુંઝવણ અનુભવતો સત્ય કાફેટેરિયા તરફ વળ્યો અને જરા બારણુ હડસેલીને અંદર પ્રવેશ્યો ત્યાં તો  પેશન્ટ અને બાકીના સ્ટાફના “હેપ્પી બર્થ ડૅ “ના નાદ સાથે કાફેટેરિયા ગુંજી ઉઠ્યો. સેન્ટર ટેબલ પર મોટી મઝાની કેક અને સ્માઇલ સાથે કિમ ઉભી હતી. ઓહ ! તો આમ વાત છે? કિમે આગળ વધીને હળવા આલિંગન સાથે સત્યનુ સ્વાગત કર્યુ અને હાથમાં કેક કાપવાની નાઇફ થમાવી દીધી.

“સર, ઇટ્સ યોર ડૅ.

વી ઓલ વિશ યુ વેરી હેપ્પી બર્થડૅ”

ફરી એક વાર હેપ્પી બર્થડૅના નાદ વચ્ચે સત્યે કેક કાપી .કિમે આગળ વધીને સત્યના મ્હોંમાં  કેકનો પીસ અને હાથમાં સરસ રીતે પેક કરેલી પરફ્યુમની બોટલ મુકી દીધી.

અને એ જ તો ક્ષણ હતી જ્યારે સત્યના હ્રદયના તાર રણઝણી ઉઠ્યા હતા. કિમનુ હળવુ આલિંગન અને હાથનો ઉષ્માભર્યો સ્પર્શ સત્યના હ્રદયના કોઇ ઉંડા ખુણા સુધી ઉતરી ગયા હતા.
અને એ દિવસથી સત્ય કિમ માટે તરસતો થઈ ગયો હતો. કિમ નજર સામેથી જરા દૂર જાય તો પણ એ બેચેન થઈ ઉઠતો. કિમનો પળેપળનો સહવાસ એના માટે પ્રાણવાયુ સમો બનતો ચાલ્યો. સત્ય ફરી એક વાર ખીલતો ચાલ્યો. એવુ નહોતુ કે પૂજા તરફ એ બેદરકારી દાખવતો પણ કિમની એ વધુ ને વધુ પરવા કરતો થઈ ગયો. હવે એના ક્લિનિક આવવાનુ નિમિત્ત  પેશન્ટના બદલે  કિમ જાણે બનતી ચાલી. એ હવે વધુ ને વધુ સમય ઘર કરતા ક્લિનિક પર રહી શકાય એમ ઇચ્છતો ચાલ્યો. સાંજ પડતા ઘરે પહોંચવાની ઉતાવળ કરતો સત્ય હવે ક્લિનિક વધુ રોકાઇ શકાય એમ તજવીજ કરતો ચાલ્યો. ઘરે પહોંચ્યા પછી ક્યારે બીજા દિવસની સવાર પડે અને ક્લિનિક પહોંચાય એવી રાહ જોવા માંડ્યો. ક્લિનિક પરના આખા દિવસ દરમ્યાનના રોકાણ પછી ય એ કલાકો  ટુંકા અને ઘરના ગણ્યા ગાંઠ્યા કલાકો લાંબા લાગવા માંડ્યા.

ક્લિનિકમાં સતત નજર સમક્ષ રહેતી કિમ ઘેર પહોંચ્યા પછી ય સતત વિચારોમાં રહેવા લાગી હતી. પૂજા સાથેના સાનિધ્ય દરમ્યાન પણ કિમનો ચહેરો મનના ઉંડાણમાંથી ખસતો નહોતો. કિમના પરફ્યુમની સુવાસ એના તન-મનને એટલા તરબતર કરી મુકતીકે  જાણે એનો એહસાસ સતત એના શ્વાસેશ્વાસમાં રમ્યા  કરતો.

કિમ માટેની આ બેચેની, આ તલસાટ સત્યને ગમવા માંડ્યો. કોઇને કોઇ બહાને કિમ એની આસપાસ જ હોય એમ એ ઇચ્છવા માંડ્યો. સવારે ઉઠીને ક્લિનિક પર જવા ઉતાવળો અને બેબાકળો એ થવા માંડ્યો.પૂજા વગર સુનુ લાગતુ ઘર કિમની અદ્ર્શ્ય હાજરીથી ભરેલુ લાગવા માંડ્યુ. ઘરમાં ક્યારેય એકલો રહેવા ન ટેવાયેલા સત્યને એકાંત ગમવા માંડ્યુ. એ એકલો ક્યાં હતો? હવે તો પળે પળ કિમના અસ્તિત્વનો એહસાસ એના અસ્તિત્વની આસપાસ એક મનગમતો માળો રચવા માંડ્યુ હતુ ને? કેટ કેટલા વિચારો , કેટકેટલા તરંગો મનમાં ઉઠતા અને એકલો એકલો ય ઝૂમી ઉઠતો.સતત એક યાદને મનમાં વાગોળ્યા કરતો સત્ય જેટલો અંદરથી જેટલો ભરેલો હતો એટલો એ બહારથી ખાલી થવા માંડ્યો. હવે એને ઘરની કે  બહારની દુનિયા કરતા પોતાની અંદર વસતી કિમની યાદોની દુનિયા વધુને વધુ પોતાની લાગવા માંડી હતી. મનોમન કેટલાય સંવાદો એ કિમ સાથે કરી લેતો.ક્યારેક એવુ બનતુ કે ઘરમાં બધાની વચ્ચે રહીને ય એ સતત પોતાની દુનિયામાં જ રાચતો રહેતો . આવા સમયે એની નજર સતત જાણે ક્યાંક અગોચરમાં કશુંક શોધતી હોય એમ બીજે જ ખોડાયેલી રહેતી . પૂજાએ પુછેલા સવાલો પણ કાનથી મગજ સુધી પહોંચતા ન હોય એવુ તો પૂજાને ય લાગવા માંડ્યુ હતુ. પૂજા પોતાની સામે જોઇ રહી છે એવો એહસાસ થતા એ પૂજાનો કોઇ ગુનો કરી રહ્યો હોય એમ પૂજા સામે નજર ચોરતો થઈ ગયો હતો.

સત્યના આ મનોવ્યાપારો કે આ બેકરારીથી પૂજા હજુ ય અજાણ હતી પણ સત્યના આ મનોવ્યાપારોથી એની બેકરારીથી હવે કિમ તો જાણે પરિચિત થવા માંડી હતી. સીધે સીધા ન કહેવાયેલા શબ્દો કરતાં ય સત્યનુ મૌન વધુ બોલકુ બન્યુ હતુ. કિમ તરફ ઉઠતી નજરોના ભાવ હવે કિમથી પણ અજાણ્યા નહોતા રહ્યા. કિમની હાજરીથી  માત્ર ઝંકૃત થઈ ઉઠતા સત્યના હ્રદયના ભાવોના આંદોલન કિમને ય આંદોલિત કરી મુકતા.અને તેમ છતાં સત્ય અને કિમ એક અંતર જાળવી રાખ્યુ હતુ.

એ અંતર પણ કદાચ જળવાઇ રહ્યુ હોત જો એ દિવસે કિમને સત્ય સાથે ન્યુયોર્ક ઓન્કોલોજીની કોન્ફરન્સમાં જવાનુ ન થયુ હોત તો.

ન્યુયોર્કની એ ત્રણ દિવસની કોન્ફરન્સ દરમ્યાન સત્ય અને કિમ વચ્ચે રહ્યુ સહ્યુ અંતર પણ ઓગળી ગયુ. સામાન્ય રીતે કોન્ફરન્સ સાંજના  ડિનર સુધી લંબાતી.  પણ એ દિવસે કિમને જરા બેચેની જેવુ લાગતા એ સહેજ વહેલી નિકળી ગઈ. પ્રોટોકોલ પ્રમાણે સત્ય તો કોન્ફરન્સ છોડીને નિકળી શકે એમ નહોતો પણ દિવસના અંતે એ મેરિયેટ પહોંચ્યો ત્યારે પોતાના રૂમ પર જતા પહેલા કિમને જોઇ લેવા એના રૂમના ડૉર પર દસ્તક દીધા. કોન્ફરન્સમાંથી આવીને કિમ ફોર્મલ ડ્રેસ બદલીને એક્દમ કેઝ્યુલ હલકા ફુલકા ગાઉનમાં બેઠી હતા. આ પહેલા સત્યે એને ક્યારેય ફોર્મલ ડ્રેસ સિવાય જોઇ જ નહોતી. અત્યારે નજર સામે કિમનેઆ નવા જ અંદાજમાં જોઇને સત્યનુ હ્રદય એક ધડકારો ચુકી ગયુ . બે ઘડી દરવાજા પાસે જ ખોડાયેલા સત્યને એ અહીં કેમ આવ્યો છે એ ય યાદ ન આવ્યુ.

“Sorry sir, i was feeling little uncomfortable so left the conference .I am extremely sorry sir.”

કિમે અત્યંત સંકોચ સાથે સત્યની માફી માંગી ત્યારે તો સત્યને યાદ આવ્યુ કે ઓહ એ અહીં  કિમની નાદુરસ્તીનુ કારણ જાણવા આવ્યો હતો. સાધારણ એસીડીટીના લીધે કિમને ક્યારેક સહેજ માઇગ્રેનની અસર થતી . આજે પણ એમ બન્યુ  હોવાથી એ પાછી આવી ગઈ હતી પણ આવીને એણે દવા લઇ લીધી છે એટલે હવે એ બરાબર હતી એમ એણે જણાવીને સત્યને બેસવા વિવેક કર્યો. આમ પણ કોન્ફરન્સ બાદ સાંજે ખાસ કંઇ ન કરવાનુ હોવાથી સત્યને એની સામે વાંધો ય નહોતો. અથવા તો એ કદાચ મનોમન કિમનો સહવાસ ઝંખતો ય હતો.

ક્લિનિકમાં સતત હસતી હસાવતી , સતત બોલતી રહેતી કિમ અત્યારે સાવ જ ચુપ હતી. એની આ ચુપકિદી સત્ય માટે સાવ જ નવી હતી. કિમના ચહેરા પરની લાલાશ જોઇને એણે ઉભા થઈને કિમના કપાળે સ્પર્શ કરી જોયો , કદાચ ફિવર હોઇ શકે. પણ ના ! ફિવર નહોતો પણ એનુ આમ સ્પર્શવુ કિમને ગમ્યુ. કિમના મનમાં આ ઘડી થોડી લંબાય એવી અદમ્ય ઝંખના ઉઠી અને અનાયાસે એનાથી પોતાના કપાળે મુકાયેલા સત્યના હાથ પર હાથ મુકાઇ ગયો. આજ સુધી મનમાં જ દબાયેલી રહેલી
ઝંખનાઓનો આમ પ્રતિસાદ મળતા સત્યની આજ સુધી દબાયેલી લાગણીઓ પૂરની જેમ ઉમટી.ઘુઘવતા સાગરની જેમ સત્ય હિલોળે ચઢ્યો.

સત્યના પૂજા સાથેના લગ્ન જીવનમાં કોઇ અભાવ હતો એવુ ય નહોતુ. કોઇ જાતના સુખ માટે એને વલખા મારવા પડ્યા હોય એવુ ય નહોતુ. પણ કિમના સ્પર્શ થકી એક અદમ્ય ભૂખ ઉઘડી હોય , એક અજબ જેવી તરસ જાગી હોય એવુ કેમ લાગતુ હતુ? કિમ પણ એના એ પૌરૂષી સ્પર્શથી વશીભૂત થતી હોય એમ પોતાની જાતને સત્યમાં ઓગાળી દેવા એને અનુસરી રહી. મેરિયેટની એ ચાર દિવાલો વચ્ચે સત્ય અને કિમ વચ્ચેનુ રહ્યુ સહ્યુ અંતર પણ ઓગળી ગયુ.

અંતર તો ઓગળી ગયુ પણ બંનેના તન-મન પર જે ઉન્માદનુ આવરણ છવાઇ ગયુ અને એ ઉન્માદની પળોને વારંવાર માણવાની , સંતોષવાની જરૂરિયાતો વધતી ગઈ. અને દરેક કોન્ફરન્સમાં કિમની હાજરી આવશ્યક અને આવકારદાયક બનતી ગઇ.

ફરી એક વાર કોલારાડોની  કોન્ફરન્સની એ સાંજે મેરિયેટની બાલ્કનીની બહાર નજર ખોડીને બેઠેલા સત્યની નજર સામે આ સમગ્ર વર્ષો ફિલ્મની રીલની માફક સરી ગયા. શરૂઆતમાં તો  કિમ સાથે હોય ત્યારે બધુ જ ભુલી જતા સત્યના મનમાં  ક્યાંય કોઇ અછડતીય અપરાધભાવના ઉઠતી સુધ્ધા નહી. પૂજા સાથે હોય ત્યારે ય  નહીં. પૂજાની હાજરી મંદિરમાં રહેલી પૂજ્ય પણ નિષ્પ્રાણ મૂર્તિ સમી લાગતી તો કિમ એક મદિરાલય હતી જ્યાં એની હાજરીનો માદક નશો કેફ બની ને સત્યના દિલોદિમાગને તરબતર કરી મુકતો.

અને એક દિવસ કિમે સત્યને એમના સહવાસની ફલશ્રુતિ સમા એની પ્રેગનન્સીના સમાચાર આપ્યા. સત્ય તો એક્દમ ખુશ.

“કિમ , ખબર છે મને એક દિકરી જોઇએ છે. વિશ્વાસ છે મારુ આ સપનુ તું સાકાર કરીશ. લેટ’સ ગેટ મેરિડ .મારી દિકરી ને લિગલી બધા જ હક મળવા જોઇએ. પ્રેમ કર્યો છે મેં તને, આ  કોઇ માત્ર શારીરિક વ્યવહાર નહોતો મારી અને તારી વચ્ચે એવો  વિશ્વાસ તને પણ અપાવવો છે.”

અને સાચે જ સત્યે કિમ સાથે રજીસ્ટર મેરેજ કરી લીધા. સત્યે લગ્નનુ સર્ટીફિકેટ હાથમાં મુકીને  કિમના એની સાથેના સબંધની યોગ્યતાનો વિશ્વનિય પૂરાવો આપી દીધો પણ સત્યનો વિશ્વાસ સાચો ન ઠર્યો. સત્યની દિકરી માટેનુ સપનુ કિમ સાકાર ન કરી શકી. એક વાર નહી બીજી વાર પણ એ સત્યને દિકરી ન જ આપી શકી.

દિવસો અને એ પછી વર્ષો વિતતા ગયા. જીવન જીવાતુ રહ્યુ.  પૂજાની જાણ બહાર પૂજા અને કિમ વચ્ચે સત્ય વહેંચાતો રહ્યો.  હવે એટલો ફરક પડ્યો કે સત્યના કોઇ કોઇ વારના નિસ્પૃહી વર્તાવને પૂજા નિરપેક્ષતાથી ઝેલતી રહી  કોઇ અંદેશા વગર, કોઇ સવાલ વગર.અને પૂજાના આ અનેપેક્ષિત વર્તનના કારણે સત્ય ધીમેધીમે અંતરથી એક બાજુ આશ્વત થતો ગયો તો બીજી બાજુ થોડો અથરો ય થવા માંડ્યો. સત્યને થતુ કે કોઇવાર તો પૂજા એને ઝંઝોડી નાખે , એને હચમચાવીને હકિકત જાણી લે. પણ ના ! પૂજાના મનમાં તો ક્યારેય સત્યના બદલાયેલા વર્તન કે વ્યવહાર માટે એના વ્યવસાયની વ્યસ્તતા સિવાય બીજો વિચાર સુધ્ધા ના આવ્યો. પૂજાના આ વિશ્વાસ પર જ સત્ય વારી જતો અને પૂજા પર અનરાધાર વરસી ય પડતો. પૂજા સાથે જરૂર કરતાય વધુ નરમીથી પેશ આવતો. પૂજાની જરૂરિયાતો પર જરૂર કરતા પણ વધુ ધ્યાન આપતો. કિમની હાજરી ન હોય  ત્યારે ક્લિનિક પરથી પૂજાને ફોન કરીને બસ એમ જ વાત કરતો થયો  ત્યારે ઘેર આવ્યા પછી પૂજા જ પોતાનુ ફોકસ છે એવી પ્રતિતિ કરાવવાની એક તક ન છોડતો. પૂજાના ગમા-અણગમા જ જીવનનુ ધ્યેય છે એમ દર્શાવવા સતત પ્રયત્નશીલ રહેતો. પૂજાને ગમતી દરેક  પ્રવૃત્તિમાં પૂજાને સાથ આપતો થયો. પૂજાને આ નવા સત્ય તરફ  કે એના બદલાયેલા અંદાજ તરફ પણ ક્યારેય કોઇ અંદેશો ન જ આવ્યો.

“પૂજા , આ વીક એન્ડ શ્રેયા ઘોષાલ નાઇટ છે, આપણી ટીકીટો આવી ગઈ છે.”

“પૂજા , આ વખતે દિવાળીમાં બા-બાપુજી ને લઈને દર્શન કરવા જવુ જ છે . એ દિવસની તારી એપોઇન્ટ્મેન્ટ ચેક કરી લેજે અથવા તો ઇમર્જન્સી કોલ બીજા કોઇને સોંપી દેજે.

“પૂ…………જા , જલદી આવ ,કલ હો ના હો છે ટી વી પર , તારે જોવુ હતુ ને?

પૂજા , પૂજા ,પૂજા …………

પૂજાનુ નાની નાની વાત પર એ કેટલુ ધ્યાન આપે છે એ દર્શાવવાની એક તક છોડતો નહોતો. ક્યારેક પૂજાને અમસ્તી ય શાંત જોતો તો એનુ હ્રદય એક થડકારો ચુકી જતુ. પૂજાને કિમ અંગે કંઇ જાણ તો નહી થઈ હોય ને? જો કે એના અને કિમના સંબંધી આછો પાતળો ય ધુમાડો પૂજા સુધી ન પહોંચે એવી રીતે એ આગને હવાથી દૂર રાખી હતી. પણ તેમ છતાંય પૂજાની કોઇવારની ચુપકીદીકી ય એને વસમી લાગતી. એક ગિલ્ટથી એનુ મન ભરાઇ જતુ.

લગ્નના ૨૫ વર્ષની પાર્ટી ,અલાસ્કાની ટ્રીપ પણ પૂજાને ખુશ કરવા કરતા પોતાના મનના અપરાધભાવને ઓછો કરવા તો નહોતી કરી ને? મનમાં આવો વિચાર કેમ આવ્યો? ખરેખર એવુ જ હતું? હા ! આમ તો એવુ જ હતુ ને? હવે એ પોતાને પૂજાના ગુનેગારની દ્ર્ષ્ટિએ જોતો થયો હતો એટલે બને ત્યાં સુધી પોતાના મનનો ભાર પોતાની જ રીતે ઓછો કરવા મથતો ગયો.  પણ મનના એ ગિલ્ટ સાથે ય એ કિમ તરફ વધુ ન વધુ ખેંચાતો ગયો.

સત્યને કિમ સાથે અનાયાસે ગાળેલી એ પળ યાદ હતી એટલી જ તિવ્રતાથી એ પળ પણ યાદ હતી જ્યારે કોલારાડોની કોફરન્સના બીજા દિવસે એ ઘેર પહોંચ્યો હતો.  બા-બાપુજી એમના સિનિયર સીટીઝન સેન્ટરની કોઇ પિકનીક પર જવા નિકળી ગયા હતા. પૂજા એકલી જ હતી. એમના બેકયાર્ડના ગઝીબોની લવ સીટ પર ઉંધી ફરીને બેઠેલી હતી. આખો દિવસ પૂજાએ બસ આમ જ પસાર કર્યો હતો એની એને ક્યાં ખબર હતી? . ચેતના વિહોણા તનને લઈને પૂજાએ ઘરના થોડા ઘણા કામ પતાવ્યા હતા. સત્ય માટે ડીનર બનાવ્યુ હતુ અને અત્યારે ફરી એ બહાર જઈને એનાએ ગઝીબો સીટ પર જઈને બેઠી હતી.  સત્યે પાછળથી આવીને એને આલિંગનમાં લીધી. પૂજા સત્ય તરફ ફરવાના બદલે એમ જ ઉંધી બેસી રહી.સત્યના આગમનની કોઇ નોંધ લીધા વગર એ સાવ જ શાંત બેસી રહી. સત્યે હળવેથી અને જરા વ્હાલથી એને પોતાના તરફ ફેરવી. પણ સત્યનો હાથ છોડાવીને એ કિચનમાં જતી રહી. ડીનર ટેબલ તૈયાર કરીને જમવાનુ પિરસ્યુ. આ બધુ કરવાની સાથે  પણ પૂજા ઉદાસ હતી, એના ચહેરા પર કાલિમા કેમ છવાયેલી હતી? હમણાં હમણાંના બદલાયેલા સત્યે પૂજાને જરા વધારે પડ્તા ઉમળકાથી બોલાવી. પણ પૂજા હજુ ય શાંત હતી. એનો ચહેરો રડી રડીને લાલઘુમ  બની ગયો હતો.આંખોના પોપચા સુજીને ભારે થઈ ગયા હતા.

બંને જણા ડિનર ટેબલ પર બેઠા હતા. આમ તો પૂજા સવાલ ખૂબ પૂછતી પણ આજે તેને શાંત જોઈ સત્ય બોલ્યો ,’મેમસાહેબ કેમ આજે મુડમાં નથી ?’ પૂજા માત્ર હસી. સત્યને ખરેખર નવાઈ લાગી. ઉઠીને  ફરી એક આલિંગન આપી બોલ્યો ‘શું વાત છે પૂજા? ‘

પૂજાએ સત્યના હાથમાં પેલી કાપલી થમાવી દીધી. KIM KAAMI KOMLANGI KAAYAAL. કિમ કામી કોમલાંગી કાયલ……….

Advertisements
This entry was posted in ઉગી પ્રીત આથમણે કોર. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s