સંસ્કાર – (૧૧)-હેમાબહેન પટેલ

 

રાજેન્દ્ર ! આ નામ સાથે રાજેન્દ્રએ પોતાની ઈન્દ્રિયો ઉપર રાજ તો ન કર્યું પરંતુ, ઈન્દ્રિયોએ તેના પર રાજ કરીને તેને એક્દમ બધીજ રીતે કંગાલ કરી દીધો, અને અધોગતીના માર્ગ પર પહોંચી ગયો. ઈન્દ્રિયોએ તેને બહુજ નાચ નચાવ્યો. અને જીવનના એવા વણાંકેલાવીને ઉભો રહ્યો જ્યાં તેની પાસે કોઈ દીશા નથી, કોઈ રસ્તો નથી.કોઈ સાથ નથી. જીવનમાં સાવ એકલો થઈ ગયો છે.ન સાથી, ન સંગી,બસ હવે ઈશ્વરનો સહારો લેવાનો છે, ઈશ્વરનો આશરો છે.તેના પ્રારબ્ધે તેને મંદિરમાં લાવીને મુકી દીધો.અને હવે ફકીર,બાવાની જેમ મંદિરમાં રહેવાનો વારો આવ્યો છે.તેની મજબુરીથી મંદિરમાં પનાહ લીધી છે,પરંતું આ એવી જગ્યાએ આવી પહોંચ્યો છે,જ્યાં જો તે ધારે તો તેની કાયા પલટ થઈ શકે અને જીવન સુધરી જાય અને બદલાઈ પણ શકે. રાજેન્દ્રને તેના પસ્તાવાને લીધે જીવન બદલાઈ તો રહ્યું જ છે. અને ઈશ્વરની શરણમાં આવ્યો છે. એટલે ચોક્ક્સ સારું થવાનું જ છે. ઈશ્વરે આપણને માયાના બંધનમાં બાંધ્યા છે. અને ઈશ્વર આપણને આ માયાથી જ,માયાના ખેલમાં નાખે છે.આપણે કઠપુતલી સમાન છીએ અને દોર તેના હાથમાં છે.તેની આ રમતમાં આપણું કંઈ ચાલતું નથી.“આતો રમત રમાડે રામ” આજે રાજા તો કાલે રંક,ઘડીમાં શાહુકાર,તો ઘડીમાં ફકીર-બાવો. સમયનુ ચક્ર તો ચાલતું રહે છે.અને કોઈનો સમય એક સરખો નથી રહેતો.આજે સુખ તો કાલે દુખ છે. કર્મના લેખા ક્યારેય મીટતા નથી. પ્રારબ્ધમાં જે લખ્યું છે તે થઈને રહે છે. અને દરેકે તે ભોગવવાનુ છે.પ્રારબ્ધને કોઈ ટાળી ના શકે.રાજેન્દ્રની જીંદગીમાં આજે રાત છે, કાલે  અવશ્ય સવાર થવાની જ છે.સવાર થશે એટલે અજવાળુ થવાનું છે. અને તેના જીવનમાંથી દુખ રૂપી અંધકાર નક્કી દુર થવાનો છે.જોવાનુ એ છે, વિપત્તિમાં તે કેટલો સમતુલ રહી શકે છે.

મંદિરમાં, વિદ્યાનંદસ્વામિજીએ રાજેન્દ્રને એક રૂમ રહેવા માટે આપી છે.ત્યાં રહે છે રાજેન્દ્ર દરરોજ સવારે વહેલો ઉઠીને ધ્યાનમાં બેસી જાય છે. પુજા-પાઠ, મંત્ર જાપ કરે છે.પ્રભુ ભક્તિમાં મન પરોવ્યું છે,તેનાથી તેને શાંતિ પણ મળે છે.મંદિરમાં સેવા કાર્યો પણ કરે છે.મંદિરની સાફ-સફાઈ જાતે જ કરે છે.પાણીના માટલા ધોઈ નાખીને તાજુ પાણી ભરવુ, સ્વામીજીના કપડાં ધોવાનો પોતે આગ્રહ રાખે છે.ઠાકોરજીના હાર અને પુજાના ફુલ અને તુલસી, બગીચામાંથી તોડી લાવીને સાફ કરીને હાર તૈયાર કરે છે.પુજાના વાસણો સાફ કરે છે. તિલક ચંદન જાતે જ ઘસીને તૈયાર કરે છે.આરતી, દીપ, દીવેટો બનાવીને,ઘી મુકી તૈયાર કરીને રાખે છે. ધુપ-અગરબત્તી વગેરે પુજાની દરેક સામગ્રી જાતે તૈયાર કરે છે.આ બધા કામો કરવામાં તેને એક અનોખા આનંદની પ્રતિતી થાય છે.અને સ્વામિજી તેના જીવનની વેદના સારી રીતે સમજે છે, એટલે તેને કોઈ પણ કાર્ય માટે ના નથી કહેતા. તેને જે કામ કરવાની ઈચ્છા થાય તે બધા કામો કરવાની પરવાનગી આપે છે.રસોઈ ઘરમાં રસોઈ બનતી હોય ત્યારે શાક્ભાજી ધોઈને,શાક સુધારીને તૈયાર કરીને આપે છે અને તેને આ કાર્યમાં આનંદ મળે છે. દરેક કાર્ય તે  વિદ્યાનંદસ્વામિજીને પુછીને તેમની સલાહ સુચન મુજબ તેમની આજ્ઞા લઈને કરે છે.દરોજ સૌ પ્રથમ તે વિદ્યાનંદસ્વામિજીને પગે લાગે છે.રાજેન્દ્રને મન વિદ્યાનંદસ્વામિજી ભગવાન સમાન છે, જેમણે એક ડુબતાનો હાથ પક્ડ્યો છે.દુખમાંથી ઉગારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. દુખમાં સાથ આપ્યો છે.વિદ્યાનંદસ્વામિજી રાજેન્દ્રને મનુષ્યમાંથી માનવ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે.મંદિરનુ વાતાવરણ જ એવું છે જ્યાં દરોજ આરતી,પુજા અર્ચના થાય છે.ભજન, સત્સંગ,વાર-તહેવારોની ધામ ધુમથી ભક્તિભાવ સાથે ઉજવણી થાય છે.સાથે સાથે ભરપુર શ્રીંગારથી શોભતા, મોઢા પર એક અલૌકિક સ્મિત અને અમી નજરથી ભક્તોને નીહાળતા ઠાકોરજી અને રાધા-ક્રિષ્ણ. આ દર્શન માત્રથી જીવન ધન્ય બની જાય. અને જાણે એક ઝાંખી માત્રથી જન્મો-જન્મના બધાજ પાપો બળી જાય છે. અને મન પવિત્ર થઈ જાય છે.મંદિરમાં રામાયણ અને ભાગવત કથા પારાયણ પણ ચાલતા હોય છે, અને રાજેન્દ્ર દરેક કથા પ્રવચન ભક્તિભાવ અને પુરી એકાગ્રતાથી મન લગાડીને શ્રધ્ધાથી સાંભળે છે. અને પોતાને ભાગ્યશાળી માને છે, કે જીવનનો આ કેટલો સુંદર પડાવ છે, જ્યાં જીવન અને આત્માના ઉધ્ધારની એક સુવર્ણ તક મળી છે. આ તક તો આગલા જનમનુ ભાથુ બાંધવાનો સમય છે. અને રાજેન્દ્ર આ તકનો પ્રેમ અને શ્રધ્ધાથી તેનો લાભ ઉઠાવી રહ્યો છે.રાજેન્દ્ર મનમાં વિચારે છે, મેં ખરાબ કાર્યો કર્યાં છે, તો પ્રભુએ મને સારા કાર્યો કરવાનો પણ મોકો આપ્યો.ભવિષ્યમાં જે બનવાનુ હોય તેની પુર્વભુમિકા પહેલેથી જ ભુતકાળમાં રચાઈ જાય છે. મારા જીવનમાં મારે માટે આ સુવર્ણ કાળ આવવાનો હશે, એટલેજ ભગવાને મારી બુધ્ધિ ભ્રષ્ટ કરીને મને અમેરિકા જવાની લાલચ મારા મનમાં નાખી હતી.નહી તો હું અને નીરૂ એક સરખું જીવન જીવી રહ્યા હોત.અને મને આ સુવર્ણ તક ક્યાંથી સાંપડી હોત. આતો મારા ભાગ્યનો હવે ઉદય થયો છે એમ હું માનું છું.

રાજેન્દ્ર, મંદિરમાં દર્શન માટે આવતા-જતા દરેક ભક્તો, દરેક વ્યક્તિ સાથે સંપર્કમાં રહેતો અને બધા સાથે સારી રીતે વાત કરતો.મંદિરમાં પ્રસાદ વહેચવાનુ અને આરતી આપવાનુ કામ રાજેન્દ્રનુ હતું, ક્યારેક પ્રસાદ વહેચવાની સેવા પોતે કરતો હતો. તો ક્યારેક ભક્ત જનોને ભગવાનની આરતી આપે છે.અને આમ દરેક વ્યક્તિના સંપર્કમાં રહેતો હતો. મનમાં ઉંડે-ઉંડે એને એક જ આશા હતી ક્યાંયથી પણ તેને તેના પરિવારનુ સરનામુ મળી જાય અને પોતે પત્નિ અને દિકરાને જલ્દીથી મળી શકે.આમને આમ દિવસો અને મહિના પસાર થવા લાગ્યા છતાં પણ રાજેન્દ્રએ આશા નથી છોડી. તેને ખાત્રી છે, એક દિવસ તો સરનામુ ચોક્ક્સ મળશે અને હું મારા ઘરે પાછો જઈ શકીશ. વિદ્યાનંદસ્વામિજી રાજેન્દ્રને જીવનના સારા-સારા બોધ પાઠ ભણાવે છે અને તેને જ્ઞાન આપે છે.ધીરજ આપે છે. કહેછે તારો પ્રેમ સાચો હશે અને મનમાં સાચી લગન હશે તો તને તારો પરિવાર એક દિવસ ચોક્ક્સ મળશે જ. વિપત્તીના સમયે ધૈર્યની બહુજ જરુર છે. એટલે દુખમાં, શાંતિથી દુખનો સામનો કરવાનો અને હિંમત ક્યારેય નહી હારવાની.અને કોઈ પણ વાતમાં ઉતાવળુ પગલુ ક્યારેય નહી ભરવાનુ. ઈશ્વર જે પણ કરે છે, તેની પાછળ કોઈનો કોઈ સંકેત હોય છે. અને તે જે કરે તે સારું જ કરે છે. સ્વામિજીની વાણી સાંભળીને રાજેન્દ્રના દિલમાં ઠંડક પહોચે છે, અને મનને શાંતિ મળે છે. અત્યારે તો સ્વામિજીના મધુર વચનો તેના જીવવાનો સહારો બને છે.ને સ્વામિજી તેનો ઉત્સાહ વધારવા માટે અને નીરાશા દુર કરવા માટે વારંવાર શાંતિથી બોધ વચનો મધુર વાણીથી સમજાવે છે અને આ મધુર વાણીથી રાજેન્દ્રના બેજાન શરીરમાં જાણે પ્રાણ પુરાય છે. અને શરીર પુલકીત થઈ જાય છે. અને હોંશે-હોંશે કામે લાગી જાય છે.રાજેન્દ્રને ખાત્રી છે, સ્વામિજીએ કહ્યું હતું, હુ તારા પરિવારને શોધવામાં મદદ કરીશ. એટલે સ્વામિજીના આ વચનથી એને એક મોટી આશા હતી, મારો પરિવાર શોધીને રહેશે.રાજેન્દ્રની,તેના ગુરુ માટે દ્રઢ નીષ્ઠા હતી, ભરોસો હતો.ગુરુજીએ રાજેન્દ્રને બ્રમ્હ સબંધ આપીને કંઠી બાધી હતી. એટલે રાજેન્દ્ર પુરી શ્રધ્ધા અને લગનથી ગુરુજી આજ્ઞા માનતો હતો.અને ગુરુજીની સેવા કરતો હતો.અને એટલે તે મંદિરમાં ભગવાનની પણ સેવા કરવાનો અધિકારી બની શક્યો હતો. ગુરુજીએ રાજેન્દ્રને તેમના શરણમાં લઈને તેના ઉપર બહુ જ મોટો ઉપકાર કર્યો હતો.સ્વામિજીને ખબર પડી આ જીવ ભટકેલો છે, એટલે તેનો ઉધ્ધાર કરવા માટે તેને શરણમાં લઈ લીધો.જ્યાં ગુરુની,શિષ્ય ઉપર કૃપા દ્રષ્ટિ હોય પછી એ શિષ્યનો ઉધ્ધાર જ થવાનો છે.શિષ્યની ચિંતા ઓછી થાય છે અને ગુરુજીની જવાબદારી વધી જાય છે.

નીરૂ ડાકોરમાં અનુજ સાથે રહે છે, અને નોકરી કરેછે,તો સાથે સાથે અનુજની દેખભાળ,સંભાળ જતનથી કરી રહી છે.અનુજનો ઉછેર,તેનુ જીવન ઘડતર અને સંસ્કારોનુ સિંચન આ બધા જતન કરવામાં કોઈ કસર બાકી નથી રાખતી.અને ખાસ પિતાની ગેરહાજરીનાં દુખની છાયા પણ અનુજ પર નથી પડવા દેતી.આજુ-બાજુ પડોશીઓને પણ હમેશાં બનતી મદદ કરવા તત્પર હોય છે.અને મિલનસાર,મળતાવડા સ્વભાવના કારણે તે આજુ-બાજુ પડોશીમાં માનીતી થઈ ગઈ છે. અને બધા તેને માનથી દ્રષ્ટિથી જોવે છે.નીરૂ એક સંસ્કાર અને સહન શક્તિની મુરત છે. પતિનો વિયોગ, દિલમાં અસહ્ય દુખ હોવા છતાં પણ,દિલ પર પત્થર મુકીને, દુખ દબાવીને, હસતે મોઢે એકલી જીવન જીવી રહી છે.છતાં ક્યારેય હુંફ પણ નથી કરતી. હમેશાં પતિની સલામતી અને પતિ જ્યાં પણ હોય, ત્યાં તેની રક્ષા માટે હમેશાં પ્રાર્થના કરે છે. ‘ધન્ય છે તને ભારતીય નારી,ધન્ય છે તારા સંસ્કારોને, દુખનો પહાડ તુટી પડ્યો છે, છતાં પણ હસતે મોઢે જીવન સાથે જઝુમી રહી છે’. નીરૂને હ્રદય પર પથર મુકીને જીવવાનુ કેટલું બધું મુશ્કેલ છે.આ તો જેને વીતે તે જ જાણી શકે.

નીરૂ તેનુ દરોજનુ નિયમીત જીવન જીવી રહી છે.તેને હવે એક અજબની આનંદની લહેર મનમાં દોડી રહી એવું મહેસુસ થાય છે.કોઈ કારણ નથી છતાં પણ ખુશી છાઈ હોય એવું લાગે છે.તે જાણે હવામાં અધ્ધર ઉડી રહી હોય એવું લાગે છે. તેને ગાવાનુ મન થાય છે,નાચવાનું મન થાય છે.પોતાને સમજણ નથી પડતી આ શું થઈ રહ્યું છે. આજે અરિસા આગળ વાળ ઓળવા માટે બેઠી અને ખુશીની મારી સામે પોતાનુ પ્રતિબિંબ જોઈને, પોતાની જાત સાથેજ વાતો શરૂ કરી.”મને આટલી ખુશી અંદરથી કેમ થાય છે ? શું કંઈ શુભ થવાનુ છે? ના,ના, મારા જેવી દુખીયાળીના નસીબમાં ક્યાંથી હોય?તો હું કેમ ખુશ છુ? જો શુભ થવાનુ હોય તો મારું શુભ તો મારા પતિ ! શું મારા પતિ પાછા આવશે? અરે નીરૂ, જો આવું થાય તો તારા મોઢામાં ઘી-સાકર”. વિચાર માત્રથી નીરૂનુ રોમ-રોમ ખીલી ઉઠ્યુ.અને હવે તેને સારા શુકન પણ થવા લાગ્યા અને તેને ખાત્રી થઈ ગઈ બહુજ જલ્દી તેના પતિ ઘરે પાછા આવશે. અને ઈન્તજારની ઘડીયા મજબત થવા લાગી.તેનો ઈન્તજાર વધી ગયો.

શ્રાવણ મહિનો છે અને હવે મંદિરમાં ભક્તોની ભીડ વધી.અને નિયમીત મંદિર નહી આવવા વાળા પણ આ પાવન માસમાં દર્શન માટે, ભગવાનના આશિર્વાદ લેવા માટે પોતાની મનો કામના પુર્ણ કરવા માટે ચોક્કસ મંદિર આવે છે.અને એક દિવસ મંદિરમાં રાજેન્દ્રના પડોશી અને તેના પિતાના મિત્ર, તેમની પત્નિ સાથે આવ્યા. અને સ્વામિજી અને રાજેન્દ્ર સાથે તેમનો ભેટો થયો. રાજેન્દ્રને કાકા-કાકીને મળીને ખુબજ આનંદ થયો. સ્વામિજી પણ આ લોકોને ઓળખતા હતા. ઘણી બધી વાતો થઈ અને કાકાએ વાત કરી, રાજેન્દ્ર તારા માતા-પિતાનો તો સ્વર્ગવાસ થયો છે.અને નીરૂ અનુજને લઈને ડાકોર રહેવા ગઈ છે.રાજેન્દ્રને માતા-પિતાના સ્વર્ગવાસના સમાચાર સાંભળીને બહુ જ દુખ થયું.જાણે તેના માથા ઉપર આસમાન તુટી પડ્યું. અને તે તેના અશ્રુ રોકી ના શક્યો. માતા-પિતાના અવસાનનુ કારણ પોતેજ છે. બોલીને ખુબ રડ્યો. સ્વામિજીએ પણ તેના દિલનુ દુખ છે, તે અશ્રુ વાટે વહી જવા દીધું, અને થોડી વાર પછી તેને સાનત્વન આપ્યું.

સ્વામિજી-“ જો બેટા, આ પૃથ્વી લોક પર જે કોઈ આવે છે, તેનુ મૃત્યુ અવશ્ય છે.આ ધરતી મૃત્યુ લોકના નામે જાણીતી છે,મૃત્યુ લોકથી ઓળખાય છે.એટલે,મૃત્યુને કોઈ રોકી ના શકે. હા ભગવાન કંઈને કંઈ નીમિત્ત બનાવે.તારા માતા-પિતાના સ્વર્ગવાસ માટે તું જવાબદાર છે એવું તને કોણે કહ્યું? એ લોકો જીવનનુ એટલું જ પ્રારબ્ધ લઈને આવ્યા હશે.તેમના ઈશ્વરે આપેલ સ્વાસ પુરા થયા અને તેમને જવાનો સમય આવ્યો એટલે તેઓ ચાલ્યા ગયા. કોઈના બોલવાથી કે કહેવાથી મૃત્યુ નથી આવતું.અને તારા માતા-પિતા તો અનંતની યાત્રાએ નીકળી પડ્યા છે. એટલે તેમની સદગતી માટે પ્રાર્થના કરવાની છે, રડવાનુ નથી ”.

સ્વામિજીની મધુર વાણી સાંળીને તેને થોડી શાંતિ થઈ અને, બીજી ક્ષણે નીરૂ માટે વિચારતાં તેનુ દુખ ગાયબ થઈ ગયું. અને મનમાં ખુશીની એક લહેર દોડી ગઈ.કાકા પાસેથી તેને નીરૂનુ ડાકોરનુ સરનામુ મળી ગયું. અને હવે સ્વામિજીની આજ્ઞા લઈને ડાકોર જવાનુ નક્કી કર્યું.પુનમ નજીક છે અને ડાકોરમાં,રણછોડરાયજીના દર્શન માટે સંઘ પદપાળા હમેશાં જાય છે.લોકો આણંદથી ડાકોર ચાલતા પુનમ ભરવા માટે જાય છે. અને રાજેન્દ્રએ નક્કી કર્યું નીરૂ અને અનુજ માટે હું પ્રભુ સ્મરણ અને સત્સંગ કરતાં કરતાં હુ ચાલતો જ ડાકોર જઈશ. અને રણછોડરાયજીની કૃપા મારી પર અવશ્ય થશે.ઈશ્વર તો દયાળુ જ છે.આપણે જ તેની દયા, તેની કૃપા, ક્યાં અને ક્યારે થાય છે તે નથી સમજી શકતા.અને જ્યારે દુખ આવે ત્યારે ઈશ્વરને જવાબદાર માનીને તેની પાસે જવાબ માગીએ છીએ.પરંતું પામર મનુષ્ય એ નથી સમજી શકતો, આ પોતાના જ કર્મો ભોગવી રહ્યો છે. પ્રભુ તો દુખ સહન કરવાનુ બળ આપે છે, થોડી રાહત આપે છે.અને હવે જે દિવસની ઘડીઓ ગણાતી હતી તે પુનમનો પાવન દિવસ આવી ગયો. ભક્તો આગલા દિવસની રાત્રેજ નીકળી પડે છે, તો વળી કોઈ વહેલી સવારે મળશ્કે નીકળી પડે અને ભજન-કિર્તન કરતાં, ‘જય રણછોડ’ના નાદ, ‘ડાકોરમાં કોણ છે? રાજા રણછોડ છે’, ‘રાજા રણછોડકી જય’ના નાદથી પુરુ વાતાવરણ ગુંજી ઉઠે છે અને સારી સૃષ્ઠી જાણે ભક્તિમય બની લીન થઈ જાય છે. અને ભક્તિમય આ પાવન પ્રવાહ સાથે ભક્તિરસમાં ડુબકાં મારતો, રાજેન્દ્ર, પવિત્ર-પાવન ડાકોર ધામમાં પેહોંચી ગયો. રાજેન્દ્રને,આજે ડાકોર સ્વર્ગ સમાન ભાસે છે.

Advertisements
This entry was posted in સંસ્કાર. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s