સંસ્કાર (૮) હેમાબહેન પટેલ

સંસ્કાર – ૮

રાજેન્દ્રની દશા ધોબીના કૂતરા જેવી હતી ન ઘરનો ન ઘાટનો.ડોલરના મોહમાં ઉતાવળુ પગલુ ભર્યું અને તે પણ કોઈની સલાહ-સુચન લીધા વીના,કોઈ પણ જાતની તપાસ કર્યા વીના અમેરિકા આવી ગયો અને ડોલીના રચેલા ચક્રવ્યુહમાં ફસાઈ ગયો અને હવે આમાંથી બહાર કેવી રીતે નીકળવું ?આ એક મોટો સવાલ છે.પોતે કામ જ એવું કર્યું છે કોની પાસે સવાલનો જવાબ શોધે.ડોલી અને ડીકીન્સનુ વર્તન જોઈને હવે આ લોકો સાથે અનુજ અને નીરૂની સરખામણી કરે છે અને સમજાય છે, મારી ગુણીયલ પત્નિને હું સમજી ના શક્યો અને તેના સંસ્કારને, તેનો પતિવ્રતા ધર્મ, અને તેણે જે મારી સેવા કરી હતી તેને હું હમેશાં બાઘી, આવડત વીનાની કહીને હું તેનુ અપમાન કરતો હતો અને તે પણ સામો જવાબ આપ્યા વીના મુંગા મોઢે સહી લેતી. અને હું પણ કેવો મુરખ દુધમાં પોરા શોધતો હતો, મારી અક્કલ ઘાસ ચરવા ગઈ હતી, ઘરમાં સાચો હિરો હતો અને ખોટો હિરો જોઈને અંજાઈ ગયો અને તેની પાછળ દોડીને ખબર પડી જેને સાચો ચમકતો હિરો સમજ્યો એતો કાચનો ટુકડો નીકળ્યો.સાચો હિરો તો ભારતમાં મારા ઘરમાં જ છે, મેં એની કદર ના કરી. હવે શું ?जब चिडीया चुभ गઈ दाना !મોડું-મોડું ભાન આવ્યુ. લાલચ એવી બલા છે, માણસને શું ન કરાવે.લાલચમાં માણસ આંધળુ થઈ જાય છે, જ્યારે ભાન આવે છે ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે.

રાજેન્દ્ર દરોજ વિચારે છે, ડોલીના ચંગુલમાંથી નીકળવાનો રસ્તો શેધવો જ પડશે.ડોલીએ રાજેન્દ્રને બહાર નીકળવા માટે એક પણ બારી ખુલ્લી નથી રાખી.વીવશ છે પણ કરે શું? પોતાની કરની પર પસ્તાઈ રહ્યો છે,ક્યાં મારો સુખી સંસાર અને ક્યાં આ ગુલામી.

નીરૂની અવદશા પણ દયાજનક છે, એનો તો કોઈ વાંક ગુનો પણ નથી,કોઈ વાંક ગુના વીના સજા ભોગવી રેહી છે.પતિ વીના જીંદગી, પતિ વીના જીવન એ વિચાર માત્રથી નીરૂ ધ્રુજી ઉઠે છે. નીરૂ વિચારી રહી છે શું હું મારું પ્રારબ્ધ ભોગવી રહી છું ?મારા જીવનમાં ભગવાને પતિનો વિયોગ લખ્યો હશે તે હું ભોગવી રહી છું મારાથી એવો શું ગુનો થઈ ગયો તો રાજેન્દ્ર મને છોડીને ચાલ્યો ગયો તેણે કોઈ વાત કરી હોત તો કોઈ રસ્તો પણ શોધી શકાત. હે ભગવાન મારો પતિ જ્યાં પણ હોય તેની સંભાળ રાખજો, તેની રક્ષા કરજો.મારા પતિ સાથે મેં જન્મો જન્મના બંધન બાધ્યા છે, તેમના ચાલ્યા જવાથી મારા સંબધ થોડા તુટવાના છે તેતો અતુટ છે અને મને આશા છે એક દિવસ જરૂર પાછા ફરશે, મારી પાસે આવશે. ભગવાનને ઘેર દેર છે અંધેર નથી. મેં મારા પતિને સાચા દિલથી પ્રેમ કર્યો છે.

” હંસા પ્રીતિ ક્યાંયની? વિપત પડે ઉડી જાય,

સાચી પ્રીત શેવાળની, જલ ભેગી સુકાય ”.

નીરૂ બસ એકજ આશામાં જીવી રહી છે, રાજેન્દ્ર એક દિવસ ચોક્કસ પાછો આવશે.તેને ખબર છે જ્યારે બધા દરવાજા બંધ થઈ જાય ત્યારે ભગવાનનો દરવાજો ખટખટાવવાનો, ભગવાનના દ્વાર તેમના ભક્તો માટે ચોવીસ કલાક ખુલ્લા હોય છે. ઘરમાં શીર્ડી સાઈબાબા અને જલાબાપાની ભક્તિ થાય છે એટલે એને ખબર છે બંનેની કૃપા બની રહેશે. એટલે એણે નક્કી કર્યું હું ભગવાનનો સહારો લઈશ, અને તેણે મંત્ર જાપ-તપ ચાલુ કરી દીધા અને ગુરુવારનુ વ્રત પણ ચાલુ કર્યું અને નિત્ય નિયમ કર્યો દરોજ રાત્રે સુતા પહેલાં અનુજ સાથે પ્રાર્થના કરીને સુઈ જવાનુ અને અનુજને પણ પ્રાર્થના શીખવાડી દીધી.

પ્રથમ નમીએ અમે સાઈબાબા,પુરજો હૈયામાં હામ

કહે ભક્તો ઈષ્ટદેવ પ્યારા લઈએ સદા તમારા નામ

સાઈબાબા સદબુધ્ધિ આપજો, રટવા તમારું નામ

કહે ભક્તો વંદન કરીએ, હરજો વિઘ્ન તમામ.

નીરૂએ ભક્તિમાં મન પરોવ્યું અને તેને લીધે તેની નૈતીક હિંમત પણ વધી અને તેણે નક્કી કર્યું હુ અને અનુજ કોઈના માથે બોજ નહી બનીએ અને હું અનુજને સારી રીતે ઉછેરીશ. તેની પરવરીશમાં કોઈ કમી નહી  રાખું.મારા દિકરાને ભણતરની સાથે સાથે જીવન જીવવાના પાઠ પણ ભણાવીશ એટલે જીવનમાં કોઈ પણ જગ્યાએ, ગમે તેવા સંજોગો આવે પાછો ના પડે.

રાજેન્દ્રેના માતા-પિતા રાજેન્દ્રએ તેમને જે દુખ આપ્યું હતું અને સમાજમાં જે બદનામ કર્યા હતા તેને લીધે તેમના દિલ ઉપર બહુજ મોટો આઘાત લાગ્યો હતો અને તેને કારણે બંનેની તબીયત બગડી હતી અને દુખનો ભાર વધતાં, ઘડપણને લીધે તેનો ભાર સહન ન કરી શક્યાં દિકરાના કુકર્મને લીધે અને દિકરાની વિદાઈને લીધે દરોજ વીલાપ કરતાં,અને તેઓએ કાયમ માટે આ દુનિયામાંથી અલવિદા કરી દીધી. હવે નીરૂ સાવ અસહાય,નીરાધાર બની ગઈ તેને તેના સાસુ રેણુકાબેનનો બહુજ સાથ હતો તેમના શીતળ વચનોથી તેનુ અડધું દુખ ઓછું થઈ જતું હવે કોણ હેત ભર્યો હાથ માથે ફેરવશે? સાસુ-સસરા, માતા-પિતાની ગરજ સારતા હતા.અને હવે તેણે કોઈ કામ-કાજ, નોકરી કરવાનો વિચાર કર્યો  તેણે એક વાત બરાબર સમજી લીધી હતી જીંદગીની લડાઈ તેણે જાતે જ લડવાની છે, અને જે દુખ આવ્યું છે તેનો સામનો તો કરવાનો છે અને પરિસ્થિતીનો સામનો કરીને તેમાંથી બહાર નીકળવાનો રસ્તો કાઢવો પડશે. આમ રડીને બેસી નહી રહેવાય. જીવનમાં સુખ-દુખ આવે અને જાય.આજે દુખ છે તો કાલે ચોક્ક્સ સુખ આવવાનુ જ છે. તેને નરસિંહમહેતાનુ ભજન યાદ આવી ગયુ.

સુખ-દુખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં

ટાળ્યા તે કોઈના નવ ટળે રે , રઘુનાથના જડિયાં.

નીરૂની હિંમત વધી ગઈ અને પોતાના દિકરા અનુજની માટે હવે તેણે ચોક્ક્સ કોઈ નિર્ણય લેવોજ પડશે, અનુજની ખાતીર તેણે તેનુ મનબળ વધારવું પડશે. અનુજને માતા-પિતા બંનેનો પ્રેમ આપવાનો છે.નીરૂ મનમાં વિચારે છે, અને એક જીવન મંત્રની મનમાં ગાંઠ વાળી.

‘વિપત પડે ના વલખીએ,વલખે વિપત ના જાય

વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપતને ખાય ’.

વિપતીમાંથી માર્ગ કાઢ્યો અને ડાકોર જવાનુ નક્કી કર્યું અને ત્યાં આગળ તેની કોલેજની સહેલી રહેતી હતી, તેણે અને તેના પતિએ નીરૂને ઘણીજ મદદ કરી અને તેઓની બાજુમાં જ સારૂ ઘર શોધી આપ્યું.નીરૂની સહેલી સ્કુલમાં નોકરી કરતી હતી એટલે નીરૂ માટે ટ્યુશન શોધી આપીશ એમ વચન આપ્યું.પરંતું બેસી રહેવાય નહી ગુજરાન કેવી રીતે ચાલે એટલે તેણે એક રેસ્ટોરન્ટમાં રસોઈ બનાવવાની નોકરી ચાલુ કરી અને વિચાર્યું ટ્યુશન મળશે પછીથી આ નોકરી છોડી દઈશ.મનમાં ઘણા બધા વિચારો અને જીવનની વ્યવસ્થા ચાલી રહી છે. તેની પાસે ઘણા બધા વિકલ્પ છે. રસોઈ બનાવીને ગુજરાન ચલાવી શકે, કુકીંગના ક્લાસ ચલાવી શકે,કેમકે પોતે જુદા જુદા વ્યંજન બનાવવામાં માહિર છે, અને પોતે લગ્ન પહેલાં કુકીંગ ક્લાસની ટ્રેનીંગ લીધી છે એટલે તેને જુદા જુદા વ્યંજન બનાવવાનો બહુજ શોખ છે. ટ્યુશન કરી શકે, અને તેને પણ સ્કુલમાં શીક્ષિકાની નોકરી કરવાનો વિચાર આવ્યો છે. અને આ વિચારો અમલમાં મુકીશ એમ પોતાના મનમાં નક્કી કરે છે. જોઈશ મને શેમાં ફાવશે. ફીલહાલ તો આ રેસ્ટોરંટની નોકરી કરીએ,પછી આગળ જોઈશું.

રાજેન્દ્ર ને અમેરિકામાં દિવસો, મહિના અને વર્ષો વીતવા લાગ્યા, બસ એક જ મશીન જેવી જીંદગી,યંત્રવત કામ કરે જાવ. છતાં પણ મોટેલમાં આવતા જતા માણસો પર તેનુ ધ્યાન રહેતું અને કોઈ ભારતીય જોવા મળે તો વાત અવશ્ય કરે. મનમાં બસ એકજ વિચાર, કોઈની સાથેના મેળાપમાં અહિંયાંથી બહાર નીકળવા માટે કંઈ કોઈ માહિતી મળી જાય, કોઈ ચાવી મળે. મને નરક જેવી જીંદગીમાંથી છુટકારો મળી જાય. અને હું મારા પરિવારને પાછો મળી શકું.એટલે દરેકની સાથે સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરતો.મનમાં પસ્તાવો ભરપુર છે,પરિવારને મળવાની તાલાવેલી છે. હવે ડોલી નામનુ જે ભુત વળગ્યું હતું તે ઉતરી ગયું છે અને નીરૂની યાદમાં ઝુરી રહ્યો છે.પુત્ર અનુજ વારંવાર આંખ આગળ આવે છે.મારો અનુજ હવે ઘણો મોટો થઈ ગયો હશે. તેને પિતાના લાડ, અને વાત્સલ્યથી મેં દુર રાખ્યો, હું પાછો જઈશ ત્યારે મને ઓળખશે કે નહીં ? મને પિતા કહીને બોલાવશે કે નહી? નીરું મને પાછો અપનાવશે કે મને ધુતકારશે ? ના મારી નીરૂ એવી તો નથીજ કે જે મને ધુતકારે. હા  અવશ્ય નારાજ હશે પરંતુ તેના દિલમાં મારા માટે પ્રેમ તો હજુ એટલો જ હશે, હું મારી નીરૂને ઓળખુ છું ત્યાં સુધી તે મને નહી ધુત્તકારે ચોક્કસ મને અપનાવી લેશે અને મને મારા કૃત્ય બદલ માફ કરી દેશે. મારી પત્નિ સંસ્કારી અને ગુણીયલ છે, તેનામાં ભારતીય નારીના બધાજ ગુણો ભરેલા છે. એક પતિવ્રતા સ્ત્રી છે, મને ખાત્રી છે હજુ આટલું થયા પછી પણ મારા પાછા આવવાની રાહ જોઈને બેઠી હશે. અને મારા માટે સાઈબાબાને પ્રાર્થના કરતી હશે. મારી ભુલ કહો યા તો બેવકુફી હુંજ ભાન ભુલી ગયો હતો અને લાલચમાં આવીને ખોટું પગલું ભર્યુ. હે પ્રભુ મને સદબુધ્ધિ આપજો, જેથી ફરીથી મારી મતિ ભ્રમ ન થાય અને હું સાચા રાહ પર કદમ મુકું. હું ડોલરના મોહમાં આંધળો થઈ ગયો હતો. હવે સમજાય છે ‘ડુંગરા દુરથી રળીયામણા’ હે પ્રભુ મને આ ચક્રવ્યુહમાંથી બહાર કાઢો, અને મને હિંમત આપો કે જેથી હું સાચો રાહ શોધી શકું.મને નથી જોઈતી ડોલી, નથી જોઈતા ડોલર, નથી જોઈતું અમેરિકા. મને તો મારો અનુજ, મારી પત્નિ નીરૂ જોઈએ છે, અને જોઈએ છે મારો ભારત દેશ. ત્યાં સુકો રોટલો મળશે તો પણ અમે ત્રણ જણા વહેંચીને ખાશું પરંતુ મનની શાંતિ તો મળશે.દિલને આનંદ મળશે અને મારી પત્નિ અને મારા સંતાનની આંતરડી ઠરશે. અને પ્રેમથી- સુખેથી અમારો સંસાર માણીશું અને સાથે પ્રભુ ભજન કરતાં કરતાં અમારી જીવન નાવ ચલાવશું. હે પ્રભુ એ દિવસો મને જલ્દી બતાવજો, હવે ઈન્તજાર નથી થતો, મારી આંખ હવે ખુલી છે. મારા પરિવારનો વીરહ હવે સહન નથી થતો. હે ભગવાન તેં જો મને પાંખો આપી હોત તો હું ઉડીને મારા વતનમાં પાછો ફરત.

આજે રાજેન્દ્ર મોટેલમાં લોન્ડ્રી કરતો હતો અને મશીન ચાલુ કરીને જરા બહાર નીકળ્યો તો ત્યાં આગળ કોઈ ગેસસ્ટેશન વાળા ભાઈ, મોટેલના માલિકને શોધતા આવ્યા પરંતુ મોટેલ માલિક ત્યાં આગળ હતા નહી એટલે રાજેન્દ્ર સાથે વાત થઈ અને ભારતમાં તમે ક્યાં આગળ વગેરે વગેરે વાતો થઈ અની વાત વાતમાં રાજેન્દ્રએ એ ભાઈને પોતાની રામકહાની સંભળાવી અને આપ બીતી કહી અને આવનાર ભાઈ ભલા માણસ હતા અને તેમણે તેમનો ફોન નંબર આપ્યો અને મદદ કરવા માટે વચન આપ્યું હું તમને ચોક્કસ મદદ કરીશ અને રાજેન્દ્રને હાશ થઈ, પાણીમાં ડુબતાને જાણે તણખલુ મળ્યું અને એક આશા બંધાઈ મારું કામ થઈ જશે અને હું ભારત પાછો જઈ શકીશ. અને આ વિચાર માત્રથી તે ખુશ થઈ ગયો.તેનુ કામમાં મન લાગતું નથી અને દેશમાં પાછા જવાના સ્વપ્નમાં રાચ્યો રહે છે અને સ્વપ્ન એને ખુશી અને રાહત આપે છે. રાજેન્દ્રનુ મન સંતાપથી તપી રહ્યુ છે અને પસ્તાવો કરી રહ્યો છે અને પસ્તાવાના તાપમાં તપી રહ્યો છે.મારાથી બહુ મોટી ભુલ તો થઈ ગઈ છે પરંતું હું એ ભુલ સુધારીશ.અને તેને આ બધું વિચારતાં દિલમાં ચેન પડે છે અને દિલમાં ઠંડક પહોચે છે.   કલાપીએ લખ્યું છે“

હા પસ્તાવો ! વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડુબકી દઈને પુણ્યશાળી બને છે ”.

રાજેન્દ્ર માટે નીરૂ તેનો પ્રેમ છે તો ડોલી તો ખાલી સફળતાની ચાવી, પરંતુ ચાવી ખોટી નીકળી અને આ ચાવીથી સફળતાનુ તાળુ ના ખુલ્યું. રાજેન્દ્રને નીરૂ સાથે લગ્ન કર્યા તે પહેલાંના અને લગ્ન કર્યા પછીના નીરૂ સાથેના દિવસો યાદ આવી ગયા અને વિચારોમાં અતિતમાં ખોવાઈ ગયો.નીરૂ ખુબજ સુંદર છે, અને આ સુંદરતા રાજેન્દ્રને વીવહળ  બનાવી મુકતી અને સમય અને જગ્યાની મર્યાદા ભુલીને રોમાન્ટીક બની જતો નીરૂ હમેશાં રાજેન્દ્રને રોકતી તો રાજેન્દ્ર તરતજ બોલી ઉઠે હું મારી બૈરીને પ્રેમ કરું છું,બીજી બહારનીને થોડો કરું છું?અને નીરૂ પણ તેના પતિના શબ્દો પર એક આછુ સ્મિત ફરકાવતી અને ત્યાંથી ચાલી જાય, રાજેન્દ્ર જોતો રહી જાય.બંનેના પ્રેમ લગ્ન હતા પહેલાં પ્રેમ કર્યો હતો અને પછી ઘરમાં બધાની મરજીથી લગ્ન કર્યા હતા. એટલે રાજેન્દ્રને નીરૂ ના ગમવનો કોઈ સવાલ નથી.

ડોલી તો તેની મસ્તીમાં છે, રાજેન્દ્રના દિલમાં શું ચાલી રહ્યુ છે તે રાજેન્દ્રએ ડોલીને ગંધ આવવા નથી દીધી. નહી તો તેનો અત્યાચાર વધી જાય. ડોલી પોતાની જાત માટે જ વિચારે છે બીજાની તેને જરાય નથી પડી. તે પોતાની દુનિયામાં મસ્ત થઈને  રહે છે. તેને જીવન, રુટીન જેવુ લાગે છે અને તેને કોઈ ફરક પણ નથી પડતો, કોઈ જીવે કે મરે ! સ્વાર્થી હોય તેને બીજાની વ્યથા ન સમજાય. બધામાં પોતાનો સ્વાર્થ જોવે, અને એ સીવાય બીજુ કશું ન દેખાય. રાજેન્દ્ર ડોલીના ચુંગલમાંથી કેવી રીતે છુટશે એ હવે જોવાનુ રહ્યું . નીરૂની ભગવાન પ્રત્યેની અતુટ શ્રધા અને વિશ્વાસ, તેમજ તેની ભક્તિ અને તેની આશા જરૂર રંગ લાવશે.

શ્રધ્ધા અને સબુરી – મીઠું ફળ જરુર આપશે એ નીરૂ અને રાજેન્દ્ર બંનેને આશા છે.

Advertisements
This entry was posted in સંસ્કાર. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s