સંસ્કાર (૩)-પ્રવીણા કડકિયા

સંસ્કાર—-પ્રવીણાકડકિયા

સરકારી નોકરી અને તેમાં પણ ક્લાર્ક જાતજાતની ફાઈલો રાજેન્દ્રના હાથ તળેથી પસાર થતી. અનુજના આગમનથી ઘરમાં કલશોર વ્યાપી ગયો હતો. નોકરી પરથી જેવો ઘરમાં પ્રવેશે કે સહુ પ્રથમ અનુજને તેડી ઘરની સામે આવેલા બગિચામાં જઈને બેસતો. નીરૂને તો સાંજની રસોઈ અને અનુજનું કામ હોવાથી સાથે ન જઈ શકતી. દરરોજ સાંજે રાજેન્દ્રના ઘરે આવવાના સમયે ,અનુજને તૈયાર કરી રાખતી.રાજેન્દ્ર આવે એટલે પહેલાં પાણી પીતો અને પછી દિકરાને લઈ ફરવાવા નિકળતો. નીરૂ બંને જણા દેખાય ત્યાં સુધી બારણે ઉભી રહી નિહાળતી.

સહુની વાતોનું મધ્ય બિંદુ અનુજ હોવાથી લાટ સાહેબને લાડ પામવાનો અવસર પ્રાપ્ત થયો હતો. રાજેન્દ્રના પિતા સરકારી ઓફિસમાં પટાવાળાનું કામ કરતાં. તેમના સૌજન્ય શીલ સ્વભાવને કારણે સાહેબ હંમેશા તેમના પર ખુશ રહેતાં. જ્યારે સાહેબ બોલાવે અને જે પણ કામ ચીંધે તે ઈમાનદારીથી નિભાવતા. કદી કામ ઉપર ન જવા માટે ખોટું તબિયતનું બહાનું ન કા્ઢતા.

જેને કારણે તો ત્રણેય બાળકોને સારું સિક્ષણ અપાવી શક્યા હતાં. કદી તેમણે કોઈ પણ કામ નાનું ગણ્યું ન હતું.કામચોરી કે બેઈમાની આચરી ન હતી. જગજાહેર છે કે સરકારી નોકર લાંચ લે ! પણ તેમણે કદી લાંચ લઈ કોઈને પક્ષપાત કર્યો ન હતો. હંમેશા અંતરનો અવાજ સાંભળી સાચો રાહ ગ્રહ્યો હતો. પટાવાળાની નોકરીમાં કોઈ ફરિયાદ ન હતી.

સાહેબો બદલાય પણ પટાવાળો એનો એજ! દરેક સાહેબો મુદત પુરી થયા પછી જતી વખતે તેમની સેવાની કદર કરતાં અને ખુશ થઈ સારી એવી રકમ તેમને બક્ષિસમાં આપતા. તેમનું મન સદા સંતોષી અને સુખી રહેતું જેથી ત્રણ બાળકો હોવા છતાં કદી તંગી અનુભવી ન હતી. સામાન્ય રીતે એવી લોકોની મનોદશા છે કે ‘સરકારી માણસ અનીતિ ન વાપરે તો ઉંચો ન આવે.’ આ ઉક્તિ રાજેન્દ્રના પિતાએ ખોટી પાડી હતી.

નવા સાહેબ આવે ત્યારે તેમની આગળ કદી પણ જૂના સાહેબની ફરિયાદ ન કરતાં. તેમની ઈમાનદારી પર આખા દફતરમાં સહુને ગર્વ હતો. તેથી જો ક્યારે આવવામાં મોડું થાય તો સહુ ચિંતા કરતા. સાથે સાથે જાણતા કે બચરવાળ માણસ છે ઘરમાં કંઈક કામ આવી ગયું હશે.

એક વખત ભગવાન કૃષ્ણએ યુધિષ્ઠિર અને દુર્યોધનને બોલાવી કહ્યું. ‘હું, તમને એક વર્ષની મુદત આપું છું,દુર્યોધન તું એક સારો માણસ શોધી લાવ અને યુધિષ્ઠિર તમે એક ખરાબ વ્યક્તિ શોધી લાવો.’ મુદત પુરી થઈ બંને હાંફળા ફાંફળા આવ્યા અને પોતાની હાર કબૂલ કરી.’યુધિષ્ઠિરને એક ખરાબ માણસ ન મળ્યો અને દુર્યોધનને એક સારો માણસ.’

રાજેન્દ્રના પિતાને ગર્વ હતો પોતાની પ્રમાણિકતા ઉપર. હા, તેમને એક બૂરી આદત હતી. ‘બીડી ફુંકવાની.’ ખેર ,માણસ ઘણી વખત આદતનો ગુલામ બની જતો હોય છે. તે મસ્ત અદાથી બીડી પીતા. તે વખતે એ ભૂલી જતાં કેપોતે એક સામાન્ય પટાવાળાની નોકરી કરે છે. જાણે સ્વર્ગનું રાજ્ય પણ તેની સામે તુચ્છ લાગતું. આ કારણે તેમની પત્નીએ કોઈ પણ દિવસ વાંધો ઉઠાવ્યો નહ્તો.તેને થતું ‘બિચારો, જીવ આનંદ પામે છે શું કામ ખલેલ પહોંચાડવી.

રાજેન્દ્રની મા દરરોજના બે રૂપિયા આપતી.બીડી પીઓ કે ચાની લારી પરથી ગોટા કે ગાંઠિયા ખાવ !સંતોષી જીવે કદીય મોઢામાંથી હરફ કાઢ્યો ન હતો. ખબર હતી કે ઘરમાં ત્રણ દિકરાનું ધ્યાન રાખવાનું છે.સરકારી નોકરીમાં રજા જોઈતી મળે જેથી બાળકોના ઉછેરમાં પોતાનો ફાળો નોંધાવી શકે. મોંઘવારી ભથ્થું , દિવાળીનું બોનસ વિગેરેની કમાણીથી ઘર ખર્ચ ચાલતું. બાળકો બની શકે તે મદદ કરતાં.

મોટોભાઈ નટવર નાનોભાઈ નરેન્દ્ર અને એકની એક લાડકી બહેન નંદિની કદી ખોટી જીદ ન કરતાં.બાળકો છે કદી કોઈ જીદ કરતું તો બીજા પોતાના હક્કનું જતુ કરતા અને નાના યા મોટાભાઈ બહેનના મુખ ઉપર હાસ્ય રેલાતું.

મોટો નટવર બી.એસ.સી.થઈ બી.ઍડ.કર્યું અને હાઈસ્કૂલમાં ગણિત અને વિજ્ઞાનનો શિક્ષક થયો.તેની ભણાવવાની પદ્ધતિ ખૂબ બાળકોને ગમતી જેથી આવા અરસિક વિષયમાં પણ વિદ્યાર્થિઓ રસ કેળવવા લાગ્યા.નટવરને બાળકો સાથે કામ કરવામાં સારી ફાવટ હતી.ઘરમાં મોટો હતો તેથી અનુભવી પણ કહી શકાય. સાધારણ રીતે ગણિત ઘણાંને માથાનો દુખાવો લાગતું હોય છે.નટવર સર ગણિત શિખવાડે

એટલે કોઈ વર્ગમાં ગુટલી ન મારે.અઘરા એવા ગણિતના પ્રશ્નોને એવી સરળતાથી રજુ કરે કે વિદ્યાર્થિને સાવ સહેલું લાગે. બીજ ગણિત સમજાવવાની ઢબમાં તે એણે કમાલ કરી. સારા વર્ગના બાળકો ૮૫ યા ૯૦ ઉપર ગુણ મેળવતા.વિદ્યાર્થિઓના માતા પિતા ખુશ રહેતાં કે તેમના બાળકોને ખાનગી શિક્ષકોની જરૂર ન જણાતી.

જ્યારે નવી શિક્ષિકા સરિતા તેની શાળામાં જોડાઈ તેને ઈશ્વરી સંકેત માન્યો.સરિતાઅને નટવર બંને એકજ જ્ઞાતિના હતા. સાદી અને સોહામણી સરિતા, નટવરને પહેલાં દિવસથી જચી ગઈ હતી.નવી હોવાથી તેને જ્યારે પણ જરૂર પડતી ત્યારે નટવર તેની મદદે ધાતો. બંને જુવાન હતા તેથી બીજા શિક્ષકોને આ જોવાની મજા આવતી.’કાગનું બેસવું અને ડાળનું પડવું.’જુવાન હૈયાની વાતો મોઢા કરતાં હૈયાથી વધારે સમજાય.સરિતાને નટવરનો ઈરાદો જાણતાં વાર ન લાગી.

બસ પછી તો સિલસિલો ચાલુ થઈ ગયો. પહેલાં વાતો,પછી એક બીજાને કાંઈ કામ હોય તો મદદ કરવાની. નોકરી પર સાથે રિક્ષામાં આવવાનું. પરિક્ષાના પેપેર્સ તપાસવામાં મદદ કરવાની. શનીવારે અડધો દિવસ અને રવિવારની સાંજ સાથે બાગમાં કે સિનેમામાં.આમ એક દિવસ સરિતાનો સારો ‘મુડ’ જોઈ નટવર તેના હાથની માગણી કરી બેઠો. સરિતાતો લજામણીના છોડની માફક શરમાઈ ગઈ. તેનામાં નટવરની આંખમાં આંખ પરોવવાની પણ હિંમત ન હતી.પહેલી વાર નટવરે તેનો હાથ હાથમાં લઈ ચૂમ્યો.બસ પછી તો નટવરની મા દિકરાનું માગુ લઈ સરિતાને બારણે આવી.સરિતાના માતા અને પિતાને ખૂબ આનંદ થયો.દિકરી માટે યોગ્ય પાત્ર ઢુંઢતા હતા.’લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા ન જવાય’. તે ઉક્તિ બરાબર જાણતા હતા.

નટવર અને સરિતા લગ્ન પહેલાં એક બીજાનો પરિચય કેળવવા માગતા હતા. નટવર જાણતો હતો કે લગ્ન પછી સરિતા નોકરી ચાલુ રાખશે. તેને માતાને તથા પિતાને પણ માનસિક રીતે તૈયાર કરવાના હતા. લગ્ન ઉનાળાની રજાઓ સુધી લંબાવ્યા. જેથી તેમને લગ્ન પછી ‘હનીમૂન’ પર જવા મળે અને પાછા આવ્યા પછી સરિતા ઘરની બધી વ્યક્તિઓ સાથે હળીમળી શકે. નંદિનીતો ભણેલી ભાભી જોઈને ખુશ ખુશાલ હતી. તેને ભાભી પાસેથી ઘણું બધું શિખવું હતું અને જાણવું હતું. શરણાઈઓ વાગી, ઢોલ ઢબુક્યા ,વાજતે ગાજતે સરિતા પરણીને આવી. ખૂબ પ્રેમથી આવકારી

ઉનાળાની રજાઓ હતી તેથી હનીમૂન કરી ઘરકામમાં લાગી ગઈ. શરૂઆતના દિવસો હતા તેથી કામ કરવા કરતાં દરેકને સમજવાની કોશિશ કરતી હતી.નટવર ઘરમાં મોટો હતો અને ઉદાર દિલ ધરાવતો. સરિતાને જરા વિચિત્ર લાગ્યું પણ હકિકત સ્વિકારવી રહી.તેના ઘરનું વાતાવરણ અલગ હતું. ખેર, ધીમે ધીમે ટેવાઈ જઈશ કહીને મનને મનાવતી.શાળા ચાલુ થયા પછી સવારે વહેલા ઉઠી કામ કરાવી નિકળતી. સાત માણસના ઘરમાં કામ કદી ખૂટે નહી.ચાર છોકરાની મા હંમેશા કામમાં વ્યસ્ત રહેતી.તેને એમ કે વહુ આવશે તો ભાર હળવો થશે પણ એ શક્ય થયું નહી.મનમાં નિર્ધાર કર્યો ‘મારા રાજેન્દ્રની વહુ એવી લાવીશ જે મને ઘરકામમા હારોહાર મદદ કરે.’

ત્યાં વળી નંદિની માટે નડિયાદથી મનહરના ઘરનું માગુ આવ્યું. સુખી પરિવાર અને એંજીનયર થયેલો મનહર સહુને ગમી ગયો.નડિયાદમાં નાની એવી ફેક્ટરી હતી. મનહરનો વિચાર તેને વિક્સાવવાનો હતો. નંદિની પણ ભણેલી હતી જે પતિને મદદ કરવા તત્પર હતી. મનહર ફુટડો નવજવાન અને નંદિની તોફાની. નંદિનીની મારકણી આંખો અને અલ્લડતા મનહરને ખૂબ ગમ્યા. સંસ્કારી માબાપની દિકરી હતી તેથી સાલસતા ભારોભાર જણાઈ.

ત્રણ ભાઈઓની લાડકી બહેન. તેને ત્રણે ભાઈઓ હાથની ડોળી બનાવી માંયરામાં પરણાવવા લઈ ગયા. ઢીંગલી જેવી લાગતી નંદિનીના જવાથી ઘરમાં શાતિ પ્રસરી ગઈ. સરિતાએ સુંદર રીતે રજુઆત કરી’હું,તો છું હવે રાજેન્દ્રભાઈ પરણીને નવી ઢીંગલી જેવી દુલ્હન લાવશે. સહુ હસી પડ્યા અને વાતાવરણ હળવું ફૂલ જેવું થઈ ગયું.

દિકરીને વિદાય આપવી એ બહુ વસમું છે, પણ એ જ કુદરતનો ક્રમ છે. આપણી સંસ્કૃતિ એની સાક્ષી પૂરે છે.સુંદર સંસ્કાર પામેલી દિકરી સાસરે વિદાય થાય ત્યારે બે કુટુંબ ઉજાળે છે.માતા પિતાની ઈજ્જત ને ચાર ચાંદ લગાવે છે. તેમનું મસ્તક ઉન્નત કરે છે. માનો ખોળો અને પિતાનો સ્નેહ ત્યજી પતિનો હાથ ઝાલી તે વિશ્વાસના વહાણમાં નવા જીવનની શરૂઆત કરે છે. હવે તે પતિના જીવનમાં ઓતપ્રોત થઈ સહુને પોતાના બનાવે છે. સાસરિયાનો પ્રેમ સંપાદન કરી ધન્ય બને છે.

નંદિનીની વિદાય અસહ્ય બની. પિતાને થયું હવે ખરેખર હું પાંગળો થઈ ગયો. દિકરી બાપનો પડ્યો બોલ ઝીલતી. દરરોજ સવારે દાતણ કરવા બેસે એટલે લોટો પાણીનો ભરેલો તૈયાર હોય. નહાવાનું પાણી ચોકડીમાં મૂકે સાફ સુથરો ટુવાલ . પહેરવાના કપડાં , છત્રી, જોડા કશી વાતની ફિકર તેની માને ન રહેતી. દિકરી શું વિદાય કરી બધી જવાબદારી ‘મા’ પર આવી ગઈ ઘરના કામકાજમાં પણ ફેર પડ્યો. નંદિની ડગલે ને પગલે યાદ આવતી.ઘરમાં રાજેન્દ્રના પિતાનો ત્યારે અવાજ સંભળાય જ્યારે એ નંદિનીને બોલાવી કોઈ વસ્તુ માગે. હવે તો એ અવાજ જવલ્લે જ સંભળાતો.

રાજેન્દ્ર ક્યારે પરણે અને ઘરમા નંદિનીની ખોટ પુરાય તેની રાહ જોવાતી હતી.તેથી તો રાજેન્દ્રની નીરૂ સાથેની મુલાકાત વિધિનો સંકેત પુરવાર થયો.વાજતે ગાજતે નીરૂ આવી આજે તો દિકરા અનુજની ‘મા’ થઈ. આખા ઘરની સિકલ બદલાઈ ગઈ. રાજેન્દ્રની માના તેના પર ચાર હાથ હતા.નીરૂ પિયરમાં નાની હતી અને પિતાની લાડલી.તેમનું સઘળું કામ ખુદ કરતી. રાજેન્દ્રને પરણીને આવ્યા પછી ‘સસરાજીની’ બધી જવાબદારી ઉપાડી લીધી. રાજેન્દ્રની માને હૈયે ટાઢક થઈ. ચાર બાળકોને બાંધી આવકમાં ઉછેરવા એ કાંઈ ખાવાનાં ખેલ ન હતા. જુવાનીમાં હસતે મોઢે કરેલાં ઢ્સરડાં પ્યારથી કરતી. હવે, તેના શરીરે જવાબ દઈ દીધો હતો. નીરૂને બહાર નોકરી કરવી તેનાં કરતાં ઘરનું કામકાજ અને સાસુ સસરાની સેવા વધારે અગત્યના લાગ્યા. તેના સંસ્કાર અલગ હતા.તેને મન સાસુ અને સસરા પોતાની માતા તથા પિતાથી અદકેરાં લાગ્યા હતા. તેને થતું’ જો હું તેમની આંતરડી ઠારીશ તો ભવિષ્યમાં હું પણ ઠરીશ.’

રાજેન્દ્ર પોતાની નોકરીમાં ખૂબ સાવચેતીથી વર્તતો. સરકારી નોકરી અને ઢગલા બંધ ફાઈલોની વચ્ચે ઘેરાયેલો.બારિકાઈથી બધી ફાઈલો તપાસવી, તેનું વર્ગીકરણ કરી જુદ જુદા ખાતામાં આગળ કાર્યવાહી માટે મોકલવી. દરેકને સમય સર જવાબ આપવો. કાર્ય ખૂબ કુશળતા પૂર્વક પાર પાડવામાં તે એકદમ પાવરધો થઈ ગયો હતો.

તેનો નાનો ભાઈ નરેન્દ્ર શાળામાં હતો ત્યારે દરેક વર્ગમાંથી પસાર થવા માટે ઓછામાં ઓછા બે વર્ષ લગાડતો. રાજેન્દ્ર પૂછે ત્યારે હસીને કહે ” હું બધું બરાબર પાકું કરવામાં માનું છું.’રાજેન્દ્ર તેને વઢી શકતો નહી . હસી કાઢતો.મોટો નટવર સરિતાની ચઢવણીથી સ્વાર્થી થઈ ગયો હતો.તેમાંય પાછું નીરૂને પેટે અનુજ અવતર્યો અને તેના માન પાન વધ્યા જાણી સરિતા ઘણીવાર ઘરમાં ઝઘડા કરાવતી.

સંસાર છે ચાલ્યા કરે. બધી વસ્તુની હદ હોય.નટવરને સરિતા એમ સમજતાં કે તેમને લીધે ઘર ચાલે છે. બંને જણા અડધી કમાણી પોતાના ખાતામા જમા કરતાં. રાજેન્દ્ર અને નીરૂને નાનો બાળ અનુજ હોવાથી ઘરમાં પૈસા વધારે આપવાના. નીરૂ કામ પણ કરી શકતી નહી. પોતાના ખાનગી ટ્યુશન ‘યેન કેન પ્રકારેણ’ચાલુ રાખ્યા હતા. જેથી અનુજના ઉછેરમાં સગવડ રહે. રાજેન્દ્રની મા બધુ સમજતી

અને મુંગે મોઢે તેનાથી બનતી નીરૂની સગવડ સાચવતી. બાપા તો ‘માસ્તર મારેય નહી અને ભણાવેય નહી’. મુંગે મોઢે જીવતાં.

દાદા, પૌત્રને ખૂબ વહાલ કરતાં. રોજ નવી નવી વાર્તા કહે. સારું શિક્ષણ આપે. નીરૂ, રાજેન્દ્રના પિતા અને માતાના સહિયારા પ્રયાસે અનુજ ખૂબ સુંદર સંસ્કાર પામતો. તેના ઉછેરમાં આ ત્રણનો ફાળો અધિક રહ્યો.નરેન્દ્રને તો ભણવામાં જોર પડતું. એટલા ઓછા નંબરે શાળાના અંતિમ વર્ગમાં સફળ થયો કે કોઈ પણ કોલેજે તેને આવકાર્યો નહી. હવે શું? મોટો પ્રશ્ન કુટુંબની સમક્ષ આવીને ઉભો રહ્યો. ભલું થજો રાજેન્દર્ની સરકારી નોકરીને કારણે તેને થોડા સારા સંબંધો બંધાયા હતા. રાજેન્દ્રના કામકાજથી તેનો ઉપરી અધિકારી અને ઘણા અવારનવાર આવનાર વ્યક્તિઓ ખુશ રહેતાં. ન તો તે કામચોરી કરતો કે ન પૈસા ખાતો.’

તેની પ્રમાણિકતાને માટે લોકો એની પ્રશંશા કરતાં. એક વખત એક ભાઈની ‘ફાઈલ’ કેમ પાછી નથી આવી. તે જાણવા જ્યારે તેમની સાથે વાત નિકળી તો તેનાથી કહેવાઈ ગયું ‘મારો નાનો ભાઈ કોલેજ નથી ગયો અને નોકરીની તલાશમાં છે. ઈમાનદાર્છે.’પેલા ભાઈને રાજેન્દ્ર સાથે ઘણી વાર કામ પડતું તેથી તેમને વિશ્વાસ બેઠો. કહે મારે કરિયાણાની દુકાન છે.મારા પિતાજી ચલાવે છે. તેમને ગલ્લા પર કોઈ વિશ્વાસુ માણસની જરૂર છે.’ ગલ્લો એને જ સોંપાય જે હાથનો ચોખ્ખો હોય. નહી તો રોજ પૈસા ગલ્લામાંથી ગુલ થાય અને ખબર પણ ન પડે.’

રાજેન્દ્રએ કહ્યું ‘હું મારા નાના ભાઈને કાલે મોકલાવીશ. તે હિસાબ કિતાબ સરખો જાળવશે તેની હું ખાત્રી આપું છું. નરેન્દ્ર ગયો,તેને ભણવાનું ગમતું નહી બાકી તો એ હોંશિયાર જુવાનિયો હતો. બોલવે ચાલવે સામાવાંળાને આંજી શકે. સહુથી મોટો ગુણ હતો પ્રમાણિકતાનો!જો ગલ્લા (કેશ રજીસ્ટર) પર નોકરી મળે તો આ સદગુણ છે. ગલ્લા ઉપર રોજ સવારથી સાંજ સુધી થયેલા વેપારનો રોજમેળ મળવો જોઈએ.તે વ્યક્તિ ચોરી ચપાટી કરે તો બીજે દિવસે પાણીચું (નોકરી પરથી રજા) પકડાવે.

નરેન્દ્ર વાતચીતની ઢબ કરિયાણાની દુકાનના શેઠને પસંદ આવી. નોકરીતો ભાઈની ઓળખાણથી મળી. નરેન્દ્રને તો માથા પરથી છ મણનો બોજો ઉતરી ગયો. હાશ, હવે ચોપડાને સલામ. મહેનત કરીશ અને મારી નોકરીમાં આગળ વધીશ. નોકરીને પહેલે દિવસે જતાં પહેલાં જલારામ બાપાને પગે લાગવા ગયો. સાંજે પાછાં વળતાં એક કિલો પેંડા અને અનુજ માટે ખૂબ સરસ રમત લઈને ઘરે આવ્યો. માતા અને પિતાને પગે લાગી આશિર્વાદ માગ્યા. સહુની આંખમાં હરખના આંસુ ઉમટી આવ્યા. અનુજતો રમત જોઈને કાકુને વળગી પડ્યો. આમ પણ લાટસાહેબ ઘરમાં બધાને ખૂબ વહાલા હતાં.સરિતા અદેખાઈની આગમાં જલતી. તેનો ખોળો હજુ સુધી ખાલી હતો. તેને થતું ‘જલારામ બાપા મારા પર કેમ રિઝતા નથી. મેંશું પાપ કર્યા છે.’ હંમેશા ભૂલી જતી કે બે પૈસા કમાતી હતી તેથી ઘરનાં સહુની ઈજ્જત કરવામાં નાનમ અનુભવતી.નીરૂ સહુને પ્રેમ અને આદર આપતી.

નીરૂ કુટુંબમાં દુધમાં સાકર ભળે તેમ સહુની સાથે ભળી ગઈ હતી. રાજેન્દ્ર નીરૂ પર જાન છિડકતો. તેનો ફરવા હરવાનો સ્વભાવ દિનપ્રતિદિન જોર પકડતો. નીરૂ જાણતી ત્રેવડ ત્રીજો ભાઈ છે. હસીથી પોતાનો સાથ અને ફાળો આપતી.અનુજની જવાબદારી નિભાવવાની અને ઘરનાને ખુશ જોવાના. સાસુમા જોતા અને નીરૂના ખૂબ વખાણ કરતાં. તે પણ સરિતાને ઓછું પસંદ પડતું.નીરૂ ઘણી વાર કહેતી,’ભાભી , બાને માત્ર બે શબ્દો પ્રેમથી બોલો.. નટવરભાઈ સહુથી મોટા છે બાને ખૂબ વહાલા છે. ‘ સરિતા આંખ આડા કાન કરતી. તેને તો એમ જ હતું કે ‘નટવર મારો છે.’નીરૂ ચૂપ રહેવામાં ડહાપણ માનતી.

નરેન્દ્રને ગલ્લા નોકરીમાં મજા આવી ગઈ. કરિયાણાની દુકાન ખૂબ સરસ લત્તામાં હોવાથી સવાર સાંજ લોકો આવતા તે પણ જોવાની તેમની સાથે વાતો કરવાની મોજ માણતો. દરરોજ સવારે દુકાન તેણે ખોલવાની. જલારામ દાદાની છબી સામે દિવો અને અગરબત્તી સળગાવવાના.ઘરેથી નિકળીને તાજા ગુલાબના ફુલનો રોજ હાર લાવીને ચડાવવાનો. તેને આ બધું બહુ ગમી ગયુ.શેઠને પણ તરવરિયો જુવાન ગમ્યો.

નીરૂને ખૂબ આનંદ થયો. ઘણી વખત ઘરમાં કોઈ વસ્તુ જોઈતી હોય તો નરેન્દ્ર કહેતો ‘ભાભી તમારો ધક્કો બચાવો હું રાતે આવીશ ત્યારે દુકાનેથી લેતો આવીશ.’ નરેન્દ્રના શેઠ જાતેતેનું બિલ બનાવતા જેથી પૈસામાં ગોટાળો ન થાય.નરેન્દ્રને સારા સંસ્કાર ગળથુથીમાં મળ્યા હતા.જેથી ઘરમાં શાંતિ રહેતી. સરિતા કોઈક વાર વાસણ ખખડાવતી. નટવર મોટેભાગે ચૂપ રહેતો. તેને ‘મા’ પર વિશ્વાસ હતો . તેથી કોકડું ગુંચવાય તે પહેલાં જ ઉકલી જતું.પિતાજી ઘરની વાતમાં કદી બોલતા નહી.

આજે રવીવાર હતો.નીરૂ અને રાજેન્દ્ર અનુજને લઈ રાણીબાગ ફરવા ગયા.જાતજાતનાં પક્ષીઓ,પ્રાણીઓ અને માછલી જોઈ અનુજભાઈ ખૂબ નાચ્યા. સહુથી વધારે એને વાંદરાના પિંજરા પાસે આવી. કેળું પણ ખવડાવ્યું.રાણીબાગમાં ફરતાં ફરતાં શીંગ,ચણા, વેફર્સ અને આઈસક્રિમ ખાવાની સહુએ મોજ માણી.રાજેન્દ્ર,નીરૂને કહે ‘કેટલો બધો વખત થઈ ગયો. આપણે ક્યાંય બહારગામ ગયા નથી.આ વખતે લગ્નની વર્ષગાંઠ પર હું અને તું એકલા નૈનિતાલ ફરવા જઈશું.’ અનુજ જો ‘બા’ પાસે નહી રહે તો તારી મમ્મીને ઘરે મૂકીને જઈશું. અનુજ હવે મોટો થયો છે. તેને રમવા માટે સાથીની જરૂર છે.’

નીરૂ એવી તો શરમાઈ ગઈ કે વાત જ નહી.તેને પણ મન હતું કે રાજેન્દ્ર સાથે સમય પસાર કરે. ઘરકામ, અનુજ અને ખાનગી ટ્યુશન સમય ક્યાંથી કાઢે? રાજેન્દ્રનો આ પ્રસ્તાવ વધાવી લીધો.વાત રાજેન્દ્રએ બા સમક્ષ મૂકીને મંજુરી મેળવી લીધી.બાને તકલિફ ન પડે માટે અનુજને નાના અને નાનીની પાસે મૂકવાનુ ઠેરવ્યું.

નરેન્દ્રને નોકરી ફાવી ગઈ.કોને ખબર હતી સાથે સાથે છોકરી પણ મળશે? શેઠની દિકરી પણ ભણવાની ચોર હતી. રોજ દુકાને આવતી ,સરસામાન ગોઠવવા લાગતી. ભાવની ચિઠ્ઠીઓ બનાવતી. નરેન્દ્રના આવ્યા પછી તેના આંટા ખૂબ વધી ગયા હતા. શેઠની ચકોર આંખો આ ન પકડી શકે તો જ નવાઈ લાગે. નરેન્દ્ર પર તિક્ષ્ણ નજર રાખતા.તેમને નરેન્દ્ર બધી રીતે ગમ્યો હતો. બંને જણા ભણવાનું પસંદ નહોતા કરતાં.તેથી તેમને દુખ થતું. ભણતર માત્ર જીવનમાં કમાવા માટે જ નથી.

જ્ઞાન તો અમાપ શક્તિ છે.તેનાથી માનવીની વિચાર શક્તિ વિકસે છે. સમઝ આવે છે. સાચા ખોટાની પારખ કરવાની શક્તિ ખીલે છે. પોતાની દિકરી ભણવામાં જરા ઢીલી (ઠોઠ) હતી તે જાણતા હતા. બાકી કામકાજમાં અને બીજી બધી રીતે પાવરધી હતી. દેખાવમાં તો ભગવાને પાછું વળીને જોયું ન હતું. શેઠને નરેન્દ્ર જચ્યો હતો. તેના આવ્યા પછી તેમની દિકરી અવાર-નવાર કોઈ ને કોઈ બહાને દુકાને આવતી. તેણે પૈસા તો આપવાના હોય નહી છતાં ગલ્લા પાસે જઈ ઢંગધડા વગરની વાતોમાં નરેન્દ્ર સાથે સમય ગુજારતી. શેઠ જોતા અને આંખ આડા કાન કરતાં.

નરેન્દ્રને પણ તેના નખરા ગમતા. શેઠની દિકરી હતીતેથી ખૂબ સાવચેતી પૂર્વક વર્તન કરતો. ધીરે ધીરે શેઠનો વિશ્વાસ સંપાદન કર્યો હતો. ઈમાનદારી અને પ્રમાણિકતા સમય આવ્યે તેની કિંમત ચૂકવે છે. એક દિવસ શેઠે દાણો ચાંપી જોયો. રાતનો સમય હતો. ઘરાકી જરા ઠંડી હતી. આમ પણ શિયાળાની ઋતુમાં લોકો સાંજના છ વાગ્યા પછી બહુ જણાતા નહી.

શેઠે નરેન્દ્રને કહ્યું દુકાન વધાવી લઈએ. હવે કોઈ ખાસ ઘરાક આવીવું લાગતું નથી. રોજમેળ મેળવ્યો. બધો હિસાબ બરાબર કરી નરેન્દ્ર ગલ્લાની ચાવી આપવા લાગ્યો. શેઠે કહ્યું, “એક વાત પૂછવી છે. હવે ભણવાનો ઈરાદો નથી તો પછી અંહી કાયમ તમને ગમી ગયું હોય એવું મને લાગે છે. ભવિષ્યનો શો વિચાર છે? “

નરેન્દ્ર ઈરાદો ન સમઝે એવો નાદાન ન હતો

This entry was posted in સંસ્કાર. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s