નિવૃત્તિ નિવાસ (11) વિશ્વદીપ બારડ

તે દિવસે સરગમબેનનાં મૃત્યુનાં ઓળામાં સોહિલ સાથે   આવેલા કાળીદાસભાઇ અને લતાબેન પોત પોતાની આપવીતી વાગોળતા હતા

“ સોહિલ, તું નસીબદાર છે કે, તને સિત્તેર થવા આવ્યા છતાં તારું શરીર સારું ચાલે છે.નર્સિંગ હોમમાં વસવાટ કરતા કાલીદાસની આંખમાં આંસુ સરી પડ્યાં”

સોહમ કહે “કાલીદાસ આ સંસારમાં નસીબદાર કોને કહેવા એ તો દૂરથી રુપાળા દેખાતા ચાંદ જેવું છે. આજે તું અને ભાભી બન્નેને નર્સિંગ હોમમાં રહેવાનો વખત આવ્યો છે, તે દુઃખની વાત છે.તારી બિમારી વધી, ભાભીથી ઘરમાં કશું કામ થઇ શક્તુ ન હતું.ભાભીને પણ ડાયાબીટીસને કારણે શરીરમાં નબળાઇ,આંખે ઝાંખપ આવી આવી પરિસ્થિતિમાં તમારા દીકરાએ તમારી સેવા કરવાને બદલે “નો ટાઇમ” અને ”બિઝી લાઇફ”માં ઘેરથી ખસેડી અહીં ધકેલી દીધા.તેઓ સ્વાર્થી તો ખરા જ. છતાં માનુ છું કે દરરોજ વહુના ટોણા સાંભળવા કરતા અહીં આવી ગયા તે સારૂ થયું. કોઇકની રોકટોક વગર જીવો છો તે નસાબદાર તો ખરાં જ.કાળીદાસ, નસીબ આપણને ક્યાં લઇ જાય છે,આપણી પાસે શું શું કરાવે છે તે તો…”

ત્યાં વચ્ચે કાળીદાસના પત્ની લતાબેન બોલ્યાઃ “સોહિલભાઇ,છોકરાં અમારી જરુર હતી એટલે અમોને અમેરિકા બોલાવ્યાં,દીકરા-વહુને પડતી મુશ્કેલીઓની દયા આવી.ઘરના ઘર વેચી બધુ સમેટી અહીં આવ્યાં,જે બચત હતી તે દિકરાને આપી.એકનો એક દિકરો એટલે મા-બાપને દયા તો આવે જ ને ? શરુ શરુમાં તો દિકરા-વહુનું વહાલ જોઇ લાગ્યું કે “આવા દિકરા ને વહુ સૌને મળજો.”એમના બંને બાળકોની સંભાળ રાખવામાં અમને બહુ જ આનંદ મળતો. વહુના કહ્યા પ્રમાણે ટાઇમસર ખવડાવવાના, સૂવડાવવાના,અમુક જ સમયે ટીવી જોવા દેવાનો,બધું જ ટાઇમટેબલ પ્રમાણે કરવાનું.મન મનાવી લઇએ કે આ દેશમાં સમય અને શિસ્તની લોકો બહુ જ કાળજી રાખે છે.

કાળીદાસભાઇ એ વાત આગળ ચલાવતા કહ્યું”  ભાઇ,અમે બંને ધીરે ધીરે અહીંના નવા રીત-રિવાજથી ટેવાઇ ગયાં.પણ કહેવત છે ને કે “નવી વહુના નવ દિવસ”.ઘરમાં શિસ્તના નિયમો કડક બનતા ગયાં.રાત્રીના આઠ પછી ટી.વી.બંધ,રાત્રે કોઇ ભાઈબંધનો ફોન ન  આવવો જોઇએ,ફોન કોઇને કરવાનો નહિ,દિકરો-વહુ જોબ પરથી આવે એટલે રસોઇ તૈયાર હોવી જોઇએ,એ લોકો બહાર ખાઇને આવે તો અમારે આગલા દિવસનું વધેલું ગરમ કરીને ખાઇ લેવાનું .અઠવાડિયે એક વખત દિકરો મંદિરે લઇ જતો એ પણ બંધ. કોઇ અમારા મિત્ર રાઇડ આપે તો તે પણ ના ગમે.ચોક્ખા શબ્દોમાં કહી દે “અહીં કોઇનું ઋણ લેવાનું નહિ” બસ,ઘરની ચાર દિવાલો વચ્ચે નજરકેદ બની ગયા.”

લતાબેન રડમસ અવાજે બોલ્યા ”દુઃખ જ્યારે આવે છે ત્યારે ચારે બાજુથી આવે છે. તમારા ભાઇને ઉપરા-ઉપરી બે હાર્ટએટેક આવી ગયા. ડોક્ટરે ટેસ્ટ કર્યા એમાં એમને ડાયાબિટિસ પણ નીકળ્યો.મને તો પહેલેથી ડાયાબિટિસ હતો. ઉંમર વધે,રોગ વધે અને શક્તિ ઘટે.ભાઇ શું કરીએ ? બંનેની તબિયત લથડવા માંડી.ઘરમાં કશું કામ થઇ ના શકે.દિકરાના છોકરાઓ મોટા થઇ ગયા.હવે અમારી ક્યાં અહીં જરૂર ? દસ વર્ષ સુધી બેબીસીટીંગના પૈસા બચાવ્યાં,ઘરકામ રસોઇ કરી આપી.સાચું કહું ભાઇ , દિકરા આપણા અહીં દિકરા નથી રહેતા…સ્વાર્થી બની જાય છે.પૈસા પાછળ ગાંડા થઇ જાય.”

સોહિલે ઉભા થઇને લતાબેન અને કાળીદાસભાઇને પાણી આપ્યુ…

કાળીદાસભાઇએ પોતાની વાત આગળ ચલાવતા કહ્યુ “અમો અહીંના નાગરિક થયા અને અમેરિકા સરકાર અમને બન્નેને ખર્ચીના ૧૨૦૦ ડોલર આપતા તે પણ દિકરો વહુ લઇ લેતા ને કહેતા કે તમારો દવાનો ખર્ચો બહુ વધી ગયો છે.અમને તો ખબર હતી કે દવાના પૈસા પણ અહીંની સરકાર આપે છે.”પેટની બળતરા કોને કહીએ ? અમારી પાસે કશી બચત રહી નહી.શું કરીએ ? અમારી હાલત નહિ ઘરના કે નહિ ઘાટના-ધોબીના કૂતરા જેવી સ્થિતિમાં મૂકાઇ ગયા.દેશમાં પણ પાછા જઈ શું કરીએ? ત્યાં અમોએ કોઈ મુડી કે મિલકત રાખેલ નહી. બધું વેંચી, સમેટી અમો અહી આવી ગયાં. મેં તો ઘણાં લોકો ને કહ્યું કે આવી ભૂલ રખે કરતાં. મુડી કે મિલકત હશે તો સૌ તમારા સગા બનશે બાકી કોઈ, કોઈનું  નથી!

ઉંમરને હિસાબે અમો બન્ને ને મોતિયો હતો એટલે આંખે ઓછું દેખાય પણ સંભાળ કોણ લે?જીવ ઓશિયાળું બની ગયું. એક સમી સાંજે  દીકરો અને વહું અમારા રૂમમાં આવ્યા અને કહેવા લાગ્યા: જો આ વાત તમારા હિતની છે. અમો બન્ને જોબ કરીએ છીએ અને તમારા બન્નેની તબિયત  દિવસે દિવસે બગડતી જાય છે અને તમે જાણો છે કે  અમારા પાસે કોઈ એવી નવરાશ નથી કે તમારી બેઠા બેઠા સેવા કરીએ શકીએ.અને અમો જોબ પર હોયએ અને કશું થાય તમારી સંભાળ કોણ લે? તમારા માટે તો નર્સિંગહોમજ સારૂ છે ત્યાં ચોવીસ કલાક તમારૂ ધ્યાન રાખે તેમજ સમયસર જમવા આપે અને ત્યાંજ તમને મજા પડી જશે.’

એજ સાંજે અમો બન્ને રડતી આંખે, તુટેલા હ્ર્દય સાથે નર્સિંગહોમમાં આવ્યા. કેટલી મજા! બાફેલા શાક, બ્રેડ,ભાત, કાળા ભમર જેવી કૉફી!  ભાઈ અઠવાડીયા સુધી કશું ભાવ્યું નહી.પણ ભૂખ કોઈને છોડે છે? આ તો હવે કાયમનું થયુ જે મળે તેનાથી ચલાવતાજ શિખવું પડશે એમ મન મનાવી લીધુ “

સોહિલ તેમની વાતો સાંભળતો અને તેને સરગમબેન ની વાતો યાદ આવતી..બરાબર આજ વાત છ વર્ષ પહેલા સોહિલ તેમને કહેતો હતો .

સરગમબેન કહેતા “ ધ્રુણાં કરવાથી દુઃખ વધશે અને દુઃખ ન વધારવુ હોય તો જે પરિસ્થિતિમાં  આપણે રહેવાનું હોય તે પરિસ્થિતિને અનુકુળ થઈ રહેવાનું” આ વાતને સ્મરીને સોહિલ બોલ્યો.. “ કાળીદાસ્ભાઇ અને લતાભાભી…તમારે એક વાત સમજવી જોઇએ કે તમે જ્યારે છોકરાઓ સાથે હતા ત્યારે છોકરા સાચવવાનું ગમતુ હતુને?”

“ હા.રુપિયાનું વ્યાજ તો કોને ના ગમે? ”લતાભાભી સહે જ હળવા થઇને બોલ્યા.

સોહિલ કહે તમે બંન્ને એકલા હો અને બનવા જોગે  જો ત્રીજો હાર્ટ એટેક આવે અને  છોકરો વહુ ઘરે ના હોય તો તમે શું કરો ?

“ ટેલીફોનમાંથી ૯૧૧ ડાઈલ કરીએ એટલે તુરતજ એમ્બ્યુલન્સ આવી જાય અને આપણને તાત્કાલિક સારવાર મળી જાય.” હા પાડતા કાળીદાસ્ભાઇ શમ્યા ત્યાં લતાભાભી બોલ્યા..

“હા, સોહિલભાઈ  છતા પેલા વજુભાઈ ને નીતાબેન કેવા લક્કી છે! દીકરા વહું સાથે રહી મજા કરે છે. એતો કાયમ દીકરા-વહું ના વખાણ કરતાં ધરાતાજ નથી..”હા ભાભી બહું જ સુખી છે !”

“ ભાભી, ડુંગર દૂરથી રળિયામણાં! એમના દીલની વાત હું  જ  જાણું છું. સોહિલ ખુરશી ખસેડતાં હસતાં હસતાં બોલ્યો: “એ વજુભાઈ ગાલ પર થપ્પડ મારી ગાલ રાતા રાખે છે!  વજુભાઇ અમદાવાદની કોલેજમાં પ્રિન્સિપાલ હતા.બહુ જ નમ્ર,વિવેકી.વિદ્વાન અને સ્નેહાળ.વિદ્યાર્થીથી માંડીને કોલેજના દરેક સ્ટાફમાં બહુ જ પ્રિય.એક જ દીકરો..સારું એવું ભણાવ્યો.દિકરો ડોક્ટર થયો,અમેરિકા આવ્યો.હોસ્પીટલમાં  ડોક્ટર થયેલી હંસા સાથે લગ્ન કર્યા.બંને ડોક્ટર,બંનેની પ્રેક્ટીસ પણ સારી ચાલે.

વજુભાઇ અને નીતાબેન બંને નિવૃત્તિ બાદ, તમારી જેમ આ દેશમાં આવી દિકરા સાથે રહ્યા.દિકરા-વહુની પ્રેકટી્સ વધી,પૈસો વધ્યો, મિલ્કત વધી પણ મન મોકળું જ ના થયું.લોભ વધ્યો,બીજા પૈસાદાર ડોક્ટરો સાથે હરીફાઇ વધી,કંજૂસાઇ વધી. એક એક પૈસાની ગણતરી,લાખોપતિ બની,મોંઘામાં મોંઘી કાર,આલીશાન ઘર બાંધવાના સ્વપ્નમાં રાચે. મમ્મી ડેડીને સાથે રાખે તો એનો કેટલો ખર્ચ થાય એની પણ ગણત્રી.વજુભાઇ અને નીતાબેનને જે એક રૂમ  આપેલ છે તેના વજુભાઇ મહિને પાંચસો ડોલર મહિને રોકડા આપે છે,જે વજુભાઇ અને નીતાબેનને અહીંની સરકાર એક હજાર ખર્ચીના આપે છે તેમાંથી. ટેલીફોન અને લોન્ડ્રીના અલગ.બહાર દિકરા સાથે રેસ્ટોરન્ટમાં ખાવા જાય તો પોતાના  ભાગના પોતાને આપવાના.મૂવી સાથે જોવા જાય પણ વજુભાઇને અને નીતાબેનને પોતાના પૈસા આપી દેવાના ! ભાભી,એ સુખી દેખાતા વજુભાઇ ખરેખર ખાનદાન તો જરૂર કહેવાય.તેમના હ્રદયમાંથી ટપકતા આંસુ આંખ સુધી ના પહોંચે એનો ખ્યાલ રાખે.હાસ્યને હોઠ પર લાવી દિકરાની વાહ વાહ કહેવડાવનાર વજુભાઇ ધન્ય તો છે જ..ભાભી તમે જ ન્યાય કરો.ખરેખર કોણ સુખી છે ?

લતાબેન સાડીના છેડાથી આંસુ લૂછતા બોલ્યાં “ સોહીલભાઇ, સાચું છે કે કાગડા બધે કાળા જ હોય છે” સફેદ આવરણ ઓઢીને ચાલતી વ્યક્તિની મનમાં છુપાયેલી કાળી ચાદર કોણ જોઇ શકે ? મોંઢા પર મીઠાશ-હ્રદયની અંદર ભભૂકતો દાવાનળ કોણ જોઇ શકે ?

કાળીદાસ ઓશીકું સરખુ કરતા બોલ્યા “કોના વખાણ કરવા,કોનુ કેવી રીતે માપ કાઢવુ,સોહિલભાઇ ,એ કામ કપરુ છે.આપણી બે ત્રણ વર્ષની દોસ્તી છે પણ ઘણાં નજીક આવી ગયા છીએ.તું તો જાણે છે કે અમેરિકામાં હજારો ભારતિય માબાપ રહેતા હશે.કોઇ દેશમાંથી નિવૃત્ત થઇ આવ્યા હશે તો કોઇ વર્ષો પહેલાં આવીને વસ્યા હશે અને અહીં નિવૃત્ત થયા હશે.હું  ધારું છું કે, અહીં રહીને નિવૃત્ત થયેલાની પરિસ્થિતિ જુદી છે.દેશમાંથી નિવૃત્ત થઇ આવેલા અમારા જેવા  અમારા માબાપની સ્થિતિ પરાધીન બની ગઇ છે.

સોહિલ બોલ્યોઃ” હા,કાલીદાસભાઇ,મારો એક મિત્ર અર્જુન છેલ્લાં ચાલીસ વર્ષથી અહીં રહે છે.નિવૃત્ત છે.સિત્તેર ઉપર થવા આવ્યા હશે.પણ આરામની જીંદગી જીવે છે.કાળીદાસ અહીંઆ વર્ષોથી રહ્યા હોય.સારી નોકરી હોય.બચત પણ સારી હોય, ઘરના ઘર હોય,કંઇ દેવુ માથે ના રાખ્યું હોય,સોશ્યલ સિક્યોરીટી,પેન્શન,આઇ. આર. એ. વગેરેની સારી આવક હોય તો કોઇના ઓશિયાળા થવાની જરૂર નહિ.પતિ-પત્ની આરામથી શેષ જીવન આનંદમય રીતે ગાળી શકે. કાળીદાસભાઇ,અર્જુનભાઇની પત્નીને ગુજરી ગયે દસ વર્ષ થઇ ગયા.”

”શું થયું હતું ?” કેન્સર. ભાભીના ગયા પછી થોડા વર્ષ તો વિયોગમાં ગાળ્યા.બે દિકરાઓ પણ પરણીને જુદા શહેરમાં રહેતા હતા.પિતા સાથે કદી નિકટ નહિ રહેલા.પણ સંબંધ ખરો.અર્જુનભાઇ કોલેજમાં પ્રોફેસર હતા,સારું કમાતા હતા.બચત પણ સારી.મોટું ઘર,એ પણ ભરપાઇ કરેલું પણ આવડા મોટા ઘરમાં એકલાં રહેવાનું.એકાંતમાં બધા પડઘા સંભળાય.અર્જુનભાઇને ચા કે કોફી પણ બનાવતા ન આવડે. તો રસોઇની તો વાત જ ક્યાં ?બહાર ખાય, મિત્રોના ઘેર જમવા જાય.ડ્રીંકના જબરા શોખીન,વીકેન્ડમાં મિત્રોને બોલાવે.સાથે બેસી ડ્રીંક-જોક્સ અને વાતોના તડાકા,ભોજનમાં પીઝા અને સૌ છૂટા પડે.પછી પાછું એકાંત,અંધારી રાત્રી..વિચારોના ચકરાવે ચડેલું મન ઉંઘને હરામ બનાવી દે.બંને દિકરાઓના અવારનવાર ફોન આવે.

હલો-હાય થાય.અહીં જન્મેલા  છોકરાઓ ડેડીને સલાહ પણ આપે.”ડેડી,એકલું  જીવન જીવવા કરતા પરણી જાવ અને આનંદ કરો.આમ ક્યાં સુધી એકલા જીવી શક્શો?”..અર્જુનભાઇને આ સલાહ મળતી ત્યારે શરુમાં મનમાં ખોટું લાગી જતું,દુઃખ થતું પણ સમય જતા મન સાથે સમાધાન કરેલ.આ રખડું જીવન,ફાંફા મારતુ મન, છોકરા પાસે સમય નથી મારી સાથે થોડી બેસી વાતો કરવાનો,પણ શું આ ઉંમરે મને કોઇ સંગાથી મળે ખરી ?

વિચારો વમળમાં અવારનવાર અટવાતા અર્જુનભાઇને એમની ઉંમરની એક ગુજરાતી સ્ત્રી મળી ગઇ.તે પણ સમદુઃખી હતી.બંનેના વિચારોમાં મેળ પડ્યો.કાળીદાસભાઇ,પાંસઠ વર્ષની ઉંમરે લગ્ન કર્યાં.બંને પક્ષે પૈસાની અછત ન હતી કે ન હતી મિલકતની કોઇ ખોટ.માત્ર ખોટ હતી “એકાંતી જીવન”.હા,દેશમાં તો લોકો કહે કે સાઠ પછી તો “પ્રભુમય જીવન,સંસારથી અળગા રહી ભક્તિ કરવી જોઇએ.” આવી સલાહ મળે…પણ આ અર્જુનભાઇ આજે એમની પત્ની મોહીની સાથે સ્વર્ગ જેવી જીંદગી જીવી રહ્યાં છે.

ઘણીવાર અર્જુનભાઇ મને સલાહ આપે છે કે સોહિલ, પરણીજા, જલસા કર.દોસ્ત, સ્વર્ગ-નરકના વિવાદની ફીલોસોફીમાં પડ્યા વગર અહીં જ સાચું સ્વર્ગ છે એમ માની જીંદગીની મસ્તી માણી લે.સમાજની પરવા ના કર.સમાજની ટીકાઓએ  તો શ્રી રામચન્દ્ર ને પણ નથી છોડ્યા. કાળીદાસભાઇ,સાચું કહું ‘ અર્જુનભાઇની સલાહ મેં ન માની.પણ ઘણીવાર લાગે છે કે કોઇ સમાજની પરવા કર્યા વગર પરણી ગયો હોત તો કેટલું સારું ?આ ભવમાં માત્ર વૈતરું જ લખેલ છે.આપણો દેશ  હતો ત્યારે ઘરમા  સૌથી મોટો મેટ્રીક પાસ કરી શાળાંતની પરીક્ષા આપી અને શિક્ષક તરીકે નોકરી સ્વીકારી.પગાર પણ બહુ સારો નહિ પણ પત્ની સુશીલ અને સંસ્કારી મળી.ઘરમાં કરકસર કરી ગુજરાન ચલાવે.લેખા એવી તો ખાનદાન હતી કે પડોશમાં સૌને લાગે કે અમો બહુ જ આનંદથી અને ખાધે પીધે સુખી છીએ.

અમારે બે બાળકો થયા.કેતન અને કેતુ.બંને બાળકોને લેખા દરરોજ સાંજે લેસન કરાવે,ભણાવે તેમ જ સવારે બાળકોને નિશાળે મૂકી,પાર્ટટાઇમ એક વીમા કંપનીમાં સર્વીસ કરે.બંને સાથે મળી સારો પરિશ્રમ કરી થોડી બચત કરી ઘર પણ લીધુ. અમારા કુટુંબમાં અમે ત્રણ ભાઇઓ એમાં શૈલે્ષ સૌથી નાનો.એને પણ ભણાવવાની અમારી હોંશ હતી.હોંશિયાર હતો.લેખા પણ શૈલેષને દિકરાની જેમ રાખે,હાથખર્ચી આપે.ઘરમાંથી એક વ્યક્તિ સારું ભણે,ગણે તો આખું કુટુંબ આગળ આવી જાય.શૈલેષને ભણાવ્યો,ઘણો જ હોંશિયાર હતો.એ સમયે અમેરિકા આવવું બહુ જ કપરું ન હતુ.મેરિટને આધારે અમેરિકા આવવાનુ થયું.મેં મારી બચત અને થોડા પૈસા મિત્રો પાસેથી ઉછીના લઇ ટિકિટનો મેળ પાડ્યો.શૈલેષ અમેરિકા આવ્યો,સારી જોબ મળી.અહીં અમેરિકામાં જ છોકરી મળી ગઇ,પરણી ગયો,અમેરિકન નાગરિક થયો.

શૈલેશે મારા માટે સ્પોન્સરના પેપર્સ મોકલ્યા.પણ અમેરિકા આવવા માટે એરલાઇનની ટિકીટનો ખર્ચ કાઢવાનો હતો.ઘર ગીરવે મૂકી પૈસા લીધા.પત્ની બે પૂત્રો દેશમાં રહ્યા.અમેરિકન ધરતી જોઇ.દેશની ભવ્યતા જોઇ.રહેણી કરણી જોઇ,ખુશ હતો.પણ શૈલેષની પત્નીમાં કોઇ જાતનો ઉમંગ કે મીઠો આવકાર મેં ના જોયો.મન મનાવી લીધું કે દરેકનો સ્વભાવ સરખો થોડો હોય છે ? હું તો મોટો છું મન મનાવી લેવું પડે.

શૈલેષ જોબ પર જાય.તેની પત્ની સાથે મારે દિવસ પસાર કરવાનો.એના મોંઢા પર હાસ્યનો અભાવ.એને હસતી જોઈ છે જ્યારે  એમની બેનપણી સાથે ફોન પર કલાકો સુધી વાત કરતી હોય અને ખડખડાટ હસતી હોય ! સવારે દસ વાગે ઉઠે,બાથ લઇ અગિયાર વગે સિરીયલ અને દૂધ ખાય..બપોરે લંચમાં માત્ર જ્યુસ.. આપણે તો દેશમાં ત્રણ વખત ખાવાની ટેવ,વહેલા ઉઠવાની ટેવ..અહીં તો બપોરે ભૂખ લાગે તો શૈલેષની પત્નીને પૂછીને પછી ખાવાનુ;જે આગલા દિવસે બનાવેલું હોય તે.ઘણી વખત મનમાં થઇ આવે કે હું ક્યાં આ દેશમાં આવીને ફસાઇ ગયો.પણ મનની વાત મનમાં જ રાખવાની.કોને કહું? શૈલેષ સાંજે આવે ત્યારે એકાદ કલાક સાથે બેસી થોડી વાતો થાય.પછી સાથે જમીએ એમાંયે શૈલેષની પત્ની ગણી ગણીને રોટલી અને રસોઇ બનાવે..

મહિના બાદ શૈલેષના મિત્રની ઓળખાણ થી સ્ટોરમાં જોબ તો મળી ગઇ.પગાર ઓછો,પણ નહિ મામા કરતા…કાણો મામો શું ખોટો ? એમ મન મનાવી લેવાનું.શહેરમાં તો “ઠંડી તો કહે મારું કામ”,બે બસ લઇ ભાઇના ઉતરેલાં ગરમ કપડાં પહેરી જોબ પર જવાનું.પહેલો જ પગાર આવ્યો અને શૈલેષ અને એની પત્નીએ કહ્યું,ભાઇ,તમે કોઇની સાથે પાર્ટનરશીપમાં રહો.અહીં ઘરમા ઘણી જ સંકડાશ પડે છે.ઘણું જ દુઃખ લાગ્યુ.આખી રાત ઉંઘ ના આવી,રડી રડીને ઓશીકુ પણ ભીનું થઇ ગયુ.જે ભાઇને મેં ભણાવી આગળ વધાર્યો,મેં મારી જાતની પરવા ન કરી,મન મોટું રાખી સ્વપ્ના સેવ્યા કે નાનો ભાઇ આગળ આવશે તો કુટુંબ તરી જશે….એ જ ભાઇ ….આજે સંકડાશ અનુભવે છે !!

અમેરિકાનો બહું ભોમિયો પણ નહી; એક મિત્ર મળી ગયો, તેની  ઓળખાણથી શહેરમાં એક રૂમ ,રસોડું અને નામનું બાથરૂમવાળ્યું  સ્ટુડિયો એપાર્ટમેન્ટ મળ્યું. જેમાં અમો ચાર ગુજરાતીઓ સાથે રહેતા હતા જેથી ખર્ચો ઓછો આવે અને થોડી બચત થાય. મેં કદી કાર પણ ચલાવી નહોંતી અને કાર ખરીદવાના પૈસા પણ નહોતા.આવી પરિસ્થિતીમાં કડકડતી ઠંડી અને સ્નો પડતો હોય તો પણ બે બસ,ટ્રેઈન લઈ જોબ પર જતો. સાંજે ઘેરે આવીએ ત્યારે બધા સાથે મળી જે આવડે તેવી કાચી-પાકી રસોઈ બનાવી જ્યાં જગા મળે ત્યાં સ્લીપીંગ બેગ પાથરી સુઈ જવાનું! કહેવત  છે ને ‘ભુખ ના જુવે એઠો ભાત, ને ઊંઘ ના જુએ તુટી ખાટ“. એટલા થાકેલા હોય કે પથારીમાં પડ્યા એવા નિંદ્રાને વશ થઈ જઈએ! વીકએન્ડમાં મારો જીગરજાન દોસ્ત સુભાષ મને શુક્રવારે એમના ઘેર કારમાં લઈ જાય અને એમના ઘેર લઈ જાય.એમની પત્નિ શોભા રસોઈમાં ઘણીજ પ્રવિણ હતી એટલે જાત જાતની વનગી ખાવા મળે, સુભાષ મને રવિવારે સાંજે પાછો મારું રેસીડેન્ટ ૨૫ માઈલ દૂર હોવા છતાં પોતાની કારમાં મારા એપાર્ટમેન્ટમાં મુકી જાય અને સાથે એમની પત્નિ શોભા મને થેપલા પણ બાંધી આપે. એજ મિત્રે મને ડ્રાઈવિંગ શિખવાડ્યું, લાઈસન્સ અપાવવામાં ઘણીજ મદદ કરી. આવા મિત્રો મળવા મુશ્કેલ છે જેણે મને પાર્ટટાઈમ જોબ પણ અપાવી જેથી હું વધારે સેવીંગ કરી શકું.સુભાષના ઉપકાર અને આભાર વ્યક્ત કરવા મારી પાસે શબ્દ નથી!

કરકસર , પાર્ટટાઈમ જોબ કરી મેં સારી એવી બચત કરી. મારી પત્નિ સુલેખા,અને બે દિકરાને મેં સ્પોન્સર કર્યાં.મારા કુટુંબને જોઈ મને જે હર્ષ-લાગણીની અનુભુતી થઈ કે જાણે સાગર,સરિતા અને ચાંદ સૌનું મિલન થયું!.મોટો કેતન હાઈસ્કૂલ કરીને અને નાનો કેતુ હાઈસ્કૂલમાં હતો! બન્ને બાળકોએ એરપોર્ટ પરજ મને પુછ્યું: પપ્પા! શૈલેશકાકા ક્યાં છે અમને લેવા નથી આવ્યા? શું જવાબ આપું? મારું કુટુંબને આવ્યા બે વિક થયાં પણ શૈલેશ કે એમની પત્નિને મળવા આવવાનો કે ફોન કરવાનો સમય નહોતો! એક દિવસ ઉભાપગે આવ્યા..હલો..હાય કહી કહેતા ગયાં: ‘અમારે એક મિત્રને ત્યાં ડીનરમાં જવાનું છે ..મોડું થાય છે.’

સુલેખાએ મને કહ્યું: શૈલેશભાઈ આટલા બધા બદલાઈ ગયાં છે કે થોડો પણ સમય કાઢી  અમારા ખબર-અંતર પણ ના પુછી શકે?!” મેં પ્રોત્સાહન આપતાં કહ્યું: લેખા અહીં વીકએન્ડમાં  સૌ બહુંજ બીઝી હોય છે.વીક એન્ડમાં શૉપીગ, ગ્રોસરી, હાઉસ-કલીનીંગ, મિત્રોને મળવાનું ઘણું બધું કામ હોય છે. આપણે મન  મોટું રાખી રહેવાનું! ખોટું નહી લગાડવાનું.

સુલેખા અમેરિકા આવી એજ રાતે અમો મન મુકી આખી રાત વાત કરી. અહીંના રિત રિવાજો, રહેણી-કરણી તેમજ અહીં અમેરિકાના લોકોમાં પ્રમાણિકતા,સહાનુભુતી, પ્રેમની અદભુતતાની વાતો કરી એથી એ ખુશ થઈ.  પણ સાથોસાથ તેણીના આંખમાંથી આસું સરવા લાગ્ય અને બોલી: ‘સોહિલ મને માફ કરજો મે તમારાથી એક વાત છુપાવી છે. મેં તમને ચિંતા ના થાય એથી ફોન પર કદી આ વાત નથી કરી.” શું છે એ તો મને  હવે કહે?..’સોહિલ મને બ્રેસ્ટ-કેન્સર છે‘..સુખની પળોમાં એકદમ અચાનક ઘનઘોર વાદળા આવી ચડે અને તુફાન સાથે વિજળી ત્રાટકે ને જે ઝાટકો લાગે એવો ભયંકર આઘાત મને લાગ્યો !  પણ બીજીજ ઘડીએ સ્વસ્થ થઈ સુલેખાને કહ્યું: ‘તું ચિંતા ના કરીશ.આ દેશમાં આધુનિક મેડીકલ ટ્રીટમેન્ટ અને કાબેલિયત ડોકટર છે એથી તને કશો વાંધો નહીં આવે.’.સોહિલ તમારી વાત સાચી છે પણ પ્રભુના હાથ સૌ કરતા લાંબા છે, મારું કેન્સર થર્ડસ્ટેજ પર આવી પહોચ્યું છે..આખા શરીરમાં ફેલાઈ ગયું છે હું અહી આવી છું માત્ર આપણા બાળકોને તમને સોંપવા! તમારી સાથે ઘણુંજ સુંદર સુખી જીવન જીવી બસ હવે તમારાજ ચરણમાં શેષ જીવન વિતે અને અહીંજ મારો ચુડીં ચાંદલો પહેરી એક સૌભાગ્યવતી બની આપના ચરણમાં પ્રાણ છોડું એજ પ્રાર્થના!”

તેની વાતોથી ગળગળો થયેલ સોહિલ કંઇ કહે તે પહેલા સુલેખા બોલી “ મારી તમને એક વિનંતી: કહેવાય છે કે અમેરિકાતો પરીઓનો દેશ છે જે સમય મારી પાસે છે તે સમયમાં મને આ દેશમાં બધે ફરવા ને જોવા લઈ જશોને?’ .

‘લેખા, હું શાહજહાં તો નથી પણ તારી આ નાનકડી ઈચ્છા જરૂર હું પુરી કરીશ, તું છે તો આ દુનિયા છે, પૈસો છે,સુખ છે.બધું પાછું મળી શકશે પણ તું જો નહીં તો…કહેતા કહેતાં સોહિલ નાનાબાળકની જેમ ચોધાર આંસું એ રડી પડ્યો!

નાઈગ્રા-ફોલ,ડીઝની-વર્ડ, લીબર્ટી સ્ટ્ચ્યું, નાસા સેન્ટર. ઈસ્ટ-વેસ્ટ અને મોટાભાગના જોવા લાયક સ્થળોએ સોહિલ એક મહિનાની રજા લઈ ફરવા લઈ ગયો.કુટુંબમાં સૌને મજા આવી ગઈ.ઘેર પાછા ફર્યા.સોહિલ પાસે ઈન્સ્યુરન્સ સારો હતો એથી સુલેખાની સારવાર સારા ડોકટર પાસે કરાવી પણ ડોકટરે સોહિલને કોઈ જાતની આશા આપી નહીં.માત્ર બે મહિનામાંજ સુલેખાએ આખરી વિદાય લીધી.બન્ને બાળકોના ભણવા ગણાવાની જવાબદારી મારા શીર પર આવી. કહેતા સોહિલની આંખ ભીંની થઈ ગઈ!

કેતન અને કેતુંને ભણાવ્યા, કેતન બે વર્ષ કોલેજના કરી જોબની ઓફર સારી મળતા કોલેજ છોડી દીધી. કેતન એક  ગુજરાતી છોકરી સાથે પ્રેમમાં પડ્યો અને એકાદ વરસમાં બન્ને ના લગ્ન થયાં.કેતનની પત્નિ સંગીતા ઘણીજ સુશીલ અને સમજું હતી અને તેણીની જોબ પણ સારી હતી. સૌ સાથે ત્રણ બેડરૂમના એપાર્ટમેન્ટમાં સાથે રહ્યાં.

મારી ઉંમર પાસઠ થવા આવી ત્યારે અમારી કંપની એ જુના એમ્પ્લોયીને એક પેકેજ ઑફર કર્યું, જેમાંજે નિવૃત થાય તેની  છ મહિના સુધીનો પગાર તેમજ ૨૦હજાર ડોલર રોકડા. મેં વિચાર્યું: છમહિના બાદ હું ૬૫નો થવાનો છું જેથી સોસિયલ સિક્યોરીટીના પૈસા, ઉપરાંત ૪૦૧ પ્લાનમાંથી  પૈસા  મળશે તેમજ કેતુંને કોલેજમાં જવા ફૂલ સ્કોલરશીપ મળવાની છે તો હું શા માટે હવે વૈતરૂ કરૂ? મારી લાઈફ એન્જોય શા માટે ના કરૂ? એજ નિર્ણય સાથે નિવૃત થવાનું નકી કર્યું.

નિવૃત થયા બાદ હું કર શું? સુલેખાની કંપની નથી, બાળકો એમની દુનિયામાં બીઝી છે.. હા.સુલેખાના છેલ્લા શબ્દો યાદ છે: “તમો બાળકો ભણી લે ત્યાર બાદ કોઈ સારૂપાત્ર મળે તો ફરી લગ્ન કરી લેજો.આ દેશમાં એકલું પડવું કે રહેવું એટલે ભીંત સાથે માથું પટકવા સમાન છે.’ નિવૃતી બાદ એકાંત જરૂર લાગે છે.રાત્રે મન ક્યાંનું કયાં દોડી જાય છે? દેશમાં જઈ કોઈ સુપાત્ર મળે તો..પુન:લગ્ન કરી લઉ! પણ ઘરમાં દિકરાની વહું આવી ગઈ છે આ ઉંમરે મારા લગ્નની વાત હું કેવી રીતે કરી શકું?

‘ ડેડી હવે તો તમારી ઉંમર થઈ આ ઉંમરે બસ પ્રખુભજન અને અમારા બાળકો સાથે રહી બસ આનંદ કરો!” કેતને જમતા જમતા વાત ઉચ્ચારી. “ડેડી સાચી વાત કહીને?.”

“હા બેટા સાચી વાત છે મે સુરમાં સુર પુરાવ્યો…અને મનોમન બોલ્યો: દિકરા હું કોઈ ઋષીમુની નથી..કે નથી કોઈ મહાનસંત! વિશ્વામિત્ર જેવા મહાઋષી મેનકાના પ્રેમમાં પડી શકતા હોય ત્યાં મારા જેવા સામન્ય માનવી ઈચ્છાને કેવી રીતે બાળી ભસ્મીભૂત કરી શકે? મારી યુવાનીમાં કૌટુબિક જવાબદારી, મોટી ઉંમરે અમેરિકામાં આવી ગધ્ધામજુરી..પત્નિવિના વર્ષો કાઢ્યા! મોટી આશા અરમાન કુટુંબને બોલાવ્યું.પત્નિના અસાધ્ય રોગથી પિડાઈ! પત્નિ સુખ ના મળ્યું! સ્વપ્ના નઠારા નિકળ્યા: લેખા અહીં આવશે, હું નિવૃત થયા બાદ બન્ને આરામથી સુખી જીવન જીવીશું. આમં કશુંએ ધાર્યું થયું નહી.”

‘કાળિદાસભાઈ, સાચુ કહું કે કોઈવાર માથું દુ:ખે, ઉંઘ ના આવે, છોકરા એમના રૂમમાં હોય, કોણ ઉભું થઈ આપણને પુછે કે તમને શું થાય છે? માથુ દુ:ખે છે ?એસ્પ્રીન આપું? આવા અશ્વાસન ભર્યા શબ્દો કોણ કહે? અરે! પ્રેમથી કોઈ આ સમયે વાતું કરે તો આપણું અડધું દર્દ દુર થઈ જાય!

મારા ગ્રાન્ડકીડ બે છે બન્ને સાથે આખો દિવસ પસાર થઈ જાય.બન્ને જબરા તોફાની છે.મને આ ઉંમરે દોડાદોડી કરાવે! આટલું બાળકો પ્રત્યે ધ્યાન આપતા કોઈ વાર બાળકોને દોડતા દોડતા નાનુ એવું વાગી જાય.  કેતન અને સંગીતા બન્ને સાંજે જોબ પરથી આવે તો આપણું તો આવી જ બને! ‘ડેડી તમે કશું છોકરા પ્રત્યે ધ્યાન નથી આપતાં.આખો દિવસ તમે કરો છો શું? બાળકોની સંભાળ કેવી રીતે રાખવી તેનું લાંબું લાબું લેકચર આપવાનું શરૂ થઈ જાય! ઉપરાંત બાળકોની સલામતીના બેચાર પુસ્તકો લાવી આપે અને કહે આ વાંચો! ખ્યાલ આવે કે બાળકોની સંભાળ કેવી રીતે કરવી..! મેં એમને આટલા મોટા કર્યા,ભણાવ્યા, ગણાવ્યા બધુંજ પાણી માં! પણ આપણે કશું કહેવાનું નહી.ચુપચાપ સાંભળી લેવાનું..દુ:ખ થાય, હસતા મોંએ સહન કરી બેડરૂમમાં જઈ રડી દુ:ખ હળવું કરી લેવાનું.

‘કાળિદાસભાઈ, તમો તો નસીબદાર છે કે તમારી સાથે ભાભી છે.એક બીજાને સુખ‘દુખની વાતો કરી હૈયું હળવું થઈ જાય ભાઈ! સોહિલની વાતો સાંભળી કાલીદાસભાઇ અને લતાબેન ને તેમનુ દુઃખ” છોકરો સાચવતો નથી”  તે ઘણૂ જ નાનુ લાગ્યુ..અને બસ ત્યાં જ સરગમ બેન સોહિલનાં મનમાં ઝબક્યા..કોઇક્નુ સુખ કે દુઃખ ઓછુ કરવુ હોય તો એક જ નિયમ તેમના સુખ કે દુઃખ પાસે તેમની લીટી કરતા મોટી લીટી દોરી દેવી…”

પાનખરમાં પણ હસ્તું મોં રાખતી એક “મા“ની વાત તમને કહું તો તમારું હ્ર્દય દ્ર્વી ઉઠશે. મારા મિત્રની બા ને બે દિકરા છે અને પૌત્ર-પૌત્રાઓ સાથે  આખો દિવસ બેબી સીટીંગ કરે , છોકરાઓના  બેબીસીટીંગના  મહિને ૫૦૦ થી ૬૦૦ ડોલર્સ  બચાવે,સાથો સાથ  બા ને અમેરિકન  સરકાર તરફથી સોસિયલ સિક્યોરિટીના ૬૦૦ ડોલર્સ આવે તે તેણીના બન્ને છોકરા લઈ લે. મા તો એમના માટે દુઝણી ગાય! પણ એજ માને જ્યારે સ્ટ્રોક આવ્યો,અને ત્યાર બાદ યાદ-શક્તિ ચાલી ગઈ, જીભ થોથરાઈ અને પરથારીવશ થઈ ગયાં.બસ બા હવે સાવ નકામા થઈ ગયાં. જોબ કરતાં કરતા બા ની સંભાળ કોણ રાખે ? બન્ને છોકરા અને એમની પત્નિ એ બા ને નર્સિંગહોમમા ધકેલી દીધા.મહિને એકાદ વખત છોકરા જોવા આવે.હું પણ એકા વખ્ત બા ને જોવા ગયો. એમની યાદશક્તિ નાશ પામવાથી મને ઓળખી ના શક્યા પણ એમના હસમુખા સ્વભાવ મુજબ “હસતા હતાં!: એજ બાને યમરાજાના તેડા આવ્યા…બા આ સ્વાર્થી દુનિયા છોડી જતા રહ્યાં.એમના મૃત્યું સમયે તેણીના છોકરા વેકેશન પર ગયા હતાં .બા નો મૃત દેહ  હોસ્પિટલમાં ચાર દિવસ ઠંડારૂમ પડી રહ્યો. કોઈની પાસે એમનો કોન્ટક્ટ નંબર હતો નહી .બે દિવસબાદ એમનો ફોન આવ્યો ત્યારે તેમને જાણ થઈ. બાની ફ્યુનરલ તારીખ નક્કી થઈ હું પણ ત્યાં હાજર હતો..એજ હસતો ચહેરો અને એજ હસતા ચહેરા પાછળ છૂપાયેલી કરૂણ વેદનાની વાર્તા આજ અહીં અગ્નિદાહમાં ભસ્મિભૂત થઈ જશે?

અહીં સૌની સ્વાર્થની દુનિયા છે.કોણ કોનું છે? જીવતા કોઈ જાણે નહીં, મર્યા પછીની પોક શા કામની? બાના ફ્યુનરલમા બા ની એક મોટી તસ્વીર પાસે દિકારાઓ મુકેલ  મોઘામાં મોઘા ફૂલ ગુચ્છ  ,સળગતી અગરબત્તીમાંથી વહેતી મહેંક એ શું મા પ્રત્યેનો સાચો  “માતૃપ્રેમ” દાખવતો હતો ? બાજુંમાં પડેલી ગેસ્ટબુકમાં  લખેલ હતું:”હે પ્રભૂ ! ભવોભવ આવી મા આપજે!” ખરે ખર?

કાળિદાસભાઈ, કહેવત છે ને: “પીપળ પાન ખરંતા, હસતી કુંપળિયા, અમ વીતી, તમ વિતશે, ધીરે બાપુડિયા.” દરેકને આ કાળચક્રમાં ફરવાનું છે,સૌ જાણે છે પણ જ્યાં સુધી માનવી આ પરિસ્થિતિમાં ના પહોંચે ત્યાં સુધી..”જાનકરભી અનજાન હૈ” નો ડોળ કરે છે. કોઈ શિખામણની અસર નવી પેઢી પર પડતી નથી!

ઘણીવાર મિત્રો સાથે ચર્ચા થાય કે  ”વૃધ્ધાવસ્થામાં  જિંદગી કેવી રીતે જીવવી જોઈ એ?” ઉંમર પ્રમાણે આંખ, કાન તેમજ આપણા શરીરના ઘણાં અવયવો નબળા પડે, રોગો વધે પણ અહીં અમેરિકામાં આધુનિક દવા અને આધુનિક સવલતોને આધારે કહેવાય છે કે માનવીનું આયુષ્ય લંબાય છે.તેવી પરિસ્થિતિમાં આપણે બાળકોના બોજ રૂપ થવા કરતાં  એકલા રહી સ્વાલંબી જીવન જીવવું એ વ્યવ્હારિક અને હિતમાં છે. કોઈ અસાધ્ય રોગ કે અપંગ બની જવાય ત્યારે કોઈને પણ બોઝારૂપ બનવા કરતાં“નર્સિંગહોમ:નો આસરો લેતા ખચકાવું ના જોઈ એ. અમેરિકનમાં વસતા ઘરડા મા-બાપ સ્વંતત્ર જીવન જીવવામાં  જ માને છે. આપણે પણ જે સારૂ હોય તે સ્વિકારવું જોઈ એ.ઘરડા મા-બાપને “મધર ડે“, ફાધર ડે કે  અન્ય તહેવારમાં ફૂલ,ફ્રૂટબાસ્કેટ, કે કોઈ ગીફટેબલ આઈટેમ  મોકલી  બાળકો મા-બાપને પોતાનો પ્રેમ વ્યક્ત કર છે.અરે કાળિદાસભાઈ હવે તો આપણાં દેશમાં પણ યુવાન પેઢી પોતાના મા-બાપની કાળજી ક્યાં લે છે?

કાળિદાસભાઈ, મારો નાનો દિકરો કેતું પણ પરણી ગયો છે. તેની વાઈફ બહુંજ પૈસાદાર કુટુંબ માંથી આવી છે.તેના સસરાએ  મોટું ધર  અને લેક્ષસ કાર મેરેજમાં આપી પણ મેં મારો છોકરો હાથમાંથી ગુમાવ્યો! શું કરૂ? એજ કેતું નાનો હતો ત્યારે મને કહેતો” ડેડ, હું મોટો થઈ પછી એક મોટું ઘર અને તમારા માટે નવી કાર  લઈશ અને આપણે સૌ સાથેજ રહીશું અને મજા કરીશું!” એજ દિકરો આજે મારા જન્મ દિવસે “હેપ્પી બર્થ ડે” નો ફોન કરવાનું પણ ભુલી ગયો છે.

‘ભાભી, મારા મિત્રને મારી વાત સાંભળતા કેટલી સરસ ઊંઘ આવી ગઈ?નસીબદાર છે કે દિવસે પણ એ ઊંઘી શકે છે! ભાભી ચાલો હું હવે રજા લઉં..

‘ના,ના ઉભા રહો તમને “જયશ્રીકૃષ્ણ” ક્યાં વગર એ નહી જવાદે..મને પાછળથી લડશે કે સોહિલને ગયો અને તે મને કેમ ના જગાડ્યો?..ઊંઠો! આ સોહિલભાઈ જાય છે એમ કહી લતાભાભી એ કાળિદાસભાઈને ઢંઢોળ્યા પણ કશો જવાબ ના મળ્યો.આંખો બંધ, મો ખુલ્લું..લતાભાભી એ ચીસપાડી. નર્સ દોડતી આવી, ડોકર્ટર આવ્યા, હાર્ટ તપાસ્યું, હ્રદયે ધબકવાનું બંધકરી શાંત થઈ ગયું હતું!.સોહિલ રડતાં રડતાં બોલ્યો: “ભાભી મારા મિત્રે મને જયશ્રીકૃષ્ણ કહ્યું હશે પણ હું મારી વાતમાં એટલો મશગુલ હઈશ કે મે એમનો છેલ્લો  “હોંકારો” નહી સાંભળ્યો હોય!” લત્તાભાભી એ હાથ ઉંચા કરી એજ પલંગ પર જોરથી પછાડ્યા, બંગડી તુટી,ભાગ્ય ફૂટ્યા! એજ નર્સિંગહોમમાં લત્તભાભી એકલા અટુલા, બેબાકળા,અર્ધગાંડા જેવા થઈ ગયાં..”સોહિલભાઈ મારૂ હવે શું થશે? મને એ સાથે કેમ ના લઈ ગયાં? હું અહી ભૂતખાનામાં એકલી કેમ રહી શકીશ?”

સોહમને ત્યારે એવું લાગ્યુ કે સરગમબેન તેને કહી રહ્યા હતા: સોહિલ, લત્તાબેનની એકલતા રુદન અને કાળિસદાસભાઈ મૃત્યુ એ માનવીને સતત ચાલતા કાળચંક્રની યાદી આપતું રહે છે!

Advertisements
This entry was posted in નિવૃત્તિ નિવાસ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s