નિવૃતિ નિવાસ (૧૦) વિજય શાહ

 

પેસ્તનજી દારૂવાલા પણ મનમાં તે સમય યાદ કરતા હતા જ્યારે પહેલી વખત સરગમ બેન સાથે મળ્યાં હતા. કાવસજી એમનો ભાણો અકસ્માત મૃત્યુ પામ્યો પછી પેસ્તનજી દારુવાલા એકલા પડી ગયાં હતા અને ધીમે ધીમે ધંધો ઓછો કરી નિવૃતિ નિવાસ તરફ પ્રયાણ કર્યું હતું. ૭૧ વર્ષની ઉમરે જ્યારે ત્યાં આવ્યા ત્યારે સરગમ બેન પહેલાં હતા જેણે પેસ્તનજી ના મનની વાત જાણી હતી.

કંપવા થયાં પછી એકલા જાતે રહેવા વાળી વાત ઉપર મન માનતું ન હોવાં છતાં રોઝી અને ટોની તેમને અહીં મુકવા આવ્યાં હતા. મામાની સારવાર ન કરી શકવાની લાચારી સાથે સાથે… સારી સારવાર અને આકસ્મિક ભયોથી બચાવવા અને સરખી ઉમરના માણસો વચ્ચે રહે તો સુખઃદુખ સરખું વહેંચાય જેવી ઘણી બધી વાતો મનમાં હતી.

વ્રુધ્ધાવસ્થા અને બાલ્યાવસ્થા સરખી હોય અને જેના ઉપર ભરોસો હોય તેની વાત તો ટાળવી શક્ય જ ન બને…. બસ તેમજ તે દિવસે ટોની બોલ્યો “મામા તમને એકલા ઘરે મુકીનેજતા મનમા બહુજ ભય લાગે છે. કંપવાને કારણે તમારી ચાકરી હું કે રોઝી સરખી રીતે નથી કરી શકતા. મામા જેમ હોસ્પિટલમાં રહીએ તેમ નિવૃતિ નિવાસમાં રહો તેવું અમે ઈચ્છીએ છે.

અંતરમન થી પ્રસન્ન રહેવા ટેવાયેલા પેસ્તનજી એ પહેલા મહિના માટે પછી ૩ મહિના માટે… એમ ટુકડે ટુકડે નિવૃતિ નિવાસના પ્રયાણો શરૂ કર્યા. ક્યારેક મન બહુ ઉદ્વિગ્ન થતું તો કાગળ-પેન લઈ ડાયરી લખતા અને “ખોદાયજી હવે અમારો ઉધ્ધાર કર” એમ નિઃસાસો નાખતા.કંપવા ને લીધે સારવાર માટે સરગમ બેનની સલાહ લેતા. પેસ્તનજી ને તે દિવસે બહુ જ હસવું આવ્યું. તેમના હાસ્ય થી આમ તો નિવૃતિ નિવાસ અજાણ્યું નહોતું પણ સરગમબેન સાથે શુંય વાત થઈ ને તે ખડખડાટ હસી પડ્યા. વહેતાં ઝરણા નાં કીલકીલાટની જેમ એ હાસ્ય જ્યારે બંધ થયું ત્યારે સરગમ બેન મલ્ક્યાં

“પેસ્તનજી કેમ આટલું બધું હસવું આવ્યું” ત્યારે પેસ્તનજી બોલ્યાં અઝરા પણ એક દિવસ આમ જ મને પુછી બેઠી…’પેસ્તન તુ તો બોલીસ કે નહીં, પણ મને જ તારો હાથ પકડવા દે. તું માનસ સારો છે અને તારી સાથે મારો સંગાથ જીવનભર જશે…”પછી શું થયું? નો જવાબ સાંભળવા સરગમ બેન ત્યાં નહોંતા.

જીવન ધારે છે તેટલું સરળ ક્યાં છે? આમ તો એકમાત્ર જીવન છે પણ નિર્ણયો ક્યારે કેવા લેવાઈ જાય છે અને ક્યાં જવું હોય ને ક્યાં પહોંચી જવાય છે. વિચારતા વિચારતા પેસ્તનજી બોલ્યા- ‘અઝરા તુ શું બોલે છે?’
‘તારી સાથે વાતો કરી કરી હું ઘરડી થઈ જઈશ પણ તું એવો સીધો સાદો છે કે મારા મન ની વાત તુ મને કહે તેમ લાગતું નથી….”.
‘જો એક વાત સાંભળ- કાવસજી મારો ભાણેજ નહીં, દીકરા જેમ તેને ઉછેર્યો છે. કારણ તો તને ખબર છે ને તેને જણીને મારી બેન ખોદાયજી પાસે ચાલી ગઈ. હવે તને તુ લગન પહેલા મારી સાથે મારા ભાણાની જવાબદારી કેમ સોંપાય તે કહે!’
‘પણ તું મનને એટલો ગમે છે કે જેની કોઈ વાત નહિ… તુ અને તારા કાવસજી બન્ને ને જાળવીશ.’
‘અઝરા તો મને વાંધો નથી પણ એક વાત જોડે બીજી સાંભળ, કાવસજી પછી તારા દીકરા- દીકરી થાય ને તુ કાવસજી ને દુઃખ આપે તો મારી બેન દુઃખી થાય…..’
‘પણ ભલા માણસ તુ આજે જુવાની તો કાઢી નાખીશ ઘૈડાપો આવશે ત્યારે શું કરીશ? દિલનો સાફ માણસ છું એટલે તારી સાથે જીવન છોકરા વિના પણ કાઢી નાખીશ….’
અઝરા નાં આગ્રહ સામે પ્રેમભરી હાર સ્વિકારી પેસ્તનજી એ ઘર માંડ્યું… સુખ ભર્યા દિવસો કાંઈ લાંબા ઓછા હોય છે…. ૩૨ વર્ષની વયે અઝરા ને કેન્સર થયુ ને પેસ્તનજી નો મોટોભાગ તેને શેક અપાવવા અને ટાટા કેન્સર હોસ્પીટલ ના ધક્કા ફેરામાં જવા માંડ્યા. કાવસજી-અઝરા અને નાનલી દારૂની દુકાનમાં વહેંચાયેલા પેસ્તનજી…અઝરાની પીડાથી બહુ પીડાયા.. શેકના કારણે વાળ ઉતરી ગયા… શરીર ગળાતું ગયું… અને તે ગોઝારો દિવસ આવી ગયો જ્યારે અઝરા ભૂતકાળ બની ગઈ… પેસ્તનજીને બીજી ઘણી છોકરીઓ ૩૩ વર્ષની ઉંમરે મળતી હતી… પણ પેસ્તનજી કહે… જો દાંપત્યજીવન મારા નશીબમા હોત તો પાંચ વર્ષ માં અઝરા શું કામ જતી રહે… અને એ પણ સાચું છે ને કે
“દેહલગ્નની વિધવા ને પુર્નલગ્ન પુણ્ય સમાન
સ્નેહલગ્ન ની વિધવા ને પુર્નલગ્ન પાપ સમાન”
એમ વિચારી ને સંતુલિત વિધુરજીવન સ્વૈચ્છા એ પેસ્તનજી એ સ્વિકારી લીધું…
કાવસજી તે વખતે બાર વર્ષનો હતો અને પુરો સમજણો પણ.. તેથી તેની સાથે મિત્રાચારી વધી અને જીવન વહેતું ચાલ્યું… ક્યારેક એકાંતમા તલતમહેમુદ ના ગીતો ગણગણતા પેસ્તનજી ની જીંદગીમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે અઝરાની બહેનપણી સાધના અઝરા ના પત્રો પેસ્તનજી ને આપી ગઈ.
પેસ્તનજી જ્યારે કુંવારા હતા તે સમયના સાધના ઉપર લખેલા પત્રો હતા અને પત્રોમાં બસ પેસ્તનજી, પેસ્તનજી જ દેખાતા હતા… પણ એક પત્રમાં અઝરાની તકલીફોનુ વર્ણન હતું.. તેને કોઈક બીમારી હતી જેની સારવાર તે કરાવતી અને પેસ્તનજી ની વાતોથી તે હળવી થતી તેવો ઉલ્લેખ આવ્યો ત્યારે પહેલા તો પેસ્તનજીને આનંદ થયો પણ પછી સમજાયું કે રોગ તો લગ્ન પહેલા હતો… સ્ત્રી નિષ્ણાતો નુ માનવુ હતું તેને ગર્ભાશયનુ કેન્સર હતું અને તે મા બનવાની ક્ષમતા ગુમાવી ચુકેલી હતી.
પેસ્તનજી અંદરથી ખુબ જ મુંઝાયો…દુઃખી થયો પછી લાગ્યું… તે જાણતી હતી તેથી જ મને પસંદ કર્યો.. દીકરો તો કાવસજી હતો.. ઘરડે ઘડપણ કામ લાગશે.. સારવાર થાય ને બચે તો.. પણ તેના મનનો માનેલો હતો અને થોડીઘણી જીંદગી મળી છે તો માણી લેવાની તેની ઈચ્છાઓ માનવસહજ હતી..તેને જીવન ની એક દુર્ઘટના માનીને ભુલી જવા માંગતો હતો..પણ શું તેટલું સહજ છે ખરૂં?
ખૈર જુવાનીમાં તો પ્રવૃતિ મા દિવસો નીકળી ગયા… પણ જ્યારે કાવસજી અને રોઝીનુ લગ્નજીવન શરૂથયું ત્યારે અઝરાની બહુ યાદ આવતી… રોઝી સુધરેલા જમાનાની તેથી કાવસજીને તુ-તા કરે …પણ અઝરા કદી તેવું નહોતી કરતી. ખાસતો બે માણસો ની હાજરીમાં તો માનપુર્વક બોલાવતી અને સંયમથી સંસ્કારી વર્તતી.
કાવસજીનો પહેલો દીકરો આવ્યા પછી જિંદગી નવાવળાંક ઉપર આવી ઉભી..વર્ષોનુ વાત્સલ્ય પૌત્ર ઉપર ચલકાવા માંડ્યુ… કાવસજી અને રોઝી બન્ને L.I.C. મા અધિકારી હતા એટલે દુકાનેથી સ્કુલ બસમા મુકવાનુ..લેવા જવાનુ કામ વધ્યુમ અને દીકરા સાથેની વાતો વધી… કાવસજી અને રોઝીએ જીદ કરીને સ્ટોર વેચાવી નિવૄતિ લેવડાવી…અને દાદા ને દીકરો લાંબા સમય સુધી સાથે રહેવાના સ્વપ્ન જોતાં.
કાવસજી ક્યારેક ખુબ જ ચિંતીત રહેતો તો ક્યારેકખુબ જ પ્રફુલ્લિત… અને આ વર્તનથી પેસ્તનજીને નવાઈ પણ લાગતી…

તે દિવસે પુછ્યું…’કાવસજી તારૂં કાંઈ પ્રમોશન થયું છે કે શું?’ કાવસજી કહે ના પણ કામ સારૂં ચાલે છે. બોનસ મોટું મળવાનુ છે તેથી આનંદિત દેખાવ છું…. ભલે ભલે ક્યારેક ચિંતા અને ક્યારેક આનંદ બન્ને ટુંકા સમયમાં આવે તો બ્લડપ્રેશરમા ઘણો બદલાવ આવે… તેથી અમથું જ પુછ્યું
“મામા એવું છે ને કે આ બોનસમાં ગાડી લેવી છે અને ગાડી માં બધા ફરવા જઈશું. ટોની તમે હું અને રોઝી.”
ભલે ભલે…

તંદ્રામાં પડેલા પેસ્તનજી ની ઘરડી આંખોમાં સરગમ બેન મૂર્તિમંત થઈને કહે “પેસ્તનજી કેમ ક્યાં છો? અઝરા પાસે કે ટોની પાસે.. “

સહેજ સ્વસ્થતા મળતા પેસ્તનજી બોલ્યા… “કાવસજીને મળવું છે પણ હવે એ ક્યાં હશે?”
“કેમ શું કામ?”
“કાવસજી તો ઠરેલ ડ્રાઈવર હતો અકસ્માત કેવી રીતે થાય તે સમજાતું નથી… રોઝી અને ટોની સાથે ઘડપણ તો નીકળી જશે પણ જુવાનજોધ મૃત્યુ આજે પણ મનને ઉદ્વિગ્ન રાખે છે.
અઝરા પછી કાવસજી ગયો… પણ મારો વારો ક્યારે આવશે…આ કંપવા…ખાંસી અને હાઈ બ્લાડપ્રેશર થી ધ્રુજી જાવ છું”

સરગમબેને સીધી નજર કરી ને પેસ્તનજી સમજી ગયા…મનના ભાવો સરગમબેન જાણે છે…અને તેથી કહ્યું…”તમે તો સૌ જાણો છો તેથી વધું શું કહું? પેસ્તનજીભાઈ તમે ટુકડે ટુકડે ઘવાયા કરો તેના કરતાં ચાલોને અઝરાને સીધું જ પુછીએ…કે તું જુઠું શા માટે બોલી?”
પેસ્તનજીભાઈ કહે..”અઝરાને હું ચાહતો હતો પણ કાવસજી ની જવાબદારી ના નામે કાયર બની છટકતો હતો. એણે સામેથી પુછું તેથી ધારી લીધુ કે તેને પણ હું ગમુ છું… પણ તે તો મનથી જાણતી હતી કે તેની જીંદગી ચાર પાંચ વર્ષની છે…તો પછી…આવી કુટીલ ચાલ મારી પાસે કેમ ચાલી?

ક્ષણ માત્રમાં સરગમબેનનો ચહેરો બદલાઈ ગયો…અને તેની જગ્યાએ અઝરા હતી…નાનો કાવસજી હતો…અને પહેલી વખત જ્યારે કેન્સરના સમાચાર જાણ્યા ત્યારનો આઘાતગ્રસ્ત પેસ્તનજી ઊભો હતો…

અઝરા કહે-”પેસ્તનજી તેં પુછ્યું નહી મેં કહ્યું નહી …આમ આટલો આકળ વિકળ કેમ થાય છે?ગર્ભાશયનુ કેન્સર ડોક્ટરની ભુલ પણ હોઈ શકે…એનો ટેસ્ટ કેવી રીતે થાય… અને તુ ભલો માણસ પણ મને હું કોલેજમા હતી ત્યારથી તારા પ્રેમમાં પડેલી…તે પહેલો પ્રેમ મને તને છોડવા દેવા માંગતો નહોતો….તને કાંઈ ખબર છે મેં પણ મારી જાતને બહુ જ કોશી છે અને તેથી કાવસજીને કદી માનાં પ્રેમમાં ખોટનથી પડવા દીધી…”

પેસ્તનજી સાંભળતા હતા…અને આંખમાં દડદડ આંસુ પડતા હતા. વિનય પંડ્યા એ પેસ્તનજીને પાણી આપતાં કહ્યું-આ વલ્લ્ભભાઈને શાંત પાડતાં તમે ક્યાં ઢીલા પડવા માંડ્યા?

સરગમબેન ની ખોટ કાં પુરાય તેવી નથી…તેથી જરા યાદ આવી ગયું…ધ્રુજતા હાથે લાકડી પકડિ ને પેસ્તનજી તેમની રૂમ તરફ ગયા…અઝરાના શબ્દો હજી પડઘાતા હતા…તુ ભલો માણસ…હું કોલેજમા હતી ત્યારથી તારા પ્રેમ મા પડી હતી.. તે પહેલો પ્રેમ તને છોડવા દેતો નહોતો..
ટોની અને રોઝી તે દિવસે મળવા આવ્યા…પેસ્તનજી નુ ભાવતું ખાવાનુ ભિંડા અને કેરી નુ અથાણુ અને રૂમાલી રોટી લાવ્યા હતા…ટોની બહુ જ શાંતિથી રસમા રોટલી ડુબાડી ને દાદાને ખવડાવતો હતો અને કોણ જાણે કેમ તેમનુ મન ટોનીમા કાવસજીને શોધ્યા કરતું હતું. ટોનીનો મુખવટો કાવસજી કરતાં વધુ રોઝી જેવો હતો પણ અવાજ અદલ કાવસજી નો હતો

મામા દાદા કરતો તેની સ્કુલની અને જીવનની વાતો કરતાં કરતાં તે ખવડાવતો હતો. અને એણે વાત છેડી એના પપ્પાની….
“મામા દાદા તમે અહીં એકલા રહો છો તેના કરતાં પાછા અંધેરી આવી જાવને…હું તમારી ચાકરી કરીશ…મોમ ભલે નોકરી પર જાય…”

એકવીસ વરસનો ટોની જ્યારે આમ બોલ્યો ત્યારે બરોબર કાવસજીના ભણકારા વાગતા હતા…તેમનુ ન સદાય ઝંખતુ હતું કે કાવસજી હોત તો આ દિવસ જ નહોત. પણ તે નથી …તે તો આ દશા છે. જેને ખરવાનુ છે તે ખરે તે પહેલા દિકરો ગામતરૂ કરે તે વાત કોઈ પણ સ્વરૂપે પેસ્તનજી પચાવી શકતા નહોતા…તેમણે ટોની નાં માથે હાથ ફેરવ્યો…બેટા તારી વાત સાચી છે…પણ..અહીં ..અમારા જેવા સરખી ઉમરના લોકો વચ્ચે અમારો દિવસ સારો જાય અને કાંઈ વધારે તબિયત બગડે તો નર્સ તરત જ હાજર હોય.. ડોક્ટરને બોલાવતા વાર નહિ.
પણ મામા દાદા- પપ્પા હોત તો તમને અહીં ન રહેવા દેત ને …
તારી વાત સાચી છે દીકરા- પણ એ દુઝતા ઘાવો ને દુઝતા રાખવા કોઈ ડહાપણ નુ કામ નથી…પોલીસે ઈન્ક્વાયરી કરી…અકસ્માત મૃત્યુના કાગળો થઈ ગયા…તમારી જીંદગી તમે સરળતાથી વિતાવો છો…અહીં હું પણ સ્વસ્થ છું…અને આમ આવતા જતા રહીએ તો બધું ઠેકાણે પડી રહેશે…

રોઝી ગંભીરતાથી બોલી મામા! તમને લાગે છે પોલીસ અકસ્માત નો કેસ કહે છે તેવો આ બનાવ છે? મને તો પૈસા દબાવી કેસ બનાવ્યો લાગે છે…પેસ્તનજી ક્ષણભર રોઝી સામે જોઈ રહ્યા…અને પછી કહે- મારૂ પણ મન માનતું નથી કે કાવસજી ૮૦ની સ્પીડે એની ફીયાટ ચલાવે…અને ટ્રક સાથે અથડાઈ મરે…પણ જનાર હવે ક્યાં પાછું આવી શકે છે?

ટોની ના મોં પર ની ચિંતા જોઈ રોઝીએ વાત હળવી કરી પણ તે વાત પેસ્તનજીને ભારે કરી ગઈ…૩૦ ૩૫ વર્ષના અંધેરી ચાલનાં જીવનમાં…કાવસજીનો ઉછેર દરમ્યાન કે કોઈપણ તબક્કે કાયદો ના તોડનારનાં જીવનમાં દુશ્મન તો ક્યાં થી હોય…મન ગુંચવાયા કરે અને મોં પરનુ સ્મિત વિલાય તે પહેલા ટોનીને કહ્યું…કેમ ડીકરા હવે લગનનુ વિચારે છે કે હજી રોઝીને ચુલામાં થી બહાર નથી કાઢવી…

રોઝી તરત બોલી- જુલી જોડે ડેટીંગ કરે છે પણ પ્રપોઝ કરતાં ડરે છે…બિલકુલ તમારા પર પડ્યો છે…ટોની ખીજવાઈને રોઝીને કહે છે મમ્મી ! તુ પણ…શું જેની ને તેની વાતો કરે છે…તે તો મારી ફ્રેન્ડ છે…ગર્લ ફ્રેન્ડ નહીં…

પેસ્તનજીને તરત એજ વાત યાદ આવી જ્યારે અઝરા માટે તેની બેને પુછ્યું હતું… રોઝીને પેસ્તનજી એ કહ્યું ડીકરા સૌ ઠીક થઈ જશે.બુઢ્ઢો એની ચોથી પેઢી જોઈને જવાનો છે…ચિંતા ના કરીશ…
રસ રોટલી ભીં ડાનુ શાક અને અથાણુ ખાઈને પેસ્તનજી શાંતિથી રાત્રે સુઈ ગયા.

રાતનાં ૩ ના સુમારે અચાનક પેસ્તનજી ના માથા પર કોઈ હાથ ફેરવતું લાગ્યું…અને એમની આંખ ખુલી ગઈ…સરગમબેન એક વૃધ્ધ મા ના રૂપે તેમના માથા પર હાથ ફેરવતા હતા. પેસ્તનજી પોતાની જાતને વાત્સલ્યમાં ભીંજાતા અનુભવી રહ્યા હતા…
કોણ જાણે કેમ તે પુછી બેઠા… મા કાવસજીનુ મોત કેવી રીતે થયું?…સરગમબેન બોલ્યા…તેનુ મોત કુદરતી નહોતું…રોઝીની વાત સાચી છે. તેણે રાજકીય પક્ષનાં એક નેતાની ચોરી પકડી હતી…અને તેની ઉલટતપાસ માટે તે વખતે પૂના જવું પડ્યું હતુ. ૩ કરોડના દાવામા તે રાજકીય નેતાએ તેના માણસો પાસે મીલમાં આગ લગાવડાવીને ઈન્સ્યોરન્સ કંપની ને લુંટવા મથતા હતા. મીલ મજુર નાં નેતાની પત્નિ એ આખા કાવતરા ને શબ્દસઃ કાવસજીને જણાવ્યું- અને તે રીપોર્ટ ઈન્સ્યોરન્સ કંપનીમા રજીસ્ટર થાય તે પહેલા…તેના ઉપર ટ્રુક ચલાવડાવી છુંદી નાખ્યો હતો…

મા… આ અન્યાયની ધા ક્યાં નાખવાની…અને વૃધ્ધ સરગમ મા ને પાંખ ફુટી… અને તે કહે પેસ્તનજી અકસ્માત સ્થળે તમને લઈ જાવ છું અને ચાલો જોઈએ કંઈ આપણે શોધી શકીએ તો…

આઠ વર્ષ પહેલા થયેલ પ્રસંગે બન્ને પહોંચે છે અને કાવસજી ની કારને ટ્રુક પાછળથી ટ્ક્કર મારે છે તે પ્રસંગ તાદ્ર્શ્ય થાય છે…ગાડી ઉંધી પડાતી દેખાય છે અને તેમાથી કાવસજી ફેંકાય છે આ ગરબડ માં તેની સુટકેસ કુલ્લી થઈને કાગળિયા વેરાતા દેખાય છે. ટ્રુકમા થી બે માણસો ઉતરી બધા કાગળિયા વીણે છે પણ એક કાગળ ઊંડી ખીણમાં પડેલ તે માણસોની ધ્યાનમા આવતું નથી…અને કાવસજીનો દેહ છુંદાયેલો પેસ્તનજીને દેખાય છે.

સરગમબેન કહે છે રાજકીય નેતાને સજા અપાવવી છે? પેસ્તનજી હજી શોકગ્રસ્ત છે અને હકારમાં માથુ ધુણાવે છે…આખી ફાઈલ એલાઅઈસી માં છે પણ પેલો કાગળ કે જેમા પલા મજદુર નેતા ની પત્નિનુ બયાન છે તે ન હોવાથી કેસ પાંગળો થઈ ગયો છે, અને તે સ્ત્રીને ગાંડી કરીને મરોલ ની હોસ્પીટલમાં ભરતી કરી છે. તેનુ નામ છે રત્ના કીડવાઈ.

રત્ના કીડવાઈનુ નામ પડઘાતુ રહે છે અને પેસ્તનજી ઊંડી ઉંઘમા થી જાગે છે…સવાર પડી ગઈ છે અને કૂકડાની બાંગો સંભળાય છે….. પહેલી વખત એમના અજંપ મનને શાંતિ મળે છે. એમનુ માનવુ સત્ય હતુ અને આગળ શું કરવુ તેનો રસ્તો પણ તેમને દેખાતો હતો. સરગમબેન નો ફોટો એમને સ્વસ્થ જોઈને સંતુષ્ટ દેખાતો હતો.
ટોનીને લઈને પેસ્તનજી મરોલી પહોંચ્યા.. ડોક્ટરને મળ્યા અને રત્ના કીડવાઈ નો કેસ કઢાવવા પ્રયત્ન કર્યો….’ડોક્ટર રત્ના કીડવાઈને મળવા પહેલીવાર કોઈક આવ્યું છે તેમ માની ને મળવાની છુટ આપે છે.’
પેસ્તનજી ની ઉંમર અને ટોનીની ઠેલણગાડી એ ડોક્ટરના મનમાં શંકા પડ્યા સિવાય મળવા દેવાની છુટ આપે છે.

રત્ના કીડવાઈને નવાઈ તો લાગે છે અને ડરતા ડરતા મળે છે. કાસમજી જેવો જ ટોની નો અવાજ સાંભળે છે અને તે કહે છે..ગાંડાની વચ્ચે ડાહ્યો રહે અને ગાંડાની એકટીંગ કરે તો વરસો વરસ રહી શકાય પણ ઝનુની માણસોની વચ્ચે કાનુની વાતો કરનારને કાં તો મોત અથવા ગાંડાની હોસ્પિટલ જ મળે…

પેસ્તનજી એ બહુ જ ધીરજથી આઠ વર્ષ પહેલા બનેલ પ્રસંગ રજેરજ કહ્યો અને રત્નાને તાળો મળી ગયો…એ ખુની કોણ હશે તે નેતા ના અને શેઠનાં કાવાદાવા અને કાવસજી ને કરેલ બયાન અક્ષરસહ સાચું છે તે બાબતની સહી અને ટેપરેકોર્ડ ઉપર બયાન આપ્યું…

રોઝીએ ઈન્સ્યોરન્સ કંપની માં તે કેસ ખોલાવી રત્ના કીડવાઈનુ બયાન ફાઈલ કરાવ્યું અને જે બનવું જોઈએ તે બધું બન્યું…કાવસજી નુ વધુ ઝડપથી ગાડી ચલાવવાથી મૃત્યુ નથી થયું પણ તેમનુ ખુન છે તેવી વાત જાહેર થતા-રાજકીય નેતા -મીલમાલિક અને મજદૂર નેતા બધા જેલ પા્છળ ધકેલાયા અને રત્ના કીડવાઈને માનભેર પાગલખાના માંથી મુક્ત કરાવ્યા. કાવસજી નુ અટવાયેલ પેન્શન, ઈન્સ્યોરન્સ કંપની માં થી સત્ય શોધી આપવા બદલ ટોનીને કાવસજીની જગ્યાએ માનભરી નિમણુક મળી.

સરગમબેન ના ફોટા ની સામે પેસ્તનજી બહુ જ માનભેર જોઈ રહ્યાં…અને કહેતા…ત્યાં દેર પણ નથી અંધેર પણ નથી…અને સરગમબેન નો મલકતો ચહેરો ફોટામાં પાછો ભરાઈ ગયો.
ડો. પંડ્યા પેસ્તનજીની સ્થિરતા જોઈ રહ્યા હતા…સરગમબેન નર્સ અને વિનય પંડ્યા ડોક્ટર એટલે વાતોનો ઘરોબો મેડીકલ ટર્મીનોલોજીમાં સહજ હતો. ઉંમરમાં મોટા અને વાતોમાં સરળ તેથી ઘણી વાતો એવી હતી જેને સામાન્ય ભાષામાં વર્ણવી ન શકાય…પણ નિવૃતિ નિવાસ તો બધાનુ ઘર હતું તેથી સરગમબેન માવજત ની સાથે જરૂર પડે ત્યારે ડોક્ટરનો અભિપ્રાય પુછતાં. ટાઈપ સહાયઃ શૈલાબેન મુન્શા

Advertisements
This entry was posted in નિવૃત્તિ નિવાસ. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s