મીઠા જળનું મીન ઉદધીમાં – 12 (નીલમ દોશી)

fish.jpg

 ‘ઓહો.!! શું જુઓ છો?હજુ આ ભજિયા તો એમ જ પડયા છે..!! હજુ ખાધા નથી?”

ક્ષણોને ભીની કરી જતો,અંતરને અજવાળી જતો આ ટહુકો ફરી એકવાર કયાંથી છલકયો?
અમી….આ તો અમી નો જ અવાજ…એના જ શબ્દો…! પણ કયાંથી?કેમ? બગીચામાં ખુરશી પર બેસી બંધ આંખે વહી ગયેલ અતીતની મીઠી યાદોમાં ખોવાયેલ આનંદભાઇના કાનમાં ..કે પછી મનમાં ટહુકો ગૂંજયો. વરસાદી સાંજે પોતે બગીચામાં બેઠા હોય..સામે ગરમાગરમ ભજિયાની પ્લેટ પડી હોય અને પોતે ખાવાનું ભૂલીને અમીની આંખમાંથી છલકતા સ્નેહઅમી ને માણી રહ્યા હોય…ત્યારે અમી કૃત્રિમ ગુસ્સાથી હમેશા આ શબ્દો બોલી ઉઠતી.”હજુ ભજિયા તો એમ જ પડયા છે…”

આજે પાંચ વરસ બાદ ફરી એ જ અવાજ..એ જ શબ્દો..એજ લહેકા સાથે કયાંથી સંભળાયા?મીઠા જળની માછલી ખારા દરિયામાં આવી જતાં તરફડી રહે એમ આનંદભાઇ અમી ની યાદે તરફડી રહ્યા. એ ચોંકી ઉઠયા.કેમકે ફરી એકવાર એ શબ્દો તેના કાને અથડાયા..ના,કાને જ અથડાતા હતા..મનમાં નહીં. પળ,દિવસ,વરસની વણથંભી વણઝાર ..સ્મૃતિઓથી છલોછલ હતી.

“જિંદગીનો એ જ સાચો પડઘો છે,
હોય ના વ્યક્તિ,ને એનું નામ બોલાયા કરે”

હા,અમી નું નામ પણ મનઝરૂખામાં સ્મરણોની મેના બની સતત ગૂંજી રહ્યું હતું.કાળનો પ્રવાહ એ યાદને ઝાંખી નહોતો કરી શકયો.મોતી જેમ છીપમાં બંધ રહે તેમ અમી આનંદની હ્રદયછીપમાં સ્મૃતિરૂપે અકબંધ સચવાયેલ હતી.ઘરમાં માનવ,નિરાલી..કોઇ ને દુ:ખ ન થાય..માટે અંતરની સંવેદનાઓને પોતે અંદર જ સંગોપી રાખતા.અને એકાંતની ક્ષણોમાં છીપની એ સ્મરણદાબડી ખોલી અમી સાથે ગોષ્ઠિ કરી રહેતા.જયાં બીજા કોઇને પ્રવેશવાનો અધિકાર નહોતો.એ ચંદ ક્ષણોમાં તે અમીને મહેસૂસ કરી રહેતા.

પણ….આજે..આજે અચાનક અમીનો અવાજ કેમ,કયાંથી સંભળાયો? આનંદભાઇ આંખો ચોળી રહ્યા.આ સત્ય છે કે સ્વપ્ન?આવો ભ્રમ કેમ થાય છે?હજુ પોતે નક્કી કરી શકે તે પહેલાં જ ફરી એક્વાર એ અવાજ ગૂંજયો, ” ઓહો…! દાદાજી,હજુ આટલા ભજિયા પૂરા નથી કર્યા?” અરે…!! આ તો વહાલી અમોલી…લાડલી પૌત્રી..!! અમી ની જ પ્રતિકૃતિ.! પણ હજુ આગળ વિચારે તે પહેલાં જ ચાર વરસની અમોલી આનંદભાઇને સ્નેહથી વળગી રહી અને,”ચાલો,દાદાજી.મોં ખોલો તો..”કહેતી દાદાના મોં માં ભજિયુ ખોસી રહી.

“અને આ બધા પૂરા કરવાના છે હોં.! નહીંતર મમ્મીને કહી દઇશ.પછી મમ્મી તમને કેવી ખીજાશે?તે દિવસે દૂધ ન’તા પીતા તો મમ્મી ખીજાણી’તી ને?પછી કેવું પીવું પડયું હતું..!! “નાની અમોલી તાળી પાડતી, ખડખડ હસતી …દાદાને કહી રહી હતી.અને દાદા એ સ્નેહવારિથી છલકાઇ રહ્યા હતા. કાલાઘેલા આ શબ્દોમાં જીવતરનો ઉજાસ હતો,મંદિરની ઘંટડીનો મજુલ ગુંજારવ હતો.અંતરની નિર્દોષતા હતી.પરમ પ્રસન્નતાની મીઠી પળો હતી.આનંદભાઇ પૌત્રીના હાસ્યના એ ફુવારા માં નહાઇ રહ્યા.સમગ્ર અસ્તિત્વમાં જાણે ચંદનની શીતળતા..અને પરમની પ્રસન્નતા વ્યાપી રહી. ”ચલો..દાદાજી જલ્દી ફીનીશ કરો..હજુ તો આપણે કેટલું રમવાનું બાકી છે.!!” એ હાસ્યગંગામાં નહાતા નહાતા આનંદભાઇ અને અમોલી ફટાફટ ભજિયા પૂરા કરી રહ્યા.

જોકે માનવ અને નિરાલીના હ્રદયમાં પણ એ પુનિત સ્મરણોની કલકલ ગંગા કયાં નહોતી વહેતી? બધા એકબીજાને ખુશ રાખવા પોતપોતાની રીતે પ્રયત્ન કરતા.નિરાલી પોતાના મનમાં રહેલ અપરાધભાવ ધોવા આનંદભાઇને જરાયે ઓછું ન આવે માટે સતત જાગૃત રહેતી.દિલની પૂરી સચ્ચાઇથી પપ્પાજીનું ધ્યાન રાખતી.માનવના દિલમાં પણ મમ્મીની યાદનો પ્રકાશ ફેલાયેલ હતો.નિરાલીએ અમીબેન જેટલા જ સ્નેહથી,કુશળતાથી ઘરનો વહીવટ સંભાળી લીધો હતો.અમીબેનનું વ્યક્તિત્વ ઘરમાં ગેરહાજર છતાં હાજર રહેતું.જોકે ત્રણે મેચ્યોર હતા.અતીતની યાદે દુ:ખી થઇ ને બીજા ને દુ:ખી કરવાને બદલે વર્તમાનમાં જીવી ને જીવનને સાર્થક બનાવતા શીખ્યા હતા. અને એમાં યે અમોલીના આગમને..ઘરને સ્વાભાવિક રીતે જ એક નવો રણકાર આપ્યો.આમેય એક નાનકડું શિશુ ગમે તેવી ઉદાસીને પ્રસન્નતામાં ફેરવી શકે છે.અમોલી હતી પણ એવી જ મીઠી.અમીબેનનો જ અણસાર લઇ ને જાણે અવતરી હતી.અમીની અમોલી ખરેખર આ ઘર માટે અણમોલ વરદાન સમ બની હતી.ઘરમાં ડૉકાતા ઉદાસીના પડછાયાને તેણે દૂર કર્યો હતો.વરસો બાદ શિશુની કિલકારીથી ઘર ગૂંજી ઉઠયું હતું.અમીબેન આ સુખ જોવા હાજર નહોતા.પણ એ જયાં હશે ત્યં એનો આત્મા અમોલી ને આશીર્વાદ આપી જરૂર હરખાતો હશે.એની ખાત્રી દરેક ને હતી.હવે બધાના ધ્યાનનું..સ્નેહનું કેન્દ્ર સ્વાભાવિક રીતે જ અમોલી બની હતી.દાદા,પૌત્રી તો જાણે એક્બીજાનો પડછાયો..! આનંદભાઇ અમોલીના સ્નેહવારિમાં તરબોળ થઇ જીવનની કમી ભૂલાવી શકતા હતા.

અને નીરવ..? પસ્તાવાનાં પુનિત ઝરણામાં નહાઇ ને નીરવ જણે ધરમૂળથી બદલાઇ ગયો હતો.

”મનુષ્યના કર્મની કાલિમા ને ધોવા સમર્થ લઘુ અશ્રુ બિંદુ..”

એ ન્યાયે તે જાણે પહેલાનો નીરવ જ નહોતો રહ્યો.તેનો જીવનરાહ બદલાઇ ગયો હતો.પોતાની જાતને તે માફ નહોતો કરી શકતો.પોતાનો પસ્તાવો અમીબેનને પાછો થોડો લાવી શકવાનૉ છે?એ અપરાધભાવ તેને ડંખ્યા કરતો.કદાચ પોતાને કોઇ સજા મળી હોત તો..તો વધુ સારું થાત..એમ તે વિચારતો રહેતો.નિરાલી,માનવ કે આનંદભાઇના સારાપણાએ તેને વધુ અસર પહોચાડી.પોતે કેવો તુચ્છ છે..એ અહેસાસ તેના મનમાં સતત છવાયેલ રહેતો.એ અહેસાસ કાઢવા જેમ જેમ માનવ,નિરાલી પ્રયત્નો કરતા તેમ તે પોતાને વધુ અપરાધી સમજતો.તેને લગ્ન કરવા માટે …બધાએ ખૂબ સમજાવ્યો.પણ તેના મનનો વિષાદ કદાચ સો ટચના સોના જેવો હતો. પણ પોતાને લીધે કોઇ દુ:ખી થાય એ પણ તે નહોતો ઇચ્છતો.
ખૂબ મનોમંથન બાદ તેણે “માનવ પરિવાર”જેવી સંસ્થામાં જોડાઇ જીવન અનાથ,ગરીબ,લાચાર લોકોની સેવામાં સમર્પિત કરી દીધું.શરૂઆતમાં ઘરમાં બધા એ તેને સમજાવી જોયો.પણ પછી જોયું કે નીરવ આમાં ખરેખર દિલથી ખુશ છે.તેથી બધાએ નીરવનો બદલાયેલ જીવનરાહ પ્રેમથી સ્વીકારી લીધો.અને તેણે કંઇ ઘર કયાં છોડયું હતું?આખો દિવસ” માનવ પરિવાર”માં ઉત્સાહથી તે કામ કર્યા કરતો.અને રાત્રે ઘેર આવી બધા સાથે આનંદથી રહેતો.સાત્વિક આનંદનો લહાવો લેવાથી..તે અંતરનો ડંખ પણ દૂર કરી શકયો.અને હવે તો આમાં જ તેને જીવનનું પરમ સુખ લાધ્યું હતું.એક નવી દિશાનો તે યાત્રિક બન્યો હતો.સમાજને એક સાચો માનવ મળ્યો હતો. સાચકલા સુખોની ક્ષણોથી તે જીવતર ઉજાળી રહ્યો
હતો.પોતાનું ને અન્યનું પણ…

અને આનંદભાઇને પૌત્રી સાથે હસતા,છલકતા જોઇ માનવ અને નિરાલી પણ ખુશ હતા. આનંદભાઇની નજર સમક્ષ આખોયે અતીત ચલચિત્રના દ્રશ્યની જેમ પસાર થઇ રહ્યો.કદાચ હજુ તે એ યાદોમાં ખોવાઇને થૉડીવાર બેસી રહેત.

પણ…ત્યાં ”દાદાજી,ચાલો.. હું સંતાઇ જાઉ છું…તમારે મને શોધવાની છે..આંખ બંધ કરો…જો જરાયે જોવાનું નથી હોં…!! નો ચીટીંગ….”કહેતી અમોલી ના ટહુકા દાદાજીને ઝંકૃત કર્યા વિના થોડા રહે?અને દાદાજી એ પૌત્રીની સૂચના મુજબ આંખ બંધ કરી……..અને……અને દાદાજી ને શું દેખાયું?

મીઠા જળનું મીન ઉદધિમાંથી બહાર નીકળી શકવા સમર્થ બન્યું હતું..

અને દાદા દીકરીની રમતને નિરાલી અને માનવ પાછળથી ચૂપચાપ જોઇ રહ્યા.તેમની આંખોમાં….કોઇ નું પ્રતિબિંબ ચમકતું હતું.!!!

અમોલીની નાનકડી,ચમકતી હીરાકણી જેવી પાણીદાર, વિશાળ આંખોમાં અમીની યાદનો ભીનો ઉજાસ બધાના હૈયે પ્રગટતો હતો.

અને અવસરના ટુકડા જોડાઇ સુખનો ચંદરવો ધીમે ધીમે બંધાઇ રહ્યો હતો.

-: સમાપ્ત :-

About nilam doshi

i am professional writer.. writing in my mother tongue..Gujarati. also like translation work..interested in literature.. reading is my passion.. love books and only books.. cant live without books..my choice is little bit different.. like touchy books..with real feelings..like to share other's sorrow... love children like anything.. like to do something for children..
This entry was posted in અવર્ગીકૃત and tagged , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.