મીઠા જળનું મીન ઉદધીમાં – 11 (ઊર્મિસાગર)

fish.jpg

નિરવને તો માનવ કે’દાડનો છોડાવી શક્યો હોત, પરંતુ ‘ભાઇ’ લોકોથી એને બચાવવા એના જાનની સલામતી માટે જેલથી ઉત્તમ બીજી કોઇ જગા ન હતી એમ એ માનતો હતો. જેલમાં પણ માનવે એની સલામતીનાં કડક પગલાં લેવડાવ્યા હતા. અને ઉચ્ચ-ઓફિસરો સાથે ચર્ચા-વિચારણા પર કરી લીધી હતી કે નિરવ જો ‘ભાઇ’ લોકો વિશે એમનો બાતમીગાર બની જશે તો એની સજા નહિવત્ થઇ શકે એમ છે. આ બધી વાત એણે નિરાલીને આગળ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો જ હતો, પણ ત્યારે એ માનવની નજરે આ બધું જોઇ શકી ન’હોતી. પરંતુ હવે, વાત કાંઇ જુદી જ હતી.

અમીબેનની મમતા અને એમની ઉદારતાના જે દર્શન નિરાલીને છેલ્લે છેલ્લે થયા હતા… એને લીધે હજુ પણ ક્યારેક એ પોતાને ગૂનેગાર મહેસૂસ કરતી રહેતી હતી… કાશ, જો પોતે આટલી કઠોર ન બની હોત અને માનવમાં સંપૂર્ણ વિશ્વાસ રાખી એને સાથે આપ્યો હોત, તો ન તો મમ્મીને એનાં માતા-પિતા સાથે વાત કરવા ત્યાં જવું પડત, ને ન તો એક્સિડંટ થાત, ને ન તો… પણ, એની આંખનાં એ આંસુ ક્યાંક પપ્પા કે માનવ જોઇ ન જાય એમ એ ફરી સ્વસ્થ થઇ જતી. અને એ બંનેને કોઇ વાતનું ઓછું ન આવે કે એનાં વર્તનથી ક્યાંક એમને કોઇ દુ:ખ ન થાય એનું ખાસ ધ્યાન રાખતી. પરંતુ અમીબેનની ખોટ ક્યારેક બધાનાં મૌનમાં પણ વર્તાઇ આવતી હતી.

જેલમાં નિરવને પોતાના દુષ્કૃત્ય વિશે વિચારવાનો ઘણો સમય મળ્યો હતો. જેલમાં પણ શરૂ શરૂમાં માનવ ઉપર ધૂંવાપૂવા થતો રહેતો નિરવ ધીમે ધીમે સ્વસ્થતાથી વિચારતો થયો હતો. આ બધું કોના લીધે થયું હતું? અને એ પણ શા માટે? આખરે એને શું મળ્યું હતું? અને જો એ ન પકડાતે, તો પણ એને શું મળવાનું હતું? કોઇ તો ભલે ગમે તેટલાં ખોટા માર્ગે દોરવવાનો પ્રયત્ન કરે, પરંતુ પોતે કેવો કે કોઇનો દોરેલો પણ દોરવાઇ જાય? નિરાલી તો એની સૌથી વ્હાલી હતી… નાનપણમાં શેરીનાં કોઇ છોકરાની હિંમત ન’હોતી કે નિરાલીની છેડતી કરે… એવી ધાક હતી. શીલ અને એ- બંને કેવા એની ઢાલ જેવા રહેતા હતા! કોઇની મજાલ હતી કે નિરાલી તરફ આંખ પણ ઊંચી કરે? અને આજે? આજે માનવને નુકશાન પહોંચાડીને એ જ નિરાલીનાં જીવનમાં એણે તોફાન મચાવ્યું? ક્યાં ચાલી ગઇ એ બધી લાગણીઓ? બહેનની બાંધેલી અગણિત રક્ષાઓની લાજ પણ ન આવી એને? શીલ પણ જેલમાં મળવા આવ્યો’તો ત્યારે એણે એવું જ સમજાવવાનો પ્રયત્ન કરેલો. પણ પોતે ક્યાં એને સાંભળવાની પણ પરવા કરી હતી?!! પરંતુ હવે જે થઇ ગયું એ થઇ ગયું હતું… એને ક્યાં કાંઇ બદલી શકાય એમ હતું!! કાશ, જિંદગીનું પણ કોઇ રીવાઇંડ બટન હોત… નિરવનાં હૈયામાં વહેતું થયેલું પસ્તાવાનું નાનું ઝરણું હવે આટલા સમયમાં ધીમે ધીમે નદી બની ચૂક્યું હતું…

ઘરમાં નાનપણથી એને મળેલી આટલી બધી છૂટો આખરે એને જ ભારે પડી હતી, એ એને સમજાઇ ગયું હતું. વળી, સૌથી દુ:ખની વાત એ હતી કે સમાજમાં ઊંચા મસ્તકે ફરતા પોતાના જ મા-બાપનાં મસ્તકોને એણે નીચા કરી દીધા હતા… આ ઉંમરે મારે એમની ફિકર કરવી જોઇએ, એની જગ્યાએ આજે પણ એ મારી ફિફર કરે છે. પોતાની વહાલસોયી બહેનનાં ઘરમાં જે મુશ્કેલીઓ એણે ઊભી કરી, એણે જ માનવની મમ્મીનો ભોગ લીધો હતો. પણ હવે શું થઇ શકે એમ હતું?? ‘અબ પછતાવે હોત ક્યા, જબ ચિડીયા ચુગ ગઇ ખેત?!’

પરંતુ થોડા દિવસો પહેલાં જ એના મનનાં આ બધા સવાલોનો જવાબ ઇંસ્પેક્ટર અનવરે એને આપી દીધો હતો…. જ્યારે એ નિરવને કહેવા આવ્યા હતા કે જો એ ‘ભાઇ’લોકોનો બાતમીગાર બની જશે અને એમનાં વિશે જાણકારી આપશે તો એની સજા નહિવત થઇ જશે…. ઉપરાંત, પોલીસ એને રક્ષણ પણ આપશે અને એને પૂરી મદદ પણ કરશે. નિરવને વિચાર્યુ કે ખતરો તો બંને બાજુ છે જ, પરંતુ આ વખતે એ સચ્ચાઇને જ સાથ આપશે.. અને કાંઇ ખોટું નહીં કરે તેમ જ માનવનાં નામ અને એના વિશ્વાસને એ આ વખતે બિલકુલ આંચ નહીં આવવા દે.

એ જ શુભ સમાચાર લઇને ઇંસ્પેક્ટર અનવર આજે માનવનાં ઘરે આવ્યા હતા… એમણે કહ્યું કે નિરવને એ સાથે લઇને જ આવ્યા છે અને બહાર જીપમાં જ છે. નિરાલી તો ખુશીથી ઉછળી પડી… અને ભાઇને મળવા બેબાકળી થઇને બહાર દોટ મુકી… ખુબ પ્રેમથી મળેલાં ભાઇ-બહેન ઘણા વખતે જાણે ફરી બાઅળકો બની ગયા હોય એવું લાગ્યું. નિરવે નિરાલીની માફી માંગી… નિરાલી એને હાથ પકડીને ઘરમાં લઇ આવી. નિરવે આનંદભાઇને પગે લાગી પછી માનવને પણ પગે લાગવા નીચે નમવા ગયો કે તરત જ માનવે એને પકડી લીધો… નિરવથી કંઇ બોલાયું નહીં પરંતુ એની આંખનાં અશ્રુઓ બધું જ કહી રહ્યા હતા…

“હા, પસ્તાવો! વિપુલ ઝરણું સ્વર્ગેથી ઊતર્યુ છે… ” કલાપીની પંક્તિઓને નિરવે આજે સાર્થક કરી હતી.

About ઊર્મિ

I am "UrmiSaagar"... I have the greatest passion for our Gujarati Sahitya... my love for our mother toungue and the motherland have become my inner strength after staying away from motherland... it certainly has motivated me to start my very own Gujarati website... my Gujarati net-family members have also inspired me very much whenever I post my own creations and my favorite poems. Welcome to my world of Gujarati blog!!
This entry was posted in અવર્ગીકૃત and tagged , . Bookmark the permalink.

1 Response to મીઠા જળનું મીન ઉદધીમાં – 11 (ઊર્મિસાગર)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.