બીના ચીડીયા કા બસેરા

 

બીના ચીડીયા કા બસેરા

બ્લોગ ઉપર પહેલો બહુલેખકો દ્વારા લખાયેલ પ્રથમ લઘુ નવલકથા.

લેખકો 1. પ્રવિણા કડાકીયા 2. રમેશ શાહ 3.કિરીટકુમાર ભક્ત 4.વિજય શાહ

Bina chidiya ka basera

ટાઇટલ ફોટોઃ જયશ્રી ભક્તા

શર્મીલા માસીનાં મૃત્યુનાં સમાચાર સાંભળીને રીના ધ્રુસકેને ધ્રુસકે રડી પડી. રીનાનો પતિ વાત્સલ્ય અને શર્મીલામાસીનો નિરવ બંને બાળમિત્રો હતા. શર્મીલામાસીને મન તે રામ લક્ષ્મણની જોડી હતી.શર્મીલામાસી વાત્સલ્યને પણ તુ તો મારો બીજો દીકરો છે કહી લાડ લડાવતા.માનવ સહજ હજારો ત્રુટીઓ તેમનામાં હતી પણ એક ગૂણ બહુજ મોટો હતો અને તે ખુબજ પ્રેમાળ હતા.વળી નિરવ તો એમને શ્વાસ અને પ્રાણ વહાલો. મારો નિરવ તો આમ અને મારો નિરવ તો તેમ કરતા અને કહેતા એમની જીભ ન સુકાય.વાત્સલ્યને આ વાત ઘણી જ ગમતી તેથી ક્યારેક રીનાને કહેતો પણ ખરો…માનો પ્રેમ કેટલો નિઃસ્વાર્થ અને ઉમદા હોય છે તે જોવો હોય તો શર્મીલામાસી પાસે નિરવની  વાત કર. શર્મીલામાસીનાં જવાબમાં તને હળવાશો સાથે વાત્સલ્ય અને હુંફનો ઘુઘવતો સાગર જોવા મળશે.

શર્મીલામાસીની સરખામણીમાં વાત્સલ્યનાં મમ્મી થૉડાક રીઝર્વ. જરુર પુરતી જ વાત. ખોટો આડંબર નહિ કે ક્યારેય જરુર કરતા વધુ લાગણીનાંવે શબ્દ પણ નહિ.આ વાત રીનાને ડંખતી.તે રમાબા પાસે વાત્સલ્ય માટે એવુજ લાગણીનુ ઘોડાપુર ઝંખતી. કદાચ આ જ કારણે જ્યારે શર્મીલા માસી નિરવની સાથે સાથે વાત્સલ્ય માટે પણ અંતરનાં આશિર્વાદ આપતા ત્યારે તે અહોભાવ થી ગદ ગદ થઇ જતી.

રમાબહેન ચુસ્ત કર્મનાં જ્ઞાનને વરેલા તેથી શર્મીલામાસીને ટોકતા પણ ખરા..’આ મારો નિરવ મારો નિરવ કરે છે પણ એ જ્યારે તારો નહિ રહે ત્યારે રડી રડીને અડધી થઇ જઇશ.’શર્મીલા માસી હસીને કહેતા ‘એ જ્યારે એની વહુનો થશે ત્યારે એના છોકરાને મારો કહીશ. અને તે મારો ન રહે છતા એનામાં વહેતુ લોહી મારુ છે. એનો શ્વાસ મારી દેન છે તે ક્યાં જતી રહેવાની છે?

રીનાની આંખોમાં અશ્રુ ડોકાતા જોઇ વાત્સલ્યને પણ ડૂમો ભરાયો. રડતી આંખે પોતાને અને રીનાને આશ્વાસન આપતો હોય તે રીતે તે બોલ્યો ‘દરેક જણ પોત પોતાના દિવસો શ્વાસો અને ક્ષણો લખાવીને આવ્યા હોય છે જે પુરા થતા ચાલ્યા જવાનુ હોય છે’

બે ચાર દિવસ્થી રીના વાત્સલ્ય માટે બહુજ બેચેન રહેતી હતી.એનો જીવ બળ્યા કરતો હતો.તે વખતે એણે રમાબા ને કહ્યુ ‘બા વાત્સલ્ય માટે તમારો જીવ કદી ગભરાતો નથી? આ શર્મીલા માસી તો નિરવભાઇ સહેજ મોડા પડે તો પણ ઉંચાનીચા થઇ જાય છે.’

રમાબા બહુ ઠાવકાઇથી બોલ્યા’મારુ મારુ એ જ અજ્ઞાનતા. મારૂ કદી મારુ થાય નહિ અને ખોટા કર્મનાં બંધનો બાંધવાનાં…’

રીનાએ પ્રત્યુત્તરમાં કહ્યું ‘બા એમાં બંધન ક્યાં આવ્યું? દરેક માતાનાં મનમાં ઉદભવે તેવો સહજ માતૃપ્રેમ..નિર્મળ પ્રેમ છે એતો..’

રમાબા કહે  ‘એ મોહનીય બંધન છે એનો ઉદય થાય અને મોહનીય કર્મ મારાપણાનો ભાવ લાવે અને તે જ્યારે ઝુંટ્વાઇ જાય ત્યારે રડાવે અને તે રુદન જ આત્માને ભવાટવીમાં રખડાવે.’

રીનાને આ ગણિત ના સમજાયુ અને એક વેદના સાથે તેણે તેનુ મન ચર્ચામાંથી વાળી લીધુ

(2)

રડતી રીનાને લઇને વાત્સલ્ય હોસ્પીટલ તરફ વળ્યો શર્મીલા માસીને કોઇ મોટી માંદગી તો નહોંતી પણ તેદિવસે રાત્રે છાતીમાં દુઃખે છે તેટલો નિરવનો ફોન આવ્યો અને તાબડતોબ સારવાર માટૅ હોસ્પીટલ્માં દાખલ કર્યા. રીક્ષા કરીને વાત્સલ્ય અને રીના પહોંચ્યા અને નિરવને ડોક્ટરે કહ્યુ હવે કશુ જ રહ્યુ નથી. તાબડતોબ ફોન કર્યા અને બીજલ તેની નાની બેબી પિંકી સાથે હોસ્પીટલ પહોંચી ત્યારે નિરવ અને બીજલ રડતા હતા અને પિંકી વિચાર કરતી હતી આ પપ્પા રડે અને બા કંઇ બોલતા કેમ નથી?

શર્મીલી માસી જાણે ઘસઘસાટ ઉંઘમાં હોય તેમ દેખાતુ હતુ અને ૪ વર્ષની પિંકી બા પાસે જવા જોર કરતી હતી અને બીજલ તેને જતા રોકતી હતી. સફેદ ચાદર ઑઢાડેલ ચહેરો તેજ થી ઝળહળ થતો હતો.નિરવની મોટી બહેન જ્યોતી આવવા નીકળી ગઇ હતી. જેમ વાત વહેતી થઇ તેમ માણસ આવવા માંડ્યુ હતુ. નિરવ સુનમુન બેઠો હતો અને વાત્સલ્ય મનમાં તો નિરવની વ્યથા સમજતો હતો અને તેને મજબુત રહેવા સમજાવતો હતો. બીજલનાં પપ્પા મમ્મી આવ્યા ત્યારે બીજલ છુટ્ટા મોઢે રડી પડી. નિરવ પણ આર્દ્ર થઇ ગયો.

બા બા કરતા બંને મા બાપને રડતા જોઇ પિંકી ગુંચવાયા કરતી હતી.તેની ઢીંગલી પાસે જઇને બાળાપો કાઢતા બોલી ‘ગુડ્ડી જોને પપ્પા અને મમ્મી રડે છે અને બા તો જરા પણ જાગતાજ નથીને..આપણે રડીયે તો કેવા છાના રાખવા આવે અને આજે બધ્ધા રડે છે છતા ઉઠતા પણ નથી અને છાના પણ રાખતા નથી કે ઘાંટો પાડીને કોઇને બોલાવતા પણ નથી.’

જ્યોતિનાં આવ્યા પછી ઘણી રો-કકળ થઇ નર્સ બે વખત આવીને શાંતીનો આદેશ આપી ગઇ પણ સવાર સુધી શર્મીલાબેન આમ અને શર્મીલા બેન તેમ રોકકળ સાથે ચાલ્યુ.

કોઇક ડાહ્યો બોલ્યો “જીવ તો આંખમાંથી ગયો છે તેથી ચોક્કસ દેવ ગતિ જ છે. હવે રડીને તેમની ઉર્ધ્વ ગતીને રોકો ના.”

બીજુ બોલ્યુ “લીલી વાડી મુકીને ગયા છે. અને આત્મા કેવો પુણ્યશાળી કોઇની એક મીનીટ સેવા લેવા ન રોકાયા. હું પણ ઇચ્છું આવુ મોત મને મળે.”

વાત્સલ્ય દુર ઉભો ઉભો શર્મીલી માસીનાં પ્રસન્ન ચહેરાને જોઇ રહ્યો હતો. હવે મારો નિરવ કહીને નિરવને લાડ કોણ કરશે? માનાં ઉત્તમ સ્નેહને હવે તે ક્યારેય નહીં પામી શકે.જ્યોતિ તો મા પાછળ વિલાપ કરતી બેહોશ થઇ ગઇ વાત્સલ્યનું રડુ રડુ થતુ ઉદાસ વદન જોઇ રીના પણ ડુસકે ચઢી. બરોબર છનાં ટકોરે તેમને સ્નાન કરાવી અવ્વલ મંઝીલે પહોંચાડવાની શરુઆત થઇ અને નિરવ ખુબ જ રડ્યો. વાત્સલ્યની આંખમાંથી પણ આંસુ તો નીકળતા હતા અને નિરવને પણ સાચવતા સાચવતા વિષાદની અતિ ગંભિર પરિસ્થિતિમાં શર્મીલી માસીનાં દેહને અંતિમ દર્શન માટે મુક્યો ત્યારે સવારનાં ૯ વાગ્યા હતા અને રઘુપતી રાઘવ રાજા રામની ધુન સાથે નનામી નીકળી.

સ્મશાનમાં તેમનાં દેહને અગ્ની મુકાયો ત્યારે પહેલી વાર નિરવને રમાબાનાં શબ્દોની ગંભીરતા સમજાઇ.”મારુ મારુ એજ અજ્ઞાનતા મારુ કદી મારુ થતુ નથી આજે જે મારુ એ તે કાલે કોઇક બીજાનુ થશે અને પછીના દિવસે કોઇક ત્રીજાનુ થશે..ભલેને તે દેહ હોય લક્ષ્મી હોય કે સંતતી..આ માડીને હું શ્વાસ પ્રાણ વ્હાલો હતો. મને કંઇક થૈ જાયતો આખા વિશ્વ સામે લઢવા ઉભી થઇ જતી એ માવડી નો હું હતો તો શું તે મારી નહોંતી?

જેવો જીવ ગયો અને કાઢો કાઢો થઇ ગયુ..સંતોની વિનય વાણી અત્યારે માડીની ભભક્તી ચીતા સામે પડઘાતી હતી. આ “હું” તમે જેને કહો છો તે “હું” કોણ છે? તમે જેને “હુ” માનો છો તે “હું” તો તમારુ શરીર છે. તે આત્માનુ કેદખાનુ છે. જે દિવસે આત્મા તે કેદખાનામાંથી મુક્ત થઇ જશે ત્યારે આ નશ્વર દેહને તમારુ આપ્તજન  ઘર માં ૨૪ કલાક પણ  રાખશે નહીં. નિરવની આંખમાં આંસુ તો શમી ગયા હતા પણ સ્મશાન વૈરાગ્ય દ્વારા આત્મગુણ જાગી ગયો હતો. ભારે ખમ હ્રદયે ડાઘુઓ સાથે નિરવ ઘરે પાછો આવ્યો ત્યારે રો-કકળ યથાવત હ્તી અને નાનો બીટ્ટુ બધાને ખીજાતો હતો. આ શું રડા રોળ ચાલે છે? બા આવશે તો બધાને ખખડાવશે ખબર છે ને તેમને રડતા કે રડાવનારા બંન્ને નથી ગમતા.

બીજલ તો બીટ્ટુની વાતથી થોડીક અકળાઇ ગઇ પણ જ્યોતિબેન બોલ્યા હા બીટ્ટુ તુ એમજ કરાવજે..અને તેમની આંખમાં ખાળી રાખેલો અશ્રુ ધોધ એકદમ છુટો થઇ ગયો. નિરવનાં સગા વહાલ જે બહારગામ થી આવ્યા હતા તે સૌએ રાત્રે ભજન અને જાપ કર્યા.બધા રડતા હતા તેથી જીવ ચુંથાતો હતો છતા બીજલ મનમાં ને મનમાં હાશ! છુટી નાં રાહતનાં દમ લેતી હતી.

દુર ક્યાંક રેકોર્ડ વાગતી હતી ” બીના ચીડીયાકા બસેરા હૈ ન તેરા હૈ ન મેરા હૈ.”

(3)

રીનાને શર્મીલામાસીનો નિરવ પ્રત્યેનો પ્રેમ ગમતા હતા પણ બીજલને મન તો તે નરી ઘેલછા હતી.તેને થતુ હતુ કે નિરવ તેના ભાગે ઓછો આવે છે કારણ કે સાસુમા જરુર હોય કે ના હોય નિરવની સેવા કરવા હંમેશા તૈયાર હોય જ અને તેથી ધાર્યુ એકાંત તો ઘરમાં મળેજ નહિ. નવા નવા લગ્ન થયા હોય અને જે કોડ પુરા કરવા મન થનગનતુ હોય તેવી દરેક નાજુક ક્ષણે શર્મી માસી એક ય બીજા પ્રકારે બીજલ પાસેથી નિરવને ઝુંટવી લેતા હોય તેવો એક ભ્રમ બીજલને થઇ ગયો હતો અને તે વ્યંગ સ્વરુપે ક્યારેક નીકળી જાય તેથી નિરવને દુઃખ થતુ. તે માનતો હતો કે મા અને પત્ની બે અલગ સ્થાન છે મા ને પત્ની વચ્ચે કોઇ સ્પર્ધા સંભવી જ ન શકે. જ્યારે બીજલ કહેતી લગ્ન પછી મહદ અંશે સાસુનુ આધિપ્ત્ય વધુ મજબુત થતુ હોય છે કારણકે વર્ષોથી જતન કરી ઉછરેલ દિકરો પત્ની ને સાંભળતો થઇ જાય તો સાસુની કિંમત ઘટી જાયને..વ્હાલ વહેંચાઇ ન જાય?

જોકે લગ્ન પછી સામાન્ય રીતે મા પોતાનુ આધિપત્ય સમજી ને ઓછુ કરતી હોય છે પણ શર્મી માસી કદાચ તે નહોંતા કરી શક્યા અને તેથી ક્યારેક બીજલના આ બળાપા તે સાંભળતા ત્યારે ગુસ્સામાં બોલી જતા ” નવ મહીના પેટમાં રાખી જનમ આપ્યો અને ત્યાર પછી ૨૫ વરસ તેને ભણાવી ગણાવીને મોટો કરીને તને સોપ્યો તેનો ઉપકાર માન. થરથરતી જાંઘે જનમ આપેલ છોકરા એમ કંઇ રાતો રાત ઓછા તારા થઇ જાય્?”

રમાબા કહેતા “શર્મીલા! છોકરો તારો ત્યાંજ સુધી જ્યાં સુધી તે નાનો હોય…ભુખ લાગે અને મા યાદ આવે અને ત્યાં સુધી જ માનો અધિકાર.બાકી તો છોકરાને પાંખો આવી એટલે ઉડી જવાના..હવે જરા આત્મા સામે જો..નિજ કલ્યાણનાં રસ્તે વળો.”

શર્મી માસીને રમાબાની વાત જચતી નહિ કારણકે રમાબાની વાતો કથા વ્યાખ્યાનનાં ઉદાહરણો પરથી આવેલી અને મહદ અંશે બીન વહેવારીક હોય છે.આ દિશામાં એમનુ પોતાનુ કોઇ ચિંતન નહિ તેથી જરા કૃધ્ધ આવાજે બોલ્યા ” જો રમા તારી વાત એની રીતે સાચી ભલે હોય પણ હું તે સ્વિકારીશ તેમ ન માનતી.આત્મ, ધર્મ અને નિજકલ્યાણની વાતો વૃધ્ધાવસ્થામાં ચારે બાજુથી ફેંકાઇ ગયેલાઓની મનની શાંતિ માટે રચેલુ ભ્રામક તરકટ છે.તે વાતો જ્યારે વૃધ્ધ થશે ત્યારે વિચારીશુ.હાલમાં એ વાતો કરી તુ વાત્સલ્ય અને રીનાને માની લાગણીઓ થી વંચીત રાખે છે.વહેવારની વાત એ છે કે આપણે આ ઉંમરે તેમનુ ધ્યાન રાખીશુ તો આપણે જ્યારે વૃધ્ધ થઇશુ ત્યારે તેઓ આપણો ખ્યાલ રાખશે.”

શર્મી માસી અને રમાબાની આ વાતો આમજ ચાલ્યા કરતી.અને મઝાની વાત એ હતી કે બંને એકમેકનાં હિતની વાતો કરતા પણ કદી તે વાતો પ્રમાણે બદલાતા નહિ.

નવી નવી બીજલ જ્યારે ઘરમાં આવી ત્યારે શર્મી માસી પણ તેના વખાણ કરતા થાકતા નહિ. મારી બીજલ તો રુપ રુપ નાં અંબાર પરી સમી છે. બંને ને સાથે ઉભા રાખોતો એક દુજેકે લીયે ની જુગલ જોડી લાગે.મારા ઘરમાંતો સાક્ષાત લક્ષ્મીનો અવતાર જેવી વહુ આવી છે તેઓની આ સમાધીમાં તે એટલા આગળ વધી ગયા કે..લગ્ન પછી નિરવનાં હનીમૂનમાં પણ નિરવની સાથે નીકળવા તૈયાર થઇ ગયા.

(4)

બીજલતો કાપો તો લોહી ન નીકળે તેવી સ્થિતિમાં મુકાઇ ગઇ પણ જ્યારે નિરવે તેને સમજાવી ત્યારે તે વિચારમાં પડી ગઇ કે નિરવને પણ આમા અજુગતુ કેમ કશુ લાગ્યુ નહિ. નિરવ જ્યારે આઠ વર્ષનો હતો ત્યારે તેના બાપુજી અરવિંદભાઇનુ અકાળ અકસ્માતમાં મૃત્યુ થયુ ત્યાર પછી શર્મીલાબહેને બહુ કરકસર કરીને નિરવ અને જ્યોતિને ઉછેર્યા હતા.શિક્ષીકાની નોકરી કરતા કરતા બે પાંદડે તો નિરવ કામે લાગ્યા પછી થયા. નિરવની વાત જો કે બીજલ ને જચી ન હતી પણ નિરવ એવુ માનતો હતો કે પપ્પાનાં મૃત્યુ પછી મમ્મી  નાં મનોમસ્તિષ્ક માં નિરવ પુખ્ત પુરુષ તરીકે પ્રવેશ્યો જ નથી અને તેથી તો નાના બાળકની જેમ તકેદારી લીધા કરે છે.હનીમૂન નો પ્રોગ્રામ તો આબુ જવાનો હતો પણ શર્મી બેન ને પાલીતાણાની માનતા કરવી હતી તેથી વરઘોડીયુ પાલીતાણા તરફ જવા નીકળ્યુ અને શર્મી માસીની હાજરી સાથે.. ( બીજલની મમ્મીએ હસતા હસતા કહ્યુ કે વેવાણ છોકરાને થૉડાક એકલા રહેવા દો..પણ પછી મારુ વેકેશન પુરુ થઇ જશે અને માનતા રહી જશે જેવી બીન વહેવારીક વાતો અને નિરવનાં મૌન ને સંમતિ માનીને તે સાથે નીકળ્યા.)

બીજલ તો અંદરથી નિરવનાં વર્તનથી ખુબ જ દુઃખી હતી પણ બાને ખોટુ ન લાગે તેમ વિચારી કડવો ઘુંટડો પી ગઇ. જો કે પાલીતાણા પહોંચ્યા પછી નિરવે ધર્મશાળામાં બે રુમ લીધી ત્યારે તેના મનમાં થોડીક ટાઢક થઇ.નવોઢા બીજલને નિરવ પૂર્ણ સ્વરુપે ક્યાંય વહેંચાય વગર જોઇતો હતો..અને આ માનતાને નામે તેના પર થતો જુલમ સહેવાની તેને જરુર નહોંતી પણ  તેને મૌન રહેવુ યોગ્ય લાગ્યુ.એક વર્ષનાં વિવાહ દરમ્યાન તે એટલુ તો પામી ગઇ હતી કે નિરવ પણ બાનુ મન રાખતો હતો પણ એને મા મા જેવુ બહુ નહોંતુ. તેને રમાબાની નીતિ ‘કહેવુ પણ તેનો અમલ થાય કે નહિ તેના વિશેનુ કોઇ મમત્વ નહિ’ તે ગમતી.

બાર કલાક્ની લક્ઝરી સફર પતાવી વહેલી સવારે પાલીતાણા પહોંચી સહેજ તૈયાર થઇને ત્રણે તળેટી પહોંચ્યાં.આગમ મંદિર અને તળેટીમાં પુજન કરી ઉપર દાદાને દરબાર જવાની તૈયારી કરતા હતા અને નિરવે કહ્યું ’બા તમારા થી ઉપર ચઢાશે? ડોળી કરી લઇએ? શર્મિલાને તેથી ઘણું સારુ લાગ્યુ દિકરો તેની ચિંતા કરે છે અને હજી કહ્યામાં છે તે ભાવ સાથે થોડોક સુખનો ઘડો ભરી લીધો. બીના નિરવની યુક્તિ ઉપર વારી ગઇ.બંને થનગનતા અશ્વ ઉપર જાણે અસવાર બની ટુંકા રસ્તે સડ્સડાટ ચઢવા લાગ્યા.

ડોળી વાળા શર્મીલાબેન ને લઇ ઉપર ચઢતા હતા અને પહેલા વિસામે પહોંચ્યા ત્યાં સુધીમાં તેમના માથે સુરજ ગરમી વિખેરવા માંડ્યો હતો.સાથે લીધેલી વોટરબેગમાંથી પાણી પીતા હતા અને એક સાધ્વિજી દર્શન કરીને નીચે ઉતરતા હતા અને તેમેણે ટીકા કરી બેન દર્શન કર્યા પછી પાણી વાપર્યુ હોત તો પુણ્ય ઘણુ થતે. અચાનક શર્મિલાબેનને અરવિંદભાઇની યાદ આવી ગઇ તે પણ આમ જ માનતાં હતા.એક તો મોડુ ચઢવાનુ શરુ કર્યુ અને તાપ પણ કહે મારુ કામ..તેના મને ફરી ઉથલો માર્યો.અને થયું કે આ શરીર હજી ચાલે છે તો આ ડોળીવાળાને કષ્ટ કેમ આપવાનું? અને તેમણે ડોળીવાળાને કહ્યુ ભાઇ થોડુક હું ચાલીશ.

આ બાજુ પ્રેમી પંખીડા એક મેક્ને ટેકે નવટુંકને માર્ગે ચઢી ગયા. અને દેરાસરોનાં સમુહનું જે વિહંગ દર્શન કર્યુ તે જોઇને નિરવ આવક થઇ ગયો. બીજલ પણ નિરવની સાથે દરેક દેરાસરોની ધ્વજાનાં ફરકાટ અને તેની સાથે વાગતી નાની ઘંટડીનાં અવાજને માણી રહી.લગ્નજીવનની શરુઆત અને દેવસ્થાન કદાચ પહેલી નજરે વિચિત્ર પણ મનોગમ્ય વાતાવરણ હતું.નિરવ હળવેકથી બોલ્યો બીજલ પ્રભુની સાક્ષીમાં તારા અને મારા મનનું મિલન એ તો સાચુ લગ્ન છે.શું કહે છે? બીજલની નેહપૂર્ણ આંખો નિરવનાં સાત્વિક મનને ચુમી રહી હતી..બીજલને જોતા નિરવ ફરી બોલ્યો ‘મને ખબર છે આ સમયે તને બા ની હાજરી ન ગમે પણ તે મારા બા છે અને બાપુજીના ગયા પછી હું તેમનુ મન દુભાવવા નથી માંગતો પણ સાથે તને પણ હું દુઃખી કરવા નથી માંગતો.’

બીજલ બોલી ‘રાજા! ગુલાબ જો મેળવવો હોય તો ક્યારેક કાંટા પણ સહેવા પડેને?’

દુરથી શર્મીલાબેન ચાલતા આવતા દેખાયા અને નિરવની આંખોમાં પ્રશ્નાર્થ ડોકાયો.’કેમ તમે ચાલતા?’ શર્મીબેને હસતા હસતા કહ્યું ‘ મને તુ ઘરડી બનાવવા ભલે માંગતો પણ હજી આ હાથ પગ સાબુત છે.’ બીજલ સહેમી ગઇ પણ ચુપ રહેવુ યોગ્ય છે તેમ માની તેમને ટેકો કરી દાદાનાં દરબારમાં દાખલ થયા.

(5)

દેરાસરમાં પ્રવેશતા પ્રભુ સન્મુખ સ્તુતિ બોલતા બીજલને લાગ્યુ કે બાનુ ધ્યાન ચલિત હતુ. ભગવાનનાં દ્વાર પર પુજાની લાઇન અને મોટે મોટે થી ગવાતા સ્તવનોથી તે લગભગ ગુસ્સે થવાની અણી પર હતા ત્યાં અચાનક દાદાનાં રાયણ પગલા તરફ જઇને બેસી પડ્યા.આ રાયણનાં વૃક્ષ નીચે અરવિંદ ભાઇ સાથે પહેલી વાર આવ્યા હતા તે સૌ ઘટના મનમાં તાજી થઇ ગઇ.ક્ષણભર માટે નિરવ અન બીજલ મુંઝાઇ ગયા અને કંઇક પુછે તે પહેલા એમની આંખનાં ખુણે આવેલા ઝળઝળીયાને લુંછતા તે બોલ્યા ‘નિરવ તારા જન્મ વખતે આ માનતા માની હતી કે દાદાને દરબાર તને અને તારી પત્નિને સાથે લાવીને ભક્તિ કરીશુ.. પણ તે તો ન રહ્યા અને મને એકલીને નોંધારી કરી તે તો ગામતરુ કરી ગયા..’

નિરવ બોલ્યો  ‘બા તુ આવુ ન વિચાર એમનુ મૃત્યુ તેમના હાથની વાત તો નહોંતી. અકસ્માતથી મૃત્યુ એ આપણા સૌનુ કમનશીબ્ બીજુ તો શું?’

‘હા તારી વાત તો સાચી છે.’કહેતા તેઓ પૂજા માટે સ્નાનગૃહ તરફ વળ્યા.

બીજલ માટે શર્મીલાબેનને આર્દ્ર સ્થિતિમાં જોવાનો કદાચ આ પહેલો પ્રસંગ હતો. નિરવને તેના પૂજાનાં કપડા આપી તે પણ સ્નાન ગૃહ તરફ વળી.બીજલે તેના ઘરમાં કદી આવી લાગણીઓ જોઇ નહોંતી તેથી તેને અજુગતુ લાગતુ હતુ અને ખાસ તો મંદિરમાં રડારોળ કરવી તેને જરાય જચતી નહિ. ફુલ સુખડ ચંદન અને ધૂપ લઇ ને પુજા માટે લાઇનમાં ઉભા ત્યારે ૭ કે ૮ વર્ષની નાની છોકરી તેની દાદીમા સાથે પુજા કરવાનુ શીખતી હતી. તેના પ્રશ્નોનાં ઉત્તર દાદીમા આપી શકતા નહોંતા.

પ્રશ્ન હતો ભગવાનને એક વખત ચાંદલો કરીયે તો એક પુજા કહેવાય અને ૧૦૮ વખત ચાંદલો કરીયે તો ૧૦૮ વખત પુજાનુ પુણ્ય મળે કે નહિ? દાદીમા કહે બહુ સમય લઇએ તો પાછળનાં પુજા કરવા વાળાને વિલંબ થાય તેથી એક જ વખત પુજા કરવાની. પેલી છોકરી કહે પણ મારે તો ૧૦૮ વખત પુજા કરવી છે. દાદીએ ઠાવકાઇ થી કહ્યુ પ્રભુ ભાવનો ભુખ્યો હોય છે તેં મનમાં ધારી લીધું કે ૧૦૮ પુજા કરવી છે એટલે તારી એક પુજા ૧૦૮ વખતનું પુણ્ય આપશે.’

“તો તો હું ૧૦૦૮ વખત ધારીશ.”

શર્મી બેન અને બીજલ પ્રભુ સન્મુખ જ્યારે પહોંચ્યા ત્યારે નિરવ પુજા કરી ચુક્યો હતો છતા શર્મી બેને તેને બોલાવી બીજલ સાથે ફરી પુજા કરાવી અને બોલ્યા ‘પ્રભુ મારા નિરવ અને બીજલ ને સૌ વાતોનૂ સુખ આપજે ‘

ત્યાં પેલા દાદી બોલ્યા ‘બેન વિતરાગ પરમાત્મા પાસે આ ભવ રોગ છુટેની માંગણી કરો. આ ભવટવીનાં બંધનો છોડી ગયેલા સિધ્ધો પાસ છોકરાવની સુખાકારી ના મંગાય!’

શર્મી માસી બરબરનાં છંછેડાયા પણ ત્રાહીત માણસને કહે પણ શું? દરેક્ની દરેક ઘટના જોવાની પધ્ધતિ જુદી જુદી હોય. એ મનો મન બબડ્યા પણ ખરા કે શું જમાનો આવ્યો છે પરભુ પાસે સંતાનની સુખાકારી માંગવી એ પણ લોકોને મનમાં આવે?પાછા વળતા ડોળી વાળા સાથે વાતો કરતા બાને તેમનાથી આગળ જવા દઇ બંને ધીમે ધીમે એક મેકને ટેકો દેતા સાંજે ૫ વાગ્યે ઉતરી રહ્યા. બીજલ માટે નિરવ સાથે નો આ સંગાથ સંતોષજનક હતો. નીચે ઉતરીને દાઢમની સીંગ દાણાની ભેળ બંધાવી ધરમશાળા એ પહોંચ્યા ત્યારે શર્મીબેન ભોજનશાળામાં તેમની રાહ જોતા બેઠા હતા.પાસ આપીને જમવા બેઠા ત્યારે નિરવ અને બીજલ સાથે બેઠા અને શર્મી માસી સામે બેસીને બહુજ હેત થી બંનેને જોતા હતા અને મનોમન પ્રાર્થના કરતા હતા કે આ જોડીને અખંડ રાખજે..

(6)

નિરવ નાં લગ્ન પછી એક મહિનામાં વાત્સલ્યનાં પણ લગ્ન લેવાયા હતા.લગ્ન નાં દિવસે રમાબેન કરતા શર્મીલાબેન વધુ આનંદીત હતા જોકે તેનુ કારણ તો વાત્સલ્યને પણ સમજાતુ નહોંતુ પણ તેને અજુગતુ પણ લાગતુ નહોંતુ.તે દિવસે રીનાની મોટીબેને પુછ્યુ પણ ખરુ વાત્સલ્ય આ શર્મીમાસી તારી સગી માસી છે ત્યારે બહુ ઠાવકાઇથી વાત્સલ્યે કહ્યું ‘રમાબાને પુછી જોઇએ.’

રમાબા નો જવાબ હતો ‘મા તો વાત્સલ્યની હું છુ પણ શર્મી ને નિરવ જેટલોજ વ્હાલો વાત્સલ્ય છે. મારા કરતા પણ વધુ સાર સંભાળ તેની શર્મીલા રાખે છે. હશે કોઇ ગત ભવની લેણ દેણ વધુ તો શું કહુ?’

શર્મી માસીને વાત્સલ્યે આ વાત કહી ત્યારે શર્મી માસી કહે ‘ છોકરાઓ પૂર્વ ભવની લેણ દેણ થી જનમતાં હોય છે તે વાત તો સાવ સાચી પણ આ ભવે તેઓ તો આપણી મમતાનાં અધિકારી. આપણે તો આપવાનુંજ. લેણાનું તો કોઇ નામ નિશાન જ નહિ.આપણી મરજીથી તેમને આપણે આંગણ આણ્યાં, હવે લાગણી હુંફ અને વ્હાલથી ઉછેરવાનાં જેમ માળી બીજ રોપી છોડ ઉછેરે તેમ..’

નિરવને થોડુંક વેવલાપણુ લાગ્યુ પણ વાત્સલ્ય તો હેતનાં ફુવારે ભીંજાયો અને રીના પણ મનોમન હરખાઇ તેના વાત્સલ્ય માટે આવુ વિચારતી મા પણ છે.

વાત્સલ્ય અને રીના પરણી ઉતર્યા અને રમાબા અને હરીશભાઇને પગે લાગવા જતા શર્મી માસી પહેલા ઉભા હતા તો વાત્સલ્ય તેમને પગે લાગ્યો ત્યારે તેમની આંખમાં ઝળઝળીયા આવી ગયા ‘ફલો ફુલો. માબાપની સેવા કરો અને જીવન ખુશીઓથી ભરો જેવા કંઇ કેટલાય આશિષોથી બંને ને તરબતર કરી દીધા.રમાબા અને હરીશભાઇને પગે લાગતા રમાબાની આંખમાં પણ ખુશીનાં આંસુ તો હતાજ ‘કલ્યાણ થાવ.’અને તેનાથી વધુ બીજો કોઇ શબ્દ નહિ. રીનાએ મનોમન આની નોંધ લીધી.તેના મનમાં તરત જ બીજો વિચાર આવ્યો ગમે તેમ તોય તેજ વાત્સલ્યનાં બા છે વળી જન્મ.સંસ્કાર, લગ્ન અને મરણ એ તો કર્મ અનુસાર મળે છે તે ક્યાં કોઇનાં વશમાં છે.

રમાબાએ રીનાનાં હાથમાં શુકનનાં રુપિયા અને ઘરની ચાવી સોંપતા કહ્યું ‘રીના હવે ઘર તને સોંપ્યુ.મારી ફરજ પુરી થઇ હું તો ધર્મના મારગે ચઢીશ. જરુર હોયતો મને પુછજો.’

રીનાએ નમ્રતાથી કહ્યું ‘એવુ તે કંઇ હોય! તમે મારા ઉપર આખુ ઘર ના સોંપશો નવા સવા હાથે કોઇક ભુલ ચુક થઇ જાય!

રમાબાએ હળવેકથી કહ્યુ ‘એમ કંઇ ભુલ થતી નથી અને તુ તો ભણેલી અને ગણેલી છે ગ્રેજ્યુએટ છે.મારા કરતા પણ સારુ ઘર ચલાવીશ.’

બીજલને મનોમન થયુ કે રીના ખરેખર ભાગ્યશાળી છે.

શર્મીમાસીએ રમાને ટોકી ‘અલી રમા નવી સવી છોકરીને ઘર કામમાં સમજ નહિ પડે તો ગભરાઇ નહિ જાય્?’

રમાબા એમની ઠાવકાઇ સાથે બોલ્યા ‘કર્મનાં બંધનોમાંથી જેટલો જલ્દી છુટકારો થાય તેટલુ સારુ કારણ તો ખબર છેને કે જેટલુ “મારુ” મારુ” કર્યુ તેટલો  “માર” પડે. જેવી જગ્યા મળે તેવી “ખો” આપી દેવાની.આખી પાઘડી માથે પહેરી ફરવાની વાત જ ખોટી’

હરીશભાઇ બોલ્યા ‘રમા ધર્મની રીતે તુ કદાચ સાચી હોઇ શકે પણ વહેવારીક રીતે ઘરની રીતભાતથી વાકેફ કરવા સુધી સાથે રહેવુ જોઇએ.એમ ગૃહસ્થીનો ભાર ઉતારી વહુને માથે ના નંખાય.’

રમાબા કહે ‘હવે ઘરમાં કરવાનુ શુંછે? બે સમયનું રસોડુ અને ઘર કામ.એ કરતા મારુ પ્રભુ ટાણુ ના જતુ રહે? અને તકલીફ હશે તો હું ઘરમાં જ છુને?’

બીજલ આ સાંભળતી હતી અને મનમાં થતુ હતુ કે મને આ જોઇએ છે તે મળતુ નથી અને રીનાને તે મળે છે તો જોઇતુ નથી.સંસાર આને જ કહ્યો છે ને?

(7)

બીજલ અને રીના જ્યારે એકલા પડ્યા, કે તરતજ બીજલ તેના ગળે વળગી પડી.રીના અવઢવમાં પડી ગઈ. રીના બીજલને મધુરજનીની વાતો કરવા ઉત્સુક હતી. જ્યારે બીજલ રીનાને ખુશખબર આપવા તલપાપડ થઈ રહી હતી.રીના કાંઈ બોલે  તે પહેલાંજ બીજલ બોલી પડી ‘રીના મધુરજની માણીને આવ્યા પછી મને માસિક આવ્યું નથી.લાગે છે કે હું——-.’

આગળ તે બોલી ન શકી પણ ચબરાક રીના વાતનો મર્મ સમજી ગઈ.

બીજલ કહે ‘આ વાતની માત્ર નિરવનેજ ખબર છે.’પછી તો બન્ને   જણાની વાતો ક્યાંય સુધી ચાલી. શર્મિલાબાને તથા પોતાનાં માબાપને સાથે જાણ કરવી તેવું નક્કી થયું. શર્મિલાબાતો ઘરમાં પારણું બંધાશે એના સ્વપ્નમાં તો લગ્ન પહેલાના રાચતા હતા. લાગણીસભરતો  એ પહેલેથીજ હતા. બીજલ વિચારોમાં ગુંથાયેલી રહેતી હતી. તેને દેખી શર્મિલાબા  ખુશ થતાં. પોતાના સારા દિવસના ખ્યાલોમાં જો આટલો આનંદ મળતો હોય તો  નિરવ અને તેની પત્ની બીજલ  શર્મિલાબાને કેટલો આનંદ આપે. મગજના કોઈક ખૂણામાં  આ વિચાર બીજલને ઝ્બકી ગયો.

શર્મિલાબા તેને આજે જૂદા જણાયા. નિરવની ચકોર આંખોએ તેની નોંધ લીધી મનમાં મુસ્કુરાયો. બિજલ પણ ‘બા મને ખાટું ખાવુ છે.મને જરા સૂવાદો’.એવા વાક્ય પ્રયોગો જાણે અજાણે કરતી.

નિરવે અજાણ્યાનો ઢૉંગ કરતા કહ્યુ ‘આ બીજલ તમને સારા સમાચાર આપવા માંગે છે દાદીમા!’

વાદળોમાં છૂપાયેલો  પેલો સૂરજ હસતો હસતો પ્રકાશ વેરી રહ્યો.   એમની આંખમાં આવતા ઝળઝળીયા જોઇ બીજલ બોલી ‘બા! શું થયુ? આ સમાચાર ન ગમ્યા?’

‘ના રે બીજલ તેંતો બહુજ સારા સમચાર આપ્યાછે . એટલે જરા એ યાદ આવી ગયા. નિરવ વખતે તો તેમણે આખી સોસાયટીમાં પેંડા વહેંચાવ્યા હતા..’ બીજલને માથે ઓવારણા લઇ આંગળાનં દસ કટાકા બોલાવ્યા અને નજર ઉતારી મારા દિકરાને ઘેર દીકરો આવે તે તો મોટુ સદ ભાગ્ય કહેવાય.

બીજલ ડરતા ડરતા બોલી બા દિકરો કે દીકરી એ તો જન્મે તે પછી ખબર પડે અત્યારે તો …

‘બેટા હું સમજુ છુ પણ મને શ્રધ્ધા છે કે સૌ સારા વાના થશે..તને પહેલે ખોળે દિકરો જ થશે..’

શર્મીલાબેનને નિરવ નાનો હતો અને અરવિંદભાઇ સાથે કરેલી વાત યાદ આવી. તે સમયે નિરવ ૮ વર્ષનો હતો અને દેરાસરમાં આદત મુજબ નિરવની સુખાકારી માંગતા હતા ત્યારે બોલ્યા હતા’ આ નિરવ નિરવ ના કર. પરણી જશે અને ત્યારે તને ક્યાંય છોડી દેશે ખબર પણ નહિ પડે.’

શર્મીલાબેન બોલ્યા-’તમારુ આટલુ ધ્યાન રાખ્યુ તો નિરવ થયો. હવે એનુ ધ્યાન રાખીશ તો દાદીમા દાદીમા કરતો નાનો મુન્નો આવશે અને આપણો વંશ ચાલશેને?’

‘પણ ઘેલી! વંશ તો મારો ચાલ્યો તારો ક્યાં વંશ કહેવાયો..’

નગ્ન સત્યને અવગણતા શર્મીલાબેન બોલ્યા ‘તમે અને હું ક્યાં જુદા છે અને તમારા એકલાથી ક્યાં વંશ ચાલવાનો હતો?’

રમાબા ને જ્યારે રીનાએ સમાચાર આપ્યા ત્યારે તેમને પણ આનંદ થયો.અને પહેલી ચિંતા વ્યક્ત કરી હવે તબીયત સાચવજે અને બહુ ઉછળ કુદ ન કરીશ. માતૃત્વ ખુબ દોહ્યલું છે અને તમે જુવાનીયા તેને અમથુ ન રોળી નાખો તેથી આતો જરા મારા સ્વભાવ વિરુધ્ધ કહેવાઇ ગયુ.

રીનાને આ વાતમાં બીજલ પ્રત્યેની ચિંતા દેખાઇ પણ શર્મીમાસીનાં પ્રતિભાવો સાથે અજાણતા મન સરખામણી કરી બેઠુ.

(મારા આમંત્રણને માન આપી સાતમો હપ્તો લખવા બદલ પ્રવિણાબેન કડકીયાનો હાર્દિક આભાર અને સહિયારુ સર્જનની ભાવના નવલકથાનાં ક્ષેત્રે પહેલી વાર વેબ ઉપર સજીવન થઈ તેનો આનંદ.-વિજય શાહ)

(8)

બીટ્ટુ ના જનમ વખત ની એક  વાત બીજલને યાદ આવતી ગઈ.. એને છેલ્લા દિવસો અને નિરવ ને ટાઈફોઈડ થયેલો..  બીજલ દિવસે અને બા રાતનાં નિરવ ની પથારી પાસે જ બેસી રહેતાં નિરવ નાં તાવ થી ધગતાં કપાળે સતત કોલનવોટર નાં પોતા મુકતાં રહેતાં. રવીવાર નો દિવસ અને બીજલ ને સવાર થી દુ:ખાવો ઉપડયો હતો..  સહન થાય ત્યાં સુધી કર્યું. પણ પછી અચાનક બુમ પડાઈ ગઈ ઓ…ઓ..બા…અને નિરવ પાસે બેઠાં બેઠા જ બા એ સાદ દઈને કીધુ’તુ ‘આવી દીકરાં’.

બા બે રૂમ ની વચ્ચે ના બારણાં સુધી પણ નહીં પહોચ્યા હોય ને નિરવે બૂમ પાડી   ‘બા… તું અહીંજ બેસ’. થોડી પળ માટે પગ અટક્યાં પણ પછી શબ્દો સંભળાયાં. ’અત્યારે તારા કરતાં મારી વહુ ને મારી વધારે જરૂર છે’. તરતજ હોસ્પીટલ માં ફોન કર્યો અને એમબ્યુલન્સ મોકલવાં જણાવ્યું. રવીવાર એટલે ડોક્ટર કોણ મળે? એમ વિચારી ને પુર્ણીમાંબહેન ડોક્ટર ને પણ ફોન કરી દીધો.. આ બધી તૈયારી કરતાં કરતાં પણ થોડીથોડી વારે નિરવ ને જોઈ આવતાં અને મારી પાસે આવી મારા કપાળે હાથ ફેરવી જતાં.એ હાથ ની શીતળતાં કેમ અનૂભવી નહોતી સકતી એ આજે પણ સમજાતું નથી. દવાખાને પહોંચ્યા ત્યાં સીસ્ટરે બોંમ્બ ફોડ્યો. ’ડોકટર ની ગાડી બગડી છે એટલે અમારે ડીલીવરી કરાવવી પડશે’. અને બા નો પિતો ગયો. ‘એને કહે કે ટેક્સી ઘણી મળે છે ગામમાં . આમેય તે ટેકસી નાં પૈસા તો અમારા બીલ માં જ ચઢસે ને?’ ખબર પડી કે ટેક્સી ની પણ હડતાલ છે. બીજલ ને દાખલ કરી,જે એમબ્યુલંન્સ માં એને લાવ્યા હતાં એજ લઈને પંદર મીનીટ માં તો ડોકટર સાથે હાજર.બપોરે બે વાગ્યા હશે ને સુપુત્ર ની પધરામણી થઈ. મા-દિકરા ને વોર્ડમાં લાવ્યા ત્યારે તો દાદીમાં ચા લઈને હાજર.તે દિવસે શર્મીલાબા જમ્યા પણ ન્હોતાં બાપ બનવાની ખુશી માં નિરવ પણ જલ્દી સાજો થઈ ગયો.

તેની વિચાર ધારા તુટી જ્યારે તેણે બીટ્ટુ ની ચીસ સાંભળી. ‘આવી દિકરાં’ દોડી ને બીજાં રૂમ માં ગઈ જોયું તો બીટ્ટુ ના પગ માં થી લોહી ની ધાર વ્હેતી હતી. તરતજ એને પગે રૂમાલ કચકચાવી ને બાંધી દીધો. નિરવ ની ઓફીસે ફોન કર્યો તો ખબર પડી કે એ મીટીંગ માં છે. હવે…હવે શું કરીશ? તરતજ શર્મીલાબા એ ઘા બાજરીયું લાવી ને પગ માં દાબી દીધુ અને બોલ્યા ‘લોહી હમણાં બંધ થઈ જશે.

વાત્સલ્ય અને રીના ની જીવન શૈલી થોડી જુદી હતી. રમાબાં ની ઈચ્છા ને બંન્ને માન આપતાં પણ રમાબાં ક્યારેય કોઈ વસ્તુનો આગ્રહ ન રાખતાં. હંમેશા કહેતાં ‘તમને જેમ યોગ્ય લાગે તેમ કરો.’ રીના એ પણ ઘર સરસ સંભાળી લીધું હતું.બંન્ને પરીવાર પોતપોતાની રીતે સુખી હતાં. બીજે દિવસે બીટ્ટુ ને સ્કુલબસ માં બેસાડી, પીંકી ને સંગીત ક્લાસ માં મૂકી બીજલ્ નીકળી. રસ્તાં માં રીક્ષા ઉભી રાખી રમામાસી માટે થોડું ફ્રુટ અને સરસ મજાનો બૂકે બંધાવ્યો.. હોસ્પીટલ માં દાખલ થતાં જ સામે રીના મળી.માસી ને કેમ છે કેમ નહીં એવું કંઈ પૂછે એ પહેલાં તો રીના જ બોલવા લાગી. ‘જો ખબર કાઢી તરતજ પાછી નીકળી આવજે .ડોક્ટરે ના પાડી છે છતાં બા માનતાં જ નથી અને બોલ બોલ કર્યા કરે છે . ધરમ ની વાતો અને સંસાર ની અસારતાં ની વાતો એમને ખૂટતી જ નથી.પણ સાચું કહું એમની તબીયત નરમ થઈ છે ને દાખલ કર્યા છે ત્યારનું મને મનમાં કશુંક અમંગળ થવાના ભણકારા જ વાગ્યા કરે છે’. રીનાની આંખ ભીની થઈ ગઈ અને આસું લુછતી એ બહાર નીકળી ગઈ.

બીજલ વોર્ડ માં પહોંચી એટલી વાર માં તો કેટલાં વિચાર એને આવી ગયા.રીના શું ખરેખર રમા બા ને આટલો આદર આપે છે? રમા બા ધરમ નો આધાર લઈને આટલાં નિર્લેપ રહી શકે ખરા? ના ના બંન્ને સાસુ-વહુ ખોટો દેખાડ જ કરે છે. વોર્ડ માં દાખલ થતાં એણે જોયું રમાબા ની આંખ હમણાં જ મીંચાઇ હોય તેવું લાગ્યુ. ધીમેથી ખુરશી લઈને પલંગ પાસે બેઠી.  બાજુમાં પડેલું છાપું હાથમાં લઈને વાંચવા લાગી. છાપાં નાં પાનાનો અવાજ થતાં જ રમાબા એ આંખ ખોલી. બીજલ ને જોઈને પુછ્યું ‘ક્યારે આવી તું? રીના હમણાં જ ગઈ’ .

બીજલે  હસતાં હસતાં કહ્યું કે રીના એને મળી, એ આવી ને ત્યારેજ રીના બહાર નીકળી..’બા તમારે માટે નિરવે આ ગુલદસ્તો મોક્લ્યો છે અને જલ્દી સાજા થઈ જાવ એવી શુભેચ્છા પણ મોકલી છે.’ રમાબા અલીપ્તતાથી ગુલદ્સ્તા ને જોઈ રહ્યા . ‘આ ફુલ તો કાલે કરમાઇ જશે પણ નિરવ ની શુભેચ્છા તો મારી સાથે આવશે. બીજલે તેમને માટે સંતરું સુધાર્યુ અને રમાબા એ સંતોષ થી ખાધું. બીજલ વાત તો કરતી હતી રમાબા જોડે પણ એનું મન ચોટ્યું હતું ઘર ગૃહસ્થીમાં.

‘ચાલો હવે હું નીકળું . છોકરાઓનો ઘરે આવવાનો ટાઈમ થાય એ પહેલાં ઘરે પહોંચી જાઉં નહીતર અમારા બીટ્ટુ ભાઈ તો ઘર માથે લેશે. કાલે હાથમાં થી કાચ નો ગ્લાસ પડ્યો ને પગ માં કાચ પેસી ગયાં. હેં બા ધનુર નું ઈંન્જેક્શન નો લેવું પડે?  નિરવ ને તો એમજ છે કે બાનુ ઘા બાજરીયું દાબી દીધું છે એટલે ઈંન્જેક્શન ની કાઈ જરૂર નથી.’ રમાબા હસ્યા ‘ નિરવ શર્મીલા નો દિકરો ને બીટ્ટુ તારો દિકરો..બીજલ કંઈ સમજી શકે એ પહેલાં સીસ્ટર ઈશારો કરી ગઈ કે રમામાને  બહુ બોલવાની મનાય છે.બીજલ બા ને આવજો કરીને નીકળી.

( મારા આમંત્રણને માન આપી આ લઘુ નવલકથાનુ આ પ્રકરણ લખવા બદલ શ્રી રમેશભાઇ શાહ (વાપી) નો આભાર-વિજય શાહ)

(9)

તે દિવસે નિરવ બહુજ આનંદીત હતો. તેની કોન્ટ્રાક્ટરની છ વર્ષની કારકીર્દીમાં આટલો મોટો કોન્ટ્રાક્ટ તેને મળેલો નહિ. હોસ્પીટલ ટેન્ડર માં આખા ગુજરાતનો સર્જીકલ બેંડેજનો અને વિટામીન બી ૧૨નો સપ્લાય કરવાનો હતો. શક્ય છે કે આ વર્ષે તેનો નફો ૪૦ લાખ થી ઉપર થાય. વાત્સલ્યે તેને અભિનંદન આપતા કહ્યું આવો મોટો લાભ શર્મીમાસીનાં આશિર્વાદ છે ને તેથી મળે છે. રીના પણ વાત્સલ્ય સાથે સહમત થતી હોય તેમ હકારમાં માથુ હલાવ્યુ અને તે સાથે તેના મનમાં એક દુઃખ ની રગ પણ દબાઇ.તેને થયુ બીજલ કેમ આ નહિ જોઇ શકતી હોય.. તેને શર્મી બા તેના નિરવ પ્રત્યેના પ્રેમમાં ભાગીદાર સમજવાને બદલે આ આશિર્વાદોથી આવતા આ સુખોને કેમ માણતી નહિ હોય? તે બીજલનાં વલણને જાણતી હતી. બીજલનાં મતે લગ્ન થયાંને આટલા વર્ષો વિત્યા,નિરવ બે બાળકોનો બાપ બની ગયો.તો પણ શર્મીબાને મન તો હજી તે બાળ નિરવ જ રહ્યો. બિજલને આ કઠતું.

રમાબેન ઘણીવાર શર્મીલાબેનને ટોકતાં, ”શર્મી,હવે આ બધું મારી જેમ મેલી દે.તારું આ લાગણીનું ગાંડપણ છોડ અને, જીવનના અનુભવોનું ડહાપણ વાપર.”ત્યારે બીજલને લાગતું કે એની સાસુ ભલેને સાઇઠ વરસનું જીવન જીવ્યા,પરંતુ જીવનનો સાચો અનુભવ તો એમને કદાચ નહિવત જ છે. સાલું…..આ શું… ખોટા લાગણીવેડા…એ સિવાય બીજું કંઇ જ નહી.ના કોઇની ભાવનાની કદર કે ના કોઇપણ જાતના વહેવારનું ભાન…! મારા સસરા આ લાગણીના થાંભલા સાથે કેમ કરીને રહ્યા હશે ? અને સાથે જ બીજલને લાગતું કે રીના કેટલી નસીબદાર…એના સાસુ રમાબા કેટલાં સમજૂ અને પ્રેકટીકલ છે.રીનાના ઘરમાં પ્રવેશતાં જ ઘરની ચાવીઓ સમેત તમામ જવાબદારીઓ એને આપી દીધી.રોજ રીનાને મનગમતુ મેનુ ઘરમા બને, રાંધવાની ઇચ્છા ન હોય તો વાત્સલ્ય સાથે બહાર રેસ્ટોરંટમાં અને તે પણ એકલાં જવાનુ. અને અહીં સાસુ શું ફરમાન આપે તેની રાહ જોવાની.આપણી કોઇક ઇચ્છા કહીએ તો – નિરવને આ નહી ફાવે,ફલાણું, ઢીકણું…કાંઉ..કાંઉ કાબરની જેમ મંડી પડે…પહેલા પુછ તો ખરી…પણ…ના….મારા નિરવને આમ.. ને મારા નિરવને તેમ….અરે….હું તેની પત્ની છું..કોઇ મજાલ છે કે..મારી કરતા કોને વધારે ખબર હોય કે એને શું કેવી રીતે અને કેમ ફાવે છે. હવે તો હદ થાય છે…દરેક વાતમાં ટક ટક..! પ્રેમની કોણ ના પાડે છે ? જાણે બીજું કોઇ નિરવને સમજતું જ નથી કે ? નિરવ સામેથી ના પાડે તો પણ…બા..નહી સુધરે…એને હંમેશા થતું કે બાળકોને પોતાની રીતે જમાના પ્રમાણે ઉછેરે.. પણ હું નિરવને આમ કરતી એટલે….આને પણ આમ જ..કરવાનુ…. હે ભગવાન!…..! મારો ક્યારે છૂટકારો કરીશ્?

રમાબા ઘણીવાર દુ:ખી બીજલનો ચહેરો વાંચીને આશ્વાસન આપતાં,અને કહેતાં કે –“શર્મી તો ઘેલી છે, હવે કેટલું જીવશે ?”ત્યારે બીજલને મનમાં થતું કે એ ગમે ત્યારે મરશે, પણ મને તો એણે જીવતે જીવત મારી નાખી છે.બાકી હું સૌભાગ્યવતી એની હાજરીમાં મારા પતિની સામે પણ વિધવાથી પણ બૂરી દશામાં છું. એકવાર રસોઇ કરતાં રોટલી જરા કડક થઇ ગઇ એટલે તો,ઓ બાપ રે ! નિરવને આવી રોટલી નથી ફાવતી પણ કલાક ભાષણ ચાલ્યું.અરે ! એને આ રોટલી નથી આપવાની….તમે શું કામ ચિંતા કરો છો. તે દિવસે તો બીજલને હાથમાંની સાણસી શર્મીબા ના માથામાં ફટકારી દેવાનું મન થઇ આવ્યું.

રમાબાનુ વર્તન સામાન્ય રીતે અલિપ્ત રહેતુ પણ સોસાયટીનાં મિસ્ત્રીકાકાનાં અશોકનાં આકસ્મીક મૃત્યુ વખતે બહુ જ વિચિત્ર હતુ. મિસ્ત્રી કાકા બહુ જ હિબકે ચઢ્યા હતા અને કેમેય કરી યુવાન મૃત્યુ માટે વલોપાત કરતા રોકાતા નહોતા. શર્મીમાસી અશોકનાં ગુણ ગાતા હતા ત્યાં  એટલામાં રમાબા  આવ્યા બોલ્યા – “આમ રડવા કરવાથી જો જનાર પાછા આવતા હોય તો ગામ આખાને રડવા બોલાવીએ  ને…….”આ વાત સાંભળીને રીનાને આશ્ચર્ય થયું. કે આવા પ્રસંગે મારા સાસુ આવું શું કામ બોલતા હશે ?અને,બીજલને આમાં સચોટ વહેવારિકતા દેખાઇ.- સાચી જ વાત છે ને  દુ:ખ તો લાગે જ, કોને ન લાગે…. દુ:ખો તો ઘણા જ હોય છે ફક્ત આ દુ:ખ દેખાય છે એટલે જ… એક વરસ પહેલા જ અશોકે પ્રેમલગ્ન કરેલાં,અકાળે અવસાન પામવાથી રાધાને ઘેરો શોક લાગ્યો હતો.ઊંડા શોકના કારણે તેનાથી રડી શકાતું ન હતું. અરે ! કેવીરીતે તે માને કે તેની તો આખી દુનિયા જ અંધારી થઇ ગઇ છે.તે માનવા તૈયાર જ ન હતી કે તેનો પતિ મૃત્યુ પામ્યો છે. રોકકળ ચાલતી હતી.ત્યાં અચાનક જ રમાબા તેમની જગ્યા પરથી ઉઠીને રાધા પાસે જઇને તેને ધબ્બો મારીને ત્રાડ પાડી– “મુરખ! આવો પહાડ જેવો ધણી ફાટી પડ્યો છે ને, તને રડવું નથી આવતું.કેમ? બીજે ક્યાં છિનાળા કરવા છે ? એ જાય એની રાહ જોતી હતી કે ?” અને પેલી સ્ત્રી છાતીકૂટ રડી પડી.પછી બધાને ખબર પડી કે બે જીવ વાળી એ બાઇ અને છ મહીનાનાં નાના જીવને બચાવવા તેને રડાવવી જરુરી હતી. વહેવારીક રીતે આ વલણ અમાનવીય કહેવાય પણ રાધા રડી તેથી બંને જીવ બચી ગયા. (આ વાર્તા માટે મારુ આમંત્રણ સ્વિકારી આ હપ્તો મોકલવા બદલ કિરીટકુમાર ભક્ત નો હું આભાર માનુ છું)

(10)

બીજલનો શર્મી બા માટેનો ઘુઘવાટ બહુ સમય સુધી ઢંકાયેલો રહ્યો.પણ તે દિવસે પીંકી બોલી ગઇ

‘ દાદી મમ્મીનાં મનમાં તમે દુઃખ દેનારા અને તેમને ચેન થી ન જીવવા દેનારા છો.’ત્યારે શર્મીબા બરોબર ધુંધવાયા અને બીજલને સીધ્ધોજ પ્રશ્ન કર્યો ‘આવી તુ કેવી નગુણી કે તારુ આટલુ કર્યા પછી પણ મારા પ્રત્યે તને તિરસ્કાર રહે છે?’ બીજલ બોલી ‘બા લાગણી સમજવાની અને માણવાની વાત છે તેનો અતિરેક ક્યારેક જોહુકમી બની જાય છે.”‘ એટલે તુ શું કહેવા માંગે છે?’

‘ખાસ કશું નહિ પણ થૉડોક નિરવ મારો પણ હોય તેવો અનુભવ હવે ૬ વર્ષ પછી પણ મને તમે થવા નથી દેતા’

”લે કર વાત! નિરવ તારો વર તો પછી થયો પણ તે મારો છોકરો પહેલા હતો અને હજી છે તે વાત તો હકીકત છે ને?”

“તે હકીકત થી ઇન્કાર નથી પણ તમે હજી એમ કેમ માનતા નથી કે હવે તે મારો પતિ અને મારા બે છોકરાનો બાપ પણ છે અને તમે જે કર્યુ તે એક જ રીત નથી જે રીતે મારા છોકરા પણ ઉછરે. જમાનો ઘણો આગળ વધી રહ્યો છે અને તે રસ્તાની ખબર તમારા કરતા અમને વધારે પડે છે.”

“લે બા આતો મગને પગ નિકળ્યા. તુ આ નવી નવી હવે મને શીખવશે?’

“બા મેં એમ નથી કહયુ કે હું તમને શીખવીશ્ મારો કહેવાનો ભાવાર્થ..”

“હું બધુ જ સમજુ છુ.હું કંઇ સાવ નાની ગિગલી નથી. તને હવે ઘરનો વહીવટ જોઇએ છે.’

“ના બા વહીવટ નહિ .નીરવ સાથે ને મારા સંતાનો સાથે રહેવામાં તમારી સુફીયાણી વાતોમાંથી મુક્તિ જોઇએ છે.ક્યારેક તમારી સલાહ વિના પણ અમે રહી શકીયે તેવુ વાતાવરણ જોઇએ છે.”

‘એ જ વાત આવીને કે તારે હવે તારો ચોકો જુદો કરવો છે પણ હજી હું જીવતી બેઠી છુ મારા જીવતા નિરવ કદી તે નહિ કરે સમજી!’

’‘બા તમને બે હાથ જોડીને વિનવું કે વાતનુ વતેસર ના કરો. સહેજ તમારો કડપ ઘટાડો અને રમાબા જે કરે છે તેનો દસમો જ ભાગ તમે કરો તો આપણું ઘર નંદનવન બની જશે.”‘

“હા હવે એજ બાકી રહ્યુ છેને..રમા તો જવાબદારી થી ભાગે છે..મારે શું કરવું અને નહિ કરવું તે મને સમજ છે. મને મારી બધી જવાબદારીનું ભાન છે અને હું તેમ કરી નિરવનું જ ભલુ કરુ છુ તેમ સમજ. હું તો ઘરનું જીવતુ તાળુ છું મારી હાજરીમાં મારા નિરવનો એક પણ પૈસો આઘો પાછો ન થાય સમજી?’

બીજલ તેના સ્વભાવ પ્રમાણે સહેમી ગઇ પણ તેના મનમાં થયુ કે મિલ્કત પર ફેણ લગાવી ચોકી કરતો કાળોતરો નાગ છે આ શર્મી બા…તેમના હાથ નીચે બાળકો મોટા જરુર થશે પણ તે ડીપ્રેશનમાં જરુર જતી રહેશે, કોણ જાણે કેમ તેના સસરા  હયાત નથી તે વાતનો અફસોસ થવા માંડ્યો.વ્યવસાયે શર્મી બા શિક્ષિકા હતા તેથી નિયંત્રણનુ ભુત મનમાં જરુર કરતા વધારે દેખાયા કરે છે. ગુસ્સે થતા બાને રોકવા અને સહેજ પણ ઢીલુ ન મુકવાનં હેતુસર રસોડામાં જઇ ઠંડુ પાણી તેમને આપી તે બોલી

‘બા તમે શાંતિથી વિચારો અમે તમે નિવૃત થાવ તે સમજાવવા નો પ્રયત્ન કરીયે છે.’

‘અમે એટલે તેં નિરવને પણ આ નાટકમાં ભોળવ્યો છે?’

‘નિરવ તમારો ભારોભાર આદર કરે છે તેથી મૌન રહે છે પણ તમે પેલો બીટ્ટુ જેમ રમકડુ પકડ્યા પછી ન છોડવાની જીદ કરે તેમ નિરવને ન છોડવાની જીદ લઇને બેસી ન રહો તો સારુ.’

‘નિરવને કલકત્તા થી આવી જવાદે પછી વિચારીશુ.’

અને ત્યાંજ ફોન ની ઘંટડી વાગી. ફોન નિરવનો હતો.બીજલ પાસેથી કોઇક ટેલીફોન નંબર માંગતો હતો.મનનો ભાર સહન ના થતા શર્મી બેને મોટેથી ભેંકડો તાણ્યો જાણે ઘરમાં કોઇ મરી ન ગયુ હોય્..આને બીજલથી તે સહન ન થયુ અને ઉંચા અવાજે બોલી પડી ‘બા! આ નાટક રહેવા દો.’

“નિરવે ફોન ઉપર જ પુછ્યુ કે બા ને શું થયુ કંઇક વાગ્યુકે પછી પડી ગયા શું થયુ છે?’

‘પીંકીએ બાને કહ્યુંકે તમે મને દુઃખ આપો છો તેથી તે વાત જરુર કરતા વધુ વિચિત્ર રીતે લઇને રડારોળ કરે છે.’

શર્મી બેન નો ગુસ્સોતો સાતમા આસમાને હતો રડતા રડતા ફોન હાથમાં લીધા વિના જ ‘મારી તપસ્યા એળે ગઇ બીજલ મને ઘરમાંથી કાઢી મુકવાની વાતો કરે છે ઓ માડી રે…!’ બીજલે ફોન સ્પીકર પર મુકીને નિરવને બા સાથે વાત કરવાનુ કહ્યું.

નિરવ સહેજ ઉંચા અવાજે બોલ્યો..’બા તમે મર્યાદા નહી છોડો તો બીજલ પણ નહિ છોડે’.

શર્મી માસીને જબર જસ્ત આંચકો હવે લાગ્યો..અરવિંદભાઇનાં શબ્દો સાચા પડી હવા માં ઘુમરાતા હતા..નિરવ તેની પત્ની નો થશે ત્યારે દુઃખ થાય તે કરતા તે રસ્તે જવું જ નહિ. નિરવ બોલતો હતો બા કાલે તો આ બીઝનેસ ડીલ પતાવીને ત્યાં આવી જવાનો છું એક દિવસ શાંતિ ન રાખી શકાય?

બાજુનાં કબાટનાં પડછાયામાં મુંછમાં હસતી બીજલને જોઇ શર્મી બેન શોક મગ્ન થઇ ગયા..

મોહ રાજાનાં શરણોમાં દુઃખ શું હોય તે પહેલી વખત શર્મી બાને સમજાયુ. દારુડિયાને સવારે ઉઠતા જે હેંગોવરનું દર્દ હોય તેવુ મગજ બહેર મારી ગયું.

(11)

બીજે દિવસે સવારની ફ્લાઇટમાં નિરવ પાછો ફર્યો.ઘરમાં જ્વાળામુખી ફાટ્યો હોવાની કલ્પના તો હતી પણ એરપોર્ટ ઉપર બીજલ ની સાથે શર્મીબાને જોઇ થોડુક આશ્ચર્ય થયુ.આદત પ્રમાણે તેણે શર્મી બાનાં પગે લાગ્યો તેથી થોડાક પ્રસન્ન દેખાયા.ઘરે જતા જાણે કર્ફ્યુ લાગ્યો હોય તેવો સન્નાટો હતો. શોફરની હાજરીમાં કદાચ બધા સૌમ્યતા થી વર્તતા હતા. બીજલ અને શર્મી બા પેલા મહાભારતનાં યુધ્ધમાં કૌરવો અને પાંડવોનાં સેનાપતિઓની અદા થી વર્તતા હોય તેવુ નિરવને થતુ હતું. તેનો કદાચ સૌથી કટોકટી ભરેલો આ સમય હતો. તેની જાતને તેણે કૃષ્ણ થવુ કે અભિમન્યુ તે સમજાતુ નહોંતુ..પણ એક વાત સ્પષ્ટ હતી તે તૈયાર હતો. તે તેની જાતને વારંવાર કહેતો હતો ૧૮૫૭નાં બળવાની જેમ સમય કરતા બધુ જ વહેલુ થતુ હતુ અને આ વર્ષ નીકળી ગયુ હોત તો  સારુ હતુ.શર્મી બા આખી રાત વિચાર્યા કરતા હતા. તેઓ માટે પણ આ અનપેક્ષીત પરિસ્થિતિ હતી. નિરવનાં વલણ ઉપર તેમનો બધો આધાર હતો. તેમને તેમનુ મન અને હ્રદય જુદો જુદો રસ્તો બતાવતા હતા. તેમને થૈ તો ગયુ જ હતુ કે બીજલ તેનુ ધાર્યુ કરીને રહેશે અને તેમ થવા દેવામાં ડોશી મરી જાય તેનો નહિ પણ જમ ઘર ભાળી જવા જેવુ થવાનુ છે. વારંવાર તેમની નજર નિરવને માપી રહી હતી.. શું આ એજ નિરવ જે મને પુછ્યા વિના પાણી પણ નહોંતો પીતો તે હવે મને બીજલ દ્વારા હંફાવશે? તેની પાછળ મેં મારી આખી જાત રેડી દીધી પણ હવે બૈરી આવતા તેના તરફી થઇ જશે?

બીજલને તો કશુ ખોવાનુ હતુ જ નહિ તેથી તે ચુપ્પી સાંધી બેસી રહી હતી.તે તો નિરવ હનીમુન નાં સમયે સાથે આવવાની વાત કરી હતી ત્યાર થી તે તો ઇચ્છતી હતી કે બાને તેમની મર્યાદા નિરવ બતાવે પણ સંસ્કાર એવા હતા કે બીજલ ચુપ થઇને બંનેની પરિસ્થિતિ ને સહેતી હતી.ઘરે પહોંચતાની સાથે નિરવ વિચારતો હતો કે બાને સમજાવે કે ૩૨ વર્ષનો પુખ્ત માણસને ઘણી બધી જવાબદારી હોય છે.અને લાગણી કે વહાલ થી પેટ નથી ભરાતુ. જિંદગી સતત માવજત માંગતુ માનસીક પરિબળ છે. તમે મૉટા અને વડીલ તેથી આ રીતે વર્તવાનો પરવાનો તમને મળી જાય અને તે ક્યારેય ન બદલાય તે મર્યાદા બહારની વાત છે. અને સાથે બીજલને પણ કહીશ કે છ વર્ષ એટલે બહુ નથી..જેમ તારો બીટ્ટૂ તેમ બા નો હું.

ઘર આવતાની સાથે કોઇ કંઇ પણ બોલે તે પહેલા નિરવે અરવિંદભાઇ ની તસ્વીર ઉપર હાથ રખાવી કહ્યું હું જાણૂં છું કે વિચારોમાં મતભેદ છે.દરેક પોતાની રીતે વિચારી વિચારીને દુઃખી થાય તે ન ચાલે. આજે પપ્પા હોત તો તેમણે શું કર્યુ હોત બા તમે કહો. શર્મી બેન તો ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા.. ‘એ હોત તો  મારે આ દિવસ તો ના જ જોવો પડ્યો હોત.”

‘‘બા! તમારી ભુલ થાય છે. મારા સૌમ્ય વર્તનને તમે મનમાન્યુ કરવાનો પરવાનો ના સમજી શકો. તમારા ઉપરાંત મારી જવાબદારી બીજલ અને બીટ્ટુ પિંકીની છે.તમે જેટલુ અને જે કરી શકતા હતા તે કર્યુ હવે બીજલની જવાબદારી છે અને તેથી તે તમને કહે છે બા હવે નિવૃત્ત થાવ. તેની ભાવના ને સમજો.’‘અને હા બીજલ બાની સામે ઉધ્ધતાઇ તેં કરી છે તુ તેમની માફી માંગી લે.’ થૉડાક મૌન પછી તે બોલ્યો ‘તમને બંનેને એક વાત હું કહી દઉં તમે બે જ્યારે પણ લઢો છો ત્યારે મને થાય છે કે મારુ જમણુ અંગ મારા ડાબા અંગને મારે છે.’

શર્મી માસી સહેજ મલક્યાં અને બીજલે ઉંડો નિઃશ્વાસ નાંખ્યો. નિરવ ખરેખર કશુંજ કરી ન શકે. તે બોલી ‘મેં કોઇ ઉધ્ધતાઇ નથી કરી.મારા મનની વાત કરી છે અને આદર પુર્વક મેં મારો અધિકાર માંગ્યો છે. બા તમારા છે તમને જે વહાલ અને વાત્સલ્ય મળે છે તેનો દસમો ભાગ પણ મને મળેને તો હું ધન્ય થઇ જઉં. ખૈર નિરવ તમે પણ આજે ન્યાય ને ઠેલ્યો છે કર્યો નથી..‘અને છલકતી આંખે તે તેના રુમમાં જતી રહી.ઘણું રડ્યા પછી તે મનમાં અને મનમાં બોલી નિરવ જેણે જૂતા પહેર્યા હોય તેને જ ખબર પડે કે તે ક્યાં નડે છે.

એક વાત આજે સ્પષ્ટ થઇ ગઇ કે નિરવ તમે પણ પક્ષકાર છો. જજ નથી. મારે જ મારા દુઃખનો ઇલાજ શોધવાનો છે.આ બાજુ શર્મી બા બોલ્યા ‘જોને કેટલો ગર્વ ભર્યો પડ્યો છે તેં કહ્યું છતા તેણે માફી ના માંગી’. નિરવને શર્મીબાની વાત ન ગમી અને તે સ્ટડીમાં ફોન કરવા વળ્યો.  બપોરે ટીવી ઉપર ‘બંદીની‘ ચલચિત્ર ચાલતુ હતુ અને નૂતન બીજલની માનીતિ અભિનેત્રી હતી.પણ બા સાથે બેસીને તે ચિત્ર જોવાને બદલે તે રીનાને ત્યાં જતી રહી.

(12 )

‘બંદિની’પુરું થયુ.અને,બીજલના અંગેઅંગમાં નૂતન વ્યાપી ગઇ.એણે વિચાર્યુ કે આ સમસ્યાનું કોઇક સારુ સમાધાન જરુરી છે. કારણ નુકસાન એણે જ વેઠવાનું આવે, કંઇક એ પોતાની જાતમાં નૂતનને જોઇ રહી. મનમાં અને ઘરમાં જે અદ્રશ્ય ધુમ્મસ છવાયેલું હતું. તેમાં દુર દુર કંઇક કિરણ દેખાયુ.જેમ દ્વાપરયુગની રાધા અને,કળિયુગની મીરાની કૃષ્ણની પ્રાપ્તિનું યુધ્ધ…નિરવ એનો કૃષ્ણ જ હતોને? બીજલને રુમમાં જતી રહેલી જોઇ શર્મીબાને લાગ્યુ કે પોતે બાજી મારી લીધી છે.તેમના ઘડપણના ડહાપણ અને પ્રેમનું સ્થાન ઘેલછાએ લીધું.એ મા તરીકે પોતાના અધિકારને સમજ્યા, પણ બીજલ નો પણ નિરવ ઉપર પત્ની તરીકેનો  હક્ક છે તે ભુલ્યા. વાત્સલ્યમયી મા કાયમ આપે જ તે ભુલી હવે હક્ક અને ફરજોનાં દાવ પેચ ચાલતા થયા. કદાચ આથીજ નિરવ નું વર્તન બદલાયુ તે વાત તેઓ ન સમજી શક્યા.

”નિરવ,કંઇક કરવું પડશે,જો હું કઇ ક કહીશ તો બા નહી માને…”બીજલે પ્રયત્ન શરુ કર્યો.

”હા,પણ, આમાં કરી શું શકાય? મારી હાલત જો હું કોનો પક્ષ લઉં ‘નરો વા કૂજરો વા’ પણ મારાથી થાય તેમ નથી…”નિરવ અસહાય બનતો ચાલ્યો.

”ના,એમ શસ્ત્રો મુકી દેશે તો,હાર નક્કી થઇ જશે.”બીજલ બોલી. ”તું શું માને છે બા ને ખબર નથી કે એ શું કરી રહ્યા છે ? પણ એમણે હવે કદાચ વટ છોડવો નહી હોય.એટલે એ સમજવા કે સમાધાન માટે તૈયાર નથી.”

નિરવ બોલ્યો. ”આમ તો કેટલું ચાલશે… ? આની અસર બાળકો પર કેવી પડશે તેનો તો વિચાર કર.”

”એક કામ કરીએ,બા ને એકાદ મહિનો યાત્રા પર મોકલીએ, જેથી જગ્યા અને વાતાવરણ બદલાય અને,એમના વિચાર પણ બદલાય્…..,શું કહે છે બોલ..”

બીજલે ઉમેર્યું. ”હા,આઇડીયા સારો છે,એ માનશે ખરાં…”

નિરવ બોલ્યો. ”મનાવીશું ને… વાત્સલ્ય, રીના આપણને મદદ કરશે જ.’ ક્ષણમાં બીજો વિચાર આવતા તે બોલ્યો .એ નહી માને,હું જાણું છું ને મારી મા કેવી છે તે..”નિરવ હેઠો પડતો બોલ્યો.

”કેમ આવી વાતો કરે છે ?રમાબાને કહે, એ સાથે જાય તો..” ’મને હજી પણ શંકા છે.” ”અરે !  પાલીતાણા કે સમ્મેતશિખર માટે તો કોઇ ના નહી પાડે.”

”પ્રયત્ન કરી જોવામાં શું જાય છે..”બીજલે વાત આટોપી.

બીજા દિવસે, ”એના કરતાં મને સ્મશાને નાખી આવ….” બાળકોની હાજરીમાં,શર્મીબા બરાડ્યા.

સ્મશાનનો અર્થ સમજતી પીંકીએ બીજલને પુછ્યું…. ”બા કેમ સ્મશાને નાખી આવવાની વાત કરે છે ?”

બીજલથી ખાનગીમાં ડૂંસકું ભરાઇ ગયું,એણે નિરવને ફોન કર્યો. તો નિરવ ચિડાઇ ગયો. અવઢવે ચઢેલુ બીજલનું મન કહેતુ હતુ કંઇક કરવુ જ પડશે…બીજલ તું બેસી રહીશ તો તારા નુકસાન ની જવાબદારી તારી જ હશે. ના…. ના  હું હવે નુકસાન નહી જ વેઠું. કોઇપણ જાતનું અને કોઇના પણ ભોગે….

બપોરે ચા પીતા પીતા શર્મીબા બોલ્યા ;’અમે તો વર અને સાસુ સસરાનુ બહુ જાળવતા.. પણ તમે નવા જમાનાનાં એવુ ક્યાં સમજો છો‘

બીજલ બોલી ‘બા તમારા સમયે રેડિયો હતો હવે ટી વી છે કોમ્પ્યુટર છે. આગળ વધેલો જમાનો જેમ નવા સુખ આપે તેમ નવા દુઃખો પણ લાવે.‘ મનમાં તો તેના રમા બા નાં શબ્દો ગુંજતા હતા કે ભાભો ભારમાં તો વહુ લાજમાં..પણ તે ન બોલી અને રુમમાં જતી રહી.

સાંજે નિરવ ઘરે આવ્યો ત્યારે શર્મી બાને રુમ માં સુતેલ જોઇ બીજલને બુમ પાડી ‘બાને કંઇ થયુ છે? કેમ અત્યારે સુતા છે?‘ બીજલ આવી ત્યારે બાએ ઉંહકારો ભણ્યો અને નિરવની સામે જોઇને બોલ્યા મને છાતીમાં ઝીણું ઝીણું દુઃખે છે. ઉંઘ પણ આવે છે‘.‘ડોક્ટરને બોલાવુ?’તેમણે ના પાડી પણ નિરવ તેમને ડો કાનાબારની હૉસ્પિટલમાં લઇ ગયો. ડૉકટરોએ તપાસવાની શરુઆત કરી.તેમના હાર્ટબીટ ધીમા પડતા જતા હતા.તેથી નિરવને અને સગા-સંબધીઓને તેડાવી લેવા જણાવ્યું. મરનારના મુખ પર ગજબની શાંતિ દેખાતી હતી.આવી શાંતિ ભાગ્યે જ કોઇ મૃતકના મોઢા પર દેખાતી હોય છે.વાત્સલ્ય આવ્યો ત્યારે નિરવ છુટ્ટા મોઢે રડી પડ્યો..

‘શર્મીબાને હાર્ટનો પ્રોબલેમ ન હતો ને…’. ‘એમને અનિદ્રાની બિમારી હોય એવું સાંભળવામાં આવ્યું નથી…’

’‘ પોસ્ટમૉર્ટમ કેમ ન કરાવ્યુ…’ ‘એનો યશ કે અપયશ રમાબા ને જાય છે…’

‘મરનારના મુખ પરની શાંતિ જોઇ એની જરુર કદાચ કોઇને નહી લાગી હોય…

’‘જરુર ખરી કે – કોઠી ધોઇને કાદવ કાઢવાની…આ એક સ્વાભાવિક કાર્ડિઆક એરેસ્ટ લાગતુ હતુ… પણ,વધુ પડતી ઉંઘની ગોળીના ડોઝનું મોત પણ આવું હોય ને, ડોક્ટર અને રમાબા ધ્રુસ્કે ધ્રુસ્કે રડતી બીજલને જોઇ રહ્યા હતા…

દુર ક્યાંક રેકોર્ડ વાગતી હતી ” બીના ચીડીયાકા બસેરા હૈ ન તેરા હૈ ન મેરા હૈ.”(વાર્તા નાં બધાજ પાત્રો કાલ્પનીક છે. બંધ બેસતી પાઘડી ન પહેરવા વિનંતી. આ છેલ્લો અંક કિરીટકુમાર ગો ભક્ત દ્વારા લખાયો છે.તેમનો આભાર  વાચકોનાં વાર્તામાં પરોક્ષ ભાગ લેવા બદલ આભાર..અહીં આ સહીયારી પ્રથમ વેબ લઘુનવલ વાર્તા સમાપ્ત થાય છે)

 

Advertisements

About ઊર્મિ

I am "UrmiSaagar"... I have the greatest passion for our Gujarati Sahitya... my love for our mother toungue and the motherland have become my inner strength after staying away from motherland... it certainly has motivated me to start my very own Gujarati website... my Gujarati net-family members have also inspired me very much whenever I post my own creations and my favorite poems. Welcome to my world of Gujarati blog!!
This entry was posted in લઘુ નવલકથા and tagged . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s