હસ્તરેખામાં ખીલ્યુ આકાશ – અર્ચિતા પંડ્યા

hastarekhama khilyu akash

અર્ચિતા દીપક પંડ્યા

 

Copyright © 2016 Archita Pandya

All rights reserved.

ISBN-13:

978-1537155944

 

ISBN-10:

1537155946

Your book has been assigned a CreateSpace ISBN

 

 

 

 

 

અર્પણ

પિતા સમાન પૂજ્ય પપ્પાજી સ્વ.ડૉ . પ્રફુલભાઈ પંડ્યા

માર્ગદર્શક પિતા પૂજ્ય સ્વ. અશેષ ભાઈ શાસ્ત્રી

માતા સમાન સ્વ. શ્રીમતી રમીલાબેન પંડ્યા

અને

અવિરત સ્નેહ સીંચનાર માતા શ્રીમતી હંસાબેન શાસ્ત્રી

 

 

 

 

 

 

 

 

 

 

 

મુખ્ય લેખિકા

અર્ચિતા દીપક પંડ્યા

 

સહ કલમકાર

રેખા શુકલ

ભૂમિ માછી

રાજુલ કૌશિક

વિજય શાહ

નીતા શાહ

દિવ્યા સોની “દિવ્યતા”

નિરંજન મહેતા

પ્રજ્ઞા દાદભાવાળા

પ્રવીણા કડકિઆ

 

 

આભાર

 

ચા પીતાં , છાપું વાંચતા

 

સતત રચનાઓની સુનાવણી સહન કરનાર

 

મારી કરોડરજ્જુ બનનાર

 

પતિ શ્રી દીપકભાઈ પંડ્યા

 

કડછી અને કઢાઈ ને બદલે

 

હાથમાં કલમ આશ્ચર્ય થી જોનાર

 

બાળકો પૃથા અને વરેણ્ય

 

અને વારંવાર પરાણે અભિપ્રાય માંગીને મારા કાર્યમાં

 

ભાગીદાર બનાવ્યા છે એ સદ મિત્રો -મન મિત્રો

 

પ્રેરણા અને ઉત્સાહ માટે મહેનતથી

 

નવલકથા દીપાવનાર લેખક વૃંદ

 

અંતિમ   સત્ય

 

ઈશ્વર ઈચ્છા વિના આ અશક્ય  !!

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

અર્ચિતાનો પરિચય

અર્ચિતાનો વ્યક્તિ તરીકેનો પરિચય લખવાનું કાર્ય ભગીરથ કાર્ય છે. એક વ્યક્તિ અને એનાં અનેક પાસા ,જેમાં કેટલાકનો તમને પરિચય થયો હોય  , કેટલાક તમારી સમક્ષ ખૂલ્યા હોય પણ અર્ચિતાને બહુ નજીકથી નિહાળી છે એટલે આજે લખવાની ઈચ્છા રોકી શકતો નથી  .         અભિવ્યક્તિ કદાચ અર્ચિતાના વ્યક્તિત્વનું સ્વયંભુ પાસું છે , નૃત્ય , સંગીત ,લેખન ,રસોઈ અથવા તો સામાન્ય વાતચીત પણ . કંઈક કહેવાની પોતાની અંદરના અવાજ ને વાચા આપવાની , વહેંચવાની અને વહેંચણી માં થી બધાને આનંદ આપવાની કળા  એને સહજ અને સાધ્ય છે.        પ્રસંગોપાત જરૂરિયાત મુજબ લખતી અર્ચિતા નું લેખન , વ્યક્તિગત અનુભૂતિ માંથી સહિયારી અનુભૂતિ સાથે સમન્વય સાધી રહી છે તેનો આનંદ છે , અને મિત્ર તરીકે શુભેચ્છાઓ છે અને એક ભાવક તરીકે ઊંચી અપેક્ષાઓ છે . એના સમૃદ્ધ ભાવ વિશ્વ ના આપણે બધા ભાગીદાર બની શકીએ એવી કામના  ….                                                             કિરીટ જોષી .

 

 

 

પ્રકરણ – ૧- અર્ચિતા પંડ્યા

 

ગોવા એરપોર્ટ ઉપર બે યુવાન યાત્રાળુ …..બધાનું ધ્યાન આકર્ષિત કરી ટેક્સી સ્ટેન્ડ તરફ આગળ વધી રહ્યા હતા.એક અત્યંત સ્વરૂપવાન  સ્ત્રી , કમર સુધીના લાંબા વાળ નો ભરપૂર જથ્થો, મન મોહી લે એવી મોટી આંખો, સુંદર  ચળકતો વાન ….એને જોઈ કોઈ પણ ક્ષણ વાર માટે નજર અટકાવી દે …..પાતળી , ઉંચી એમાયે સફેદ પ્લાંઝો અને કાળું લાલ ટીપકી વાળું ટોપ ….તેની છટાને કઈ ઓર નિખાર આપતી હતી. સાથે હતો યુવાન પણ ઉંચો ,થોડો ગોરો, વાંકડીયા અને લાંબા વાળ અને હસમુખો હતો. અને ઊંડી આંખોમાં વિચારોનું તેજ હતું.હાથમાં કેમેરાની બેગ ન હોત તો પણ દેખીતી રીતે એ જાણે કેમેરામેન , ફોટોગ્રાફર હોય એવું લાગતું હતું…….યુવતીનું નામ કામ્યા જીકાર અને યુવાન એ સોમીત્રો મુખર્જી.

કામ્યા ખુશ લાગી રહી હતી . ગોવા જેવી સુંદર જગ્યા જોતા જ કોઈ યુવાન હૈયું ઉછળી જ ઉઠે , એમાં ક્યાં નવાઇ ? પણ કામ્યાને પોતાના મનથી પણ નવી જગ્યાએ પહોચવાની એક ખુશી હતી.ક્યારેક   કુદરત એકદમ આવી પડેલ પરિસ્થિતિ માં આપણને અનુકુળ થઇ એક   નવી દિશા તરફ દોરતી હોય એવું લાગે છે. સોમીત્રો એના સ્વભાવ મુજબ ઉત્સાહિત હતો.તેણે ટેક્સી રોકી અને હોટેલ રોક વ્યુ તરફ જવાનું કહ્યું. બંને સીટ પર ગોઠવાયા.રાત ઘેરી બનતી જતી હતી.

રસ્તા પરની લાઈટ ના નાના ઝગમગીયા બહાર જોયા કરતી કામ્યાને સોમીત્રોએ પૂછ્યું , “ક્યાં ખોવાઈ ગઈ ? શું વિચારે છે તું ?”..

” હું ….અરે ના ના ખુશ છું .એક  નવી દુનિયાની ઓળખાણ તારા લીધે ,થેન્કસ “..

સોમીત્રો હસી પડ્યો ..” આઈ ફિલ હેપી કે તારા જેવી સુંદર સ્ત્રીને થોડો આનંદ આપી શક્યો, તને ખબર છે કે ખાલી તનથી નહિ પણ મનથી પણ તું સુંદર છે અને એટલે જ તારું  સૌન્દર્ય કુદરતની દેન હોય એવું લાગે છે. મારી આંખ એક ફોટોગ્રાફરની આંખ છે યુ આર ગોઇંગ ટુ રોક , એક વખત પરિણામ બહાર આવવા દે આ ગોવાની મુલાકાતનું “….

“થેન્ક્સ  સોમીત્રો , તે કહ્યું એટલે જ મેં ઓડીશન આપેલું “….

સોમીત્રો બોલી ઉઠ્યો ” તું માત્ર લકી છે એમ નથી તું એ ડિઝર્વ કરે છે, એન્ડ યુ વિલ એન્જોય યોર ડિસિશન”

“યસ , આઈ ,નોટ ઓનલી હોપ સો ,રિયલી વિશ સો “…

.હોટેલ આવી ગઈ, રીસેપ્શન પર સોમીત્રોએ પૂછ્યું કે કઈ કઈ રૂમ બુક છે , અને એટેન્ડન્ટ રુમ ની ચાવીઓ લઇ આવ્યો .બંને ના છુટા પડવાનો સમય થયો ….

.”કામ્યા , સુરજ ઉગે ત્યારની ક્ષણો આપણે કેપ્ચર કરવાની છે સો સ્લીપ વેલ,ટેક પ્રોપર રેસ્ટ  , આપણે વહેલી સવારે લોકેશન પર જ મળીશું. યુનિટની  કાર વિલ પીક યુ અપ એન્ડ બીફોર ધેટ  ….કોસ્ચ્યુમ એન્ડ મેક અપ  ….વિલ બી પ્ર્ઓવાઈડેડ.”….

.”યસ , આઈ વિલ બી રેડી , ફીલીંગ હેપી એન્ડ કોન્ફીડંન્ટ, ગુડ નાઈટ”……

સોમીત્રો એના રૂમ તરફ ચાલ્યો , વિચારવા લાગ્યો કે

” શી ઈઝ ફાઈન નાવ , એન્ડ શી ઈઝ લાઇક ધેટ …નોઝ હાઉ ટુ કમ અપ “…

કામ્યા પણ રૂમમાં બેડ પર આડી પડી અને વિચારોના વમળ એને ઘેરી વળ્યા. ક્યાં  ક્યાં લઇ જાય છે, જીંદગી ?….. ક્યારેક સ્વપ્નના રસાળ પ્રદેશમાં , તો ક્યારેક વાસ્તવિકતાના ખરબચડા પથરાળ પ્રદેશમાં.ક્યાંક વહાલાપ તો ક્યાંક ધુત્કાર ! પણ જાતની ઓળખ રાખી બસ એ પ્રવાહ માં વહ્યા કરવાનું …..સતત એક અભિલાષામાં ….બેટરમેન્ટ તરફ, સંઘર્ષ આવે છે આપણને ઘડવા માટે.

સંઘર્ષના સાથે મુસીબતનું કોચલું તોડી બહાર આવતા વ્યક્તિના પોતાનો એક બીજો જન્મ બની જાય છે.

હંમેશા સારું જ થશે  એવી પ્રબળ આશા સાથે જીવવું જરૂરી છે .સારું -નરસું બધાને ભોગવવું જ પડે પણ હકારાત્મક રહીને આનંદમાં રહેવું એ જ જિંદગીની મોટી સફળતા …..જીવનના માર્ગ પર આશા એ દુર દેખાતો ઝગમગતો દીવડો છે …..એની રાહે ચાલવાનું અને નજીક જઈએ ત્યારે એ પ્રકાશમાં આપણે દીપવાનું .સારા વિચારો થી એનું મન શાંત પડ્યું , સ્વસ્થ નિદ્રા એને ઘેરી વળી…..એના મો પર મૃદુ હાસ્ય હતું. આવતી કાલના સૂરજનું પહેલું કિરણ એને સ્પર્શે ત્યારે એનું રૂપ એક મોડેલનું હશે. કોઈ પણ યુવતી નું સ્વપ્ન કાલે તેના માટે હકીકત બનવા જઈ રહ્યું છે……એકસાઈટિંગ !….આનંદના ભાવ ચહેરા પર હતા અને ઇચ્છાઓ ના મત્સ્ય જેવી આંખ મળી ને આરામ કરવા લાગી.

એલાર્મ વાગ્યું, તરોતાજા કામ્યા ની આંખ ખુલી . ઝટપટ તૈયાર થવા લાગી અને એનો પહેલો ડ્રેસ , શુટિંગ માટે નો કોશ્ચ્યુમ આપવા પ્રોપર્ટી મેન આવ્યો ….નાહીને ફ્રેશ કામ્યાએ કોરલ બ્લુ મરમેડ સ્ટાઈલ ગાઉન પહેર્યો ….એ ખરેખર મત્સ્ય કન્યા જેવી લાગતી હતી ! એ ખુબ ખુશ થઇ અને પોતાના પ્રતિબિંબ પાસે એણે પ્રોમિસ લીધું કે એ પોતે હંમેશા ખુશ જ રહેશે . એને મળેલા આ જીવન નો સદુપયોગ કરશે.અને બારણે ટકોરા વાગ્યા ….મેક અપ આર્ટીસ્ટ આવી ગયો …..અને એ પંદર મીનીટમાં તો કામ્યા પોતાને જોતી જ રહી ગઈ. એક મા ની એક્લોતી લાડકી દીકરી સોનપરી …..અત્યારે ખરેખર એવી લાગી રહી છે ……મા …….યાદ આવી ગઈ એની , “દુર છું મા …પણ વિચારોમાં , શિખામણો થી તું હંમેશ સાથે જ છું …..લવ યુ મા ……તારા લીધે જ હું આટલી સુંદર છું “…..અને ત્યાં જ સેલ ફોનમાં રીંગ વાગી અને કામ્યા બોલી …” યસ , સોમીત્રો , ગુડ મોર્નિંગ, આઈ એમ ડન  વિથ મેક અપ , કમિંગ …..”

યુનિટની કાર દોડવા લાગી લોકેશન તરફ …..કામ્યા પહોંચી , મેકપ મેને તેનો મેક અપ હેર સ્ટાઈલ રી ટચ કર્યાં .તેને સુંદર  હીરાનું ઝવેરાત અપાયુ  જે હીરા અને ભુરા પરવાળાનાં પથ્થરોમાંથી   બનેલા હતા …..

“ગોર્જસ , બ્યુટીફૂલ “….સોમીત્રો બોલી ઉઠ્યો ,” ઓલ વેર સો હેપી વિથ દ લુક ઓફ ધેર હિરોઈન “

કામ ચાલુ થઇ ગયું.લંચટાઇમ સુધી અવનવા ડ્રેસ , જુલરી અને જુદા જુદા પોઝ આપીને ફોટો શૂટ થયા. વિડીયોસ થયા અને કોલેજમાં માત્ર રેમ્પ વોક નો અનુભવ લેનારી એક ફ્રેશ મોડેલે ખુબ સહકાર આપી ઉત્તમ કામ કર્યું.સોમીત્રો કામ્યા ના કાનમાં જઈને કહે કે તું તો ધાર્યા કરતા પણ વધારે  ટેલેન્ટેડ નીકળી.!…. જવાબમાં કામ્યા માત્ર હસી અને લંચ બ્રેક જાહેર થયો .

કામ્યા ફ્રેશ થઈને પર્સમાંથી ફોન લઇ જોવા માંડી અને મેસેજ જોયો તો પ્રેમ લખતો હતો કે બેંગલોરથી તું એકવાર અમદાવાદ આવી જાય છે ને ?ક્યારે આવીશ ?કાશીબા ને અલ્ઝાઈમર હોય એવું લાગે છે,દરેક વખતે સહી કરતા એ બ્લેન્ક થઇ જાય છે,અને બીજી નાની મોટી તકલીફો પણ …..જવાબ તો આપી દીધો કામ્યાએ પણ આંખ માં થોડા આંસુ ડોકાઈ ગયા….”વોટ હેપન્ડ કામ્યા , એનીથિંગ રોંગ ?”… “ના ના આ તો મોમ ની ચિંતા,…મારી માં , કાશીબા “…. ઓહ , તું ચિંતા ન કરીશ અમદાવાદ થોડા દિવસ રોકાઈ જ જજે ….તારા ફલેટનો સમાન લેવા હું કેરલા થી આવું પછી પેક કરીશું અને ઓફકોર્સ એક વાર તારા ઘરે મારે આવવાનું જ છે.હું પોતે સામાન મુકવા તારી સાથે આવીશ, બી બ્રેવ “….

“યસ,આઈ હેવ ટુ બી,સો નાઈસ ઓફ યુ , સોમીત્રો “,….

“આઈ એમ યોર ડીયર ફ્રેન્ડ ” ….કામ્યા મરકી જાય છે.

ફરી મેક અપ , કોશ્ચ્યુમ , ઓર્નામેન્ટ્સ બદલાયા અને કામ્યા ફ્લોર પર ઝળકી ઉઠી.એક મોટા રોક પર શુટિંગ શરુ થયું. કામ્યા  નૃત્યની મુદ્રામાં જુદા જુદા પોઝ ટ્રેડીશનલ ડ્રેસિંગ સાથે આપતી હતી ત્યાં અચાનક એક મોટો કાચ તેની નજીક કોઈએ ફેંક્યો , તુટ્યો અને કામ્યાના પગમાં વાગતા રહી ગયો .પણ એ અવાજ અને હુમલાથી કામ્યા ખુબ ડરી ગઈ એને લાગ્યું કે કોઈએ ખાસ આ કામ રોકવા ડરાવી છે એને,…

સોમીત્રોએ સમજાવી,પ્રોડ્યુસરની પોલીસમાં ઓળખાણ હતી એને પ્રોટેક્શન અપાવ્યું ….ધીરે ધીરે કામ્યા શાંત પડી પણ ખુબ જલ્દીથી પોતાના કામમાં ગોઠવાઈ ગઈ. ….ખુબ સુંદર શોટ્સ સાથે બધું કામ પૂરું થયું . દિગ્દર્શક ખુબ ખુશ થયા, સોમીત્રો ની ફોટોગ્રાફી અને કામ્યાની સુંદરતા અને ટેલન્ટ ના ખુબ વખાણ થયા.

ટીમ આખી હોટેલ પર સાથે ડીનર લેવાની હતી . જાતાંવેંત જ ફેની ના જાદુમાં ડૂબવા બધા ઉત્સુક હતા, પાર્ટી ગોઠવાઈ ગઈ ખુશીના માહોલમાં ….લોકો નાચવા ઝુમવાના મુડમાં હતા , કામ્યાએ કહ્યું સોમીત્રો હું રૂમ પર જ જમી લઉં ? ..સોમિત્ર કહે “એઝ યુ વિશ,પણ અહી રહે તો થોડી કામ વગર સારી ઓળખાણ થાય ,ધેટ મેં હેલ્પ યુ ઇન ફ્યુચર ……”….

“ઓ કે, રાઈટ “…..કહી કામ્યા રોકાઈ ….પછી તો સોમીત્રો ડાન્સમાં પણ ખેંચી ગયો અને ખુબ સુહાની સાંજનો આનંદ બંનેના મો પર છવાઈ ગયો…..

વહેલી સવારની ફ્લાઈટ હોવાથી બંને જણાએ રૂમ પર જઈ સુઈ જવાનું નક્કી કર્યું , કામ્યા ના રૂમ સુધી સોમીત્રો સાથે હતો ….છુટા પડતા કામ્યા બોલી

“થેંક યુ સોમીત્રો તે મને આ પ્રોજેક્ટમાં જોડે લીધી , એન્જોયદ અ લોટ, “….”કામ્યા , સાચું કહે તો હું તો તને કાયમી સાથે રાખવા ઈચ્છું છું,રહીશ મારી સાથે ?”….

.”સોમીત્રો,તું મારો બહુ જ સારો મિત્ર છે,મને માન છે તારી ઉપર પણ ……”

સોમીત્રો હાથ પકડીને આંખમાં આંખ નાખી જોઈ રહ્યો હતો, કામ્યા ફિક્કું હસી અને કહ્યું …..”મારે થોડો સમય જોઇશે , સોમીત્રો . તારી સાથે શાંતિથી બેસીને વાત કરવી છે “…..

“ટેક યોર ઓન ટાઈમ , કામ્યા ; આઈ એમ નોટ ઇન હરી ….”…..

” અગેઇન થેન્ક્સ ફોર એવરીથીંગ “….

“કામ્યા , તું છે એવી ને એવી રહે , આઈ એડોર યુ …, વેઈટીંગ ફોર  યુ “….

“ગુડ બાય સોમીત્રો , સાડા ત્રણે લાઉન્જ માં મળીએ ”

” ઓલરેડી ટેક્સી બુક કરી લીધી છે મેં ”

“ફાઈન ડીયર , ગુડ નાઈટ”

“ગુડ નાઈટ ”

વહેલી સવારે એક ટેક્સીએ જયારે હોટેલ છોડી ત્યારે એમાં સમાન ઓછો , અરમાન વધારે હતા , મીઠી યાદો ફરજીયાત ચડી બેઠી હતી સવારી બનીને …..એટલે જ કદાચ ટેક્સીની ગતિ ધીમી થઇ ગઈ હતી , હર એક ક્ષણ જેટલો સમય પણ પાણીનો પ્રવાહ ટેરવાને સ્પર્શીને નીકળતો હોય એવો મખમલી લાગતો હતો ……

 

પણ કોઈને ક્યાં ખબર હોય છે કે સમયનો પ્રવાહ કોને ક્યારે ક્યાં ખેંચી જાય છે ?? ! ! …….

અર્ચિતા દીપક પંડ્યા

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ -૨- રેખા શુકલ

કામ્યા અમદાવાદની ફ્લાઈટમાં બેસી ગઈ , એને ઘરે જવાની તાલાવેલી હતી, માનસિક સંઘર્ષ હોય અને વ્યથા હોય તો દરેક વ્યક્તિને ઘર નામનો હુંફાળો ખૂણો ખુબ ગમે છે, એ સતત પ્રવૃતિથી  થોડી થાકી પણ હતી, ઘેન માં , જાણે તંદ્રામાં હોય એમ એની આંખ બંધ થતી હતી , જીવનના અવનવા પ્રસંગો એના દિમાગને શાંત  નહોતા થવા દેતા.માનસિક હિંમત રાખી આપણે અણગમતી સ્થિતિને  દુર કરી પણ દઈએ , જંગ જીતતા રહીએ , હસતા રહીએ  પણ ક્યારેક   એ બધા રંજ આપણા પર હાવી થઇ જાય ત્યારે બ્રેઈન ની સેલ્ફ મીકેનીઝમ શરુ થઇ જાય છે ,…….દુઃખ ના પ્રભાવને દૂર કરવા મન જૂની હસીન યાદોને આગળ લાવે છે, કામ્યાને પણ એવું જ થયું .

કોલેજકાળ  ના એ  ખુબસુરત દિવસો કેમ ભૂલાય ?મશહુર હતી એ  ત્રિપુટી-પ્રેમ , શ્રેયા અને કામ્યા ….ઘણું ખરું જ્યારે જુવો ત્યારે ભેગા જ દેખાતા હોય . બધી પ્રવૃતિમાં સાથે જ હોય.સહુથી આગળ ઉત્સાહમાં  હોય કામ્યા , અને નક્કી કે કામ્યા જે ઈચ્છે ત્યાં પ્રેમ મદદ માટે હોય જ.

એક  જ વખત એવું થયું જયારે મૌલીન નામના કોલેજ ના નેતાએ  ફી વધારાના આંદોલનમાં તોફાન કર્યું અને નુકસાન કર્યું એ પ્રેમને  મંજુર નહોતું, તેને શાંતિ થી વાટાઘાટ અને સકારાત્મક વલણથી મામલો સુલ્ઝાવો હતો. કામ્યા જુવાનીના આવેશમાં મૌલીનને સાચો   માનતી. તેની આગવી શૈલીથી પ્રભાવિત પણ થયેલી. શ્રેયા બિચારી  જ્યાં  સંઘર્ષ આવે ત્યાંથી દુર રહેવામાં માને !

 

આ બાજુ મૌલીને ને તો ચળવળ ને આંદોલન માં મોખરે રહેવું જ ગમે એમાંય જ્યારે કોલેજ ની ફી માં ખાસ્સો એવો વધારો જોયો તો મૌલીન ચૂપ ના રહી શક્યો. મોટા મોરચા સાથે આંદોલન ચાલુ થયું હતું. ત્રિપુટી પણ સંધમાં જોડાયેલ જ હતા. ને હા,આ મૌલીન તો કેટલો બધો દેખાવડો હતો કે કોઈ પણ એના પર મોહી પડે તો નવાઈ નહીં. કામ્યા ને પ્રેમ સાથે હરતા ફરતા પણ તે બહુ વિચારી વિચારી ને ભળતી. મનમાં પ્રેમ થી વધુ મોહક દેખાતો મૌલીન મનોમન ગમતો પણ હૈયા ની વાત હોઠે કદી ના આવી જાય તેથી સંભાળી ને આગળ પાછળ ફરતી જોવા મળે.

વંડરીંગ આઈઝ તો ના કેહવાય પણ મોહી પડેલી તો તેની આંખો પરથી ક્યારેક લાગી આવતું. પ્રેમ ને કામ્યા ખૂબ ગમતી પહેલેથી જ. હજુ ક્લાસ ચાલુ થવાને ૧૫ મિનિટ ની વાર હશે ને તેઓ મળેલા, બંને એક્લા વહેલા આવ્યા હતા. હાય-હલ્લો ને સ્મોલ ઇન્ટ્રો થયા પછી રોજ ક્લાસ માં ને લાયબ્રેરીમાં સાથે નજરે પડતા. બંને ના વિષયો પણ સરખા હોવાથી બધી નોટ્સ પેપર્સ વગેરે માં સમાનતા હતી. એક કરતા બે ભલા માની નોટ્સ શેર કરે સાથે હરે ફરે, ક્યારેક પિકનિક કે પીકચર નો પણ બ્રેક લે. આ બાજુ શ્રેયા કામ્યા ની હાઈસ્કુલ ની બહેનપણી હતી. તો ઘણું બધુ બંને માં કોમન હતું. પણ શ્રેયા થોડી વધુ પ્રેમાળ ને ડાહી છોકરી હતી. કામ્યા ના લાંબા ભરાવદાર વાળ ને તેની લટો તેના ઝુમખાં ને ચૂમતી ત્યારે શ્રેયા સીધી સાદી લાંબા વાળનો નારિયેળી અંબોડો વાળતી. એના કાનમાં લટકણીયા પણ એની આંખોની જેમ ચમક્તા હોય. પાણીદાર અણીયારી આંખો ને તેની સાદગી પર બધા ફિદા થઈ જતા ને તેને ઘણી વાર કોમ્પલીમેન્ટ મળતું, તે સાંભળી શરમાઈ જતી ને ગાલ ના ખંજન હસ્તા બહુ ઉંડા પડી જતા. કામ્યા ની કામણગારી આંખો તો લાગ જોઈ ને ખુલી ના ખુલી ને તેની લાંબી આંગળી શ્રેયા ના કમર તરફ વળે ને ચૂંટલો ભરે ને શ્રેયા થી ના રહેવાય…”ઓય મા”, કહી ઉંહકારો ભરે અને ખડખડાટ હસી પડે કામ્યા સ્ટોપ, સ્ટોપ મને દુઃખે છે  ! પ્રેમ કામ્યા ને માંડ માંડ વારે કે “બસ કર ને કામ્યા તેને બિચારી ને શું કામ હેરાન કરે છે !” દૂર થી ઝંડાઓ સાથે ને મોટા મોટા લખાણો લખેલા પાટિયા વચ્ચે મૌલીન બીજા સ્ટુડન્ટ્સ ની વચ્ચે મોટા મોટા નારા ઓ કરતો દેખાતો હતો. સપના ના સેલ ઘટાડેલા ભાવે મળે પણ મોંઘવારી તો સૌને નડે. જેને ભણવું છે પણ આટલી બધી ભારેખમ વધારા વાળી ફી થવાથી ઘણા બધા ને પોસાશે કે કેમ ? અને તેથી કાં તો ડ્રોપ આઉટ થઈ માતા-પિતાના વ્યવસાયમાં જોડાશે કાં તો રઝળી પડશે માનવ-મેદની ના મહેરામણમાં !!  જોકે પ્રેમ ની સાથે કામ્યા પણ નીડર નેતાગીરી કરતા મૌલીન ની દલિલો અને વાતો સાંભળતા અને પ્રેમ જોઇ શકતો હતો કે કામ્યા મૌલિન ની વાતોથી વધુ અંજાતી….

*****

આંખો સખત ભારે હતી પણ ચિંતા સતાવતી હતી મૂળ તો પાછા ફરવાનું કારણ પણ કાશીબા ના આલઝાઇમર નું હતું. બિચારા કાશીબા એ કેટલા સારા હતા અમે ગમે ત્યારે ટપકી પડીએ ને અમને બધાને પ્રેમ થી બોલાવે ખવડાવે પીવડાવે ને પછી જ જવા દેતા. આલઝાઈમર તો કેટલો મોટો રોગ છે મોહમદ અલી ફાઈટર-પછી બેક-ટુ-ફ્યુચર વાળો માઈકલ જે. ફોક્સ ને પણ ને હવે કાશીબા ને, આવું થવાથી બહુ દુઃખ થયું…ને તેને પ્રેમ અચાનક યાદ આવ્યો… ગોવા થી દુર છૂટી પડી ને અચાનક કોલેજ કાળ ની યાદો માં ગરકાવ થઈ ગયેલી. આ હંમેશ સાથે રહેતો પ્રેમ શાંત સ્વભાવનો હતો ને કદી વિખવાદમાં પડતો નહીં..! અને હા, શ્રેયા પણ કોલેજ પતી નથી ને શશાંક સાથે પરણી ગઈ આજે તો તેની ખૂબ યાદ આવે છે. આટલું બધું ટેન્શન પોતે કદી નહીં એકલી સહી શકે..મન પોકારી ઉઠ્યું શ્રેયા નો નંબર ઘરે જઈને તરત ડાયલ કરીશ..આ પ્રેમે તો જણાવી દીધું કે મારી મા કાશીબા આલ્ઝાઈમર થી પીડાય છે તેવું ડોકટરનું નિદાન છે. અને જ્યારે પ્રેમ ને હું તો સિરિયસ ન્હોતા અમારા રિલેશનમાં …પણ પ્રેમ કદાચ ચોખ્ખુ કહી શક્યો નહિ હોય કે મેં જ મોકો જ ન આપ્યો. સ્પેશયલ ને ક્લોઝ હોવા છંતા સાથે નહોંતા. કદાચ તે વાત નું કાશીબા ને દુઃખ થયું હશે કે પછી હું જ પ્રેમના રીયલ પ્રેમને સમજી નહોંતી  શકી ..ને કામ્યા તો વધુ ને વધુ ઉંડી વિચારોના વમળમાં ગરકાવ થઈ ગઈ. શશાંક તો કેટલો નસીબદાર કેહવાય શ્રેયા ને પરણી ગયો.

પ્રેમ ની સાથે કામ્યા પણ નેતા થી પ્રભાવિત તો હતી જ.તાકાત , પાવર ગમે સાચું કહું તો કોને ના ગમે આવું બધું તમે જ કહો અને એમાય જ્યારે યુવાન હૈયા ભેગા રોજ રોજ મળતા હોય ત્યારે તો રૂપ-રંગ નજર પહેરવેશ શું શું ન આકર્ષિત ના કરે. પ્રેમ ની સંગંત ગમતી તેણે ઘણી વાર તેના પર કાવ્ય પણ લખેલ પણ કહેવાની હિંમત નહોંતી કરી શક્યો.

હા, એક વાર રમણીય હિલ સ્ટેશન ના પ્રવાસ દરમ્યાન પ્રેમ ને કામ્યા ખૂબ નજીક આવી પણ ગયેલા. કેટલી મસ્ત જગ્યા હતી. દૂર તળેટી માં લીલી છમ્મ હરિયાળી હતી. આ બાજુ દરિયો , નાની નાની ટેકરીઓ ઉતરો એટલે આવી જાય. પાણી માં રમતાં પેલા બતકા ને સીગલ્સ જોઈને એક પતંગિયાની પાછળ પડે તેમ દોડાદોડી કરી નાંખેલી..ફૂરરર કરતા ઉડતા પક્ષીઓને જોઈને કામ્યા ખુશ ખુશ થઈ ગયેલી પ્રેમ તે જોઈને મૂંછમાં હસેલો. પછી શંખલા વીણતા વીણતા પણ કામ્યાના પગલા રેતી માં પડતાં તે નિહાળી રહ્યો હતો. તેના એક પગમાં પેહરેલું એન્કલ બ્રેસલેટ તેને બહુ ગમેલું તેમ કહ્યુ ત્યારે કામ્યા બોલી “મારી મોમે લઈ આપ્યું છે ,યુ નો ઇટ્સ વેરી સ્પેશયલ ફોર મી. ઇટ્સ ડેલીકેટ ને ચાર્મીંગ”

એના સ્વીમિંગ કોશ્ચ્યુમ પર નજર પડી પ્રેમ તેના વીંધેલા ઉદર ને તાકી રહ્યો હતો. ત્યાં પણ લટકણિયું લટકી રહ્યું હતું…જાણે એક લકી ચાર્મ ન હોય તેમ. ને જરાક થોડું ઉપર તેની પરફેક્ટ બિકિની ટોપ માં ઉભરાઈ રહેલ વક્ષ ને તેથી ઉપર તેની લાંબી ડોક..ને ગુલાબી ભર્યા ભર્યા હોઠ. “કાચની પૂતળી જેવી તું ઢીગલી જેવી દેખાય છે ” કહી પ્રેમે કામ્યા સામે આંખ મારી ને મસ્ત સ્માઈલ કરેલ.

“એય મિસ્ટર સ્ટોપ સ્ટેરીંગ પ્લીઝ પ્રેમ !” કમર નીચેના ભાગ પર સરોંગ વીંટાળતી તે બોલી. ઇન્દ્રધનુષ્ય જેવી લોચ કમર ને અડ્યા વગર પ્રેમ રહી ના શક્યો. ને ત્યાં તો શ્રેયા આવી ગઈ ” ચાલો, બધા વોલી બોલ રમે છે અને પેર બનાવે છે એક ગેમ થઈ જાય રસાકસી મેન વર્સીસ વુમેન !!” મળ્યા વગર બંને શ્રેયા સાથે આગળ વધ્યા.

રંગમાં ભંગ ના પડ્યો હોત તો કદાચ પ્રેમ કંઈક બોલ્યો હોત ! ઉજાણી ચાલુ થતા પહેલા એક વોલીબોલ ની ગેમ પણ પતી . દરિયા પાસે કેટલાંક અંદર તરવા માટે પડ્યા ને કેટલાંક કિનારે છબછબિયા કરતા દેખાયા. દરિયા ની છોળો ને ઘૂંઘવાટ, શંખલા ને છિપલાં, સૂરજ નું પાણીમાં ઢળવું ને ઢળતા સૂર્ય ના કેસરીયાળા કિરણો નું કામ્યા પર પડવું…વાહ્ ! કંચનવર્ણી કોમળ કાયા સોનેરી ચમકતી હતી ને તેની આંખો તો એટલી બધી માદક લાગતી હતી કે ના પૂછો ને વાત..! અચાનક પાણી ની છાલક તેની આંખમાં પડતાં તે જાણે તેના વિચારો માંથી જાગી પડ્યો. ખિલખિલાટ હસતી કાવ્યા ને શ્રેયા પાણી ની છાલકો થી તેને ભિંજવી રહ્યા હતા.

 

પાછા કાશીબા યાદ આવ્યા..કામ્યા ના શરીરે પ્રસવેદ બુંદો ને રોંગટા ઉભા થતા અનુભવ્યા.આઘાત અને સ્તબ્ધતાની ઘેરી દિવાલ પાછળથી તેના મનમાં એક જ સવાલ ઉભો થતો હતો અને વણ પુછ્યે એ તેની આંખમાં ડોકાતો પણ હતો. કે કાશીબા ને હવે જલ્દી મળવું છે મારે હવે ઘરે જવું છે. પ્રેમ ને શ્રેયા પડખે આવી ને ઉભા તો રહેશે ને?

! મારા એકલાથી આ બધુ કેવી રીતે સહન થશે. ટેન્શન્ હેડેક ની અનુભતિ થઈ. પ્લેનમાં મોટા ભાગના લોકો સૂઈ ગયેલા પણ કામ્યા તો અંધારા માં પણ ટગર ટગર તાંકતી વિચારી રહી હતી કે કાશીબા નું શું થશે ?

ઉપર બટન દબાવતાં વેંત જ એર હોસ્ટેસ હાજર થઈ તેણે પાણી માંગ્યું ને હેડએક ની વાત પણ કરી. “જસ્ટ અ મિનીટ ! ઇફ યુ વોન્ટ આઈ કેન ગીવ યુ પેઈન કીલર ”

“યસ,પ્લીઝ્”

“આઈ થીંક આઈ નીડ વન. ઇટ વોઝ લોંગ ડે” બે મિનિટમાં વોટર ને પેઈન કીલર લઈને તો એર હોસ્ટેસ હાજર થઈ . એણે જોયું કે કામ્યા પોતાની આંગળી થી કપાળ ને લમણાં ને મસાજ કરી રહી હતી.

” હીયર યુ ગો, પ્લીઝ્ ટેક ઈટ એન્ડ ટ્રાય ટુ ટેક અ નેપ”

ઓવર એક્ઝોસ્ટેડ કામ્યા થોડી વાર વિચારતી રહી પણ પછી ખૂબ થાકેલી પણ હતી તો ક્યારે નીંદર આવી ગઈ તે ભૂલી ગઈ. ગોવા ના કિનારે  પોઝીઝ લીધેલ તે દેખાતા હતા. ઉંચી ઉંચી નારિયેળીના બેક ગ્રાઉન્ડ પાસે  પોઝીઝ લેવાયેલા.આટલા આરટીસ્ટીક અને બ્યુટીફુલ પોઝના લોકો વખાણ કરશે જ , તો  મળતા રુપિયા ને વધુ માર્કેટિંગ તો ટ્રીપ સફળ !! નારિયેળી ના લીવ્સ ની હટ પાસે હેમોક (સ્વીંગ ) હતું તો ત્યાં પણ કામ્યાના પીક્સ પડ્યા ને છેલ્લે રેતી ચોંટેલ બિકિની ટોપ ના અડધા પાણી માં પાડેલા તે પણ લેવાઈ ગયેલા ને પ્રેમ નો ફોન આવેલો. હા, રેત સાફ કરી ના કરી ને પ્રેમ ના શબ્દો એ કાશીબા ની વાત યાદ આવી ને સફાળી તે હબકી ગઈ. હ્રદય તો ધક ધક જોરથી ધબકી રહેલું. આ અમદાવાદ ને આવતા કેટલી વાર ! મારે જલ્દી ઘરે જવું છે કાશીબા પાસે. પાછી શ્રેયા યાદ આવી. કે છ મહિના પહેલા શશાંક સાથે લગ્ન તો થઈ ગયેલા પણ તે પછી રોજ નું મળવાનું જાણે બ્ંધ થઈ ગયેલું. વીક પછી બધા મળ્યા ત્યારે બ્ંને ખૂશ દેખાતા હતા. સારું થયું ચલો પણ હવે આઈ નીડ હર ફોર મોરલ સપોર્ટ આઈ કેન્ટ ફેઈસ અલોન ! પોતાના ફોન માં તેણે ટાઈમ ચેક કર્યો ને પછી આલઝાઈમર માટે શું શું કરવું ને શું શું થશે જોવાનું તે તેણે ગુગલ કર્યુ ને તે વાંચવા લાગી.. કારણ કે હજીતો કલાક પછી અમદાવાદ એર પોર્ટ આવશે ને તે પછી ઘરે પહોંચતા બીજો અડધો કલાક તો થોડુ સમજી તો લઉમ તે રોગ વિશે એમ વિચારી તે આઇપેડ ઉપર  વાંચવા લાગી.

 

— —રેખા શુક્લ💓

 

 

 

 

પ્રકરણ-૩- ભૂમિ માછી

અમદાવાદ નું એરપોર્ટ આવ્યુ..કામ્યા ની આંખો ઉઘડી..ક્રુત્રિમ અવાજ મા અનાઉન્સમેન્ટ ચાલુ જ હતું..

આખી ફ્લાઇટ દરમિયાન કામ્યા નો વિચાર પ્રવાહ પણ અવિરત ચાલુ જ હતો..હજી પણ અસંખ્ય વિચારો નું તુમુલ યુધ્ધ એના મન માં ચાલી જ રહયું હતું..એના અંતર નો ભાર જાણે એનું શરીર વેઠી રહયું હતું…એક પર્સ અને નાનકડી એક લગેજ બેગ સાથે એ એરપોર્ટ ની બહાર આવી જાણે પરાણે શરીર નો ભાર લઈને  સ્થિર પગલે ચાલતી હતી..

એનો ચિંતાગ્રસ્ત ચહેરો પણ અત્યંત આકર્ષક લાગતો હતો..મોટી ભાવવાહી પાણીદાર આંખો…અને સ્ત્રીત્વ થી છલકતું શરીર..

પણ હમણા છેલ્લા કેટલાક સમય થી આ શરીર અને મન એક અજાણી અધુરપ અનુભવતા હતા…

કામ્યા ને શોષ પડ્યો…એને એરપોર્ટ બહાર એક સ્ટોર માથી એક પાણી ની બોટલ ખરીદી..અને થોડુ પાણી પીધુ..એથી ન તો તરસ મટી કે ન દિલ ની કારમી વેદના અને તલસાટ શમ્યા……

સ્ટોર ની બાજુ માં એક બિલ્ડિંગ નું કન્સટ્રક્શન કામ ચાલુ હતું…ઇંટો-રેતી-કપચી ના ઢગલા પાસે એક મજુરણ બાઇ એની આશરે દશ-અગિયાર વર્ષ ની છોકરી સાથે વાતો કરતી બેઠી હતી..

એ છોકરી ભીની થયેલી રેતી માં થી કંઈક બનાવવાનો પ્રયત્ન કરી રહી હતી..

અને કામ્યા આ માં-દીકરી ના વચ્ચે ચાલી રહેલા સંવાદ ને સાંભળવા ઉભી રહી ગઇ…ખબર નહી શું વિચારી ને…

“માં…જો ને મેં શું બનાવ્યુ..!?

“શું છે આ ??”

“અલી ઘર છે આપણુ..દેખાતુ નથી..!?”

એની માં હસવા લાગી “હા..દેખાય છે…પણ તું ક્યા આખી જીંદગી મારી સાથે રહેવાની છે..??”

“કેમ મને ક્યાં જવાનુ છે ??”

“તારે સાસરે વળી બીજે ક્યાં..?”

“કોની સાથે..?”

“તારા વર સાથે વળી…હું પણ મારા વર સાથે જ રહુ છુ ને..!”

“પપ્પા છે ને તારો વર..??”

“હા તો..તને નથી ખબર..?”

“હા પણ…તારો વર તો તને કાયમ મારે છે…દારૂ પણ પીવે છે..ધમાલ કરે છે..અને ગંદી-ગંદી ગાળો પણ બોલે છે..!”

“વર આવો જ હોય?”

“ના બધા ના આવા ના હોય..તારો વર તો નહી જ હોય…”

“તને કઇ રીતે ખબર પડી કે મારો વર મને નહી જ મારે..!”

“હું કહુ છું એટલે નહી જ મારે..!”

“હા તો પછી હું તને અહીં નહી જ રહેવા દઉ…”

“તો ક્યાં લઈ જઇશ ??”

“મારે સાસરે વળી બીજે ક્યાં..?”

“એવી રીતે ના લઈ જવાય માં ને સાસરે..!”

“પણ હું તો લઈ જ જઇશ…હું નહી હોંઉ તો તને પપ્પા વધારે મારશે ને પછી કોણ બચાવવા આવશે..!”

“પછી તારા પપ્પા નું શું ?”

“એ કયાં તારી ચિંતા કરે છે ??”

“પણ તારી તો કરે જ છે ને..!”

“પણ મને નથી ગમતો તારો વર…અને મારો વર આવો હશે તો હું એની સાથી નથી જ રહેવાની..!”

“સારુ બાપા…ના રહેતી બસ..મુક ને લપ હવે..વર ની અને ઘર ની…!”

“પણ તને છોડી ને ક્યાંય નથી જવાની હું…!”

મા-દીકરી ના આ સંવાદ માં કામ્યા પણ ખેંચાતી જતી હતી…એ પેલી છોકરી ના બાપ ને ના ઓળખતી હોવા છતા પણ એની તરફ ઘ્રુણા થઇ આવી..અને એ પોતાની પરિસ્થિતિ વિષે વિચારવા લાગી ફરીથી…

કામ્યા ને ઉભેલી જોઇ ને એ લોકો વાતો કરતા અટકી ગયા…

છોકરી એની માં ને કામ્યા તરફ આંગળી કરી ને કહેવા લાગી.. “માં જો તો ખરી…આ કેટલી સરસ લાગે છે..!”

અને કામ્યા સ્થિર પણે એ લોકો ની વાતો સાંભળતી હતી એને પણ કંઈ અણગમતુ યાદ આવી ગયુ…

અને હમેંશા ચિંતા કર્યા કરતી માં યાદ આવી ગઈ…એને એનો અને માં વચ્ચે નો સંવાદ યાદ આવી ગયો…

“કામ્યા..તું લગ્ન વિશે શું વિચારે છે..??”

“મમ્મી હું તને છોડી ને ક્યાય નથી જવાની..”

“એ તો બધી છોકરીઓ લગ્ન પહેલા આવુ જ કહે…પછી જતી જ રહે…પિયર તો જ્યારે દુઃખ પડે ત્યારે જ યાદ આવે..”

ફરીથી એની આંખો મા ઝળઝળીયા આવી ગયા…

એને લાગ્યુ કે હમણા જ ઢળી પડશે…પણ એણે પોતાની જાત ને સંભાળી લીધી..પણ વિચારો આજે એનો કેડો નહોંતા જ છોડવાના.

અન્યમનસ્ક પણે જ એ ટેક્સી માટે આમ-તેમ નજર કરવા લાગી..ત્યાં જ એક ટેક્સી વાળો આવ્યો અને એને ટેક્સી માં બેસવા આગ્રહ કરવા લાગ્યો..અને આંખો જરાય ઝબકાવ્યા વગર એ આ હાલતા-ચાલતા ઉદાસીન સૌંદર્ય ને જોઇ રહ્યો…એકધાર્યું..જાણે કામ્યા ને હમણા ને હમણા આખે આખી ગળે ઉતારી દેવાની હોય એમ..!

કામ્યાની આંખો એ આ નોંધ્યુ પણ એનુ મન કંઈ કહેવાની હાલત માં ન હતું. એ ટેક્સી વાળા ની એકધારી નજર ને અવગણી ને ટેક્સી માં બેઠી..એને  શાંતિ જોઇતી હતી….એ એની માં ને મળવુ હતુંં..એ થાકી ગઈ હતી…એનું શરીર અને મન પણ જાણે એનો સાથ છોડી રહ્યા હતા…એને એની ભયાનક એકલતા ડરાવતી હતી..

એની પહેલા ની જિંદગી અને વર્તમાન ની એની ડામાડોળ પરિસ્થિતી…

જાણે એકલતા અને કોઇ અજાણ્યો ડર એની જાત ચૂથતા હોય એમ એને લાગતુ હતુ..એને ગોવા માં થયેલ હુમલો યાદ આવ્યો..ખબર નહી આમ કોણે કર્યું હશે…એને એના મ્રુત્યુ નો વિ્ચાર પણ આવી ગયો..પેલી કાચ ની બોટલો ના તુટેલા કાચ યાદ આવ્યા અને આખા શરીર પર જાણે કરચો પેસી ગઈ હોય અને એ લોહી લુહાણ હાલત માં અસહાય પડી હોય એવી વેદના થતી હતી…  સખત માથા નો દુખાવો ઉપડ્યો હતો..એને ખબર હતી કે એને એના જ વિચારો કોરી ખાતા હતા…એને મન યાદ આવ્યો..એને જરુર હતી કોઇની..કોઇ એવુ કે જે એની એકલતા અને સંતાપ દુર કરે…કામ્યા ના મન માં યાદો નું ધુમ્મસ છવાયેલું રહ્યું..તેની કાયા અને મન સાવ થાકી ગયા હતા…એની નજર સામે એને સોમિત્રો ની ઓફર..મન સાથે ની લાગણી ભરી મિત્રતા…ના દ્રશ્યો તરવરવા લાગ્યા અને અચાનક એના એક કડવા સંબધ ની કડવાશ એની જીભ પર પ્રસરી ગઈ…એ ડરેલી તો હતી જ…એને વિચારી રહી હતી કે કઈ રીતે આ પરિસ્થિતી માં થી બહાર નીકળશે..આગળ શું થશે…!?

એની સમક્ષ પથરાયેલી હતાશાભરી શુન્યતા જાણે એના મન મા સવાલો પેદા કરી રહી હતી…પણ એની પાસે કોઇ જવાબો ન હતા..વ્યાકુળતા વધતી જતી હતી…ગળે થી થુંક ઉતાર્યું અને સમતોલ થવા નો પ્રયત્ન કર્યો પણ એ સફળ ન થઈ …આ રેતી ની જેમ ક્ષણે-ક્ષણે સરી જતો સમય..વાસી થયેલા પણ એની અસર છોડી જતા ભયાનક દિવસો…ઉઝરડા પાડતા સંબધો…એનુ મન જાણે બધુ જ અટકી જવાની રાહ જોતુ હતું…કંઇક ખટકી રહ્યું હતું..એને બધુ જ સંકેલી ને સ્વસ્થ થવુ હતુ…એની વિચાર તંદ્રા એને પળ પળ એક ભયાનક અંધકાર તરફ ધકેલતી હતી અને એ ધકેલાતી હતી જાણ્યે-અજાણ્યે..!!

એને એની માં યાદ આવી જે અલ્ઝાઇમર ની બીમારી થી પીડાતી હતી..એક માનસિક બીમારી…આવી પરિસ્થિતી મા માં ને એકલી છોડવી યોગ્ય નથી…એને ખબર હતી કે માં ને એની જરુર છે…વ્રુધ્ધાવસ્થા ની એકલતા બહુ જ તકલીફદાયી હોય છે..પણ પોતે જ એવા કળણ માં ખુંપેલી છે કે ઇચ્છવા છતા પણ એની સંભાળ લઇ શકતી નથી…બસ હવે એક વાર માં પાસે પહોચી જંઉ..પછી બધુ જોયુ જશે..એને એકલી નહી જ મુકવી…સતત માનસિક તાણ હેઠળ રહેવાથી અલ્ઝાઇમર થાય..અને એને એની માં ની પરિસ્થિતી વિચારી ને દુઃખ થવા લાગ્યું…

કામ્યા અસ્વસ્થ હતી..એ અસ્વસ્થતા એન ચહેરા પર થોડી થોડી વારે આંસુ બની રેલાતી હતી… ટેક્સી માં બેઠી પછી પણ ટેક્સી ડ્રાઇવર મિરર માંથી સતત એની તરફ જોયા કરતો હતો..

“બાપ રે..!કેટલી ફુલ ફટાક લાગે છે…કોણ જાણે ક્યાંથી આવી હશે…પણ એની આંખો માં પાણી છે…ચોખ્ખુ દેખાય છે કંઇક ને કંઇક લોચો હશે જ..એ વગર આટલી રૂપકડી સ્ત્રી નો ચહેરો આટલી હદે ઉતરેલો ના હોય..ગભરાયેલી લાગે છે અને ધ્રુજે પણ છે જ..”

એને પુછી જોવાનું ધાર્યુ પછી વિચાર્યુ.. “છોડ ને મારે શું..કરેલુ ભોગવે..એને ઓળખ્યા -પારખ્યા વગર હું ક્યાં માથે લંઉ આને”

આવુ કંઈક વિચારતા-વિચારતા પણ એની નજર કામ્યા તરફ મંડાયેલી જ હતી…

આખરે ન રહેવાયુ અને પુછી જ લીધુ.. “મેડમ..કંઈક તકલીફ છે કે શું..??કંઇક મદદ કરું ?”

“નો થેન્ક્સ..” કામ્યા એ અસ્વસ્થ અવાજ માં જ જવાબ આપ્યો..

“આને કંઈક તો ચોક્કસ થાય જ છે..એના અવાજ પર થી જ ખબર પડે છે..એના હાવ-ભાવ પર થી તો લાગે છે મેં આને બેસાડી ને જ ભુલ કરી..આને જોઇ ને લલચાયો..પણ શું થાય…માથે ના પડે તો સારુ..!”કામ્યા ના વિચારો એના શરીર અને મન પર અસર કરી રહ્યા હતા..ગળુ સુકાતુ હતુ..આંખે અંધારા આવતા હતા..મન..,મૌલીન….બેંગલોર…સોમિતો…અને કાચ ની કરચો ..એનુ લોહી લુહાણ શરીર..એની બીમાર માં અને ડંખતો વર્તમાન..!આ બધા વચ્ચે એ સાવ એકલી અટુલી અસહાય….માથાનો દુખાવો થતો હતો.., ચક્કર  આવતા હતા અને અને કંઈક કહેવુ હતુ એને પણ… જીભ થોથવાતી હતી અને બોલી પણ નહોતી શકતી…

એક જબરદસ્ત તાણ..એક મન..એક શરીર..આખરે કેટલી વેદના વેઠે..??

બધી જ શક્તિ હણાઇ ગઈ ગઈ હોય એમ એને પારાવાર અશક્તિ લાગતી હતી..પહેલા પણ એને ડિપ્રેશન અને ઉદાસી તો આવતી હતી પણ આજે ક્યારેય ના થઈ હોય એવી લાગણી થતી હતી..જાણે એનુ અંગ અંગ લાચાર થતુ જતુ હતુ…

ટેક્સી ડ્રાઇવરે ફરી મિરર મા નજર કરી..એને કામ્યા નો ચહેરો ના દેખાયો.”અરે..!ક્યા ગઈ આ..?”

એનુ હ્રદય એક ધબકાર ચુકી ગયું..એને ગાડી ને બ્રેક લગાવી..પાછળ ફરી ને જોયુ તો કામ્યા નું શરીર સીટ પર ઢળી પડ્યુ હતું.

બેભાન અવસ્થામાં પડી હતી…શ્વાસ ચાલતા હતા પણ ધીમી ગતિએ..એ ગભરાઇ ગયો…

“સાલુ જે વિચાર્યુ હતું એ જ થયુ..આને શું થઈ ગયુ હશે..!?મને લાગતુ જ હતું કે કંઈ લોચો છે જ..મેં લલચાઇ ને બેસાડી એ જ ભુલ કરી..હવે શું થશે..?!ક્યાં લઈ જંઉ આને..”

પછી એક જ ક્ષણ માં નક્કી કર્યુ કામ્યા ને દવાખાના ભેગી કરવાનું..એને સીવિલ હોસ્પિટલ તરફ ગાડી ભગાવી..”ના કરે નારાયણ જો આ સ્ત્રી મરી જાય તો હું તો નકામો નિર્દોષ વગર વાંકે ફસાઇ જંઉ..!”

દવાખાના ના કમ્પાઉન્ડ માં જ્યારે ડ્રાઇવર બેશુધ્ધ કામ્યા ને ગાડી માંથી કાઢતો હતો ત્યારે રીતસર ધ્રુજતો હતો એને લાગ્યુ કે બધા એની તરફ જ જોઇ રહ્યા છે..

કામ્યા ને ઝડપ થી હોસ્પિટલ માં દાખલ કરી..ત્યાં ડોક્ટર જ ડ્રાઇવર ની પુછ્પરછ કરવા લાગ્યા કે આ સ્ત્રી એની શું થાય…! ત્યાં જ એને પરસેવો છુટી ગયો…એને થયુ કે હવે પોલીસ તપાસ થશે અને પછી એની પુછપરછ અને પછી શરૂ થશે પોલીસ સ્ટેશન ના ધક્કા..! આ અજાણી સ્ત્રી ના લીધે પોતે ફસાવા નો વારો આવશે એ જ બીક માં ને બીક મા જ્યારે ડોક્ટર નું ધ્યાન કામ્યા ને તપાસવા માં  હતુ ત્યારે ડ્રાઇવર બધા ની નજર ચુકવી ને પલાયન થઇ ગયો..

ડોક્ટરે કામ્યા ને તપાસી અને એની ગંભીર હાલત જોઇ ને ઇમરજન્સી વોર્ડ માં દાખલ કરી..

 

 

 

 

પ્રકરણ ૪–રાજુલ કૌશિક

આજની સવાર તો જાણે સુધરી જ ગઈ. દત્તુએ કામ્યાને એરપોર્ટ પર ટેક્સીની રાહ જોઇને ઉભેલી જોઇ અને એ ખુશ થઈ ગયો. સવારથી માંડીને રાત સુધીમાં કેટ-કેટલા પેસેન્જરને એ ટેક્સીમાં અમદાવાદના એક છેડાથી બીજા છેડા સુધી પહોંચાડતો. સીધો સાદો દત્તુને એની ટેક્સીમાં બેઠેલા પેસેન્જરને એના સરનામે પહોંચાડવાથી મતલબ…પણ આજની વાત જ જુદી હતી. આટલી સુંદરતા તો એણે ટી.વી પર કે ફિલ્મ સિવાય ક્યાં જોઇ હતી? એ પણ ઘડી-બેઘડી. આજે તો આ જીવંત બેનમૂન સૌંદર્યરાજ્ઞી સાક્ષાત એની સામે ઉભી હતી. દત્તુ સામાન્ય રીતે તો ટેક્સીમાં આગળની સીટ પરથી પાછળ હાથ લંબાવીને પાછળનું બારણું ખોલી દેતો પણ આજની વાત જુદી હતી .આજની ઘડી રળિયામણી હતી અને આ રળિયામણી ઘડી કે રળિયામણી સવારીની નજદિકીનો લાભ લેવાની તક જતી કરવી નહોતી. એણે ટેક્સીની બહાર ઉતરીને શાહી ઠાઠથી કામ્યા માટે ટેક્સીનો દરવાજો ખોલી આપ્યો. કામ્યાને લઈને એરપોર્ટથી નિકળેલો દત્તુ બેક મિરરમાં સતત નજરથી એના સૌંદર્યનું પાન કરતો રહ્યો. ના ! મનમાં કોઇ મેલી મુરાદ નહીં પણ પુરૂષ સહજ પ્રકૃતિ.

પણ જ્યારે પાછલી સીટ પર બેહોશ કામ્યાને જોઇ ત્યારે આ પુરૂષ સહજ પ્રકૃતિ તો પળવારમાં પરસેવો બનીને નિતરી ગઈ . નાનો હતો ત્યારે મા એ શિખવાડ્યું હતું કે ડર લાગે ત્યારે વિઠ્ઠોબાનું સ્મરણ કરવું.

“જ્યારે જ્યારે ભય લાગે ને દત્તુ ત્યારે મનમાં વિઠ્ઠોબાનું સ્મરણ કરીશને તો ભય તો ક્યાંય ભાગી જશે.”

“ એવું કેવી રીતે બને મા?” નિર્દોષ દત્તુ મા ને પુછતો.

“ વિઠ્ઠોબાનું સ્મરણ અને રટણ કરો તો સાક્ષાત વિઠ્ઠોબા તમારી વ્હારે આવે.”

આજે દત્તુના મનમાં આપોઆપ વિઠ્ઠોબાનું સ્મરણ અને રટણ શરૂ થઈ ગયુ. સાચે જ મા કહેતી એમ વિઠ્ઠોબા એની વ્હારે આવીને ઉભા રહે બાકી તો આ મુંઝવણભરી મુશ્કેલીમાં બીજો કોઇ માર્ગ દેખાતો નહોતો. કામ્યાને સિવિલ હોસ્પીટલ પહોંચાડીને મારતી ટેક્સીએ એ ઘરભણી ભાગ્યો. આજે હવે બીજી કોઇ સવારી લેવાની એની હિંમત રહી નહોતી પણ જ્યારે ઘેર પહોંચ્યો ત્યારે ટેક્સીમાં કામ્યાનું પર્સ અને બેગ જોઇને તો એ હચમચી ગયો. હવે ?

તાત્કાલિક બીજો કોઇ રસ્તો સુઝતો નહોતો. બેગ અને પર્સ પાછા આપવા જવાનું જોખમ લેવાની એની તૈયારી જરાય નહોતી. નાહકના પોલિસ ઇન્કવાયરીમાં ફસાઇ જવાય તો !પણ આ બેગ અને પર્સનું કરવું શું? ક્યાં સંતાડવી ? ઘરમાં મુકે તો ય ઉપાધી કેટલા સવાલોના જવાબ આપવા ? ડેકીમાં મુકે અને બીજી કોઇ સવારીને એનો સામાન મુકવા ડેકી ખોલવી પડે તો ? કામ્યાને જોઇને ક્ષણભર માટે આંખોથી છિપેલી તરસ પરસેવા વાટે વહી ગઈ. હવે ? એક રસ્તો હતો.. આ બેગ અને પર્સ ક્યાંક પધરાવી દેવા અથવા ફેંકી દેવા પણ એમ કરવામાં પણ જોખમ હતું ક્યાંક એમ કરતા કોઇ જોઇ જાય તો ?  એક સાથે હજાર સવાલોના સાપ મનને મુંઝવણમાં મુકતા હતા.

ઘરમાં તો કોઇને કહેવાય નહીં. યાદ આવ્યો સંકટ સમયની સાંકળ જેવો બળવંત. બળવંત અને દત્તુ એક સાથે મોટા થયા એક સાથે ભણાય એટલું ભણ્યા અને એક સાથે બંને એ ભણતર છોડીને ટેક્સી ફેરવવાની શરૂ કરી. પહેલા ભાડે ફેરવતા અને પછી એક સાથે બંને એ લૉન લઈને પોતાની ટેક્સી લીધી. સવાર સવારમાં એકબીજાને લટકતી સલામ કરીને ફેરી શરૂ કરવાની અને અંતે રાત પડે છેલ્લી ફેરી ભરીને થોડો સમય સાથે બેસીને દિવસ આખાની વાતો કરીને છુટા પડવાનો નિયમ આજ સુધી જળવાઇ રહ્યો હતો. આ બળવંત છેલ્લા કેટલાય દિવસથી ફાગણી પુનમ ભરવા એની સાથે ડાકોર પગપાળા આવવાનો આગ્રહ કરતો હતો પણ દત્તુને એના વિઠ્ઠોબા પર જેટલી ભક્તિ હતી એટલી હજુ ડાકોરજીના રણછોડ માટે થઈ નહોતી. બળવંત હંમેશા કહેતો

“ દત્તુ, આ વિઠ્ઠોબા અને રણછોડરાય નામ જુદા એક સ્વરૂપ છે.તું એક વાર ચલ મારી સાથે …”

અને દત્તુએ નિર્ણય કરી લીધો એ બળવંત જોડે ડાકોર જશે. મા સાચી જ હતી. અત્યારે પણ મુંઝવણભરી સ્થિતિમાં રણછોડ રાય નામધારી વિઠ્ઠોબા જ વ્હારે ધાયા ને !ટેકસી ઘરથી થોડે દૂર જ્યાં મુકતો હતો ત્યાં મુકીને ઘેર પહોંચ્યો. એક વાતની શાંતિ થઈ ઘરમાં કોઇ હાજર નહોતું. એણે ઝડપથી બે-ચાર જોડી કપડા થેલામાં નાખી દીધા અને પહોંચ્યો જ્યાંથી ડાકોરની પગપાળા જાત્રા ઉપડવાની હતી ત્યાં. આટલા ઉચાટમાં પણ એ ટેક્સીની ચાવી સાથે લેવાનું ભૂલ્યો નહોતો. એના સદનસીબે સંઘ ઉપડવાની તૈયારીમાં જ હતો અને એ જોડાઇ ગયો. બળવંત તો એને જોઇને ખુશ ખુશ… હાંશ હવે જેટલા દિવસ પસાર થઈ ગયા એટલા તો સાચા. બની શકે કે પાછો આવે ત્યાં સુધીમાં બધો હોબાળો શમી ગયો હોય.

******

સિવીલ હોસ્પીટલમાં ઇમર્જન્સીમાં એડમિટ થયેલી કામ્યાની ટ્રીટમેન્ટ તાત્કાલિક શરૂ થઈ ગઈ. કામ્યાની બેશુધ્ધિ જોતા એવી શક્યતા હતી કે જો એને તરત સારવાર આપવામાં ન આવે તો કોઇપણ કોમ્પ્લિકેશન થઈ શકે. આમ તો પેશન્ટને એડમિટ કરવામાં આવે ત્યારે એની ટ્રીટમેન્ટ માટે સાથે હાજર વ્યક્તિની સંમતિ લેવી જરૂરી હોય પરંતુ બેશુધ્ધિમાં ય મોહક લાગતી કામ્યાને જોઇને તે સમયે ફરજ પર હાજર યુવાન રેસિડન્ટ ડોકટરે કામ્યાને ઇમર્જન્સી વૉર્ડમાં એડમિટ કરીને કામ્યાની સારવાર શરૂ કરાવી દીધી.

પરિસ્થિતિ થોડી થાળે પડતા કામ્યા માટે જરૂરી દવાઓ અને ઇમર્જન્સીમાં આપેલી ટ્રીટમેન્ટમાં વપરાયેલી દવાઓના રિપ્લેસમેન્ટનું લિસ્ટ તૈયાર કરીને ડોક્ટર બહાર આવ્યા. અને દત્તુ માટે શોધ શરૂ થઈ. દત્તુ તો આ બધી ધાંધલનો લાભ લઈને ક્યારનો ય હોસ્પિટલના સ્ટાફની નજર ચુકવીને ભાગી છુટ્યો હતો.

હવે ફરજ પર હાજર ડોક્ટરનો પરસેવો છુટી ગયો. આ તો ધરમ કરતાં ધાડ પડી એવો ઘાટ થયો. કામ્યાની શારીરિક પરિસ્થિતિ કરતાં ય આ વધુ ક્રિટીકલ લાગી. સૌ પહેલા તો ઇમર્જન્સી વૉર્ડમાં હાજર સ્ટાફને પુછવામાં આવ્યું. સૌથી પહેલા તો ટેક્સીમાંથી સ્ટ્રેચર પર લઈ આવનાર બે વૉર્ડબોયને પુછવામાં આવ્યું. કોઇને ચહેરો તો ખાસ યાદ નહોતો પરંતુ ટેક્સીની ખાખી વર્દી યાદ હતી એટલે એટલુંતો નક્કી થઈ ગયું કે કામ્યાને લાવનાર વ્યક્તિ એના પરિવારમાંથી તો નહોતી જ. તો કોણ હોઇ શકે ? એનો પત્તો મળે તો શક્ય છે કે એને જ્યાંથી બેસાડી હોય એ ઠેકાણાનો પત્તો મળે અને ત્યાંથી આ યુવતિ વિશે જાણ થાય કારણકે સિવીલ હોસ્પીટલમાં એડમિટ કરાયેલા પેશન્ટની હાલતની પરિવારવાળાને જાણ કરવી જરૂરી હતી.

કોઇ આમ ગરીબ મુફલિસ દર્દી હોય તો વાત જુદી હતી પણ આ કોઇ સામાન્ય દેખાતી યુવતિ નહોતી. એના ચહેરા પરની નિસ્તેજ કાંતિ અને એનો પહેરવેશ પણ એ ખાસ હોવાની ચાડી ખાતા હતા. હોસ્પિટલના સ્ટાફ પાસેથી કોઇ ચોક્કસ માહિતી મળતી નહોતી પરંતુ હોસ્પિટલના સીસી ટીવી ના ફુટેજ ચેક કરતાં દત્તુની ટેક્સી સુધી તો પહોંચી જ શકયા. સદનસીબે એમાં દત્તુની ટેક્સીનો નંબર જોઇ શકાયો.

બસ પછી તો દત્તુ સુધી પહોંચવું સરળ હતું. રજીસ્ટર કરાયેલી ટેક્સીના નંબર પરથી દત્તુની ભાળ મળી હવે એના સુધી પહોંચવાનું મુશ્કેલ નહોતું. દત્તુના ઘેર તપાસ કરવામાં નિષ્ફળતા મળી કારણકે ત્યાં એનું ઘર જ બંધ હતું આડોશ-પાડોશમાં પણ દત્તુ ક્યાં છે એની કોઇને ખબર નહોતી. ફરી પાછી દત્તુની શોધ શરૂ થઈ. દત્તુ મળતો નથી એનો સીધો અર્થ પોલિસે એ જ કાઢ્યો કે દત્તુ જ આમાં સંડોવાયેલો હોવો જોઇએ. હવે તો દત્તુનું પગેરૂ શોધવું અત્યંત જરૂરી હતું.પણ દત્તુ મળે ત્યાં સુધી શું?

કામ્યાની ટ્રીટમેન્ટ ચાલુ હતી પરંતુ હજુ એ હોશમાં આવતી નહોતી. દિવસો પસાર થતા ડાકોરનો સંઘ પાછો આવી ગયો અને દત્તુ સુધી પોલિસ પહોંચી. દત્તુ પકડાયો અને એને પોલિસ સ્ટેશનમાં હાજર કરાયો. સીધા સાદા દેખાતા દત્તુ પર આમ તો શક કરવાનું કોઇ કારણ નહોતું. ટેક્સીમાં કોઇપણ પેસેન્જર બેસે એ તમામને તો ટેક્સી ડ્રાઇવર ન જ ઓળખે ને? પરંતુ એ જે રીતે તાબડતોબ ડાકોરના સંઘમાં જોડાઇને ભાગ્યો હતો એનાથી પોલિસને દત્તુ પર પણ શંકા જતી હતી. જો એ નિર્દોષ હતો તો એણે સામે ચાલીને પોલિસને અથવા તો હોસ્પિટલના સ્ટાફને કામ્યા અંગે જાણ કરવી જોઇતી હતી.

દત્તુને પુછપરછ માટે પોલિસ સ્ટેશન હાજર કરવામાં આવ્યો. શાહીબાગ પોલિસ સ્ટેશનના પોલિસ ઇન્સ્પેક્ટર શશાંક રાઠોરની અનુભવી આંખ કહેતી હતી કે દત્તુ ખરેખર નિર્દોષ છે અને પોલિસ ઇન્કવાયરીના ભયથી જ ભાગ્યો હતો.દત્તુની ટેકસીમાંથી મળેલી કામ્યાની બેગ અને પર્સ પોલિસે દત્તુ પાસેથી જપ્ત કરી. બે-ચાર ધોલધપાટ કરીને કામ્યા અંગે કોઇ જાણકારી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એને રોજે પોલિસ સ્ટેશન હાજરી પુરાવવાનો આદેશ આપીને જવા દીધો.

પોલિસ ઇન્સ્પેક્ટર શશાંક રાઠોરે કામ્યાની પર્સ અને બેગ પોલિસ સ્ટેશન પર હાજર લેડી કોન્સ્ટેબલને બોલાવીને ચેક કરવા સોંપી. બેગમાં તો થોડા કપડા અને સામાન્ય મેકઅપ નો સામાન હતો. આમ પણ કામ્યાને વધારે ક્યાં જરૂર હતી? એને તો લોકેશન પર પુરતા કપડા મળી રહેવાના જ હતા. પણ પર્સમાંથી જે કંઇ મળ્યુ એ લેડી કોન્સ્ટેબલે ઇન્સ્પેક્ટર રાઠોરના ટેબલ પર ઠલવી દીધું. પર્સમાંથી કામ્યાનો સેલ ફોન, પૈસા અને નાજુક પણ કિંમતી જ્વેલરી  મળ્યા. એનાથી રાઠોરને એક ખાત્રી તો થઈ કે દત્તુ સાચે જ અનાયાસે જ આમાં સંડોવાઇ ગયો હતો નહીં તો આ પર્સ, તેમાં રહેલો સેલ ફોન, પૈસા અને જ્વેલરી આમ અકબંધ તો ના મળ્યા હોત.

સૌથી પહેલા તો આ સેલ ફોન અન લૉક કરવાનું સોંપીને રાઠોરે એક કપ ચા મંગાવી. એનો અર્થ એ થતો હતો કે હવે રાઠોર આ કામ અધુરૂ મુકીને અહીંથી ખસશે નહીં. અન લૉક થયેલા કામ્યાના સેલ પર સૌથી વધુ મિસ્ડ કોલ અને ડાયલ કરેલા નંબરમાં સોમિત્રોનું નામ હતું. તાત્કાલિક રાઠોરે આ જ સેલ પરથી સોમિત્રનો નંબર ડાયલ કર્યો. એક જ રિંગ વાગતા અધીરા સોમિત્રોએ ફોન ઉપાડીને સીધો જ કામ્યા પર જાણે હલ્લો કર્યો.

“કામ્યા , વૉટ્સ અપ બેબી ! ક્યારનો તને ફોન કરૂ છું અને નો રિસ્પોન્સ? વ્હેર વેર યુ? તને ખબર પડે છે અહીં કેટલી ચિંતા થતી હતી? ”

હમ્મ્મ્મ. નિશાન તો બરાબર લાગ્યું છે. રાઠોર મનોમન વિચારી રહ્યા. હવે આગળ સોમિત્રો શું બોલે છે એની રાહ જોઇ પરંતુ હવે તો સામે છેડો પણ ચુપ થઈ ગયો.કદાચ એને લાગ્યું હશે કે ફોન ડિસકનેક્ટ થઈ ગયો.

હવે રાઠોરે પોતાની ઓળખ આપીને વાત નો દોર પોતાના હાથમાં લીધો અને સોમિત્રો સાથે વાત કરવામાં જે માહિતી મળી એની નોંધ ટપકાવતા ગયા. રાઠોરનો અવાજ સાંભળીને સોમિત્રોને કંઇ અજુગતુ બન્યાનો અંદેશો તો આવી જ ગયો હતો. પણ હવે કામ્યાને શું થયું છે તે માટે આ સોર્સ થકી જ જે કંઈ જાણવા મળશે તે મળવાનું છે એમ સમજીને એણે પણ ઇન્સ્પેક્ટર રાઠોરને એ કામ્યાને ક્યારથી અને કઈ રીતે ઓળખતો હતો તે જણાવીને

કામ્યા વિશે જે કંઇ જાણતો હતો તે હકિકત જણાવી.

હવે રાઠોરને એક વધુ કોન્ટેક્ટ નંબર મળ્યો. બેંગ્લુરની થોટ્સ ક્રિયેટીવના ડાયરેક્ટર નાગરાજ તલાંજેનો. સોમિત્રો પાસેથી જે કંઇ માહિતી મળી તેવી જ લગભગ માહિતી નાગરાજે આપી. કામ્યા વિશે કે એના પરિવાર વિશે બંનેમાંથી કોઇને કશી જ ખબર નહોતી. કામ્યા બે વર્ષથી આ કંપની માટે કામ કરતી હતી અને એના કામ માટે ક્યારેય એણે કોઇને ફરિયાદનું કારણ આપ્યું નહોતું એ પણ નાગરાજે કબુલ્યુ. નાગરાજ પોતે પણ આશ્ચર્યમાં હતા. એ કામ્યાને જે રીતે ઓળખતા હતા એ મુજબ એમનું કહેવું હતું કે કામ્યા ખરેખર કામમાં ખુબ મહેનતુ અને મનની મજબૂત છોકરી હતી. સમયની પાબંદ અને એને ફાળવવામાં આવેલા કામ પ્રત્યે સમર્પિત હતી એ બાબતે તો સોમિત્રો કે નાગરાજ બંનેનો એકમત હતો. એમને પોતાને નવાઇ લાગતી હતી કે આવી અને આટલી સ્ટ્રોંગ છોકરીને આમ સાવ અચાનક શું થઈ ગયું! હ્વે આનથી વધુ કોઇ જાણકારી ત્યાંથી મળે એવી કોઇ શક્યતા ન દેખાતા રાઠોરે અંતે ટી.વી પર કામ્યા અંગે સમાચાર પ્રદર્શિત કરવાનો નિર્ણય લીધો જેથી અમદાવાદમાંથી એવું કોઇક મળી જાય કે જે એની રાહ જોતું હોય , કામ્યા વિશે જાણતું હોય.

આ નિર્ણય લઈને રાઠોરે આજની કાર્યવાહી સમેટી લીધી. આમ પણ હવે કામ્યા વિશે કશી જાણકારી ન મળે ત્યાં સુધી હવામાં હવાતિયા મારવા જેવો ઘાટ હતો.

 

 

 

પ્રકરણ -૫- વિજય શાહ

રાઠોર સૌમિત્રોની વાતોથી ગુંચવાયો તેવું તો ના કહેવાય..પણ તેને કેસમાં કંઇ નવતર દેખાયુ..નાગરાજ સૌમિત્રનાં કહેવા પ્રમાણે કામ્યાનો જુનો બૉસ હતો. નાગરાજ ને કામ્યાનો એટી ટ્યુડ હંમેશા ગમતો.. તે બહુ વિચાર્યા બાદ જે પોતાનો મત જણાવતી અને રસ્તો પણ તેથી નાગરાજને ભાગે ખાલી હા કે ના એટલું જ કહેવાનું રહેતુ.અને કામ્યાનો એક વધુ મુદ્દો એ પણ ગમતો કે નાગરાજ ના કહે તો કોઇ પ્રતિ ઉત્તર કે દલીલ નહીં. પણ કામ્યાની ના ઉપર લીધેલા કાર્યમાં ભારે ખોટો તેણે ખાધી હતી.. તેથી કામ્યા એક પૂર્ણ સહાયક તો હતી જ.. અને સાથે સાથે તેની સાથે કરેલા અને પુરા પડેલા પ્રોજેક્ટમાં તે અઢળક કમાતો પણ હતો.

કામ્યાની તપાસ બેંગ્લુરુ સુધી લંબાઇ. ક્રીએટીવ થૉટની ઓફીસે પોલિસ ઇન્સ્પેક્ટર રાઠોર જ્યારે પહોંચ્યા ત્યારે નાગરાજ્ને પહેલો ઝાટકો લાગ્યો જ્યારે તેણે જાણ્યું કે કામ્યા ખુબ બીમાર છે..અને માનસિક તણાવ આ હદ સુધી પહોંચ્યો છે તે જાણીને તો તેને ખુબ જ નવાઇ લાગી. તે તો કેટલી હિંમતવાળી અને સ્વ નિયંત્રિત છે..

ઇન્સ્પેક્ટર રાઠોર સાથે વાતો કરતા કરતા નાગરાજ બે ત્રણ વખત બોલ્યો

“કામ્યા સતયુગની ભુલી પડેલી શ્રાપીત અપ્સરા છે…બધી જ રીતે ભરી પુરી પણ કળયુગમાં આટલા સીધા સરળ અને ભોળા તો કંઇ રહેવાતુ હશે?”

રાઠોર કહે “ એટલે?”

“ એટલે તેના બે ચહેરા હતા.. પ્રોજેક્ટ પર જ્યારે કાર્યરત હોય ત્યારે કાર્યદક્ષ મંત્રી પણ તેના એકાંતોમાં ખુબ જ સંવેદન શીલ…વારંવાર નાની વાતો ઉપર ક્યારે તે લજામણી નાં છોડ ની જેમ કાંતો શરમાઇ જાય કાંતો ખુબ ખીલી જાય.”

“ જરાવિગતે વાત કરોને.” ઇન્સ્પેક્ટ રાઠોરે સાવ સહજ રીતે પુછ્યુ એટલે નાગરાજ સહજતાથી બોલ્યો..

” તે કોઇક નબળી ક્ષણે મારા શબ્દોની માયાજાળમાં ભરાઇને માની બેઠી હતી કે હું તેના માટે સોફ્ટ કોર્નર ધરાવુ છુ. હું તો તેના કામોની પ્રશંસા જ કરતો હતો”

રાઠોરે તેની આંખો નાગરાજની સામે સતત રાખી હતી તેથી જરા ચોકન્નો થતા તેણે વાત આગળ ચલાવી..

“ મેં તેને છેલ્લા પ્રોજેક્ટમાં તેના પગાર ઉપરાંત નફાનો થોડો ભાગ બોનસ તરીકે આપ્યો ત્યારે કામ્યા કહે સર! નફામાં ભાગ ભલે આપ્યો… જિંદગીમાં પણ સહજીવન જીવશુંને? મને જરા અજુગતુ લાગ્યં તેથી પુછ્યુ.. કામ્યા અંગત જીવન અને કરિયર બે જુદા કાર્યક્ષેત્રો છે અને હું તારી કાર્યદક્ષતાને માન દઉ છુ. હાલ તો તેનાથી આગળ જવાનું મેં વિચાર્યુ નથી.”

રાઠોર કહે “ પછી?”

“ પછી શું? તેને મારો નકાર ના જચ્યો ..બીજે દિવસે મારી મેજ ઉપર તેનું રાજીનામુ હતુ અને મારા અંગત્ત જીવન માટે ઘણા સુચનો.. તેને હું બધી જ રીતે બગડેલો રાજ્કુમાર લાગતો હતો અને સાથે સાથેત એ એવુમ પ્ણ માનતી હતી કે તેના મારા જીવનમાં આવ્યા પછી તે મારું જીવન બદલી શકી હોત.. અને એવી ઘણી જ વાતો જે મારે માટે બ્લા બ્લા કરતા કંઇ જ વધુ નહોંતુ.”

રાઠોર આ બધુ ટેપ કરતો હતો તે નાગરાજ ને ખબર હતી તેથી બોલ્યો..હું રહ્યો મુક્ત આઝાદ છેલ છબીલો… મને કોઇ એકની સાથે સ્થિર થવા જેટલી ધર્પત આવી નહોંતી અને તે મને મારી મરજી વગર સુધારવા બેસે તે મને મંજુર નહોંતું….”

રાઠોરે આંખ ઝીણી કરી અને પુછ્યુ “ કામ્યાને તમે ક્યારેય આ દિશામાં દોરી નહોંતી તેમ તમે કહેવા માંગો છો?’

“ જુઓ મારી ચોપડી તો ખુલ્લી કિતાબ જેવી છે. મને જે ગમે છે અને મારી માંગણી ને હા કહે તેને હું છોડતો નથી..અને જે ના કહે તેને હું અડતો નથી..”

“ કામ્યા એ હા કહી? કે ના?”

“કામ્યા મને ગમતી હતી..પણ તે સતયુગ ની અપ્સરા હતી..તેથી તે પહેલા લગ્ન અને પછી દૈહિક છુટ છાટમાં માનતી હતી.. જે આ કળયુગમાં મારા જેવા માટે સામા પવને વહેવા જેવી વાતો હતી.. હું તો તું નહીં તો ઓર સહીમાં માનતુ મુક્ત ગગન છું. પણ મેં એક ભૂલ કરી હતી અને તે મારી મોમને મળવા એક દિવસ હું મારા ઘરે તેને લઇ ગયો હતો.. અને મારી મોમને તે બહુ ગમી ગઇ હતી…તેમનો હકારાત્મક પ્રતિભાવ જોયા પછી ઘેલી ઉમંગે ચઢી હતી… મારા વર્કોહોલીક સ્વભાવમાં ક્યારેક તણાવ દુર કરવા મારી ઓફીસની કોઇક કો વર્કર સાથે જરા હસી કે મસ્તી મઝાક કરું તો

તે રાણી ઝાંસીબાઇ બની મારું કે તે કો વર્કરનું જીવવાનું મુશ્કેલ કરી દેતી હતી…”

“ અને તેથી તમે એનો પીછો છોડાવવા કઠોર બન્યા બરો બર?”

“ ના. જ્યારે પાણી નાકથી ઉપર ચઢવા લાગ્યું ત્યારે મેં તેને સ્પષ્ટ ભાષામાં કહ્યું કે મારી જીંદગી મારી છે.. મને મારી જીંદગીમાં તારી કટ કટ નથી જોઇતી.. અને મારી મોમને પણ સ્પષ્ટ ભાષામાં ના કહી દીધી..કે તે કામ્યાને બહુ માથે ના ચઢાવે..”

તમે તેને “શ્રાપીત અપ્સરા” કહી તે વાત ના સમજાઇ. રાઠોરે તેના મનમાં અમળાતી વાત પુછી,

“ મેં તેને સતયુગની શ્રાપીત અપ્સરા કહી હતી. જે વાત આજે પણ હું સાચી જ માનું છું અને તેથી તો આજે તે હોસ્પીટલમાં છે. તમે તે જ્યારે સજી ધજીને આવે ત્યારે તેને જુઓ તો કહીં જ ના શકાય કે આટલુ સંપૂર્ણ અને ખીલેલું યૌવન આજના કળીકાળમાં કોઇનું પણ હોઇ શકે? બધાજ સ્વરૂપ અપ્સરા લાગતી કામ્યામાં એક જ નબળાઇ હતી જે પોતે વિચારતી તેવી જ દુનિયા છે સહેજ આત્મિયતાથી તેની સાથે વાત કરો તો તે માની લેતી કે તમે જે કહો છો તેજ રીતે દુનિયા ચાલે છે.

મને તે ઑફીસમાં જોતી કે હું ફ્લર્ટ કરુ છુ તો મને ય સમજાવતી અને એ વ્યક્તિને પણ સમજાવવા જતી. અને હાંસી પાત્ર બનતી.. પેલી છોકરીઓ તો ક્યારેક તેને પુછી પણ લેતી કે તું શું એની પત્ની છે? કે અમને એનાથી દુર રહેવા કહે છે? આવું હાંસીનું પાત્ર બનવા છતા તે મને પામવા મથતી.”

“ તમને તેના મિત્રો કે માતા પિતા વિશે કંઈ માહીતિ છે?”

અપેક્ષા પ્રમાણે જવાબ નકારમાં મળ્યો. રાઠોરે બીજા દિવસે પોલિસ સ્ટેશને આવી તેમણે આપેલા બયાન ની સત્યતા વિશે અને જરૂર પડે લાઇ ડીટેક્ટર ટેસ્ટ આપશો તેમ જણાવ્યું. અને મોમ ને પણ આવવા જણાવ્યુ.

નાગરાજ ને આમા વઘતી તકલીફો જણાઇ પણ કહે છે ને પોદળો પડે તો છેલ્લે ઘરની ધૂળ પણ લઇને જાય અને સત્તા આગળ શાણપણ નકામુ વિચારીને તેણે કહી રાખ્યુ કે તેઓ આવશે

રાઠોરે પોલિસ સ્ટેશને જઇને રેકૉર્ડ કરેલી કેસેટ બીજી વખત સાંભળી ત્યારે રાઠોર્ને તેનો શક સાચો પડતો લાગ્યો. કામ્યાને બાઘી હોવાની છાપ ઉપસાવવામાં નાગરાજ કાચો પડતો હતો. કોઇ ક વાત હજી છુપાયેલી હતી.. ત્યાં ફોન ની ઘંટડી વાગી..

શાહીબાગ પોલિસચોકીમાંથી ફોન હતો…

“ સાહેબ કામ્યા મેમ ને સ્પેશ્યલ વૉર્ડમાં ટ્રાન્સ્ફર કરવાના હુકમ જારી થયા છે ડૉક્ટરો હુકમ ઉપરથી આવ્યા છે કહીને છૂટી પડે છે પણ પેશંટ મોટા ઘર સાથે સંકળાયેલા લાગે છે.”

“ ભલે આંખ અને કાન બંને ખુલ્લા રાખજે. અને કોણ આવે છે અને કોણ જાય છે ની વિગત વાર નોંધ રાખજે.. હું કાલે આવુ છુ.”

“ સાહેબ બીજી એક વાત હોસ્પીટલે કામ્યા વિશે અપાતી જાહેરાત બંધ કરાવી છે શિક્ષણ મિનીસ્ટ્રીમાંથી ખુબ જ દબાણ આવ્યુ છે.. સારવારમાં વધુ ધ્યાન લેવાઇ રહ્યુ છે..”

“ભલે” કહી શશાંકે ફોન મુક્યો..

બીજે દિવસે નાગરાજ અને તેની મોમ સાથે મુલાકાતોમાં શશાંકને જે જોઇતુ હતુ તે મળી ગયુ…નાગરાજે કામ્યાને લગ્ન કરવાનો વાયદો તેની મોમની હાજરીમાં આપ્યો હતો.. અને ફ્લર્ટ પણ બંધ કરી દઇશ વાળી વાત બહુજ ભાર દઇને કહેવાઇ હતી..પણ ફ્લર્ટ ચાલુ હતી જે કામ્યા જોઇ ગઈ હતી તેથીનાગરાજ સાથ ઝઘડો કરીને કામ્યા દુઃખી પણ મજબૂત ઢબે નાગરાજને તરછોડી ને નીકળી હતી તે તથ્ય સ્પષ્ટ ઉભરીને આવ્યુ હતું. નાગરાજની મમ્મીને આ વાત થી બહું જ આઘાત લાગ્યો હતો તેઓ માનતા હતા કે કામ્યા જેવી છોકરીને ગુમાવીને નાગરાજે બહુ ્મોટી અને અક્ષમ્ય ભુલ કરી છે.

જરુરી કાગળીયા ઉપર સહીં લઇને રાઠોરે નાગરાજને તાકિદ આપી કે જો કામ્યા હોસ્પીટલમાં કોમા માં જશે કે મૃત્યુ પામશે તો તમને કૉર્ટ રાહે બોલાવાશે અને શક્ય છે જેલ પણ થાય. તેથી બેંગ્લુરુ પોલિસ સ્ટેશન ને જણાવ્યા વીના ક્યાંય બહાર જશો નહી અને તમારા ઉપર વૉચ રાખવા સાદા કપડામાં પોલિસ તમારી નજદીક રહેશે.

શાહીબાગ પોલિસ સ્ટેશનથી આવેલા ઇ મેલમાં બે ફોન ની નોંધ હતી એક શ્રેયા અને બીજો પ્રેમ બંને કોલેજનાં મિત્રો હતા અને કામ્યાને મળવા માટે અનુમતિ માંગતા હતા. તેમનો ફોન નંબર ઇ મેલ અને અન્ય વિગતો ઇ મેલમાં હતી

બેંગ્લુરુથી પ્લેન પકડતા પહેલા ઇન્સ્પેક્ટર રાઠોરે શ્રેયાને ફોન કર્યો. ફોન ઉપાડતા પોતાની ઑળખ આપતા ઇન્પેક્ટર રાઠોરે કહ્યું

“ હલો શ્રેયા સાથે વાત થશે?”..

“ હલ્લો”

“શ્રેયાબહેન.. આપ જાહેરાતમાં દર્શાવાયેલી પેશંટને ઓળખો છો?” શક્ય તેટલી નરમાશ વાપરી શ્રેયાને પુછ્યુ.

“ હા તે મારી અંતરંગ સખી કામ્યા છે .’

“ તેમના વિશે વધુ માહીતિ આપી શકશો?

“ હા જરુર…”

“તેમના ઘર અને પરિવાર વિશે પહેલા માહિતી આપો…”

“ તેઓ ૫૦ સ્નેહા સોસાયટી નવરંગપુરામાં રહે છે તેમના બા કાશીબા એકલા ત્યાં રહે છે હું અને પ્રેમ તેમની કાળજી લઇએ છે.”

“ પ્રેમ કોણ? એમના સગા છે?”

“ ના તે અને હું કામ્યાનાં નજ્દીકી મિત્રો છીએ..”

“ તેઓ ક્યાં રહે છે?’

“ તે પણ ૩૯ સ્નેહા સોસાયટીમાં જ રહે છે …થોડાક મકાન પાછળ”

કામ્યા ક્યાં રહે છે?”

“ કામ્યા બેંગ્લુરુ હતી”

“એમના બાળકો પતિ વિશે માહિતી આપશો?’

“ એને બાળકો નથી એના પતિ સાથે “સેપરેશન” ની વાતો થતી હતી એટલેજ એ બેંગ્લુરુ કરિયર બનાવવા ગઈ હતી.

“એમના પતિ અમદાવાદ છે કે બેંગ્લુરુ?”

“ એમના પતિ ગાંધીનગરમાં છે મૌલિન ધામીત”

“ યુવા રાજકરણી અને શિક્ષણ મંત્રી?”

“ હા… મારી સખીના માથે દુઃખનાં વાદળો ખડકતો દુષ્ટ એજ છે તો…” હવે તાળો મળતો હતો.. જાહેરાતો અટકાવનારાનો અને કહાણી નાં ખલનાયક નો..રાઠોરે બે એક ક્ષણ પછી કહ્યું આપ કાલે સીવીલ હોસ્પિટલમાં એમના સગા વહાલાને લઇ સવાર નવ વાગે આવો હું ત્યાં જ હોઇશ એટલે આપને મળવાની પરવાનગી મળી જશે…આપને વિનંતી કે પ્રેસ કે કોઇને પણ મને મળ્યા સિવાય કશું કહેશો નહીં.. આ મર્ડર પ્રયાસ પણ હોઇ શકે તેથી તપાસ કાર્યવાહીમાં દખલ પહોંચી શકે છે.. તેના માને લાવવાનુ ભુલાય નહીં કારણ કે કામ્યાને કોમા માં થી બહાર કાઢવાનાં પ્રયત્નોમાં તમે ત્રણ ખુબ અગત્યના પરિબળો છે. તેમની સારવાર માટેના કાગળો પણ સહીં કરવાના છે. પ્રેમ ને અને કાશીબા ને શક્ય હોય તો ફોન પરથી નહીં પણ રુબરુ જઇને આ વાત સમજાવશો…પુરી ગંભીરતાથી વાત કરી ઇન્સ્પેક્ટર રાઠોરે ફોન મુક્યો અને અમદાવાદની ફ્લાઇટ પકડવા પ્રયાણ કર્યુ…

 

 

પ્રકરણ -૬- વિજય શાહ

હોસ્પીટલમાં કામ્યાનાં રુમ માં અચાનક અવર જવર વધી ગઈ. મુખ્ય ડોક્ટર સહાયક ડોક્ટર.. લેબ ટેકનીશીયન બધા વારા ફરતી કામ્યાની ખબર કાઢી ગયા.. હા રાજકરણી અને શિક્ષણ ખાતાનાં મંત્રી આવવાના હતા…બીજી બાજુ ઇન્સ્પેક્ટર રાઠોર બેંગ્લુરુ થી આવી ગયા હતા અને શ્રુતિ કાશીબા અને પ્રેમ હોસ્પીટલમાં દાખલ થઇ રહ્યા હતા અને સાયરનો સાથે શિક્ષણ મંત્રી ઉતાવળા કામ્યાની રૂમ માં દાખલ થયા..મૌલિન ને જોઇને શ્રેયા જરા ખમચાઇ..કાશીબાની નજર પડે તે પહેલા મૌલીન તેમને ઝડપભેર નીકળી ગયો.

બંને ડોક્ટરો ત્યાં જ હતા અને કરડા અવાજે એક જ પ્રશ્ન શિક્ષણ મંત્રી એ પુછ્યો.. “કામ્યા જીવતી રહેવાની શક્યતા કેટલી?”

ડોક્ટર કહે “ અમે અમારાથી બનતુ બધુ કરીયે છે..અત્યારે આનંદ એ વાતનો છે કે તેમને કોમા માં જતા અટકાવી શક્યા છીએ..પરંતુ અમને તેમના તરફથી જોઇએ તેટલો ટેકો નથી મળતો.. તેઓ ઓબ્ઝર્વેશન્માં એટલે જ છે.”

મૌલિનનો ફરીથી એજ પ્રશ્ન હતો “કામ્યા જીવતી રહેશે કે કોમામાં જતી રહેશે”

સાહેબ! તેમના ફેમિલિ મેંબર શક્ય નાણાકિય જવાબદારી ઉપાડી લે પછી અમે તેમની સારવાર પૂર્ણ રૂપમાં કરી શકીયે.. અત્યારે તો તેઓ ખાલી સપોર્ટ ઉપર છે.

કામ્યા જોકે બેહોશ હતી પરંતુ તે સાંભળી શકતી હતી

મૌલિને ફરી એજ પ્રશ્ન પુછ્યો..”તેમનું કોઇ સગુ વહાલુ ના મળે તેવી પરિસ્થિતિમાં?”

ડોક્ટરે ઉપર હાથ બતાવીને કહ્યું “તે તબક્કામાં તો પ્રભુ માલિક છે.”

મૌલિન સાથે રહેલા તેમના સેક્રેટરીએ ઇશારો કર્યો. મૌલિન કહે “ એમના ફેમિલિ મેંબર ની શોધ કરવાની જરૂર નથી..એ મારા પત્ની છે પણ અમે “સેપરેશન”માં છીએ તેથી તેમેની સાર્વાર અને વિકાસ વિશેની માહીતિ આપતા રહેશો.. હા નાણાકિય જવાબદારી મારી નથી તેથી તે હું લેતો નથી..”

બેભાન કામ્યા આ સાંભળતી હતી..

ઇન્સ્પેક્ટર રાઠોરે તે વખતે પ્રશ્ન પુછ્યો..” સર! આપ કાયદાકીય પેપરો સહીં કરશોને?”

“ શા માટે?”

“ હજી આપ તેમની કાળજી રાખી રહ્યા છો તેથી પુછુ છુ.” ડોક્ટરે કહ્યું

“કાળજી તો હું આખા ગુજરાતની રાખી રહ્યો છુ.. આજે તે પણ એક પ્રજાજન છે તેથી વધુ કંઇ જ નથી.”

કામ્યા અંદરથી છટ પટાઇ પણ તેની નોંધ ફક્ત મશીને બીપ કરીને લીધી

ડૉક્ટર કહે “ આપના સેક્રેટરીનાં ફોન ને લીધે અમે તેમને સ્પેશ્યલ વૉર્ડમાં લીધા છે.. જોઇએ તેમના કોઇ સગા વહાલા આજે કાગળો સહીં કરશે તો તેમની માવજત ચાલુ રહેશે નહીંતર અમારે તેમને જનરલ વૉર્ડમાં પાછા મોકલવા પડશે.”

મૌલિન નાં મોં ઉપર ઉપસેલા ભાવો સ્પષ્ટ કહેતા હતા..તમારે જે કરવું હોય તે કરો..મને તે જીવે કે મરે તેમાં કોઇ ફર્ક નથી પડતો…અને તરત મોં ફેરવીને તેણે ચાલવા માંડ્યુ..

બરાબર તેજ સમયે પ્રેમ રૂમ માં દાખલ થયો.. મૌલિને તેને જોયો ના જોયો કરીને નીકળી ગયો.

પ્રેમને એક ઝાટકો તો લાગ્યો પણ ઇન્સ્પેક્ટર રાઠોર પાસે જૈઅને તે બોલ્યો “ હું પ્રેમ.”

ઇન્સ્પેક્ટર રાઠોરે પ્રેમને નખશીખ જોયો અને કહે “હા આવો..ડોક્ટર સાહેબ આ પ્રેમ છે જે કામ્યાનો મિત્ર છે”

બેભાન કામ્યાને જોઇને તે આર્દ્ર થઇ ગયો હતો.. તેનૂ હૈયુ કહેતું હતું….”ચોક્કસ તુ સારી થઇ જઇશ”

તેની પાછળ કાશી બા ને લઇને શ્રેયા આવી.. બંનેની આંખો આંસુઓથી ભરેલી હતી.. કાશીબા કહેતા હતા.. કામ્યા તને કશું જ નહીં થવા દઉં હજી હું બેઠી છું ને? અને તેના માથા ઉપર હાથ ફેરવતા બોલ્યા “શ્રેયા આ તારી બહેનપણી તો જબરી નીકળી…એકલી જ ગામેતરે જવા નીકળી મને વળાવ્યા પછી તેનો વારો હોય.. આતો મને મુકીને ચાલવા માંડી…એમની આંખો વહેતી હતી અને તેમન ધ્રુસકા કામ્યાને સંભળાતા હતા..મશીન બીપ બીપ કરતું હતું પહેલી વખત સારવાર સફળતાનાં ચિન્હો બતાવતા હતા..

પ્રેમે ડોક્ટરને પુછ્યુ કામ્યાના કોઇક પેપર ઉપર સહીં કરવાની હતીને તે ક્યાં છે?

ડોક્ટર કહે હવે તેની જરુર નથી.. દર્દી જાગૃત થઇ રહી છે. અમને આશા હતી કે કોઇક સગું વહાલું દેખાશે એટલે ..દર્દી તણાવમાં થી બહાર આવશે જ…ઇન્સ્પેક્ટર રાઠોર ડોક્ટર્નું સર્ટીફીકેટ લઇ ફાઇલ બંધ કરીને શાહીબાગ પોલિસ ચોકી તરફ જવા નીકળ્યા.. શ્રેયા અને પ્રેમ કાશીબા સાથે આવી ગયા તેથી પેશંટની ઓળખવીધી પુરી થઇ હતી.

પ્રેમ અને શ્રેયા વારંવાર કામ્યા સાથે વાતો કરતા હતા.

.”તને કશું થાય જ શું કામ? તું કાયમ સાચી જ હતી..સાચા માણસની જ કસોટી થાય..અને તે હંમેશા ઉત્તિર્ણ થાય”

ડૉક્ટર કહેતા હતા કામ્યા બધું જ સાંબહ્ળે છે તેથી તેની સાથે તેના ભૂત્કાળની સુખદ વાતો કરો..હવે દવા અને દુઆ બંને સાથે કામ કરે છે.

. હિમાલયની ઉંચી ટોચ ઉપરthI જાણે કામ્યા નીચે ઉતરી રહી હોય તેમ બેહોશીની ગર્તામાંથી તે ઉભરી રહી હતી.. ક્યારેક તે ઉંહકા ભરતી તો ક્યારેક એની આંખમાં થી આંસુ ઝરતુ…કાશીબા પોતે અલ્ઝાઇમરનાં દર્દી તેથી તેમનો કામ્યા માથે હાથ ફેરવાવીને શ્રેયા તેમને ઘરે મુકવા ગઈ…

મૌલિન ને જોયો અને પાછલો ભૂતકાળ ફીલ્મની જેમ નજર સામે સરતો ગયો..

રાજકરણી ની શરુઆતની કારકિર્દીમાં જે પહેલુ ટોળું હતુ તેમાં શ્રેયા, પ્રેમ અને કામ્યા સાથે હતા…કામ્યાને મૌલિન ગમતો તેથી પ્રેમે સમજીને પોતાને કામ્યાની ચાહત રેસમાં ભાગ લીધેલો નહીં પણ તે સમજતો કે આ જુવાનીનો જોશ છે…વળી “ સંગમ” ફીલ્મનાં ગીતનો અહેસાસ જબરો હતો

અપની અપની સબને કહેલી ..

હમતો ચુપ ચાપ રહે..

દર્દ પરાયા જીસકો પ્યારા

વો ક્યું અપની બાત કરે…

પોલીટીક્સનાં પહેલે પગથીયે મૌલિન ખુબ જ ઝળક્યો.. અને ત્યારે એ ઝળકાટમાં અંજાયેલી કામ્યા એના પ્રેમમાં ગળા ડુબ થઇ ગઇ હતી… તેને એક તબક્કે એવું લાગવા માંડ્યુ હતું કે આ મૌલિન તેના હાથમાં થી સરકી ન જાય તેથી.. લગ્ન પણ કરી લીધા… જેને કામ્યા તેના ઉત્થાન નો સમય સમજતી હતી તે ખરેખર તો પતનની શરુઆત હતી.. કાશીબાને તેની સતત ચિંતા રહેતી.. ભણતર પુરુ કરીને તેઓ ઇચ્છતા કે થોડો સંસારને ઓળખી લીધા પછી લગ્નની ધુંસરી પહેરવી જોઇએ…પણ જુવાનીનાં એ ઉંબરે તો જોયું જશે અને દેખ્યું જશે વાળી વાત તથા મને ગમે છે ને વાળી વાતમાં એવું ક્યાં કોઇ વિચારે છે કે તને ભલેને ગમતો હોય પણ તેને તું ગમે છે?

લગ્ન પછી જીવન ની અંતરંગ વાતોમાં રાજકરણ પહેલુ અને પત્ની તો પમાઇ ગયેલી સિધ્ધિ છે.. ક્યાં જવાની છે?વાળી વાતો એ કામ્યાને ઉંધા મોં એ પછાડી.. કાશીબા પુછતા રહેતા.. “બેટા તુ કેમ મુરઝાયેલી રહે છે? મૌલિન સારી રીતે રાખે છે ને?”

પહેલા તો જવાબમાં મૌલિન ને તે ઢાંકતી.. પણ શ્રેયાના જ્યારે લગ્ન થયા ત્યારે મૌલિન ની ગેરહાજરી સૌને ડંખી.. ક્યાંક ક્યાંક કામ્યાની આંખો પણ આંસુ સારતી ત્યારે પ્રેમ બહુજ ચિંતા કરતો..

અને તે દિવસે તો તેણે પુછી જ લીધુ..” કામ્યા માન કે ના માન પણ તું લગ્ન પછી જેવી ખીલવી જોઇએ તેવી ખીલતી નથી…”

“ પ્રેમ એવું કંઇ નથી પણ એની પાસે સમય નથી અને મારી પાસે અઢળક શમણા છે જે મને દિવસે કોરી ખાય છે.”

“ મૈત્રી ભાવે કહું છું જો લગન પછી રાત્રે પણ તેને પત્ની સંગ ન ગમતો હોય તો ક્યાંક અજુગતુ થઇ રહ્યું છે.”

“ પ્રેમ મેં શ્રેયાને પણ એજ કહ્યું લગ્ન એ બે મુક્ત આત્માઓનું મિલન છે તે રેશમ્ની દોરી નથી.. આ મિલન નો ભાર કોઇને લાગવો ના જોઇએ.. અને તેથી હું તેને મને એક પુરાવો મળે એટલે મુક્ત કરી દેવાની છું.”

“એટલે?”

“ તને હું કેવીરીતે સમજાવું? હું થાકી ગઈ છુ તેનાં રાજકરણ થી.”

“અરે યાર! શરુઆતમાં તો આવું બધુ ચાલ્યા કરે…એકાદ નાનો દૂત સંસારમાં તને મા કહેતો આવી જશેને એટલે આફુડો તે દૂત રાજકરણમાંથી મૌલિનને બહાર ખેંચી લાવશે…”

“પ્રેમ તને ખબર નથી હું કેવી વિટંબણામાં થી પસાર થઇ રહી છું “

“ તો કહેને તારી વિટંબણાઓ અમને.. કંઇ રસ્તો અમે વિચારીશું.”

“ જો પ્રેમ તું અને મૌલિન બંને પુરુષ છો.. તમને સ્ત્રીની સંવેદનાઓ કદાચ ના સમજાય..પણ એટલું જરૂર કહીશ કે મેં જાતે મારા પગ પર કુહાડો માર્યો છે.”

‘ આ વાત ખોટી કામ્યા!.. સમગ્ર પુરુષ જાતને એક ત્રાજવે ના તોલાય..પણ ખેર મને કહેવું યોગ્ય ના લાગતુ હોય તો હું તને આગ્રહ નહીં કરું.. પણ એટલું તો કહીશ કે ગુંગળાવા કરતા હ્રદયનાં દર્દને હમ્દર્દ મિત્રો સાથે વહેંચતા તે હળવુ થઇ જાય છે અને શક્ય છે હળવું થયેલ મન બીજા રસ્તા સ્વિકારી પણ શકે…

“ ભલે ચાલ તારી સાથે આટલી વાત કરી તો સારુ લાગ્યુ.. હું ક્યારેક ઓચીંતી તારી ઑફીસે આવીશ જ્યારે હું કોઇક નિર્ણય પર આવીશ ત્યારે…”

એ દિવસને આવતા બહુ વાર થઇ પણ તે દિવસ આવ્યો ત્યારે કામ્યા પ્રેમની ઓફીસે આવીને કહે…

“પ્રેમ! મને ખબર છે મારો ઉતાવળીયો સ્વભાવ તને જરાય ગમતો નથી.. પણ આ વખતે હું બહું વિચારીને તને એક વાત કહેવા આવી છું તને કાશીબાની જવાબદારી સોંપવા આવી છુ.મેં કરીયર વુમન તરીકે એક કામ બેંગ્લુરુમાં સ્વિકાર્યુ છે ત્યાં જઉ છુ અને એકલી રહેવાનૉ છું.”

“અરે! માંડીને વાત તો કર…આ એકદમ શું કરી રહી છું?”

“દોમ દોમ સાહ્યબીમાં થી પોતાના પગ ઉપર ઉભી થવા જઇ રહી છું.” અને એના મોં પર દેખાતી કૃત્રીમ સૌમ્યતા કડક્ડ ભુસ થઇ ગઈ.. તેને મૌલિન ને છોડવો નહોંતો પણ કોઇ રસ્તો તેને દેખાતો નહોંતો….ખુબ વ્યગ્ર હતી …., યોગ્ય સમયની રાહ જોઉં છું , હવે સમજાઈ ગયુંછે કે એક હાથે તાલી ના જ વાગે…તે  ખુબ રડી.

પ્રેમ કહે સ્વસ્થ થા ચાલ્યા કરે નાની મોટી તકલીફ….

કામ્યા ગુસ્સે થઇ ગઈ “તું જાણતો નથી શું વાત છે !”

….પ્રેમ કહે “ શાંતિ થી કહે”,

કામ્યા  ખુબ રડી અને બોલી ……”મારાથી નહિ બોલાય અને હું સબુત ની રાહ જોઉં છું …બહું મનો મંથન ને અંતે મને લાગે છે કે અમારા લગ્ન સંબંધો પોકળતાનાં અને દંભનાં પાય ઉપર ઉભા છે જેટલા વહેલા આ સમજી ને હું મારા પગ ઉપર ઉભી થઇ જાઉં તે મારા હીતમાં છે..

તું મારો કાગળ મળે એ વાંચજે. હું મારી રીતે તો રસ્તો શોધું જ છું

પ્રેમે તેને પાણી આપ્યું અને તેની આંખમાં દડ દડ પડતા આંસુઓને લુંછવા ટીસ્યુ પેપર આપ્યા. તેને પણ બહું જ આઘાત લાગ્યો હતો.. તેની અંતરંગ મિત્રનું દાંપત્ય જીવન ખરાબે ચઢ્યુ હતુ..

“ કામ્યા થોડીક સ્વસ્થતા પામે એટલે એણે કહ્યું “ કાશી બા ની ચિંતા તો તુ કરતી જ નહીં.. પણ જે કરે તે બહુ વિચારીને કરવું અને ડગલુ ભર્યા પછી પાછુ નહી ફરવુ…”

“ થેક્સ” કહી તે થોડુ ફરી રડી.. તેના રૂદનમાં ભગ્ન હૈયુ અને ભૂલ પડી ગયાનો અહેસાસ હતો.. અને પ્રેમને તે પુરુષ છે તેથી કામ્યાને તેની આ કપરી ઘડીએ કંઇ કહી ન શકવાનો ભારે ભાર અફસોસ હતો.. પ્રેમની આંખો પણ દ્રવતી તો હતીજ…

તે રાત્રે બેંગ્લુરુ પહોચીને ફોન ઉપર કામ્યા બોલી.. “હું તને પુરાવો મળશે ને તરત જ પત્ર લખીશ..સ્રુહ્રદ મિત્રો મળવા એ પણ નસીબ છે.. આજે તારી સાથે વાત કરીને નીકળી તો બહું જ સારું લાગ્યુ.. કાલથી નોકરી કરવામાં અને ખાસ તો હસતું મોં રાખવામાં ખાસો મોટો આધાર મળ્યો.”

પ્રેમ ફોન ઉપર બોલ્યો.. “સૃહ્રદ મિત્ર માનવા બદલ આભાર.”..

 

 

 

પ્રકરણ –(૭) નીતા શાહ

પ્રેમ આઈસીયુના ડીલક્ષ રૂમ નંબર ૫ માં દાખલ થાય છે. પહેલા વિઝીટર્સ માટેનો આધુનિક સુવિધાથી સજ્જ લોન્જ માં આવે છે ત્યાંથી જમણી બાજુ કામ્યાના બેડ તરફ જાય છે. મેડીકલના જરૂરી બધા જ સાધનો થી સમ્પન્ન હોસ્પિટલ નો લક્ઝુરીયસ કોટેજ જ કહી શકાય. કેટલી વ્યાખ્યા બદલી નાખી છે હોસ્પિટલ ની ! કદાચ સેવન સ્ટાર હોટલ ની સુવિધા જોઈ લ્યો. આજથી દસ વર્ષ પહેલા તો દવાખાનામાં દર્દી દાખલ થાય એટલે પીવાના પાણી થી માંડીને દરેક વસ્તુ ઘરેથી જ લાવવાની. આજે તો અહી શું નથી ? પ્રેમ કામ્યાના બેડ ની બાજુમાં રાખેલ ખુરશી પર બેસી જાય છે અને અનિમેષ નજરે કામ્યાને ધ્યાનથી જુવે છે, શું આ એ જ કામ્યા છે ? સાવ હતપ્રભ બની ગયો છે પ્રેમ. અને મનમાં કઈક ગણગણી રહ્યો છે .

કામ્યા…કામ્યા અને કામ્યા…! આવું બને જ કેવી રીતે ? કામ્યા અને અર્ધબેભાન અવસ્થામાં ? શક્ય જ નથી કારણ કામ્યાને મારા કરતા વધારે કોણ જાણી શકે ? કામ્યા એટલે ખુબ જ મહત્વાકાંક્ષી અને વિચારશીલ. એકવાર એણે પોતાની દિશા અને ડેસ્ટીનેશન નક્કી કર્યું હોય પછી એનકેન પ્રકારે બળ અને કળ વાપરીને હિંમતપૂર્વક આગળ વધે.રસ્તામાં આવતી મુશ્કેલીઓનો સામનો કરીને પણ ખળખળ વહેતા ઝરણાંની જેમ આગળ વધે. અન્યાય સામે મક્કમતાપૂર્વક સામનો કરનારી કામ્યાની અચાનક કેમ એના જીવન પ્રત્યેની પક્કડ ઢીલી પડી અને આમ અચાનક બેભાન થઇ જાય? કોલેજકાળથી અત્યાર સુધી એના કેટકેટલા સ્વરૂપો જોયા છે અને માણ્યા પણ છે . હંમેશા એ કહેતી ,” જીવન ખુબ જ સુંદર છે, એની સુંદરતા માણતાં આવડવી જોઈએ. ઉંમર એના દરેક તબક્કા માં અનેક ગુઢ રહસ્યોને ખોલે છે, એને ખેલદિલી પૂર્વક સ્વીકારીને હસતા-રમતા આગળ વધીને જિંદગીને લાડ લડાવવા જોઈએ ” આવું પોઝીટીવ વિચારનારી સ્ત્રી ભાન કેવી રીતે ગુમાવી દે? કામ્યા એટલે સ્વર્ગની ભૂલી પડેલી અપ્સરા, બુદ્ધિશાળી,નીડર અને મક્કમ મનોબળવાળી સ્ત્રી !આવી બત્રીસે બત્રીસ ગુણો ધરાવતી કામ્યાને દિલ દઈ બેઠો હતો. મારા જીવનનો મોટા માં મોટો વિક પોઈન્ટ કે ક્યારેય કામ્યાને દુખી કે તકલીફ માં નથી જોઈ શકતો, કારણ આ સ્ત્રીને આજે નહિ પણ કોલેજમાં પહેલી વાર જોઈ ત્યારથી દિલ ફાડીને પ્રેમ કરું છું. પણ એને ક્યારેય ગંધ સુધ્ધા આવવા દીધી નથી. અરે, મારા લગ્ન ના આવતા માગાંને પણ ઠેલ્યા છે. કારણ એના સ્વપ્નનો રાજકુમાર ની વ્યાખ્યામાં હું ક્યાય ફીટ બેસતો જ નહિ. હું એટલે સિમ્પલ લીવીંગ અને હાઈ થીંકીંગ ના વિચારવાળો સામાન્ય છોકરો. કોલેજમાં સારા નવી ફેશનના કપડા પહેરીને રોફ જમાવવો કે ફલર્ટ કરવું મારા માટે શક્ય જ નહોતું. એના સ્વપ્નોના રાજકુમારની વ્યાખ્યામાં ફીટ બેસે તેવો કોલેજમાં એક જ નવયુવાન હતો જેનું નામ મૌલીન ધામત. મૌલીન એટલે એક પ્રતિભાશાળી વ્યક્તિત્વ, ગોરો વાન, વાંકડિયા વાળ,૩૬’ની છાતી સાથે ૬ ફૂટની હાઈટ, મર્દની મર્દાનગી અને ચુંબકીય વાકછટા નું સમન્વય. સુખ-સમૃદ્ધિથી છલકાતું જીવન. આ બધું જોઇને તો કામ્યા અંજાઈ ગઈ હતી. કેટલી ખુશ હતી કામ્યા મૌલીન સાથે ! મૌલીન ને તો રાજકારણ પણ વારસામાં મળ્યું હતું. કહેવાય છે ને કે ‘જોડા’ તો ઉપરથી જ બનીને આવે છે એટલે જ કામ્યા એના પ્રેમ માં દીવાની બની ગઈ ને સત્ય પારખી ના શકી અને ભૂલ કરી બેઠી મૌલીન ને પરણવાની…પ્રેમની આંખ સામે એક પછી એક દ્રશ્યો જીવંત થઇ રહ્યા છે,

ને ત્યાં તો ખનનન…..કરતો કાચ ફૂટવાનો અવાજ સાંભળ્યો. સફાળા ઉભા થઇ ને જોયું તો લોન્જ ના કોર્નર માં રાખેલ ફ્લાવરવાઝ ફૂલો સાથે ફર્શ પર તૂટી ગયું હતું. કાચની કરચો ચારેબાજુ વિખરાઈ ગઈ હતી. ત્યાં જ ગભરાઈ ગયેલી નર્સને જોઈ અને પૂછ્યું,” શું થયું સિસ્ટર ?”

”કઈ નહિ ,અજાણતા જ મારા હાથે ફ્લાવરવાઝ તૂટી ગયું,સોરી સર. હું હમણા જ ફર્શ સાફ કરાવી લઉં છું.”નર્સે ધ્રુજતા અવાજે જવાબ આપ્યો.

”કૈઇ વાંધો નહિ સિસ્ટર પણ સાચવીને કાચ સાફ કરાવજો કોઈને વાગી ન જાય. ” પ્રેમ પાછો કામ્યા પાસે આવીને બેસે છે અને સુખદ આશ્ચર્ય સાથે એ શું જુવે છે ? એણે કામ્યાના ડાબા હાથની ટચલી આંગળીમાં સળવળાટ જોયો અને એની અધખુલ્લી આંખમાંથી એક આંસુનું બુંદ પણ ઝરી રહ્યું તું …! પ્રેમ ઝડપથી નર્સને બોલાવી લાવ્યો અને કહ્યું ,” જુવો સિસ્ટર હમણા જ કામ્યાના ડાબા હાથની ટચલી આંગળી હાલતી તી તમે ચેક કરો પ્લીઝ કદાચ એ જલ્દી ભાનમાં આવી જાય.” નર્સ હાર્ટબીટ્સ ચેક કરે છે સાથે કાર્ડિયોગ્રામ ના મોનીટરમાં ચેક કરે છે અને બધું યથાવત જ લાગે છે. સુંદર સ્મિત આપીને નર્સ કહે છે,” જુવો મિસ્ટર, હજુ પેશન્ટ ભાન માં નથી આવ્યા પણ આવી નાની સરખી મુવમેન્ટ એ સારી નિશાની છે અને જલ્દી એ સારા થઇ જશે.”

નર્સના પ્રેમાળ સ્મિત સાથે ના શબ્દોએ મને થોડી સાંત્વના મળી અને હવે જલ્દી સારી થઇ જશે એ વિશ્વાસ થી પ્રેમ ના હોઠ પર આછું સ્મિત આવી ગયું . કામ્યાના માથે ફેરવતા ફેરવતા ફરી પાછા વિચારે ચઢી ગયો. એક જ વાતની અવઢવ હતી કે કામ્યાના જીવન માં એવું તે શું બની ગયું કે મૌલીન સાથે એક જ વર્ષમાં જુદા થઈને બેગ્લુરુ માં કરિયર બનાવા ચાલી ગઈ ? તાલમેલ મેળવવાની કોશિશ કરે છે. છેલ્લે એ ઓફીસ આવી ત્યારે પણ કેટલું રડી હતી. મેં સમજાવ્યું પણ હતું કે લગ્નજીવન માં આવી ખાટીમીઠી તુતુમેમે તો ચાલ્યા કરે એનાથી તો પ્રેમ વધે છે. પણ એ ખુલ્લા મને વાત કરી શકી નહોતી

અને એ દિવસે પોતે ઓફિસમાં લંચ કરીને જરા રિલેક્ષ મુડ માં બેઠો હતો.સવારથી જ ન્યુ પ્રોડકટ ના પ્રેઝન્ટેશન માં લાગેલો હતો . બસ એક જ ભૂત સવાર હતું કે કંપનીમાં લોન્ચ થતી આ પ્રોડક્ટ માર્કેટમાં છવાઈ જવી જોઈએ.કારણ એનું ફંડિંગ પણ અમેરિકાની એક પાર્ટી કરી રહી હતી. છેલ્લા ૬ મહિનાથી રાતદિવસ એક કર્યાં હતા.હવે સફળ થવાના ૯૯% ચાન્સ દેખાતા હતા, અને એક ટકાની પણ કસર છોડવા નહોતો માંગતો.આજે આંખોમાં થોડો થાક અને બેસુમાર ખુશી ઝળકી રહી હતી. સ્વપ્નું જો સાકાર થવા જઈ રહ્યું હતું.ત્યાં જ કેબીન નો દરવાજો નોક થાય છે.

”યસ,કમઇન.” હળવા અવાજે પ્રેમ કહે છે.

ઓફિસબોય ગણેશ એક કવર પ્રેમ ને આપતા કહે છે,

” સર, આપનું કુરીઅર.”

ઓફિસબોય ગણેશ બહાર જાય છે અને પ્રેમ જિજ્ઞાસાપૂર્વક કવર ખોલે છે કારણ કવર ઉપર ”કોન્ફીડીશ્યલ” લખેલું હતું. મનમાં જ બોલે છે, ” ઓહ આ તો કામ્યાનો લેટર છે.” અજંપાભરી આંખે તે વાંચે છે.

પ્રિય પ્રેમ,

મજા માં હોઈશ. કાશીબા ને કેમ છે ?

પ્રેમ છેલ્લે હું તને તારી ઓફિસમાં મળવા આવી હતી. મારા અને મૌલીન ના સબંધો વિષે ઘણી બધી ચર્ચા થઇ હતી.તું મને સમજાવતો હતો કે પતિ-પત્ની ના જીવનમાં આવી નાનીમોટી તુતુ મેમે ચાલ્યા જ કરે અને ચાલવી જ જોઈએ એ તો જીવન ને ખટમધુરું બનાવે. તું સાચો જ છે પ્રેમ, પણ મારે તને જે એકચ્યુઅલી વાત કરવી હતી તે સંકોચના કારણે કરી શકી નહોતી.સાથે સાથે હું પણ સ્યોર નહોતી એ વાત ની સચ્ચાઈ માટે.આફ્ટર ઓલ તો હું પણ એક જ સ્ત્રી છું ને ! કેવી રીતે તારા જેવા મિત્ર સાથે શેર કરી શકું ? આજે મારી પાસે સબુત પણ છે અને તું મારી પ્રત્યક્ષ પણ નથી એટલે જ તને નિખાલસતા સાથે સ્પષ્ટ વાત લખું છું.કદાચ તને પણ ઝટકો લાગશે જ.

પ્રેમ, મારો હબ્બી મૌલીન ટોટલી ગે [સમલૈંગિક] છે. તેને ફક્ત ને ફક્ત પુરુષોમાં જ રસ છે. દુનિયાની કોઈ પણ રૂપસુંદરી તેને આકર્ષી શકે તેમ નથી. તેના અનેક બોયફ્રેન્ડ સાથે શારીરિક સબંધો પણ છે. હવે તું જ કહે પ્રેમ, લગ્નજીવન માં આ શું કોઈ નાનીસુની વાત છે ? જે સ્ત્રીના લગ્નજીવનમાં પ્રેમ,હુંફ કે સેસ્ક્યુઅલ સંતોષ ન હોય તો કેવી રીતે જીવી શકે ? કેટકેટલા અરમાન સાથે હું મૌલીન ને પરણી હતી ! ત્યારે હું મારી જાતને સૌથી વધુ ભાગ્યશાળી સમજતી હતી. પણ જિંદગીની ફીલસુફીની વાતો કરનાર કામ્યા સાથે પણ જિંદગીએ છળ કર્યું છે. હું પણ ભણેલી-ગણેલી,રૂપાળી અને સંપૂર્ણ સામાન્ય સ્ત્રી છું.હું કોઈ દેવી કે કોઈ અસામાન્ય સ્ત્રી નથી જ . મને પણ પૌરુષિય પાણી ની તરસ છે.તન મનને તરબોળ કરનાર પુરુષ પતિ જોઈએ. પ્રેમ, કેવી રીતે મારી વ્યથા સમજાવું તને ? બેડ પર સળગતી રાતોની ફક્ત ને ફક્ત હું જ સાક્ષી છું .   હા, કદાચ મૌલીને નિખાલસતા પૂર્વક મારી સાથે ગે હોવાની વાત કાબુલી હોત તો ચોક્કસ મેં માફ કરી દીધો હોત કારણ દિલોજાનથી હું એને ચાહતી હતી. માફી આપવાની પણ એક મર્યાદા હોય છે કાયમ માફી ના આપી શકાય, શિશુપાલ ને પણ ૯૯ ગાળોની માફી હતી પણ ૧૦૦ મી ગાળે એની સામે સુદર્શન હતું. માફી એ કોઈ બ્લેન્ક ચેક નથી એ ડેબીટ કાર્ડ છે, બેલેન્સ પૂરું થાય એટલે ખાતું બંધ કરી દેવાનું હોય. પ્રેમ, મૌલીન એક રાજકીય વ્યક્તિત્વ છે.અનેક મહોરા પહેરીને જીવનારો અને અનેક મહોરા સાથે ખેલનાર ખેલૈયો છે.પોતાના રાજકીય સ્ટેટસને ક્યાય ધબ્બો ના લાગે એટલે મને ફોસલાવીને,ડરાવીને અને દબાવીને પોતાનું ધાર્યું કરાવવા માંગે છે. પણ તને ખબર છે કે હું પણ એક સ્વતંત્ર વિચારધારા ધરાવતી સ્ત્રી છું. હું એને નહિ  જ છોડું,એને ખુલ્લો પાડીને જ રહીશ !

કદાચ તું વિશ્વાસ ના કરે મારા ઉપર એટલે જ મને પુરાવા મળ્યા પછી જ તને જણાવી રહી છું.મારી  એક સ્કુલફ્રેન્ડ હતી ઝલક નામ હતું. ઝલકના લગ્ન એક શાલીન નામના છોકરા સાથે થયા હતા. ઝલક મારા લગ્ન માં આવી હતી એટલે એ મૌલીન ને સારી રીતે ઓળખે. એક દિવસ ઝલકનો મારી પર ફોન આવ્યો ને કહ્યું કે મારે અરજન્ટ કામ છે તારું ને મારે તને મળવું છે. મેં કહ્યું એ શક્ય નથી તારે જે વાત કરવી હોય તે ફોન માં જ કહી દે કારણ અત્યારે હું અમદાવાદમાં નથી. ઝલક કોઈ મોટી મુસીબતમાં હોય તેવું મને એના અવાજ પરથી લાગ્યું.પછી અમે ચેટ થી વાતો કરી અને જાણવા મળ્યું કે તેનો પતિ શાલીન પણ ગે છે અને શાલીન અને મૌલીન બંને બોયફ્રેન્ડસ છે અને બંને વચ્ચે શારીરિક સબંધો પણ છે.ઝલક ને એના પતિ શાલીન ના મોબાઈલથી ખબર પડી,પછી તો ઝલકે મને ઈમેલ દ્વારા ફોટા,ક્લિપ્સ અને બીજું ઘણું બધું મોકલ્યું છે,પણ કોઈ જગ્યાએ ક્યાય પણ ઝલકનું નામ ના આવવું જોઈએ કારણ ઝલક સ્વભાવે સાવ ગભરુ છે. શાલીન ની ધમકી થી તે ખુબ જ ડરે છે.એટલે પ્રેમ તારે એવું કૈક કરવાનું છે કે ઝલકનું ક્યાય નામ ન આવે છતાં હું કાયદાકીય રીતે મૌલીન ને સકંજામાં લઇ શકું. સાપ મરે ને લાઠી તૂટે નહિ એવું જ કઈક કરવું છે. એટલે જ તને શાલીન નું સરનામું અને મોબાઈલ નંબર મોકલું છું જેથી તને સરળતા રહે.

શાલીન.કે.કાપડિયા, ૩૪,રંગતરંગ સોસાયટી

શ્યામલ ચાર રસ્તા સેટેલાઈટ-૧૫ મોબ.-૮૦૦૭૦૬૧૨૫૦

પ્રેમ,એક સાથે એટલા બધા પ્રોબ્લેમ્સ સાથે ઝઝૂમી રહી છું. એક બાજુ મૌલીન નો ભડકો અને મારા કાશીબા.ત્રીજું મારું કેરિયર. જો હું મારા પગ ઉપર નહિ ઉભી રહું તો જીવન ની કોઈ લડાઈ લડી શકીશ નહિ. ખુબ જ મુઝવણમાં છું કે મારા કાશીબા ને આ બધી વાતો કેવી રીતે કરીશ ? એક તો એમની ઉંમર અને શરીરથી સાવ નાજુક સ્થિતિ. પ્રેમ તું ના હોત તો હું ક્યારેય કાશીબા ને એકલા ના મૂકી શકત. પણ આપણી પવિત્ર મૈત્રી અને વિશ્વાસ થી જ શક્ય બન્યું છે. પણ તારા કેરીંગ સ્વભાવના કારણે જલ્દી સાજાનરવા થઇ જ જશે. પછી શાંતિ થી એમના કાને વાત નાખી દઈશું. બસ અહી ધીમે ધીમે સેટ થઇ રહી છું. જલ્દી હું તને મારું અને મારી કંપનીનું સરનામું આપી દઈશ જેથી આપણે ટચમાં રહી શકીએ.હાલના સંજોગોમાં થી બહાર નીકળવા માટે એક વૃતિને પ્રવૃતિમાં કન્વર્ટ કરીને જીવી રહી છું. મક્કમ પગલે આગળ વધીને જીવન ને કાર્ય માટે સમર્પિત કરીને ગોઠવતી જવું છું. આગળ વધનાર ને સિગ્નલો ફક્ત થોડી વાર માટે જ રોકી શકે, આગળ વધતા જઈશું એમ રસ્તા પણ ખુલતા જશે.

પ્રેમ, હક અને વિશ્વાસ થી કાશીબા ને તને સોપીને આવી છું. મારા વતી ખાસ એમનું ધ્યાન રાખજે.

લેટર થોડો લાંબો થઇ ગયો છે. તું વાંચીને બોર થાય તો ય મને વાંધો નથી હો ને ! પણ મન ની વાતો તારી આગળ ઠાલવીને ખાસ્સી હળવાશ અનુભવું છું. થેન્ક્સ કહીને આપણી મિત્રતાના વિશાળ આકાશને હું ટૂંકું નહિ જ કરું. તારું પણ ધ્યાન રાખજે. રાખીશ ને ?                                                                                     તારી જ દોસ્ત,                                                                                            કામ્યા.

 

 

 

પ્રકરણ (૮) દિવ્યા સોની “ દિવ્યતા” કામ્યાનો પત્ર વાંચી પ્રેમ ને મોટો આઘાત લાગ્યો. એ શૂન્યમનસ્ક થઇ થોડી ક્ષણો સામેની દીવાર પર ટાંગેલી પાંજરામાં પુરાયેલ પક્ષીની તસ્વીર સામે તાકી રહ્યો. પ્રેમ ને એમ હતું કે મૌલિન કદાચ રાજકારણ ને લીધે કામ્યા તરફ ધ્યાન નહિ આપી શકતો હોય. પણ આ તો એકદમ એના વિચાર બહારની વાત હતી .કંઈ કેટલાય વિચારો એને ઘેરી વળ્યા. પણ એણે સ્વસ્થ થઇ. સૌ પ્રથમ કામ્યા ને ફોન જોડ્યો .બીજી જ રીંગે કામ્યા એ ફોન ઊંચક્યો , અને એ બોલી પ્રેમ, હું તારાજ ફોનની રાહ જોતી હતી. કુરિયર મળ્યું ? બોલતા એ થોડી થોથવાઈ. પ્રેમે બને એટલા સ્વસ્થ અવાજમાં જવાબ આપ્યો. કુરિયર પણ મળ્યું અને એની સાથે આવેલી તારી કાળી મૂંઝવણ  પણ.

“કામ્યા તું ઠીક તો છે ને દોસ્ત?” સામેથી બસ એક ડૂમો સંભળાયો. પણ પ્રેમ બસ બોલતો રહ્યો ,

કામ્યા તું ખુબ જ બહાદુર છે . આ કપરો સમય પણ વીતશે. હવે તું એકલી નથી હું હર કદમ તારી સાથે છું. સાથે મળીને નિર્ણય લઈએ આ પળોજણ માંથી કેમ નીકળવું તે વિચારીએ. મૌલિન એક પબ્લિક ફિગર છે અને તે પણ પાછો રાજકારણી . પોતાની અસલિયત છુપાવવા એ કોઈ પણ હદે જી શકે. અને શાલીન ની વાત માં તું પડીશ નહિ. કારણકે તું બેન્ગ્લુરું માં એકલી છે. મને તારી સલામતી નો ભય સતાવે છે. હવે તું કહે,  શું કરવું છે? હું જાણું છું તું ચુપ બેસે એમાની નથી. તું તો મારી ફાઈટર છે. યાદ છે કોલેજ ના દિવસો દરમ્યાન આપણા એક મિત્ર સંજુએ મારી પીઠ પાછળ તને ચેતવેલી કે પ્રેમથી જરા દુર રહેજે એ તને મૌલિન  થી દુર કરવા ઈચ્છે છે. અને તું તરત જ  મને એની સામે લઈ ગયેલી અને તે એ સંજુ ને કહેલું મર્દ નો બચ્ચો હોય તો બોલ હવે શું કહેતો હતો પ્રેમ માટે ? અને આખો ક્લાસ એની હાલત પર હસી પડેલો . બિચારો !  મને તો આજે પણ સંજુ નું મો યાદ છે. વાઘણની સામે જાણે બિલાડીનું બચ્ચું ! હું જાણું છું તું પરિસ્થિતિ થી ડરી જાય એમાંની નથી. તે કૈક તો વિચારીને રાખ્યું જ હશે.” “ હા. તું સાચો છે.” કામ્યા  થોડું હસી ને બોલી “મારાથી એટલું બધું સહન કરી ચુપ નહિ જ બેસી રહેવાય.  હું મારી સહી કરેલા  છૂટાછેડાના કાગળ મૌલિનને આપીને આવી છું. એની એક કોપી મારી પાસે પણ છે.”

” શું ? વાત અહી સુધી પહોચી ગઈ છે ? તું એકલી એકલી કેટલું લડી છે કામ્યા . મને ગર્વ છે તારા ઉપર. .શું કહ્યું મૌલિને ? “

પ્રેમે ચિંતાતુર અવાજે પૂછ્યું. પ્રેમ ખરેખર કામ્યા ને ખુબજ ચાહતો હતો હજી પણ કામ્યા ને કઈ થાય તો એ ગુસ્સાથી તમતમી ઉઠતો. પણ અત્યારે આ બધી વાતો સાંભળી એ પોતે નિઃસહાય અનુભવતો હતો. એનો ચહેરો ગુસ્સાથી લાલ થયો હતો. એનું આખું શરીર ધ્રુજતું હતું . કામ્યા ના એકેએક શબ્દે એનું મગજ ફાટફાટ થતું હતું. કામ્યા પોતાની વાત આગળ  વધારતા બોલી ,” પહેલાં તો મૌલિન ખુબ અકળાયો, ગુસ્સે ભરાયો મને જાતજાત ની ધમકીઓ આપી.મને કહે તને શું ખોટ છે અહીં મજેથી રહે . હું  તને આમ મારી ઈજ્જત ના ધજાગરા નહિ ઉડાવવા દઉં. ત્યારે મેં પણ એને કહી જ દીધું કે તે મને ખુલ્લેઆમ છેતરી છે.આમ હતું તો તે લગ્ન શા માટે કર્યા ? હું તારા પ્રભાવમાં એટલી હદે આવી ગઈ હતી કે મેં કાશીબા ની વાત પણ નકારી. હવે મને ખબર પડી કે તને લગ્નની કેમ બહુ ઉતાવળ હતી. તે મને આજ સુધી તારી હકીકત છુપાવતા એક મહોરા તરીકે જ વાપરી છે. પણ હવે હું તારું આ નાટક લાંબુ નહિ ચલાવું. એક પત્ની તરીકે એક સ્ત્રી તરીકે મારા મન માં પણ કેટકેટલા અરમાનો છે. મેં સાથે એને ધમકી પણ આપી છે કે જો એ થોડા દિવસમાં આ પપેર્સ પર સાઈન નહિ કરે તો હું કોર્ટ માં જઈશ. ત્યાં એની જ બદનામી છે. પેર્સનલ અને પ્રોફેશનલ બંને લેવલ પર તને ખુબ મોટો ફટકો સહન કરવો પડશે. યાદ છે ને ઈલેક્શન છ જ મહિના દુર છે.આટલું સાંભળતા એ થોડો ઢીલો પડ્યો હતો. અને એણે  મારી પાસે થોડો સમય માંગ્યો હતો. પણ મેં હજી હુકુમ નો એક્કો સાચવી રાખ્યો છે”

“. એટલે ?” પ્રેમ સમજ્યો નહિ.

“અરે એમ કહું છું કે મેં મૌલિન ને ઝલકે આપેલ માહિતી- શાલીન સાથે ના તેના સંબધોની મને જાણ છે તે પણ પૂરતા પુરાવાઓ સાથે એ વાત હજી મૌલિનને  જણાવી નથી . વિચાર્યું કે જો આટલા થી ડિવોર્સ પપેર્સ સહી નહિ કરી આપે તો એને આ બાબતે જણાવીશ.”

” ઓહ !” પ્રેમ બોલી ઉઠ્યો . એને હવે ખરેખર કામયા ની સલામતી અંગે ચિંતા થવા માંડી હતી . પ્રેમ મૌલિનને કોલેજ કાળ થી ઓળખતો હતો, એ જાણતો હતો કે મૌલિન ચુપ બેસે એમાનો નથી”. પ્રેમે કામયા ને વચ્ચેથી અટકાવતા કહ્યું “કામ્યા શાલીન અને ઝલક થી હમણાં દુર જ રહે .”

” હા. હું પણ તને એજ કહેવા માંગતી હતી કે શાલીન અને ઝલક્ની વાત તું જાણે છે તેવું અત્યારે કોઇને કહીશ નહીં શ્રેયાને પણ નહીંં.”

“ભલે! તું બેન્ગ્લુરું માં એકલી છે. બસ તું તારું કામ  પતાવી જલ્દીથી અમદાવાદ આવી જા. હવે પછી ના પગલાઓ આપણે સાથે મળી લઈશું. મૌલિન પહોંચેલ માયા છે.” “ હા તું સાચોછે!” કામ્યા બોલી “મને પણ બીક તો લાગે જ છે. એકવાર અમદાવાદ પહોંચું પછી એની વાત.એકવાર હું તમારા સૌની પાસે પહોચી જઈશ પછી એ મારો વાળ પણ વાંકો નહિ કરી શકે એ હું જાણું છું.”

પ્રેમ ધીરેથી બોલ્યો ” કામ્યા, મારા પર વિશ્વાસ કરવા બદલ આભાર!. આજથી મને બસ એટલું વચન આપ કે તું નિયમિત મારા સંપર્કમાં માં રહીશ . હું તો તને ફોન કરીશ જ પણ તું પણ જયારે પણ મન થાય ત્યારે  વિના સંકોચે ગમે ત્યારે મને કોલ કરી શકે છે. ”

કામ્યા હસીને બોલી “મને ખબર છે તું મારો સૌથી સારો મિત્ર છે.અને કદાચ એટલે જ કાશીબા કરતા પણ પહેલા હું આ વાત તારી સાથે  કરી રહી છું. મને ખબર નથી પડતી કાશીબાને કયા મોઢે આ બધું કહીશ. તું મદદ કરશેને ?”

“ એમાં કઈ પુછ્વાનું હોય?” મૌલિન બોલી ઉઠ્યો.

“ચોક્કસ. .મારે તને બીજી પણ એક વાત કહેવી છે પ્રેમ કે તને મારી ખુબ ફિકર છે એ હું જાણું છું. પણ હું મૌલીન ને પણ બરોબર જાણું છું. આ પીડા પળોજણ મારી છે. મારે જાતે જ કઈ નિરાકરણ  શોધવું પડશે. હું તારી સલાહ ચોક્કસ લઈશ પણ મને તારી મદદ  હમણાં કાશીબા ની સારવાર માટે વધુ જોઈએ છે. મૌલીન એ કરેલા છળ કપટ ને હું પહોંચી વળીશ. બસ આ હૃદય થોડું મજબૂત થઇ જાય “. થોડાક મૌન પછી કામ્યા આગળ બોલી “મેં મૌલીન ને કેટલો ચાહ્યો હતો ને એને આટલી મોટી વાત મારાથી છુપાવી એ વાત નું દુખ મને કાયમ નું રહેશે”

“.ચલ હવે તું જલ્દી અમદાવાદ પાછી આવ એટલે મને હાશ થાય પ્રેમ એટલું જ બોલી શક્યો પછી આવજે અને તબીયત સાચવજે નાં લાગણી સભર અવાજે બંને છેડા શાંત થયા   ——————-*******—————— કામ્યાને હોસ્પીટલના ખાટલે આ રીતે  ભાંગી પડેલી જોઈ પ્રેમ અત્યારે બીજું કઈ વિચારી શકતો ન હતો . એ આંખો દિવસ ટગર ટગર કામ્યાને તાક્યા કરતો એની આંખો ના ખૂણા ભીનાશ થી ચમકતા રહેતા .એનુ મન સારા નરસા વિચારો કરતું રહેતું. કામ્યા નો જરા સરખો સંચાર એને ઉત્સાહિત કરતો. આ બધું વિચારતા વિચરતા એના હાથ કોઇ ખરાબ આશંકાના ભયે ધ્રુજવા લાગ્યા . તે ઉભો થઇ કામ્યા ની નજદીક ગયો. અને કામ્યા નો હાથ હાથમાં લઇ બોલ્યો. “કામ્યા તું કાશીબા ની ચિંતા કરીશ નહિ હું એમની સેવા મારી સગી માં તરીકે જ કરીશ. બીજું પેલા મૌલીન થી તારે ગભરાવાની જરૂર નથી . તું ખુબ બહાદુર છે અને હું જીવનભર તારી પડખે જ છું..

એકી ટસે કામ્યાનાં કરમાયેલા ચહેરાને જોત જોતા એને કેમ એમજ થતુ હતું કે ઝાંસીની રાણી ” મેરી ઝાંસી નહીં દુંગી કહી અંગ્રેજોનાં ફતવા સામે લઢતી હતી…કદાચ બેભાન અવસ્થામાં પણ તેની લઢત ચાલુ હતી…

તેનો હાથ હાથમાં લઇ તે બોલ્યો.. “કામ્યા આ લઢત હવે તારી એકલીની નથી.. હું પણ તારી સાથે છું તારી સાથે રહીને આપણા દસત્વનાં ટંકારો જીવતા કરીશુ.. બસ! હવે જલ્દી થી સાજી થઇ જા…”

” પ્રેમ!- કામ્યાને તું હજી ચાહે છે?”

પ્રેમે પાછુ વળી ને જોયું તો ઝલક ઉભી હતી.

“ઝલક તું?”

“હા મેં પણ પોલિસ ડીપાર્ટમેંટની જાહેરાતો જોઇ હતી.. અહીં આવતા ડર પણ લાગતો હતો..પણ તેણે મંગાવેલ કાગળો આપવા આવી છું.”

“કાગળો?”

” હ એણે બેંગ્લુરુથી નીકળતા મને ફોર્ન કર્યો હતો..અને મને કહયુ હતુ કે તે ફોન કરશે..બે એક દિવસ રાહ જોઇ અને પછી પોલિસ જાહેરાતો જોઇ ત્યારે તો હું ખુબ જ ડરી ગઈ.. મને લાગ્યું કે કામ્યાને મારી નાખવાનો પ્રયાસ થયો…”

“પછી?”

“જાત તપાસ માટે આવી ડરતા ડરતા.. અને તને જોયો ત્યારે શાંતિ થઇ”

” ભલે આ કાગળો કાશીબાને આપી દૈશ તો ચાલશે?”

” કામ્યાને આ કેવી રીતે થયું?”

“કદાચ તણાવનો ખરાબ પ્રભાવ કે સુગર ઘટી ગઈ હશે..”

” જો આ કાગળો કામ્યા માટે ખુબ અગત્યના છે. અને હું અમદાવાદ ઝાઝુ રહેવાની નથી. મારા મધરને હાર્ટ એટેક આવ્યોછે એટલે નૈરોબી તાબડતોબ જઉ છુ.”

” ભલે એ આ ગહેરી નિંદરમાંથી ક્યારે જાગશે તેની ખબર નથી. પણ એ જ્યારે જાગશે ત્યારે જરુરથી આ કવર આપી દઇશ.”

કામ્યાનો હાથ પકડી તે થોડુ બેઠી..રડી.. અને તેના કાનમાં બોલી “મારી મુક્તિની આશા એક માત્ર તુ હતી..તું જલ્દી થી પાછી આવ.. કામ્યા.. જલ્દીથી સાજી થા.”

મશીન બીપ થયું તેથી ઝલક ચમકી પણ પછી જૈસે થે…

પ્રેમ બોલ્યો..” તને વાંધો ના હોય તો તુ થોડીક વધુ વાતો કર.. ડોક્ટર કહે છે તે સાંભળે છે અને ઝઝુમે છે ..આપણે તેની હિંમત વધારીયે છે.”

બંને ને થોડુંક એકાંત આપવા પ્રેમ નીચે કેંટીન તરફ ઉતર્યો

મૌલીન નો સેક્રેટરી પોલીસપ્રોટેક્ષન વાળા હવાલદારને કંઇ પુછી રહ્યો હતો. પ્રેમે તેની પાસે જઇને

જુઠાણુ ચલાવ્યુ..”હવે બહુ લાંબો સમય પેશંટ નહીં કાઢે…ડોક્ટર નાં તે એકાદ બે દિવસ માંડ..”

 

દિવ્યા સોની “દિવ્યતા “

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ (૯) અર્ચિતા દીપક પંડ્યા

થોડી મિનિટોમાં શું શું બની ગયું એ બધું જ ભૂલી ગયો છે પ્રેમ !…બસ, એક જ શબ્દ કાનમાં ગૂંજ્યા કરે છે,….”ઇમ્પ્રુવમેન્ટ ! શી ઇઝ રીકવરીંગ. બેક ઇન સેમી કોન્શીયસનેસ સ્ટેજ ..બટ ગુડ ગુડ સાઈન”…. નર્સ સૂચન મુજબ ફેરફાર કરતી ગઈ દવામાં, બાટલો, મોનીટર ફરીથી મીકેનીકલી ચેક થયા.અને નર્સ પોતે નવા દર્દી તરફ આગળ વધી…..કામ્યા ફરી બેભાનાવસ્થામાં, અને પ્રેમની અવસ્થા પણ ક્યાં બહુ જૂદી હતી તેનાંથી?, કામ્યાનો તેનાં અવયવો પર કાબૂ નહોતો અને પ્રેમ પાસે માત્ર એ જ કાબૂ હતો ! …મગજ સુન્ન મારી ગયું હતું.સુખદ આંચકાની ઘડી પચાવી રહ્યો હતો એ ! એની પરમ મિત્ર કામ્યાનાં ઠીક થવાના સમાચાર !….સ્વર્ગ સમાન અનુભૂતિ….!!!

” જરુર , એ લડી રહી છે ,સંજોગો સાથે,કામ્યા એમ ઢીલી પડી જાય એવી નથી જરાય ! એનું મન છે, કાશીબા ની ચિંતામાં, એને જીવવું છે! કપરાં સંજોગો ને ભેદી ને પણ એ જરુર રહેશે,જીવશે !…એ ય જિંદાદિલી થી….ભગવાન એને જીવન આપી કદાચ…..(એનાં શરીરમાં થી લખલખું પસાર થઈ ગયું)……કદાચ હાથ પગ ન ચાલે, વાચા ન રહે ,કે…..દ્રષ્ટિ….ન પણ રહે કદાચ….!…..હે પ્રભુ !….જે કઠણાઈ આપવી હોય એ આપજે પણ એને જીવાડજે !….. એ ઝઝૂમી રહી છે,સંજોગો સામે, એને જીવવું છે, પાછાં ફરવું છે, એની દુનિયામાં….એ પણ ઝંખી રહી છે. લડી રહી છે, હે ભગવાન ! એને બચાવી લે જે ! ”

આહ !…. એનાથી એક ઊંડો શ્વાસ લેવાઈ ગયો !, એને થયું કે ઇશ્વર છે અહિં જ ! આ પ્રેમ ની અનુભૂતિમાં જ ! ઇશ્વર એટલે સુખદ અનુભૂતિ સાથે વણાઈ ગયેલો આભાસ ! સંભાળ સાથે જડાઈ ગયેલો આભાસ ! અનુરાગનાં સાક્ષી એટલે ઈશ્વરનું સામીપ્ય …..એક ઠંડક , એક મહેક …પ્રેમ રૂપી આશીર્વાદ ઝીલવા એટલે ઈશ્વરની હાજરીનો અહેસાસ કરવો અને જીવન ની ધન્યતાનો અહેસાસ એટલે આભાર ના ભાવ સાથે ઈશ્વરની શરણાગતિ ,સમર્પણ !….એ જીવાડે એમ જીવવું હસતા હસતા …એને કાશીબા યાદ આવી ગયા , એકલે હાથે વૈધવ્ય સાથે દીકરીને ઉછેરનાર સ્ત્રી , જીવન નો સંગ્રામ પાર પાડનાર સ્ત્રી !  સંસ્કાર વારસો એકદમ ઉંચો ! ખુમારી, મજબૂતાઈ ,સૌમ્યતા અને હિંમત ?!!! કયા કયા ગુણના વખાણ કરવા ?…..ખરેખર ઈશ્વર પણ અમુક લોકોને ઘડીને હાથ ધોઈ નાખે છે ! એને પોતાને પણ એની  કૃતિ પર  ગર્વ થતો  હશે,  ખરું ?

એકીટશે એ કામ્યાને જોયા કરતો હતો ,સૌમ્ય ,શાંત તો હંમેશ લાગતી એવી જ લાગે છે ! ખૂટે છે તો એ,જે રીતે એનામાં જીંદગી ઉછળતી , હસતી , કિલકારીઓ કરતી હોય એ ! પણ હવે એ દિવસો પાછા ફરવાની તૈયારીમાં છે !કામ્યાના રૂપા ની ઘંટડી જેવા હાસ્ય નો ભાસ થયો એને ! અને એનું અનુસંધાન એને ભૂતકાળમાં લઇ ગયું …..નવરાત્રી ના શહેરના સહુથી મોટા ગરબાના પાસ લઇ આપવાની એ જીદ કરી બેઠી હતી, અને પ્રેમે ઓળખાણો અને લાગવગો વાપરી બહુ ટૂંક સમયમાં લાવી આપ્યા અને પાસ મળી ગયા એ કહેવા જયારે પ્રેમે ફોન કર્યો ત્યારે આવું જ હસી હતી એ !અને બોલી ; “ઓહો! પ્રેમ બાબુ તમે જે ઈચ્છો એ તો હાંસલ કરો જ છો , કેમ ?” ….

.” હા, કામ્યા તને બહુ ઈચ્છા હતી તો પછી …..પ્રયત્ન કર્યો …અને મળી પણ ગયા ! “ત્યારે કામ્યા નું હસવાનું બંધ થઇ ગયું અને હળવે સાદે બોલેલી કે

“ક્યાં સુધી બીજાની ઈચ્છાને જ માન આપીશ ?ક્યારેક તો તને શું ગમે છે એ કહે ? ”

પ્રેમ ન સમજાયું હોય એમ બોલી ઉઠેલો ….” તમને લોકોને ગમે એ જ તો મને ગમે ને ? …….”

એ અજાણ હતો, કામ્યાની એ લાગણી થી !…. કે કામ્યા વિચારતી કે પ્રેમ તારી ઈચ્છાથી તો તું ક્યાંક મને લઇ જા !…. મને કહે કે ગરબામાં આજે નહિ મને તારી જોડે બેસી ફિલ્મ જોવી છે ! અરે મારે એક્ષ્હિબિશન જોવા જવું છે , અરે ના ….ખાલી ઘરે બેસવું છે પણ એ મારી ઈચ્છા છે કે મારે તારી સાથે રહેવું છે ! હંમેશા બીજાની ઈચ્છા પ્રમાણે જીવવાના સોગંદ ખાઈ બેઠો છે એવો કેમ છે તું ?….. બીજાની ખુશીમાં પોતાની ખુશી જોનારા લોકો સંત કક્ષાના કહેવાય એ બરાબર ! પણ ઈચ્છા પ્રદર્શિત જ ન કરનારને કહેવું શું  ? અને એમને સમજવા પણ શું ? અરે, બીજાના નિર્ણયોને જાણ્યે અજાણ્યે એના જ થઇ જતા !….કેવો હતો પ્રેમ ? પાણી ની માફક રસાળ , તરલ અને પારદર્શક …….લગભગ બધે જ ભળી જાય ! કામ્યા પણ સરળ અને ચંચલ …..પણ પોતાની જાત ને ખાસ ગણી અન્યમાં ભળતી, એના આત્માનો અવાજ ખાસ સાંભળતી ! એ માનતી કે અંદરના અવાજ થી જ વ્યક્તિત્વ ઘડતર થાય !…….અવાજ જ ન ઉઠે , જેની પોતાની ઈચ્છાઓ ન હોય એમને શું સમજવું ?……પણ વ્યવ્હારીકતા , પ્રેમ , સંભાળ અને માનવી તરીકેના પ્રેમ ના ગુણ ને હંમેશા કામ્યા માન ની દ્રષ્ટીએ જોતી ……..

પ્રેમને લાગ્યું કે કામ્યા બેભાનાવસ્થામાં પણ મારી જોડે અનુસંધાન કરી રહી છે , મને કૈક કહે છે !….પ્રેમ જોઈ જ રહ્યો ….કેવી ઘડી છે ઈશ્વરે એને !ઉર્જાનો સ્ત્રોત , લાગણીનો ધોધ ……પ્રચંડ નદીના વહેણ જેવું વ્યક્તિત્વ ! પાણી જ્યાં વહે ત્યાં લીલોતરી અંકુરિત કરી દે છે …નદીના કાંઠા જુઓ તો લીલા છમ હોય છે, બીજાને ઉપયોગી બને છે, જીવન દાતા બને છે ! …. કામ્યા નું પણ એવું જ નથી ? એનામાં જીવન છે , બળ છે, વહેણ છે ….બીજાને ઉપયોગી થાય એવી છે. અડચણો , સંઘર્ષોને પાર પાડવાનું ઝનૂન છે ! …હિંમતવાન છે તો વિચારશીલ પણ છે, મહત્વાકાંક્ષી છે તો જીવન મૂલ્યોની કિંમત પણ છે !….નિર્ણયોમાં કઠોર છે તો વર્તને ઋજુ પણ છે !….એના પ્રકાશમાં હું ઢંકાઈ ગયો,….એ કૈક મારી જોડે માંગે છે એનો મને પણ ખ્યાલ ન આવ્યો !…… અરે , હવે મને સમજાય છે, એ મારા તરફી પહેલ ઈચ્છતી હતી !….. અને એના જ પ્રેમ માં પડેલ મને , મારી જ ગણના કરવાની રહી ગઈ …….આ અનુભૂતિએ મને થાય છે કે ચૂક મારી થઇ ગઈ ….મારે તને ક્યાંય જવા જ નહોતી દેવાની ……

ફરી એને કોલેજ કાળના દિવસો યાદ આવી ગયા ,પછી એ સ્પોર્ટ્સ હોય ,ગરબા હોય , ડી જે હોય ફેરવેલ કે ફનફેર હોય ….એ લોકો સાથે ને સાથે જ રહેતા !કાયમ હસતી ખીલતી રમતી જ હોય !…. પણ ઘણું સહન પણ કર્યું એણે ! ક્યાંથી તાકાત આવી એનામાં !

હા,હતી પહેલેથી મનથી મજબૂત !નેતાગીરી તો એની જ ! એ મને વારંવાર ઉક્સાવતી ! નિર્ણય લેવા કહેતી, પણ મને હંમેશા એને ગમે , એ ઈચ્છે એવું જ કરવા જોઈતું !…. મારો પ્રેમ સમર્પણથી હતો અને એ ……અલ્લડ પણ સમજુ નેતા થઇ હંમેશા આગળ રહેતી …. પ્રેમ નું વહેણ મારું તેની તરફ અને એ સુકાની હતી !…. એને કદાચ હું સુકાની બનું એવી તો …..

મોબાઈલની રીંગ થી તેના વિચારો તૂટ્યા !…સ્ક્રીન પર શ્રેયાનું નામ હતું , પ્રેમને આ નામ વાંચી હાશ થઇ …બાળપણ ના ગોઠિયાઓ મળે તો કપરા સમયમાં તરસ્યાને તલાવડી મળે એવો ઘાટ થાય ….

“હેલો પ્રેમ “…

“શ્રેયા , મેસેજ મળ્યો ?”

“પ્રેમ આ શું થઇ ગયું ? કેમ છે શ્રેયા ?”

” બેટર ….. કોમામાં સરી નથી ગઈ , એ ઈશ્વર કૃપા ! ઈમ્પ્રુવ થઇ રહી છે ! ”

” થેંક ગોડ , જો મને બહુ જ ચિંતા થાય છે એટલે નીકળું છું . શું લેતી આવું ?”

” શ્રેયા , બધું બરાબર ગોઠવાયેલું છે અહી સગવડ પણ સારી છે, થાય તો એક મોટું કામ કર ”

“તું કહે એ ….બોલ ને !”

” તું શાંતિ થી આવ , શશાંકને લઈને જ આવ …અહી હું છું કામ્યા બેભાન છે એટલે ઉતાવળ નથી કઈ …પણ કાશીબા હજુ આવ્યા નથી અહી, એમની તબિયત પણ નાજુક છે એટલે તમે એમને લઈને આવો તો સારું .”

” તું કહે એમ ગોઠવણ કરું પ્રેમ ! ”

” કામ્યાને સારું થતું જાય છે, આશા પણ બંધાય છે ત્યારે એક વિચાર આવે છે કે ભલે કાશીબા ની તબિયત નાજુક છે પણ કામ્યા એમને ઝંખતી હશે. એટલે એમને લઇ આવીએ. એમનો અવાજ એમનો સ્પર્શ કદાચ કામ્યાને બેભાનાવસ્થા માંથી બહાર લાવવા મદદ કરે……મને વિશ્વાસ છે ઈશ્વર સૌ સારા વાના જ કરશે !”

શ્રેયા રડી પડી , “પ્રેમ , તું સાચું જ કહે છે, કામ્યાને કશું નહિ થાય ”

” યસ શ્રેયા ….હિંમત રાખવાની , કામ્યાની જેમ જ ”

” એવું શું બની ગયું પ્રેમ , કે કામ્યાની આવી સ્થિતિ થઇ !”

” બધી લાંબી વાત છે,રૂબરૂ કરીશ ….કાશીબાને સંભાળ પૂર્વક લઇ આવો ”

” શ્યોર , ચલ મળીએ , કઈ જરૂર પડે અને યાદ આવે તો મને કહેજે , હું અને શશાંક કાશીબાને લઇ પહોચીએ ”

પ્રેમ અન્યમનસ્ક ગર્તામાં …..બેભાન કામ્યાની નજીક બેસી રહ્યો …

જીવન ની ગતિ આપણા હાથમાં જરાય નથી, પણ આપણો સંઘર્ષ અને આપણી હિંમત તો આપણા જ હાથમાં છે ….. સંગ્રામ ના સૈનિક થયા તો જ ફતેહ છે .

આ બાજુ કામ્યાનાં મનમાં ……જ્યારે મૌલિન સાથે તે લગ્ન કરતી હતી..તે વખતે  તૂમુલ યુધ્ધ ચાલતુ હતુ.. તેનું હ્રદય તો તેને ના જ કહેતુ હતુ પણ તેને લાગતુ હતુ કે મૌલિન નામનું ચહેકતુ પંખી તેના હાથમાં થી કદાચ જતું રહે..રાજકરણી તરીકે તેની એક પછી એક યોજનાઓ સફળ થતી જતી હતી અને અન્ય મિત્રમંડળની માન્યતા મુજબ તેનાંમાં ભાવી પ્રધાન તરીકે ની શક્યતાઓ તે જોતી હતી.પણ ક્યારેક તેનાં એકાંતોમાં ઠંડા પ્રતિભાવો થી તે વિચારમાં પણ પડી જતી.. એના એકાંતોમાં ક્યારેય કામ્યા નહીં પણ કાયમ રાજકરણ જ રહેતું…કાશીબા ને જ્યારે કામ્યા એ આ વાત કરી ત્યારે કાશીબાએ તેને પણ કહ્યુ હતુ કે .તારું અંતર મન જ સાચો નિર્ણય આપશે.. પણ મને તો મૌલિન કરતા પ્રેમની આંખોમાં તારા માટે પ્રેમનો સાગર દેખાય છે… કાશ તે વખતે પ્રેમને મિત્રની જેમ પણ પુછ્યુ હોત કે તું કેમ મારે માટે મૌલિન સાથે સ્પર્ધા નથી કરતો?તું કેમ સૌમ્ય રહે છે? પણ પ્રેમ જાણતો હતો કે પ્રેમમાં આપવાનું જ હોય.. માંગવાનું હોય જ નહીં…એમાં તો જે માંગે તે હારે જે આપે તે જ જીતે…અને જો આજે મેં મૌલિન માંગ્યો તો શું મળ્યું? અને પ્રેમ જે સદાય આપે જ છે તે જીતી રહ્યો છે ને? કેટલી કાળજી રાખે છે મારી અને કાશી બાની?

એનું હૈયું પ્રેમ પાસે પાછું જવાની શક્ય્તાઓથી ઝુમી ઉઠ્યું.. મશીને બીપ કર્યું.. અને પ્રેમ વિચારોમાં થી વાસ્તવિકતામાં આવ્યો

 

 

 

પ્રકરણ (૧૦) નિરંજન મહેતા

દસ દસ દિવસ થયા કામ્યા હજી ભાનમાં આવી ન હતી. શરૂઆતમાં તો કામ્યાને જનરલ વોર્ડમાં રાખી હતી પણ મંત્રીજીની અવરજવરને કારણે લોકોમાં કૂતુહલ જાગ્યું હતું. કામ્યાની બાજુમાં અન્ય દર્દીઓ પણ મંત્રીજીને ઓળખી ગયા હતા એટલે અમને નવાઈ લાગતી કે કોઈ અજાણી સ્ત્રીમાં તેમને કેમ રસ છે?

વળી કોઈક ઉત્સાહીઓએ તો આ માટે વોર્ડબોય અને નર્સ પાસેથી માહિતી મેળવવાના પ્રયત્નો પણ કર્યા હતા. પણ તે બધાને પણ આં વિષે ખાસ માહિતી ન હતી. એમ તો તેઓ પણ મંત્રીજીની વધુપડતી અવરજવરનું રહસ્ય જાણવા ઉત્સુક હતા પણ મેનેજમેન્ટ તરફથી કડક ચેતવણી હતી કે ન તો તેઓએ કાઈ પૂછવું ન અન્ય કોઈ પૂછે તો તેને દાદ ન આપવી. આને કારણે હોસ્પીટલમાં અફવાઓનું બજાર ધમધમતું રહ્યું હતું.

મંત્રીજીના ધ્યાનમાં આ વાત આવી જ હતી અને આટલા દિવસથી કામ્યા ભાનમાં આવી ન હતી એટલે તેમણે હવે કામ્યાને સ્પેશીયલ વોર્ડમાં શિફ્ટ કરવા મેનેજમેન્ટને કહ્યું હતું. તે મુજબ તેને હવે સ્પેશીયલ વોર્ડમાં મૂકી હતી અને ત્યાં બહુ થોડાને જ જવાની રજા હતી.

ડોકટરો પણ તેને ભાનમાં લાવવા પોતાનાthI બનતા બધા પ્રયત્નો કરતા હતા. આના બે કારણ હતા. એક તો મંત્રીજીનું દબાણ અને વળી પોલીસખાતું પણ આદુ ખાઈને પાછળ પડ્યું હતું. પોલીસખાતાને આ એક સીધોસાદો બીમારીનો કેસ નહી પણ કોઈ અન્ય રહસ્ય હોવાનું લાગતું હતું. વળી મંત્રીજી તરફથી પણ તેમના ઉપર કેસનો જલદી નિવેડો લાવવા દબાણ થતું રહેતું હતું જેથી કરીને લોકો અને મીડિયાની કટકટથી જલ્દીથી છૂટકારો મળી રહે. એટલે તે કારણે પણ જોઈએ તે કરતાં વધુ વખત હોસ્પીટલમાં પોલીસના આંટાફેરા ચાલુ હતા.

બીજી તરફ પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોર ઉપર પણ મંત્રીજી રોજ ફોન કરી કેમ વાર થાય છે? હજી સુધી તમે કામ્યાના બેભાન થવાનું નિરાકરણ નથી કરી શક્યા? તમારૂ ડીપાર્ટમેન્ટ નકામું છે, તેવું સાંભળવા મળતું. તમને સોમીત્રોના નામની લીડ મળી છે તો તેની ઉલટતપાસ હજી સુધી કેમ નથી થઈ? એમણે તો ત્યાં સુધી કહી દીધું કે તમારાથી કેસ સોલ્વ ન થતો હોય તો હું ઉપર વાત કરી કોઈ કાબેલ ઇન્સ્પેક્ટરને કામે લગાડી દઈશ.

પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોર પાસે હવે બીજો રસ્તો ન હતો. સોમીત્રોનો ફોન નંબર તો હતો એટલે અને તે છેલ્લે સુધી કામ્યા સાથે હતો એટલે કદાચ કામ્યાના બેભાન થવા વિષે જાણતો હોય કે કદાચ તે જ તેમાં સંડોવાયેલો હોય શકે. શંકાની સોય તો તેની સંડોવણી તરફ વધુ જતી હતી. પણ આ બધુ તેની પૂછપરછ થાય પછી જ જાણી શકાય.

ત્યાં જ ફોન રણક્યો. સામેના અવાજ પરથી તે સમજી ગયા કે ફરી આજે મંત્રીજી એ જ વાત પુછશે. પણ આજે તે થોડાક નચિંત હતા કારણ તેની પાસે સોમીત્રો નામની લીડ હતી.

‘જય ગુજરાત, સાહેબ.’

‘શું જય જય કરો છો? કોઈ માહિતી તો મેળવતા નથી અને કેસમાં કોઈ પરિણામ પણ નથી આવ્યું. કેટલો વખત આમ ચાલશે?’

‘સાહેબ લીડ મળી હતી તેને બોલાવું છું. જે ફોટોગ્રાફર સાથે મેડમ ગોવામાં હતો તેનો નંબર મેડમના ફોનમાંથી મળ્યો છે. સોમીત્રો છે તેનું નામ. હું હમણા જ તમને ફોન કરી આ માહિતી આપવાનો હતો ત્યાં આપનો ફોન આવ્યો. હમણાં જ તેને અમદાવાદ આવવા કહુ છું. આટલા દિવસથી તેને કામ્યા તરફથી કોઈ સમાચાર મળ્યા નથી એટલે તે પણ તેને સંપર્ક કરવા પ્રયત્ન કરતો હશે પણ ફોન બંધ હતો એટલે ટ નાકામયાબ રહ્યો હશે. જેવી હું તેને મેડમની વાત કરીશ કે તરત તે અમદાવાદ આવી જશે. તેને ખ્યાલ પણ નહી આવે કે તેના પર અમે શક કરી રહ્યા છે.’

‘ભલે તેમ કરો પણ તે કાલને કાલ જ આવી જવો જોઈએ અને જો તે જરા પણ શંકાના દાયરામાં હોય તો તેની ધરપકડ કરી લેજો. જે હોય તે મને તરત જણાવશો. આ ઉપાધિને કારણે મારી વિદેશયાત્રા પણ અટકી ગઈ છે.’

‘જી સાહેબ, બધું મારી પર છોડી દો. એક બે દિવસમાં વાતનો નિવેડો લાવી દઈશ.’

‘શું ખાક કરી શકશે?’ મનમાં વિચારી મંત્રીજીએ ફોન મૂકી દીધો.

જો વાતનો નિકાલ જલદી કરી દઉં તો મંત્રીજી ખુશ થાય અને તો ઉપરીઓ પણ ખુશ થાય એમ મનમાં વિચારી ઈન્સ્પેક્ટરે સોમીત્રોના મળેલા નંબર પર ફોન કર્યો અને તેને કામ્યાને લગતા સમાચાર આપ્યા અને કહ્યું કે એક મિત્ર તરીકે આ કેસમાં તમે જરૂર વધુ જાણકારી આપી શકશો તેથી તેનું અમદાવાદ આવવું જરૂરી છે.

કામ્યાના તાજા સમાચારે કે તે ભાનમાં નથી આવી એટલે સોમીત્રો ચિંતિત થઇ ગયો. આટલા દિવસથી કામ્યા સાથે કોઈ સંપર્ક ન હતો અને હવે આ સમાચારથી તે અપસેટ થઈ ગયો અને ઇન્સ્પેક્ટર રાઠોરને કહ્યું કે તે બીજે દિવસે આવી જેટલું તે જાણતો હશે તે માહિતી આપશે.

અમદાવાદ આવી ગયા બાદ સોમીત્રોએ પ્રથમ તો વિચાર્યું કે તે હોસ્પીટલમાં જઈ એકવાર કામ્યાને મળી લઉં અને પછી ઇન્સ્પેક્ટરને મળું. પણ પછી તેને યાદ આવ્યું કે કામ્યા તો ભાનમાં નથી તો ત્યાં જવાનો હાલમાં કોઈ અર્થ નહી સરે એટલે એરપોર્ટથી સીધો પોલીસસ્ટેશને પહોંચ્યો. ઈ. રાઠોરે કામ્યાના કેસમાં મળવા બોલાવ્યો છે તેમ જણાવતા તેને તરત જ તેની પાસે લઈ જવામાં આવ્યો.

પ્રથમ નજરે સોમીત્રો પર શંકાની સોય હતી એટલે તેને કેવા સવાલો કરવા તે મનમાં નક્કી કરી રાખ્યા હતા. કામ્યાની તબિયતની વિગતો તમને ફોન પર આપી છે કહી તે આગળ બોલ્યા, ‘જુઓ સોમીત્રો, તમને કહ્યું તેમ આટલા દિવસથી કામ્યા ભાનમાં નથી એટલે તેના બેભાન થવાનું કોઈક કારણ હશે જે અમારે શોધવું જ રહ્યું. છેલ્લે તે તમારી સાથે હતી અને ઘણા વખતથી તમે તેને ઓળખો છો એટલે તમે શંકાના દાયરામાં છો તે હું તમને જણાવી દઉં છું. તમે પરિસ્થિતિ સમજો એવા છો એટલે અમને યોગ્ય માહિતી આપી સાથ આપશો અને તે ઉપરથી લાગશે કે તમે નિર્દોષ છો તો તમને અમે ફરી હેરાન નહી કરેએ. હા, જરૂર લાગશે ત્યારે કદાચ પાછા પણ આવવું પડે.’

‘સાહેબ, મને ખબર છે કે છેલ્લે સુધી હું તેની સાથે હતો એટલે હું શકમાં હોઉં તે સ્વાભાવિક છે પણ હું નિર્દોષ છું એટલે મને તમારી વાતનો કોઈ રંજ નથી. આપને મદદ કરવી એ મારી ફરજ તો છે જ પણ કામ્યાને લઈને પણ મને સહકાર અને વિગત આપવામાં આનદ થશે.’

‘કામ્યા અને તમારી મિત્રતાની વિગતો શરૂઆતથી જણાવશો?’

‘આમ તો ફોન ઉપર તે મેં આપી દીધી છે છતાં તે તમને ફરીવાર જણાવું. હું એક ફોટોગ્રાફર છું અને એક એજન્સી વતી જાહેરખબરો માટે ફોટોશૂટ કરૂં છું. કામ્યાની પર્સનાલિટીને કારણે મોડેલ તરીકે એજીન્સીઓ તરફથી છેલ્લા ત્રણેક વર્ષથી તે ખુબ ડીમાન્ડમાં છે અને તેથી અમે સાથે કામ કરી રહ્યા છે. મારી અને તેની કેમિસ્ટ્રી સારી કહી શકાય તેવી છે. હા, તે પ્રોફેસનલ લેવલ સુધી જ છે છતાં કામ્યાને મારામાં એક સારા મિત્ર હોવાનો અહેસાસ થયો હોય એમ લાગે છે કારણ તે મને તેની અંગત વાતો અને મૂંઝવણ કરતી હતી.

‘આને કારણે જ મને તેને નાગરાજ તરફથી થયેલી ઉપેક્ષાની વાતો જાણવા મળી. આમ તો નાગરાજ કોઈ સ્ત્રી સાથે કાયમનો સંબંધ નથી રાખતો. ફક્ત પોતાનો સ્ટ્રેસ દૂર કરવા તેને સ્ત્રીનો સંગાથ જોઈતો હોય છે. આ જાણવા છતાં કોણ જાણે કેમ કામ્યાને આશા હતી કે નાગરાજ તેને અપનાવી લેશે. પણ સમય જતાં તેને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને એટલે કમને નાગરાજને ભૂલવા બેંગલોર છોડવાનો અને કામમાં વ્યસ્ત રહેવાનો નિર્ણય લીધો હતો એમ મને જણાવ્યું અને તે માટે મારી મદદ માંગી.’

આટલું કહી સૌમીત્રો અટક્યો. ચૂપ રહેવામાં જ સમજદારી છે સમજી ઇન્સ્પેક્ટરે તેની આગળ પાણીનો ગ્લાસ ધર્યો. બે ઘૂંટડા પાણી પી સોમીત્રોએ વાત આગળ વધારી.

‘ગોવામાં એક પ્રોડક્ટ માટે અમારે શૂટિંગ કરવાનું હતું એટલે અમે ત્યાં ગયા હતા અને બીજે દિવસે સવારે તે કર્યું પણ હતું જે લંચ સમય સુધી ચાલ્યું. બ્રેક દરમિયાન તેને કોઈ SMS આવ્યો જે વાંચી તે થોડી અપસેટ થઈ ગઈ અને આંખમાં ઝળઝળિયાં આવ્યા. મારા પૂછવાથી તેણે કહ્યું કે તેની માની યાદ આવી ગઈ. પણ પછી તરત જ સ્વસ્થ પણ થઈ ગઈ અને બાકીનું કામ સાંજ સુધીમાં પતાવી દીધું. પોતે અમદાવાદ મા પાસે જવા ઈચ્છે છે તેમ જણાવી તેના જવાની વ્યવસ્થા કરવા મને કહ્યું. એ મુજબ મોડી રાતની ટીકીટ મેળવી તેને હું એરપોર્ટ છોડી આવ્યો અને બીજે દિવસે સવારે હું કેરાલા જવા રવાના થયો.’

‘શૂટિંગ દરમિયાન એવું કાઈ બન્યું હતું કે જેને કારણે કામ્યાને કોઈ તકલીફ થઈ હોય?’

‘હા, બીચ ઉપર શૂટિંગ ચાલુ હતું તે દરમિયાન કોઈકે કાચની બાટલી ફેંકી હતી પણ નસીબ સારા કે તે કામ્યાથી દૂર પડી હતી. આને કારણે તે ગભરાઈ ગઈ હતી અને જલદીથી કામ પતાવવા કહ્યું હતું. પછીથી અમે તપાસ કરાવી ત્યારે ખબર પડી કે એ તો કોઈ દારૂ ઢીંચેલા યુવાનનું કૃત્ય હતું અને કામ્યાની સાથે કોઈ લેવા દેવા ન હતી.’

‘બીજું ખાસ જાણવા જેવું?’

આ સવાલ સાથે સોમીત્રોને તે રાતની યાદ આવી ગઈ.

શૂટિંગ સારી રીતે પત્યાની ઉજવણી માટે સૌમીત્રોએ તે રાતે એક પાર્ટીનું આયોજન કર્યું હતું. આ કરવાનું એક ખાસ કારણ હતું જેની જાણ કામ્યાને ન થાય તેની તેણે ખાસ કાળજી રાખી હતી. જ્યારે કામ્યાને આ પાર્ટીની વાત કરી ત્યારે તેણે આવવાની ના પાડી, એક તો તે શૂટિંગને કારણે બહુ જ થાકી ગઈ છે. તે ઉપરાંત પેલી ફેંકાયેલી બોટલની યાદ પણ હજી સુધી ભૂલાઈ ન હતી. આ બધાને કારણે માનસિક રીતે પણ તે અકળાયેલી હતી. અધૂરામાં પૂરૂ માની યાદ અને તેની તબિયતની ચિંતા એટલે તે એકાંત ઈચ્છતી હતી.

સોમીત્રોએ જાણે તેનું મન વાંચી લીધું હોય તેમ કહ્યું હતું કે તારી માનસિક સ્થિતિ હું સમજી શકું છું. તને હું પરાણે લઈ નહી જાઉં પણ એક વાત કહ્યા વગર નથી રહેતો. જો તું આવશે તો ત્યાના માહોલમાં આ બધું તું ભૂલી જશે અને આમેય તે મોડી રાતની ફ્લાઈટ છે એટલે સમય પસાર કરવા કાઈક તો તારે કરવું પડશેને? એકલા રહેવાથી તો તારી માનસિક પરિસ્થિતિ ઓર બગડશે પણ બધા વચ્ચે રહીશ તો સમય ક્યાં પસાર થઈ જશે તેની તને ખબર પણ નહી રહે.

બહુ વિચારને અંતે કામ્યાએ પાર્ટીમાં આવવાની હા પાડી હતી.

ગોવામાં પાર્ટીઓની નવાઈ નથી હોતી અને તે એવી રીતે આયોજિત થાય છે કે આખો માહોલ જાણે સ્વર્ગીય બની જાય છે. ઘણા વખતથી જેની તે રાહ જોતો હતો તે આવો માહોલ તેને ધારી તક આપશે એમ સોમીત્રોએ વિચાર્યું. તેની મુરાદ પૂરી થાય તે વિચારે જ તેણે આ પાર્ટીનું આયોજન કર્યું હતું, શૂટિંગની સફળતા તો એક બહાનું હતું.

માહોલ બરાબર જામ્યો હતો. એક તરફ પાશ્ચાત્ય સંગીત રેલાઈ રહ્યું હતું તો બીજી તરફ મદિરાની લહાણ થતી હતી. પાર્ટી હોલમાં રોશનીની ઝાકઝમાળ વચ્ચે ગ્રુપના લોકો પોતપોતાના સાથી શોધી ડાન્સનો લહાવો લઇ રહ્યા હતા. સોમીત્રો પણ તેમાં સામેલ હતો પણ તેનું મન તો અન્ય વિચારમાં ગરક હતું. કામ્યાને કેમ વાત કરવી તેના અવઢવમાં તે ડાન્સની મઝા માણી શકતો નહી તો પોતાના મનની વાત કરવાની હિમ્મત પણ ભેગી ન કરી શક્યો. હવે જો તે મારી ડાન્સપાર્ટનર થશે તો જરૂર વાત કરીશ કારણ આજે નહી તો ક્યારે? કારણ આજે તે અમદાવાદ જશે પછી નજીકના સમયમાં ફરી ભેગા થવાનો યોગ ન પણ થાય. ન કરે નારાયણ અને તેની માની તબિયત નાજુક થાય તો કદાચ લાંબા ગાળા સુધી તે કામ કરવા રાજી પણ ન થાય અને તો તેના મનની મુરાદ મનમાં રહી જશે. ત્યાં કામ્યા જ તેની પાસે આવી અને કહ્યું કે હવે મારે જવું જોઈએ. આમેય હું થાકેલી છું અને વળી ફ્લાઈટ પણ પકડવાની છે તો થોડો વખત રૂમમાં જઈ આરામ કરૂં.

ચાલ તને મૂકી જાઉં, કહી સોમીત્રોએ તેનો હાથ પકડ્યો. ના તેની જરૂર નથી એવો કામ્યાનો પ્રત્યુત્તર ન સાંભળ્યા જેવું કરી તે કામ્યાને તેની રૂમમાં લઈ ગયો.

કામ્યાના રૂમમાં દાખલ થયા એટલે વિવેક ખાતર કામ્યાએ તેને બેસવા કહ્યું. તે સોફા પર બેસી તો ગયો પણ મૌન ધારણ કરીને. આ જોઈ કામ્યાથી પૂછ્યા વગર ન રહેવાયું કે કેમ ચૂપ છે? શું કોઈ પ્રોબ્લેમ છે?

‘કામ્યા, કેમ વાત કરવી તે નથી સમજાતું.’ સોમીત્રો બોલ્યો.

‘કોઈ અંગત મામલો છે? હું કાઈ મદદ કરી શકું?’

‘આમ તો વાત અંગત છે અને તારા વગર સોલ્વ પણ નહી થાય. પણ તને કહેવું કે નહી અને કહેવું તો કઈ રીતે તેની મૂંઝવણ છે.’

‘તારા જેવો સ્પષ્ટ બોલનાર આજે કેમ અચકાય છે? આપણી વચ્ચે એવો સેતુ બંધાયો છે કે તુ નિ:સંકોચ કહી દે. મારા બસમાં હશે તો તને જરૂર માર્ગ બતાવીશ.’

‘ઘણા વખતથી કહેવું હતું પણ કહી નહોતો શક્યો પણ બહુ વિચારને અંતે લાગ્યું કે જો આજે તને વાત નહી કરૂં તો હું જિંદગીની ગાડી ચૂકી જઈશ. કામ્યા, હું તને ચાહુ છુ. આટલા સમયથી સાથે કામ કર્યા પછી લાગે છે કે મને તારી જરૂર છે, એક સહકાર્યકર તરીકે નહી પણ જીવનસાથી તરીકે. આ સાંભળી તું કેમ વર્તીશ તેની સમજ ન હતી એટલે આજ સુધી કહ્યું ન હતું પણ આજે તો કહેવું જ છે તેમ નક્કી કરી લીધું હતું કારણ એકવાર તું અમદાવાદ જશે પછી રાત ગઈ બાત ગઈ જેવું થઈ જશે. વળી નાગરાજ સાથેના તારા અનુભવે મારી તારા તરફની લાગણીઓ એક ઓર મોડ પર આવી ગઈ અને તને પામવાની ઈચ્છા પ્રબળ થઈ ગઈ.’

‘સોમીત્રો, ખોટું ન લગાડતો પણ હજી સુધી મેં લગ્નજીવન વિષે વિચાર જ નથી કર્યો. હાલમાં તો મારી કેરિયર પર ધ્યાન આપવા માંગુ છું. જ્યારે હું લગ્ન બાબતે સીરીયસ થઇ જઈશ ત્યારે તારી લાગણીઓ અને તારા પ્રોપોઝલ પર જરૂર વિચાર કરીશ. હાલ તો મારી મમ્મી જ મારી પ્રાથમિકતા છે. ચાલ હવે ફ્લાઈટનો ટાઈમ થઇ જવા આવ્યો છે.’

‘શું વિચારમાં ખોવાઈ ગયા? કોઈ ખાસ વાત હતી જે યાદ આવી?’

વિચારોની શૃંખલામાં ખોવાયેલ સોમીત્રોને ખબર પણ ન રહી કે ઇન્સ્પેક્ટર રાઠોરે તેને પૂછ્યું હતું કે બીજું કાઈ ખાસ જાણવા જેવું છે?

‘ના સાહેબ, હાલમાં તો ખાસ કાઈ નથી.’

‘ઠીક છે. હમણાં તો તમે જાઓ પણ મને જણાવ્યા વગર અમાવાદ ન છોડતા.

જી, કહી સોમીત્રો ઉભો થયો.

ધારવા પ્રમાણે આ માણસ ગુનેગાર હોય તેમ લાગતું નથી. તેની ઉપર શંકા કરવી કદાચ ખોટી છે એમ વિચારી ઇન્સ્પેક્ટરે મંત્રીજીના પી.એ.ને ફોન જોડ્યો.

 

 

 

 

પ્રકરણ — (૧૧) અર્ચિતા દીપક પંડ્યા

સોમીત્રો પોલીસ સ્ટેશન ના પગથીયા ભારે પગે ઉતર્યો , ખરેખર તો પૂછપરછ ના તણાવ ને બદલે ઇન્સ્પેકટર જોડે વાત કરતા એને સારું લાગ્યું .એને થયું કે કામ્યાની વાતો કરતા એનું મન હળવું થયું . બેન્ગ્લુરું માં કામ્યાનો બહુ નજીકનો મિત્ર બની ગયો હતો એ, અને ગોવા સાથે રહીને તો મોહી જ પડ્યો હતો…..એને થયું કે પૃથ્વી પર જાણે જીવનસાથી ની પસંદગી નું કામ પૂરું થયું છે કદાચ !

રૂપે આટલી સુંદર કામ્યા , ગુણથી પણ કેવી સુશોભિત ..! કેટલા ઉત્તમ વિચાર ? આવું પેકેજ ઈશ્વરે આ ધરતીને એક સોગાદ સ્વરૂપ આપ્યું હોય એવું લાગે !….ગોવાથી છૂટા પડ્યા પછી અને કામ્યાના ઉત્તર પછી સોમીત્રોનું મન થોડું ઉખડ્યું ઉખડ્યું રહેતું હતું. ઉચાટ રહ્યા કરતો હતો. નાના બાળકને ગમતું રમકડું પાપા અપાવશે તો ખરાને ! ? એ વિચારથી જેવો ઉચાટ થાય એવો ઉચાટ થઇ રહ્યો હતો !…. અલબત્ત , એ શંકા તો નસીબની યારી ઉપર જ હતી !….મનોમન એ કામ્યાને ખૂબ ચાહવા લાગ્યો હતો !….એ ખરા દિલથી ચાહતો હતો કે કામ્યા ખુશ રહે!

કામ્યા વિષે વિચારવું , તેના વિષે બોલવું …તેને એક પ્રકારનો આનંદ મળતો હતો !…ભલે ને દોષી હોવાની સોય તેના તરફ તકાઈ ચૂકી પણ એની નિર્દોષતા અને કામ્યા તરફના સદભાવ ને લીધે એનું પેટનું પાણી પણ હલ્યું નહોતું ….ઉલટો એ બધા પ્રયત્ન કરવા તૈયાર હતો કે સાબિત થાય કે કામ્યા ભૂલે ચુકે પણ કોઈ ષડ્યંત્ર નો શિકાર ન થઇ હોય !માંદગી સિવાય બીજી કોઈ આફત ન આવી હોય !….બાકી કામ્યા જેવી સ્ત્રી આ મોડેલીંગ ફિલ્ડ માં બહુ ઉપયોગી થઇ શકે ,અને આવી વ્યક્તિ જ મળવી મુશ્કેલ છે !…. જેમાં હોય રૂપ – ગુણ બંને નો સમન્વય ! એની સાથે હોઈએ તો કામ મળ્યા જ કરે , ફિલ્ડમાં ડંકો વાગી જાય અને કમાણી ની કમાણી ……..જીવન સાથી જ બની જાય ….તો ….!  પગ ની ઝડપ વધી તેના સપના ની ઝડપ પણ !…..

અમદાવાદ જેવા શહેરમાં એ બીજે જશે ક્યાં ? એને થયું કે કામ્યાને જ જોઈ આવું, હોસ્પીટલની મુલાકાત લઇ એ પાછો હોટેલ પર રૂમમાં જતો રહેશે એવું વિચારીને એણે ટેક્સી બોલાવી , મોબાઈલની એપ પરથી …દસ જ મીનીટમાં ટેક્સી આવી અને અમદાવાદના અન ઓર્ગેનાઈઝ્ડ ટ્રાફિકને ચીરતી એ સીધી હોસ્પિટલ પહોચી …રૂમ નંબર રીસેપ્શન પરથી મેળવીને એ પહોંચ્યો ….કોણ હશે કામ્યાની રૂમમાં એની સાથે ? એ પ્રશ્ન સાથે એને ટકોરા માર્યા …..

બારણું ખુલ્યું , પ્રેમ અને સોમીત્રો બંનેની નજર મળી ,ઓળખાણ નહોતી એટલે આંખમાં સવાલ સાથે બંનેએ હાથ મિલાવ્યા …

“તમે…..” પ્રેમે પૂછી લીધું ..

” હું સોમીત્રો , કામ્યા મારી સાથે ગોવા હતી, એ ત્યાંથી નીકળી ને જ અહી અમદાવાદ આવી …”

“પ્રેમ ”

પ્રેમ નું મો પડી ગયું , એને ખબર નહિ કેમ પણ કામ્યાને કોઈ રીતે આ માણસે હેરાન તો નહિ કરી હોય ને એ પ્રશ્ન થઇ આવ્યો …..ઇન્સ્પેકટરની વાત પરથી સોમીત્રો જોડે એ વાત ફોન પર કરી ચુક્યા હતા , એ બંને માંથી કોઈએ કામ્યાને બ્લેક મેલ કરીને કે કોઈ રીતે સતાવી તો નહિ હોય ને ?…એવી આશંકા ઉઠતી તો હતી જ ! એટલે પ્રેમ એકદમ ક્લોઝ્ડ પર્સનાલીટી રાખી વાત કરી રહ્યો હતો .

સોમીત્રોને થયું કે કામ્યાની તબિયત વિષે જાણવા મારે જ પહેલ કરવી પડશે !….

“How is she Prem? ”

“You can see just lying on the bed …”

” Oh yaa, Do you need any thing?

“Should I bring cold coffee for?”

“ you see I was not having any one’s number so came Directly ..here..”

થૉદા સમયનાં મૌન પછી સૌમિત્રોએ જવાબ આપ્યો

” No thanks.. I just had .. By the way.. What is the prognosis for Kamyaa?”

” Saumitro there is a hope ..we are all here with her She will be all right”

” શી ઈઝ અ વેરી ગુડ હ્યુમન , યસ, શી વિલ બી ઓકે ..”

પ્રેમ થોડો ઠંડા પ્રતિભાવ માં હતો.

” આઈ હેવ હાઈ રીગાર્દ્સ ફોર કામ્યા …..એન્ડ એઝ અ ફ્રેન્ડ ઓફ હર આઈ બીલીવ યુ ઓલ્સો.”

” યસ , આઈ એમ, એન્ડ આઈ એમ ફોર હર ઓલ્વેઝ ….., ડોન્ટ વોન્ટ એની પર્સન વ્હુ હેઝ નેગ્ગ્દ હર , ઓર ગેવ હર અ લીટલ પૈન ઓલ્સો  ….”

” લેટ મી ટેલ યુ , આઈ હેવ ધ સેમ ફીલિંગ્સ ….નાગરાજ થી એ જયારે હર્ટ થઇ ……”

” વોટ ? વોઝ શી અન્હેપી ધેર ?”

” યસ,પ્રેમ ધેટ્સ વ્હ્યાય આઈ હેવ ઇન્ત્રોદ્યુસ હર ટુ એન એડવારટૈઝ એજન્સી એન્ડ ગોટ ધ પ્રોજેક્ટ …”

હવે પ્રેમને રસ પડ્યો …..એણે સાવચેતી પૂર્વક પ્રશ્નો પૂછવાના શરુ કર્યા ……

પ્રેમ બોલ્યો , સોમીત્રોની આંખમાં આંખ નાંખીને …..

” સોમીત્રો, કામ્યાએ બેન્ગ્લુરુની જોબ જાતે શોધી હતી ”

” હા એ પણ વિજ્ઞાપન એજન્સી જ હતી , એના ડાયરેક્ટર મી. નાગરાજ અને એમના હાથ નીચે કામ કરનાર કામ્યા પણ એકદમ હોશિયાર “…અ પરફેક્ટ વુમન એન્ડ ઓલ્સો પરફેક્ટ ફોર કોર્પોરેટ કલ્ચર …”

” વોટ એક્ઝેક્ટલી ડુ યુ મીન ? બી ઇન યોર લીમીટ .”

“સોરી પ્રેમ !…. પણ હું એનો ઘણો સારો મિત્ર છું અને રહીશ , એટલે મારો હક્ક છે આ વિષે વાત કરવાનો ….”

” સોરી , પણ કામ્યાના સફરિંગ ને લીધે મન ઉચાટમાં રહે છે…..”

” મારું પણ …., પ્રેમ ”

” આઈ નો ”

” હું ખરેખર નાગરાજ થી દુઃખી થયેલ કામ્યા ને મદદ કરવાની ઈચ્છા એ ગોવા લઇ ગયેલો .”

હવે પ્રેમ થોડો કૂણો પડ્યો, એ બોલી ઉઠ્યો ……

” પ્લીઝ , લેટ મી નો , વોટ હેપન્ડ ધેર ….”

” તમે મારી વાત સાચી માનશો ખરા ?”

” તમને તો નથી જાણતો સોમીત્રો, કામ્યાને બરાબર જાણું છું, તમે કામ્યાની વાત કરશો એના પરથી હું જાણી લઈશ કે તમે સાચું બોલો છો કે નહિ ?”

” ખૂબ ભરોસો છે કામ્યા ઉપર ?”

” મારાથી વધારે , સોમીત્રો ! ”

” આઈ એદમાંયાર યોર ફ્રેન્ડશીપ ”

” એન્ડ આઈ એદમાંયાર યોર કન્સર્ન ! ”

” આઈ હેવ ટુ ….શી ઈઝ અ વેરી ગુડ ફ્રેન્ડ , પ્રેમ ”

” થેન્ક્સ , આઈ એમ ઇગર ટુ નો એબાઉટ નાગરાજ ”

” હી વોઝ ધ બોસ ઓફ કામ્યા , એન્ડ ટોટલી ….આઈ મીન ….એ બધી જ રીતે પરવશ હતો કામ્યા પર, બધું ઓફિસનું કામ બહુ સરસ રીતે સંભાળી લીધેલું એણે …..ખરું કહું તો બંને એકબીજાથી ઈમ્પ્રેસ હતા ! ”

” અહ્મ્મ્મ ”

મોળો પ્રતિભાવ આવ્યો પ્રેમનો,

” કામ્યા સતત નાગરાજની પડખે રહેતી અને દરેક પ્રોજેક્ટ ને બહુ સારી રીતે પાર પાડતી . પણ ઓફીસના લેડીઝ સ્ટાફ સાથેના મીઠા સંબંધો થી કામ્યા થોડી નારાજ રહેતી ”

” ચારિત્રય ની દ્રષ્ટીએ એ સારો માણસ નહોતો ? ”

” આમ તો ઘણો સારો માણસ , એફીશિંત એન્ડ વર્કોહોલિક ,પર્ફેક્ષ્નીસ્ત ..ફિલ્ડમાં ઘણું મોટું નામ પણ …..”

” પણ શું ? ” હવે પ્રેમ ના ચહેરાનો રંગ જોવા જેવો હતો.

” એ થોડો ફલર્ટ અને ખુલ્લા મિજાજનો માણસ ….સ્ત્રીઓ સાથે જલ્દી હળે મળે , અને સ્ત્રીઓની કંપની ગમે એને ….અને એ પોતે પણ સ્માર્ટ અને પોઝીશન વાળો ….એટલે સ્ત્રી ઓ પણ ભાવ આપે ….”

” એણે કામ્યાને કઈ હાનિ તો નથી પહોચાડીને ?”

” ના ના , એ ખરાબ માણસ નથી, લોકો આમ તો એને માન ની નજરે જુએ છે …..”

” તો કામ્યાને શું તકલીફ થઇ એની જોડે ?”

” મને કામ્યાએ જ વાત કરી હતી, એક વાર નાગરાજના મધર ને મળવાનું થયું, એમના ઘરે જ, બંને ના મન મળી ગયા હતા, અને નાગરાજના મધર ની જ ખૂબ ઈચ્છા હતી, કે નાગરાજ અને કામ્યા પરણી જાય ….”

” કામ્યા શું માનતી હતી ?”

” હા, કામ્યા એ પવિત્ર બંધન સ્વીકારવા તૈયાર હતી. એને નાગરાજ ચોક્કસ ગમતો હતો…પણ ….”

” પણ શું સોમીત્રો ? ”

” પણ નાગરાજ લગ્ન જેવા બંધનમાં માનતો જ નહોતો ….”

” વોટ ?”

” હા ….. પ્રેમ નાગરાજને લગ્ન ના બંધનમાં જીવનભર બંધાવું જ નહોતું …..”

” અને કામ્યાએ સ્વીકારે જ ક્યાંથી ? ”

” તું સમજ્યો બરાબર ……કામ્યા નું મન તેની સાથે કામ કરતા કરતા મળી ગયું હતું.યોગ્ય ઉંમરે યોગ્ય જીવનસાથી ની અપેક્ષા તો જીવન પાસે રખાય જ ને ? ”

” પણ …… ( મો પર આવેલા શબ્દો ગળી જઈ પ્રેમે વાત આગળ વધારી ) ….. તો પ્રોબ્લેમ શું થયો ?”

” વાત એમ બની કે લગ્ન સુધી વાત પહોચે એ પહેલા કંપની ની એક પાર્ટી દરમિયાન થોડા ડ્રંક એવા નાગરાજે થોડી છૂટછાટ લેવાનો પ્રયત્ન કર્યો ….”

” કામ્યા તો ભડકી હશે ”

” અરે , યુ નો બેટર ધેન મી, ભડકી, હ ર્ટ થઇ,એના રૂમ પર જતી રહી અને ખુબ રડી …..કોઈને મળતી નહોતી ,….એને પહેલા પવિત્ર બંધનમાં બંધાઈ સબંધ બંધાવો હતો, અને નાગરાજ લગ્ન થી જ દુર ભાગતો હતો …..કઈ રીતે મેળ પડે ?”

” પછી ?”

” કામ્યાને જરા વધારે દુઃખ થઇ આવ્યું ….એને થયું તો પછી શું સ્ત્રી એક પુરુષનું રમકડું છે ?….એ એકલી જ બેસી રહેતી ….મને ખબર પડી એટલે હું ખાસ એને મળવા ગયો. જયારે મેં એને સ્વસ્થ થવા કહ્યું ત્યારે એ બોલી કે એના માટે કામ એ જ ભગવાન છે , બસ કામ માં મન પરોવી બધું દુઃખ ભૂલી જવું છે . ત્યારે ગોવાના પ્રોજેક્ટના ઓડીશન માટે મોકલી ….”

” કામ્યાને સ્ક્રીન પર જોયા પછી કોઇ એને ના જ કેવી રીતે પાડી શકે?”

” એકઝેકટલી …શી પાસ્ડ થ્રુ ઇટ ….સીલેક્ટેડ વેન્ટ ટુ ગોવા….”

” ઓ…. તો એમ વાત છે, થેન્ક યુ સોમીત્રો, ….તમારી યોગ્ય સહાય માટે….”

” હા, મને લાગ્યું કે માનસિક રીતે એ મજબૂત તો છે જ. પણ થોડી ઘણી ડગી ગઈ છે….એ ના બદલે એનો આત્મ વિશ્વાસ વધશે અને આત્મ ગૌરવ પણ વધશે……”

પ્રેમ નાં આંખમાં જરા ઝળઝળિયા આવી ગયા એ લગભગ ભેટી પડ્યો સોમીત્રોને ….

” થેન્ક યુ, સોમીત્રો , થેન્ક યુ વેરી મચ…., ગોવા વિશે તો ઇન્સ્પેક્ટર જોડે વાત થયેલી, સમગ્ર ઘટના ની દ્રષ્ટી એ તમે ગુનેગાર હો એવું લાગતું તો નહોતું….પણ મને થયું કે માનસિક રીતે તો હેરાન થઈ હોય તમારાં થી……તો…..”

“ના ના ……શી ઈઝ અ વેરી ડીયર ફ્રેન્ડ ટુ મી…..આઇ કેન નેવર હર્ટ

હર …., હું તારી સાથે જ છું……કંઈ પણ જરુર હોય તો હું છું જ….”

બંને ની આંખ માં સંતોષ અને વિશ્વાસનો ચમકારો હતો.

“શુડ આઈ લીવ નાઉ ?વિલ મીટ ટુમોરો……..”

“શ્યોર સોમીત્રો , યુ કેન લીવ એટ માય પ્લેસ ઇફ યુ વોન્ટ…..”

” નો આઇ હેવ બુક્ડ માય રુમ…બાય….”

સોમીત્રો બધો વાર્તાલાપ વાગોળતો ત્યાં થી વધ્યો….પ્રેમ માટે એને માન થયું….અને એને તેની મંઝીલ દૂર થતી લાગી…..પણ એને થયું કે પ્રેમ કદાચ છીનવી જ લેશે કામ્યા ને……હિ ડીઝર્વ્સ હર….

અને એણે વિચાર્યું…..અત્યારે તો કાલની ઇન્સ્પેક્ટર ની જોડે ની સેશન નું રીહર્સલ થયું. કાલે આ જ સવાલ ફેસ કરવાના છે…..

સંધ્યા ખીલી…હતી…થોડું ચાલતાં સોમીત્રો આગળ વધ્યો….પણ જિંદગી પાછળ મૂકીને……

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ ( ૧૨) પ્રજ્ઞા દાદભાવાળા

સોમીત્રો આવ્યો ત્યારે પ્રેમ માટે જમવાનું લેતો આવ્યો।

અરે તે કેમ તકલીફ લીધી?

હું કેન્ટીનમાંથી કૈક ખાઈ લેતે!

બસ ને એક તરફ મિત્ર કહે છે અને પછી આટલી ફોર્માલીટી

આમ પણ તું કામ્યા ને છોડી કેવી રીતે જમવાનો હતો ,યાર તું બોલે નહિ તો કંઈ નહિ પણ તારી આંખોમાં મને મિત્ર ની વફાદારી અને પ્રેમ દેખાય છે?એક વાત કહે તું આટલું બોલ્યા વગર કેવી રીતે જીવે છે ?હું તો બોલું નહિ ને તો બીજા જ દિવસે ગુંગળાઈ જાવ!,ખેર જ પહેલા ખાઈ લે ,હું તારી મિત્રનું ધ્યાન રાખીશ,

સોમીત્રો અને પ્રેમ મિત્રો જેવા થઇ ગયા હતા,વાચાળ સોમીત્રો બોલ્યા કરે અને પ્રેમ હામી ભરતો રહે.પ્રેમ કહે હું જરાક બહાર જઈને આવું છું, તો અહી છે તો હું હવે નિશ્ચિંત છું,અને પ્રેમ બહાર ગયો,આમ તો કામ્યા બીમાર પડી ત્યારથી એ રોજ મંદિરે જઈ દીવો અચૂક પેટાવતો,અને ભગવાનને પ્રાથના કરતો કે બસ જલ્દી સાજી કરી દો.

સોમીત્રો શાંત સુતેલી કામ્યા ને જોતો રહ્યો,વહાલથી ફૂલને પંપાળતો હોય તેમ ધીરેથી કામ્યા પર હાથ ફેરવ્યો, અને ક્ષણિક વિચારવા લાગ્યો આ ગુલાબના ફૂલને આટલા કાંટા કેમ ? ઇન્સ્પેક્ટર રાઠોરે કરેલી પુછપરછે ,એને અકળાવી દીધો હતો ,કામ્યા ને શું થયું હશે ?તે દિવસે મને કૈક કહેવા માગતી હતી ,અને પછી પોતે અંદર ધરબીને લઇ ગઈ એનું જ આ નક્કી પરિણામ છે,પણ કોઈનું બોટલનું ફેકવું ,પોલીસની આટલી પુછપરછ કેમ ? બીજી તરફ મંત્રીજી રોજ ફોન કરી કેમ જાતે કામ્યા ના કેસમાં રસ લે છે ,આના મૂળ સુધી જવું જ પડશે!  આ નાગરાજ ના તો લફરા નથીને ?અનેક વિચારોએ એને ઘેરી લીધો એક સરખો કામ્યા ને તાક્યા કર્યું ,મન કહેતું હતું કામ્યા હમણાં જાગશે અને મને વળગીને કહેશે ,મારે તને કૈક કહેવું છે,કામ્યા પથારીમાં પણ સુંદર દેખાતી હતી, હા શરીર નબળું પડી ગયું હતું ,એને તે દિવસે ગોવામાં કોઈએ બોટલ ફેકી ત્યારે કામ્યાએ કહેલી વાત યાદ આવી ગઈ.પોતાની પાંખ હોય ,પોતાની આંખ હોય પોતાનું આભ હોય તો બીક શું ?

આ લે તારે માટે કોફી લાવ્યો છું,પ્રેમ આવતા બોલ્યો

કોણ જાણે કેમ કામ્યા ના બે પ્રેમી કામ્યા ના પ્રેમ થકી મિત્રો બન્યા હતા.

એક દિવસ કામ્યા ની તબિયત જરા વધારે બગડી ,તો સોમીત્રો કહે ,યાર આજે હું અહી જ રોકાઈ જાવ છું એક કરતા બે ભલા ,ઈમરજન્સી આવી પડે તો દોડધામ થઇ પડે ,અને તે દિવસે બંને ખાસ મિત્રો ની જેમ રાતઆખી વેઈટીનીંગ રૂમમાં બેઠા બસ કામ્યા ની વાતો કરી,બન્ને ના હૃદય માં કામ્યા માટે પ્રેમ એક ચિનગારી તો હતી.પણ કામ્યા ની માંદગીથી બંને ને વધુ નજીક લાવ્યા બંને સરખી સંવેદના અનુભવતા હતા,બન્ને હૃદય અંદરથી વ્યથિત હતા બંને ને લાગતું હતું કે કામ્યા જેવી સ્ત્રી કોઈ હોઈ ના શકે ! ……એ હરતી ફરતી ચંચલ હવાની સુગંધીદાર લહેરખી જેવી .ટહુકા કરતી ,બધાનું સારું ઈચ્છતી , પ્રેમાળ અને હિંમતવાન . બંને મનોમન ભગવાનને પ્રાર્થના કરતા હતા કે ભગવાન તું હવે એના નસીબનું સુખ તું કામ્યા ને આપ અને બન્ને નો પ્રેમ કહેતો હતો કે કુદરત એને ચોક્કસ સારી રીતે જીવાડશે જ .

બંને વાતો કરતા બેઠા હતા ત્યારે એક જ વિષય એક જ હતો કામ્યા, આમ તો સોમીત્રો જ બોલે છે અને અને પ્રેમ એની વાતો સાંભળ્યા કરે ,વાત વાતમાં સોમીત્રો ગોવાના શુટિંગ દરમ્યાન બનેલો બનાવ ની વાત પ્રેમને કરી  ,કે દારૂ ની બાટલી કોઈએ કામ્યા પર ફેકી હતી ત્યારે કામ્યા બચી ગઈ ,પણ આ મુસીબત આવી,હા કામ્યા એના પોતાના દર્દમાં બીજાને સામેલ થવા દેતી નથી,તે દિવસે પણ કામ્યા ડરને બાજુમાં મૂકી શુટિંગ પૂરું કર્યું હતું બીજી કોઈ હોત તો નર્વસ થઇ ગઈ હોય ,મને ખરેખર એના માટે માન છે.

અને શાંત પ્રેમ એકદમ બોલી ઉઠ્યો ,પણ આ બાટલી ફેકી કોણે ?

અરે યાર ગોવામાં તો આવા બેવડા ખુબ જોવા મળે કોઈએ વધુ પડતું પીને આવું અજગતું કર્યું।મુખ્ય વસ્તુ એ છે કે એને કયાંય વાગ્યું નહિ

પણ આતો જીવ લેવા હુમલો કહેવાય ?

શું પ્રેમ તું પણ !

અને પ્રેમને જાણે વાચા ફૂટી,આ નક્કી એના પતિનું કામ છે.

એનો પતિ ?,કોનો પતિ ?

કામ્યા નો ! હા એ પરણેલી છે?

આ હોસ્પીટલમાં તે જોયું નહિ અચાનક બધા કામ્યાની સારવાર માટે કેવા ઉભા પગે છે, અરે આતો કોઈ રાજકારણી ની ગંદી રમત છે.

અને પહેલીવાર પ્રેમનું અલગ સ્વરૂપ અને અવાજ સંભળાયો ,આ રાજકારણી કોઈ નહિ એનો પતિ છે.ચોવીશ કલાકના બ્રેકીંગ ન્યુઝ અને અફવાઓથી બચવા ચારે કોર હોસ્પીટલમાં પહેરા લગાવી દીધા છે .અને પ્રેમે કામ્યાના પતિ વિષે વાત કરી ..એનો પતિ ગે છે.સજાતીય સંબંધ ધરાવનાર – નર.

અને એની ખામી છુપાવવા એ કામ્યાને વાપરે છે. મૌલીન એક રાજકીય વ્યક્તિત્વ છે.અનેક મહોરા પહેરીને જીવનારો અને અનેક મહોરા સાથે ખેલનાર ખેલૈયો છે.પોતાના રાજકીય સ્ટેટસને ક્યાય ધબ્બો ના લાગે એટલે કામ્યા,ડરાવીને અને દબાવીને પોતાનું ધાર્યું કરાવવા માંગે છે.

પણ પ્રેમ તને ખબર છે કે કામ્યા પણ એક સ્વતંત્ર વિચારધારા ધરાવતી સ્ત્રી છે.

હા હું કામ્યા ને ખુબ નજીકથી ઓળખું છું પ્રેમ બોલ્યો એણે નક્કી કર્યું છે કે એ એને નહિ છોડે ,એને ખુલ્લો પાડીને જ રહેશે,અને માટે જ આ હુમલો એના પતિએ કરાવ્યો છે.

આ વાત જેનાથી સોમીત્રો સાવ અજાણ હતો. સોમીત્રો થોડો અવાચક થઇ ગયો, અને મનમાં એક વિચાર આવ્યો ,તો શું તે દિવસે આજ વાત મને એ કહેવાની હતી ?હવે સોમીત્રો ને બધી વાતની લીંક જોડતી દેખાતી હતી,

તો પ્રેમને એના પતિ ઉપર ગુસ્સો આવતો હતો આવી સુંદર સ્ત્રીની જિંદગી બગાડવાનો શો અધિકાર? કામ્યાના સ્વમાને એને રોક્યો હતો

સોમીત્રો માત્ર એટલું બોલ્યો હા પ્રેમ તારી વાત સાચી હોય શકે.અને વિચારમાં ખોવાઈ ગયો.

ફોટોગ્રાફી ના કામમાં સોમીત્રો આવા અનેક ગેને મળ્યો હતો,મોર્ડન વિચારો ધરાવતા લોકો આવી વ્યક્તિ સામે છોછ અનુભવતા નથી પોતે જે મોર્ડન સોસાયટીમાં છે ત્યાં ક્યારેય આ બાબતે વિચારવાની જરૂર નહોતી પડી. પણ કામ્યા પર થએલી આ ઘટનાથી એ પણ થોડો હલબલી ગયો એ પણ જાણતો હતો સામાન્ય સમાજમાં લોકો આવું જાણ્યા પછી તમારાંમાં રસ લેવાનું તો દૂર પણ તમને બોલાવશે પણ નહીં. આપણા જેવા સમાજમાં જ્યાં ‘ગે’ મોટાં ભાગનાં લોકો માટે એક જોક છે.એટલું જ નહિ ભારતમાં અને અન્ય મુસ્લિમ દેશોમાં ગે છોકરાઓ માટે પોતાની જિંદગી કઈ રીતે જીવવી એ તેઓનો પ્રશ્ન છે.મૌલીન એક રાજકીય વ્યક્તિત્વ છે.પોતાના રાજકીય સ્ટેટસને ક્યાય ધબ્બો ના લાગે એ માટે આવું કરે તે ખુબ સ્વાભાવિક છે. પણ ફરી કામ્યા નો વિચાર આવતા મન બોલતું હતું ,એમાં કામ્યાને કેમ સજા ?

પ્રેમે એની સામે જોયું ,નવાઈ પણ લાગી ,આ ખુબ બોલતો સોમીત્રો આ વાત જાણ્યા પછી શાંત કેમ થઇ ગયો ?

સોમીત્રો પ્રેમ સામે જોતા બોલ્યો કે ઈશ્વર કદાચ બધાને બધું ન આપે,સેક્શુઆલીટી કોઈ પણ વ્યક્તિનો પર્સનાલીટીનો એક ભાગ છે. પણ સેક્શુઆલીટી ‘જ’ બધું નથી.”એમણે ડરીને જીવવાની જરૂર નથી ,અને આપણા સમાજે પણ એને તિરસ્કાર કરવાની જરૂર નથી. ડર્યા વગર દંભ કર્યાં વગર ઈશ્વરે જે આપ્યું એ સ્વીકારી એ પ્રમાણે જ અને સન્માન થી જીવવું જોઈએ …..

એને કાપતા શાંત પ્રેમ ઉકળી બોલ્યો પણ બીજાને હેરાનગતિ રૂપ ન થવાય,પહેલા તો લગ્ન જ શું કામ કરવા જોઈએ ?,કામ્યા ની જિંદગી તો વેડફી નાખીને ?એને સાલાને બધાને વચ્ચે જાહેરમાં ઠેકાણે લાવવો જોઈએ ,અને આતો હદ થઇ ગઈ કે એ કામ્યા પર જીવનલેણ હુમલા કરાવે ?

સોમીત્રો બોલ્યો સાચી વાત છે તારી,પણ ઈશ્વરે જે આપ્યું એ સર આંખો પર એમ માની એ પ્રમાણે જ અણે સન્માન થી જીવવું જોઈએ .તને ખબર છે રાજપીપળામાં રજવાડી રાજકુવર માન્વેન્દ્રસિંહ પોતે ગે છે. એ જાણ્યા પછી તેમને કાયદેસર વારસ તરીકે બેદખલ કર્યા છે પણ એમણે જાહેરમાં હિંમત ભેર ખુલાસો કર્યો ત્યાર બાદ સમાજમાં છુટ થી માનભેર ફરે છે. આમ ડરીને રહેવાનો શો અર્થ ?એનો ડર જ કામ્યા ને સજા આપે છે.આપણા સમાજે પણ આ વાત સ્વીકારવાની જરૂર છે.નહીંતો બીજા અનેકને એમનો ડર જ નુકશાન કરી શકે છે..તને ખબર છે અમેરિકામાં ગે મેરેજને કાનૂની મંજૂરી મળી ગઈ છે. માનવ અધિકાર બધા લોકોને હોય છે પછી તે ફરક પડતો નથી કે તેઓ કોણ છે અને કોને પ્રેમ કરે છે.

પ્રેમ અંદરથી હલબલી ગયો હતો ,એને તો માત્ર મૌલીન દોષિત દેખાતો હતો,એ કામ્યા ની આ યાતના જોઈ શકતો ન હતો,એને તો બસ કામ્યા ને આ યાતનામાંથી છોડવાની હતી ,એ વધુ કૈક પણ બોલે તે પહેલા એણે શ્રેયા ને અને શશાંક કાશીબા ને લઈને આવતા દેખાયા અને વાત ત્યાં જ આટોપી દીધી

માની વેદના કાશીબાની આંખોમાં વર્તાતી હતી કાશીબા અસ્વસ્થ હતા પણ દીકરીને જોઈ ને એમની આંખમાં પ્રેમ દેખાવા લાગ્યો …ભલે કઈ બોલી નહોતા શક્યા ….

કામ્યાની બાજુમાં બેસી ધીમે હાથે તેમણે કામ્યાના હાથને હાથમાં લીધો અને વહાલથી માથા ઉપર હાથ ફેરવવા લાગ્યા…પ્રેમને જોઇને તે હળવેથી બોલ્યા..” આ બેન મારી કામ્યા જેવી નથી લાગતી?”

પ્રેમે કહ્યું “બા આ તમારી કામ્યા જ છે”

વિસ્મૃતિનાં વમળમાં ઘેરાયેલા કાશીબાને નવાઇ લાગી  ” ના કામ્યા તો નથીજ.. મને જોઇને તો તે તરત ઉઠે અને મને પગે લાગે ત્યારે આ તો જો જાણે કોઇ અસર જ નથી… પછી ધીમે રહીને કામ્યાનાં માથામાં હાથ ફેરવતા કહે ” બેન! તું ગમે તે હો ભગવાન તારું ભલુ કરે…

પ્રેમ સતત જોતો હતો આંખ નાં ડોળા ફરતા હતા અને મશીન પણ થોડોક અવાજ કરતું હતું…ડૉક્ટર પાછળ્થી આવીને જોતા હતા..કામ્યાની આંખે આંસુ બંધાતું હતું…

ડૉક્ટર કહે કાશીબાને તેમની સાથે કાયમ રાખો..તેઓ પાછા વળી રહ્યા છે… પ્રેમ અને સૌમિત્ર પહેલી વખત આનંદમાં ઝુમી ઉઠ્યા.. મીનીસ્ટરનો ખબરી ઉભો થઇને જતો હતો ત્યારે પ્રેમે તેને હાથ પકડીને જોરથી બેસાડતા કહ્યું ” હજી ઉતાવળ ના કર ભાઇ.. આ ખબર મોડા આપવાનાં હું તને પૈસા આપીશ.. અને ખબર છે ને બુઝતો દીવો વધુ ફફડે?” સૌમિત્ર તો સ્તબ્ધ જોઇ જ રહ્યો.. આ શું ચાલી રહ્યું છે .પણ સમાચાર તો પહોંચી જ ગયા

મૌલીન આવી ગયો.. અને કામ્યાનાં પત્ર ઉપર સહીં કરીને નાખી ગયો…

હવે કામ્યા મુક્ત હતી મૌલીન ઇલેક્શનમાં કંઇ ગરબડ થાય તે ઇચ્છતો નહોંતો   પ્રેમે કાગળ સાચવીને મુકી દીધો.. કાશી બા ને મૌલીન ઓળખાયો કે નહીં પણ તે પ્રેમને પુછતા હતા ..” આ મારી કામ્યા જ છેને?.. આરાક્ષસ તેને ફરી હેરાન કરવા આવ્યો હતો?

” ના બા એતો કામ્યાને છોડવા આવ્યો હતો.. જોવા આવ્યો હતો કે કામ્યા બચી જાય તો તેને તેની ચુંટ્ણી માં હેરાન ના કરે…’

કાશી બાનો ગુસ્સો સાતમા આસમાને ચઢતો હતો

 

 

 

પ્રકરણ (13) પ્રવીણા કડકિયા

મૌલિન, કામ્યાનો પતિ કે તેના જીવનનો ઝંઝાવાત ? ખબર નહી કામ્યા જીવનમાં ક્યાં માર ખાઈ ગઈ અને આ હેવાનના હાથમાં આવી ફસાઈ ! કૉલેજ્કાળ દરમ્યાન લગાતાર ત્રણ વર્ષ સુધી કામ્યા “મિસ સેંટ ઝેવિયર્સ”નું બિરૂદ મેળવી ચૂકી હતી. કૉલેજનો કોઈ પણ જુવાન એવો નહી હોય કે જેણે દિવાસ્વપનોમાં કામ્યાને નિહાળી આનંદ નહી માણ્યો હોય. મૌલિનનો કામ્યાને પરણવા માટે કોઈ ઈરાદો જરૂર હતો. કામ્યાની પાછળ પ્રેમ દિવાનો હતો. કૉલેજના બીજા  કેટલા જાન છિડકતા. કામ્યાએ પણ મૌલિનમાં એવું તો શું ભાળ્યું કે પસંદગીનો કળશ તેના પર ઉંડેલ્યો. આ બધા સંજોગોનું હવે પૃથક્કરણ કશા કામનું નથી.

પ્રેમ કામ્યાને કૉલેજકાળ દરમ્યાન ચાહતો હતો. તેને ગળા સુધી ખાત્રી હતી કામ્યા તેને વરશે. મૌલિન તેમાં મેદાન મારી ગયો. ઉછળતી જવાનીમાં જ્યારે પ્રેમી પાણીની માફક પૈસા વેડફે ત્યારે કોઈ પણ યુવતી તે પ્રેમીનો અનાદર ન કરે . એ ઉમર જ એવી છે  કે પ્યારની ફુંટેલી કુણી કુંપળ પૈસાના રણકારમાં દિલ જોઈ શકતી નથી. પ્રેમ કામ્યા કરતાં બે વર્ષ મોટો હતો. મૌલિન અને પ્રેમ એક જ વર્ગમાં હતાં. કામ્યા ફસાઈ રહી છે અને પોતે કાંઈ સહાય નથી કરી શકતો તે વાત પ્રેમને ખુંચી હતી. મૌલિનની સ્રરખામણીમાં પૈસાની વાતમાં પ્રેમ પાછો પડ્યો. છતાંય કામ્યા પ્રત્યે તેને કોઈ અણગમતી લાગણી ન થઈ. તેથી તો મૌલિન સાથેનો વ્યવહાર આડાપાટે ચડ્યો ત્યારે કામ્યા પ્રેમ પાસે દોડી ગઈ !

એક વાત ચોક્કસ જણાય કે મૌલિન પોતાની લઘુતા ગ્રંથીની લાજ રાખવા કામ્યાને કોઈ પણ ભોગે પામવા આતુર હતો. કદાચ તે વિસારે પાડી ચૂક્યો હશે કે કામ્યાથી તેની આ નબળાઈ કેવી રીતે ઢાંકવા સફળ થશે? લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈએ ત્યારે સઘળું ખુલ્લી કિતાબ જેવું હોય. સ્વાર્થના પડળ ચડ્યા હોય ત્યારે માનવ કાંઈ જોઈ શકતો નથી. રાજકારણનો અવ્વલ ખેલાડી કદાચ કામ્યાનો મહોરાં તરિકે ઉપયોગ કરવા લલચાયો હોય. રાજકારણ એ ખૂબ ગંદી રમત, તેમાં શંકાને સ્થાન નથી! તેને કારણે કામ્યાના શુટિંંગ દરમ્યાન કાચની બાટલી તેના તરફ આવી હતી. એ તો કામ્યાનું સારું નસિબ કે આબાદ બચી ગઈ.

મૌલિન પોતાની હાલત વિષે અજાણ હતો? શામાટે તેણે કોઈ પણ છોકરીની જિંદગી સાથે રમત કરવી હતી. તે પણ કામ્યા જેવી રૂપ રૂપના અંબાર સમાન છોકરી સાથે? ખેર,કોઈ પણ કન્યા આ વાત જાણી એક પળ પણ મૌલિન સાથે રહી ન શકે! છતાં પણ દાદાગીરી કેટલી? છૂટાછેડાના કાગળ પર સહી કરવા કેટલા પેંતરા રચ્યા. કામ્યાને ઈજા પહોંચાડતા પણ તેને લાજ ન આવી. તેને એમ ન થયું કાશીબાની શી હાલત થશે?

મૌલિન બાળપણથી ખૂબ મહત્વકાંક્ષી હતો. કામ્યાની કૉલેજમાં તેનાથી બે વર્ષ આગળ હતો. તેને કૉલેજમાં જોઈ ત્યારથી દૃઢ નિશ્ચય કરી ચૂક્યો હતો કે આ ‘બુલબુલ’ મારી બારીએ ગુંજશે. પૈસાદારનો નબિરો હતો. ગાડીમાં કૉલેજ આવે અને જાય. જ્યારે તેને ભાન થયું કે તે ‘સજાતિય આકર્ષણ’નો ભોગ બનેલો હોવાને કારણે જીવન ખૂબ દુષ્કર બનશે ત્યારે ધુંધવાયો. તેના સ્વપ્નોના મહેલ તેને ચણાતા પહેલા પડતાં નિહાળ્યા. આજે આ સ્થિતિ સરળ ભલે લાગતી. કિંતુ જે વ્યક્તિ આ પરિસ્થિતિમાંથી પસાર થાય તેની મનોદશા કળવી સહેલી નથી. હા, ધીરે ધીરે સ્વિકારે પણ કેટલાયની જિંદગીના ભોગે? કામ્યા એક પ્યાદું બની ગઈ. મૌલિનની જાળમાં ફસાઈ ગઈ.

પ્રેમનો પ્રેમ તેને ડોલાવતો પણ મૌલિનની વાચાળતા તેમજ તેની શૈલીનો ભોગ બની ગઈ.લગ્ન પછી શરૂ શરૂમાં કામ્યા સમજી ન શકી. જેટલી સોહામણી હતી તેના કરતાં વધુ સહ્રદયી હતી. ખુલ્લી આંખે મૌલિને બિછાવેલી જાળમાં ફસાઈ. પછીનો ફડફડાટ મૌલિનના બધિર કાને ન અથડાતો  ખૂબ પ્યાર અને સુહાના વાતાવરણમાં મોટી થયેલી દીકરીઓ સંસારની વાસ્તવિકતાથી અજાણ હોય એમાં નવું કશું નથી! મૌલિનનું પ્યાદું બની ગઈ.મૌલિન તકસાધુ હતો. કામ્યા જીવનમાંથી દૂર થઈ તેમાં તેણે ખાસ કાંઈ ગુમાવ્યું નહી. હવે જ્યારે એ હૉસ્પિટલમાં એવી દશામાં હતી ત્યારે જાણતો હતો કામ્યા તેને નડી નહી શકે! જો કદાચ એ ભાનમાં આવે તો ? એ પ્રશ્ન ગહન છે ! મનમાં રાજી થતો અને ઈચ્છતો કે કદી ભનમાં ન આવે!ધાર્યું ધણીનું થાય તે તેને બરાબર ખબર હતી. તેને સતાવવામાં કોઈ કમી બાકી રાખી ન હતી. સત્તાના લાલચુ મૌલિન માટે કામ્યા ‘એક ભૂલ’ પુરવાર થઈ. લગ્ન પહેલાં તેને પામવા તેના રૂપને પ્યાદુ બનાવી સફળતા સર કરવા માગતો હતો. લગ્ન જેવું પવિત્ર બંધન આ પરિસ્થિતિમાં કોઈ હિસાબે મજબૂત ન બને! જેને કારણે બન્નેના લગ્ન જીવનને પક્ષઘાત થયો હતો.

કામ્યા’મધુરજની’ માણીને આવ્યા પછી એક પણ દિવસ ખુશ ન હતી. મધુરજનીના સ્વપના તેણે ખૂબ સજાવ્યા હતા. તેથી બીજું કાંઈ તેને સ્પર્શી ન શક્યું.મૌલિનની શારિરીક સ્થિતિ વિષે તેને કોઈ અજુગતો વિચાર ત્યારે ન આવ્યો. મુગ્ધ અવસ્થા, રંગીન સ્વપના અને જુવાનીનો ત્રિવેણી સંગમ જ્યારે જામ્યો હોય ત્યારે નદીના પાણી મલિન છે એવી કલ્પના ન ઉદભવે! મૌલિનને મન હવે કામ્યા કશા કામની ન હતી. તે તો બસ રાજકારણ દ્વારા મળતી સત્તા, માન સન્માન અને દૌલતનો દીવાનો હતો. સત્તાના મદમાં માનવી કશું નિહાળી શકતો નથી. પૈસો એ સર્વ અધર્મનું મૂળ છે. જેને પ્રત્યે મૌલિનને   ખૂબ લગાવ હતો. ‘સત્તાની ભૂખ અને પૈસો’બસ પછી દુનિયા જખ મારે છે!  પોતાની ભૂલ એ પોતાની નહી કુદરતની છે એમ સ્વિકારી કાવ્યા તેની માટે કશા કામની ન હતી.  રાજકારણ અને તેની સાથે સંકળાયેલી સઘળી બદીઓ જ તેના જીવનના ઉત્કર્ષ માટે  જરૂરી હતાં. કામ્યાને સમજવાની તેની કોઈ તૈયારી પહેલાં દિવસથી ન હતી. આ તો ટાઢે પાણીએ ખસ જાય તેવા સુંદર  સંજોગોનો વિચાર કરતાં તેના મુખ પર કદરૂપું હાસ્ય ફરકી ગયું.

મૌલિન, મલીન હતો! એની પાસેથી બીજી કોઈ આશા ઠગારી નિવડે. સત્તા એ જ તેનો જીવન મંત્ર હતો.  તેને માટે કામ્યા હવે સાવ નકામી હતી.તેને રાહમાંથી દૂર કરવાના બધા અધમ કૃત્યો તે આચરી ચૂક્યો હતો. શું કામ્યા જાણતી હતી તેના જીવનમાં આવા દિવસો પણ આવશે?  એણે

જીવનમાં મૌલિનને બાદ કરતાં ઘણું મેળવ્યું હતું. મૌલિન કાચ અને હીરા વચ્ચેનો તફાવત ન પારખી શક્યો. માનવી જ્યારે ‘સત્તા અમે પૈસાના’ કાળા ચશ્મા ચડાવી દુનિયા નિહાળે છે ત્યારે તેને અસલિયત નહી દેખાય!મૌલિનને કોઈ પણ ભોગે હવે કામ્યા જોઈતી ન હતી. તેની નજર આગળ સ્પષ્ટ ચિત્ર હતું. મૌલિન સત્તા અને દૌલતનો ભૂખ્યો હતો.તેના હાસ્યમાં ક્રૂરતા અને દિમાગ પર સત્તાનો નશો છવાયો હતો.

કામ્યાનું કાસળ કાઢવું સહેલું ન હતું. કામ્યાનો પ્રેમી અને શુભ ચિંતક અડીખમ તેની પડખે ઉભા હતાં. મૌલિનને મન કામ્યા એક ‘દુઃસ્વપ્ન’ સમાન હતી. પૈસા અને સત્તાની પાછળ દીવાનો માનવી સારા અને નરસાનું ભાન ગુમાવી બેસે છે. પોતાની કમી સંતાડવા માનવ કેવા પગલાં ભરી બેસે છે તેનું ઉદાહરણ  લગ્નના વર્ષો ઝૂઝ હતાં તેમાં કોઈ જાતની ઉષ્માનો સદંતર અભાવ. હા, શરૂઆતના દિવસોમાં કામ્યાને પૈસા ખરચી રીઝવી શક્યો હતો. જુવાનીમાં ઘણી વાર છોકરીઓ તેનાથી અંજાઈ જાય છે તેનો જીવતો જાગતો દાખલો એટલે ‘કામ્યા”.

એ કામ્યા આજે હૉસ્પિટલના બિછાના પર પડી છે. તેને લગાડેલા આધુનિક યંત્રો પર તેની જીંદગી નિર્ભર છે. કાશીબાનું હૈયું આ દૃશ્ય જોઈ ચિત્કાર કરી ઉઠ્યું. મૌલિને પોતાની વહાલી દીકરીના આ હાલ કર્યા તે બદલ તેને કોસી રહ્યા. કામ્યાના બે મિત્રોને તેની ફરતે જોઈ રાહત અનુભવી. કાશીબા તેમને બહુ જાણતા નહી પણ આ દૃશ્ય તેમની આંતરડી ઠારી રહ્યું. કાશીબાને ધીરજ બંધાવી. આશ્વાસન આપ્યું .

‘બા, તમે હિંમત હારશો નહી”.

પ્રેમથી રહેવાયું નહી, ‘બા કામ્યાને કાંઈ નહી થાય’.

સોમિત્રો અને પ્રેમ બન્ને જણા કામ્યા પર જાન છિડકતા. કાશીબાને હૈયે શાંતિ વળી. કામ્યાને શું ચાલી રહ્યું છે તેની ક્યાં ખબર હતી? કામ્યા દેખાવે સુંદર હતી તેના કરતાં તેનું દિલ પ્યારથી છલકતું હતું. મૈલિન કામ્યાને સમજી શકવા અસમર્થ હતો. પથારીમાં બેભાન પડેલી કામ્યાને હવે ક્યાં તેની ફિકર હતી? આ જીવનમાં બીજી વ્યક્તિને સમજવું એ લગભગ અશક્ય કામ છે. છતાં લોકો ગર્વથી કહેતા હોય છે,’હું તેને ઓળખું છું’. માનવ પોતાને પણ સમજી શક્તો નથી. ત્યાં અન્ય વ્યક્તિને સમજી શકવાનો દાવો કરતો હોય છે.

સૌમિત્રો જ્યારે નાગરાજે કાયમી સંબંધ બાંધવાનો ઈન્કાર કર્યો ત્યારે કામ્યાની વહારે ધાયો. કામ્યાને મળતા સહુ મિત્ર ભાવે પણ તેમના મનમાં ઉંડે એવી આશા ખરી કે કામ્યા તેને પસંદ કરે અને લગ્નના પવિત્ર બંધનમાં બંધાય. સંજોગોવશાત તેનાં અરમાન અધૂરા રહેતાં હતાં મૈત્રીમાં ક્યાંય ખોટ ન જણાતી. કામ્યાનું લાવણ્ય, તેનો સરળ અને પ્રેમાળ સ્વભાવ જો મૈત્રી રૂપે હોય તો પણ તે મંજૂર હતું. જેને કારણે કામ્યા જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી ત્યારે તેની આસપાસનું વાતાવરણ તેને હુંફ આપી રહ્યું. કાશીબાના અવાજની મિઠાશ કામ્યાને સ્પર્શી ગઈ અને તેની પાંપણો થરથરી ! પ્રેમે તે નિહાળ્યું. પ્રતિભાવ અપાઈ ગયો. આવી વાત વાયરો પણ લઈ જાય. ધીરજ ન રાખે. તેઓએ નક્કી કર્યું કે વાત ખાનગી રાખવી છે. કિંતુ વાયરાએ તેની ફરજ બજાવી. મૌલિનનો ગુપ્તચર વાત સાંભળી ને સીધો દોડ્યો. તક સાધુ મૌલિને પળના પણ વિલંબ વિના મત્તુ માર્યું. “છૂટાછેડાના કાગળને ક્યાં લાગણીઓ સ્પશે છે? કાગળને મન કલમે કરેલા કાર્યના ભારને વહન કરવાનું છે. ભલેને તેનાથી કોઈને દુઃખ યા સુખ પહોંચે! તે નિર્લેપ હોય છે!

 

 

 

 

 

 

 

 

પ્રકરણ (૧૪) અર્ચિતા દીપક પંડ્યા

મૌલીન એની ઓફિસમાં એકલો બેઠો હતો , બધી મીટીંગ રદ કરીને ! ફરી એની નજર કામ્યા પાસેથી આવેલા છૂટાછેડાના કાગળ પર પડી , કોણ જાણે કેમ એમાં એને કામ્યા નું મો દેખાયું …. !

સ્મિત હતું ચહેરા પર ખુશીના ભાવ નહોતા ….! આંસુ નહોતા પણ દર્દ નીચવાતું હતું આંખમાં !

મૌલીન થોડો ગૂંચવાઈ ગયો …પ્રેમ નો ખાલીપો અનુભવાયો એને લાગ્યું કે  મહત્વાકાંક્ષા જો જીવનમાં ઉપર ઉઠાવે છે તો એ જ જીવનના બધા સમીકરણો ઉથલાવી પણ દે છે !….એ યોગ્ય માત્રામાં હોય તો અમૃત અને વધુ માત્રામાં હોય તો ઝેર છે !…સંબંધ વચ્ચે આવે તો એને પણ ઉથલાવી દે છે….કામ્યા મારી એક વખતની મિત્ર ! વિદ્યાર્થીનીઓની નેતા ! અને મારી ઝુંબેશમાં અગ્રેસર મારી સાથે ….મને સહયોગ આપનાર ની સાથે મારે આ રીતે વર્તવું નહોતું જોઈતું. મારા સ્વાર્થ ખાતર મારી જ મિત્રનો ભોગ લીધો મેં ? શરમ આવે છે ! અમારા જીવન ના યુદ્ધમાં એ ભીષ્મ બની અને હું શિખંડી !!!! એનું હૈયું આજે પહેલીવાર અંદરથી કોરાયું …માનવતાએ એને સાદ દીધો .એને અફસોસ થયો કે જયારે મેં મારી જાતને ઢાંકવા કામ્યા રૂપી અંધાર પછેડીનો ઉપયોગ કર્યો ત્યારે કલ્પના નહોતી કે આટલી હદે વાત વણસી જશે , ધન અને પ્રતિષ્ઠા ના મોહ માં પોતે એટલો ગળાડૂબ હતો એને એમ કે કોઈની જીંદગી ખરીદી લેવાશે !!!!!!…

પણ એ ખોટો પડ્યો સદંતર ….અફસોસ એના રૂંવે રૂંવે પહોચવા લાગ્યો હતો  !

માનવતાની ચીસ સંભળાઇ એને , એની જાડી ચામડી ભેદાઈ એક અવાજ આવ્યો.માંહ્યલો જાગી ગયો .બહારના બધાજ પરિબળોને અવગણી માનવી જયારે અંદરનો અવાજ સાંભળે છે ત્યારે એ ઈશ્વરની નજીક પહોચી જાય છે , એક એવી દ્રષ્ટિ જાગે છે જેનાથી પોતાની જાતને એ ત્રીજી વ્યક્તિ તરીકે જુએ છે .પોતાની થયેલી ભૂલને પસ્તાવાના ઝરણામાં ધોઈ શકે છે , અને પવિત્ર થઇ જાય છે.

મૌલીન યાદોની એ ધારામાં ભીંજાતો રહ્યો જ્યાં સંગ સ્વચ્છ હતો , લાગણીઓ હજુ ઉભરતી હતી …અને પ્રેમમાં નાદાન અને સ્વચ્છ કામ્યા સ્વાર્પણ માટે તૈયાર હતી , એને અનુભવ્યું એ જે સમય હતો એ ખુબ સુંદર હતો. કામ્યા મિત્ર તરીકે સર્વોત્તમ હતી …મારી ભૂલ હતી હું ખોટો હતો તો મારે એને વિફરેલી વાઘણની જેમ જિંદગીનો જંગ લડવા  મજબુર નહોતી કરવાની ! મારે એક પગથીયું ખોટું ચડ્યા પછી એને વિશ્વાસમાં લઇ લેવાની હતી તો મિત્ર તરીકે મેં એને ગુમાવી ન હોત ! મારી જરૂરિયાત અને મહત્વકાંક્ષા ના ઝૂલે હું એવું ઝૂલતો હતો કે સ્થિર થઈને યોગ્ય નિર્ણય ન લઇ શક્યો ! એણે ફરી પોતાની જાતને અરીસામાં જોઈ …

એ પોતે ….કયાં ખરાબ માણસ છે ? સુંદર ચહેરા પાછળ પોતાની કાળી બાજુ ઢાંકી છે ? ના, ત્રુટિ ઢાંકી છે !, મજબૂરી ઢાંકી છે !….સંજોગો કે ઇચ્છા જ  કોઇને ખરાબ બનાવી શકે !એ પોતે  કબૂલ કરે કે એને વિજાતીય આકર્ષણ નથી થતું અને બાકીના ગુણ વિકસાવે તો માણસ તરીકે એ ક્યાં ખોટો જ છે ! ભૂલ સમજાય અને સુધારવામાં અહમ નનડે તો સંઘર્ષ જ ક્યાં છે ? મન મક્કમ કરી એ ઉભો થયો ….એ મનમાં જ નિર્ણય બોલ્યો , એક એબ માત્ર થી માનવ મટી નથી જવું….જીવન દીપાવવાનો યોગ ઈશ્વર આપે તો લઇ જ લઉં ….

સત્વરે ગાડી કાઢવાનો આદેશ અપાયો ….આજે એક પતિ જઈ રહ્યો હતો , માનવીય લાગણીઓથી એક મિત્ર જઈ રહ્યો હતો …..સ્વાર્થમાં , અબળખા માં ગુણોનો રંગ ફિક્કો થઇ ગયો હતો એ આજે ખીલીને બહાર આવ્યો .એના પગે ઝડપ કરી કામ્યાને મળવા ! જીવન પાસે થી સતત લેવાનો પ્રયત્ન કર્યો આજે કૈક આપવું છે ! એને લાગ્યું કે એની હસ્તરેખાની વચ્ચે નવું આકાશ ખીલ્યું છે , જગ્યા છે , અવકાશ છે …..! બસ પ્રવૃત્ત થવાની જરૂર છે !પ્રિય  મિત્ર ના ખરા અર્થમાં મિત્ર થવાની જરૂર છે ! કામ્યાના અણસારા થી , હલન ચલનથી બધા રાજી હતા .કામ્યા જાણે કુદરતે પાછી આપી ! સમય થઇ રહ્યો હતો મુલાકાતીઓનો ..છુટા પડવાનું હતું.પ્રેમને મન કાશીબા એટલે એ ની જ જવાબદારી ….એ બોલ્યો કે હું કાશીબાને લઈને નીકળું, એમને ઘરે જ આરામ થાય , મુકીને આવું …પણ શ્રેયા અને શશાંકે એ જવાબદારી ઉપાડી લીધી .પ્રેમ ને ત્યાં જ રહેવું એવું નિવેદન કરી એ લોકો નીકળી ગયા.પ્રેમના ચહેરા પર આભાર સાથે સ્મિત આવી ગયું. બની શકે કે કામ્યાને બરાબર ભાન આવી જાય અને એ તેની નજીક જ હોય ! એની જોડે બે વાત થાય ….બસ, આખરે એ એનો પહેલો પ્રેમ હતી ! ખરું જુઓ તો બીજું કોઈ વસ્યું જ નહોતું એના મનમાં ! સુંદર, ગુણવાન , હિંમતવાન અને એક સુંદર વ્યક્તિત્વ એટલે એની મિત્ર કામ્યા અને ખરું કહો તો અત્યારના તબક્કે એનું સર્વસ્વ !

અત્યારના તબક્કે ? ના માત્ર એમ નહિ ….એ તો પહેલેથી જ પ્રાણપ્યારી હતી …..અફસોસ તો એ હતો કે વખતે ભાઈ વાજું વગાડી જ ન શક્યા !એક વખત તો દિલ ખોલવાની હિંમત કરી દેવાની હતી ! કહેવાનું હતું કે ગળાડૂબ પ્રેમ માં છું , મારે તું એટલે તું જ જોઈએ છે ! આટલા સરસ મિત્રો હતા તો કઈ બાબત હતી જેનાથી દુર રહ્યા ? શું એ પહેલ માટેનો અહં હતો કે આત્મવિશ્વાસ નો અભાવ હતો ?કયા હિચકીચાહત માં યોગ્ય સમય વહી ગયો અને પલળ્યા પણ નહિ ?!  મિત્રને પ્રેમિકા બનાવવા બે શબ્દો જ બસ હતા ! અને એ ચુકાઈ ગયા!

કામ્યા વિજાતીય મિત્રો જોડે સ્વસ્થ રહી શક્તી અને પ્રેમ ….થોડો સંકોચ અનુભવતો ! એના અફસોસનો પાર નહોતો પણ ઈશ્વરે એને મોકો આપ્યો છે,  એક નિર્દોષ ભૂલ સુધારવાની હતી ! કામ્યા અને એનું જગત એક કરી દેવાનું હતું .જીવન ના બે ત્રણ વર્ષ બગડે તો કઈ પહાડ નથી તૂટી પડતો , પણ બાકીના વર્ષોમાં બસ કામ્યા જોઈએ જ . પ્રેમ જીવનમાં હોવો જોઈએ , સાચો જ હોવો જોઈએ …મનમાં પરણવું ને મનમાં રંડાવું નથી ! એનાથી પોતે તો દુઃખી થાય આજુ બાજુના પણ થાય ! પ્રેમ એના સ્વભાવની કુમાશને લીધે આર્દ્ર થઇ ગયો . મો લાલ લાલ થઇ ગયું . આંખના ખૂણામાં ભીનાશ હતી પણ મનમાં મક્કમતા હતી . પોતાના છેલ્લા શ્વાસ સુધી હવે એ કામ્યાને છોડશે નહિ એ નિર્ધાર થયો . એને જોઈ ત્યારથી એને ચાહી છે , બસ હવે પ્રેમ માટે કામ્યા અને કામ્યા માટે જ પ્રેમ …..!!!!!

આ જ જીવન નું સંપૂર્ણ સત્ય !

એને લાગ્યું કે એની હસ્ત રેખાઓ હવે એની સામે હસી રહી છે .એનું પ્રોત્સાહન વધારી રહી છે. એક નાનું નવું અવકાશ એની મુઠ્ઠી માં આવી મળ્યું છે ! હવે તો બસ થયેલી ભૂલ સુધારી દેવાની છે !

સોમીત્રો ગહન વિચારમાં હતો , કેમેરામાં લીધેલા કામ્યાના પીક્સ નિહાળ્યા કરતો હતો. એણે વિચાર્યું કે કામ્યા તેના જીવનના દરેક પડાવ પાર કરતી કરતી મારી પાસે આવી  ને અટકી છે .ઈશ્વરે એને અંતે મારી પાસે મોકલી છે , એ મારી જ છે.મારે ક્યાં પૈસાની કમી છે , શોખને ખાતર આ ફોટોગ્રાફરનું પ્રોફેશન અપનાવ્યું છે.પિતાએ અઢળક દોલતમાં રમાડ્યો છે , જન્મથી જ ચાંદીની ચમચી વડે જ જમ્યો છું. કામ્યાની આજની પરિસ્થિતિમાં સહુથી વધારે મદદગાર હું જ નીવડીશ મારી સાથે એ રહેશે તો સુખ , સગવડ , પ્રેમ બધું જ મળશે.એને આવી માંદગી માં થી બેઠી કરવા હું તન , મન અને ધન ખર્ચવા તૈયાર છું. કેટલી સૌમ્ય સ્ત્રી છે કામ્યા ? હું જાણું છું કે હું પણ એને એટલો જ ગમું છું . પણ એના સંજોગોને લીધે એ મને સ્વીકારી નહોતી શકતી . અને એના વિચારો કેટલા ઉચ્ચ હતા, કે એના જીવન ની તકલીફો થી એ મને દુર રાખવા ઈચ્છતી હતી ! હંમેશા આપવાની ભાવના રાખતા માણસો બીજાને દુઃખ કે જરા જેટલી તકલીફ આપતા કેટલો હિચકીચાહત અનુભવતા હોય છે ?કામ્યા એવી મહાન વ્યક્તિઓ માની એક છે……… નહિ તો મને ખાતરી છે એ મારી સાથે જોડાઈ જ ગઈ હોત ! એના વર્તનની મને પળેપળ યાદ છે , એની આંખોમાં સ્વીકાર હતો,સ્પર્શમાં મૈત્રીની હુંફ હતી , અવાજમાં પોતીકો રણકો હતો ! ગોવાથી અમે છુટા પડ્યા ત્યાર પછી એકેવાર એવું નથી લાગ્યું કે એ મને ચાહતી નથી ! કે એ મને સ્વીકારશે નહિ .હા , એણે હજુ વિચાર્યું નથી એમ કહ્યું એમાં તો એ વાત ટાળવા જ એવું બોલી .શબ્દો એના જે હોય પણ એની નજર …….ઉફ્ફ ….એ નજરથી જ હું ચોરાઈ ગયો છું. હું મારામાં રહ્યો જ નથી ! કામ્યા હું સાચું કહું છું હું તને દિલ થી ચાહું છું.તારી સાચી પરિસ્થિતિ જાણ્યા પછી હું થોડો બઘવાઈ ગયો હતો , પણ હવે સ્વસ્થ છું , મારે તને ગુમાવવી નથી …..હાથવેંતમાં જ ગમતી વ્યક્તિ હોય અને ……….એની નજર પોતાના હાથ ઉપર પડી . હસ્તરેખાઓ જાણે વધુ ને વધુ ઊંડી ઉતરી રહી હતી .કર્મ નો પાયો બનાવી હથેળીમાં અડ્ડો જમાવી રહી હતી ! સોમીત્રોને લાગ્યું કે એ હસ્તરેખા જ હથેળીનું બળ બની ગઈ છે ….જીવન ખુલ્લા આકાશ જેવું ચોક્ખું અને મોટું દેખાવા લાગ્યું …..કામ્યા સાથે એમાં એ વિહાર કરી રહ્યો હોય એવું લાગતું હતું ….!

કામ્યા નું મન તેના શરીર જોડે લડી રહ્યું હતું .જીવનમાં ભજવાઈ ચુકેલા કિસ્સાઓની છાપ એના મન પર ઉપરા છાપરી છપાયા કરતી હતી.બાળપણ , યુવાવસ્થા ,લગ્ન અને જીવન એટલે કપરા ચઢાણ વાળો પર્વત ! ….એને સંતોષ હતો એ બરાબર જંગ જીતી હતી ! એક બહાદુર સૈનિકની જેમ ….જે બધા એને મળ્યા એ દરેકને પોતાના તરફથી એને કૈક આપ્યું હતું ….એ પ્રેમ સ્વરૂપે હોય , નિર્ણય સ્વરૂપે , વિરોધ સ્વરૂપે હોય પણ જે આપ્યું એ સાચું આપ્યું છે . સાચા દિલથી આપ્યું છે . એનું મન અતિશય ઉચાટ અનુભવતું હતું .એને થયું કે મારામાં રહેલા અનેક ગુણોમાં એકાદ તો અવગુણ હશે જ જેને લીધે હું  જીંદગમાં હેરાન થઇ ….મિત્ર પ્રેમ કરતો હોય ખબર હોય પછી એ કહે કે ન કહે શું ફરક પડે ?પ્રેમ એ પ્રેમનો દરિયો છે એ હું જાણતી હતી …તો એને મેં સામે ચાલી અપનાવી કેમ ન લીધો ? અને વિધિ ની વક્રતા કેવી કે અંતે જે વ્યક્તિ મારી પસંદગી બની એને તો ઠુકરાવો પડ્યો ! મૌલીન એ ઈશ્વરની ભૂલ હતો એ એ પોતે કબુલ નહોતો કરતો એ જ એની ભૂલ હતી …..ભૂલ તો  કયો માનવી નથી કરતો ?કોઈ અહં ની આડમાં ચુપ રહે,સંબંધ મ ર્યાદિત રાખે તો કોઈ પ્રેમની આડમાં વાસના નું હથિયાર  બને ! આ દુનિયામાં વ્યક્તિનું જે ચિત્ર છે એવું ક્યાં દેખાય છે ? કામ્યા માટે મિત્ર પ્રેમનો પર્યાય હતો તો ય દોડ મહત્વાકાંક્ષા તરફ થઇ …પતિનો ચુનાવ બન્યો મૌલીન અને મળી જાણે ઊંડી પછડાટ …નવી દિશા , જોઈતી સ્થિતિ નહિ, જયારે ….મન ને ગમે એવો કોઈ માણીગર મળ્યો તો જીવનમાં એને સ્વીકારવાનો અવકાશ ન મળ્યો  , કેવી કેવી સ્થિતિ આવી જીવનમાં ……..સમય બહુ જ ચાલાક છે એ બધાને થાપ આપવામાં જ માને છે !!!! શું મેલી ચાદર લઈને જ ઈશ્વર પાસે જવાનો વખત આવશે ?….

આછી ધ્રુજારી ફેલાઈ ગઈ ….માનવી માત્ર ભૂલને પાત્ર …ઈશ્વર માફ તો કરી દે છે , જો દાનત શુદ્ધ હોય તો …એની કૃપા તો જ મળે .એનો અવાજ રૂંધાયો હોય એવી ભીતિ થઇ ,જમણો હાથ અહલ્યાની શીલાની જેમ સ્થિર રહ્યો ….શરીર એક લાચાર અવસ્થા માં હતું….મન વિહ્વળ હતું …શરીર સાથે જોડાયેલા સાધનો થી દેખાતા સ્ક્રીન પર લીલા રંગ ની લીટીઓની ચાલ બદલાઈ .કામ્યાના શ્વાસમાં ઝડપ આવી , વાતાવરણમાં જાણે ગરમી આવી , તાપ વધ્યો …ઉચાટનો પારો વધ્યો!

કામ્યા સ્વસ્થ નહોતી , પ્રસ્વેદ બિંદુઓ એના કપાળ પર આવી રહ્યા હતા …..શરીર ઠંડુ પડી જતું હતું .વાતાવરણમાં કેમ ભાર વર્તાતો હતો .કામ્યાના મનના કંપનો , આંદોલનોથી આખું એ વાતાવરણ વિચલિત થઇ ગયું …….સોમીત્રો , પ્રેમ અને મૌલીન ત્યાં ત્રણે જણા પોતાનો અડ્ડો જમાવી હક્ક ની ઉઘરાણી અને સ્નેહની અરજી લઈને ઉભા હતા .કામ્યા અસ્વસ્થ થતી જતી હતી ,

પ્રેમને શંકા ગઈ કે એને કશું થાય છે ; એ દોડ્યો નર્સને બોલાવા માટે ….એને થયું કે પક્ષઘાત અને વાચા હણાઈ જવાથી એને માનસિક અસર થઇ રહી છે , તેને આઘાત લાગ્યો છે . એને જે કહેવું છે એ બોલી નથી શકતી એટલે વિહ્વળ થઇ છે. નર્સ સાથે એ પણ ભાગતો પાછો ફર્યો ….ડોક્ટરની સુચના અનુસાર નર્સે ઇન્જેક્શન આપ્યું .મોનીટરને ઓબ્ઝર્વ કરી એ બોલી ,….પેશન્ટ થોડા વખતમાં સ્થિર થઇ જશે …..એવી બાંહેધરી આપી એ વિદાય થઇ …..

ત્રણેય યુવાનોની નજર કામ્યા પરથી હટતી નહોતી પણ કોણ જાણે કેમ કામ્યા આંખ ખોલતી નહોતી .કામ્યાને બધા અવાજ દેવા માંડ્યા .પણ કામ્યાને લાગ્યું કે જાણે બીજા કોઈ ગ્રહ પરથી અવાજ આવી રહ્યો છે ! એના ડાબા હાથે બાટલો ચડી રહ્યો હતો ,એ હાથમાં તરફડાટ આવ્યો , એને કૈક કહેવું હતું …ધરતીના આગંતુક તરીકે કુદરતની , ઈશ્વરની દેન એનું શરીર સચવાયું નહિ એવી લાગણી એને થઇ રહી હતી …મન પર વધુ પડતો બોજો પડે તો એનો ભોગ શરીર બની જાય છે. અતિ સુખ, હર્ષ કે અતિ દુઃખ ,ઉદ્વેગ બંને જાન લેવા સક્ષમ છે ….એકલા આવીએ આપણે અહી પણ એકલા જીવાતું નથી . મન ની આવી જ કઈ વિચારધારા કામ્યાના ડાબા હાથમાં સળવળતી હતી …..

મૌલીન આગળ આવ્યો અને હાથ પર હાથ ફેરવવા લાગ્યો …કામ્યા અવાચક અને અબોલ દશામાં હતી , પણ એનું હૈયું ધબકારની એક પળ ચૂકી ગયું . એની આંખમાંથી દડક દડક આંસુ સરી પડ્યા …..પતિ અને મિત્ર એવી વ્યક્તિનો સ્પર્શ અનુભવ્યો …..એક પળ માં હજાર પળોનો અહેસાસ હતો ….આંસુ સરી જવા માંડ્યા એના સાક્ષી બની ….

પ્રેમથી જોવાયું નહિ …એ આંસુ લુછવા આગળ આવ્યો ….એના સ્નેહની ઠંડક કામ્યાને મળી …થોડી શાંત થઇ ..વર્ષોનો જીગરી એની નજીક છે એની ‘ હાશ ‘ અનુભવી એણે …..પ્રેમના સ્નેહની ગાંઠ માટે એને માન હતું .આંસુનો પ્રવાહ અટક્યો પણ ભંવા સંકોચાઈ ગયા .

સોમીત્રો આગળ આવ્યો અને તેનો મજબૂત અને હુંફાળો હાથ કામ્યાના કપાળ પર મૂક્યો , પ્રસ્વેદ બિંદુઓ લૂછ્યા ,કામ્યા વધુ શાંત બની …દવાની અસર અને સોમીત્રો નો સાથ બંને સાથે સાંપડ્યા …તેના ચહેરા પર આછું ફિક્કું સ્મિત આવી ગયું .સોમીત્રો આવ્યો જ હતો જીવનમાં એક દવાની જેમ , એક થેરાપીની જેમ , જેને કશું જ માંગ્યાં વગર આપવાની ઈચ્છા રાખી , બહુ નાની ઓળખાણે ….

એને કાશીબા નું પણ સ્મરણ થઇ આવ્યું ….જીવનમાં કેટ કેટલું મળે છે આપણને ….ભેટ રૂપે,લોટરીની જેમ , અચાનક મળતી ચમત્કૃતિ ની જેમ આપણે એની યોગ્ય કદર કરી શકીએ છીએ ખરા ?…ઈશ્વર કૃપા સમજી ભોગવી શકીએ છીએ ખરા ? …

કામ્યાને બધું બહુ કિંમતી લાગતું હતું એણે આંખ ખોલવા પ્રયત્ન કર્યો ….હવે આંખો બોલી રહી હતી એની …શ્વાસ ભારે અને મો લાલ થઇ ગયું હતું .પ્રસ્વેદ નીતર્યે જતો હતો . એને થયું  કે એ શાંત અવસ્થામાં ધીરે ધીરે જઈ રહી છે….ચકળ વકળ ફરતી આંખોને એણે બંધ કરી દીધી …..

બંધ આંખે એને અવકાશનો અનુભવ થયો ….ખુલ્લી દશા ….ખુલ્લી માનસિક સ્થિતિનો અનુભવ કર્યો ….એ તૈયાર હતી નવી દિશા માટે ….મંઝીલ માટે ….શુદ્ધ અને સ્વસ્થ સ્થિતિ લાગી એને ….. આકાશ નો એક ટુકડો અહી એની હસ્તરેખામાં ફૂટ્યો ….એને પાંખ મળી, નવું જોમ મળ્યું ….

 

 

 

અર્ચિતા દીપક પંડ્યા

 

 

પરિચય

અર્ચિતા દીપક પંડ્યા

જીવનયાત્રા માં લેખિકાના પડાવ

સુધીમાં આવેલા સ્ટેશનોની યાદી

સફર રોમાંચક

ચિત્ર, રંગમંચ, નૃત્ય,રંગ , સંગીત

વ્યવસાય , કલમ …