સુખ એટલે

 

મિત્રો ,

સુખ એટલે જે દુખ નથી તે… જીવનની બધી પળો એકસરખી હોતી નથી ..સુખ અને તેનાથી વિપરીત બધું દુઃખ,- અશાંતિ, અવનતિ અને આત્મવિમુખતા.  વિયોગ એટલે દુઃખ અને  યોગ એટલે શાંતિ, સમૃદ્ધિ, ઉન્નતિ, ઉત્કર્ષ, અભ્યુદય અને આત્મચેતનામાં શાશ્વત સ્થિતિ એટલે  સુખ બસ આ બધીજ વસ્તુને સુખમાં ગોઠવી જોજો .. હવે પ્રશ્ન ઊઠે છે કે  વાત દેખાય છે એટલી સુગમ છે  ખરી ? અને છે તો પછી આ વાત હંમેશા સ્મરણમાં કેમ નથી? આનો ઉત્તર છે આ પુસ્તક…કે રોજીંદા જીવનમાં  જે વાતને  આપણે એટલું મહત્વ નથી આપતા, એ ખરેખર સુખ છે આપણી પાસે હેવા  છતાં સુખની ઉણપ વર્તાય છે. અહી એ વાતને મહત્વ આપી  લેખકે પોતાના શબ્દોમાં પોતાની દ્રષ્ટિથી મુકી છે અને વાચતા વાચતા આપણને  આપણા સુખને દેખાડે છે   

આપણે સહુ જાણીએ છીએ કે સુખ એ ખુબ પેચીદો વિષય છે.  છતાં સર્જકો એને બેધડક આલેખ્યો છે …લેખકનો રોજ જીવનમાં કરતા સુખ અહેસાહને શબ્દોમાં વર્ણવી વાચકોને  સહભાગી બનવાનો આ પુસ્તક નો હેતુ અહી પુરો નથી થતો ..મહત્વની વસ્તુ એ છે કે સુખની બધાની શોધ વાચ્યા પછી પુરી નહિ શરુ થાય છે વાચકને આ લેખો વિચાર કરતા જરૂર કરે છે  સુખ  એટલે શું ? સુખી થવાના ઉપાયોના પુસ્તકો ખુબ વેચાણ કરી શકે છે.પણ સુખની કોઈ રેસીપી ના હોય। .. પણ અહી વાચકને સુખ વિષે વિચાર કરતા કરે છે તે મહત્વનું છે.

સાદી સરળ ભાષામાં લખાયેલા નિબંધો સુખની પોતાની અલગ વ્યાખ્યા આપે  અને એમાંથી જ વાચક પોતે પોતાને શું જોઈએ છે તે ખોળી કાઢે છે સુખ એ વ્યક્તિગત અનુભવ કે બાબત છે અને સંપૂણપણે વ્યક્તિગત છે આ પુસ્તક અજાણતા જ સાબિત કરે છે ..સરળતા ગમતી હોય તો આ પુસ્તક જરૂર ગમશ. ..પ્રયત્ન છે, સર્જકો લખે કારણ એજ તો સુખ છે અને આપ વાંચો  એ આપના ભાગનું સુખ છે. વાચ્યા પછી તો કૈક પામવાના એ વાત નક્કી છે…

અનુક્રમણિકા
સુખ એટલે (૧)- પ્રવીણા કડકિઆ
સુખ એટલે …(૨)-ફૂલવતી શાહ
સુખ એટલે..(૩) હરિશ્વંદ્ર જોષી
સુખ એટલે..(૪)પ્રજ્ઞા દાદભાવાળા ૧૪
‘’સુખ એટલે ‘’-(૫)વિનોદ પટેલ ૧૮
સુખ એટલે (૬) -હેમાબહેન પટેલ ૨૦
‘સુખ એટલે -(૭)તરુલતા મહેતા ૨૬
સુખ એટલે…(૮)પ્રભુલાલ ટાટારીયા ૩૧
સુખ એટલે… (૯) વિજય શાહ ૩૯
સુખ એટલે (૧૦) ડૉ.લલિત પરીખ ૪૪
સુખ એટલે-(૧૧)જયવંતીબેન પટેલ ૪૮
સુખ એટલે-(૧૨)કુંતા શાહ ૫૧
(૧૩)અહેવાલ-”બેઠક”માં ​”​સુખ​”​છલકાણું-09/26/2014 ૫૫
સુખ એટલે…(૧૪) પ્રણવ ત્રિવેદી ૬૦
સુખ એટલે…(૧૫)પદમાં-કાન ૬૩
સુખ એટલે (૧૬) ડૉ ઇંદુબહેન શાહ ૬૬
સુખ એટલે (૧૭)- ગિરીશ દેસાઇ ૬૯
સુખ એટલે…(18)મધુરિકા શાહ.   ૭૦
સુખ એટલે…(૧૯) કૃષ્ણકાંત ઉનડકટ… ૭૨
મારા વિષે થોડું ૭૮

 

સુખ એટલે (૧)પ્રવીણા કડકિઆ

મનને ગમે તે સુખ. મન ન માને તે દુઃખ.આમ જોઈએ તો ખૂબ સરળ છે.ના, તેના ગર્ભમાં ડોકિયુ કરી જુઓ! ખૂબ વિચલિત થઈ જવાશે. માનવ સ્વભાવ છે, સપાટી ઉપર નિરિક્ષણ કરવાનો. અરે, પેલા મરજીવાને જુઓ કેવા પરવાળા અને મોતી વીણી લાવે છે. કેટલે ઉંડે સાગરમાં ડૂબકી મારે ત્યારે તે પામવાનું સૌભાગ્ય મેળવે છે.

‘માંહી પડ્યા તે મહા સુખ માણે.’

શું બેંકમાં મિલિયન ડૉલર સુખ આપે છે કે પેલા હીરા, મોતી અને સોનાના દાગીનાથી ઉભરાતી તિજોરી  સુખના સાગર લહેરાવે છે? પૂછી જો જો પેલા શાંત જણાતા મનને, જે જવાબ પ્રથમ સંભળાય તે સાચો ! વિચાર મંથન કરીને મળે તે સગવડિયો. એમ રખે માનતા મર્સિડિઝમાં ફરનાર સુખી છે અને ફોર્ડ ફોકસ દુઃખ યા ગ્લાનિ દર્શાવે છે.

સુખ એ નજરનો અંદાઝ છે. દરેકની નજર અને નજરિયા અલગ અલગ હોઈ શકે. માત્ર સુખની માત્રા બદલાતી નથી. કોઈને રોટલોને દહી ખાવામાં સ્વર્ગનું સુખ લાગે છે તો કોઈને બાસુંદી અને માલપુવામાં.  તેનો અર્થ જોનારને ભિન્ન જણાય માણનારને નહી. આ તો પસંદ અપની અપની ખયાલ અપના અપના જેવી લાગણી છે.

રામ સાથે સીતા જંગલમાં સુખી હતી. જ્યારે ઉર્મિલા રાજમહેલમાં પતિના સુહાના સંગ વગર તરફડતી હતી. સુખ યા દુખને કોઈ સીમા યા બંધનમાં બાંધવા શક્ય નથી. આજે જણાતું સુખ કાલે દુઃખ જણાય તો નવાઈ ન પામશો!

જે રસગુલ્લા આજે મનભાવન હતા તે કાલે ‘મધુપ્રમેહના’ દર્દ ને કારણે દુઃખ આપવા સર્જાયા હોય તેમ લાગે. જે દીકરો બાળપણમાં વહાલો હતો તે કુકર્મોમાં સપડાઈ અવળા ધંધા કરે તો નિઃસંકોચ દુઃખનું કારણ બની શકે છે.

પેટમાં ચુંક આવતી હોય ત્યારે શીરો નહી ખિચડી પ્યારી લાગે. છાશ હૈયાને ટાઢક આપે. દારૂની બાટલી પીવાથી તેનો નશો સુખ આપે છે? જો નશો સુખ આપતો હોય તો દારૂની બાટલીના સુખનો અંદાઝ કાઢવો કેટલો સરળ થઈ જાય. કિમત બાટલીના કદ યા આકારની નહી, અંદર પૂરાયેલા પ્રવાહીની છે.

સુખ માણસના બહારના દેખાવ, કપડાં યા ગાડીથી નહી તેની અંદરની શાંતિ અને વર્તન પર આધારિત છે!

ભૌતિકતામાં સુખને માણનારનું સુખ ખૂબ મર્યાદિત સમય માટે સત્ય પુરવાર થાય. બાકી સ્વમાં વિશ્વાસ અને શ્રદ્ધા દ્વારા જે સુખ પ્રાપ્ત થાય તેને મિટાવવું ખૂબ મુશ્કેલ કાર્ય છે.

સુખ યા દુખ કશું શાશ્વત નથી. સુખની વ્યાખ્યા હરએક વ્યક્તિની અલગ અલગ હોવાની. સમય, સ્થળ અને  સંજોગો પર તેનો આધાર હોય છે. જે સુખ, આધારિત હોય તેનું આયુષ્ય કમ તેમાં શંકાને સ્થાન નથી. મનમાં શાંતિ, સ્વમાં વિશ્વાસ અને હૈયા ટાઢક એ સુખના ગુણધર્મો છે. બાકી દર્શનના સુખથી જે અંજાય છે તે કદાચ પોકળ પણ હોઈ શકે?

સુખ એ માનવની આંતરિક શક્તિ છે. માનસિક, લાગણી સભર કે જીવન પ્રત્યેનો અભિગમ. સંતોષ સઘળાં સુખનું મૂળ છે. સુખને મેળવવું, તેનો અહેસાસ માણવો,તેના દ્વારા પ્રપ્ત થતી આનંદની ભાવનામાં રાચવું એ  માટે સહુ સ્વતંત્ર છે.   દરેક વ્યક્તિના જીવનની આકાંક્ષા છે સુખની ‘પ્રાપ્તિ.’

યેન કેન પ્રકારેણ’ મેળવેલું સુખ લાંબુ ટકી ન શકે. સાત્વિક પ્રયત્ન અને શુદ્ધ મનની ભાવના જરૂરી છે. સુખ એટલે વિનયી વર્તન,  પ્રેમથી છલકતી આંખો અને હ્રદયની વિશાળતા . જો પૈસો સુખનું સાધન બને અને સાથે અહંકાર યા ઉદ્ધતાઈ રુમઝુમ કરતાં આવે તો શું સુખનો અનેરો આનંદ પમાય ખરો ?

સુખના પ્રકાર અલગ અલગ છે. સુંદર કુદરતી દૃશ્ય, સંગિત, નાટક  યા સિનેમા દ્વારા પ્રાપ્ત થતો આનંદ એટલે સુખ એ ટુંકા ગાળાનું સુખ છે. લોટરી લાગે, બોનસ મળે કે ધંધામાં જંગી નફો થાય   તે સુખનો આનંદ નશો આપે છે. જ્યારે વ્યક્તિમાં કલાનું અસ્તિત્વ હોય તો સર્જનતાનો આનંદ અને સુખ લાંબા ગાળાનું હોઈ શકે.

એક વાત યાદ રાખવી સુખ ક્યારે દુઃખનું કારણ બને તે કળવું મુશ્કેલ છે. અત્યારે તો આપણે આ લેખ લખતા હું અને વાંચતા તમે સુખ માણીએ તે ઘણું છે!

સુખ એટલે …()-ફૂલવતી શાહ

 

કેટલો સુંદર વિષય  છે ! સુખ એટલે શું ? સુખ કોને કહેવું ? સુખના કેટલા બધા પ્રકાર છે. શારીરિક સુખ, માનસિક સુખ, પૈસેટકે પુરતાં  હોવું એ  આર્થિક સુખ  , સમાજ માં માનપાન મળવું એ   સામાજીક પ્રતિષ્ઠા નું સુખ  વિગેરે….વિગેરે….
જુના જમાનાની કહેવત છે  કે…..

” પહેલું સુખ તે જાતે નર્યા ,   બીજું સુખ કોઠીએ જાર;
ત્રીજું સુખ  સંતોષી  નાર ,  ચોથું સુખ ઓરડે સપૂત. “
આજે  આપણે  વર્તમાન  પરીસ્થિતિ  પ્રમાણે  વિચારીએ તો કોઈની પાસે ઘણી મિલકત છે  તો તેને સાચવવાની ચિંતા એ એનું મોટું દુ:ખ છે. અને જેની પાસે   પૈસા નથી તેને કેમ જીવાશે તેની ચિંતા એ પણ  દુ:ખ છે .  કોઈ પોતાના સ્વભાવે દુ:ખી છે.કેટલાક  લોકો પોતાના  દુ:ખે  દુ:ખી હોય  તો કોઈ બીજાનું સુખ જોઇનેદુ:ખી થાય છે. ઈર્ષ્યાળુ  માનવી સુખે જીવી શકતો નથી .  કેટલાંક  ભૂતકાળને યાદ કરીને  દુ :ખી થાય છે, ગઈગુજરી યાદ કરી  દુ:ખ અનુભવે છે તો કોઈ  ભવિષ્યની ચિંતામાં  ડૂબી ને રિબાય છે. જગતમાં અનેક જગાએ લોભ અને દગાબાજી કરી અરસપરસ  દુ:ખદાયક પરિસ્થિતિ પેદા કરાય છે. જુઠું બોલવું કે ખોટું આચરણ  કરી કોઈને દુ:ખી કરવાની નવાઈ નથી રહી. આ ઉપરાંત  કેટલીક  વ્યક્તિઓ  પોતાના વહેમી સ્વભાવને લીધે  દુ:ખી થાય છે. દરેક બાબતમાં  નકારાત્મક વિચાર કરી કોઈ ઉલટી જ કલ્પના કરી દુ:ખ અનુભવે  છે.આમ જોવા જઈએ તો સર્વત્ર દુ:ખ ફેલાયેલું છે, પણ એની બીજી બાજુએ સુખછુપાયેલું છે.તો એ સુખના દર્શન ક્યારે થાય? આ સુખના દર્શન કરવા તમારે ક્યાંય જવાની જરૂર નથી.અપેક્ષા નો ત્યાગ કરવાની જરૂર છે.હું જાણું છું કે  લખવાનું જેટલું સહેલું  છે તેટલું કરવાનું સરળ  નથી.છતાં પણ માનવીએ  હકારાત્મક વિચારોથી મનને   કેળવવું જરૂરી છે.  સ્વપ્રયત્ન થી જ મન  ધીરે ધીરે કેળવી શકાય.મારો પ્યાલો અડધો ખાલી છે તેનેબદલે મારો પ્યાલો અડધો ભરેલો છે એ ભાવના કેળવવી જોઈએ. અને આનું જ નામ સંતોષ.આપણી કહેવત છે કે –
“સંતોષી નર સદા સુખી”  આપણે પોતાની વર્તમાન પરિસ્થીતી ને અપનાવવાની છે. અહીં પોતાની વર્તમાન પરિસ્થિતિ નેઉજ્જવળકરવા પ્રયત્ન કેપુરુષાર્થનેત્યાગવાની વાત  નથી એ યાદ રાખવું તેટલું જ જરૂરી છે. અંત માં એટલું જ  કહીશ કે ‘સંતોષ જેની પાસ છે, તે છે સદા સુખી ‘

ફૂલવતી શાહ

સુખ એટલે..(૩) હરિશ્વંદ્ર જોષી

 

બસ, આટલું સમજો તો તમે સુખી છો, બોસ!

બે સરખા સુખી જણાતા માણસો પણ એક સરખું સુખ અનુભવતા જોવાતા નથી. તફાવત માણસને મળતા સુખનો તફાવત છે.
સુખનો અનુભવ એટલે શું? આવો પ્રશ્ન એક મિત્રએ પૂછ્યો. આવા પેચીદા પ્રશ્નનો જવાબ શું આપવો તેની મૂંઝવણ થઇ. કારણ કે સુખનાં કારણો જુદા જુદા હોઇ શકે પરંતુ સુખની અનુભૂતિ તો લગભગ એક જ સરખી હોય છે. વળી, સુખની વ્યાખ્યા દરેક ઉંમરે જુદી જુદી હોઇ શકે. આ સંદર્ભમાં (ઓશો) રજનીશજીની એક વ્યાખ્યા બહુ સરસ છે. તેમણે કહેલું કે બાવીસ વર્ષની ઉંમરે તમારી મનગમતી છોકરીના પંજાબી ડ્રેસના દુપટ્ટાનો છેડો તમને સ્પર્શી જાય તે સુખ છે.

તે જ કન્યા તમારી પત્ની બને પછી બાવન વર્ષની ઉંમરે તમે તેને એમ કહો વાહ, આજે તે ભજિયાં બહુ સરસ બનાવ્યાં છે પણ એક પ્રકારનું સુખ છે અને બોંતેર વર્ષની ઉંમરે તમે તમારી એ જ પત્નીને એમ કહો કે આજે પેટ બહુ જ સરસ રીતે સાફ આવ્યું હોં! આ પણ સુખનો જ એક અનુભવ છે. ઓશોની વ્યાખ્યામાં આખાય જીવનમાં ક્રમશ: આવતાં દરેક સુખની વ્યાખ્યા આવી જાય છે.

સુખ એ અંદરથી આવતી વાત છે અને તેને ઝીલતા શીખવું જોઇએ, કારણ કે ઘણીવાર માણસ પાસે સુખ હોવા છતાં એ ઝીલવાની અણઆવડતના કારણે તે પ્રાપ્ત નથી થતું. પોતે સુખી જ છે તે સમજવા માટે માણસે પોતે સમજદાર બનવું પડે કારણ કે જગતમાં માણસને જન્મથી જ સુખ અને દુ:ખ મળવાના જ છે. પરંતુ દુ:ખ મળતા માણસ બેબાકળો બની જાય છે અને એ બેબાકળાપણું, દુ:ખ જીવનમાંથી ચાલ્યા ગયા બાદ પણ લાંબા સમય સુધી ચાલે છે. પરિણામે માણસ પાસે જે સુખની ક્ષણો આવે તે માણવાનો સમય ઓછો થઇ જાય છે.

હકીકત એ છે કે આપણને દુ:ખને હરાવતાં કે સુખને ભેટતાં આવડતું જ નથી અને તેને કારણે સુખની ક્ષણો જીવનમાં ઓછી થઇ જાય છે. સુખ માટેનો વિચાર કરતી વખતે સૌ પ્રથમ એ વિચારવું પડે કે, આપણને કઇ બાબત સુખી કરી શકે તેમ છે? માણસ પાસે આ વ્યાખ્યા ન હોવાને કારણે પણ તે કેટલાક દેખીતા સુખથી તે વંચિત રહેતો હોય છે. એવી અનેક ઘટનાઓ જીવનમાં બનતી હોય છે કે જે તમારા માટે સુખનો જ સંદેશો લઇને આવે છે પરંતુ તે જોવા કે માણવા માટે આપણી પાસે દ્રષ્ટિનો અભાવ હોય છે.

દા.ત. એક કુટુંબમાં મા-બાપ બંને હોય, વયસ્ક હોય અને તેમનાં પાંચ સંતાનો તેમની સાથે રહેતાં હોય અને તમામ સંતાનો તથા પુત્રવધૂ કે જમાઇ પણ તેમની પ્રત્યે સન્માન અને પ્રેમથી વર્તતા હોય તો તે એક પ્રકારનું સુખ છે. પરંતુ તે માતા-પિતા જો આ વાતને સંતાનોની ફરજ રૂપે જોઇને તે બાબતને અવગણે તો તે સુખને અવગણવા જેવી વાત થઇ ગણાય.

ઈશ્વર તમને કોઇ પણ મોટા રોગમાંથી આજીવન મુક્ત રાખે તેને સુખ ગણવાનો આપણે ત્યાં રિવાજ નથી. સંતાનો યૌવનમાં પ્રવેશી જાય ત્યાં સુધી કોઇ દિવસ હોસ્પિટલ ન જોવી પડે તે પણ એક પ્રકારનું સુખ છે તે સમજવાની આપણી તૈયારી નથી. લાંબા અંતરનો પ્રવાસ કરીએ અને સુખરૂપ ઘરે પાછા ફરીએ તો એ ઈશ્વરે બક્ષેલું એક સુખ છે તે સમજતાં કદાચ આપણને આવડતું નથી.

સુખ એ ભાગ્ય સાથે સંકળાયેલી ઘટના પણ છે. સૌરાષ્ટ્રમાં એમ કહેવાય છે કે, કોઇક માણસના જીવનમાં સુખ ન લખ્યું હોય તો પછી તમે તેને ગમે તેટલો સુખી કરવાનો પ્રયત્ન કરો તો પણ તે સુખ ભોગવી શકતો નથી. સુખ ભોગવવાની આતુરતા પણ સુખની પ્રાપ્તિનો શ્રેષ્ઠ માર્ગ છે. ઘણા માણસો આ રીતે સતત સુખ શોધતાં હોય છે અને તે લોકોને સુખ મળી પણ જતું હોય છે. કોઇ પરમ નિકટની વ્યક્તિના ઘરે ગમે ત્યારે જઇ શકાતું હોય અને કશા જ કારણ વગર કલાકો સુધી બેસીને ગપ્પાં મારવાનો અધિકાર હોય તો તે પણ સુખનો એક પ્રકાર છે. કોઇને કહી પણ ન શકાય અને સહી પણ ન શકાય તેવા દુ:ખને સાંભળવા અને તેમાંથી તમને બહાર કાઢવા કોઇ પરમ દોસ્ત તમારા જીવનમાં હોય તો તે પણ સુખની નિશાની છે. આવી સમજ આપણે ક્યારે કેળવીશું?

સુખ પામવું હોય તો આપવું પણ જોઇએ. ઘણીવાર બીજાને સુખી કરવામાં પણ આપણને સુખનો અનુભવ થતો હોય છે. આ અનુભવ કદાચ સૌથી પવિત્ર સુખનો છે. મા-બાપ, પતિ-પત્ની, સંતાનો, સગાં-વહાલાં વગેરે માટે કશુંક કરી છૂટવું અને તે દ્વારા તેમને સુખી કરવા તે પણ આપણા જીવનમાં ભવિષ્યમાં આવનાર સુખ માટેની કેડી કંડારવા સમાન છે તેમ અનુભવીઓએ કહ્યું છે.

સુખ જ્યારે આપણી સાથે હોય ત્યારે જે કંઇ ઘટનાઓ બની હોય તેને અંતર મનમાં સરસ રીતે સંગ્રહિત કરવી જોઇએ. જો આમ થાય તો ભવિષ્યમાં જ્યારે દુ:ખના દિવસો આવે ત્યારે તેનો સામનો કરવા માટે આ સ્મરણો અદ્ભુત મદદ કરતાં હોય છે. સુખની કે દુ:ખની ક્ષણોમાં તમારો તેના પ્રત્યેનો અભિગમ કેવો છે તે બહુ મહત્વનું છે. આપણી પાસે જે કંઇ છે તેનાથી સંતોષ હોવો તે પણ સુખનો એક પ્રકાર છે.

ટૂંકમાં સમજણ હોય તો સુખ વિશેષ હાથવગું છે. ઈશ્વરે જ્યારે માણસને પૃથ્વી ઉપર મોકલ્યો ત્યારે તેને આંખ, કાન, નાક, હાથ, પગ વગેરે બધું જ આપ્યું, પરંતુ તેનો ઉપયોગ કરવાની આવડત બધાને અલગ અલગ આપી છે. એ જ રીતે માણસને ભગવાને સુખ પણ સાથે જ આપ્યું છે પરંતુ તેને માણવાની આવડત કદાચ જુદી જુદી આપી છે. એટલે જ ઘણીવાર બે સરખા સુખી જણાતા માણસો પણ હકીકતમાં એક સરખુંસુખ અનુભવતા જોવાતા નથી. આ તફાવત જ માણસને મળતા સુખનો તફાવત છે.

ઇતિ સિદ્ધમ્:

‘પત્ર પોતાને લખી જીવ વાળવો,

એ રીતે વસમા સમયને ખાળવો.-

હરિશ્વંદ્ર જોષી, બોટાદ
http://www.divyabhaskar.co.in/article/MAG-know-understand-this-things-boss-1849952.html
kalash@guj.bhaskarnet.com

સુખ એટલે..()પ્રજ્ઞા દાદભાવાળા

સુખ એટલે મને ગમે તે.

સુખ એટલે  સુવિધા.

વસ્તુઓથી મળતી અનુભૂતિ સુખ છે.  

સામન્ય માનવીની ભાષા છે.

સુખ માંગ્યા કરતો માનવી ભિખારી છે.

અધૂરા સ્વપ્નો દુઃખતા ગુમડા છે.

અને સાકાર થયેલા સ્વપ્નો સુખનો ગાંગડો.

સુખ એટલે ગમવું.

માનવીને  ઘણું બધું ગમે છે.

અનેઘણું બધુંએજ સુખ ની ભાષા છે.

ગમાઅણગમાજ સુખ અને દુઃખ  છે.

દરેક જણ સુખી થવાની ઝંખના રાખે છે.

પરંતુ દુઃખી  થાય એનું નામ માણસ છે.

judgemental attitude દુઃખ  સર્જે છે.

દરેકના મનનું એક conditioning હોય છે.

સુખ ની બધાની પોતાની પરિભાષા છે.

બાળપણમાં સુખ પતંગ ,લખોટી અને ફુગ્ગો બની આવે છે

તો જુવાનીમાં કોઈનું સ્મિત ,અને મીઠો સ્પર્શ સુખનો અહેસાસ બને છે

અને છેલ્લે  ઈચ્છાઓ સુખના વાઘા પહેરે છે.

એમાં સાચું સુખ ખોવાઈ જાય છે.

જે ગમે તે સુખ ભ્રમણા છે ,માનવી ભ્રમણા જીવે છે.

દુઃખ સહેવાતું નથી.

અને સુખ વગર માનવીને ફાવતું પણ નથી.

દુઃખમાં સુખ જોઈએ  છે.

અને સુખમાં વધુ સુખની ઘેલછા છે.

ઝરણાં ,નદી ,સાગર  ને માનવી માણતો નથી.

અને પાણીને  H2O પુરવાર કરી સુખ ગોતે છે.

 માટે  માનવી છે.

માણસ સતત અસહજ સ્થિતિમાં રહે છે.

અને સુખ ની દોડમાં,

અત્યારની ક્ષણ ને માણતો નથી.

દુન્યવી સુખ અધૂરા છે.

સુખ પાછળ દોડતા માણસને,

સુખ ભટકાવે છે અને  

દુ; હંફાવે છે.

જીવન જીવવા જેવું છે.

સુખની ઈચ્છા વગર સહજતા સુખ છે.

તે માત્ર આનંદ અને માત્ર આનંદ છે.

હવે જે મળ્યું તેજ આનંદ છે. જે સુખની અનુભૂતિ છે.

કોઈની પર આધાર રાખ્યા વગર,

ખળખળ વહેતું જાણે ઝરણું.

સુખ અને આનંદ માં ભેદ છે.

સુખ દોડાવે છે.

અને સંતોષમાં આનંદ છે.

સુખી વ્યક્તી આનંદ માં હોતી નથી.

પણ આનંદી વ્યક્તિ હંમેશા સુખી છે.

બસ આજ સુખ છે.

પ્રજ્ઞા દાદભાવાળા

‘’સુખ એટલે ‘’-()વિનોદ પટેલ

 

સુખ – દુખ નું  કાવ્ય ….. વિનોદ પટેલ

જીવન ચગડોળના ડબામાં આપણે બેઠાં છીએ

ડબો દુઃખમાં નીચે અને સુખમાં ઉપર જાય છે

ચગડોળની મોજ છે ,ને પડવાની બીક પણ છે

પણ આમ જ જીવન મેળાની મજા લુંટાય છે.

 

જીવનમાં ક્યારેક સુખની વર્ષા થતી જોવાય છે

તો ક્યારેક દુખોના વાદળોથી અંધકાર ઘેરાય છે.

સુખની વર્ષા ટાણે મેઘ ધનુના રંગો દેખાય છે

જીવનમાં આનંદની અનુભૂતિ છવાઈ જાય છે

દુખના અંધકારમાં આભમાં તારાઓ દેખાય છે

તારાઓના પ્રકાશથી આગળ માર્ગ વર્તાય છે

સુખમાં મેઘધનુષ્ય એ અલ્પ કાળની ખુશી છે

દુઃખમાં તારાઓ  ભાવી સુખની નિશાની છે .

 

જીવનનું આ સત્ય સૌએ યાદ રાખવા જેવું છે

સુખ યા દુખ  એ જીવન સિક્કાની બે બાજુ છે

 

સુખી થયા , ગર્વ ના કરો, સુખ કંઈ કાયમી નથી.

દુખી થયા , દુખ ના કરો, દુખ પણ કાયમી નથી.

વિનોદ પટેલ , સાન ડીયેગો, કેલીફોર્નીયા

સુખ એટલે () –હેમાબહેન પટેલ

 

સુખની પરિભાષા શું છે ? સુખ કોને કહીશું ? સુખની શોધમાં લોકોની આખી જીંદગી પુરી થઈ જાય છે. તેની વ્યાખ્યા કરવી એ કઠીન કામ છે. ટુંકમાં કહેવું હોય તો આપણી સામે જે પરિસ્થિતી આવે તેમાં આપણું મન આનંદ અનુભવીને ખુશ થાય તે સુખ છે. દરેક વ્યક્તિ નિરંતર સુખની જ કામના કરે. પરંતું આખી જીંદગી સુખી કોણ રહી શકે છે ? દરેકને જીવનમાં કોઈને કોઈ કઠિનાઈઓ આવવાની જ . તેનો સામનો કરીને , તેમાંથી રસ્તો કાઢી જીવતા આવડે તો દુખ ઓછું થાય. મીરાંએ ગાયુ છે.

રામ રાખે તેમ રહીએ ઓધવજી, આપણે ચિઠ્ઠીના ચાકર થઈએ ઓધવજી,

કોઈ દીન ભોજન શીરોને પુરી તો કોઈ દીન ભુખ્યા રહીએ

કોઈ દીન પહેરણ હિર ને ચીર તો કોઈ દીન સાદા રહીએ

કોઈ દીન રહેવાને વાડીને બંગલા તો કોઈ દીન જંગલ રહીએ

કોઈ દીન સુવાને ગાદીને તકીયા તો કોઈ દીન ભૉય પર સુઈએ

બાઈ મીરાં કહે છે પ્રભુ ગિરીધરના ગુણ

સુખ-દુખ સૌ સહી લઈએ ઓધવજી રામ રાખે તેમ રહીએ.

મીરાંએ કેટલી મોટી વાત સમજાવી છે. ભગવાન જે પરિસ્થિતીમાં રાખે તેને ભગવાનનો પ્રસાદ માનીને  સ્વિકારી લઈએ તો દુખ છે જ નહી. બધાને માટે આ વસ્તુ બોલવી સહેલી છે. સાચે જીવનમાં આવે ત્યારે દુખ ઉભુ થાય. કારણ મનને તેની મરજી મુજબ રાચવું છે. સુખ-દુખ એ મનના ખેલ કહ્યા છે. સૌથી પહે્લા મરકટ મનને તૈયાર કરવું પડે. દરેક વ્યક્તિ તેના સ્વભાવ પ્રમાણે સુખની વ્યાખ્યા કરે છે.

એક જ પ્રસંગ, પરિસ્થિતી બે વ્યક્તિઓ તેનો અલગ અલગ અનુભવ કરે. કારણ બે વ્યક્તિના વિચાર જુદા જુદા હોય છે.   દુનિયામાં સુખ-દુખ જેવી કોઈ વસ્તુ છે જ નહી, મનનો ભ્રમ કહો યા મનની સ્થિતી. મન જ સર્વનુ કારણ કહી શકાય.આમ જોવા જઈએ તો સુખ-દુખ એ આપણા કર્મોનો હિસાબ છે.  દુખ આવે ત્યારે ભગવાનને દોષ દીધા વીના જીવન સુધારવુ જોઈએ જેથી કર્મોનો સંચય ઓછો થાય. કર્મોના મોટા પહાડ સમા જે ઢગલા કર્યા છે તેનુ સ્મરણ કરીએ તો જે દુખો આવીને ઉભા છે તે તુચ્છ લાગે.

સાચું સુખ હકારાત્મક વિચારો રાખવાથી આવે. હશે, નભશે, ચાલશે આ ગાંઠ મનમાં બાંધેલી હોય તો ઓછુ દુખ આવે. મનની અંદર અનેક ઈચ્છાઓ હોય તેને કારણ લાલચ ઉભી થાય, આ લાલસાઓ સંતોષાય નહી ત્યારે દુખ ઉભુ થાય. ઈચ્છાઓને કોઈ અંત હોતો નથી, બધી ઈચ્છાઓ ક્યારેય ન સંતોષાય.જેને ઈચ્છાના  ઘોડાની લગામ ખેંચતા આવડે તેને દુખ ઓછા હોય, માટે જ કહે છે સંતોષી નર સદાય સુખી.

વર્તમાન યુગ એવો છે દરેકની વૈભવશાળી જીંદગી બની ગઈ છે. દેખા દેખી ,તેમાં હરિફાઈ જેને કારણ બીજા પાસે જે છે તેનાથી મારી પાસે વધારે હોવું જોઈએ.  હવે વધારે પામવા માટે કેટલી બધી મહેનત , કેટલા બધા છળ કપટ, અનિતી કરવી પડે. જો તેમાં સફળ ન થવાય તો પાછું દુખ ઉભુ થાય. દુખ જાતેજ ઉભુ કરેલ છે. ભગવાને જે આપ્યું છે તેનાથી મન ધરાતું નથી. પોતાને જે મળ્યું છે તે પસંદ નથી બીજા પાસે જે છે તે વધારે પસંદ આવે છે. ભગવાને કર્મના હિસાબ કિતાબ કરીને ન્યાય કરીન જે આપ્યું તે મંજુર નથી . ભાગ્યમાં જેટલું લખ્યું હોય તેટલુ જ તેનો સમય આવે ત્યારે જ મળે .ભગવાનની આ વ્યવસ્થા જો સમજાઈ જાય પછીથી જીવનમાં સુખ જ છે.

સાચુ સુખ છે

મનનો સંતોષ, હકારાત્મક વિચારો, શરીરની નિરોગી સ્વસ્થ તંદુરસ્તી ,બીજાના દુખમાં દુખી બીજાના સુખમાં સુખી એવુ ઈર્ષા વીનાનુ જીવન.પરોપકારી જીવન, જરુરિયાતમંદ લોકોને મદદ કરવાથી મનને આનંદ થઈ સુખની લાગણીનો અનુભવ થાય. નિસ્વાર્થ સમાજ સેવા, જન કલ્યાણ ,માનવ સેવા કરીને લોકોને આનંદ મળતો હોત છે, ગુપ્ત દાન, વિદ્યાદાન કરીને, આડોશી-પાડોશીને સુખ-દુખમાં મદદ કરીને , ભારતમાં ઘણા ડૉક્ટરો એવા જોયા છે જે ગરીબ લોકોને વીના મુલ્ય સારવાર કરીને આનંદ અનુભવીને  ખુશ થાય છે.કંઈ કેટલાય લોકો જોયા છે જેઓએ પોતાની પુરી જીંદગી બીજાની સેવા અર્થે ખર્ચી નાખીને તેમાં આનંદ અનુભવે છે. મનની ખુશી એ તો સુખ છે. સુખ માણવું જ હોય તો ઘણા રસ્તા છે. આપણુ મન કયો રસ્તો અપનાવે છે તેના ઉપર સુખનો આધાર છે.

સાચું સુખ સમાયેલું છે ઈશ્વર ચિંતનમાં અને સ્વની પહેચાનમા. દરેક જણ પોતાની જાતને ઓળખી લે તો પછી દુખ જેવું કંઈ છે નહી. બીજાની જીંદગીમાં ઝાંકવાથી, બીજાના અવગુણો જોવાની ટેવ હોય છે, બીજા લોકો પણ આપણા વિચારો પ્રમાણે, આપણુ મન કહે તેમ ચાલવું જોઈએ. બીજાના પર આપણા વિચારો લાદવાની ટેવ હોય છે. બીજાની પંચાત કરવાથી દુખ ઉભા થાય છે. પરંતુ જ્યારે પોતાના અવગુણો જોવાના ચાલુ કરીશું ત્યારે દુખ ભાગી જશે. સ્વને ઓળખીએ ત્યારે મનના રાગદ્વેષ ઓછા થાય છે. સુખની પ્રતિતી અવશ્ય થાય છે.

સૌથી મોટું અને અગત્યનુ છે આત્મ સુખ ! મનુષ્ય જન્મ મળ્યો છે જેનાથી પરમ તત્વની પ્રાપ્તિ થવાની છે . તે  આત્મસ્વરૂપને ઓળખીએ તો તેની સામે દુનિયાના સંસારિક સુખો તુચ્છ લાગે. સાચું સુખ શોધવાનો ક્યારેય પ્રયત્ન નથી કરતા.  ક્ષણિક સુખની પાછળ દોડીએ છીએ તે પણ જન્મો જન્મથી. ક્ષણિક સુખ માટે ન જાણે કેટલાય ભવ બગાડ્યા હશે ! ગીતાનો બારમો અધ્યાય જેમાં શ્રી કૃષ્ણએ ભક્તના લક્ષણ બતાવ્યા છે. તેમને કેવો ભક્ત પ્રિય છે

અધ્યાય ૧૨ – શ્લોક ૧૮

समः शत्रौ च मित्रे च तथा मानापमानयोः

शीतोष्ण सुख-दुखेषु समः संग विवर्जितः

અર્થાત

જે શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન રીતે વર્તે છે. માન અપમાનમાં જેને સમભાવ છે

તાઢ-તડકો , સુખ-દુખ વગેરે દ્વંદો પણ જેના મનને સમાન છે

શ્રી કૃષ્ણએ કહ્યું છે જેની બુધ્ધિ મિત્ર અને શત્રુ બંને માટે સરખી હોય, બંને માટે કોઈ ભેદભાવ ન હોય જેને માન અપમાનની કંઈ પડી નથી, કોઈ માન આપે તો પણ ઠીક ન આપે તો પણ ઠીક,માન અપમાનની તેને કોઈ પરવા ન હોય, તેના મનને તેની કોઈ અસર ન થાય કોઈ પણ ઋતુમાં ટાઢ-તડકામાં અકળાઈ ન ઉઠે. દરેક વસ્તુ અને પરિસ્થિતીમાં સમભાવ દાખવે. સુખ-દુખમાં સમાન રહે , જેને સુખ-દુખની પડી નથી, સુખ-દુખ તેના મનને સ્પર્ષે નહી તે સ્થિતપ્રજ્ઞ કહેવાય.

આપણી જાતને સવાલ કરીએ આમાંનુ એક પણ લક્ષણ આપણામાં છે?  તેના પરથી સુખ-દુખની વ્યાખ્યા સમજાશે.

સુખ એટલે -()તરુલતા મહેતા

‘સુખ એટલે           (સ્વગતોક્તિ )

સમીર સાથે મુક્તિએ સપ્તપદીના સાત પગલાં માંડ્યા  પછી જીવનમાં સુખ નામના  પ્રદેશની શોધ આદરી ,સ્વપ્નોની પાંખે આકાશમાં ઉડાન કર્યું ,સપનાં સિઘ્ઘ કરવાં  મુક્તિ અને સમીર સતત પાંખો વીઝતા રહ્યા,કસ્તુરીમુગ સુગંધની શોધમાં વનમાં  દોડ્યા કરે.સુગંધ એની નાભિમાં છે,તે મુગ જાણતું નથી તેવું જ કઈક મુક્તિના જીવનમાં થયુ.આજે

ધાયલ પંખીણી જેવી  મુક્તિ સ્વ સાથે સુખનો સંવાદ કરવા નત મસ્તક સમીસાંજે એકલી બેઠી .જીવનના સાતમા દાયકામાં તે પ્રવેશી ચૂકી હતી ,સરિતાના વહી જતા  પાણી

અને બદલાતી મોસમની જેમ સમીરનો સાથ અને સુખનાં સપનાં સરી પડયા હતા.એણે પોતાને પ્રશ્ન કર્યો ,”મુક્તિ તું કોણ ?સમીરને મળી તે પહેલાં તને શેમાં સુખ લાગતું હતું ?

એના મને જવાબ આપ્યો ,’ભારત સ્વતંત્ર થયું એ વર્ષે જન્મેલી તેથી માતાપિતાએ મુક્તિ નામ આપેલું ,નાનપણથી જીવનમાં સપના સેવવા અને તેને પામવાનો પ્રયત્ન કરવામાં  મહેનત કરવી ગમતી,ભૂખ ,આરામને છોડવા પડતા ,સગવડ અને સુવિધા જિદગીમાં ત્યારે ઓછા હતાં ,એનો કોઈ અસંતોષ નહોતો ,મનમરજીથી જીવન જીવવામાં

આનંદ આવતો , હું માબાપની સાદી  જીદગી અને  મધ્યમવર્ગીય રહેણીકરણીમાં સુખી હતી ,કારણ કે જીવનમાં હળવાશ હતી ,મનમોજી જીવન હતું.મધુરાં ગીતો અને રસમાં તરબોળ

કરતાં પુસ્તકો ,રમતિયાળ બહેનપણીઓ અને ભાઈબહેનોની ધીગામ્સ્તી હતી  ,ન ત્યારે સમયની ખેચાખેચ કે ન  પેસાની હાયવોય .શું મને ફરી એવું જીવન મળે?શું મને એ સુખ મળે?

એણે દૂર દૂર આકાશમાં ડૂબતા રવિની લાલિમા જોઈ.સાંજના  પડછાયામાં તેનું ચાર બેડરૂમનું હાઉસ અને બેકયાર્ડમા  બેઠેલી તે ઓગળી રહ્યા હતા.એને ભણકારા થયા કે એના દીકરી

દીકરો આવ્યાં ,ગ્રાન્ડ કીડ્સ દોડાદોડી કરી રહ્યાં છે.એની પોતાની જિદગીને કિતાબની જેમ વાંચતી હતી.હવે શું થશેની જિજ્ઞાસા ,ચિતા અને વ્યગ્રતા એને ઘેરી વળી હતી.એણે મનને

ટકોરા મારતા કહ્યું ,વાર્તાની જેમ જીવનમાં પણ કરુણ ,હાસ્ય। શ્રુંગાર।,વીર ,ભય અને શાંત ભાવોનો  અનુભવ કરવો કુદરતનો નિયમ છે.સમીરના જીવનની વાર્તા એના દેહ પુરતી

પૂરી થઈ ,અનંત સમયની ટ્રેનમાં એનું સ્ટેશન આવી ગયું,પણ ટ્રેન તો દોડ્યા કરેછે,હું ,અમારા સંતાનો ,તથા એમના બાળકોનો પ્રવાસ ચાલુ છે.સમય કોઈને માટે રોકાતો નથી.હું શા માટે થંભી ગઈ છુ ?હું સમયને અનુકૂળ નહી થાઉં તો સમય મને ઢસડીને ,બળજબરીથી આગળ લઈ જશે,મારી દિશા બીજું કોઈ નક્કી કરશે,હું પરાધીન અને પરાવલંબી થઈ

જઈશ.મારાં સંતાનો માટે બોજ અને ટેન્શન બની જઈશ.હું મુક્તિ સ્વતંત્ર રહેવા ટેવાયેલી પરાધીન બનું ?સમીર કહેતો ‘સોએ પોતાના સુખને જાણવાનું છે અને પામવાનું છે ‘

સમીર સાથેના પ્રેમભર્યા સહજીવનમાં મારી જિદગીનો મોટો હિસ્સો વીતી ગયો ,ભૂતકાળ ગમે તેટલો પ્રિય હોય પણ વર્તમાન ઉગતા સૂરજ જેવો છે,તેજીલો અને પ્રભાવશાળી ,

વર્તમાનમાં રહેવાથી  મનુષ્ય   ગોરવભેર જીવન નિભાવી શકે છે.ભૂતકાળમાં રાચવાથી વહેતા જીવનજલ આડે અડીખમ શીલા ખડી કરી દેવા જેવું છે.મુક્તિ ભૂતકાળના બોજથી

તારા  શરીર અને મનને તોડી નાંખીશ તો જીવતેજીવ મુત્યુ અનુભવીશ,તારી જીવતી લાશને જોઈ તારા સંતાનો ,ગ્રાંડ કીડ્સ ,સગાં અને મિત્રો સો આઘાં જતાં રહેશે,

વર્તમાનનું  દરેક ઉગતું પ્રભાત વિસ્મય અને આશાના કિરણો ફેલાવે છે.જગતનિયંતા છુટા હાથે પ્રકુતિને રંગોથી રંગે છે.તારે દરરોજ તેને માણવાનું છે,પ્રભુનો જેટલો ઉપકાર માનું

તેટલો ઓછો છે.સમીરનો દેહ નથી પણ એના સહવાસની સુંગંધ છે.મારા સંતાનોને દાદાદાદીનો બેવડો પ્રેમ કરીશ.એઓ એમની જિદગીમાં ગોઠવાયેલા છે.પોતાના સુખને શોઘવામાં

સપનાં સાકાર કરવામાં તેઓ બીઝી છે.મારે મારી સ્વતન્ત્રતા અને મારા વર્તમાનને સિઘ્ઘ કરવાની તક છે.મારી એકલતા ,લાચારી જોઈ તેઓ તેમના ઘરે રહેવા માટે આગ્રહ

કરે છે,પણ હું  પ્રભુએ આપેલા મારા જીવનને અર્થસભર કરીશ,શરીરનું આરોગ્ય જાળવવું મારી પહેલી ફરજ પણ આત્માની જાગુતિ વગરનું જીવન નકામું ,જાગ્રતી વિના એ  શોકની

ઊડી ખીણમાં દટાઈ ગઈ હતી.પેમના મોહમાં સાનભાન ભૂલાય તેમ શોકના અંધકારે તે વર્તમાન ભૂલી હતી,હવે હું બીજાના દુઃખને સમજીશ ,મદદ કરીશ , સમાજે

અને પ્રભુએ મને આપ્યું છે,તેના ઋણને  તન મન અને ધનથી ચૂકવીશ,મુક્તિને પોતાનો નવજન્મ થયો હોય તેવો આનંદ થયો ,કહેવાય છે,પચપન કે બાદ બચપન ,બાળકની જેમ

નિર્દોષતાથી જગતનો આનંદ માણવાનો ,ગ્રાંડકીડ્સના તોફાનોને જોવાના અને સુખ દુઃખની સંતાકુકડીમાં નિજાનંદમાં મસ્ત રહેવાનું ,મુક્તિને પોતાની જાત ઉપર હસવું કે રડવું તેની

મૂઝવણ થઈ કેમકે પોતાના દુઃખનું નાળિયેર તોડ્યું ત્યારે અંદરથી સુખનું મીઠ્ઠું કોપરું મળ્યું ,દુઃખો આવી પડે છે પણ સુખને મેળવવું પડે છે.

‘વલણ હું એકસરખું રાખું છુ ,આશા નિરાશામાં ,

બરાબર ભાગ લઉં છુ જિદગીનાં સૌ તમાશામાં ,

સદા જીતું છુ એવું કઈ નથી,હારું છુ બહુધા પણ ,

નથી હું હારને પલટાવવા દેતો હ્તાશામાં  .

કવિ અમુત ઘાયલ

તરુલતા મહેતા

સુખ એટલે…()પ્રભુલાલ ટાટારીયા

                    શબ્દના અર્થ ઘટન અસંખ્ય રીતે થાય છે, પણ જવાબ જરા અટપટા,અકલ્પનાતીત અને અસ્પષ્ટ છે.જુના વખતના કોઇ સાક્ષરે તેના માટે કહ્યું છે કે….

પહેલું સુખ તે જાતે નર્યા બીજુ સુખ તે ફેરા ફર્યા ત્રીજુ સુખ તે સુલક્ષણા નાર ચોથુ સુખતે કોઠીમાં જાર….”(આમાં કોઇ ખોટો શબ્દ પ્રયોજાયો હોય તે જાણકાર મને ક્ષમા કરે) રચના બહુ લાંબી છે હવે કોને સુખ કહેવું ને કોને અવગણવું એક પ્રશ્ન છે. દાખલા તરિકે કોબીનો દડો એક પાન કાઢો તો બીજો દેખાય હવે કોબીના પહેલા પાનને કોબી કહેવી કે છેલ્લા પાનને કે પછી આખા દડાને કોબી કહેવી? દારૂ પી ને મસ્ત થયેલાને ત્યારે કેવો સુખદ્અનુભવ થતો હોય છે તે તો એને ખબર હોય છે તેનું વર્ણન અશક્ય છે તોમ્હાય પડ્યા તે મહાસુખ માણે…..”એક સુખ એકને આનંદ આપનાર હોય તો બીજાની દ્રષ્ટીમાં એની કોઇ કીંમત હોય એવું બને.      

       સાચું સુખ માપવાના કોઇ કાંટલા હોતા નથી કે,આટલું વજન હોય તો સાચું સુખ.સુખનો કોઇ ચોકક્સ માપદંડ નથી કે આટલો લાંબો,પહોળો કે આટલો ઉંચો અથવા આટલી ત્રિજયા વાળો હોય તો સાચો સુખ.સુખ કોઇ પાણીદાર હીરો પણ નથી કે આટલી પહેલ પાડેલી હોય કે આટલા કેરેટ વજન હોય સાચું સુખ.સોનાની પરખ કસોટી પર ઘસીને ને કરવામાં આવે છે પણ સુખ તપાસવાની કોઇ કસોટી હજુ શોધાઇ નથી.એક માછીમારનો દાખલો લઇએ

              એક માછીમાર માછલા પકડી અને તેને તળકે સુકવવા નાખી પોતાની હોડીમાં આરામથી સુતો હતો.એક બિઝનેસ મેનેજમેન્ટ ભણેલાએ સરસ માછલીઓ જોઇ માછીમારને પુછ્યું

માછલા પકડતા તમને કેટલો સમય લાગ્યો?’

બહુ જાજો નહીં….’

તો તમે જરા વધારે વખત દરિયામાં રહી વધુ માછલી કેમ પકડતા નથી?’

અત્યારે હું જેટલી માછલીઓ પકડું છું તેમાંથી મારું અને મારા કુટુંબનું ગજરાન સારી રીતે થાય છે

તો બાકીના સમયમાં શું કરો છો?’

ઘેર જઇને મારા બાળકો સાથે રમું છું,બપોરના લાંબા સમય સુધી ઊંઘ લઉ છું,રાતે જમીને મિત્રો સાથે બેસી બે ઘુટડા દારૂ પિવું છું, ગીટાર વગાડું છું,મિત્રો સાથે નાચું છું, ગાઉ છું એમ હું સુખી છું

પણ તમે જો વધારે વખત દરિયામાં રહીને વધુ માછલીઓ પકડો તો તમારી આવક વધી જાય તેમાંથી તમે આનાથી મોટી હોડી ખરીદી શકો

પછી….?’

ત્યાર બાદ બીજી ત્રીજી ચોથી એમ તમારી પાસે હોડીઓનો કાફલો થઇ જાય

પછી…?’

અત્યારે તમે તમારો માલ દલાલને આપો છો પછી તમે માછલી પેક કરતી કંપનીને માલ સપ્લાય કરી શકો

પછી….’

ભવિષ્યમાં કદાચ તમે માછલી પેક કરવાનું કારખાનું નાખી શકો

પછી….?’

તમે નાના ગામડાના બદલે કોઇ મેટ્રો સીટીમાં રહી શકો

પછી….?’

મેટ્રો સીટીમાં તમારો વેપાર વધતા તમે શેર બઝારમાં કરોડો રૂપિયા કમાઇ શકો

કરોડો….? પણ કમાયા પછી…?

પછીની વાત બહુ રસિક છે…..એક દૂર નાના ગામડામાં એક મકાન લઇને તમે બાકીની જીન્દગી સુખે પસાર કરી શકોઘેર જઇને તમારા બાળકો સાથે રમો, બપોરના લાંબા સમય સુધી ઊંઘ લો,રાતે જમીને મિત્રો સાથે બેસી બે ઘુટડા દારૂ પિવો,ગીટાર વગાડો,મિત્રો સાથે નાચો,ગાવ વગેરે વગેરે…’

ભાઇ મારા બધુ થાતા કેટલો સમય લાગે…?’

અં….અંદાઝે….૨૦ કે ૨૫ વરસ…..’

તો ૨૦ કે ૨૫ વરસ પછી મળવાનું હોય તો મારે મારા સુખના કિમતી ૨૦ કે ૨૫ વરસ શા માટે હાય વોયમાં કાઢવા…?’

સુખ સરળ લાગતા શબ્દનો અર્થ કહો કે,ભાવર્થ ઘણો ગહન છે.ભાવાર્થ એટલા માટે કે તમે સુખને ક્યા મનોભાવથી તપાસો છો જેવો કે,આંધળાઓએ જોયેલો હાથી.જેના હાથમાં સુઢ આવી તે હાથીને લાંબો કહે છે તો જેના હાથમાં દંતુશુળ આવ્યું તે હાથીને વજ્ર ઘણે છે જેના હાથમાં પગ આવ્યા હાથીને થાંભલા જેવો ઘણે છે જેણે પેટ પર હાથ ફેરવ્યો તે હાથીને પર્વત કહેછે તો જેના હાથમાં પુછડું આવ્યું તે દોરડું જેવું કહે છે.
સુખનો આધાર માણસના મનો જગત પર છે.રસાયણ શાસ્ત્ર મુજબ સુખની કોઇ ચોક્કસ ફોર્મ્યુલા નથી કે, થીયરી પ્રમાણે હોય તે સુખ.કોઇને સારા કપડા પહેરવામાં સુખ મળતું હોય,કોઇને આલિશાન બંગલામાં સુખ મળતું હોય,કોઇને સારી અને મનગમતી બાઇક કે કારમાં સુખ મળતું હોય,કોઇને સુશીલ ગૃહિણી મેળવીને સુખ મળતું હોય,કોઇને સંતાન સુખથી સુખ મળતું હોય,કોઇને સારું સારું ખાવામાં સુખ મળતું હોય તો કોઇને બે ઘુંટડા પીવા મળે…..આમ યાદી અનંત છે.ખુબીની વાત છે કે,એકને લાગતું સુખ બીજા માટે દુઃખ પણ હોઇ શકે.
અમે એક મૌનીબાબાને મળવા ગયા ત્યારે મારા મનમાં ઘોળાતો પ્રશ્ન પુછ્યો સુખ એટલે…? તેમણે હાથના ઇશારાથી દર્પણ દર્શાવ્યું એટલે મેં કહ્યું હું સ્મજ્યો નહીં બાજુમાં પડેલ સ્લેટ ઉપર તેમણે લખ્યું ++ મને આપ્યું અને હાથના ઇશારાથી સમજાવ્યું કે,ઉંધે થી વાંચ તો થયું ++ મતલબ જે ખુશ હોય તે સુખી હોય. એક સરળ થીયરી છે કે,માણસ ખુશ હોય તેના પાસે સુખ હોય.

અમારા ગામમાં એક જણ સરસ ફાફડા બનાવે છે અહીં દિલ્હીમાં તમને જલેબી મળે પણ ફાફડા મળે મેં કહ્યું તું દિલ્હી ચાલ તારો ધંધો ત્યાં સારો ચાલશે તો તેણે હસીને કહ્યું અહીં બાંધેલા સમયમાં હું ફાફડા બનાવું છું પછી હું મારી રીતે જીવું છું મિત્રોને મળુ છું ફેમિલી સાથે સમય વિતાવું છું ત્યાં મારું કોણ અને અહીં જેવી મજા મને દિલ્હીમાં ક્યાંથી મળે? હતી તેના સુખની વ્યાખ્યા.
એક વખત હું બસમાંથી ઉતર્યો મારા પહેલા ઉતરેલા ઉતારૂઓ જેમને જરૂર હતી ફટાફટ રીક્ષા ભાડે કરીને વહેતા થયા બધી રીક્ષા જતી રહી હું આમતેમ જોતો હતો તો દૂર એક રીક્ષા ઊભેલી દેખાઇ.મેં તેમાં બેસી મારા ઘરનું સરનામું આપ્યું અને મોજથી સીટી વગાડતા રીક્ષા ચલાવવા લાગ્યો.રસ્તામાં મેં એને પુછ્યું
બધા રીક્ષાવાળા બસને ઘેરીને ઊભા હતા તું કેમ આવ્યો તો એણે કહ્યું મને છેલ્લા ફેરો કરવો હતો અને જેને જરૂર હશે પોતે મારી પાસે આવશે જેમ સાહેબ તમે આવ્યા.’
છેલ્લો ફેરો મતલબ હવે તું રીક્ષા નહીં ચલાવે?’
ના મારી આજની તમારા ભાડાથી કમાણી પુરી થઇ ગઇ.હવે હું સિધ્ધો ઘેર જઇશ જમીશ મારી દીકરીને રમાડતા ઊંઘી જઇશ સાંજે મારી ઘરવાળી અને દીકરીને રિક્ષામાં બેસાડીને દરિયા કિનારે લઇ જઇશ મારી દીકરી ધુળમાં રમશે અને અમે ચિપ્સ ચાવતા વાતો કરતા તેની રમત જોઇશું
હતી એક સામન્ય એક રીક્ષા વાળાના સુખની વ્યાખ્યા.
એક પાર્કમાં સાંજે સિનિયર સિટીઝન્સ ભેગા થઇને હાસ્ય કલ્બ ચલાવતા હતા.બધા સાથે મળીને બેસે ટૂચકાઓ સંભળાવે ગીતો ગાય અને મોટેથી ખડખડાટ હસે.હું પાર્કના દરવાજા પાસે ઊભો મારા મિત્ર સાથે વાતો કરતો હતો ત્યારે એક સિનીયર સિટીઝન બીજા ને કહેતા હતા અહીંથી ગયા બાદ રાત્રે સરસ ઊંઘ આવે છે અને મન ફ્રેશ થઇ જાય છે. હતી સિનીયર સિટીજનના સુખની વ્યાખ્યા.
છેલ્લે આપણા કોઇ આદ્યકવિએ લખ્યું છે કે,
સુખે સુવે સંસારમાં એક નર કુંભાર ચિંતા બાંધી ચાકડે ધન તેનો અવતાર
ભાગોડેથી માટી લઇ આવે કોઇ પણ જાતના રોકાણ વગર અને માટલા ઘડી વેંચે ને રોટલા ખાય કશું ચોરાઇ જવાની બીક તો હોય નહીં એક ચિંતા એના ગધેડાની હોય ચાકડા સાથે બાંધી દે જેથી ભાગી જાય કુંભારના સુખની વ્યાખ્યા.
જો ચારે તરફ નજર ફેરવશો તો આવા ઘણા દાખલા જોવા મળશે ફકત આપણને જોવાની ફુરસદ અને સમય હોય તો….

           વાત કહેવાનો તાત્પર્ય છે કે સાચા સુખનું બીજું નામ છે સંતોષ એટલે કહેવાયું છે કેસંતોષી નર સદા સુખી”.હાલશેચાલશેફાવશે….ભાવશે અને ગમશે તમે પાંચ શબ્દો અપનાવી લો તો સાચુ સુખ હાથ વેંતમાં છે.બાકી તો તુંડે તુંડે મતિ ભિન્ન તેમ તુંડે તુંડે સુખ ભિન્ન.ભક્ત કવિ નરસૈયાએ કહ્યું છે કેસુખ દુઃખ મનમાં આણિયે ઘટ સાથે ઘડીયા….”જન્મથી સુખ અને દુઃખ આપણને સાથે મળેલા છે પણ આપણે જો આપણું સુખ સિમિત રાખીએ તો દુઃખી થવાનો વારો આવે.નહિતર સુખ મેળવવાની દોડમાં લાગ્યા પછી એક સુખ મળ્યા પછી તેથી વધારે સુખની દોડમાં લાગી જઇએ એમ સતત દોડતા રહીએ છીએ અને મળેલા સુખને માણ્યા વગર આયખું પુરું કરીએ છીએ બસ આટલા લખાણથી સંતોષ માની લઉં?

સુખ એટલે… () વિજય શાહ

તળપદી ભાષામાં સુખ એટલે આનંદ દાયક પરિસ્થિતિ અને દુઃખ એટલે અણગમતી પરિસ્થિતિ.. બંને પરિસ્થિતિ જ છે પણ મનનાં ત્રાજવે તોલાયેલી અને સ્વિકાર્ય કે અ સ્વિકાર્ય પરિસ્થિતિ.. એનો અર્થ એવો તો થયો જ કે ઘટેલી ઘટના ઉપર મન જે સિક્કો મારે તે પ્રમાણે અનુભુતિ થાય.

અહીં એ પ્રશ્ન થાય કે કોણ જરુરી અનુભુતિ કે મન નું ત્રાજવુ?

અનુભુતિ તો ઘટના છે જેમ કે મિષ્ટ અન્ન ખાધુ.હવે ઓડકાર આવ્યા પછી મન એમ વિચારે કે આ સુખ હતુ કે દુઃખ ત્યારે સહજ જ હસવુ આવે કે મિષ્ટ અન્ન હતુ. ખવાઇ ગયુ પછી આ વિચાર જરુરી ખરો?

મહદ અંશે જે લોકો દુઃખી છે તેનું કારણ આ એક નાનકડા લેખમાં આપ્યુ છે

બે કીડીઓ હતી. એક મીઠાના પહાડ પર રહેતી હતી, અને બીજી કીડી ખાંડના પહાડ પર. એક દિવસ પહેલી કીડી બીજી કીડી પાસે આવીને બોલી – “બહેન! તું હંમેશા ખાંડ ખાતી રહે છે, શું મને પણ એનો સ્વાદ ચાખવા દેશે?” બીજી કીડીએ ઉત્તર આપતા કહ્યું – “હા બહેન! કેમ નહીં. અહીં તો જ્યાં-ત્યાં ખાંડ જ ખાંડ છે, એ સિવાય અહીં બીજું કશું જ નથી. તને ખાવી હોય એટલી ખાંડ લઈ લે.” મીઠાના પહાડ પર રહેનાર કીડી ખાંડના આખા પહાડ પર ફરી આવી અને જ્યાં-ત્યાંથી તેણે ખાંડ ચાખી પરંતુ તેને તો મીઠાસ આવી જ નહીં. તેણે આવીને કહ્યું “બહેન અહીંયા તો ખાંડ જ ક્યાં છે? મને તો ક્યાંય સ્વાદ નહીં આવ્યો.” બીજી કીડી પહેલા તો ઘણા આશ્ચર્યમાં પડી ગઈ, પરંતુ વિચાર કરવા પર એને કારણ સમજાય ગયું. એણે મીઠાના પહાડ પર રહેનાર કીડીને મોઢું ખોલવા કહ્યું. મોઢું ખોલવા પર જાણ થયું કે એણે મોઢામાં એક મીઠાનો ટૂકડો મૂકી રાખ્યો હતો. કારણ પૂછતાં કીડી એ કહ્યું કે – “બહેન! આ તો ભવિષ્યમાં જ્યારે કઈ ખાવા નહીં મળે તો ભૂખી નહીં રહી જાઉં એટલા માટે આ એક ટૂકડો હું સાચવીને રાખું છું.” જ્યારે એના મોઢામાંથી એ મીઠાનો ટૂકડો કાઢી નાખ્યો ત્યારે તેને ખાંડની મીઠાસ આવી. એણે એ મીઠાનો ટૂકડો મુસીબતના સમય માટે રાખી મૂક્યો હતો.

દુઃખી સર્વે જણા એ આ કમળાનો ચશ્મો આંખ પાસેથી પહેલા ઉતારવાનો છે. કમનસીબે વર્ષોથી આપણે સુખને અવસર જ નથી આપતા. આપણા મનમાં પ્રભુએ આપણે માટે સુખ સર્જ્યુ છે તેવું માનતા જ નથી. પેલો મીઠાનો ટુકડો મનમાં થી કાઢીયે તો એવું સમજાય ને કે દુઃખ નથી અને એ દુઃખ વિનાની સ્થિતિ એટલે સુખ જ એમ સમજાય ને?

મારા એક સ્નેહી કાયમ જ એમના સુખની સાથે સાથે ભૂતકાળનું દુઃખ કે ભવિષ્ય કાળનો ભય  લાવી જ દે.    “ આતો હવે જરા બે પાંદડે થયા બાકી આખી જિંદગી દસ સાંધો અને તેર તુટે તેવા હાલ હતા”.

મારે કહેવું પડે “આજે તો સુખ છે ને? તે માણ ને ભાઇ!..ભૂતકાળમાં જે હતું તે હતુ પણ હવે તો બે પાંદડે છે ને? “

ત્યાં ફરી કહેશે” હા. પણ આજે જે છે તે ઉડાવી ઓછુ દેવાય? કાલે ઉઠીને માંદગી આવી અને મોટો હોસ્પીટલને ખર્ચો થયો તો? બચાવવુ તો પડે ને?”

હું હસતા હસતા કહું પણ ખરો કે “તને રાજ રોગ ડાય બીટીસ છે.. હાર્ટ ક્યારે નબળુ પડે તે કહેવાય નહીં અને કોઇ મોટી માંદગી આવે તે પહેલા જ જો ગામેતરું કરી ગયો તો?”

ત્યારે સહેજ ખીજવાઇ ને કહે “ તો મારી પાછળ ખાનારા છે ને?”

મેં વાતને ટીખળે ચઢાવતા કહ્યું” તારા બંને છોકરાઓ ડૉક્ટર થઇને ડોલર ની ટંકશાળ પાડે છે તારા વીસ બાવીસ લા્ખની સામે ય તે જોવાનાં નથી.. માટે તું જરા ભાભીને લઇને દુનિયા જો. મઝા કર.’

તે દિવસે તો એને મારી ટીખળ ન ગમી..પણ બે દિવસ પછી ભાભીનો ફોન આવ્યો.” તમે બહું સાચુ સમજાવ્યુ..તેમને સુખની પરિભાષા એટલે સંતોષ એ વાત જ નથી સમજાતી..વતનમાં સરસ મઝાનું ઘર છે એ વેચી દે તો સારા એવા પૈસા આવે તેમ છે .પણ ના મારી હયાતીમાં વડીલોપર્જીત મકાન ના વેચાય. એમ મંડ્યા રહે છે. જરા તેમને આ ભૂતકાળ અને ભવિષ્ય કાળમાંથી બહાર કાઢી આજમાં રહેતા શીખવાડજો.”

જો કે એ વાત ત્યારે તો પતી ગઈ લાગતી હતી પણ બે દિવસ પછી તે સ્નેહી કહે “ યાર તારી વાત તો સાચી છે.”

મેં અજાણ્યા બની ને પુછ્યુ.. “કઈ વાત?”

“ યાર તમે લોકો એ આખી જિંદગી પાન બીડા ખાધા મજા કરી અને આજે બોખલા છો પણ મેં તો તેની સામેય જોયુ નથી અને મારા દાંત કેમ પડી ગયા તે મને સમજાતુ નથી.”

“ હા એજ વાત હજી દસ વર્ષ પછી પણ સાલસે.. અમે લોકો આખી દુનિયા ફરી આવ્યા હોઇશુ અને તારા પગ ધ્રુજતા હશે જ્યારે તબીયત સારી છે ત્યારે જાત્રા કર જ્યારે હાથપગ ચાલતા બંધ થઇ જશે ત્યાં સુધી .પૈસા સાચવવાને બદલે. હવે તેનો ઉપભોગ કર.”

“પણ..?”

“પણ અને બણ છોડ.. જો તું લાંબુ જીવી ગયો તો છોકરા તને સંભાળશે…કાયમ નકારત્મક ના વિચાર. ક્યારેક હકારત્મક વિચારીને ..આજનાં સુખને માણ..સમજ્યો? મેં હળવો ધબ્બો પીઠ પર માર્યો અને તે ખડ્ખડાટ હસી પડ્યો…”

અને બોલ્યો..” હવે મને સમજાય છે કે તમે લોકો આટલા હળવા અને સુખી જીવન કેવી રીતે જીવો છો?

મેં હળવેક્થી મને ગમતુ ગીત છેડ્યુ

में जिंदगी का साथ निभाता चला गया

हर फिक्रको धुंवेमें उडाता चला गया

અને તે પણ મારી સાથે ગાતો હતો અને કહેતો હતો  हर फिक्रको धुऍंमे उडा…

સુખ એટલે (૧૦) ડૉ.લલિત પરીખ

સુખ એટલે, આમ જોઈએ તો તે એક અનુભૂતિ માત્ર છે.પ્રતિકૂળ અનુભવ, જેમ દુખની અનુભૂતિ કરાવે તેમ જ   સાનુકૂળ અનુભવ સુખની અનુભૂતિ કરાવે.સમજુ શાણા લોકો પ્રતિકૂળતાને અનુકૂળતામાં પરિવર્તિત કરી સતત સુખ જ સુખની અનુભૂતિનો આનંદ પ્રાપ્ત કરવામાં સફળતા મેળવે છે   સુખ હકીકતમાં મનની અને મન દ્વારા શરીરને મળતી  સાનુકૂળ અનુભવ-અવસ્થાનો સાક્ષાત્કાર છે. સુખનો આધાર આપણી  દૃષ્ટિ પર પણ આધારિત હોય છે. સુખનું સૂક્ષ્મતમ સ્વરૂપ આનંદ જ આનદનો અનુભવ કરાવે છે જે તન મનથી પર અને સૂક્ષ્મ એવા આત્માનો વિષય છે.આત્માનંદ જ પરમાનંદ છે,પરમાત્માના સાક્ષાત્કારનું સોપાન  છે.

દૃષ્ટિવાન શોધનારને દુઃખમાં પણ સુખ મળી જાય છે.દુઃખને સુખમાં ફેરવી શકે તેના જેવો સુખી કોઈ નહિ.નાનપણમાં એક દેવ ચકલીની વાર્તા વાંચતા કે સાંભળતાં જેમાં રાજા તેને અનેક પ્રકારની સજાઓ આપતો જાય પણ તો ય તે આનંદથી ગાયા કરે “કેવી મઝા ભાઈ કેવી મઝા !” એવું જ સુખિયા સ્વભાવના માણસના જીવનમાં પણ જોવા મળે છે.દુખના અનુભવમાંથી શીખવા મળે છે,નિષ્ફળતામાંથી સફળતા પ્રતિ આગેકૂચ કરવાની પ્રેરણા અને ઊર્જા મળે છે.નાનપણની એક વાર્તા તો ભૂલાય એવી જ નથી જેમાં દુખીરામ ક્ષણે ક્ષણે દુખ જ દુઃખનો અનુભવ કરી દુખી દુખી રહ્યા કરે છે જયારે સુખીરામ પ્રત્યેક સુખ દુખની સ્થિતિમાં સુખી સુખી રહ્યા કરે છે.બેઉના કપાળે રસોળી હોય છે પણ સુખીરામ તેને સહજ સ્વાભાવિક રીતે પોતાના કપાળની વિશિષ્ટ શોભા તરીકે જોઈ- સ્વીકારી સુખી સુખી રહ્યા કરે છે, જયારે દુખીરામ તેને કુરૂપતાનું લક્ષણ સમજી દુખી દુખી રહ્યા કરી રડ્યા કરે છે.સુખીરામ એક વાર  તેના માબાપની આજ્ઞાથી ગાયો ચરાવવા વનમાં ગયો  તો ત્યાં વહેંતિયાઓ રમવા આવી ગયા, જેમને  સુખીરામ સાથે રમવાની બહુ  મઝા આવી અને બીજે દિવસે પણ રમવા આવવા માટે કહ્યું અને તેની ખાતરી કરવા માટે નિશાની તરીકે સુખીરામની રસોળી જ લઇ લીધી કે “આપી દઈશું।કાલે- તું  રમવા આવશે ત્યારે”.

સુખીરામની રસોળી નીકળી ગઈ તે જોઈ દુખીરામ તો દુખી દુખી થઇ ગયો અને ફરી ફરી પૂછવા લાગ્યો “મને કહે, કેવી રીતે તારી રસોળી નીકળી ગઈ?” સુખીરામે માંડીને વાત કરી તો દુખીરામે જીદ કરી કે “મારે પણ  ત્યાં જવું છે.”દુખીરામે ત્યાં જવાની જગ્યા સમજાવી. વહેંતિયાઓને દુખીરામ સાથે રમવાની મઝા ન આવી અને ચીડાઈને બોલ્યા:”લઇ જા તારી આ નિશાની અને સુખીરામની લઇ લીધેલી રસોળી તેના કપાળે ચોંટાડી દુખીરામ હવે એકને બદલે  બબ્બે રસોળીઓ દીધી”.

કપાળે જોઈ દુખી દુખી થઇ પોકે ને પોકે રડવા લાગ્યો.આ વાર્તા એક બાળકને જયારે મેં કરેલી ત્યારે તેણે કોણ જાણે કેમ મને કહેલું “મારા પપ્પા દુખીરામ જેવા જ છે.” મને નવાઈ  લાગેલી;પણ સાચાબોલો બાળક પણ જોઈ શકે છે કે સ્વભાવ જ દરેકને દુખી દુખી કરી મૂકે છે.સ્વભાવ શબ્દ કેટલો સાર્થક છે? સ્વમાં જ હોય તેવા ભાવમાં રહેવું.સ્વમાં સુખ જ સુખ જોતા રહેનાર,સતત સુખ ભરતા રહેનારને સર્વત્ર,કોઈ પણ સ્થિતિમાં કાયમ  સુખ જ સુખનો અનુભવ રહ્યા કરે છે.ખોતરી ખોતરી,શોધી શોધી,સુખમાં ય દુખ જોનારાઓનો તોટો નથી હોતો.પણ દુઃખમાં ય સુખ જોનારાઓ સદા સર્વદા સુખી જ સુખી રહ્યા કરે છે.આખું ઘર સ્વચ્છ હોય તો ય ખૂણામાં પડેલી એકાદ રજકણને શોધનાર અજ્ઞાની જ નહિ મૂર્ખ કહેવાય.દુઃખમાં ય સુખ જોનાર, શોધી કાઢનાર જ સમજદાર અને જ્ઞાની કહેવાય.બાકી તો સુખ સારા મનસુખમાંજ હોઈ શકે,ધનસુખ કે તનસુખમાં નહિ જ એ તો બહુ સીધું સરળ ગણિત છે.સુખ ભાવનાગત હોવાથી પ્રસન્ન સાનુકૂળ પરિસ્થિતિમાં જે પદાર્થ  કે વ્યક્તિ સુખ આપી શકે, તે જ પ્રતિકૂળ પરિસ્થિતિમાં દુખદાયી બની જાય છે એ તો આપણા  સહુનો કાયમી અનુભવ છે.

સુખ એટલે શાંતિ,સંપૂર્ણ સમાધાન,પરમ આનંદ તરફ લઇ જનારી સંતોષભરી અનુભૂતિ સુખ- દુઃખથી પર થવાનો ગીતાનો ઉપદેશ ન સમજાય તો ય દુઃખને સુખમાં પરિવર્તિત કરવાની સમજ,ટેકનીક અને આવડત તો આપણે  કેળવવી જ રહી.હુંપોતે તો હકીકતમાં એવો હકારાત્મક અભિગમ ધરાવું છું કે દરરોજ સૂર્ય મારા માટે નીકળે છે,પ્રાણવાયુ મારા માટે વહે છે,દુનિયાની આટલી બધી અસંખ્ય શોધો મારા માટે જ થઇ છે,દુનિયાની આટલી બધી સગવડો મારા માટે જ બની છે,મેડિકલ શોધો મારા માટે જ બની છે જે બધાનો લાભ મારી સાથે આખ જગતને પણ મળે છે એ વધારે સુખની વાત છે.એ સુખનો સાર- પ્રસાર જ સુખની સર્વોત્કૃષ્ટ અનુભૂતિ છે.સુખ એટલે સુખ જ સુખ,દુઃખને પણ સુખમાં બદલવાની ક્ષમતા ધરાવનાર અદભૂત, અનેરું,અનોખું, ચમત્કારપૂર્ણ ઊર્જાપૂર્ણ તત્વ.આ જ તત્વજ્ઞાન ! ગમતાનો ગુલાલ કરે તે જ સુખી સુખી સુખીરામ.

 

સુખ એટલે-(૧૧)જયવંતીબેન પટેલ

સંતોષી નર સદા સુખી ”    સુખ  એટલે સંતોષ, સ્નેહ, સરળતા, શાંતિ, સ્થિરતા, સૌમ્યતા, સુમેળ  અને સાધુતા, ક્યાંય મનની અશાંતિ હોય  ત્યાં સુખ.
ઘણી વખત ઘરમાં ખૂબ જાહોજલાલી હોય છતાં મન દુઃખી રહેતું હોય, તો એ જાહોજલાલી શું કામની? માણસનું મન ઉદ્પાદીયું છે, કંઈક ને કંઈક શોધી કાઢે અને તેની આડમાં દુઃખી થયા રાખે.દરેક માનવીએ મનને ખરેખર કેળવવાની જરૂરત હોય છે.  આપણને મળેલી કુદરતી શક્તિઓને આપણે  જ મર્યાદિત કરી દઈએ છીએ.  અભ્યાસથી એક માણસ અથવા મજુર પાંચ મણનો બોજો પીઠ પર નાખી ફર્લાંગ બે ફર્લાંગ જઈ શકે છે  અને આપણે દસ કીલો વજન ઉચકવાનું હોય તો થાકી જઈએ છીએ, કારેણકે આપણે શરીર પાસેથી, એ રીતનું કામ નથી લીધુ,  પણ તેની પાસેથી કામ લેવા માંડીએ તો એ ચોકકસ કરી શકે.  શરીરનું છે તેવું મનનું છે, બુદ્ધિનું છે, ચિતનું છે, ઇન્દ્રીઓનું છે. એક વિદ્યાર્થી સિનેમાના ઘણાં બધા ગીત યાદ રાખી શકે છે,  પરંતુ પાઠ્યપુસ્તકની કવિતાઓ  કે સંતોના પદો, પ્રાથનાઓ, શ્લોકો યાદ રહેતા નથી, કારણકે તે માટે જે ઊત્સાહ, ખંત, લગન જોઈએ તે તેની પાસે નથી  – તેને તેમાં રસ નથી,  એની શક્તિને એવે માર્ગે વાળવાનો તેને દૃઢ ભાવ થતો નથી કે જે માર્ગ તેને શાંતિ, આનંદ, સંતોષ, અને સ્થિરતા આપી શકે,  જીવનને  સુખી બનાવવું હોય તો આટલી વસ્તુ જરૂર કેળવવી પડે.

એક નાની વાત કહું!   એક ભાઈએ માનતા રાખી અને તે પૂરી કરવા અમુક ભૂખ્યા ગરીબ લોકોને કશુંક ખાવાનું આપવા માટે ફરસાણ – મીઠાઈ વાળાની દુકાનેથી બુંદીના લાડુ અને ગાઠિયાના 51 પડીકા બંધાવીને સવારના પહોરમાં સ્કુટર ઉપર નીકળી પડયો. થોડાંક પડીકાં રસ્તામાં આવતાં જતાં ભિખારીઓને આપતો આપતો રેલ્વે સ્ટેશને પહોંચ્યો, કારણકે ત્યાં અથવા મંદિર પાસે વધારે ભીખારીઓ મળી રહે. ત્યાં લારીઓની થોડેક દુર એક ભિખારણ બે નાના છોકરાઓને લઈને બેઠી હતી. પેલા ભાઈએ તેની નજીક જઈ વ્યક્તિ  દીઠ એક એક એમ ત્રણ પડીકા આપ્યાં અને ચાલવા માંડયું  એટલે પેલી બાઈએ બૂમ પાડી,” ઓ સાહેબ, અરે ઓ શેઠ, ઊભા રહો “પાસે આવીને તેને કહે, કે સાહેબ, તમે ત્રણ જણના ત્રણ પડીકાં આપ્યા, પણ આ મારો નાનકો તો હજુ સાત મહિનાનો થ્યો છે,  ઈ કેમનો ખાઈ શકવાનો? લો આ એક પડીકુ પાછું લઇ જાવ,  કોઈ બિચારા ભૂખ્યાને કામ લાગશે .પેલા ભાઈની આંખમાં આસું આવી ગયા  – કેટલી ઈમાનદારી!  છતાં તેની પરીક્ષા કરવા પૂછયું, ” જો આ પડીકુ તે તારી પાસે રહેવા દીધું હોત, તો તને સાંજે ખાવા કામ લાગત,  સાંજે તું શું ખાઇશ ?  છોકરાને શું ખવડાવીશ ?તેણે હાથ જોડી જે જવાબ આપ્યો, તે સાંભળીને તેના ચરણસ્પર્શ  કરવાનું મન થઇ જાઇ. તેણે કહ્યું કે શેઠ, સાંજની  કે કાલની ચિંતા કરવાનું કામ મારું નથી, ઉપરવાળાનું  છે. તે જે આપે છે તેટલુંજ  મારું છે. જો મારા નસીબમાં હશે તો, અહીંજ ઝાડ  નીચે બેઠાં  બેઠાં પણ, તમારા જેવા કોઈ ગાડીવાળાને નિમિત બનાવીને પણ અમારું પેટ ભરસે, પણ તે માટે હું બેઈમાની તો નહિજ કરૂ. મારા નસીબનું હશે તેટલું  જ મને મળશે, નહિતર તમે આપેલું આ પડીકું પણ કોઈ કુતરું કે કાગડો આવીને ખુચવી જશે.

કેટલો સંતોષ !.

આને સાચું સુખ કહેવાય –  પ્રમાણિકતા, દીર્ધ સંતોષ  અને ભગવાન પર પૂરી શ્રદ્ધા  – સુખી થવાની ચાવી છે.

જયવંતીબેન  પટેલ

સુખ એટલે-(૧૨)કુંતા શાહ

 

 ગૌતમ બુધ્ધ્ની વાર્તા “સુખીનું પહેરણ” હૈયામાં કોરાઇ ગઇ છે.  દુનિયામાં ખરેખર સુખી કેટલાં હશે?  બિલ ગેટ્સ, વોરન બફે, મધર ટેરેસા, જેવા ગણ્યા ગાંઠ્યા લોકો જે પોતાનું સર્વસ્વ બીજાઓને આપી દે અને આપવામાં જ ધર્મ સમજે અને ખુશ રહે.  દુનિયામાં કેટલાં તવંગરો, જૂના ઘરમાં રહે છે અને જૂની ગાડી ચલાવે છે? મધર ટેરેસા જેવા કેટલાં છે જે નિસ્વાર્થે સેવા કરે? એ જમાનામાં લેપ્રસી ચેપી રોગ કહેવાતો, એની પણ એમણે પરવાહ કદી ના કરી. એમને પણ કદી શારીરિક વ્યથા થઇ હશે? સગા , વહાલા, મિત્રો જોડે મતભેદ થયા હશે? છતાં તેમણે લક્ષ્ય પર  ધ્યાન આપ્યું. સ્વયં સત, ચિત,આનંદ બની જીવી રહ્યા.

 એક સાધુની વાત યાદ આવે છે.  એક યજમાને સાધુને ભિક્ષામાં ૫ રોટલા આપ્યા.  જ્યારે સાધુ ખાવા બેઠા ત્યારે એક ભુખ્યા માણસને પડી રહેલો અને કણસતો જોયો એટલે એમણે ૨ રોટલા એને ધર્યા.  પોતે ૩ આરોગ્યા.  યજમાને આ જોયું અને સાધુની પ્રમાણિકતાની પરીક્ષા લેવાનું એમને મન થયું.  યજમાને સાધુને પુછ્યુ “તમે કેટલા રોટલા ખધા?”  સાધુએ કહ્યુ “૨”.  યજમાન તો ગરમ થઇ ગયા.  “અરે! સાધુ થઇને તમે જૂઠ્ઠૂ બોલો છો?  મારી નજરે મેં જોયુ કે તમે ૩ રોટલા ખાધા.” “ભાઇ, મારા ખાધેલાને બીજી વાર ભુખ લાગે ત્યારે હું ભુલી જઇશ કે કેટલા ખાધેલા, પણ આ ગરીબ માણસ, જીવન ભર મેં એને ૨ રોટલા આપેલા એ હકિકતને યાદ રાખશે.  જેમ તમે મને ૫ આપેલા એ હું પણ કદી નહીં ભુલુ.”  આટલું કહી, સાધુ પોતાની મસ્તિમાં અલખ નિરંજન લલકારતા, રસ્તે આગળ વધ્યા.

સુખની ઓળખાણ દુઃખ, અને દુઃખની ઓળખાણ સુખ. જેમ રાત અને દિવસ, ઉન્નતી અને પડતી, મિલન અને વિરહ, આકાશ અને ધરતી, પહાડ અને ખીણ.  જન્મ અને મ્રુત્યુ,  બેઉ એક બીજાના પુરક.  એકલું  દુઃખ જ અનુભવ્યુ હોય તો સુખ કેવુ હશે તેની કલ્પના પણ કેવી રીતે કરાય? બેઉ સાથે જ ચાલે.  તેથી તટસ્થ રહીએ તો આનંદમાં જ વિહારાય.

સુખ એટલે આનંદની માનસિક ઓળખાણ. કહેવાય છે કે પહેલુ સુખ તે જાતે નર્યા.  ભલે શરીરને મનની શક્તિથી કાબુમાં ઘણે અંશે રાખી શકાય પણ ૧૦૦ ટકા તો નહી જ.  પરમ યોગીઓને પણ અનેક જાતની વ્યાધીઓથી  પિડાતા જોયા છે. તેઓ સમજે છે કે જેમ આ દેહ નિશ્ચિત સમય માટે મળ્યો છે તેમ આ વેદના પણ ક્ષણભંગુર છે. સુખની પણ એક ઝલક માત્ર  છે. તેથી સ્થિતપ્રજ્ઞનતા કેળવી જીવો. સુખનો ગર્વ નથી કરતા અને દુઃખમાં વિશાદ નથી કરતા.  આપણું તન અને મન તંદુરસ્ત રાખીએ તો પરાધીન થવાનો વખત ભાગ્યે જ આવે અને સુખનું બીજું સ્વરુપ છે સ્વતંત્રતા.તમારી પાસે શું છે અને શું નથી કે તમે કયા સંજોગોમાંથી પસાર થયા છો એ તમને સુખી કે દુખી નથી બનાવતા, પરંતુ, એ વસ્તુ, વ્યક્તિ કે પ્રસંગને તમે કઇ દ્રષ્ટીએ વિચારો છો તે વિચારો ત્રાજવાંમાં તોલીને સુખદુઃખની અનુભુતિ આપે છે.  આખરે પોતાના મનની સમતુલા જ આપણને સુખી કરી શકે.

માગ્યા વગર જે મળે તેને જો પ્રભુની કૃપા માનીએ તો સુખ.  જ્યારે તમે જે વિચારતા હો તે જ તમારા કથન અને કર્તવ્યમાં આવે ત્યારે તમારી સચ્ચાઇ તમારુ પરમ સુખ બને.  બીજાની સમૃદ્ધિ જોઇ ખુશ થાય અને પોતાની  પરિસ્થિતિને, સંતોષ તથા આનંદથી સ્વિકારે તે સુખી.  દરેક ક્ષણમાં જે સારું જુએ તેનો અરિસો સુખ.  પોતાની ભુલોનો સ્વિકાર કરી, માફી માંગે અને ફરી એવી ભુલો ના કરે તેની કાળજી કરે એ સ્વભાવની સરળતા અને તે સુખની ચાવી.  જ્યારે ઉન્નતિના પથ પર હોઇએ ત્યારે પણ બધા જોડે વિનમ્રતાથી વર્તવુ.  વિનમ્રતા સુખનું અણમોલ સાધન છે.

સાંભળ્યુ હશે “હસે એનુ વસે” અને “સુખકે સબ સાથી, દુઃખમેં ન કોઇ”, ફૂટ્સ્ટેપ્સ વાંચ્યુ હશે. કેટલી સાચ્ચી વાત? બધાને પોતપોતાની સમસ્યાઓનો ભાર હોય છે.  સ્વજનો અને સાચા મિત્રોમાં વસતા પ્રભુનાં અંશ સિવાય કોઇ તમારા કપરા સમયમાં તમારો સાથ નહી દે.  દરેક ઘડીએ જે થાય છે તે સારા માટે  થાય છે. એવી શ્રધ્ધા રાખી અચાનક આવી પડેલી દુઃખદ પરિસ્થિતિને સહી લેવાથી શિવનો અનુભવ થાય છે.

સુખના પ્રકાર ઘણા. ક્ષણિક આનંદ—એક કેડી  મળી.

દિવસનો આનંદ — મનગમતુ ભોજન આરોગ્યુ.

અઠ્વાડિઆનો આનંદ – સરસ કાર્યક્રમ જોયો, લગ્ન થયા – નવી વહુ નવ દિવસ –  પગાર મળ્યો

મહિનાનો આનંદ – સરસ કાર્યક્રમ કર્યો,

વર્ષોના  વર્ષોનો આનંદ – બાળકોની પ્રગતિ નિહાળવાનો અવસર સાંપડ્યો.

ચિરંજીવી  આનંદ – જેને આપણે પ્રેમ આપ્યો, મદદ કરી તેઓના સ્મિતની સ્મૃતિ. 

કુંતા શાહ

(૧૩)અહેવાલ-”બેઠકમાં ​”​સુખ​”​છલકાણું-09/26/2014

બે એરિયામાં રહેતા ગુજરાતીભાષાના પ્રેમીઓએ બોલાવેલીબેઠકમાં

​”​સુખ​”​છલકાણું

બેઠક” ​છવ્વીસ મી સપ્ટેમ્બર ​ના ​ઇન્ડિયા કોમુયુનીટી સેન્ટર મિલ્પીટાસ કેલીફોર્નીયા ખાતે યોજાઈ​.આ બેઠકનો વિષય હતો ​”સુખ એટલે “​આવા ​ગમતા વિષયને સર્જકોએ ખુબ વધાવ્યો.પ્રજ્ઞા દાદભવાળા​ એ બેઠકનું આયોજન કરી​,​રાજેશભાઈ શાહ તથા કલ્પનાબેન​ ​રઘુ શાહ​ના ​સહકાર સાથે ​સમગ્ર બેઠકનું સંચાલન કર્યું.શરુઆતમાં, બેઠકના  આયોજક  શ્રીમતી પ્રજ્ઞાબેન દાદભાવાળા એ  સૌને કવિતા દ્વારા આવકાર આપ્યો હતો.

આ બેઠકનું  ખાસ આકર્ષણ અને મહેમાન જયશ્રીબેન મર્ચન્ટ રહ્યા, તેમણે એક એક સર્જકની રજુઆતને બારીકાઈથી સાંભળી સચોટ અભિપ્રાય આપી પ્રોત્સાહિત કર્યા ,પ્રતભાઈ પંડ્યાએ   પુસ્તક પરબને પુસ્તક આપી નીવ તો નાખી પરંતુ માત્ર દાતા ન રહેતા બેઠકનું બળ બની રહ્યા,સર્જકોને માત્ર વાંચવાનું નહિ પણ સર્જનાત્મક લખવાનું પ્રોત્સાહન આપ્યું ,તેમજ ટુચકાઓ થી વાતાવરણ ને હળવું રાખ્યું ,મહેન્દ્રભાઈ મહેતાએ બેઠકમાં હાજરી આપી અને અંત સુધી બેસી શાંતિથી સર્જકોને સાંભળ્યા અને વચ્ચે વચ્ચે દાદ આપી લેખકોને વખાણ્યા આ સાથે જયશ્રીબેને અને પ્રતાપભાઈ પંડ્યાએ મનુભાઈ પંચોલી “દર્શક”  ની જન્મશતાબ્દી ની ઉજવણી બે એરિયામાં ઉજવાશે અને સહુ સાથે ઉજવશે એમ કહી સર્વે ગુજરાતી પ્રજાને લાભ લેવા આમંત્રણ આપ્યું ,આપણી ભાષા અને સાહિત્યનો આવો ઉત્તમ ઉત્સવ સહુ સાથે મળી ઉજવીએ તો જ લેખે ગણાય.આના અનુસંધાનમાં પ્રજ્ઞાબેને કહું મનુભાઈ પંચોળી ગુજરાતના એક સંસ્કૃતિ પુરુષ હતા,જેમના જીવનભરના કામ અને સાહિત્યએ ​દરેક ​ગુજરાતી નું સંસ્કાર સિંચન કર્યું છે અને ​ચિરંતન કરશે,આપ સહુ આ પ્રસંગે હાજરી આપી લાભ લઇ જ્ઞાન સાથે વૃદ્ધિ પામશો​.​

બેઠકની શરૂઆત સરસ્વતી વંદના કલ્પનાબેને ગાઈ​ને ​કરી,વિજયભાઈ શાહે હુસ્ટન  થી ફોન પર વાત કરી બધાને અભિનંદન આપ્યા​,​તો જયશ્રીબેને અને પ્રતાપભાઈ એ બેઠકના સર્જન કાર્યને નવાજ્યું ,કલ્પનાબેને સુખની ને પોતાના મૈલિક વિચારો દ્વારા બધાજ દર્ષ્ટિકોણથી સુખને રજુ કરતા,શાસ્વત આનંદ એજ સુખ છે, એમ કહી સુખ પીરસ્યું ,બ્યાસી વર્ષના પદ્મામાસીએ સુખના ઓડકાર સંતોષથી ખાધા,તો કુન્તાબેને સુખને છુટો પાડી પ્રકાર આપી વર્ણવ્યો ,દાવડા સાહેબે નાનીવાર્તા કહી સુખને સમજાવ્યું ,રાજેશભાઈએ સુખને કવિતામાં વર્ણયું,જયવંતીબે​ને ​​સુખને ​ખુબ સુંદર ઉદારણ દ્વારા સમજાવી અને સચોટ રજૂઆત કરી વિકસતી કલમને પુરવાર કરી. વસુબેને સુંદર પંક્તિઓ ગાઈ વાતાવરણ ને સંગીતમય બનાવ્યું. તો સુબોધભાઈ ત્રિવેદીએ શાહબુદ્દીન રાઠોડ ​ને  યાદ કરી હાસ્યના દ્વારા સુખ પીરસ્યું ..દિનેશભાઈ પટેલે સચોટ રીતે લેખને રજુ કર્યો ,તો દિલીપભાઈની વાતમાં મૈલિકતા વર્તાણી ,પીનાકીનભાઈએ સુખને કર્મનું ફળ કહી સ્વીકાર્યું ,જયોત્સનાબેને શીઘ્ર ​કવિની જેમ ત્યાને ત્યાં લખીને રજૂઆત કરી,​ઉર્મિલાબેને દુઃખને બેંકમાં મુકવાનું કહી સુખની ચાવી  વહેંચી,સતીશભાઈ માં  છુપાયેલી આવડત બહાર આવી,કોઈ પણ વ્યક્તિ લખવાનો  સાચા હૃદય માંથી પ્રયત્ન કરે તો શું ન થઇ શકે ?  આમ નવા લેખકોએ પહેલીવાર હિમત કરી ઉંબરા ઓળંગ્યા ​અને કલમ ઉપાડી અને પ્રેક્ષકોએ એમને તાળીઓથી વધાવ્યા,જયશ્રીબેન મર્ચન્ટે ​તેમની પોતાની લખેલી “સુખની વિલા ની વાર્તાની રજૂઆત કરી ​.પરંતુ કહેછે ને કે દુઃખ ના અનુભવ વગર સુખ નો અહેસાસ નથી થતો એ વાત વાર્તામાં પુરવાર થઇ.સમય આગળ વધતો હતો પણ બધા જ અંત સુધી માણતા હતા,​રેડિયો જિંદગી વાળા જાગૃતિ બેને ​ પોતાની હાજરી આપી, વડીલોના આશિર્વાદ લઇ સુખ મેળવ્યું ​ અને “આવો મારી સાથેને” બદલે “હું તમારી જ સાથે” વાતને પુરવાર કરી પ્રેમને મુકતી ગઈ.નાસ્તાપાણી ની ઉજાણી ,ફોટા ,અભિવાદન સાથે સહુ છુટા પડ્યા,સાથે “પુસ્તક પરબના” પુસ્તકો ​ ​હોંશે ​હોંશે  ઘરે લઇ ગયા,સહુ સભ્યો  ઉત્સાહ સાથે આવ્યા અને સુખને સાથે લઇ ગયા અહી સુખ વાંચન બનીને આવ્યું તો કોઈને રજુઆતમાં સુખ વરતાણું , ​આમ શુક્વારની સાંજે બેઠકમાં સૌએ પોતાના સુખને શોધ્યું અને મેળવ્યું,અંતે બધે સુખ અને સુખ  વરતાણું .​એમ કહો કે સુખ છલકાણું …

અહેવાલપ્રજ્ઞાબેન દાદભાવાળા

બેઠકનું આયોજન -પ્રજ્ઞા દાદભાવાળા, અતિથિ વિશેષ= જયશ્રીબેન મર્ચન્ટ .

બેઠકનું બળ- પ્રતાપભાઈ પંડ્યા,વિશેષ મહેમાન -મહેદ્રભાઈ મેહતા.

બેઠકનું સંચાલન -પ્રજ્ઞાબેન દાદભાવાળા,કલ્પનારઘુ શાહ ,રાજેશભાઈ શાહ.

તસ્વીર -રઘુભાઈ શાહ અને રાજેશભાઈ શાહ (news media )

રેડિયો પ્રસારણ -જાગૃતિ શાહ sound -દિલીપભાઈ શાહ .

ભોજન -જયશ્રી શાહ ,વસુબેન શેઠ ,કુંતા શાહ ,નિહારીકાબેન શાહ ,ગૌરી ,જ્યોત્સના બેન.

સુખ એટલે…(૧૪) પ્રણવ ત્રિવેદી

સુખ જેવું કંઇ નથી જગમાં, જે કંઇ છે તે આજ છે
સુખ તો અમારા દુ:ખનો બદલાયેલો મિજાજ છે.

પંક્તિઓ વાંચતા સુખની સાદી વ્યાખ્યા શોધવાની મથામણ શરૂં થઈ. દુ:ખી માણસોના સુખનો અને સુખી માણસોના દુ:ખનો અભ્યાસ કરતાં જે વ્યાખ્યા જડી આવી તે આમ છે. જમ્ય હોઇએ તે સમયસર પચી જાય અને પથારીમાં પડતાં ઉંઘ આવી જાય તે સુખની નિશાની.

ખોરાક્ની સત્વશીલતાને અને પાચનને જેમ સીધો સંબંધ છે તેવી રીતે ખોરાકની તમારી થાળી સુધીની યાત્રાને પણ સીધો સંબંધ છે. આપણે ત્યાંહરામનો પૈસોતેવો શબ્દ વારંવાર સંભળાય છે પણ જે ભોજનની તૈયારીમાં આંસુ વપરાયા હોય તેનેહરામનો ખોરાકગણવાનો આપણે ત્યાં રિવાજ નથી. રોજીરોટીની તલાશમાં આવેલો રેસ્ટોરન્ટનો કૂક મનોમન તો દુર દેશાવરમાં રહેતાં પોતાના પરિવાર માટે ઝૂરતો હોય છે. માટે તેણે બનાવેલાં ખોરાકમાં સ્વાદની બોલબાલા હોય પણ સત્વ ગેરહાજર હોય તેવું બનતું હોય છે. વાત સાસરે મન મારીને જીવતી સ્ત્રીના હાથથી બનેલી રસોઇને પણ એટલી લાગું પડે છે. કોઇ વાનગીમાં જ્યાં સુધી ઉમળકાનું રસાયણ ભળે ત્યાં સુધી તેમાં સ્વાદ,સત્વ અને માધુર્યનો સમન્વય રચાતો નથી.

ક્યાંક વાંચ્યાનુ યાદ આવે છે કે સમાજ બે વર્ગમાં વહેંચાયેલો છે: એક વર્ગ એવો કે જેને શું કરીએ તો ભુખ લાગે તેની ચિંતા સતાવે છે. અખાડાંઓ, જીમ ક્લબ અને જોગીંગ પાર્ક વર્ગ માટે સર્જાયા છે. જ્યારે બીજો વર્ગ એવો છે જેને ભુખ લાગી છે તો શું કરવુ તેની ચિંતા સતાવે છે. જે સમાજમાં બીજા પ્રકારના વર્ગની સંખ્યા વધારે હોય તે સમાજની તંદુરસ્તી માટે હંમેશા શંકા રહે છે.

ઉંઘ માણસની આહાર પછીની બીજી પ્રાથમિક જરૂરિયાત તો છે પણ સાથે સાથે સુખીપણાની પારાશીશી પણ છે. ઓશીકું આપણી ઉંઘને નજરે જોનાર એક માત્ર સાક્ષી છે. ઘસઘસાટ ઉંઘ તો શ્રમનારાયણની કથાની મીઠી પ્રસાદી છે. શ્રમ કર્યા પછીનો પ્રસ્વેદ એવો વેદ છે જેની આગળ તો બાકીના ચારેય વેદ પાણી ભરે! એટલે કોઇ શ્રમજીવીના પ્રસ્વેદની ગંધ અત્તરની સુગંધથી જરાય ઉતરતી નથી હોતી. અને કોઇ ધનવાન માણસના ઘરે ઇન્કમટેક્ષના દરોડા વખતે તેના કપાળે વળતો પરસેવો વિશ્વની સૌથી ખરાબ ગંધ ધરાવતો હોય છે. કમનસીબે આપણે દિનચર્યામાં શ્રમને બહુ પાછળનું સ્થાન આપ્યું છે. તેથી તો ઉંઘની ટિકડીઓ બનાવનાર કંપનીઓ તગડો નફો કમાય છે.

દરેક પરિવારના વડાંની પણ ફરજ બને છે કે પરિવારના મોંમાં મુકાતો પ્રત્યેક કોળિયો સત્વસભર અને પ્રેમસભર બને અને દરેક સભ્ય ઉચાટ વગરની ઉંઘ લઈ શકે. આવા પરિવારનો સભ્ય અવસાદ,અનિંદ્રા અને અસંતોષના ત્રિવિધ દોષથી અવશ્ય બચી જશે. અને વિશ્વ આરોગ્ય સંસ્થા જો જાહેર કરે તો સ્વસ્થતાનુ નોબલ પારિતોષક પણ આવા કોઇ પરિવારને એનાયત થાય તો નવાઇ નહી !

સૌને સ્વસ્થ આહારવિહારની શુભકામનાઓ…….

સુખ એટલે…(૧૫)પદમાંકાન

માણસ હોય કે પશુ પંખી હોય દરેક જીવને સુખી થવું ગમે છે. સુખની વ્યાખ્યા શું છે? મનને અનુકુળ વાતાવરણ એટલે સુખ, અને પ્રતિફૂલ વાતાવરણ એ દુખ છે. માનવીના હ્રદયમાંથી પ્રેમ જન્મે, અને મગજમાંથી બુધ્ધિ. પ્રેમ હમશા સારો જ હોય, પણ બુધ્ધિ બે પ્રકારની. (૧)સદબુધ્ધિ એટલે સુમતિ ત્યાં સુખ (૨)બીજું કુમતિ ત્યાં દુખ.

સુખની વ્યાખ્યા કરવી અઘરી છે. કારણ કે દરેકની સુખની વ્યાખ્યા એટલે ‘તુંડે તુંડે મતિર્ભીન્ના”. જમવામાં કોઈને શ્રીખંડ, પૂરી ને પાતરામા સુખ લાગે તો કોઈને રોટલો અને કાંદામાં. કૃષ્ણ ભગવાનને તો માટી ખાવામાં સુખ લાધ્યું હતું. નાના બાળકોને માટી અને રેતીમાં જ રમવું ગમે છે. વયની સાથે સાથે સુખની વ્યાખ્યા બદલાતી જાય. થોડા મોટા થતા ક્રિકેટ, વોલીબોલ, હજી થોડા મોટા થતા સંગીત ખુરશી, બેઠા બેઠા રમી શકાય એવી હાઉઝી અને પત્તા રમવામાં સુખ માણે છે. કોઈને વાંચવામાં, તો કોઈને ગાવામાં, નૃત્યમાં સુખ લાધે છે.

ઊંઘ આવવા માટે મોટા પલંગની જરૂર નથી, પથારીમાં પડતાની સાથે જ ઊંઘ આવી જાય  તે સુખ છે. જેની પાસે સંપતિ હોય અને જુદે જુદે સ્થળે ફરવાનો શોખ હોય તો તે દુનિયાના કોઈ પણ છેડે અને ચન્દ્ર્લોકમાં પણ જઈ શકે છે. પણ આ સુખ માણવા તમારું સ્વાસ્થ્ય સારું હશે તો? ને એટલે જ કહ્યું છે કે “પહેલું સુખ તે જાતે નર્યા.” સ્વાસ્થ્ય સુખ, સંપતિ સુખ પત્ની સુખ અને સંતાન સુખ તો જેના ભાગ્યમાં હોય  તેને જ મળે છે. આ સંસારિક સુખ એક બીજા પર આધાર રાખે છે.

સુખ માણસની પ્રકૃતિ, પ્રવૃત્તિ અને પરિસ્થિતિ પર આધાર રાખે છે.એક જ વસ્તુ કે વ્યક્તિનો પ્રેમ આજે સુખની ટોચે લઈ જાય છે, ને એ જ પ્રેમ બીજા દિવસે તેના મૃત્યુનું કારણ બની શકે છે. એટલે  સુખ સ્થાઈ નથી.

આમ જોઈએ તો સુખ અને દુઃખ બે જોડિયા ભાઈ જેવા છે, પણ તે બન્ને સાથે નથી રહેતા. એકની ગેરહાજરીમાં બીજો અચૂક હાજરી આપે છે.કદાચ ક્યારેક જોડિયા ભાઈ ભૂલેચૂકે સાથે જોડાઈ ગયા તો? તો એક અનોખા સુખની અનુભૂતિ થાય છે. તે કેવી રીતે?

દીકરીને સાસરે વિદાયવેળાનો પ્રસંગ, તે દરેકની આંખમાં આંસુ લાવી દે છે, તો પણ એ ધામધુમથી ઉજવાય છે.કારણ કે તેમની દિકરી પ્રભુતામાં પગલા માંડી રહી છે.એનો આનંદ પણ છે. બીજું એટલે કૃષ્ણના વિયોગમાં રાધા અને ગોપીઓ સહુ વ્યાકુળ છે, છતાં કૃષ્ણનો વિયોગ એ દુખ જેવું લાગતું નથી. કારણ કે વિરહમાં સતત સ્મરણમાં તેમનું મન જોડાયલું છે. કૃષ્ણ તેમનાથી દુર નથી, તો દુખ શાનું? વિરહ અને મિલન બંને ભાવ આમાં સમાયા છે. આ બન્ને પ્રસંગમાં સુખદુખ સાથે છે, દુખની સાથે સુખ છે એટલે દુખની અનુભૂતિ નથી થતી, ને કઈ અનોખું જ વાતાવરણ સર્જાય છે. સુખ દુઃખ અનુભવતા તેમાં જો આપણી દૃષ્ટિને બદલીશું અથવા તો બદલાવ લાવીશું તો એક અનોખા સુખનો અનુભવ કરી શકીશું.

સંસારિક સુખ એક ક્ષણિક સુખ, અલ્પ સુખ છે,આગિયાના ચમકારા જેવું. આધ્યાત્મિકતાના પંથે જતા મનને થોડું સમાધાન,શાંતિ મળે છે. તમે એવું વિચારતા થઈ જશો, કે જે કઈ થાય છે તે પ્રભુની મરજીથી થાય છે, અને જે થાય તે સારા માટે.આ વિશ્વાસ તમારી મનની શક્તિને વધારી દે છે. જે દુઃખ આવ્યું તે તો એક અણધાર્યો મહેમાનની જેમ આવ્યો અને તેની તરફ ધ્યાન ન દેતા તે દુઃખ હારીને ચાલ્યું જશે બસ, એટલું જ સમજી લો, બીજું કઈ નહી. તમે હળવા ફૂલ થઇ જશો.એક કવિએ તો વળી એમ કહ્યું છે કે “કલહ વિના ન ઘટવાય સ્નેહની ઉત્કૃષ્ટતા”. તેવી જ રીતે સાચા સુખનો પરિચય દુઃખ જ કરાવી શકે છે. જીવનની પ્રગતિમાં સુખ કરતા દુઃખનો ફાળો મોટો છે. એ તમે સમજી જશો તો ને ધીરજથી કામ લેતા શીખી જશો તો દુઃખ ની હિમ્મત છે કે તમારા મનને સ્પર્શી શકે?

સુખ એટલે (૧૬) ડૉ ઇંદુબહેન શાહ

સુખ કોને કહીશું? પ્રશ્ન એક સભામાં પૂછવામાં આવે, અને દસ, પંદર હાથ ઊંચા થાય,વારા પ્રમાણે જવાબ સંભળાય, બધાના જવાબ જુદા વીસ એકવીસ વર્ષના યુવાનનો જવાબએમ.બી. પાસ કરી ફોરેન કંપનીમાં જોબ મળે,પછીતો બધા સુખ સામે ચાલીને આવશે, રૂપાળી, ભણેલી છોકરી મળશે, સારા મિત્રો મળશે,આખી જિંદગી સુખ સુખ.”ત્યારબાદ એક પ્રોઢ મહિલાનો જવાબમારી જુવાન દીકરીને ભણેલ, ગણેલ પતિ મળી જાય,એટલે મને દુનિયાભરના સુખ મળી જશે.એક સાઠની આસપાસ ઉમરવાળા બહેનનો જવાબમારા દીકરાના લગ્નને પાંચ વર્ષ થયા હજુ હું દાદી નથી બની,મને એક પૌત્રનું સુખ ભગવાન આપે એટલે બધા સુખ મળી જાયતે બહેન માટે પૌત્ર  સુખનો મહાસાગર.
                    કોઇને લેક્ષસ કે મર્સિડીસ ગાડીમાં સુખ, તો કોઇને બે બેડરૂમ હાઉસને બદલે જો પાચ બેડરૂમ હાઉસ હોય તો સુખ.ઘણી વ્યક્તિઓ તો બીજાની ગાડી જુવે ને તેના મનમાં રટણ શરું થઇ જાય ક્યારે તેનાથી એક મોડેલ ઊંચી ગાડી લઉ.બહેનોને નવી સાડીઓ, નવા દાગીનામાં સુખ.નાના બાળકોને નિત નવા રમકડામાં સુખ, જરા મોટા થયા મિડલ સ્કૂલમાં આવ્યા નવી નવી વીડિયો રમતમાં સુખ, નવા નવા ઇલેક્ટ્રોનિક ગેજેટમાં સુખ, હાઈસ્કૂલમાં કોલેજમાં ગર્લ ફ્રેન્ડ બોયફ્રેન્ડમાં સુખ.આમ એક પણ સુખ કાયમી સુખ નથી, બધા દુન્યવી સુખ, પાચ ઇન્દ્રિયોના ભોગના સુખ,નેત્રોએ ગુલાબનો પુષ્પ ગુચ્છ જોયો ગમ્યો કરમાયો સુખ ગયું, પવનની લહેરી રાતરાણીની સુવાસ લાવી ધ્રાણેન્દ્રિયને ક્ષણિક સુખ મળ્યું, મધુર સંગીત સાંભળ્યું કર્ણૅન્દ્રિયને સુખ મળ્યું, સ્વાદિષ્ટ ભોજને સ્વાદેન્દ્રિયને સુખ આપ્યું, બધા સુખ તેટલા  સમય પૂરતા . સમય બદલાય સુખ પુરું. મન પાછું બીજા સુખની પાછળ, મળે તો દુઃખ. આમ સુખ અને દુઃખ વચ્ચે મન સંસારમાં ભટક્યા કરે છે.

                  સુખ, દુઃખ તો જીવનની ઘટમાળ છે.સુખ પછી દુઃખ, દુઃખ પછી સુખ આવ્યા કરે,ધ્યાન ફક્ત એજ રાખવાનું દુઃખ અને સુખમાં ઇશ્વર સ્મરણ ચાલુ રહે.

                              સંત કબીરે કહ્યું છે

                          ” દુઃખમે સુમિરન સબ કરે સુખમે કરે કોય

                          જો સુખમે સુમિરન કરે દુઃખ કાહેકુ હોય?”

વાત સાવ સાચી છે,ઇશ્વર સ્મરણ નિરંતર રહે તો દુઃખનું સ્મરણ ના રહે. કુન્તીને અસંખ્ય દુઃખ પડ્યા છતા ભગવાન પાસે તેણે દુઃખ માગ્યું.કારણ પુછ્યું તો કુન્તીએ જવાબ આપ્યો તારું સ્મરણ સદા રહે છે, દુઃખનું સ્મરણ નથી થતું, સુખ અનુભવું છું. ઇશ્વર કૃપા માની સુખ ભોગવીએ. દુઃખ આવે તેને પણ વિભુનો પ્રસાદ માની સ્વીકારીએ, (મને દુઃખ કેમ બોલી ભગવાનને વગોવીએ નહીં) અંતરમુખ થઇએ, ઇશ્વરને પ્રાર્થના કરીએ પ્રભુ દુઃખનો ડર નથી, તેને સહન કરવાની શક્તિ આપ, માર્ગ બતાવ  અંતકરણમાં બેઠેલો ઇશ્વર સાંભળશે,સુખનો રાહ સુજાડશે, સુખ જરૂર આપશે .

              શાશ્વત સુખની પ્રાપ્તિ ક્યારે થશે? શાશ્વત સુખ આપણી અંદર છે, તેને શોધવા જવાની જરૂર નથી ,તેની અનુભૂતી કરવાની જરૂર છે. અનુભૂતી તે (પ્રત્યક્ષ) સામે નહીં આવે ,કોઇ બીજા નહીં કરાવી શકે (પરોક્ષ), તે અનુભૂતી અપરોક્ષ થશે.ખુદને ખુદ મળશે.ત્યારે તે સુખ,પ્રાપ્તષ્ય પ્રાપ્તિનું સુખ, તે સુખ તેજ શાશ્વત સુખ.

                      છેલ્લે પ્રાર્થના

सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयः

सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चिद दुःख भाग भवेत

સુખ એટલે (૧૭)- ગિરીશ દેસાઇ

તન માટે ઉદ્યમ ભલો

મન માટે હરિ નામ

ધન માટે બુધિ ભલી

સંતોષ છે સુખનું ધામ

આપણા હાથમાં કશું નથી એ સમજી વર્તમાનની દરેક સ્થિતિમાં સંતોષ રાખી

જીવતા શીખવામાં જ સાચું સુખ છે.

સુખ એટલે…(18)મધુરિકા શાહ.  

Posted on October 14, 2014 by Pragnaji

સુખનું નામ લેતાં જ શાંતિ મળે છે.  માનવીને, પ્રાણી માત્રને સુખ ગમે છે ને જીવન પર્યંત એ માટે વલખાં મારે છે.સુખ અનેક પ્રકારનાં છે ને મને પણ બાલપણમાં ઢીગલા ઢીંગલીઓથી રમવામાં અનેરુ સુખ મળતું પછી પરિક્ષાનું પરિણામ સારું આવે તે દિવસનું સુખ, સાહેલીઓ સાથે મસ્તી કરવાનું સુખ, તરવાનું સુખ, પરણ્યાનું સુખ, બાળકને ઉછેરી સારા સંસ્કાર આપી પ્રેમ કરવાનું, પરણાવવાનું તેના બાળકોને રમાડવાનું. હવે મારાં ગાત્ર ઢીલાં પડવાં લાગ્યાં છે.  ઉપર જણાવેલ બધાં જ સુખો પરિવર્તનશીલ છે તે અનુભવે જાણ્યું.સૌ કીયે છે કે ઘડપણમાંતો ગોવિંદને ભજી લ્યો તો બેડો પાર.મારા આધ્યાત્મિક વાંચન અનુસાર મને એક વાત મગજમાં બેસી ગઇ કે જો આપણું લક્ષ મોક્ષનું હોય તો માત્ર ક્રીયાજડ થયે નહિ ચાલે.સદગુરુનું માર્ગદર્શન જોઇએ.પણ સદગુરુ શોધવા ક્યાં ને આપણે શોધ્યે જડે છે પણ ક્યાં?  મારા સદભાગ્યે મને બ્રહ્મશ્રોતિય સદગુરુ મળ્યાં જેના ઓજસ ને હાજરીથી પણ આપણામાં આનંદના ફુવારા સ્ફુરે.આ સદગુરુના સત્સંગ વ્યાખ્યાન સાંભળતાં પણ આપણામાં કોઇ દિવ્ય પ્રકારનો આનંદ આવે ને હવે હું એટલું તો સમજી છું કે આધ્યાત્મિક મારગે ચલતાં સદગુરુની આજ્ઞાએ ચાલતાં જે સુખ મળે તે દિવ્ય સુખ હોય.

“પરમ સુખ શાંતિ પાના જો તો સદગુરુકે શરણ જાના”

નિધ્યાજ સેવા, નિષ્કામ ભક્તિ હો શ્રેય પંથે મુજ આત્મશક્તિ.

મારાં જીવનનો આ છેલ્લો દશકોજ હશે.  સદગુરુનાં વચનો સાંભળુ છું ને કોષિશ કરું છું ને કોઇવખત તેમનાં વાક્યો વાગોળું છું તો તો પણ અનેરી મસ્તી માણું છું, ને હું સુખની સેજમાં હોઉં એમ લાગે છે.  તો તેમના કીધેલ, ચીંધેલ ને જે દીધું છે તે મારગે પરમાનંદ ને સુખ શાંતિજ હોય ને એક ભક્તે કહ્યું છે કે

“હા! હું ને મારુંના હવન ક્યારે

હવે થઇ મારા હૈયામાં હાશ,

અગમ ઘરે જઇ ચઢી”

આ હું પણુ મારે છોડવાનું છે.  મારગમાં સંપૂર્ણ સમર્પણભાવ જોઇએ સમય થોડો છે ને કામ તો હજુ સદગુરુનાં વચને ચાલવાનું ઘણું કરવાનું છે.  અત્યારે તો પ્રભુની સાથે વાતો કરીને પણ સુખ સુખ માણું છું કે

“કબ હોગા પ્રભુ કબ હોગા   યહ દિવસ હમારા કબ હોગા?”

સુખ એટલે…(૧૯) કૃષ્ણકાંત ઉનડકટ

મારે પણ મારું એક સ્વર્ગ બનાવવું છે!

ઉસકી હસરત હૈ જિસે દિલ સે મિટા ભી ન સકૂ, ઢુંઢને ઉસકો ચલા હૂં, જિસે પા ભી ન સકૂં,

ડાલ કે ખાક મેરે ખૂન પે કાતિલને કહા, યે મહેંદી નહીં મેરી કેછુપા ભી ન સકૂં.

-અમીર મિનાઇ

દરેક માણસને સુંદર જિંદગી જીવવી હોય છે. દરેકને સુખી થવું હોય છે. દરેકને પોતાની વ્યક્તિને સુખી કરવી હોય છે. દરેકને સુખની પોતાની કલ્પનાઓ હોય છે. આ કલ્પનાઓની સાથે જિંદગીની થોડીક વાસ્તવિકતાઓ હોય છે. સુખી થવા માટે માણસ કલ્પના અને વાસ્તવિકતાને નજીક લાવવાના પ્રયાસો કરતો રહે છે. વાસ્તવિકતા પડકાર છે અને કલ્પના સંઘર્ષ છે. છેલ્લે આ બેમાંથી જેનો વિજય થાય છે તેના પરથી સુખ કે દુઃખ નક્કી થતું હોય છે. સાચું સુખ બે આંખોથી નથી જોવાતું પણ સાચું સુખ ચાર આંખોથી જોવાતું હોય છે. આંખો બમણી થાય ત્યારે સુખ પણ બેવડાઈ જતું હોય છે. આંખો જ્યારે એકલી પડે ત્યારે સુખ સંકોચાઈ જતું હોય છે.

બધાંને પોતાનું એક અંગત સ્વર્ગ રચવું હોય છે. ઘરનો એક ખૂણો એવો જોઈતો હોય છે, જ્યાં આવ્યા પછી તમામ દુઃખ અને દરેક ગમ અલોપ થઈ જાય. અંધારું પણ અવસર જેવું લાગે. ઉદાસીનું સ્થાન ઉત્સવ લઈ લે. સપનાં સાર્થક થાય. કલ્પનાઓ સાકાર થઈ જાય અને આયખું ઉમળકો બની જાય. જોકે આવું થઈ શકતું નથી. વાસ્તવિકતા એટલી બધી વિકરાળ થઈ જાય છે કે કલ્પનાઓની ક્યારે કતલ થઈ ગઈ તેની ખબર જ નથી પડતી. હાશને બદલે ત્રાસ લાગવા માંડે. સંબંધ સળગતો હોય ત્યારે સાંન્નિધ્યમાં તાપ અને ભાર લાગે છે. આપણે આગ ઠારવામાંથી નવરા જ નથી પડતા. આગ ઠરી જાય તોપણ પાછી આગ ન લાગે એનો ભય સતાવતો રહે છે. ફડક હોય ત્યાં ફફડાટ જ હોય. આગ અને રાખ સાથે રમતો માણસ જીવતો હોતો નથી, ઝઝૂમતો હોય છે.

ખોટું બોલવાની શરૂઆત સાચું બોલી શકાય એમ ન હોય ત્યારે જ થતી હોય છે. જૂઠ એક વાર શરૂ થયું એટલે કલ્પનામાં રચેલા સ્વર્ગના પોપડા ખરવા લાગે છે. દીવાલો જર્જરિત થઈ જાય છે. તારાને બદલે કરોળિયાનાં ઝાળાં લાગી જાય છે. અધૂરાં સપનાંનો બોજ વેંઢારવો સહેલો હોતો નથી. આશાઓ ઉજાગર થાય તો જ જિંદગી જીવવા જેવી લાગે. સપનાંઓ સંગાથથી સાર્થક થતાં હોય છે. માણસ એકલો દુઃખી થઈ શકે પણ એકલો સુખી થઈ શકતો નથી. કોઈ પણ સુખ સાથ વગર અધૂરું છે. સુખ સાથે મળીને માણવાની ચીજ છે. એક પ્રેમિકાએ એના પ્રેમીને પૂછયું કે તને મારી પાસેથી શું અપેક્ષા છે? પ્રેમીએ કહ્યું કે મારે તારી સાથે બુઢ્ઢા થવું છે. તારા અને મારા હાથમાં કરચલીઓ પડી જાય ત્યાં સુધી તારો હાથ પકડી રાખવો છે. કરચલીઓના ખાડા મારા હાથમાં બે કરચલીની વચ્ચે ઉપસેલી ચામડીથી પૂરી દેવા છે. કરચલીઓ પણ સળવળીને સજીવન રહે તેવી ઇચ્છા છે. દરેક વ્યક્તિની આવી ઇચ્છાઓ હોય છે પણ એ અચાનક અને અણધારી રીતે અદૃશ્ય થઈ જાય છે. સપનાંઓ શોષાઈ જાય છે. સપનાંમાં કોઈ સત્ત્વ રહેતું નથી.

એક કપલ હતું. તેને એક દીકરી હતી. આ કપલ નવો બંગલો બંધાવી રહ્યું હતું. દીકરી માટે બંગલામાં એક સરસ રૂમ બનાવવાનો હતો. બંનેએ દીકરીને બોલાવીને પૂછયું કે તારે તારા રૂમમાં શું જોઈએ છે? દીકરી કલ્પનામાં વિહરવા લાગી. ધીમે ધીમે એની કલ્પનાને શબ્દો ફૂટવા લાગ્યા. મારા રૂમની બધી જ દીવાલ રંગીન હશે. રૂમની છત પર મારે તારા અને ચંદ્ર ચોંટાડવા છે. દીવાલ પર એક પરીનું સુંદર મજાનું ચિત્ર જોઈએ છે. એક ખૂણામાં નાનકડાં બગીચાનું દૃશ્ય ખડું કરવું છે. ફૂલો પર થોડાંક પતંગિયાં ઊડતાં હોય એવું લાગવું જોઈએ. એક મેઘધનુષ્ય જોઈએ છે. ઘરની ટાઈલ્સમાં દરિયાનાં મોજાં જોઈએ છીએ. બેડ પર ફૂલની પાંદડી જેવી કુમાશવાળો અહેસાસ જોઈએ છે અને ઓશિકામાં સુંદર મજાનું સપનું આવે એવી રંગોળી જોઈએ છે. હું સૂતી હોઉં ત્યારે મને એવું લાગે કે જાણે હું સ્વર્ગમાં છું. આટલું બોલી દીકરી દોડીને રમવા ચાલી ગઈ. પત્નીએ પતિ સામે જોયું અને પછી માત્ર એટલું જ બોલી કે કાશ, આપણે પણ આપણો આવો એક રૂમ બનાવી શકતાં હોત! સ્વર્ગ સાધનોથી નથી બનતું. સ્વર્ગ સ્નેહથી બને છે. તમારી પાસે આવું સ્વર્ગ છે? ઘર ભલે નાનું હોય, રૂમ ભલે સાંકડો હોય પણ સાથે જે હોય તે વિશાળ હોય તો સ્વર્ગના અહેસાસ માટે પૂરતું છે. સ્વર્ગ તો પોતાની વ્યક્તિના બે હાથ ફેલાય એટલે રચાઈ જતું હોય છે. કવિ રમેશ પારેખે લખેલું એક સરસ મજાનું ગુજરાતી ગીત છે, ‘કોઈ પૂછે કે ઘર તારું કેવડું? મારો વ્હાલમજી બાથ ભરે એવડું!’ ખોબો માંગે અને દરિયો ન આપી શકાય તો કંઈ વાંધો નહીં. પ્રેમ હોય ત્યારે ખોબાથી તો શું એક બુંદથી તરબતર થઈ જવાતું હોય છે. ખોબો છલકે નહીં તોપણ કંઈ પ્રોબ્લેમ નથી, ખોબો ખાલી થઈ જવો ન જોઈએ. ખોબો ખાલી થાય તો ખાબોચિયું બની જતું હોય છે. કવિ રમેશ પારેખના જ એક બીજા ગુજરાતી ગીતની પંક્તિ છે, ‘ખાબોચિયુંયે આમ તો પર્યાપ્ત હોય છે, હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ, આંખોમાં આવી રીતે તું અશ્રુ ન મોકલાવ, ખાલી પડેલા ગામમાં જાસો ન મોકલાવ!’

કોઈનો સાથ છૂટે ત્યારે માણસ ખાલી થઈ જતો હોય છે. ખાલીપો માણસને ખોખલો કરી નાખે છે. ભાવ જ્યારે અભાવમાં બદલાઈ જાય ત્યારે અસ્તિત્વમાં આંટી વળી જતી હોય છે. હમણાં એક મિત્રએ વોટ્સએપ પર એક મેસેજ મોકલાવ્યો. દુનિયામાં સાત અબજ માણસો છે. આ સાત અબજમાંથી એક માણસ આપણો મૂડ ખરાબ કરી જાય? વાત સાચી લાગે પણ વાત સાચી છે નહીં! હા, સાત અબજમાંથી એક માણસ આપણો મૂડ બગાડી નાખે છે. મૂડ શું આખું અસ્તિત્વ હલાવી નાખે છે, કારણ કે આપણે એ એક માણસ સાથે જોડાયેલા હોઈએ છીએ! આપણે એ એક વ્યક્તિને આપણું સર્વસ્વ સમજી લીધું હોય છે. આપણું સુખ પણ એ જ હોય છે અને આપણું સ્વર્ગ પણ એ જ હોય છે. એ એક વ્યક્તિ દૂર જાય ત્યારે આખું આયખું ઉદાસીમાં ઓગળી જાય છે. આપણને બીજા લોકોથી કંઈ મતલબ હોતો નથી. પણ એ એક વ્યક્તિ સાથે શરીરનું રોમેરોમ જોડાયેલું હોય છે. એનો સ્પર્શ આપણે ઝંખતા હોઈએ છે. એનો હાથ હાથમાં હોય ત્યારે આખું જગત આપણી હથેળીમાં રમતું હોય છે. એની સાથે હોઈએ ત્યારે જાણે દુનિયામાં અમે બંને જ હોય એવું લાગે છે. અમે આદમ અને ઈવ છીએ. બીજું કોઈ જ નથી. એ જ મારા માટે સર્વસ્વ છે અને હું એના માટે આખું જગત છું. વિશાળ પૃથ્વી જાણે એક નાનકડું બિંદુ બની અમારા ઘરનો પર્યાય બની જાય છે. પ્રકૃતિનું સર્જન જાણે કુદરતે માત્ર અમારા બંને માટે જ કર્યું હોય એવી અનુભૂતિ થાય છે. એ હોય ત્યારે હું ક્યાં હું હોઉં છું, એ પણ એ નથી હોતો. અમે એક-મેકમાં અંતર્ધ્યાન થઈ ગયાં હોઈએ છીએ. ખામોશી બોલતી હોય છે. સાંન્નિધ્યની ખામોશીમાંથી જે સંગીતનું સર્જન થાય છે એ માત્ર બે વ્યક્તિને જ સંભળાતું હોય છે. આવી ખામોશી જ્યારે સન્નાટો બની જાય ત્યારે જિંદગી સૂસવાટામાં ભટકી જતી હોય છે. સાત અબજમાંથી એક વ્યક્તિથી જ બધો ફર્ક પડતો હોય છે! સંવાદનો અભાવ એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. વાદ હોય ત્યાં સંવાદ ન હોય. સંવાદ ન હોય ત્યાં વિવાદ જ હોય. આપણે ખુલ્લાદિલે વાત જ કરી નથી શકતા. પોતાની વ્યક્તિના સપનાની જ આપણને ખબર નથી હોતી. સપનાની ખબર ન હોય તો પછી પોતાની વ્યક્તિના સ્વર્ગની તો ખબર જ ક્યાંથી હોય? એક ઘરમાં એક જ સ્વર્ગ હોય. એક ઘરમાં બે વ્યક્તિનાં અલગ અલગ સ્વર્ગ હોઈ શકે નહીં. આપણે માત્ર આપણું સ્વર્ગ રચવા જતાં હોઈએ ત્યારે મોટાભાગે આપણે સ્વર્ગની નહીં પણ નર્કની જ રચના કરતાં હોઈએ છીએ! એકલાં એકલાં સ્વર્ગ બનાવી લઈએ તોપણ એમાં છેલ્લે તો એકલતા જ હોય છે. ઘણાં એવું બોલતાં હોય છે કે હું મારી રીતે રહું છું અને એ એની રીતે રહે છે. સરવાળે તો બંનેને જે રીતે રહેવું હોય છે એ રીતે રહેતાં જ હોતાં નથી. પાસે હોઈએ છીએ પણ સાથે નથી હોતા. સ્વર્ગ બે હાથે રચાતું નથી, સ્વર્ગ ચાર હાથે રચાય છે. શહેર એ સ્વર્ગનો સમૂહ બની જાય તો સૃષ્ટિ સુંદર થઈ જાય. આપણું સ્વર્ગ આપણા હાથમાં હોય છે પણ જો એ હાથમાં બીજો હાથ હોય તો!

છેલ્લો સીન :

જેની પાસે દિલ ખોલી દીધું હોય, તેની સાથે હોઠ બીડીને બેસી ન રહેતા. -અજ્ઞાત

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 05 ઓકટોબર, 2014. રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

કૃષ્ણકાંત ઉનડકટ..

મારા વિષે થોડું- ​બાકી જે છે એ બધું તમારું

અપણા  વડીલો અમેરિકામાં આવ્યા તો ખરા પરંતુ અમેરિકા માં આવ્યા પછી ગુજરાતી ભાષા સાથે નાતો જાણે છુટી ગયો…ખુબ બોલતા વડીલોને મોંન થતા જોવ છું ..કારણ ભાષાની અભિવ્યક્તિ જાણે ખોવાઈ ગઈ છે .પૌત્ર પૌત્રી સાથે ભાષા જાણે બંધન છે ભાષા માત્ર સંપર્કનો સેતુ નથી. ..ડગલાના પ્રોગ્રામમાં મેઘલાતા માસી ને  અને પદ્મામાસીને    સાંભળ્યા   ત્યારે..થયું.ભાષા એક પટારો છે, જેમાં સંસ્કૃતિનો સમગ્ર ખજાનો સચવાઈને રહે છે. સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ ભાષા છે. આપણો અમૂલ્ય સાહિત્યનો વારસો ભાષાએ સાચવ્યો છે અને વડીલોએ  પછીની પેઢીને એ વારસો ભાષાની સંદૂકમાં સુરક્ષિત સોપવાનો છે …તો તેને સાચવવી જોઈયે અને વડીલોને પ્રોત્સાહન આપી તેમના અનુભવનો નીચોડ લોકો સમક્ષ મુકવો જોઈએ …તેમજ તમની સર્જન શક્તિને ખીલવવી જોઈ એ..

હું જીવન સાથે સતત પોઝીટીવ.. હકારાત્મક અભિગમ સાથે …ચાલવામાં માનું છું.અને એ જ આશા સાથે આ  બ્લોગ ની રચના કરીછે  હું કેટલે અંશે સફળ થઇ શકીશ. તે જાણતી  નથી. પણ નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો ચાલુ રહેશે જ..કોઇ શકા, આશંકા વિના.. મને ખાતરી છે  કોઇ એક દિવસ  કોઈક ના  જીવનમાં શબ્દો  મહોરી ઉઠેશે . એને  કરચલીવાળા  મોઢા પર સ્મિત  જોઇશ ,

કવિતા મારું  વસિયતનામું
જે છે બધું તમારું
લ્યો તો બધુજ  મારું

શબ્દોતણા છા ણાથી
બે ચાર ક્ષણો હું રંગી જાણું

જીવનની ગમતી ક્ષણોને
કંટારી મેં શબ્દોમાં
સાચવશો તો સચવાશે.
નહીતો ખાલી ખમ છે વસિયતમાં

લ્યો શાહીવિનાના કાગળ પર
લખીયું મેં મારું વસિયતનામું

(આશા છે આમાં રહેલી ક્ષતિઓને સમભાવે નિભાવી/સુધારી લઈ પ્રોત્સાહિત કરશો.સ્નેહાળ સુચનો અવશ્ય આવકાર્ય છે.)

મારા અન્ય બ્લોગોની સૂચિ

Daglo ડગલો એટલે ગુજરાતી સાહિત્ય,સંગીત દ્વારા ભાષાને જીવંત રાખવાનો નમ્ર પ્રયત્ન

Seniorschai All seniors deserve to live life with dignity till the very end .God gives us life and attitude make the life colorful..

કસુંબલ ગીતોનો વૈભવ કસુંબલ ગીતોનો વૈભવ…. ઝવેરચંદ મેઘાણી અને હેમુભાઈ ગઢવીને અર્પણ

Wah PrafulDave ગુજરાતનુ ગૌરવ -પ્રફુલ દવે

બે ઍરિયા ગુજરાતી સમાજ જ્યાંવસે ગુજરાતી ત્યાં વસે ગુજરાત તો પછી નોર્થેર્ન કૅલિફૉર્નિયા કૅમ રહી જાય…

સંભારણા તો સંભારણા ના મિત્રો મને આ બ્લોગમાં જૂની રંગભીના ગીતો અને યાદોને સમેટ્વી છે .