જુની આંખે નવા ચશ્મા

 

સંકલન -વિજય શાહ

 

 

 

 

 

૬૦ ઉપરનાં સૌ વાચક મિત્રો ને.

 

 

 

 

અનુક્રમણિકા

 

જૂની આંખે નવા ચશ્મા–(૧) ડો.લલિત પરીખ
જૂની આંખે નવા ચશ્મા–(૨) પ્રવીણા કડકિયા ૧૪
જૂની આંખે નવા ચશ્મા–(૩) હેમા પટેલ ૧૯
જૂની આંખે નવા ચશ્મા–(૪) પ્રજ્ઞા દાદભાવાળા ૨૮
જૂની આંખે નવા ચશ્મા–(૫) વિજય શાહ ૩૧
જૂની આંખે નવા ચશ્મા–(૬) પ્રભુલાલ ટાટારીઆ ૩૬
જૂની આંખે નવા ચશ્મા–(૭) કલ્પના રઘુ શાહ ૪૯
જૂની આંખે નવા ચશ્મા–(૮) ડૉ ઇંદુબહેન શાહ ૫૫
જુની આંખે નવા ચશ્મા (૯) ડૉ દર્શના વરીયા નાડકર્ણી ૬૦
કેલિડોસ્કોપ – મોહમ્મદ માંકડ સૌજન્ય -સંદેશ ૬૨

 

 

 

 

 

 

પ્રસ્તાવના

નવું વર્ષ

આ દુનિયા ની રીત છે નિરાળી જૂનું જતા આવે છે નવું આજે છે જે નવું થઈ જશે આવતી કાલે એ જૂનું પણ, નવીન આવતા શું વિસરાય જાય જૂનું? ના, નવીન આવતા વિસરાતું નથી જૂનું માટે રાખીશ જૂનાં ને પણ નવીન સાથે જો રાખીશ જૂનાં ને પણ નવીન સાથે માણી શકીશ મજા તો જ હું નવીન સાથે.

ધારા ભટ્ટ યેવલે

https://dharabhattyeole.wordpress.com

 

 

 

 

જૂની આંખે નવા ચશ્મા–(૧) ડો.લલિત પરીખ

‘જૂની આંખે નવા તમાશા’ લોકોક્તિ જૂની હોવા છતાય આજના  કોમ્પ્યુટર યુગમાં ય  એટલી જ સાંપ્રત તેમ જ સમીચીન છે, તેમાં તો લવલેશ સંદેહ નથી.અલબત્ત મોતિયાના ઓપરેશન પછી નવો લેન્સ બેસાડી દીધા બાદ તો હકીકતમાં નવી આંખે જ નવા તમાશા જોતા રહેવાના હોય છે એટલો સુધારો કરવો હોય તો કરી શકાય.બાકી આ કહેવત આપણા  દાદા દાદી પણ તેમના જમાનામાં કહ્યા કરતા હશે,આપણા માબાપ પણ કહેતા રહેતા અને આપણે પણ મનોમન કહ્યા કરતા હોઈએ છીએ.પરંપરા વિરુદ્ધની નવી રહેણી કરણી,રીતરિવાજ, ફેશન,જીવનશૈલી વી.જોઈ આપણે બોલી ઊઠીએ છીએ કે “જુઓ જૂની આંખે નવા તમાશા”.

એક સુપ્રસિદ્ધ જૈન પ્રવચનકાર શ્રી હુકમચંદ ભારિલને મેં એક વાર  સાંભળેલા જેમણે  બહુ સરસ પણ રમૂજી રીતે આ બાબતમાં કૈંક આવું કહેલું,જેનો લક્ષ્યાર્થ ”જૂની આંખે નવા તમાશા’ જ અભિપ્રેત હતો.તેમણે કહેલું કે એક જમાનામાં લોકો મોટી પાઘડી બાંધતા,પછી નાની પાઘડી બાંધવા લાગ્યા,તેમાંથી તૈયાર પાઘડી માથે મૂકતા થયા,આગળ જતા પાઘડી છોડી, કાળી અને કાશ્મીરી ટોપી પહેરતા થયા,આવી ટોપીઓ પણ ત્યાગી ગાંધી ટોપી પહેરતા થયા અને હવે  ઉઘાડે માથે બાબરી પાડીને ફરતા થઇ ગયા.સ્ત્રીઓ પણ લાંબા ઘૂમટામાંથી નાના ઘૂમટા કાઢતી થઇ જવા લાગી,પછી માથે માત્ર કપાળ ઓઢતી થવા લાગી,તેના પછી કેવળ માત્ર માથું જ ઢાંકવા લાગી અને છેલ્લે ઉઘાડે માથે ફક્ત ખભો જ ઢાંકતી થઇ ગઈ.પાની  ઢાંકીને ચાલતી સ્ત્રીઓ શોર્ટ્સ પણ પહેરતી  થવા લાગી.ચશ્મામાંથી લેન્સ પહેરતા  થઇ ગયા લોકો અને હવે તો ઇનબિલ્ટ લેન્સ પહેરતાપણ  થઇ ગયા.શરીર ઢાંકવા કરતા  વધુ ઊઘાડું રાખવું એ ફેશન તો મલિકા શેરાવત જેવી અભિનેત્રીએ પૂરી પરાકાષ્ટાએ પહોંચાડી દીધી.

બાળકો વડીલોને  “સ્ટુપિડ” કહેતા થઇ ગયા અને ક્યાંક ક્યાંક તો વડીલો બાળકોને “આતંકવાદી” કહેતા થઇ ગયા. વિદ્યાર્થીઓ શિક્ષકથી ડરતા તેના બદલે હવે શિક્ષકો વિદ્યાર્થીઓથી ડરતા થઇ ગયા, તેનાથી વધુ તો જૂની આંખે જોવાતો મોટો તમાશો બીજો શો હોઈ શકે? યુનિયનો બનતા હવે બેન્કના સ્ટાફથી મેનેજરો ડરતા દેખાય અને ઘરેથી પ્રાર્થના કરીને નીકળે કે “આજે સ્ટાફ હેરાન ન કરે’ તેનાથી વધુ  તમાશા કયા અને કેવા હોઈ શકે? કોલેજના પ્રિન્સિપાલો,યુનિવર્સીટીના  રજીસ્ટ્રારો  અને વાઈસ ચાન્સલરો વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓથી વાતે વાતે ગભરાય એ તમાશો તો જૂની આંખ જોઇને આશ્ચર્ય અને આઘાતનો જ અનુભવ થઇ શકે. પરદેશમાં વડીલો કરતા  કૂતરા-બિલાડાઓનું માન – સન્માન વધારે થતું જોવાય, એ પણ જૂની આંખે નવા તમાશા જેવું જ કે બીજું કાંઈ ? વડીલોને પાછળથી ‘ગાર્બેજ’ કે ‘ડસ્ટબિન’નું ટાઈટલ અપાય એ તો જૂની આંખે જ નહિ, જુના કાને પણ નવા તમાશા જેવું જ દુખદ અને આઘાતજનક  કહેવાય.નાનપણમાં જેમની હાકથી,હાજરીથી,ધાકથી જે ડરતા અને ગભરાતા તે બાળકો હવે વૃદ્ધાવસ્થામાં પ્રવેશી ચૂકેલા માતાપિતાને ટડકાવતા રહે એ તો જૂની આંખે જોવાતો, ન ભૂતો ન ભવિષ્યતે  જેવો તમાશો તો અત્યારે ઘરે ઘરે જોવાતો ભજવાતો જોવા મળે છે.

પરંતુ દરેક સૈકામાં જૂની આંખે નવા તમાશા જોવાની,તેના વિષે ફરિયાદ કરવાની પરંપરા તો ચાલતી જ આવી છે.ફક્ત મારા પરિવારની જ વાત કરું તો મારા લગ્ન સમયે મારી વાગ્દત્તા લાજ નહિ કાઢે તે માટે મારે મારા મોટા સસરાને પત્ર લખવો પડેલો અને એ લાજ કાઢ્યા વગરના અમારા લગ્ન  મારા માતા પિતા તેમ  જ મારા શ્વસુર પક્ષના લોકો માટે જૂની આંખે નવા તમાશા જેવું જ ગણાયેલું.મારી પત્ની માથે ઓઢતી અને મારા બાળકો પણ નાના હતા ત્યારે મારા પિતા ઘરમાં આવતા દેખાય કે તરત મારી પત્નીના માથે સાડલાનો છેડો ઓઢાડી દેતા તે મને હજી યાદ છે.આગળ જતા એ માથે ઓઢવાનું પણ નીકળી  ગયું,જયારે મારા પિતાના દૂરના ભત્રીજાની પ્રૌઢ પત્ની છેક સુધી લાજ કાઢતી રહી,અને લાજમાંથી જ તેમની સાથે વાતચીત કરતી રહેતી, તે પણ યાદ છે.એ કદાચ સંધિકાળ હશે; પણ તે સમયના વડીલો માટે એવું બધું જૂની આંખે નવા તમાશા જેવું જ હશેને?

પછી તો મારા ચારમાંથી ત્રણ પુત્રોએ પ્રેમલગ્ન કર્યા ત્યારે હું અને મારી પત્ની તો સહમત થયા જ ;પણ સાથે સાથે મારા માતા પિતા પણ ખુશી ખુશી સહમત થયા, એ ગામલોકો માટે જૂની આંખે નવો તમાશો બની ગયેલ.અમારા વૈષ્ણવ ગુજરાતી પરિવારમાં એક ગુજરાતી જૈન પુત્રવધૂ,બે મહારાષ્ટ્રીયન પુત્રવધૂઓ  અને એક ઉત્તર પ્રદેશની વાર્શ્નેનેય પુત્રવધૂ સ્વીકારાઈ તે મારા મિત્રો માટે ય જૂની આંખે નવા તમાશા જેવું બનેલું.

હવે મારા પૌત્રો અને પૌત્રીઓ તો પોતાની પસંદગીના પાત્રો સાથે પરણી રહ્યા છે અને માનવજાતિ એક જ છે તે સિદ્ધાંતના આધારે કોઈ પણ દેશના, રંગના પાત્રને પરણે તો તે અમારા માટે તો સર્વસંમત વાસ્તવિકતા છે; પણ ભારતના અમારા સગા વહાલાઓ  માટે તો જૂની આંખે નવા તમાશા જેવું જ કહેવાય કે બીજું કાંઈ ? દેશ કાળ સાથે વર્તન પરિવર્તન સ્વીકારતા જવું એ જ સાચી પ્રગતિ છે,સાચો વિકાસ છે એવું સમજનાર માટે જૂની આંખે નવા તમાશા જેવું બહુ રહ્યું નથી. વડીલો પણ સમજ વધતા બધું સ્વીકારતા જાય , એ આનંદની વાત છે.મારા પિતરાઈ ભત્રીજાએ માસીની દીકરી સાથે લગ્ન કર્યા,  તે પણ બેઉ પક્ષોએ સ્વીકારી ધામધૂમથી લગ્ન કરેલા અને મેં તેમાં હાજરી આપેલી તે મને યાદ છે.

મારા એકસો છ વર્ષના કાકી તો પ્રસન્ન પ્રસન્ન ભાવે  ‘રામ રાખે તેમ રહીએ’ ભજન ગાયા કરે છે વર્તન- પરિવર્તન જ જીવનનું  પરમ સત્ય છે એ સમજાય  તો ‘જૂની આંખે નવા તમાશા’ની ફરિયાદ ઓછી થઇ જાય.

 

જૂની આંખે નવા ચશ્મા(૨) પ્રવિણા કડકિયા

જ્યારે ચશ્મા આવે ત્યારે આંખ જૂની થઈ ગઈ હોય. એમાં બે મત નથી. આંખ જૂની થઈ હોય તેના કરતા તેને ઘસારો પહોંચ્યો હોય તે કહેવું વ્યાજબી છે. જન્મ ધર્યો ત્યારથી આજ સુધી જે માનવ શરીર ૨૪ કલાક દિવસ અને રાત, સાતેય દિવસ, પળભર થંભ્યા વગર ચાલે તો સ્વાભાવિક છે તેને ઘસારો પહોંચે ! નવા ‘પાર્ટસ’ નાખવા પડે યા જૂનાને સાજા નરવા બનાવવાની જહેમત ઉઠાવવી પડે. અરે, કોઈક વાર તો જૂના ‘પાર્ટસ રીપ્લેસ’ પણ કરવા પડે.

હવે આંખ જૂની અને ચશ્મા નવા એટલે જોવાનું શું ? સાધારણ રીતે ચશ્મામાંથી જે દેખાય તે ! ઘણી વખત તેમ નથી બનતું ! જૂની આંખે નરવી હતી ત્યારે જે દેખાતું હતું તે નવા ચશ્માથી અલગ જણાય ! એમાં નથી આંખનો દોષ યા નથી નવા ચશ્માનો ગુનો. જો અપરાધી હોય તો તે માનવનું અવડચંડુ મન. બાકી જે આંખથી દેખાતું હતું તે વધારે સ્પષ્ટ પણે ચોખ્ખું દેખાય છે!

જ્યારે ૪૨ વર્ષની ઉમરે મને પહેલીવાર ચશ્મા આવ્યા ત્યારે  મારા પતિદેવ કહે ,’તું ઈંદિરા ગાંધી જેવી દેખાય છે.’ હવે હું એ જ હતી, માત્ર ચશ્મા નવા આવ્યા હતા ! મને પોતાને મારો ચહેરો અલગ જણાયો !

આજે ૨૧મી સદીમાં મોટેભાગે લોકો એમ માને છે અમારી આંખો જૂની થઈ, ચશ્માના નંબર વારે વારે બદલાય છે. તેથી આજના રંગ ઢંગ અલગ જણાય છે. તેનું મુખ્ય કારણ ,આપણે જમાના સાથે કદમ મિલાવવાને બદલે આપણો કક્કો ખરો કરવામાં રચ્યા પચ્યા રહીએ છીએ.

જેને સદીઓ પુરાણી ભાષામાં કહીએ તો ‘જૂની આંખે નવા તમાશા ? ‘ એ વિચારસરણીને તિલાંજલી આપવી તે ડહાપણ ભર્યું કામ છે. સુખી થવાનો રામબાણ ઈલાજ ,” અમારા જમાનામાં આમ, અમે આમ કરતા હતા, અમને આમ ગમે છે” એવા વાક્યો પર પ્રતિબંધ મૂકાવો જોઈએ.

આજનો નવોદિત લેખક અને કનૈયાલાલ મુન્શી, વી.સા. ખાંડેકર કે શરદબાબુની શૈલીમાં તફાવત જણાવાનો. નવુ અપનાવો ખુલ્લા દિલે. સહુ સહુની જગ્યાએ શુશોભિત છે. જ્યોતિન્દ્ર દવે અને બકુલ ત્રિપાઠીની વાતો આજે પણ દિલચશ્પ લાગે છે, નવા હાસ્ય લેખકોની રમૂ્જી શૈ્લી ખૂબ મનભાવન છે.

પાટીપેન લઈને પલાખા લખતા કાલના આપણે આજે બે વર્ષના બાળકને કી પેડ પર રમતા જોઈ પોરસાઈએ છીએ. મનમાં એમ પણ વિચાર આવે કે ‘ભગવાને આપેેલું બિલ્ટ ઈન કમપ્યુટર’ વાપરે તો સારુ! પણ એ જ દિમાગ તેઓ બીજા યોગ્ય રસ્તે  વાપરશે.પછી પાટી પેન લઈને અમે એકડો ઘુંટતા હતા એ વ્યર્થ વાતોનો શો ફાયદો?

ઘુંઘટામા જોયેલા દાદીમા કે મમ્મી યાદ કરીએ ત્યારે કેવું વિચિત્ર લાગે છે! જે ચશ્મા એ નિહાળતા હતા તેની જગ્યાએ આજે દીકરીઓ અને વહુઓ પંજાબી, ડ્રેસ, સ્કર્ટ અને મીનીમા દેખાય તો આપણને જરાય વરવુ નથી લાગતુ. સાવ સહજ અને યોગ્ય ભાસે છે.

આપણે અપનાવ્યું છે કે લાજ શરમ આંખોમા અને વર્તનમા વસે છે નહી કે જમાના અનુસાર પહેરવાના કપડામા ! જુની આંખવાળા આજે ૮૦ યા ૯૦ વર્ષના વડીલોને ઘણો ફરક જણાતો હશે. જેઓએ નવિનતાને ઉદાર દિલે અપનાવી છે તેઓ આજના સમયને માણે છે. જેઓ વખતની સાથે વલણ ઢીલુ નથી મુકતા તેમની પરિસ્થિતિ ખૂબ દયનિય આપણે સમાજમાં ચારે તરફ નિહાળી રહ્યા છીએ.

હા, જૂનું તે સોનું, જુઓ આજે સોનાના ભાવ આસમાને છે. તેમાં નવા હીરા જડવા હોય તો કેટલું કામમા આવે છે! હર કદમ વિચારીને ઉઠાવો. જૂની ઘરેડમાંથી બહાર ઝાંકો, સુરજ એનો એ છે. વર્ષાની રિમઝિમ તન બદનને તરબોળ કરે છે. હરિયાળી જોઈને જુનું યા નવું મન હિલોળા લે છે !

૨ રૂપિયે લિટર મળતું આરે કૉલોનીનું દૂધ આજે ૩૫ રૂપિયે લિટર મળે છે. શું આપણે ચહા પીવાની છોડી દીધી ? હા, દિલગીરી સાથે કહેવું પડશે કપ નાના થઈ ગયા.

નજર બદલાશે નજરિયા આપોઆપ સુહાની ભાસશે!

બધા મનના ખેલ છે, બાકી કુદરતમાં કોઈ ફરક નથી !

સત્ય આવરણમાં હોય કે પ્રત્યક્ષ સત્ય રહેવાનું !

  

  જુની આંખે નવા ચશ્મા () –હેમાબહેન પટેલ

આધુનિક દુનિયામાં ઘર પરિવારમાં જે કંઈ પણ બની રહ્યું છે, તે આધુનિક યુગના તમાશા આપણી ઈચ્છા હોય કે ન હોય તેને મજબુરીથી પણ જોવા પડે છે. તો પછી તેને જોઈને શું આપણે આપણી દ્રષ્ટિ ન બદલી શકીએ ? જુની આંખે નવા તમાશા જોઈને આપણી દ્રષ્ટિ બદલીને સમજવાની જરૂર છે.માટે જ જુની આંખે નવાં ચશ્માં .દ્રષ્ટિ બદલવાની વાત છે. આપણો દ્રષ્ટિભાવ ન બદલાય તો દુખી થવાય.

છેલ્લા વીસ, પચીસ વર્ષમાં લોકોની હરવા-ફરવાની-રહેવાની –ખાવા-પીવાની ઢબ બલાઈ ગઈ છે. ટુંકમાં કહીએ તો દરેકની રહેણી કરણી સાવ બલાઈ ગઈ છે.દુનિયા આખી આધુનિક થઈ ગઈ છે. કમ્પ્યુટર, ઈન્ટરનેટ વગેરેને લીધે દુનિયા એકદમ નાની થઈ ગઈ છે. લોકો એક બીજાની નજીક આવી ગયા છે. અત્યારની મોર્ડન ટેકનોલોજી જોઈએ તો આપણી અક્ક્લ કામ ન કરે, માનવામાં ન આવે એવી સુવિધામાં જીવીએ છીએ.

હવે કોઈ વ્યક્તિ ૨૦ થી ૪૦ ના દાયકામાં જન્મી હોય તેને આ મોર્ડન ટેકનોલોજીના યુગમાં જીવવાનુ થાય તે પણ કોઈ એકદમ નાના ગામમાં ઉછરેલા હોય ત્યાં જ જીંદગી વીતાવી હોય અને જો તે કોઈ મોટા શહેર અથવા તો પરદેશમાં જવાનુ થાય ત્યારે તેની શું હાલત થાય એ આપણે વિચારી શકીએ. ગામની અંદર સાદી સીધી જીંદગી વીતાવી હોય.,પૈસાની રેલમ છેલ ન માણી હોય,વૈભવ સુખ માણ્યા ન હોય,તેને ગાડીઓમાં અને પ્લેનમાં બેસીને ફરવાનુ થાય, મોટા વિશાળ હાઉસમાં રહેવાનુ થાય, રોટલા-ખીચડી ખાધા હોય તેને પીત્ઝા ખાવાના થાય ત્યારે તેનો પ્રતિભાવ કેવો હોય શકે તે આપણને ખ્યાલ આવે છે.તેને સંપત્તિ અને વૈભવવાળી જીંદગી જો જોવાની થાય તો તેવી વ્યક્તિ તેને જોઈ ન શકે અને સહન પણ ન કરી શકે. ન સહેવાય ન રહેવાય એવી હાલત થાય.

જુની આંખે જ્યારે નવા તમાશા જોવાના થાય ત્યારે આપણે આપણી દ્રષ્ટિકોણ બદલવો પડે, નહીતો જુની દ્રષ્ટિથી દુનિયા જોવા જઈએ તો મન તે તમાશા જોવા માટે તૈયાર ન હોય અને તેના માટે બળાપો કર્યા કરે.જ્યારે નવા તમાશા જોઈને તેને માટે આશ્ચર્ય થાય, અચંબો થાય ત્યાં સુધી સારું છે. નહી તો પારકી પંચાત કરીને દુખી થવા જેવું છે. સમયની સાથે પરિવર્તન અને દરેક વસ્તુમાં બદલાવ એતો દુનિયાનો નિયમ છે, જો સમયની સાથે ન ચાલીએ તો સમય આપણને એક બાજુ ફેંકીને ચાલ્યો જાય.સમયની સાથે કદમ મીલાવીને ચાલવું એમાં જ ડહાપણ સમાયેલું છે. નહીતો નવા તમાશા જોઈને દુખી થવું પડે. જે વ્યક્તિને કોઈ પણ સમય અને પરિસ્થિતીમાં બીજાની સાથે પોતાને અનુકુળ થતાં આવડે તે ક્યારેય દુખી ન થાય.દાદાભગવાન કહે છે “એડજેસ્ટ એવરી વ્હેર” જમાના પ્રમાણે એડજેસ્ટ થાવ.દુનિયામાં નાના-મોટા બધાની સાથે એડજેસ્ટ થઈને રહેવાની સલાહ આપે છે. .બધાની સાથે અનુકુળ થઈને રહેવા માટે બહુજ આગ્રહ કરેલો છે. જો જીવનમાં શાંતિ જોઈતે હોય તો દરેકને અનુકુળ થવું પડે છે. તે સુખી થવાની ચાવી છે.

શાન્તીલાલ અને કમુબેન ગુજરાતના એક નાના ગામમાં રહે છે,સાદા સીધા માણસો, ઉંમર ૮૦ની આસપાસ, એક બે વખત અમદાવાદ અને વડોદરા જવાનુ થયું છે અને બહુ તો જાત્રા કરવા માટે ગયાં છે. તેઓ બહુ હર્યા હર્યા ફર્યા નથી.શાન્તીલાલ સ્વભાવે શાંત પરંતું કમુબેન બોલવામાં ચબરાક, હોય એવું બોલવા જોઈએ. બધાને મૉઢા પર હોય એવું કહેવાની ટેવ.

તેમની પૌત્રી નિકીતાએ તેઓને અમેરિકા ફરવા માટે બોલાવ્યા, કમુબેનને તો મુંબઈ પ્લેનમાં બેઠાં ત્યાંથી બોલ બોલ કરવાનુ ચાલુ કરી દીધું, શાન્તીલાલે સમજાવ્યું, તૂં તારુ મૉઢુ બંધ રાખજે, તારો ખોટો લવારો મને નથી ગમતો.તારી અક્ક્લનુ પ્રદર્શન બધે ના કરતી ફરીશ. કમુબેન તરત જ બોલ્યા હા ભઈ, મારું મૉઢુ બંધ રાખીશ બસ.આખે રસ્તે શાંન્તીલાલની બીકે ચુપ રહ્યાં અમેરિકા આવી ગયાં.નિકીતાને ઘરે રહ્યાં અમેરિકાની રહેણી કરણી સાવ જુદી છે.કમુબેનને તેમની આદત મુજબ બોલ્યા વીના ન રહે શકે. નિકીતીએ ચા બનાવાની તૈયારી કરી, કમુબેન કિચનમાં જ બેઠાં હતાં. નિકીતા ચાની અંદર દુધ નાખતી હતી, કમુબેન તરત જ બોલ્યાં હાય ! હાય ! દિકરી તૂં આ શું કરે છે ? ગેલન આમ નમાવાતું હશે ? તૂં તો જમાઈનુ દેવાળુ કાઢી નાખશે. નિકીતા તરત જ બોલી બા તમે શાંતિ રાખો હું બહુ દુધ નથી નાખતી ,માપનુ જ રેડું છું.શાંતિલાલે સાંભળ્યુ એટલે આવીને તેમને રૂમમાં લઈ ગયા, બોલ્યા શાંતિથી બેસ, બધામાં તારું ડહાપણ ના વાપરીશ. મારી ઘેલી બાયડી જુની આંખે નવા ચશ્મા પહેર નહી તો દુખી થશે અને બીજાને પણ દુખી કરશે.

નિકીતા એક દિવસ નાના-નાનીને બહાર મૉલમાં ફરવા લઈ ગઈ ફરતાં ફરતાં નાનીની નજર એક યુવાન ક્પલ પર પડી યુવતી અને યુવાન એક બીજાને પપ્પી કરતાં હતાં, નાનીના સ્વભાવ પ્રમાણે તરત જ બોલી ઉઠ્યા “ હાય હાય ઘોર કળીયુગ આવ્યો છે, ભરેલા બજારમાં લોકોની વચ્ચે આ લોકોને આવું કામ કરતા જરાય શરમ નથી આવતી ? લાજ શરમ નેવે મુક્યા છે ? શરમ વીનાની એક તો ટુંકાં કપડાં પહેર્યાં છે અને પાછી આવા કારસ્તાન ? “

શાંતિલાલ તરત જ બોલ્યા તારાથી ચુપ નથી રહેવાતું ? એણે ટુંકા કપડાં પહેર્યા છે તેમાં તને શું પેટમા દુખે છે ? મારી ઘેલી બાયડી આતો જુની આંખે નવા તમાશા છે ચુપ ચાપ જોયા કર. બહુ લવારો ના કરીશ. થોડા આગળ ચાલ્યા એટલે છુટ્ટા વાળ વાળી બધી યુવતીઓને જોતાં પાછા ફરીથી બોલ્યાં આ જેંથરીઓ જોવોને વાળ ઓરવાનો સમય પણ તેમની પાસે નથી ? નાનીનુ મોઢું બિલકુલ બંધ નથી રહેતું. શાંતિલાલ સમજાવે તો પણ તેમને બધું જોતાં જ તેમનુ લોહી ઉકળી જાય છે અને દુખી થાય છે. હવે આપણે જોવા જઈએ તો કમુબેને પોતાની જાતેજ બળાપા અને દુખ ઉભા કરેલા છે.

મોટા ભાગના પરિવારોમાં જોયું છે યુવા પેઢી નવા જમાનાની લાઈફ સ્ટાઈલથી જીવવા માટે ટેવાઈલા હોય એટલે ઘરની અંદર વડીલો આ બધાથી ટેવાયેલા ન હોય તો કજીયા કંકાસ ઉભા થાય.ઘણી વખત તો જે ખોટા રિતી- રિવાજ પડેલા છે તેને જો યુવા પેઢી ન અપનાવે તો પણ ઘરની અંદર કકરાટ ઉભા થાય છે. કમુબેન જેવી કેટલી સ્ત્રીયો હશે , જે નવા તમાશા જોઈને સમજવા માટે તૈયાર નથી. નવું જાતે તો નથી અપનાવવું અને બીજા જે અપનાવે તેને પણ રોકે. અમે જેવું જીવતા હતા તેવું જ તમે જીવો હવે આ તો સંભવ નથી. લોકો જમાના પ્રમાણે જ ચાલશે.સિનેમા જોવી , પાર્ટીઓ કરવી, રેસ્ટોરંટમાં અવાર નવાર જમવા જવું ઘરે બહારથી ખવાનુ મંગાવવું,મોજ શોખ માટે વિચાર કર્યા વીના પૈસા વાપરવા,હીલ સ્ટેશનો પર ફરવા જ્વું, આ બધું યુવા પેઢી માટે સામાન્ય બની ગયું છે.આવી તો ઘણી બધી બાબતો છે જે વડીલોને પસંદ નથી તેમને માટે તો જુની આંખે નવા તમાશા બરાબર છે. જો તેમની દ્રષ્ટિ બદલીને અનુકુળ થાય તો ઘરમાં શાન્તિ રહે નહી તો પછી લોહી ઉકાળા ! ઘણી વખત જોયું છે યુવા પેઢી સાંભળવા માટે તૈયાર ન હોય તો પણ ઘરડા માણસો વધારે ટક ટક કરતા હોય. ડોસા-ડોસીની વધારે પડતી ટક ટક હોય અને જો માથુ ફરેલી વહુ આવે તો તેઓને સીધા કરે.આપણે જે રીતે જીવન જીવ્યા તે રીતે આવનાર પેઢી આપણી જેમ નથી જ રહેવાની.પોતાના વિચારો બીજા પર લાદ્યા વીના તેમની સાથે સમજદારીથી અનુકુળ થઈને રહીએ તો ઘરની અંદર સુખ શાંતિ રહે. નહીતો પછી ઘરડા માણસોને ઘરમાં રાખવા માટે કોઈ તૈયાર ન થાય.તેઓ તરફથી માન સન્માન જોયતા હોય તો આંખો અને કાન ખુલ્લા રાખવના અને મૉ બંધ રાખીને બેસીએ તો સૌને વ્હાલા લાગીએ નહીતો તેમના માટે ‘ન્યુસન્સ’ બની જઈએ.માટેજ ઘરડાંએ જવાનીયાં જે કરે તેમાં આંખ આડા કાન કરે તો પછી ઘરની અંદર શાંતિ બની રહે. યુવા પેઢીને જ્યાં ખોટુ થઈ રહ્યું હોય ત્યાં ટકોર કરવાની જરૂર છે, નહીંકે બધી વસ્તુમાં માથુ મારીને વધારે પડતી કચકચ કરવી.

  

જુની આંખે નવા ચશ્મા () પ્રજ્ઞા દાદભાવાળા

લ્યો ​હું ચશ્માં લઇ આ​વ્યો, કારણ આંખો હવે ઘરડી થઇ છે. પણ ચશ્માં મને કેમ ખુંચે છે? ​ ચશ્માં માનવીની પરધીનતા છે. અને પરિવર્તન ચશ્માં છે. છતા નવા ચશ્માં જ હવે જીવન છે. પણ માનવી અને માનવીનું માનસ તો જુના છે. ક્યારેક નવા ચશ્માંથી ડર લાગે છે ​પોતાના વ્યક્તિત્વ ખોવાનો ડર છે ​​ન જોવાનું પણ દુઃખ છે. અને ​નવું ​જોવાનું પણ દુઃખ છે. જૂની આંખે નવી પેઢીનું દરેક વર્તન હવે નવા ચશ્માં જોશે, પણ ઉછાંછળું જ બધું અયોગ્ય દેખાય છે. કારણ આંખો જૂની છે. ​માણસની આંખ રમણીય છે તેટલું માનસ નથી ? માણસ આંખ ની જેમ જલ્દી ફોકસ બદલી શકતો નથી. પરિવર્તન પ્રકૃતિના જીવંતતાની ઓળખ છે. પણ પરિવર્તનને સ્વીકારવાની અને પચાવવાની અશક્તિ છે. ત્યારે ચશ્માં છે, પણ બધું ખુચે છે. જૂની આંખો ને નવી પેઢી ક્યારે પણ ડાહી લાગી નથી. એ ઘરડું વિધાન કહે છે. ‘આ દુનિયા હવે પહેલા જેવી રહી નથી.’ “આજકાલ બધું જ બદલાઈ ગયું છે. એવું સતત લાગે છે. વળી ઝડપભેર બદલાઈ રહ્યું છે. નવી પેઢી એ ઝડપ ઘટાડવી જ પડશે અને જૂની પઢી ઝડપ સાથે તાલ મિલાવશે બંનેને પોતપોતાના નોખા નોખા ઠાઠ છે ! ઝડપ સાથે તાલ ન મિલાવતા ઘણા ઘરડાના બળાપા સાંભળ્યા છે. ઘણા ઘરડા છાશને કચ્છી બીયર કહે છે. પણ બીયર જ હવે નવી પેઢીની છાશ છે. આ જૂની આંખે ચશ્માં માં દેખાય છે. માં બાળકને ચોકલેટ ખવડાવે કારણ ગોળપાપડી cholesterol છે. રોટલા નું સ્થાન પીઝા લઇ લીધું છે. નવા ચશ્માં પણ દ્રષ્ટિ તો જૂની છે. ન દેખતી આંખનો ઉપાય ચશ્માં છે. પણ જૂની દ્રષ્ટિને ફેરવવાનો કોઈ ઉપાય છે ખરો ? દ્રષ્ટિનો બીજો અર્થ માનસિકતા છે. મનને વિરોધ ​નો ​રોગ ​છે. પછી ધીમે ધીમે તેનો સ્વીકાર થઈ જાય છે. ફેરફાર પ્રકૃતિનો નિયમ છે. અને દાતણથી શરૂ થતો દિવસ હવે ટૂથ-બ્રશ અને ટૂથ-પેસ્ટથી શરૂ થાય છે. ​દાદી સગડી ને ભૂલી ગેસ પર રસોઈ કરે છે. અહી હવે સ્વીકાર સહજ છે. ​અસ્વીકારમાં ​ મતભેદ અને તણાવ ​છે ​ ઓછા કરવાનો એક જ રસ્તો છે પરિવર્તનનો સ્વીકાર ​જ જવાબ છે. નવા તમાશા જોવાની પણ એક મજા હોય છે. આવી મજા ન માણી શકે તે અવસ્થાને ઘડપણ કહેવામાં આવે છે. ઘડપણ મનની અવસ્થા છે. ઘરેડમાં ચાલતો માણસ ઘરડો થાય છે. વૃદ્ધ સદાય વિકસે છે. જુનાએ ટકવા માટે સતત નવા રહેવું પડે છે. અને જે વિકસે છે તે જ વૃદ્ધ છે. અને વૃદ્ધ વિકસવા માટે જ નવા ચશ્માં લાવે છે. ​ચશ્માં જ પરિવર્તન છે ​નવા ચશ્માં મારો ​સકારાત્મક અભિગમ છે. હવે કશું ખુંચતું નથી એને હવે નવું જ જોઈ શકે છે. ​કારણ અપનાવ્યું છે. હવે દ્રષ્ટિ અને ચશ્માં બન્ને નું ગૌરવ સચવાય કારણ મેં નવા ચશ્માં ને અપનાવ્યા છે.                 ​પ્રજ્ઞાજી -​પ્રજ્ઞા દાદભાવાળા

  જુની આંખે નવા ચશ્મા ()

વિજય શાહ

જુની આંખે નવા ચશ્મા આમ તો પરિવર્તન અને અનૂકુળતાની વાત છે. કહે છે પરિવર્તન એ સદાય ચાલતી ઉત્ક્રાંતિનું પ્રતિક છે. સૂર્યથી છુટી પડેલ પૃથ્વી અબજો વર્ષો પહેલા સુર્ય જેટલી જ ગરમ અને ધગધગતી હતી. સુર્યથી જેમ  દૂર ફેંકાતી ગઈ તેમ, તે ઠંડી પડતી ગઈ. કદાચ આ સહુથી પહેલું પૃથ્વીનું પરિવર્તન હતું.  અનુકૂલતા કાજે  જીવોની ઉત્પતિ થઇ, વરસાદ પડ્યો અને ખાલી જગ્યાઓ કે જ્યાંથી ચંદ્ર છુટો પડ્યો હતો ત્યાં સાત સમુદ્ર થયા. જંગલો, પર્વતો અને એક તબક્કે ડાયનાસોર થયા. એ ચક્ર ફરતું ફરતું આજે એક્વીસમી સદીમાં આવીને ઉભુ રહ્યુ છે. અબજો વર્ષથી ચાલતા આ પરિવર્તનશીલ યુગમાં એક નાનુ કુટુંબ અનેક  સ્વપ્નાઓ લઇ અમેરિકા આવ્યું. તેની વાત મારે આજે માંડવાની છે.

દીકરો  બાર વર્ષનો અને દીકરી સોળ વર્ષની , પતિ પત્ની બંને ૪૫ના.ઘર બદલાયું, ભાષા બદલાઇ, ગાડી ફરજીયાત શીખવાની આવી. કલાકના સાત ડોલરની આવક સાથે પતિ અને પત્નીએ અમેરિકન જીવન શરુ કર્યું. જુની આંખો નવી દુનિયા બતાવવા માંડી. દીકરી અને દીકરાને અમેરિકન છૂટછાટ ભર્યુ  જીવન ગમવા માંડ્યુ. માબાપ છોકરાઓની ખુશીમાં ખુશ, એમ માની પરિવર્તન સ્વિકારી અનુકૂલ થવા માંડ્યા. વળી અમેરિકા તો આમેય મોટો મેલ્ટીંગ પોટ. ગમે કે ના ગમે ડોલર અને રૂપિયા વચ્ચે અંતર તેથી ભારતની સરખામણી ભુલાવા માંડી.

ઘર આંગણે  એક નહીં ત્રણ ગાડીઓ પાર્ક થતી. એક પગાર છોકરાઓને ભણાવવામાં, કારના હપ્તા અને વિમામા જતો. બીજો પગાર ઘર વખરીમાં ત્યાં બચત કેવી અને વાત કેવી ?

૪૬ વર્ષે  ઘરના વડીલનું ભણવાનું શરુ થયું, તે પહેલું અને મોટું પરિવર્તન. કોલેજ પુરી થઇ અને પંખીઓને પાંખો આવી ગઈ.

લગ્ન ગુજરાતી અને ઉચ્ચ કૂળનાં પાત્ર લાવે તેવી અપેક્ષાઓ છોડી ભારતિય લાવશે તો ચાલશે ! સમલીંગી લગ્ન ના કરીશ  વાળી સર્વ વાતોને કડવી દવાનાં ઘૂંટની જેમ પીવાઇ ગયું અમેરિકામાં તો આવું જ હોય એમ સ્વિકારતા એક દાયકો પુરો થયો. વચ્ચે વચ્ચે લે ઓફ આવે, હરીકેન આવે, કારોનાં અકસ્માતો થાય. શેરબજારમાં તેજી આવે મંદી આવે !  બેંકમાં ડોલર ઠલવાતા જાય, નીકળતા જાય. જુની આંખે નવા તમાશા જોતા જોતા આજે ૪૬ની જગ્યા ૬૪ લીધી ! આમ  એક દિવસ ઇલેક્ટ્રીક ભઠ્ઠીમાં રાખ થઇને વિખરાઇ જશે.

આ કથા એક ‘વાત’ કહે છે. જુની આંખે નવા પ્રસંગો જોયા કરો ! તેના કાચ ઉપર જુના વળગણો ના રાખો. જેણે  વણગણો રાખ્યા છે તે સૌ દુઃખી છે. કાંતો હીબકા ભરે છે! દેશ પાછા જવાનો ઝુરાપો વેઠે છે ! જેણે જુની આંખને નવા દ્રશ્યો સાથે સંધિ કરી લીધી છે તે અહિં સીનીયર હોમમાં પણ આઇ પેડ ઉપર દીકરાનાં દીકરા જોઇને હસતો  ચહેરો રાખે છે !

પૃથ્વી આખી જો બદલાઇ શકતી હોય તો આપણે તો બુધ્ધિજીવી છીએ.  આપણે દેશ તેવો વેશ કેમ ના કરી શકીએ? ફક્ત એકલી મા  હીબકા ભરે છે. તેને  અંહી  કશું ગમતું  નથી. દિકરો ૧૦૦૦ માઇલ દુર દક્ષીણે અને દીકરી ૫૦૦ માઇલ દુર પશ્ચિમે છે. થેંક્સગીવીંગનાં દિવસે ભેગા થાય બાકી તો વીડીયો ચેટ અને ટેલીફોન !  ઠાલા હાસ્યો અને પરપોટાનાં જીવન જેટલું પ્રફુલ્લીત આંતર મન.

એક દિવસ રડતા રડતા પત્ની કહે છે.” આપણે અહીં આવીને શું મેળવ્યુ?

પતિ કહે સીનીયર હાઉસના પેલા કમલેશભાઇ કરતા તો આપણે સુખી છીએ? એમનો દીકરો તો ખબરેય નથી કાઢતો અને મોં પણ નથી બતાડતો. આપણ ને થેંક્સ ગીવીંગનાં દિવસે તો પોતરા મળે છે ને?”

પત્ની છતાય અશાંત છે. ત્યારે પતિ કહે છે, તું ૨૦૧૪માં છે અને ૧૯૮૦માં  જે સ્વપ્ના જોયા હતા તે ના પુરા થયા તેને માટે કેમ રડે છે? કહેતી હોય તો “દેશ”મા હાલી નીકળીએ.

પત્ની કહે ‘ હવે દેશમાં ય કોણ છે આપણું? છીએ ત્યાં જ ઠીક છીએ. પત્ની એ અનુકૂલન બતાવ્યું પરિવર્તન સ્વિકાર્યુ !

 

 

 જુની આંખે નવા ચશમા ()

પ્રભુલાલ ટાટારીઆ

જુના વખતમાં રોટલાનો કટકો લઇ બારણા કે આંગણામાં ઉભા રહી ખાતા બાળકને માવિત્રો બાવડું પકડી અંદર લઇ જઇ કહેતા ભાણા પર બેસી ખવાય આમ બારે ઊભા રહીને ખાઇએ તો લોકો હસે.આજે બુફે ડીનરમાં સૌ પ્લેટ હાથે પકડીને ઊભા રહી ખાય છે તેમાં કોઇ બુઝર્ગ જમીન પર બેસીને ખાય તો બાળકો કહેશે અદા આમ જમીન પર બેસીને ન ખવાય લોકો હસે.

જુના વખતમાં મારે એક વખત ગામડામાં જવાનું થયું. મારા મિત્રના જોડકાના બાળકોને તેની મા રોજ સવારે અકેક વાટકો ચપટી ખાંડ નાખીને પકડાવી દે. ભેંશ દોહવા આવેલ ગોવાળ આ બંને બાળકોને વાટકામાં દુધ દોહી આપે અને એ બંને ત્યાં જ ઊભા રહી પી જાય. બંને બાળકો ગોળમટોળને તંદુરસ્ત હતા.આજની મા બજારમાંથી લાવેલ મલાઇ વગરનું દુધ ગરમ કરી તેમાં હોર્લિક્સ,બોર્નવિટા કે ઓવલટીન મિક્ષ કરી આપવામાં સારી સંભાળ લેનાર તરિકે ગૌરવ અનુભવે છે.જુના વખત મા બાળકોને સવારમાં ગરમાગરમા બાજરાના રોટલાને મસળી ઘી ગોળ નાખીને  ખવડાવતી આજે બાળકોની મમ્મી મેગી ખવડાવે છે.

જુના વખતમાં ઉપર વાત કરી એ સવા દોઢ વરસના બાળક નાગુડિયા ફરતા હતા એમાં કશી નાનપ નહોતી. આજે એવા બાળકને માવિત્રો કહે છે શેમ શેમ જા ચડ્ડી પહેરી આવ.જુના વખતમાં બાળકો બાળોતિયા પહેરતા અને એ ભીનું કે ગંદુ થાય તો એ સાફ કરી ધોઇ સુકવીને ફરી ઉપયોગ કરાતો. આજના જમાનામાં એ પળોજણમાં કોઇ પડવા નથી માંગતું એટલે બાળકોને ડાઇપર પહેરાવવામાં આવે છે અને ગંદુ ડાઇપર ડસ્ટબીનમાં ફેકી દેવાય છે.

જુના વખતમાં બાળક પાંચ વરસનું થાય એટલે આંકોડીમાં બેસાડતા અને બાળક આખું વરસ એકડે એક ઉઠા(૩.૫)ના પહાડા કંઠસ્થ કરતા અને વગર કેલક્યુલેટરે હિસાબ કરી લેતા આજે ૧૨ રૂપિયાનો એક તો ડઝન(૧૨) ના કેટલા એ મોઢે હિસાબ કરી ૧૪૪ દુકાનદાર નથી કહી શકતા પણ કેલક્યુલેટર ઉપાડે છે અને પછી કહે છે ૧૪૪ તમે ૫૦૦ રૂપિયાની નોટ આપો તો પાછા ૩૫૬ રૂપિયા પણ કેલક્યુલેટરથી ગણીને આપે છે.

આજના બાળકોને ત્રણ વરસે નર્સરીમાં બેસાડવામાં આવે છે અને ત્યારથી જ એ અંગ્રેજી માધ્યમમાં ભણવા માંડે છે અને મિત્રો સાથે અંગ્રેજીમાં જ વાતો કરે છે.માતૃભાષા ખાલી ઘરમાં બોલાય છે વાંચતા કે લખતા આવડતી નથી.

જુના વખતમાં એક બાળક જે ધોરણમાં ભણ્યો હોય તેની ચોપડીઓ બીજા બાળકને એ જ ધોરણ ભણવા કામ લાગતી.આજે દર વરસે પાઠયક્રમ બદલાય છે પુસ્તકો બદલાય છે.

આજે સ્કૂલ કોલેજો ધંધાદારી થઇ ગઇ છે.એડમિશન લેવા ડોનેશન આપવું જરૂરી છે અને સ્કૂલની ફી તો અલગ. દરેક સ્કૂલના પાઠયપુસ્તકો અલગ હોય છે જે દર વરસે બદલાતા રહે છે.એની ખરીદી પણ નક્કી કરેલ દુકાન પરથી થઇ શકે બીજે મળે નહીં.સ્કૂલના યુનિફોર્મ પણ સ્કૂલ દ્વારા નક્કી કરેલ દુકાને જ મળે અને લેવા પડે.આ બધાનું કારણ સ્કૂલના બાંધેલ કમિશન છે.

જુના વખતમાં ટાઇમ ટેબલ પ્રમાણે જે તે દિવસના પુસ્તકો જ સ્કુલમાં લઇ જવાના રહેતા.સ્કુલમાં જે શિખડાવવામાં આવતું એ રફ-બુકમાં લખાતું અને તે પરથી હોમ વર્ક થતું.આજે ક્લાસ વર્કની નોટબુક અલગ હોમવર્કની નોટ બુક અલગ.આજના બાળકોની સ્કૂલ બેગ જુઓ તો એમાં બધા પાઠય પુસ્તકો ને નોટબુકોથી ભરેલી હોય છે. કુમળા બાળકો મજુરની જેમ એ બેગ ઉચકી વાંકા વળી જતા હોય છે.

સ્કૂલ જવા માટે સ્કૂલ બસમાં જતા હોય છે અને બે પૈસા બચાવવા માવિત્રો છકડા કે રિક્ષામાં બાળકોને સ્કૂલ મોકલતા હોય છે.સ્કૂલ બસની વાત અલગ છે પણ છકડા કે રિક્ષામાં તો બાળકો નહીં પોટલા મુક્યા હોય એમ ખડકલો થયેલો દેખાય છે.મોટી સ્કૂલમાં મોંઘી ફી ભરી ભણતા બાળકોને ત્યાં શું શિખવાડે છે કોણ જાણે પણ બાળકોને ટ્યુશન તો કરાવવા જ પડે છે.

જુની વહુવારો મોટેરાની લાજ કાઢતી.વખત જતા એ રિવાજ ઘસાઇને નામશેષ થઇ ગયો.કમખા ને ચણિયાને ઠેકાણે સલવાર કમીજ અથવા મેક્ષી આવી ગયા, એ પણ હવે જુજને ફાવે છે બાકી આજની વહુવારૂ ગોઠણ સુધીનો ચડ્ડો અને અર્ધી છાતી દેખાડતા ટી-શર્ટસ પહેરવામાં કંઇ નાનપ નથી અનુભવતી.

મારા મિત્રની પુત્રવધુ એવો જ ચડ્ડો અને ટી-શર્ટ પહેરીને ફરતી હતી તેમાં તેની જ મમ્મી દીકરીને મળવા આવી અને દીકરીના આ દિદાર જોઇ એ ઓછપાઇ ગઇ અને મારા મિત્રની પત્નિને કહ્યું આ મારી દીકરી આમ ફરે છે એને તમે કંઇ કહેતા નથી? મારા મિત્રે હસીને કહ્યું એ તો તમારા આપેલા સંસ્કારના સ્વછંદતાનું પરિણામ છે. તમે બે દિવસના મહેમાન છો કહીને ચાલ્યા જશો પણ અમે હાથે કરી ને શા માટે ઉંબાળિયું કરીએ આજે અમે એને ટોકીએ અને કાલે એ પગે બારણા ઠેલે તો ભોગવવાનું તો અમારે ભાગે આવે ને? આયખાના બાકીના વરસો જેમ આનંદમાં વીતે એમાં જ અમારૂં માન છે.

આજની પ્રજા અમે બે અમારા બે માં માનનારી છે.પુત્રને માવિત્રો પ્રત્યે માન હોય અને સાથે રાખે એ ઘણું છે.માવિત્રોએ પોતાની રીતે જીવવાની જીદ છોડી મીરાંના ભજન રામ રાખે તેમ રહિયે…નો સુત્ર અપનાવે તો ક્લેશ કે કંકાસ ન થાય.ચાલશે,ફાવશે,ભાવશે,ગમશે…. એવા શબ્દો હસીને બોલે તો સુખી રહે નહીંતર કુટુંબથી અલગ વૃધ્ધાશ્રમમાં રહેતા માવિત્રોની સંખ્યા ઓછી નથી.

જુના વખતમાં લગ્ન એક ઉત્સવ હતો તેથી એ અવસર મન ભરી માણવા દરેક વિધી અને રિવાજો માટે અર્ધા દિવસ સુધીનો સમય ફાળવવામાં આવતો.આજે સમયનો અભાવ છે એટલે દરેક વિધી શુકન પુરતી કે મોટેરાના માન ખાતર કરવામાં આવે છે નહીંતર ચાર વાગે ફેરા અને આઠ વાગે ભેરા એ નિયમને લોકો અનુસરવા લાગ્યા છે.

મારે મારા એક મિત્રના દીકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જવાનું થયું.મારા મિત્રના એક નજીકના આધેડ સબંધી ગામડામાંથી લગ્ન પ્રસંગે આવેલા મારા મિત્રે તેમને મારી પાસે બેસાડયા અને તેમનું ધ્યાન રાખવાનું કામ સોંપ્યું.શણગારેલી ગાડીમાંથી વરરાજા ઉતર્યા એટલે તેમને આવકારવા બધા વાડીના બારણા સુધી ગયા. મેં તેમને કહ્યું ચાલો અદા જાન આવી ગઇ.બારણા પાસે આવી હાથનું નેઝવું કરી એ અદા ફૂલેકુ શોધતા હતા પછી મને પુછ્યું આ વરરાજાજો ઘોડો તો ક્યાં દેખાતો નથી મેં કહું અદા આજના વરરાજા ઘોડે ચડીને નહીં ગાડીમાં બેસીને આવે છે.મિત્રના પત્નિએ ગોરમહારાજની સુચના અનુસાર પોંખવાની વીધી કરી.પોખણાની થેલી મહારાજે આસોપાલવના તોરણની દોરીમાં લટકાવી,વરરાજાને માંડવા તરફ દોરવા લાગ્યા ત્યારે એ સબંધીએ મને કહ્યું આ પોખણાથી વરરાજાને ન પોખ્યોં?મેં કહ્યું અદા એ વીધી લગભગ કોઇ જાણતું નથી અને સમજવા માંગતું નથી બધાને ઝટાપટ પતાવવાની ઉતાવળ હોવાથી હવે કોઇ પોંખણાની જુની વિધી કરતું નથી.એ સાંભળી એ મારા તરફ મ્હોં વકાસી ને જોવા લાગ્યા.

અમે લગ્ન મંડપ પાસે ગયા કન્યાને ખુલ્લા મ્હોંથી બેઠેલી જોઇ વળી પુછ્યું આ કન્યાને ઘુંઘટો નથી કઢાવ્યો? અને પાનેતર(ગુલાલ કે કંકુના છાંટણા વાળી લાલ કીનારીની સફેદ સાડી) પણ નથી પહેરાવ્યું? મેં કહ્યું અદા એ જમાના ગયા જયારે કન્યા પાનેતરનો છાતી સુધી ઘુંઘટો કાઢી માંયરામાં બેસતી.અદા અચરજથી મારી સામે જોઇ કહ્યું ભારે કહેવાય.

લગ્ન મંડપમાં ભાડાથી લાવેલ સ્ટીલની ચોરી જોઇ એમનાથી ન રહેવાણું અને આ કુંભાર ચોરીના માટલાઓ પણ નથી આપી જતા? સાંભળી મેં કહ્યું અદા હવે બધા રેડીમેઇડનો જમાનો છે.

જુના વખતમાં માવિત્રો એ નક્કી કરેલા વર-કન્યા પરણી જતા.સગાઇ પછી અને લગ્ન પહેલાના ગાળામાં વર-કન્યા મળવાના પ્રસંગો બહુ જુજ બનતા નહીંતર લગ્ન પછી જ મળવાનું થતું અને તે પણ શયનખંડમાં.નવાઇની વાત એ છે કે,એ લગ્નોના છુટાછેડાના બનાવ ઝૂઝ બનતા. આજની યુવાન પેઢી સેલ્ફ ડિપેન્ડન્ટ અને સ્વછંદી છે એની અપેક્ષાઓ મોટી છે.પોતાને સર્વ ગુણ સંપન્ન માનતી કન્યા કે વરનો આગ્રહ એ જ હોય છે કે સામેનું પાત્ર એની મરજી પ્રમાણે એની અપેક્ષાઓ સંતોષે અને આમ ન થાય  તો હું હવે આના સાથે રહી એની જોહુકમી ચલાવી શકુ એમ નથી માટે મારે છુટાછેડા જોઇએ.

એક રવિવારે હું મારા મિત્રે હાલની હીટ અંગ્રેજી ફિલ્મની સીડી લાવેલ તે અમે તેના લેપટોપ પર જોતા હતા ત્યાં ગામડેથી આવેલ માશીબા મારા મિત્રની મમ્મી સાથે વાતો કરવા બેઠા.મારું ધ્યાન ફિલ્મ જોવામાં નહીં પણ તેમની વાતો સાંભળવામાં હતું

‘તે શું માશી આજે ઘણે વખતે તમને હું યાદ આવી?’

‘ઓલી મોંઘીનો પોયરો હવે જુવાન થઇ ગયો એના માટે એક છોડીની વાત એની મા ને કાને નાખવા આવી હતી છોડી ભણેલી પણ છે ને વહેવારું પણ છે’

‘માશી આ પળોજણમાં પડવાનું તમે રહેવા દો’

‘અલી!! એમ કેમ બોલે છે?’

‘સોનાની જાળ પાણીમાં નાખવાથી શો ફાયદો?’

‘આમ ગોળ ગોળ વાત મ ફેરવ કંઇક હમજાય એવું બોલ’

‘એક તો મોંઘીબાનો દીકરો ઘરથી અલગ રહે છે અને બીજું એ કોઇ છોકરી સાથે રહે છે’

‘હેં….તે એના લગન વળી ક્યારે થઇ ગયા?મોંઘીએ મને કંકોતરી પણ ન મોકલી?’

‘એના લગન નથી થયા….’

‘હં….એટલે રખાત રાખી છે એમને?’

‘માશી આ આજના જમાનાની હવા છે અને વગર પરણે સાથે રહેવામાં કોઇ છોછ નથી રહી’

‘ભારે કહેવાય મોંઘી કંઇ કહેતી નથી?’

‘આજે જુવાનિયા એક બીજાને પસંદ કરે એટલે વગર પરણે ધણી-ધણિયાણી જેમ મરજી પડે ત્યાં સુધી સાથે રહે નહીંતર તું તારે રસ્તે હું મારે રસ્તે’

‘તો એમાં બાળકો થાય તો…?’

‘એવી પળોજણમાં કોઇ ન પડે એટલે બાળકો ન થાય તેની તકેદારી રાખે’

‘એટલે ગર્ભપાત કરતા અચકાય નહીં…એમને?’

‘માશી આજે એવું સાધન આવે છે કે,ગર્ભ રહ્યાની ખબર પડી જાય અને એવી ગોળીઓ આવે છે કે,ગર્ભ જ ન રહે’

‘આ તો બહુ કહેવાય’

‘આજના જુવાનિયા માવિત્રોની આમન્યા જાળવે એટલે ઘણું છે, મોંઘીબા એ પણ જે છે તે સ્વિકારી લીધું છે વાર તહેવારે કાં મોંઘીબા દીકરાના ઘેર જાય છે કાં તેઓ ઘેર આવે છે’

‘સારું કર્યું તેં ફોડ પાડ્યો તે નાહક હું મોંઘીને મળત અને મન કચવાત’

‘એટલે જ કહેતી હતી કે આ પળોજણમાં ન પડો તો સારું’

માશીબાને ગળે આજની લીવ-ઇન-રીલેશનની વાત ગળે ઉતરી નહોતી એ તેમના ચહેરાના હાવભાવથી જણાતું હતું જુની આંખે નવા ચશ્મા પહેરે તો સમજાય ને?

 

 

જુની આંખે નવા ચશ્મા ()

કલ્પના રઘુ શાહ

આધુનિક યુગમાં શરીરનાં ઘણાં પાર્ટસ બદલી શકાય છે. પરંતુ આંખ એવું અવયવ છે જે બદલી શકાતું નથી. તેના માટે ચશ્મા જ બદલવા પડે છે. જીવનમાં આંખો દ્વારા જોવાતી ઘટના આપણે બદલી શકવા સમર્થ હોતા નથી. તેના માટે દ્રષ્ટિ એટલે કે એ જોવાનો અંદાજ બદલવો પડે છે.  એ ઘટનામાં અનુકૂળ બનવા માટેનો હકારાત્મક અભિગમ એટલેજ નવા ચશ્મા અને આ ચશ્મા વ્યક્તિ માટે ઘરેણુ પુરવાર થાય છે.

અમારા જમાનામાં, એવું કહેનાર ડોસો કે ડોસી કહેવાય. નવા ચશ્મા સાથે વૃધ્ધે વડીલ બનવાનું છે. સરકતા સમયને નવા ચશ્માથી જોવાનો જે વ્યક્તિ આનંદ લઇ શકે તેજ આજીવન જુવાન રહી શકે. 3D કે 4D સીનેમા જોવા માટે તમારે તેના ખાસ ચશ્મા પહેરવા જ પડે છે. તોજ તમે દ્રશ્યની અંદર હો તેવો ભાસ થાય છે. તે રીતે કુટુંબ કે સમાજમાં દરેકની સાથે રહેવા ચશ્મા બદલવા જરૂરી છે. તોજ તમે તે ક્ષણનો આનંદ લઇ શકશો.

સમયની સાથે સાથે બધું બદલાય છે. ગીતામાં શ્રી્કૃષ્ણે કહ્યું છે, ‘પરિવર્તન હી જીવન કા નિયમ હૈ’. તો આ અનુભવ કરવા માટે જૂના ચશ્મા ક્યાંથી ચાલે? પરિવર્તનને અનુભવીને તેનો સ્વીકાર કરવા માટે ભૂતકાળને ભૂલીને વર્તમાન ક્ષણનાં ફેરફારોનો સહજ સ્વીકાર ત્યારેજ થઇ શકે ! ચશ્મા બદલીને તમે બદલાતાં દ્રશ્ય સાથે વર્તમાનમાં ઓતપ્રોત થાઓ. ખૂબ અઘરૂં છે. પરંતુ આ અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. બેતાલા કે નવા ચશ્મા જેમ આંખ પર સેટ થતાં સમય જાય છે, તેમ બદલાતાં સંજોગોમાં આપણી જાતને ગોઠવીને તેનો સ્વીકાર કરતાં સમય જશે. પરંતુ સતત વળગી રહેતાં તમને તેની આદત થઇ જશે. અને આમ ચશ્મા બદલવાથી તમારૂં રૂપ સૌંદર્ય નિખરશે. તમે જુવાન લાગશો.

આપણામાં (હિન્દુમાં) જે ૧૬ સંસ્કાર કહેવામાં આવ્યાં છે. તે તમામની વ્યાખ્યાજ બદલાઇ ગઇ છે. ‘સાપ ગયા અને લીસોટા રહ્યાં’. મૂળ સંસ્કાર અને ક્રિયા, રીત-રીવાજ ભૂલાઇ ગયા છે. તેની જગ્યા અત્યારની પેઢીમાં દેખાદેખી, ફેશન, શોખ, જરૂરિયાત અને સમયની અનુકૂળતાએ લીધી છે. સ્વાર્થવૃત્તિ, મહત્વાકાંક્ષા અને ભૌતિકવાદ પાછળની આંધળીદોટના અજગરે આજના માનવને ભીંસમાં લીધો છે. પછી તે યુવાન હોય કે વૃધ્ધ. ત્યારે દરેક માનવે બીજા માનવને સ્વીકારવા માટે ચશ્મા બદલવા જરૂરી છે. આજના જમાના સાથે તાલમેલ મીલાવવા માટે જૂના વિચારો છોડવા જ પડશે પછી તે સારા હોય કે સાચા.

ચશ્મા બદલવાની વાત માત્ર નવી પેઢીને જોવા માટે નથી. હવે તો વૃધ્ધોની રહેણી-કરણી પણ આધુનિક થવાં માંડી છે. તેને સ્વીકારવા માટે એટલેકે તેના માટે કોઇએ ચશ્મા બદલવાનો વિચાર કર્યો ખરો? પહેલાનાં જમનામાં પણ વ્યક્તિ વિધવા કે વિધૂર બનતી હતી, પરંતુ ફરીથી લગ્નનો ભાગ્યેજ કોઇ વિચાર કરતું. અને હવે? હવે તો પોતાના સંતાન જ મા કે બાપ એકલાં પડે તો ફરીથી લગ્ન કરાવી આપે છે. થઇને આ ચશ્મા બદલવાની વાત? લીવ ઇન રીલેશનશીપમાં રહેવાં માંડ્યાં છે વૃધ્ધો!! સમાજે ચશ્મા બદલ્યાં છે. કહે છે બિચારાં શું કરે? એકલે જીન્દગી કેમ જાય? કંપની તો જોઇએ ને? આ એક રીતે સારું છે. બાળકોને ક્યાં સમય છે ઘરડા પાસે બેસીને સુખ દુઃખની બે વાત કરવાનો? અરે મરણ પાછળનો શોક વિસરાઇ ગયો છે. બધું જ ઔપચારિક બની ગયું છે. કપડાંની આમન્યા તો રહી જ નથી. હવે તો શબ્દોમાં કે વર્તનમાં પણ વડીલોની આમન્યા રહી નથી. જૂની આંખો, વિચારો, સબૂરી! લાલ બત્તી! તમને થોભવાનું કહે છે. જરા અટકો અને વિચારો આજની ભાગદોડ, તનાવની પરિસ્થિતિ  હજુ બગડવાની છે. આભ ફાટે ત્યારે થીગડું ના દેવાય. ખરું શાણપણ જ એમાં છે. નવા બીબામાં તમારી જાતને ઢાળો અને જૂની આંખો તમારા બસમાં રાખીને ચશ્માને બદલતાં શીખો. દુનિયા ખરેખર રંગીન લાગશે એને માણો  પરિસ્થિતિ પ્રમાણે ફ્રેમને પણ બદલતા રહો. તમારો ચહેરો સૌને ખૂબસૂરત લાગશે અને તમે દરેકનાં ચહિતા બની જશો. દરેકને તમારી સોબત ગમશે.

જો હકારાત્મક રીતે વિચારશો તો ખરેખર એવું લાગે છે કે આજની હવામાં ઘણી ઉર્જાનો અનુભવ થાય છે. કહેવાય છે ને કે વર્તમાનમાં જીવવું જોઇએ. આજનો માનવ ખરેખર આજમાં જીવે છે. આજે તમારી પાસે શું છે? આજનાં સંબંધો, આજનું વાતાવરણ, આજની શોધો, બસ માણો  અને  આજને ખરેખર જીવી જાણો. અઠવાડીયાનાં ૫ દિવસ મહેનત કરી ૨ દિવસનું વેકૅશન. બસ મજા કરો. જૂનાં વળગણો, વિચારધારાને બદલો .

ચશ્મા બદલો, ચહેરો બદલો,

ખુશ રહો, ખૂશી વહેંચો, ખુશ રાખો.

અને છેલ્લે, ચશ્મા બદલવાની વાત પરથી એક વાત કહેવાનું મન થાય છે કે મિત્રો, ક્યારેક જરૂર લાગે ત્યારે ગોગલ્સનો ઉપયોગ પણ કરો. જેથી તમારી અનુભવી આંખો બીજાને અંદરથી જોઇ શકે પણ સામેની પરિસ્થિતિને કારણે તમારા હ્રદયની વ્યથા જે આંખમાંથી આંસુ બનીને ઉભરાય એ દુનિયા ના જોઇ શકે. કારણકે સામેની વ્યક્તિમાં તમારા આંસુ લુસવાની તાકાત હોતી નથી. માટે તમારા આંસુ બદનામ ના થાય તેના માટે પણ તમારે ચશ્મા બદલવાં જ રહ્યાં.  છેલ્લે એક કડવું સત્ય કહેવાનું મન થાય છે કે નવી પેઢી આપણને ઘરડા ઘરમાં રીપ્લેસ કરે તેનાં કરતાં ચશ્માને રીપ્લેસ કરવાં વધારે હિતાવહ છે. કલ્પના રઘુ

 

 

 જુની આંખે નવા ચશ્મા ()

ડૉ ઇંદુબહેન શાહ

ચશ્મા નવા આવ્યા, દાદીમા ખુશ ખુશાલ, હવે મને ટી વી સરસ જોવાશે, દાદીમાને ચશ્મા નવા આવ્યા,આંખો તો જુની, દાદીમા ૧૪ વર્ષની પૌત્રી સાથે સોફા પર બેઠા, દીકરી તો હેના મોન્ટાનાની કન્સર્ટ જોવામાં મશગુલ, દાદીમાને સમજણ પડે નહીં, નવા ચશ્મા આવ્યા છે નવું જોવું છે! થોડી વાર જોયું, વહુને બુમ પાડી,

“આશા જુઓ આ મૌલી શું જુએ છે?, મોલી ડીસ્ટર્બ થઇ,“દાદી મમ્મીને બોલાવાવાને જરૂર નથી હું કહુ તમને આ કૉન્સર્ટ કહેવાય દાદીમા ને વળી ઇન્તેજારી થઇ તે મોલી એમાં આમ છોડીઓ હાથમાં ભુંગળુ લઇને નાચે? દાદીમા બે વખત મૌલીને બદલે મોલી બોલ્યા, અને માઇક્રોફોનને ભુંગળુ નામ આપ્યું, મૌલી એકદમ અપસેટ થઇ, બોલી દાદી તમેને કેટલી વાર ગોખાવ્યું મારું નામ મોલી નથી મૌલી છે, દાદી બોલ્યા મને માઉલી બોલતા નહી ફાવે હું તો મારી માનિતી દીકરીને માની કહીશ, સારુ માની કહેજો,

આમ તો દાદીને નવું જોવુ ગમે સાંભળવું ગમે પણ શીખવું ન ગમે, મૌલીએ ધીરજથી સમજાવ્યું દાદી હેનાના હાથમાં છે એને ભુંગળુ નહીં માઇક્રોફોન કહેવાય.  તેનાથી ગાનાર અને બોલનારનો અવાજ દૂર સુધી સંભળાય, સારુ, આતો અમે દેશમા જોયેલુ ઊભા દાંડા પર નાના ભુંગળા મુકી નેતા ભાષણ દેતા, અમે એને ભુંગળા કહેતા, આ બહુ સારું હાથમાં પકડી ફરવાનું ને બોલવાનું દાંડાને ફેરવવો કેટલો ભારે પડે, મૌલીને હવે દાદીને વધારે શીખવવાની મઝા આવી, બોલી, હવે તો તમારા સાડલાના છેડામાં, પપ્પાના કોટના ખીસ્સામાં, મારા ડ્રેસમાં ભરાવાય અને બોલાય એવા માઇક્રોફોન પણ નીકળ્યા છે. દાદીમા તો ખુશ થય બોલ્યા બેટા માની હવે મારા નવા ચશ્મા આવ્યા તું મને બધુ નવું નવું દેખાડજે. દાદી હવે મારે હોમવર્ક કરવાનું છે. હું મારી રૂમમાં જાઉ છું.  હા બેટા, હું ય સુવા જાઉ છું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ દાદી.

બીજે દિવસે બપોરના પુત્રવધુ આશા સાથે ટી વી જોવા બેઠા, મોર્ડન બોલિવુડ ડાન્સ આવ્યો, બાથી  ન જોવાયું “આશા આવુ સિનેમા જોવે છે? કેવા લુગડા પહેરી છોડીયું છોકરાઉ હારે નાચે છે, મને તો જોતા શરમ આવે, આશા બોલી બા એ કપડા આવા પહેરે એમા આપણે શું કામ શરમાવાનું, હવે જમાનો બદલાયો છે, હવે આપણા સિનેમા પણ અહીંના સિનેમા જેવા બનતા જાય છે, જો જમાના પ્રમાણે નવું ન બતાવે તો સિનેમા ચાલે નહીં.

“પણ તું આવા સિનેમા આપણી માનીને નહીં દેખાડતી

” બા હું નહીં દેખાડુ તો માની યુ ટ્યુબ પર જોશે”,

“તું શું બોલી યુ ટ્યુબ એ વળી શું?ટ્યુબમાંથી સિનેમા કેવી રીતે દેખાય! અમે દુરબીનમાં જોતા તા એમ, આ મોટું દુરબીન હોય?”

“બા કોપ્યુટરમાં અને ફોનમાં જોવાય, ટ્યુબ તો ખાલી એનુ નામ છે.”

”હા હવે સમજી આપણી માની આખો દિવસ એનો ફોન અને નાનું કોમપ્યુટર લઇને કાનમાં દોરડી ભરાવી સાંભળતી હોય છે ને જોતી હોય છે તે સિનેમા જોતી હશે એમને.”

“બા સિનેમાજ જોતી હોય એમ નહીં કોક વાર એનુ ભણવાનું અને લેશન પણ કરતી હોય”.

“આ તો ઘણું સારુ હો,’ અમારે તો હવે “જુની આંખે નવા ચશ્મા” પહેરી નવું જોવાનુ અને નવું શીખવાનું, બાના છેલ્લા વાક્યે મૌલી તો ખુબ ખુશ થઇ બોલી દાદી હું તને રોજ નવું દેખાડીશ.

આ રીતે બધા જ દાદા દાદી નવું જુવે શીખે અને આવકારે તો આંખ ભલે જુની થાય, દૃષ્ટિ ચશ્મા વગર પણ નવી રહે, બાળકોને પણ આવા જમાના પ્રમાણે દૃષ્ટિ બદલાવતા રહે તેવા વડિલોનો સાથ હંમેશા આવકાર્ય રહે, જનરેસન ગેપ ઘટે અને સંયુક્ત કુટુંબમાં નાના મોટા સાથે આનંદ માણી શકે.

ડો ઇન્દુબેન શાહ

  

જુની આંખે નવા ચશ્મા ()

ડૉ. દર્શના વરિયા નાડકર્ણી

શિરીષભાઈ અને સવિતાબેન દ્વિધામાં પડી ગયા હતા. દીકરી આન્યાએ કોમની બહાર લગ્ન કરવાની જીદ પકડી એ  તેમને બિલકુલ પસંદ નહતું. સમતા બા ને કાને  વાત પડી. તેમણે દીકરો અને વહુને સમજાવ્યા કે બેટા સમય પ્રમાણે આપણે બદલાવું પડે તેજ જીવનનો નિયમ છે.  શિરીષભાઈ મજાકમાં બોલ્યા “બા શું વાત છે, તારે તો જૂની આંખે નવા ચશ્મા છે ને?”

સમતા બા મનોમન બોલ્યા “બેટા ચશ્મા તો તારા નવા છે.”  બહુ નાની ઉમરે તારા બાપા ગુજરી ગયા અને તે તરત ભણવાનું છોડવાનો આગ્રહ રાખ્યો જે મેં મંજુર કર્યું.  રમણભાઈ ની રેણુકા ને બદલે સૈલેશભાઈ ની સવિતા સાથે તારે લગ્ન કરવા હતા અને રઘુકાકા ખુબ ગુસ્સે થયેલા.  આપણે તો રઘુકાકાને ત્યાં રહેતા અને તેમના આભારી હતા.  તેમની સાથે આપણે રેણુકા અને સવિતા ને જોયેલ પછી તેમણે તો નક્કી જ કરી નાખ્યું કે પૈસાદાર બાપની દીકરી રેણુકા જ તારા માટે યોગ્ય છે.  ત્યારે પણ મેં જ વચ્ચે આવીને તેમને સમજાવીને તને પસંદ હતું, ત્યાં લગ્ન કરાવ્યા.

તમે લગ્ન પછી જુદા રહેવા માંગતા હતાં તેમાં પણ રઘુકાકાને ખોટું ન લાગે તેમ વચ્ચે રહીને મેં જ રસ્તો કાઢ્યો હતો.  બહુ કઠણાઈથી તને મોટો કર્યો અને તેમાં એક વાતનો મને અતુટ વિશ્વાસ હતો કે ભલે જુવાનીના લાગણીશીલ દિવસોમાં દીકરો કંઈક બોલી લે, કે  આપણને બહુ ન ગમતું પગલું લે ત્યારે તે મારે સાંભળી લેવાનું ! કેમકે વહેલો કે મોડો, માની મમતામાં મોટો થયેલ દીકરો સાચા પગલે જ ચાલશે.  પણ તું આજ કાલ તરત મારી વાત સાંભળે છે, કાને ધરે છે, અને અપનાવે છે. બોલો કોની દ્રષ્ટિ બદલાણી છે?”

 

 

 

કેલિડોસ્કોપ – મોહમ્મદ માંકડ

Ÿ         આપણને ગમે કે ન ગમે જીવનમાં નવું નવું બનતું જ રહેવાનું છે. પરિવર્તન આવતું જ રહેવાનું છે. પરિવર્તન એ ચેતન અને જડ બંને ઉપર અસર કરે છે. માનવીની પરિવર્તનને સ્વીકારવાની ક્ષમતા ઘટતી જાય તેમ તેનામાં જડ તત્ત્વ વધતું જાય છે

જિં દગી બહુ ઝડપથી બદલાતી જાય છે. જે સંગીત મધુર અને કર્ણપ્રિય હોય તેને જ સંગીત કહી શકાય એમ આપણે માનીએ છીએ, પરંતુ આધુનિક સંગીતમાં લય છે, મધુરતા નથી. ઘોંઘાટ કહી શકાય અને કાન ફાડી નાખે તેવા અવાજો માત્ર છે, છતાં એ સંગીત કહેવાય છે અને યુવાનો- નવી પેઢી એને ભરપૂર માણે છે. ચિત્રકલા, સાહિત્ય વગેરેમાં પણ જૂની પેઢીને યોગ્ય ન લાગતા હોય તેવા ફેરફારો થયા છે જેનો નવી પેઢી સહર્ષ સ્વીકાર કરે છે. યુવાન પુત્ર-પુત્રીઓ નવી નવી ફેશન પ્રમાણેનાં વસ્ત્રો પહેરે છે, જે મા-બાપને ભાગ્યે જ પસંદ હોય છે. નવી પેઢી માટે જે આનંદદાયક છે એ અગાઉની પેઢી માટે ચિંતાજનક છે.

કશુંક ન સમજાય એવું અને ખાસ તો કાબૂ બહારનું બની રહ્યું છે, એમ માણસોને લાગે છે. કાલે નવું વર્ષ બેસી રહ્યું છે ત્યારે સમજવાની વાત એ છે કે આ સૃષ્ટિમાં જો કોઈ કાયમી વસ્તુ હોય તો તે પરિવર્તન છે. નવી વસ્તુ આવે ત્યારે તેનો વિરોધ થાય છે પછી ધીમે ધીમે તેનો સ્વીકાર થઈ જાય છે અથવા તો નવી આવેલી વસ્તુ જૂની થઈ જાય છે અને બદલાઈ જાય છે અથવા તો તેમાં કશો દમ ન હોય તો નાશ પામે છે. આજની તાજી વસ્તુ આવતી કાલે વાસી થઈ જાય છે. સાઇકલની શોધ થઈ ત્યારે ઇંગ્લેન્ડમાં તેનો જબરદસ્ત વિરોધ થયેલો. બે પૈડાંના એ વાહનના અકસ્માતોથી માનવજાતને પારાવાર નુકસાન થવાની દહેશતને કારણે એનો વિરોધ થયો હતો. આજે એ વિરોધ હાસ્યાસ્પદ લાગે છે. સાઇકલ ચલાવનારે લાઇસન્સ લેવું પડતું. છેક ૧૯૪૦ સુધી સાઇકલ રાખવી હોય તો આજે કાર માટે હોય છે તેવું સાઇકલ માટેનું લાઇસન્સ જરૂરી હતું. કેટલીક વસ્તુઓ એવી આવે છે જે આવે ત્યારે નવી હોય છે, પરંતુ બહુ જલદી જૂની અને બિનઉપયોગી સાબિત થઈ જાય છે. એવી વસ્તુ ભૂંસાઈ જાય છે. આવી જ એક વસ્તુ થોડા સમય પહેલાં આવેલી તે હતીઃ પેજર. મોબાઇલ ફોનના આ જમાનામાં બિચારા પેજરને કોણ યાદ કરે છે?

આપણે ત્યાં દાતણથી શરૂ થતો દિવસ હવે ટૂથ-બ્રશ અને ટૂથ-પેસ્ટથી શરૂ થાય છે. નાસ્તા કે જમવા માટે ડાઇનિંગ ટેબલનો ઉપયોગ થાય છે. બૂફે ડિનર થાય છે. ઊભાં ઊભાં ખવાય? બૂટ, ચંપલ પહેરીને ખવાય? એવા પ્રશ્નો તો થતા જ, પરંતુ આ પરિવર્તનને કોઈ અટકાવી શક્યું નહીં અને એનો સ્વીકાર થયો..

આપણને ગમે કે ન ગમે જીવનમાં નવું નવું બનતું જ રહેવાનું છે. પરિવર્તન આવતું જ રહેવાનું છે. પરિવર્તન એ ચેતન અને જડ બંને ઉપર અસર કરે છે. માનવીની પરિવર્તનને સ્વીકારવાની ક્ષમતા ઘટતી જાય તેમ તેનામાં જડ તત્ત્વ વધતું જાય છે. ‘પાકા ઘડે કાંઠા ન ચડે’ એ કહેવત એ અર્થમાં જ છે.

કુદરતમાં પરિવર્તનની ક્રિયા સતત ચાલુ જ રહે છે. તેને અટકાવવાનું મનુષ્યનું ગજું નથી. તમે જેવા હો તેવા સ્થિર તો રહી શકવાના જ નથી. કુદરતની સાથે રહીને તમને મનગમતું પરિવર્તન તમે કરી શકો છો અથવા તો કુદરતના પરિવર્તનનો સ્વીકાર કરી શકો છો. રોજિંદા જીવનમાં મતભેદ અને તણાવ ઓછા કરવાનો એક જ રસ્તો છે.

કુદરતના આ અટલ નિયમને સમજીને માણસ પોતાનું જીવન જીવે તો, એટલા અંશે ઘર્ષણ નિવારી શકે અને સુખ-શાંતિનો અનુભવ કરી શકે. નવું આવે છે અને જૂનું વિદાય લે છે. ‘જૂના’એ ટકી રહેવું હોય તો સતત ‘નવા’ થતું રહેવું પડે છે.

કારણ કે, આવતી કાલે આજ કરતાં સૂર્ય કે ચંદ્ર થોડો મોડો કે થોડો વહેલો ઊગવાનો છે. ઠંડી કે ગરમી પણ આવતી કાલે થોડી વધારે કે થોડી ઓછી થવાની છે. પવન પણ થોડો વધારે-ઓછો ફૂંકાવાનો છે. અનેક કુદરતી ફેરફારો થવાના છે. ફેરફારો શા માટે આવવાના છે કે કયા પ્રકારના આવવાના છે એ ચોક્કસપણે જાણી શકાતું નથી, પરંતુ આપણે એક વાત સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે જગતની દરેક ચીજ હર ક્ષણે પરિવર્તનશીલ છે. અને એટલે જ આજે જે આધુનિક છે એ કાલે પુરાણું બની જવાનું છે. આજે સુંદર અને આકર્ષક લાગતાં વસ્ત્રો કે ફેશન કાલે કદાચ હાસ્યાસ્પદ પણ બની જવાનાં છે.

નવી પેઢી આવે છે, જૂની પેઢી જાય છે. નવી અને જૂની પેઢી વચ્ચે મતભેદો થતા જ આવ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી તેમાં ખાસ્સો વધારો થઈ રહ્યો છે અને એનું એક કારણ ઝડપથી થતું પરિવર્તન છે.

અને જેટલું ઝડપી પરિવર્તન એટલું (પેઢીઓ વચ્ચેનું) વધારે ઘર્ષણ. વેલેન્ટાઇન્સ-ડેની વાતથી જ કેટલાક માણસોનાં દિમાગ ગરમ થઈ જાય છે. એવું જ આજની પાર્ટીઓ માટે છે. એ બધું સારું છે એમ નહીં, પણ એ બધાંને આવતું રોકી શકાય તેમ નથી. ક્યારેક એમ લાગે છે કે માણસજાત બે ડગલાં આગળ ચાલે છે અને વળી એકાદ-બે ડગલાં પાછળ ચાલે છે. જ્યારે તે એકસાથે વધારે ડગલાં આગળ કે પાછળ ચાલે છે ત્યારે સમાજમાં હલચલ મચી જાય છે. ખરેખર તો નવી પેઢીએ સ્પીડ ઘટાડવાની જરૂર છે અને જૂની પેઢીએ પરિવર્તનનો સ્વીકાર કરવાની જરૂર છે. ખાસ કરીને મા-બાપે પોતાનાં સંતાનો વિશે સાચી સમજણ કેળવવાની જરૂર છે. એ બાબતમાં કવિ જિબ્રાને જે કહ્યું છે તે યાદ રાખવા જેવું છે.

Your Children are not your Children.

They are the sons and daughters of Life’s longing for itself.

They come through you but not from you.

And though they are with you yet they do not belong to you.

You may give them your love but not your thogths.

For they have their own thoughts.

You may house their bodies but not their souls.

For their souls dwell in tha house of tomorrow, which you can not visit, not even in your dreams.

You may strive to be like them, but seek not to make them like you.

For life goes not backward not tarries with yesterday.

તમારાં સંતાનો એ માત્ર તમારાં સંતાનો નથી. (પરંતુ) તેઓ જીવનની ઝંખનાની અભિવ્યક્તિનાં પુત્ર-પુત્રીઓ છે. તેઓ તમારા દ્વારા જન્મ લે છે છતાં તેઓ તમારી પ્રતિકૃતિ નથી અને તમારી સાથે હોવા છતાં તેઓ તમારી માંહેનાં નથી.તમે તેઓને તમારો પ્રેમ આપી શકો, પરંતુ તમારા વિચારો નહીં, કારણ કે તેઓને તેમના પોતાના વિચારો છે.તમે તેમના દેહને ધારણ કરી શકો છો, પરંતુ આત્માને નહીં. તેમનો આત્મા તો આવતી કાલના દેહમાં વસે છે, જેની તમે ક્યારેય મુલાકાત લઈ શકવાના નથી, સ્વપ્નમાં પણ નહીં.તમે એમના જેવા થવા પ્રયત્ન કરી શકો, પરંતુ તેમને તમારા જેવા બનાવવાની ક્યારેય ઇચ્છા ન રાખશો, કારણ કે જીવન ક્યારેય ઊલટું ચાલતું નથી કે ગઈકાલ માટે થોભી જતું નથી.

સૌજન્યઃ સંદેશ http://sandesh.com/article.aspx?newsid=2881646