આન્યા મૃણાલ

અવલોકન

આન્યા મૃણાલ – સ્ત્રી સશક્તિકરણ ની દિશામાં આગળ…

‘આન્યા મૃણાલ’ એક જ બેઠકે વાંચી શકાય એવી, એક વાર એમાં ખુંપ્યા પછી સરળતાથી ભાવ સૃષ્ટિમાં થી પાછા પગલા ના ભરાય એવી નવલકથા છે.જો પન્નાલાલ પટેલ્ની “ વળામણાં’ ને લઘુનવલ કહી શકાતી હોય તો આ લઘુ નવલ છે.

નવલકથાની નાયિકા મૃણાલ શ્રોફ્નું મૄણાલ શેઠ અને પછી મૃણાલમાંથતું આંતર – બાહ્ય પરિવર્તન, એના કલાકાર રૂપ સાથે ગૃહિણી રૂપની સંઘર્ષ ભરી ખેંચતાણ ખૂબ જ અસરકારક રૂપે, શબ્દનાં આછા લસરકાથી નિરૂપાઇ છે. પાત્ર સૃષ્ટિ મર્યાદિત અને છતાં ખૂબ જ ઉઠાવદાર છે. એક બાજુછે મૃણાલનાં માતા પિતા ગાયત્રી શ્રોફ અને શ્રીકાંત શ્રોફ. આ દંપતિ સાચે જ તન અને મનનાં સાયુજ્ય વાળુ છે. પ્રેમની દુનિયામાં કોઇનું સ્ટેટસ ક્યાંય આડે નથી આવતું શ્રીકાંત શ્રોફ આદર્શ અધ્યાપક અને ગાયત્રી શ્રોફ અદકેરાં ચિત્રકાર. એમનાં સાયુજ્યમાંથી જન્મેલી મૃણાલ સંપૂર્ણ પણે કલાકાર છે. ચિત્રકાર છે. માતાનો પૂરો વારસો તેણે ઝીલેલો છે, દીપાવ્યો છે. પણ કૈરવ શેઠ જેની એ પત્ની બની એ ફક્ત અને માત્ર પોતાના મનની જીદ પૂરી કરવા વાળુ પાત્ર છે. જેમ નાના બાળકનાં મનમાં એક ઇચ્છા જાગી અને એ ઇચ્છા બાળહઠ બની ને પૂરી ના થાય ત્યાં સુધી એને કે એના પરિવારને જંપવા ના દે એવું જ કૈરવનું પણ છે.

મૃણાલને એક ચિત્ર પ્રદર્શનમાં મળ્યા પછી ’ મૃણાલ મને મળવી જ જોઇએ ‘એવિ જિદમાંથી એ એની, મૃણાલની અને બે પરિવારોની જિંદગીમાં શુન્યાવકાશ ભરી દે છે.

એક બાજુ શ્રીકાંત શ્રોફ અને ગાયત્રી શ્રોફનું મંગલ દાંપત્ય છે તો બીજી બાજુ કૈરવનાં માતા પિતા અજય શેઠ અને માધવી શેઠ્નું પરાણે નભતું દાંપત્ય છે. બંને યુગલનાં ચિત્રો એક બીજાની પડ છે વિષય રંગ સૃષ્ટીથી સરસ ઉપસ્યાં છે. માધવી શેઠ અને કૈરવ શેઠનાં પાત્રો અહંકારી, ધાર્યુ કરાવવાની વૃત્તિ વાળા અને લાગણી વિહોણાં છે જ્યારે મૃણાલ અને અજય શેઠ લાગણી ભરેલાં પણ કંઇક અંશે લાચાર પાત્રો છે. હા સામય આવે આ પાત્રો પોતાનું તેજ જરૂર બતાવે છે.

જેના નામથી નવલકથાને નામ મળ્યુ છે તે ‘આન્યા’ જે મૃણાલ અને કૈરવની પુત્રી છે એનું બાળ જીવન માતા-પિતાના વિખવાદી દાંપત્યમાં શેકાય છે.આન્યાને સાચવે છે દાદા અજય શેઠ. આ પાત્ર આરંબથી અંત સુધીઆન્યાનાં માર્ગદર્શક છે જે લક્ષ્ય સુધી પહોંચીને જ વિરામ લે છે. મૃણાલનાં પાછલા જીવનથી આરંભાતી નવલકથા સતત ભૂત અને વર્તમાનનાં હિંડોળે ઝુલે છે.

અત્યારનો યુગ નારી સશક્તિકરણ ની દિશામાં દોરતો યુગ છે. સ્ત્રી માત્ર લાચાર અને સૌનાં મેણાં ટોણાં વેઠતી ગરીબડી રહી નથી. એનું પણ પોતાનું આગવું અસ્તિત્વ છે. એના પણ ગમા અને અણગમા છે. એનું પોતાનું પણ આંતર વિશ્વ છે.એનો સ્વિકાર થવોજ જોઇએ એવાત નવલકથા નાં સંદેશ રૂપે સુચવાય છે. જેનાં જીવનમાં ગાયત્રી શ્રોફ અને શ્રીકાંત શ્રોફ જેવા માતા પિતાનો મમતાળવો સધિયારો છે અને અજય શેઠ જેવા હિંદુ સમાજ્માં ભાગ્યે જ જોવા મળે એવા સસરાનો ઓછાયો છે એ સ્ત્રી એવા ટેકાને કારણે સંતાન વિયોગ સહી જાય છે.

મૃણાલનું માતૃ રૂપ, આન્યા તરફનો ભરપૂર પ્રેમ છતાંય પોતાની દીકરી ને પોતાની રીતે ન ઉછેરી શકવાની મજબૂરી, આન્યાનાં મનમાં મૃણાલ માટે કોઇ ખોટી ગેર સમજ નથી ઉભા કરતા એનાં મૂળમાં છે દાદા અજય શેઠ પાસે થયેલો ઉછેર.

આ નવલકથા બે લેખકો-સુશ્રી રાજુલ કૌશિક શાહ અને વિજય શાહ્નું સહિયારું સર્જન છે પણ એમાં બે લેખકોનું સહિયારા પણૂં – નહીં સાંધો કે નહીં રેણ એવું સંયોજીત થઇ ગયું છે કે શૈલીથી માંડીને ક્યાંય કશું જુદુ નથી પડતું એ માટે બંનેને અભિનંદન.

આવું સહિયારું સર્જન લેખકો દ્વારા મળતું રહે તેવી શુભેચ્છાઓ

૩-૯-૨૦૧૪

દશેરા

ડો. પ્રતિભા શાહ

વડોદરા

 

 

 

 

આન્યા મૃણાલ – યથાર્થ અને આદર્શનો સહજ સ્વાભાવિક સમન્વય

આ લઘુ નવલ કે લાંબી ‘ટૂંકી વાર્તા’ પોતામાં ગાગરમાં સાગરની જેમ અનેક અનેક અનોખી ખૂબીઓ ધરાવે છે.માતા-પુત્રીના સંબંધની સૂક્ષ્માતિસૂક્ષ્મ મન:સ્થિતિનું મનોવૈજ્ઞાનિક તેમ જ મનોવિશ્લેશણાત્મ્ક ચિત્રણ આ કથાનું વિશિષ્ટ પાસું છે.ચોટદાર સંવાદો કથામાં જીવંતતા જગાડે છે , રસ સતત જાળવે છે,અને પકડ છૂટે નહિ તેમ વાચકને જકડી રાખે છે.માતા મૃણાલ અને પુત્રી આન્યાનું પાત્ર નિરૂપણ લેખકોની અતિ સક્ષમ, સશક્ત, સરસ, મઝેદાર એવી શૈલીનો પરિચય આપે છે.

બેઉ પાત્રોમાં ઉપસતી, ઉપજતી, ઉજાગર થતી ખુદ્દારી પર વાચક આફરીન થઇ જાય એવી રજૂઆત છે. યથાર્થ અને આદર્શનો સહજ સ્વાભાવિક સમન્વય સાદ્યાંત સચવાયો છે.એક સો બાવીસ પૃષ્ઠોમાં સત્તર વર્ષની કથા વેગે વેગે દોડતી રહીને મનમાં ભાવાવેગ જગાડે છે.

પુરુષ- પ્રધાન સમાજ અને પાત્રોનું ચિત્રણ -નિરૂપણ દિન- પ્રતિદિનના અનુભવોમાં જે અને જેમ દેખાય છે, જોવાય છે, અનુભવાય છે તેમ જ સામે આવે છે એ સમાજની માનસિકતાનો પરિચય આપે છે. સંદેશ પહોંચાડતી આ વાર્તા ભરપૂર રોચક બની છે, રસભરી રહી છે તે અતિ સ્તુત્ય વાત કહેવાય. આવી વધુ અને વધુ વાર્તાઓ આ લેખક દ્વય ઉત્સાહભેર લખતા રહે તેજ શુભેચ્છા.

લલિત પરીખના જય ગુજરાતી !  

 

 

 

 

 

આન્યા મૃણાલ

પ્રકરણ -૧

 

મૃણાલને મુંબઈની સવાર આજ સુધી ક્યારેય આટલી સુંદર , આટલી ખુશનુમા લાગી જ નહોતી. કેટલા વર્ષો આમ ગાળ્યા? ૧૭ વર્ષ ,૭ મહિના અને સાત દિવસ . કોઇએ પુછ્યુ હોત તો મૃણાલ હજુ પણ વધુ ચોક્કસ જવાબ આપી શકી હોત. એની પાસે આ ૧૭ વર્ષ , ૭ મહિના અને બરાબર ૭ દિવસના જ નહી પણ પ્રત્યેક મિનિટ પ્રત્યેક ક્ષણનો પણ હિસાબ હતો.

આટલો સમય એ મરી મરીને જીવી હતી .આ સમયને જીવ્યો કેવી રીતે કહી શકાય? એ ક્ષણે ક્ષણ તુટતી જતી હતી અને તેમ છતાં ફરી એક વાર ફીનિક્સ પંખીની જેમ બળી ઝળી ગયેલા સંસારની રાખમાંથી પાંખો ફફડાવીને ઉભી થવા મથતી હતી.

શું નહોતુ એની પાસે? એક નામ હતુ , મૃણાલ એક એવુ નામ હતુ જેની એક આગવી ઓળખ હતી. કલાની દુનિયામાં મૃણાલનુ નામ ઇજ્જતથી લેવાતુ. મુંબઈના કોઇપણ વૈભવી નિવાસમાં મૃણાલના પેઇન્ટીંગ્સ ,કૉલાજ, એના એન્લાર્જ કરેલા પિક્ચર્સ હોવા એ કોઇપણ ઘર કે ઓફિસની શાન કહેવાતા આટલા વર્ષોમાં એ એવી ઉંચાઇને આંબી શકી હતી જેની કોઇપણ કલાકારને ખેવના હોય. પણ બસ એ એક નામ માત્ર હતુ જેની આગળ પાછળ બીજી કોઇ ઓળખ નહોતી. કોઇપણ કલ્ચરલ ઇવેન્ટ સુધી જ એની હાજરી રહેતી . એ ઇવેન્ટ પુરો થય પછીની લેટ નાઇટ પાર્ટીમાં કોઇએ મૃણાલને જોઇ નહોતી. લેટ નાઇટ પાર્ટી તો દુરની વાત મૃણાલને એવુ કોઇ અંગત કહેવાય એવુ મિત્ર વર્તુળ કે અંગત કહી શકાય એવી અંતરંગ વ્યક્તિ પણ નહોતી જેની સાથે એ પોતાના મનની વાત હળવી કરી શકે અથવા કહો કે એને એવુ કશું જ કરવુ પણ નહોતુ નહીતર મૃણાલ માટે તો મુંબઈ એના હાથ ફેલાવીને મૃણાલને સમાવી લેવા બેઠુ હતુ. મૃણાલને પ્રોફેશનલી ઓળખતી વ્યક્તિઓ માટે એ કોયડા સમાન હતી. કામ પુરતી વાત કરી લેતી મૃણાલ એનુ કામ, એના એસાઇનમેન્ટ પરત્વે જેટલી કમિટેડ હતી એટલી કામ પત્યા પછી નિરસ બની જતી. કોઇપણ આર્ટ ગેલેરી પર મળેલી મૃણાલનુ વ્યક્તિત્વ અલગ રહેતુ. એક કલાકાર તરીકે એ ખુબ સાલસ હતી, નમ્ર હતી. કોઇપણ જાતના આડંબર વગર મળતી મૃણાલ એક વ્યક્તિ તરીકે કોઇને પણ અભિમાની લાગે એટલી અકકડ અને અતડી બની જતી જોઇ હતી.

મૃણાલની દુનિયામાં એ માત્ર એકલી જ હતી. આટલા નામ, આટલી શોહરત પછી પણ એ એકલી જ હતી. એક કોશેટામાં એણે જાતને પુરી દીધી હતી. જાતને સંકોરી લીધી હતી. મુંબઇ વર્લી સી ફેસ પરના એના અદ્યતન સ્ટુડીયો એપાર્ટમેન્ટમાં જ એની દુનિયા શરૂ થઈને સમાપ્ત થતી હતી. આ સ્ટુડિયો એપાર્ટમેન્ટ જ એનુ ઘર , એનુ કલાવિશ્વ હતુ જ્યાં એ વસતી હતી, શ્વસતી હતી.

કામ સિવાય એણે કોઇને એની નજીક આવવાનો,એના સુના જીવનમાં ડોકીયુ કરવાનો હક આપ્યો નહોતો. એના પેઇંટીગ્સ જેટલા જીવંત હતા એટલી જ એ શુષ્ક હતી. . એના કૉલાજમાં જેટલા રંગો એ ભરી દેતી એટલી બેરંગ એની દુનિયા હતી. એના ફોટોગ્રાફ્સ જેટલા બોલકા હતા એટલી જ એ ચુપ રહેતી.

પણ આજે એની એ ચુપકિદી , એની શુષ્કતા , એનુ એ બેરંગીપણુ ક્યાંય ખરી ગયુ હતુ. સવારથી ઉઠી , ના ના એ આખી રાત સુતી જ ક્યાં હતી તો એને સવારે ઉઠી કહેવાય? ગઈકાલે આથમતી સાંજે એના ઘરનો ફોન રણક્યો હતો “મા હું આન્યા, મારે તમને મળવુ છે.” અને આથમતી સાંજ સલુણી બની ગઈ હતી. અચાનક જ એના પેઇંટીંગના કલર ઘરમાં જાણે રેલાઇ ગયા હતા. વર્લી સી ફેસ પર આથમતા સુર્યની લાલિમા ચારેકોર ફેલાઇ ગઈ હતી. મૃણાલ જીવંત બની ગઈ. આટલા વર્ષોની થીજી ગયેલી સંવેદનઓને જાણે સંજીવનીનો સ્પર્શ મળ્યો અને એના રોમ રોમ ઝંકૃત થઇ ઉઠ્યા. કદાચ આ એક જ નામ હતુ જેણે મૃણાલને જીવી જવા , જીવન સામે ટકી જવાનુ મનોબળ પુરુ પાડ્યુ હતુ. મૃણાલના અસ્તિત્વનો એક એવો અંશ હતો જેનાથી આજે આખેઆખી મૃણાલનુ અસ્તિત્વ હતુ.

આન્યા….

આ જ તો એક નામ હતુ જેણે માત્ર વર્તમાનમાં જ જીવતી મૃણાલને એના ભૂતકાળ સાથે જોડી રાખી હતી. નહીતર તો મૃણાલે પોતાના જીવનના એ ભૂતકાળના આખા ટુકડાને પોતાના અસ્તિત્વથી અલગ કરી નાખ્યો હોત જે ભૂતકાળ ક્યારેક ખરેખર ભવ્ય હતો

આજે મૃણાલની આંખોમાં ઉંઘનુ નામો-નિશાન નહોતુ. ક્યાંથી હોય? સત્તર વર્ષોથી જે આંખે ઉંઘતા-જાગતા એક માત્ર સ્વપ્નુ જોયુ હતુ. આન્યાનુ. એ આન્યાએ આજે એને એની મા ને યાદ કરી હતી. આન્યાના એકવીસમા જન્મ દિવસે એણે આન્યાને જન્મદિનની મુબારકબાદી આપવા ફોન કર્યો હતો ત્યારે પણ ક્યાં આન્યા સાથે વાત થઈ શકી હતી? અરે આન્યાને જે રીતે છોડીને નિકળવુ પડ્યુ હતુ એ પછી પણ ક્યારેય એ આન્યા સુધી પહોંચી શકી જ નહોતી. કહો કે એને પહોંચવા દેવામાં આવી જ નહોતી.

શેઠ પરિવાર સાથે જે દિવસ જે ક્ષણથી સંબંધ મરી પરવાર્યો હતો એ જ ક્ષણથી એ મૃણાલ શેઠના બદલે માત્ર મૃણાલ બનીને રહી હતી આજ દિવસ સુધી.

કાશ એ આન્યાને કહી શકી હોત કે એની મમ્મી એની દિકરીને કેટલી હદે પ્રેમ કરે છે. એ આન્યાને કહી શકી હોત કે આન્યા વગર એ અધુરી છે. આ ચિત્રો, આ રંગો આન્યા વગર ફીક્કા છે. કદાચ આન્યાને એવુ જ કહેવામાં આવ્યુ હશે કે એની મા એની દિકરી કરતા ય એની કેરીયરને વધારે મહત્વ આપે છે અને એટલે જ એ નાનકડી આન્યાને છોડીને જતી રહી છે. ક્યારેક એને ધિક્કાર થઈ આવતો પોતાની જાત પર. ક્યારેક એને ધિક્કાર થઈ આવતો એના આ પેઇન્ટીંગ્સ પર જેના લીધે એને એની આન્યાથી વિખુટી પાડી દેવામાં આવી હતી. અરે ! એક વાર પણ જો કૈરવે એને પ્રેમથી આ બધુ છોડી દેવા કહ્યુ હોત તો એણે છોડી દીધુ હોત. પણ ના કૈરવે તો મૃણાલને પ્રેમથી કહેવાની વાત તો દુર રહી મૃણાલના અસ્તિત્વને જ તરછોડી દીધુ હતુ.

એ ઘર ,એ વર સાથેનો સંબંધ ક્ષત-વિક્ષત થઈ ગયો હતો. આન્યાથી પણ એને વિખુટી પાડી દેવામાં આવી પરંતુ એ આન્યાથી ક્યારેય પોતાની જાતને જુદી કરી શકી જ નહોતી. એના એક એક કણમાં આન્યા ધબકતી જ રહી. એના કલ્પના જગતમાં આન્યા ઉછરતી રહી.

આન્યાને છેલ્લે જોઇ એ દિવસની આન્યાનો લેમીનેટ કરેલો વિશાળ સ્કેચ આજે ય મૃણાલના બેડરૂમમાં મૃણાલ સામે હસતો રહેતો. સવારે ગુડ મોર્નિગ આન્યા અને રાત્રે ગુડ નાઈટ આન્યા કહેવા સિવાય બીજી ઘણી બધી વાતો એ આન્યાની તસ્વીર સાથે કર્યા કરતી. એ આન્યા આજે એને રૂબરુ મળવાની છે એ ઉત્તેજનાથી મૃણાલના પગ જમીન પર ઠરતા નહોતા. શરીરમાં વહેતુ લોહી જાણે એની નસો ફાડીને બહાર ધસી આવવા માંગતુ હોય એટલો વેગ એ અનુભવી શકતી હતી. આન્યાના વિચારોમાં રત એની જાગતી આંખો ક્યારે સપનામાં સરી પડી એની મૃણાલને સુધ સુધ્ધા ન રહી. સપનાની આંગળીએ એ વર્તમાનમાંથી ક્યારે ભૂતકાળ સુધી પહોંચી ગઈ?

આન્યા વગરના પ્રત્યેક દિવસ પણ આન્યામય જ બની રહ્યા હતા ને! મૃણાલની આંગળી પકડીને ચાલતા શિખેલી નાનકડી આન્યા ,મમ્મા કહીને દોડીને આવીનેક લપેટાઇ જતી આન્યા, ક્યારેક મમ્માથી રીસાઇને ફુગ્ગા જેવા ગાલ ફુલાવીને બેસી રહેતી આન્યા, કેન્ડી માટે કકળાટ કરતી આન્યા,   ક્યારેક ડૅડીના ગુસ્સાથી ડરીને સહેમી રહેલી આન્યા તો ક્યારેક ડૅડી સાથે રીસાયેલી મમ્માને મનાવતી, મમ્માની આંખમાંથી વહેતા આંસુ લુછતી આન્યા .

આન્યાને દુધ બહુ વહાલુ. જરાક નવરી પડે એટલે “આઇ વૉન્ટ હોટ બોર્નવિટ્ટા” કહીને ઉભી રહી જતી. એ બોર્નવિટાને બોર્નવિટ્ટા કહેતી. આન્યા ચાલતા શિખી એના કરતા બોલતા વહેલુ શિખી હતી. નવુ નવુ ચાલતા શિખેલી આન્યા શરૂ શરૂમાં કેટલીય વાર પડી જતી. ભેંકડો તાણીને રડતી આન્યાના હાથમાં હોટ બોર્નવિટાનો કપ પકડાવો એટલે એનુ રડવાનુ એના પડવા કે વાગવાની ફરિયાદ ક્યાંય ગાયબ.

સરસ મઝાના ક્રેપના ફ્રોક નીચે આન્યાને બક્રમ પહેરાવીને જોયા કરતી મૃણાલને આન્યા કોઇ બેલે ડાન્સર જેવી લાગતી અને ઉમળકાભેર એને તેડી લેતી. સ્કાય બ્લ્યુ કલરમાં મૃણાલને આન્યા આસમાનની પરી લાગતી. તો બેબી પિંક કલરમાં આન્યા એને ગુલાબના ગોટા જેવી લાગતી.

આન્યા ….આન્યા….આન્યા …..ચારે બાજુથી આન્યાના નામની ગુંજ એને સભળાતી રહી. મમ્મા સાથે આન્યાને હાઇડ એન્ડ સિક રમવાનુ ખુબ ગમતુ. વન ટુ ટેન નહી મમ્મા વન ટુ હન્ડ્રેડ કાઉન્ટ કરવાના…અને આન્યા સંતાઇ જતી. મૃણાલ બુમ મારતી “આન્યા” અને ભોળુકડી આન્યા “ યેસ મમ્મા” જવાબ આપી દેતી. એ આન્યા આજ સુધી મૃણાલની એક પણ બુમ સાંભળી શકી નહોતી. અથવા કહો કે મૃણાલની બુમ આન્યા સુધી પહોંચવા જ દેવામાં આવી નહોતી. આન્યા વગર એ કેટલુ ઝુરી હતી?

નવજાત આન્યાની નાનકડી પોચી રૂ જેવી ગુલાબી હથેલી અને એવા જ ગુલાબી ગોટા જેવી પાનીઓ મૃણાલના અંગને સ્પર્શતી ત્યારે મૃણાલનુ માતૃત્વ ધન્ય બની જતુ. ભાખોડીયા ભરતી આન્યાના નાજુક ઢીંચણ છોલાઇ ન જાય એના માટે ય એ કેટલી કાળજી રાખતી? આન્યા માટેનો બેબી રૂમ હોવા છતાં ક્યારેય એણે આન્યાને પોતાનાથી અલગ સુવડાવી નહોતી એ આન્યા આજે એનાથી કેટલાય વર્ષો આમ અલગ રહી? એ કેવી રીતે રહી શકી હશે?

કેટ કેટલા સ્વરૂપો હતા આન્યાના જે આજે ય મૃણાલની યાદોમાં અકબંધ હતા. મનોમન મૃણાલ કહેતી પણ ખરી કે યાદો એની હોય જેને તમે ભુલ્યા હો. આન્યાને ભુલવી એટલે તો જાતને ભુલવી. કવચ કુંડળ ઉતારતા લોહી લુહાણ કર્ણ કરતાય વસમી દશા હતી જે વખતે આન્યાને જાત સાથે અળગી કરવી પડી હતી. મૃણાલના જીવનનો સૌથી વસમો દિવસ હતો એ જેના ઉઝરડામાંથી આજે ય એટલુ લોહી ઝમતુ રહ્યુ હતુ.

કોઇ એક એવી કડી રહી નહોતી જે એની આન્યાને એની મમ્મા સુધી લઈ આવે. કંઇ કેટલીય વાર મૃણાલને વિચાર આવતો કે આન્યા એને યાદ કરતી હશે? આન્યા એની મમ્મા માટે શું વિચારતી હશે ? આન્યાના મનમાં મમ્માની છબી કેવી રહી હશે? કોણ એને સત્ય હકિકત સમજાવશે કે મમ્મા માટે આન્યાથી વધીને દુનિયામાં બીજુ કશુ જ નહોતુ. ઘણીવાર એ પોતાની જાતને ઝંઝોડી નાખતી અને પુછતી રહેતી કેમ આમ બન્યુ? એની એવી તો કઈ મોટી ભુલ હતી જેની એને આજીવન સજા મળી હતી?

ઓ ભગવાન! શા માટે શા માટે આવુ એની સાથે બન્યુ?

 

 

પ્રકરણ-૨

એ ય ક્યારેક આન્યા જેવી જ અને આન્યા જેવડી જ હતીને? કેટલુ સુંદર બાળપણ એ જીવી હતી? શ્રીકાંત શ્રોફ અને ગાયત્રી શ્રોફની એક માત્ર દિકરી મૃણાલ. નાનકડો પણ હર્યોભર્યો સંસાર.

પતિ-પત્નિ વચ્ચે સ્નેહ સાયુજ્ય કોને કહેવાય એ તો શ્રીકાંત શ્રોફ અને ગાયત્રી શ્રોફને જેણે જોયા હોય એ જ કહી શકે. શ્રીકાંત અને ગાયત્રી હંમેશા માનતા કે લગ્ન જીવનમાં સંબંધની સુંદરતા એમાં છે કે જ્યારે સાચા અર્થમાં પતિ –પત્નિ એક બની રહે .પોત પોતાની માન્યતા એકબીજા પર થોપવાના બદલે અન્યની માન્યતાને પ્રાધાન્ય આપે અને એ ત્યારે જ શક્ય બને જ્યારે પ્રેમમાં પોતાની જાતને અળગી કે વેગળી રાખવાના બદલે એકબીજામાં ઓગળી જવાની તૈયારી હોય અને આ માત્ર કહેવાની વાત નહોતી પણ શ્રીકાંત અને ગાયત્રીએ એને જીવન મંત્ર તરીકે અપનાવી લીધી હતી.

શ્રીકાંતે ગાયત્રીને પણ ઘરમાં અને જીવનમાં એમના જેટલો જ મહત્વનો દરજ્જો આપ્યો હતો. સ્ત્રી દાક્ષિણ્યની ભાવના માત્ર કહેવા પુરતી સીમિત રાખવાના બદલે સાચા અર્થમાં સિધ્ધ કરી હતી અને ત્યારેજ તો ગાયત્રી કલા ક્ષેત્રે આગવુ નામ અને સ્થાન પામી શક્યા હતા. આર્ટ ગેલેરીના દરેક એક્ઝીબીશનમાં ગાયત્રીના પેઇન્ટીંગ્સ હોવા જ જોઇએ એવો હમેંશા શ્રીકાંતનો આગ્રહ રહેતો અને એના માટે એમનો એટલોજ ઉમળકાભેર સાથ રહેતો. નાનકડી મૃણાલને ને સાચવવાથી માંડીને સ્કુલે મોકલવાની જવાબદારી પણ એ ભારે હોંશથી ઉપાડી લેતા .નાનકડી મૃણાલને તૈયાર કરવામાં શ્રીકાંતને અનેરો આનંદ આવતો. મૃણાલની જવાબદારી મા તરીકે માત્ર ગાયત્રીની જ હોવી જોઇએ એવો ક્યારેય શ્રીકાંતે વિચાર પણ નહોતો કર્યો.

શ્રીકાંત શ્રોફ સેન્ટ ઝેવિયર્સ આર્ટ્સ કોલેજના અત્યંત લોકપ્રિય પ્રોફેસર. આજકાલ કોને રસ છે લેક્ચર ભરવામાં? પણ જ્યારે શ્રીકાંત શ્રોફનો ક્લાસ હોય ત્યારે ભાગ્યેજ કોઇ વિદ્યાર્થી હશે કે ક્લાસની બહાર જોવા મળે. શ્રીકાંતસરના હાથમાં જે પુસ્તક આવતુ એ પુસ્તકના શબ્દો જીવંત બની જતા .શ્રીકાંતસરના ઘેરા બુલંદ અવાજથી ક્લાસ રણકી ઉઠતો. ક્યારેક એ “ઝેર તો પીધા જાણી જાણી “ ના સત્યકામ બની રહેતા તો ક્યારેક અચ્યુત. ક્યારેક “ગુજરાત નો નાથના “જયસિંહનો હુંકાર અવાજમાં ભળી જતો તો ક્યારેક મંત્રીશ્વર મુંજાલની મમુત્સદી .જાણે પાત્રને આત્મસાત કરવાની સિધ્ધી એમને વરી હતી. શહેરના અગ્રગણ્ય અખબારોમાં નિત આવતી એમની કોલમ કદાચ સૌથી વધુ વંચાતી કોલમમાંની એક હતી. જીવનના મર્મને એમણે સમજી જાણ્યો હતો , પચાવી જાણ્યો હતો અને એ જ સમજણ એમની કોલમમાં છલોછલ છલકાતી . એ હંમેશા માનતા કે અજાણતા જ ખુલ્લા રહે ગયેલા દ્વારમાંથી જ સુખ પ્રવેશી જતુ હોય છે . આ દ્વાર એટલે ઘરના જ નહી મનના પણ. મન મુક્ત રાખો આપોઆપ શાંતિ આવીને ગોઠવાઇ જશે.

ગાયત્રીના કેન્વાસ પર ઉભરેલા રંગો ક્યારેક શબ્દો બનીને શ્રીકાંતની કલમે વહેતા. અથવા તો ક્યારેક શ્રીકાંતના શબ્દો ગાયત્રીના કેન્વાસ પર વહેતા.આવા સાહિત્ય અને કલાનો સાત્વિક સમન્વય હોય એવા ઘરમાં ઉછરેલી મૃણાલ નાનપણથી જ બીજી અન્ય છોકરીઓ કરતા જુદી તરી આવતી. ઘર ઘર રમવાની ઉંમરે પણ મૃણાલે ક્યારેય ઢીંગલી માંગી નહોતી કે નહોતુ ક્યારેય કીચન કેબીનેટ માંગ્યુ.

પપ્પાને લખતા અને વાંચતા જોઇ જોઇને એ પણ પરી કથાઓથી માંડીને એક હતો રાજાની વાર્તાઓ માંડતી થઈ હતી. પણ એ બધા કરતા એને સૌથી વધુ આકર્ષતી મમ્મી. મોટા કેન્વાસના ફલક પર રંગોની છટા વેરતી મમ્મીને એ બધુ જ ભુલી ને જોયા કરતી. ઘરની આસપાસ ઉગેલા રંગબેરંગી ફુલો કરતા પણ વધુ રળીયામણા રંગો એને મમ્મીના કેન્વાસના ફલક પર દેખાતા. દુર આભમાં દેખાતા સપ્તરંગી મેઘધનુષ્ય કરતા ય મમ્મીએ પાથરેલી રંગાવલીમાં એનુ મન વધુ મોહી જતુ.

બીજી નાનકડી છોકરીઓ જ્યારે મમ્મીની સાડી તન પર લપેટીને મોટી દેખાવાનો ડોળ કરતી ત્યારથી મૃણાલે ગાયત્રીની જેમ ઇઝલ પર કેન્વાસ ગોઠવીને પેઇંન્ટીગ્સ દોરતી હોય એવી કલ્પનામાં રાચવાનુ શરૂ કરી દીધુ હતુ.

નાનકડી હતી ત્યારથી જ પપ્પાની આંગળી પકડીને એ ગાયત્રીના પેઇંન્ટીંગ એક્ઝીબીશનમાં જતી થઇ ગઈ હતી. આ એક અનોખુ વિશ્વ હતુ જ્યાં એની મમ્મી રાજરાણી હતી .મમ્મીની આસપાસ ફરતા ફોટોગ્રાફર અને પત્રકારોને જોઇને મૃણાલ આભી બની જતી. આમ જોવા જાવ તો ગાયત્રી રૂપાળી કહી શકાય એવી કોઇ વ્યાખ્યામાં આવતી નહોતી. પરંતુ એક સ્ટાઇલ હતી ગાયત્રીની. સરસ મઝાની કોલકત્તી રેશમી સાડી કે ક્યારેક માહેશ્વરી સાડી.. લંબગોળ ચહેરા પર ભાલે કોરા કંકુનો મોટો ચાંદલો ગાયત્રીને ખુબ શોભા દેતો. ગાયત્રીને ક્યારેય કોઇએ પરફેક્ટ મેચીંગમાં જોઇ જ નહોતી અને તેમ છતાં ગાયત્રી જે પહેરતી એ સ્ટાઇલ બની જતી. સાડીની અંદરની નાની અમસ્તી પ્રિન્ટ પકડીને સાડીના કોન્ટ્રાસ્ટનો એ બ્લાઉઝ લેતી અને એ બ્લાઉઝ સાથે મેચ થાય એવા નાજુક દાગીના તો હોય જ. લગભગ કપાળ પરના કોરા કંકુ સાથે એનો બ્લાઉઝ અને ઝીણા અમસ્તા દાગીના જરૂર મેચ થતા. ક્યારેય કશું પણ ગાયત્રી પહેરતી તો જાણે એના માટે જ ડીઝાઇન થયુ હોય એવુ પરફેક્શન લાગતુ. રેશમી એવા કોરા વાળને એ જરા અમસ્તા ઓળીને હાથથી જ ઢીલો અંબોડો વાળી લેતી. ક્યારેક એ અંબોડો છુટી જાય તો ફરી એ જ બેફિકરાઇથી વાળી લેવાની એની સ્ટાઇલ તો મૃણાલને એટલી ગમતી કે એના જરા અમસ્તા વધેલા વાળને પણ ગાયત્રીની જેમ ઓળવા અને બાંધવા મથતી. ભાગ્યેજ ….ક્યારેક ગાયત્રી ચુડીદાર પર લગભગ પગની પાનીથી વ્હેંત અધ્ધર રહે એટલી લંબાઇ ધરાવતુ અનારકલી જેવુ પંજાબી પહેરતી. સરસ મઝાના સિલ્કના પંજાબી પર એ એકદમ ભરચક વર્ક વાળો દુપ્પટો નાખતી અને ત્યારે એના કાળા ભમ્મર જેવા રેશમી વાળ છુટા લહેરાતા મુકી દેતી. ઉંમર કરતા દસ વર્ષ નાની લાગતી ગાયત્રી તો મૃણાલને બહુ ગમતી.

આ દુનિયા મૃણાલને અજાયબ લાગતી. પપ્પા પણ કેવા બધા સાથે સરસ મઝાની રીતે વાત કરતા? પપ્પા સાથેની વાતોમાં ય લગભગ મમ્મીની પ્રસંશા જ સાંભળવા મળતી. અફસોસ આજે ય તો એ વાતનો રહ્યો કે આવુ તો ક્યારેય પોતાની સાથે થયુ નહી.

શ્રાવણ મહિનાના તહેવારોમાં શ્રુતિ, શાલ્વી કે શૈલીને એમની મમ્મી સાથે વાર તહેવારે મંદિરે જતા જોયા હતા. મૃણાલ સમજણી થઈ ત્યારથી મમ્મી માટે તો આર્ટ ગેલેરી જ મંદિર હોય એવો ભક્તિભાવ મમ્મીની નજરોમાં જોયો હતો.

શ્રુતિની મમ્મી કહેતી “ જયા પર્વતીનુ વ્રત કરીએ ને તો રાજાના કુંવર જેવો વર મળે.”

પપ્પાનો મમ્મી તરફનો પ્રેમ જોઇને એ ગાયત્રીને હંમેશા પુછતી “ હેં મમ્મી તેં પણ જયા પાર્વતીનુ વ્રત કર્યુ જ હશે ને?”

ગાયત્રી હસી પડતી અને પુછતી “તારે કરવુ છે જયા પાર્વતીનુ વ્રત? તારે જોઇએ છે રાજાના કુંવર જેવો વર?”

પણ ના ! મૃણાલ જેમ જેમ મોટી થતી ગઈ એમ એને હંમેશા પરીકથામાં આવતા પાંખાળા ઘોડા પર સવાર રાજકુમારના બદલે એને આર્ટ ગેલેરીમાં મમ્મીના ઇન્ટરવ્યુ લેતા જર્નાલિસ્ટમાં વધુ રસ પડતો ગયો. નવા ઉઘડતા કલાકારો જે અહોભાવથી ગાયત્રીના ચિત્રો સમજવા પ્રયત્ન કરતા એનાથી મૃણાલને મમ્મીમાં વધુને વધુ રસ પડવા લાગ્યો હતો.અને મનોમન નક્કી કરી લીધુ હતુ કે એ પણ મમ્મી જેવી સફળ આર્ટીસ્ટ બનશે. એક દિવસ એની ય પાછળ ફોટોગ્રાફર અને પત્રકાર ફરતા હશે. કેમેરાની ફ્લેશ ઝબુક ઝબુક થતી હશે અને એ ય મમ્મીની માફક ઇન્ટરવ્યુ આપશે જે મૃણાલના ફોટા સાથે અખબારની શોભા બનશે. દિવા સ્વપનમાં રાચતી મૃણાલ પોતાની જોડે એક એવી વ્યક્તિની કલ્પના કરી લેતી જે પપ્પાની જેમ જ સમજદાર હોય. પપ્પા જેમ મમ્મીનો આધાર સ્તંભ બની રહ્યા હતા એમ જ એ પણ મૃણાલની સફળતાનો આધાર સ્તંભ બની રહેશે. એ સાવ અજાણ્યા ચહેરામાં મૃણાલ પપ્પાની છબી જ શોધવા મથતી.

મમ્મી એનો આઇડોલ હતી. તો પપ્પામાં પણ સમસ્ત માનવ જાતની સમજણ આવીને વસી હોય એવુ અનુભવતી. દુનિયાનો કોઇ પણ પુરુષ પપ્પાથી વધુ સારો હોઇ શકે એ જ એની માન્યતાની બહાર હતુ. એના જીવનમાં જે કોઇ આવશે એ ભલેને પાંખાળા ઘોડા પર બેસીને આવતા રાજકુંવર જેવો ન હોય પણ એણે પપ્પા જેવા તો હોવુ જ જોઇશે

પપ્પા તો કેવી રીતે મૃણાલ અને મમ્મીને સાચવતા હતા ! એ અજાણ્યા ચહેરા એ પણ મૃણાલને એવી જ રીતે સાચવવી પડશે. મૃણાલને એના અસ્તિત્વનો એક ભાગ બનાવી લેવી પડશે. મમ્મીએ દોરેલા પેલા અર્ધ નારીશ્વરમાં એ પપ્પા અને મમ્મીને એકાકાર થયેલા જોતી એવી જ રીતે મૃણાલ અને એ અજાણ્યો ચહેરો એકાકાર થયેલો જોતી.

પોતાની આસપાસ ફરતા કેમેરામેન અને પત્રકારો ,ટેલીવીઝન માટે લેવાતા ઇન્ટરવ્યુમાં મૃણાલ પણ મમ્મીની જેમ એની સફળતાનુ શ્રેય પેલા અજાણ્યા ચહેરાને આપશે એવો મનોમન એક વાયદો પણ એણે એની જાત સાથે કરી લીધો હતો અને કેમ ન કરે? ગાયત્રી એની સફળતાનો શ્રેય હંમેશા શ્રીકાંતને જ આપતી જોઇ હતી. ગાયત્રીની સફળતાના રહસ્ય અંગે પુછવામાં આવતા સવાલોમાં જે નજાકતથી જે માર્દવતાથી એ શ્રીકાંત તરફ નજર માંડતી ! ઉફ્ફ, આજ સુધી કોઇ સ્ત્રીને કોઇએ આટલા સ્નેહથી પતિ સામે નજર માંડતા કોઇએ જોઇ નહોતી. અને ગાયત્રીની એ લાક્ષણિક તસ્વીર તો એના ઇન્ટરવ્યુ સાથે અખબારમાં મુકાતી કે ટેલીવીઝન પર રજૂ થતી ત્યારે મૃણાલ ધન્ય બની જતી. આ ધન્યતા પોતે પણ ભવિષ્યમાં ચોક્કસ અનુભવવાની જ છે એવી મનોમન એ ખાતરી ય એ કરી લેતી. એની સામે પેલો અજાણ્યો ચહેરો પણ શ્રીકાંતની જેમ જ મીઠુ મંદમંદ સ્મિત આપીને એને વધાવી લેશે એવુ વિચારી લેતી.

 

ક્યારેક ખડખડાટ હસી પડતી ગાયત્રી ખુદ ફોટોજનિક ફેસ ધરાવતી અને પોતાની સફળતાનુ શ્રેય આપતી ગાયત્રી જે અદાથી શ્રીકાંત તરફ નજર માંડતી એ અદાને ઝીલી લેવા જેટલી તત્પરતા શ્રીકાંતને રહેતી એટલી જ તત્પરતા શ્રીકાંતની નજરને ઝીલી લેવા ફોટોગ્રાફરની ય રહેતી.

મૃણાલને યાદ નથી કે ક્યારેય એણે પપ્પા કે મમ્મીને ઉંચા સાદે વાત કરતા જોયા હોય. મીઠો ઝઘડો તો કોની વચ્ચે ન હોય ? મમ્મી અને પપ્પા વચ્ચે પણ થતો. મૃણાલ મોટી થઈને કોના જેવી બનશે કે કેવી બનશે એ અંગે ય ગાયત્રી અને શ્રીકાંત વચ્ચે હુંસાતુસી ઉભી થતી.ગાયત્રીનુ હંમેશા માનવુ રહેતુ કે એના પેઇંન્ટીંગ્સ તો આજે જે આર્ટ ગેલેરીઓ શોભાવે છે એ કદાચ કાળક્રમે ભુસાતા જશે અને શ્રીકાંતના લખેલા પુસ્તકો વર્ષો સુધી વંચાતા રહેશે. શ્રીકાંત વર્ષો સુધી એના હાથ હેઠળ ભણી ગયેલા સ્ટુડન્ટના દિલો-દિમાગમાં કાયમ રહેશે. એટલે એ ઇચ્છતી કે મૃણાલ શ્રીકાંત જેવી શાંત અને સદાબહાર બની રહે.

ગાયત્રીનુ અસ્તિત્વ શ્રીકાંત થકી હતુ. શ્રીકાંતના સાથ વગર ગાયત્રી આજે જે ઉંચાઇએ છે એની કલ્પના કરવી એના માટે મુશ્કેલ હતી. ગાયત્રીની આભા શ્રીકાંતના તેજો વર્તુળને આભારી હતી. જ્યારે શ્રીકાંતનુ પોતાનુ એક અજવાળુ હતુ. ગાયત્રી પોતાની જાતએ બીજનો ચાંદ કહેતી જે નજરે પડ્યો તો નસીબ. મહિનામાં એક દિવસ અલપઝલપ દેખા દેતો બીજનો ચાંદ તો ઘડીક ચમકીને આકાશમાં આથમી જાય જ્યારે પુનમની ચાંદનીતો આખી રાત…….

ગાયત્રીની ઉપમા સાંભળીને શ્રીકાંત હસી પડતા.

“તને નથી લાગતુ કે તું કંઇક વધુ પડતું જ મને મહત્વ આપી રહી છો? તારી કલા કે તારી આવડત તો આજે તું શ્રીકાંત સાથે છુ એટલે નથી. એ કદાચ બીજા કોઇ અખિલ કે નિખીલ સાથે હોત તો પણ એ તો એમ જ વહેતી હોત.”

શ્રીકાંત કદાચ તમારી વાત સાચી હોઇ શકે પણ નક્કર હકિકત તો એ છે કે તમારી હાજરીમાં અથવા તો તમારા સાથથી હું વધારે ખીલી શકુ છું. એક નિતાંત શાંતિનો અનુભવ તમારી સાથે મને હંમેશા રહ્યો જ છે અને એ શાંતિ જ મને સ્થિરતા અને મારા ચિત્રોને સુંદરતા આપે છે. કદાચ બીજા કોઇ અખિલ કે નિખીલ સાથે રહીને મારામાં રહેલી કલા આટલી આવિષ્કાર ન પણ પામી હોત. કોને ખબર સમાજમાં પત્નિને થોડુ ઘણું મહત્વ મળે એ દરેક પતિ કે સમાજ ન પણ સ્વીકારી શકે. એવુ ય બને કે પત્નિએ એની આવડતને ઘર અને વરને સાચવવા પુરતી મર્યાદિત માની લઈને રાજી રહેવુ પડે? સાચુ કહું છું શ્રીકાંત તમે જ મને હાથ ઝાલીને ઉભી કરી છે એટલુ જ નહી આગળ વધવા માટે મશાલ ધરીને રસ્તો કર્યો છે. એક સપનામાં જોયેલી કેડીને કંડારવામાં મારા રસ્તામાં આવતા ઝાંખરા તમે દુર કરીને મારા માટે સુંવાળો પથ ઉભો કર્યો છે. તમારા સમ બસ!”

ફરી એકવાર શ્રીકાંત હસી પડતા. “ આ તારી સમ ખાવાની ખાસિયતનો તો હું કાયમ કાયલ રહ્યો છું અને ઘાયલ પણ.”

ગાયત્રી પાસે જ્યારે અને એના મનની સચ્ચાઇ દર્શાવતા શબ્દો ખુટી પડતા ત્યારે એ બસ આમ જ તમારા સમ કહીને ઉભી રહી જતી. અને એવુ ય નહોતુ કે એ ખાલી કહેવા ખાતર કે શ્રીકાંતને સારુ લગાડવા કહેતી. હ્રદયના ઉંડાણથી એ માનતી પણ ખરી.

“મારી પાસે મારા મનની વાત કહેવા માટે તમારા જેટલો શબ્દ ભંડોળ નથી કે નથી લેખન શક્તિ એટલે શું કરુ? તમને વિશ્વાસ અપાવવા મારી પાસે આ જ એક આયુધ છે. આ આયુધ પણ આજે જ તમારો મનની શક્તિ પરનો આર્ટીકલ વાંચ્યો એમાંથી જ મને આવડ્યો છે. તમે જ લખ્યુ છે ને કે આયુધ એટલે કોઇ શસ્ત્ર નહી પણ માનવ જીવનમાં કોઇ અકલ્પ્ય પરિસ્થિતિ ઉભી થાય ત્યારે બચાવે એ આયુધ .અને આ આયુધ એટલે મનની શક્તિ , બરાબર ને?

“અરે બાપરે ! ભારે ભારેખમ શબ્દો તું વાપરતી થઈ ગઈ ને?”

“તો શું કરુ? સંગ એવો રંગ. તમે આટલુ બધુ સરસ લખો તો એ વાંચીને મારી ય ભાષા થોડી તો સમૃધ્ધ બને ને? વળી પાછુ એવુ ના કહેતા કે આ સમૃધ્ધિ શબ્દ ક્યાંથી શોધ્યો? એ પણ તમારા આર્ટીકલમાંથી જ જડ્યો છે મને હોં કે.”

આ હોં કે બોલવાની ગાયત્રીની લઢણ પણ શ્રીકાંતને ખુબ ગમતી. આર્ટ ગેલેરીમાં જેટલી સોફીસ્ટીકેટ લાગતી એટલી જ ઘરમાં એ સરળ લાગતી. જીવનની લગભગ અડધી સદી વટાવી ચુકેલી ગાયત્રી શ્રીકાંત પાસે નવા નિશાળીયા જેવી શિખાઉ બની રહેતી.

ક્યારેક શ્રીકાંતના સ્ટુડન્ટ આર્ટ ગેલેરીમાં મળી જતા ત્યારે એમનો શ્રીકાંત તરફનો અહોભાવ જોતી ત્યારે ગાયત્રીને એક ઉમદા વ્યક્તિની પત્નિ હોવાનુ ગૌરવ થઈ આવતુ અને એ ગૌરવ જ એની સાચી સમૃધ્ધિ છે એમ માનવામાં એને જરાય વાંધો નહોતો.

મમ્મી અને પપ્પા વચ્ચે મૃણાલે આવી તો અનેક મીઠી રકઝક જોઇ હતી સાંભળી હતી. જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ આ મીઠી રકઝક ક્યારેક પોતાના જીવનનો ય એક હિસ્સો હશે એવુ માની ય લીધુ હતુ. પપ્પાની સ્વભાવમાં જોયેલી સમજ અને સ્થિરતા ,ચહેરા પરની નિતાંત શાંતિ એ પેલા અજાણ્યા ચહેરામાં કલ્પી જ લેતી.

ખળખળ વહેતી મમ્મીને સંભાળતા પપ્પા તો એને પેલા જટાધારી શિવ શંકર જેવા લાગતા. નાની હતી ત્યારે ગંગા અવતરણ વિષે વાંચ્યુ હતુ. ગંગાજીના પ્રચંડ પ્રવાહને ઝીલી લેવા તૈયાર શિવજી અને પપ્પામાં એને કેમ સામ્ય લાગતુ હશે ?

આવી જ રીતે વહેતી મૃણાલના જીવનને સંભાળવા કોઇ એવી સ્થિર અને સમજદાર વ્યક્તિ આપોઆપ એના મન સાથે જડાયેલી રહેતી.

ગાયત્રીની નજાકત લઈને જન્મેલી મૃણાલનો વાન શ્રીકાંત જેવો જરા ઉઘડતો હતો. ધીમે ધીમે એનામાં ગાયત્રીનું સ્વરૂપ ઉઘડતુ જતુ હતુ અને ગાયત્રીની કલા પણ. એ તો વાત થઈ મૃણાલ મોટી થયા પછીની પણ એ સ્કુલમાં હતી ત્યારથી એના ડ્રોઇંગની હંમેશા પ્રશંસા થતી..

એકવાર તો એલિમેન્ટરી સ્કુલમાં ઇલેક્શનનો માહોલ હતો ત્યારે મૃણાલને એના માટેના હોર્ડીંગ્સ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ઇલેક્શન માટેના વોટીંગ પૉલ પણ એણે જ તૈયાર કરવાના હતા. નાનકડી મૃણાલનો તો એ દિવસે ઢસ્સો ભારે હતો. એક જવાબદારીભર્યુ કામ એને સોંપાયુ હતુ. એ દિવસથી જ કદાચ એ ગાયત્રીના રૂપમાં ઢાળવા માંડી હતી.

બીજા વર્ષે “ફ્યુચર સિટિ ઓફ યોર ડ્રીમ”-ભાવિ શહેરની કલ્પના ભરેલા મૃણાલના ડ્રોઇંગને ફર્સ્ટ પ્રાઇઝ મળ્યુ અને એનુ એ ડ્રોઇંગ તો “ચિલ્ડ્રન હેલ્થ કેર હોસ્પીટલ”માં આખાય વર્ષ માટે મુકાયુ ત્યારે તો શ્રીકાંત અને ગાયત્રી માટે કોઇ આર્ટ ગેલેરીના એક્ઝીબીશન કરતા ય એનુ મહત્વ અનેક ઘણુ વધી ગયુ હતુ. મૃણાલના હાથમાં એક કસબ હતો. એની નાનકડી આંગળીઓ જે રીતે ડ્રોઇંગ પેપર પર ફરતી અને જે સિફતથી એ એમાં રંગો ભરતી એ જોયા પછી બીજા જ દિવસે શ્રીકાંત એના માટે નાનકડી ઇઝલ અને કેન્વાસ લઈ આવ્યા. ઘરમાં પણ મૃણાલ કોઇ એક ખુણામાં બેઠી બેઠી આર્ટ વર્કના પેપર પર કંઇને કંઇ દોર્યા જ કરતી હોય. બધુ જ એની કલ્પનાનુ. એની કલ્પનાના પણ કોઇ સીમાડા નહોતા.

અને પછી તો મૃણાલ એક પછી એક સીડીઓ ચઢતી જ ગઈ. કશાય આયાસ વગર , કશાય પ્રયત્ન વગર કે પછી એવી ખાસ કોઇ ટ્રેઇનીંગ વગર પણ મૃણાલ ઉભરતી ગઇ.

અને સાથે સાથે એના મનનુ ગાયત્રી જેવી આર્ટીસ્ટ બનવાનુ સપનુ પણ ઉછેરતી ગઈ. સમય જતા પપ્પાની છાયા જેવો પેલો અજાણ્યો ચહેરો પણ એના સપનાની દુનિયામાં સચવાતો રહ્યો.

પણ એ ચહેરો જ્યારે કૈરવ બનીને એની સામે આવ્યો ત્યારે ?

 

પ્રકરણ-૩

કૈરવની યાદ સાથે જ મૃણાલનુ મન કડવાશથી ઉભરાઇ ગયુ. ક્યારેક આ નામ હતુ જેની સાથે મૃણાલનુ નામ, મૃણાલનુ અસ્તિત્વ જોડાયેલુ હતુ. મિસીસ કૈરવ શેઠ તરીકે એની ઓળખ હતી. મૃણાલના મનમાં હંમેશા કેટલીક ખ્વાહિશ રહી હતી. એક તો એ મમ્મી જેવી પ્રખ્યાત કલાકાર તરીકે ઓળખાશે. શ્રીકાંતનો હંમેશા એવો જ આગ્રહ હતો કે ગાયત્રીનુ ખુદનુ એક અસ્તિત્વ છે એ કલા જગતમાં માત્ર અને માત્ર ગાયત્રી તરીકે જ ઓળખાવી જોઇએ નહી કે શ્રીમતી શ્રીકાંત શ્રોફ. મૃણાલને પણ હંમેશા એવુ જ ગમતુ કે ભલે સામાજીક અવસરોમાં એ મિસીસ કૈરવ શેઠ કહેવાય પણ અહીં આ કલા જગતમાં તો મૃણાલ અથવા તો મૃણાલ શેઠના નામથી ઓળખાય. શ્રોફ કે શેઠ એ તો વ્યક્તિની ઓળખનુ એડીશન છે આખે આખી ઓળખ નહી .આ શ્રોફ કે શેઠ પણ જરૂરી છે પણ વ્યક્તિથી વધે એટલુ ય સર્વોપરી નથી .

હા ! મૃણાલને એની શ્રોફ અટક માટે ખુબ ગર્વ હતો એટલે એના મનમાં એક ઇચ્છા જરૂર હતી કે એની શ્રોફ અટક જેવી જ જરા જુદી તરી આવે એવી એની નવી અટક હોય.. શાહ, પટેલ કે પરિખ? ના ભઈ ના ! એ તો ઢબુડીમાં ઢગલા મળી આવે એનો તો કોઇ ચાર્મ હોય?

અને સાચે જ એના જીવનમાં એક જરા જુદી લાગે એવી અટક વાળો કૈરવ આવ્યો. અને આવ્યો એ ય કેવો? ધીમા વરસતા વરસાદની જેમ અને વાવાઝોડાની જેમ વિનાશ વેરીને મૃણાલનુ જીવન વિખેરીને વહેતી મુકતો ગયો..

સરસ મઝાનુ શૈશવ હતુ, સરસ મઝાની તરૂણાવસ્થા હતી અને ધીમે ધીમે ઉઘડતી કળી જેવુ લાવણ્યભર્યુ યૌવન સરતુ જતુ હતુ. શ્રીકાંત અને ગાયત્રીએ મૃણાલનો ઉછેર ખુબ સાદગી અને સમજપૂર્વક કર્યો હતો. નામ હતુ બંનેનુ પણ એને વટાવીને મૃણાલે આગળ વધવુ એવી કોઇ પરવાનગી બેમાંથી કોઇએ આપી નહોતી. મૃણાલને જ્યાં જેટલી જરૂર પડી એટલી સમજ આપી હતી. માર્ગદર્શન આપ્યુ હતુ પણ મૃણાલે એના નિર્ણય તો જાતે જ લેવાના રહેતા. હા! નિર્ણય લેવામાં ક્યાંક કોઇ અસંમજ ઉભી થાય તો ચોક્કસ એની સાથે ઉભા રહેતા. શ્રીકાંત શ્રોફ કે ગાયત્રી શ્રોફના નામ વગર જ એણે એની ઓળખ ઉભી કરવાની હતી.

મૃણાલ માત્ર મૃણાલ બનીને આગળ આવે એવી એમની ઇચ્છા જ નહી આગ્રહ પણ હતો એની મૃણાલને સમજણી થઈ ત્યારથી ખબર હતી.

સ્કુલના દિવસો તો ક્યાંય વિતી ગયા.પણ એટલુ ખરુ કે મૃણાલ દરેક વર્ષે સ્કુલના મેગેઝીનમાં ઝળકતી રહી. સ્કુલની કોઇ પણ ડ્રોઇંગ કોમ્પીટીશનમાં એ પ્રથમ જ રહી. એલીમેન્ટરી અને ઇન્ટરમિડીયેટની એક્ઝામ પણ સાવ જ કોઇ જાતના ભાર વગર એ ક્લિયર કરતી ગઇ.

સ્કુલ વટાવીને કોલેજમાં પ્રવેશ લેતી વખતે શ્રીકાંત અને ગાયત્રીએ માત્ર એટલી સલાહ આપી હતી કે ડ્રોઇંગ તો મૃણાલની રગે રગમાં વસેલુ છે પણ હવે એણે આગળ એવી કોઇ કોલેજમાં એડમીશન લેવુ જોઇએ જ્યાં એની સ્કિલને નિખાર મળે. જે કલા હસ્તગત છે એમાંથી કંઇક નવુ સર્જન કરવા માટેનુ પ્લેટફોર્મ મળે.

મૃણાલના ઉછેરમાં શ્રીકાંત કે ગાયત્રીએ દિકરા કે દિકરી જેવો ભેદ રાખ્યો નહોતો.ખુબ વહાલી હતી મૃણાલ બંનેને..શ્રીકાંત અને ગાયત્રીએ મૃણાલના જન્મ પછી દિકરો જોઇશે જ એવુ ક્યારેય વિચાર્યુ જ નહોતુ. મૃણાલને દિકરા કરતા ય અધિક ગણીને ઉછેરી હતી. પણ મનના એક ખુણે એવી તો ખબર હતી જ કે ક્યારેક તો દિકરી પારકા ઘેર જવાની જ છે એટલે એ ઘરમાં મૃણાલ ગોઠવાય એવી બધી જ શિખામણ ગાયત્રી એને આપતી.

“મૃણાલ બેટા, અમે તને ઉડવા ખુલ્લુ આસમાન આપ્યુ છે અને તું એ આસમાનને આંબે એવા સપના ય જોયા છે પણ તું એ ભુલતી નહી કે એક ઉડતા પંખી માટે ઉડવા આસમાન જરૂર હોય છે પણ સાંજ પડે તો એને એના માળામાં પાછુ તો ફરવુ જ પડે છે. તારા માટે ય આવો એક માળો અમારે કે તારે જાતે શોધવો પડશે ને?”

“ પછી તું કહીશ કે એ માળાને લાયક બનવા માટે જેવુ ભણતર અને ગણતર જોઇએ બરાબરને ? મૃણાલ ગાયત્રીની અધુરી વાત પુરી કરી દેતી.

“ સાવ એવુ તો નહી પણ તારી આવડતને સ્વીકૃતિ પણ જોઇશે ને? આ સ્વીકૃતિ એટલે ડિગ્રી. અત્યારે માત્ર તમારી પાસે આવડત હોય એટલુ પુરતુ નથી ને? જ્યાં જાવ ત્યાં એ આવડતની સ્વીકૃતિ પણ લોકો જોવા માંગે છે. માત્ર સારા ઘર કે સારા વર માટે નહી તને પોતાને ક્યાંક તક મળે તો એના માટે પણ ….” ગાયત્રીની અધુરી વાતને વચ્ચેથી જ ઉપાડી લેતા શ્રીકાંતે પણ ટાપસી પુરી.

“એક છોકરો જ્યારે ભણે છે ને ત્યારે માત્ર એ છોકરો જ ભણતો હોય છે પણ એક છોકરી જ્યારે ભણે ત્યારે એક આખો પરિવાર ભણતો હોય છે એટલે અમારે મન તને ભણાવવી એટલે આખો ય પરિવાર સુસંકૃત કરવો એવો ય ખરો.”

“એન. આઇ. ડી. નેશનલ સ્કુલ ફોર ડિઝાઇનીંગ” ચપટી વગાડતામાં જ મૃણાલે જાહેર કરી દીધુ. અને આ ચપટી એમ જ નહોતી વાગી. એના મનમાં ય ઉંડે ઉંડે કશુક નવુ કરવાની તમન્ના હતી જ.

નાનપણથી જ ગાયત્રીને જે રીતે તૈયાર થતા જોતી ત્યારથી હંમેશા મૃણાલના મનમાં એક આકર્ષણ રહ્યા કરતુ. કાયમ વિચાર્યુ હોય એના કરતા કંઇક નવા જ ગેટઅપમાં એ ગાયત્રીને જોતી અને જોયા જ કરતી. એણે પણ હંમેશા પોતાની જાતને સરસ રીતે તૈયાર થયેલી જ જોઇ હતી.

જરા મોટી થઈ ત્યારે એને પણ એવી જ રીતે તૈયાર થવામાં રસ પડવા માંડ્યો હતો. બુટીકમાં જવુ કે ડિઝાઇનર કપડા લેવા એવી કોઇ સમજ ઉભી થાય એ પહેલા જ એ કાપડ લીધા પછી પેટર્ન બુકમાં જોઇને ડ્રેસ બનાવવાના બદલે પેટર્ન બુકની ડિઝાઇન પ્રમાણે કાપડ લેતી થઈ હતી. અવનની ડિઝાઇનનુ એને હંમેશા આકર્ષણ રહેતુ એટલે જ્યારે આગળ વધવા માટે કોઇ લાઇન લેવાની આવી ત્યારે વર્ષોની ઇચ્છા સાકાર કરવા નિફ્ટમાં ફેશન ડિઝાઇનનો કોર્સ પસંદ કરી લીધો.

એમાં એને એપરલની સાથે એની સર્જનાત્મકતાને વિકસાવવાની અને યોગ્ય માર્ગે આગળ વધવાની તક દેખાઇ હતી.

“પપ્પા, તમને ખબર છે એપરલ ડિઝાઇનને હવે થોડી વધુ સ્પેસીફાઇ કરવામાં આવે છે? મઝા આવશે મને અને ખબર છે જે દિવસે હું ડિઝાઇન કરતી થઇશ એ દિવસે મારી મોસ્ટ ફેવરીટ મોડલ કોણ હશે?”

“હવે આવા અઘરા સવાલ તું મને કરે તો હું શું જવાબ આપુ? અને એમાં તો એવુ છે ને કે આજે અત્યારે જે ટોપ પર હશે એ આવતી કાલે કેવાય ખુણામાં ધકેલાઇ ગઈ હશે અને બીજો ચહેરો જ ઝળકતો હશે.”

 

“કરેક્ટ પપ્પા, મોડેલ જ નહી આજની ફેશન પણ કાલે બદલાઇ જશે એટલે હું એવા એથ્નિક ડિઝાઇનવેર બનાવીશ કે આજે અને આવતી કાલે પણ એટલા જ ઇન હશે. તમને ખબર છે દાદીના દાગીના પહેરવાની એટલી જ મઝા આવે આજે પણ આવે છે અને બધાનુ ધ્યાન પણ દોરે છે. એટલે નો શોર્ટ ટર્મ ફેશન પરમેનન્ટ ડીઝાઇન અને મારી મોડેલ હશે વેલ નૉન આર્ટિસ્ટ શ્રીમતી ગાયત્રીદેવી …..ઢણટણાન……”

મૃણાલને એન્ટ્રન્સ એક્ઝામ આપવામાં જરાય મુશ્કેલી ન નડી અને એણે નિફ્ટમાં એડમીશન મેળવી લીધુ.

નિફ્ટના ગ્રેજ્યુએશન પ્રોગ્રામમાં એ તન્મય થતી ગઈ. પહેલા વર્ષના બેઝીક પ્રોગ્રામ પછી બીજા ત્રીજા અને ચોથા વર્ષ સુધીમાં તો એને વધુને વધુ રસ પડતો ગયો. ફેશન ઇલસ્ટ્રેશન એન્ડ ડિઝાઇન, ફેશન સ્ટડિઝ, એલિમેન્ટ્સ ઓફ ટેક્સટાઇલ્સ, સર્ફેસ ડેવલેપમેન્ટ ટેક્નિક્સ ,હિસ્ટ્રી ઓફ કોસ્ચ્યુમ, પેટર્ન નિર્માણ એ પછી એપરલ ઇન્ડસ્ટ્રીની ડીટેલ્સ , ઇન્ટર્નશિપ ……

“મઝા આવે છે હોં કે મમ્મી.” એ પણ ક્યારેક ગાયત્રીની અદાથી હોં કે કહી ને ઉભી રહેતી.

“ મને ય ખબર છે તને મઝા આવે છે એટલે તને જોવાની મને ય મઝા આવે છે. નહીંતો મને ખબર છે ને કે તને ના ગમે એ કરાવવામાં કેટલા નવ નેજા પાણી ઉતરી જતા હોય છે.”

“તને ખબર છે મમ્મી હવે અહીંથી નક્કી કરવાનુ કે કોને શું કરવુ છે. ફેશન ડિઝાઇનર બનવુ છે , ફ્રીલાન્સ ડિઝાઇન કન્સલટન્ટ બનવુ કે ફેશન ટ્રેન્ડ્સ ફોરમ પ્રોગ્રામર બનવુ કે પછી એન્ત્રપ્રિન્યોર . હવે તો કેમ્પસ ઇન્ટર્વ્યુ પણ થશે. સાંભળ્યુ છે કે આ વખતે તો સ્વરોવસ્કી ઇન્ડિયા, ઇન્ડસ લિગ ક્લોથિંગ, મદુરા ગાર્મેન્ટ્સ, અરવિંદ ગાર્મેન્ટ્સ, બેનેટન, લેવિસ, પેન્ટાલુન, સ્પાન ઇન્ડિયા પણ છે કેમ્પસ ઇન્ટર્વ્યુ વખતે.”

એકી શ્વાસે મૃણાલ આટલુ બધુ બોલી ગઈ અને ગાયત્રી સાંભળતી રહી.

“ હવે તો જરા શ્વાસ લે મારા દિકરા, રાજધાની એક્સપ્રેસની માફક દોડવા માંડી તું તો ભઇસાબ.”

“મમ્મી, હવે તો રાજધાની એક્સપ્રેસ આઉટ ચેન્નાઇ એક્સપ્રેસ બોલ ચેન્નાઇ..”

“ઓકે, ચેન્નાઇ એક્સપ્રેસ બસ!”

“પણ તારે શું કરવુ છે એ તેં વિચાર્યુ છે?” અત્યાર સુધી મા-દિકરીને શાંતિથી વાત સાંભળી રહેલા શ્રીકાંતે વચ્ચે ઝુકાવ્યુ.

“મારો પોતાનો ડિઝાઇનર સ્ટુડીયો. એકદમ ટ્રેડીશનલ એકદમ એથ્નિક વેર. ટુ ડે આઇ એમ જસ્ટ ધ સેમ એઝ આઇ વૉઝ. પહેલા પણ મારે ટ્રેન્ડી ડિઝાઇન જ કરવી હતી અને આજે પણ હજુ એ જ કરવાની છું. પણ હા! કેમ્પસ ઇન્ટર્વ્યુમાં પણ જવાની. બાકી તો ફેશન શૉ માટે ડિઝાઇન થતા કપડા જોયા છે? બાપરે સો ઇનકન્વિનિયન્ટ ? એ જે કપડા પહેરીને રેમ્પ વૉક કરે છે એ કપડા ફરી ક્યારેય કોઇને પહેરતા જોયા છે? મમ્મી ગેટ રેડી ફોર રેમ્પ વૉક ફોર વેલ નૉન ફેશન ડિઝાઇનર મિસ મૃણાલ શ્રીકાંત શ્રોફ.”

“નો, ઓન્લી મૃણાલ. તારી જેમ ટુ ડે આઇમ જસ્ટ ધ સેમ એઝ આઇ વૉઝ. પહેલા પણ હું માનતો હતો કે અને કહ્યુ પણ છે કે તમારુ પોતાનુ આગવુ અસ્તિત્વ હોવુ જોઇએ. તમારી પોતાની આગવી ઓળખ ઉભી કરવાની. તું તારી જ રીતે ઓળખાય એવુ અમને બંનેને ગમશે.”  

“મને ખબર હતી પપ્પા કે તમે આમ જ કહેશો. આ તો જરા જસ્ટ ગમ્મત.”

પણ મૃણાલને ક્યાં ખબર હતી કે જે વાત એને ગળથુથી જ સમજાવવામાં આવી હતી એનાથી એકસો એંસી ડિગ્રીએ જઈને એ ઉભી રહેશે.

જોત જોતામાં એ ચારે વર્ષ વિતી ગયા અને આવીને ઉભી રહી કોન્વોકેશનની સાંજ. એ વર્ષે કોન્વોકેશનમાં લગભગ પોણા બસ્સો સ્ટુડન્ટને ડિગ્રી એનાયત કરવામાં આવી .ચીફ ગેસ્ટ હતા શહેરના પ્રખ્યાત બુટીક બંધેજના મિસ શાહ અને નિફ્ટના બોર્ડ મેમ્બર મિસ ચૌધરી. ચારે બાજુ તાળીઓના ગડગડાટ વચ્ચે “સ્ટુડન્ટ ઓફ ધ યર”ના એવોર્ડ માટે મૃણાલ શ્રોફનું નામ એનાઉન્સ કરવામાં આવ્યુ. શ્રીકાંત અને ગાયત્રીએ ભીની આંખે મૃણાલ માટે જોયેલુ સપનુ સાકાર થતુ જોયુ.

બીજા દિવસે આ વર્ષના સ્ટુડન્ટ્સ દ્વારા બનાવેલા ડિઝાઇન વેરના પ્રોફેશનલ ફેશન શોનુ આયોજન કર્ણાવતી ક્લબ ખાતે યોજવામાં આવ્યુ. આ પ્રસંગે નિફ્ટના વિદ્યાર્થીઓએ પોતાના પ્રોજેક્ટ્સના ભાગરૂપે બનાવેલા ડિઝાઇનર કોસ્ચ્યુમનુ પ્રદર્શન રેમ્પ વોક કરીને કર્યુ હતુ. કેઝ્યુઅલ ,પાર્ટીવેર તેમજ ટ્રેડીશનલ ક્લોથ્સની યુનિક ડિઝાઇનો રજૂ થઈ.

જીવનભરના સંભારણા સમો આ દિવસ મૃણાલ માટે એકદમ મહત્વનો બની રહ્યો..એક તો એના ડિઝાઇન કરેલા વસ્ત્રો માટે મળેલા અભિનંદન માટે અને કૈરવની પ્રથમ મુલાકાત માટે.

ફેશન શોમાં ટેક્સટાઇલ સેક્ટર સાથે જોડાયેલા બાયર્સને પણ આમંત્રણ આપવામાં આવ્યુ હતુ. ફેશન શો પત્યા પછી એક ફોર્મલ ડીનર ક્લબમાં રાખવામાં આવ્યુ હતુ જેમાં નિફ્ટ ફેકલ્ટી, નિફ્ટના સ્નાતકો અને આમંત્રીત બાયર્સ જોડાયા હતા.

“હેલ્લો મિસ મૃણાલ, કોન્ગ્રેચ્યુલેશન્સ. અતિ ઉમળકાભર્યો સાદ અને એથીય ઉમળકાભર્યો હાથ મૃણાલ તરફ લંબાયો. યુ હેવ ડન વન્ડરફુલ જોબ.”

“ થેન્ક્સ,” કહીને મૃણાલ આગળ વધવા જતી હતી કે એ ઉષ્માભર્યા સાદે એને રોકી લીધી. આજ સુધી મૃણાલના જીવનમાં શ્રીકાંત શ્રોફ સિવાય બીજા પુરુષનુ એવુ આગમન થયુ નહોતુ કે જેની આટલી નજીકથી મૃણાલને વાત કરવાનો અવસર આવ્યો હોય.

“બસ ! ખાલી થેન્કસ? બે મિનિટ ઉભા નહી રહો? એ હાથ હજુ મૃણાલ તરફ લંબાયેલો જ હતો. ના છુટકે મૃણાલે મૃદુતાથી અને જરા ખચકાટથી પોતાનો હાથ લંબાવ્યો. આમ પણ જે રીતે એ યુવક ઉભો હતો એને ચાતરીને મૃણાલથી આગળ વધી શકાય એવુ નહોતુ.

“ કૈરવ.. માય સેલ્ફ કૈરવ શેઠ. જાણે જીવનભર છોડવાનો જ ના હોય એમ મૃણાલના લંબાવેલા હાથને એણે થામી લીધો .એના પરફ્યુમની સુગંધ સીધી જ મૃણાલના શ્વાસમાં ભળી જાય એટલો નજીક હતો એ. પાંચ ફુટ અગિયાર ઇંચની ઉંચાઇ ધરાવતા એ યુવકે પહેરેલા ડિઝાઇનર ગ્લાસ પાછળ ચમકતી જરા કથ્થાઇ આંખો મૃણાલની આંખોને સીધી જ તાકતી હતી. એને અવગણવો અઘરો જ નહી અશક્ય લાગતા મૃણાલ ત્યાં જ ઉભી રહી ગઇ.

આગળ શું બોલવુ એની અવઢવમાં પડેલી મૃણાલનો હાથ પકડીને જ એ જરા બાજુએ ખસ્યો. મૃણાલને પણ હવે એની પાછળ ખેંચાવુ પડ્યુ.

“લાગે છે કે આજ સુધી તમે ક્યારેય આવી રીતે કોઇને મળ્યા નથી.”

“જી?”

“જી.. ક્યાં તમે તમારામાં જ મસ્ત છો અથવા તો અજાણ્યા હોવાનો ડોળ કરો છો નહીતર કૈરવ શેઠ સાંભળીને પણ તમારા ચહેરા પર કે અવાજમાં કોઇ ઓળખાણની ઝલક જોવા કે સાંભળવા મળી નહી.”

“જી?”

“અરે ભાઇ, આ જી થી જરા આગળ તો વધો. આ આજની ઇવેન્ટના સ્પોન્સરર અને “અજય ટેક્સ્ટાઇલ”ના નામથી સાવ જ અજાણ હો એવુ તો ના બનવુ જોઇએ.

ચમકી પડી મૃણાલ. હવે સાચે જ એને લાગ્યુ કે એ એનામાં જ મસ્ત હતી નહીતર ઇવેન્ટ શરૂ થતા પહેલા અને અંતમાં પણ અજય ટેક્સ્ટાઇલ અને ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કૈરવ શેઠનુ નામ ધ્યાન બહાર ના રહ્યુ હોત. જરા ભોંઠપનો ભાવ ચહેરા પર આવી ગયો.

“ જો પાછા સોરી ના કહેતા..”

સાચે જ મૃણાલ સોરી કહેવા જતી હતી એ પકડી પાડ્યુ હોય એમ એ બોલી ઉઠ્યો.

“બની શકે ભાઇ, આજની સાંજ તો આમે તમારા નામે હતી ને? સૌનુ ધ્યાન તમારા તરફ હતુ પછી તમારુ ધ્યાન મારા પડે એવી અપેક્ષા રાખવી ય ખોટીને? પણ આજ સુધી મને સાચી કે ખોટી અપેક્ષા કોને કહેવાય એનો ભેદ જ ખબર નથી પડ્યો લાગતો. બસ મનમાં જે આવે એ જીવનમાં બનવુ જોઇએ કે મળવુ જોઇએ એવી અપેક્ષા રાખવાની ટેવ પડી ગઈ છે. એટલે બીજાની જેમ તમે પણ મને ઓળખી લેશો એવુ ધારી લીધુ હતુ.”

“જો પાછા સોરી ના કહેતા..” કૈરવની જેમ હવે મૃણાલ બોલી ઉઠી. જો કે કૈરવના ચહેરા પર ભોંઠપનો ભાવ તો નહોતો જ. કદાચ કૈરવના સ્વભાવમાં જ નહી હોય. એ જે માનતો કે જે કહેતો એમાં કશું જ ખોટુ હોઇ શકે નહી એવી ગ્રંથી નાનપણથી જ બંધાઇ હતી.

કૈરવના પિતા અજયભાઇ શેઠે ઘણા વર્ષોની મહેનતના ફળ સ્વરૂપે કૈરવને વારસામાં અજય ટેક્સ્ટાઇલ સોંપી હતી જેમાંથી કૈરવે અજયભાઇની શાખ અને એના નસીબના સાથથી ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રીઝનુ એક્સપાન્શન કર્યુ હતુ. એક મદ, એક ખુમાર આવતો જતો હતો એના સ્વભાવમાં. આજ સુધી તો એવુ જ બન્યુ હતુ કે એણે જે વિચાર્યુ એ મેળવ્યુ હતુ.

નરજી મોનજીમાંથી માસ્ટર્સ ઓફ ફેમિલી બિઝનેસમાં ગ્રેજ્યુએટ થયા પછી એ પાછો આવીને અજયભાઇના બિઝનેસમાં જોડાઇ ગયો હતો. અજયભાઇએ પણ એને લગભગ પાયાથી શરૂ કરીને બિઝનેસની તમામ બારીકી સમજાવી હતી સરળ સ્વભાવના અજયભાઇ માનતા કે બિઝનેસની સફળતા માત્ર એના ફેલાવાથી માપી ન લેવાય. એનો પાયો મજબૂત હોવો જોઇએ અને આ પાયો એટલે કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા મેનેજરથી માંડીને નાનામાં વર્કરનો સંતોષ. ક્યાંક પણ જો એમાં ઓછપ આવે તો એ આખી ઇમારતને ઉધઇની માફક કોરી ખાય. આ બાબત એમણે કૈરવ બિઝનેસમાં જોડાયો એ દિવસથી આપી હતી. જ્યાં સુધી બિઝનેસની વાત આવતી ત્યાં સુધી એ અજયભાઇની તમામ વાતોને ગણીને ગાંઠે બાંધતો એટલે એક બિઝનેસમેન તરીકે એ જામતો જતો હતો. પાયાથી માંડીને ફેલાવા સુધી એની નજર રહેતી. પણ જે રીતે એણે બિઝનેસને સંભાળવા માંડ્યો હતો એનાથી અજયભાઇને એનામાં વિશ્વાસ ઉભો થવા માંડ્યો હતો. એટલે ધીમે ધીમે એમણે પોતાના હોદ્દાને એડવાઇઝરી કમિટી પુરતો સીમિત કરવા માંડ્યો હતો. જરૂર પડે કૈરવ અજયભાઇની સલાહ ચોક્કસ લેતો અને એને એક્શનમાં મુકતો પણ ખરો.

પણ જ્યાં એ એને ઓફિસમાંથી એક વાર બહાર નિકળ્યો એટલે એ સદંતર બદલાઇ જતો. મુળે એના સ્વભાવમાં એની મમ્મી માધવીબેનની છાયા હતી. અનેક બાધા આખડીઓ પછી એમનો ખોળો ભરાયો હતો.

“હે ભગવાન ! આ આખા વારસાને સંભાળનાર આપજે.” પહેલેથી જ એમને મન દિકરાનુ જ મહત્વ હતુ. ભગવાને એમનુ સાંભળ્યુ હતુ. પહેલે ખોળે જ અજયભાઇના વારસાને સંભાળનાર આપી દીધો હતો. કૈરવના આવ્યા પછી જે રીતે અજયભાઇનો બિઝનેસ ફાલ્યો હતો એ જોઇને માધવીબેન કૈરવને બત્રીસ લક્ષણો જાહેર કર્યો હતો.

“રંગે રૂડો રુપે પુરે દિસંતો કોડીલો કોડામણો” એવા કૈરવ માટે પાણી માંગે ત્યાં દુધ હાજર થવુ જોઇએ એવુ એમનુ ફરમાન હતુ. ક્યારેક આટલા બધા લાડકોડ ભારે પડશે એવુ અજયભાઇને લાગતુ પણ માધવીબેન અજયભાઇનુ કશું જ કાને ધરતા નહી. અજયભાઇ પણ એ વર્ષોમાં બિઝનેસને જમાવવામાં એટલા રચ્યા પચ્યા રહેતા કે જેટલો સમય એ ઘરમાં હોય ત્યારે બને ત્યાં સુધી એ માધવીબેન સાથે દલીલમાં ઉતરવાના બદલે કૈરવને પોતાની રીતે કેળવવા મથતા.

આમ કૈરવ અજયભાઇની આવડત અને માધવીબેનના અહંકારનુ પરફેક્ટ કોમ્બીનેશન હતો. આજે અત્યારે પણ નિફ્ટના આ ઇવેન્ટને એણે સ્પોન્સર કરી હતી એટલે સૌ કોઇ એને જાણતુ જ હશે એવુ માની લીધુ હતુ અને માની લે તો એમાં ખોટુ પણ નહોતુ કારણકે ઇવેન્ટ શરૂ થયા પહેલા અને અંતમાં પણ અજય ટેક્સટાઇલ અને ગુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રીઝના નામ સાથે એ ગ્રુપના ચેરમેન તરીકે કૈરવનુ નામ એનાઉન્સ થયુ જ હતુ.

મૃણાલની અસભાનતા માટે સહેજ.. બસ સહેજ અમસ્તો જ એના અહંમ પર છરકો તો થયો હતો. જ્યાં એની સાથે હસ્તધૂનન કરવા માટે ,એની સાથે વાત કરવા માટે પડાપડી થતી હોય ત્યાં કોઇએ એને આમ ધ્યાન પર લીધો નહોતો એ વાત જરા ચણચણી રહી હતી પણ હાલમાં મૃણાલનુ વ્યક્તિત્વ અને એની ચારેબાજુ છવાયેલી વાહ વાહથી એ થોડો અંજાયેલો હતો એટલે એણે એણે મનથી પરથી એ વાત ખંખેરીને મૃણાલ તરફ ધ્યાન પોરવ્યુ.

સાદી ઓળખથી શરૂ થયેલી વાતચીત ફોર્મલ ડીનર સુધી લંબાતી ગઇ. કૈરવની વાતો અને વ્યક્તિત્વથી બિલકુલ અંજાયા વગર મૃણાલ એની સાથે સહજ વાતો કરતી રહી. વચ્ચે વચ્ચે કૈરવને મળવા તો મૃણાલને અભિનંદન આપવા તો કોઇ મૃણાલને જોબ ઓફર લઈને કે પોતાના બુટીકમાં પાર્ટનરશીપ માટે મળવા અનેક લોકો આવતા રહ્યા. હવે મૃણાલને કૈરવ એક જાહેર હસ્તી છે એનો ખ્યાલ આવતો ગયો. તો કૈરવને મૃણાલ ભવિષ્યની જાહેર હસ્તી બનવાની છે એનો અણસાર આવતો ગયો.

મોડી રાત્રે બંને છુટ્યા પડ્યા ત્યારે કૈરવ એના મનમાં એક નિશ્ચય લઈને નિકળ્યો એનાથી એ આખી રાત ઉંઘી ના શક્યો અને એના એ નિશ્ચયથી અજાણ મૃણાલ આખી રાત નિરાંતે ઉંઘતી રહી.

બીજા જ દિવસે સવારે જ્યારે ચાર વ્યક્તિ બેસી શકે એવા કોઝી રાઉન્ડ ટેબલ પર મૃણાલ શ્રીકાંત અને ગાયત્રી સાથે સવારની ચા અને આગલી સાંજની વાતો માણતી હતી ત્યારે શાહીબાગના ચારેબાજુ ઘટાટોપ લીલોતરીથી છવાયેલા બંગલાના દસ વ્યક્તિ બેસી શકે એટલા વિશાળ ટેબલ પર કૈરવ માધવીબેનને એની મૃણાલ સાથેની મુલાકાતની વાત કરી રહ્યો હતો.

ગાયત્રી શ્રીકાંત નુ ઘર સાદુ પણ અત્યંત સુરૂચીપૂર્વક સજાવેલુ હતુ. ઘરના દરેક ખુણામાં ગાયત્રીનો કલાત્મક ટચ જણાઇ આવતો હતો. ઘરના પ્રવેશદ્વારની જમણી બાજુએ નાનકડા ટોડલા પર પંચ ધાતુની એકદંત ગણપતિની કલાત્મક મૂર્તિથી શરૂ કરીને ઘરના તમામ રાચ-રચીલા….. બધા પર ગાયત્રીનો એક આર્ટીસ્ટનો ટચ દેખાઇ આવતો હતો અને વાતોમાં આત્મિયતાનો…

જ્યારે માધવીબેનના ઘરમાં……

“હાસ્તો ઘર તો મારુ જ ને?” હંમેશા માધવીબેન અજયભાઇને જરા મદથી કહેતા રહેતા. આ આટલો મોટો બંગલો એમ કંઇ સચવાય છે? હું કેટલો સમય આપુ છું એમાં ? આ હું માં રહેલા હુંકાર પાછળ કેટલા હાથ કામ કરતા? પણ આ સવાલ જ અસ્થાને હતો એ તો દરેક સમજતા હતા. રૂપિયાનો ઢગલો કરીને બેસ્ટ કહેવાતી વસ્તુઓથી ઘર ભરાયેલુ હતુ.

કૈરવ પણ માધવીબેન સાથે આગલી સાંજની વાતોમાં મશગુલ હતો. આગળ પાછળની ઘણી બધી વાતો કર્યા પછી એ સીધો જ પોઇન્ટ પર આવી ગયો.

“મૃણાલ મને ગમી ગઈ છે મમ્મી.”

“આ મૃણાલ કોની દિકરી છે? ક્યાં રહે છે? એના પપ્પાનું નામ અને કંઇક કામ તો હશે ને?”

   “એના પપ્પા પ્રોફસર અને લેખક છે એની મમ્મી આર્ટીસ્ટ છે.” આખી રાત જાગેલા કૈરવે ટુકડા મેળવીને માહીતી એકઠી કરી હતી એ માધવીબેન પાસે ઠલવી રહ્યો હતો.”

   “ પ્રોફેસર? કૈરવ મગજ ઠેકાણે તો છે ને તારુ? તારા માટે હું કેવા કેવા ઘરની વાત વિચારી રહી છું અને તું સાવ આમ જ ?”

“મમ્મી, મારે છોકરીને પરણવુ છે નહીં કે એના પપ્પાના નામને કે કામને.”

   “પણ બેટા, એક વાત તો સમજ કે ક્યાં આપણુ સ્ટેટસ અને ક્યાં એ પંતુજી? અમૃત વર્ધમાન પેઢીનુ નામ સાંભળ્યુ છે ને તે? એમની સલોની, રાયચંદ ફુલચંદવાળા અશોકભાઇને જાણે છે ને ? એમની અનોખી અને આવા તો હજુ બીજા કેટલાય નામ છે મારા લિસ્ટમાં જેમની સાથે તારુ નામ જોડાયને તો સમાજમાં તારો –આપણો મોભો કેટલો વધી જાય એ વિચાર્યુ છે ?

“ એ વિચારુ છું ને એટલે જ એ મોભાવાળા જોડે જોડાવાનુ મન નથી. હું કોની જોડે જોડાઉ એના કરતાં મારી જોડે કોણ જોડાયુ છે એ મારા માટે વધુ અગત્યનું છે અને તું જે સલોની અનોખીની વાત કરે છે ને એ બધાને હું જાણુ છું. ચાંદીની થાળીમાં સોનાની ચમચીથી ખાતા શિખ્યા હોય એના કેટલા નાઝ નખરા ઉઠાવવા પડે એનો તે વિચાર કર્યો છે? અને તું આ જે આખો દિવસ મારુ ઘર જેને કહે છે ને એ ઘરમાં તારુ કેટલુ ચલણ રહેશે એ તેં વિચાર્યુ છે?”

કૈરવની વાત સાંભળીને માધવીબેનના કપાળમાં સળ ઉપસ્યા. કૈરવ એમનુ નબળુ પાસુ બરાબર પારખી ગયો હતો અને જરૂર પડે માધવીબેન સામે એ જ નબળા પાસાનો પોતાની રીતે સબળ ઉપયોગ કરતો થઈ ગયો હતો.

“તો હવે?”

“ તો હવે કઈ નહીં. હું મારો રસ્તો મારી રીતે કરી લઈશ તું માત્ર અમને પોંખવાની તૈયારી રાખજે . લક્ષ્મી ચાંદલો કરાવવા આવે ત્યારે મોંઢુ ફેરવી ના લેતી.”

અને સાચે જ કૈરવે એ દિવસથી જ મૃણાલની નજીક જવાના તમામ રસ્તા તૈયાર કરવા માંડ્યા અને મૃણાલ રાજી થાય એટલે એ રસ્તા પર લાલ જાજમ બિછાવવાની પણ મનોમન કલ્પના કરવા માંડી.

“હેલ્લો મિસ મૃણાલ, એક ખુલતી સવારે મૃણાલના સેલ ફોન પર એક અજાણ્યો નંબર ફ્લેશ થયો. થોડી અવઢવ સાથે મૃણાલે ફોન ઉપાડ્યો. અવઢવ એટલા માટે કે આજ સુધી એના સેલ પર લગભગ જાણીતા નામ જ ફ્લેશ થતા એટલે અજાણ્યો નંબર જોઇને એ ખચકાઇ તેમ છતાં એણે ફોન એટલે ઉપાડ્યો કે હવે એ પોતે પોતાના ભવિષ્યની રૂપરેખા નક્કી કરવાની દિશામાં હતી .એના માટે સૌથી વાસ્તવિક પગલુ એ લાગ્યુ કે શરૂઆતથી જ પોતાનો ડિઝાઇનર સ્ટુડિયો કરવાના બદલે કોઇ એસ્ટાબ્લીશ બુટીક સાથે કામ કરવુ. એની માનસિક તૈયારી સાથે એણે એનો સી.વી કેટલાક બુટીકમાં આપી રાખ્યો હતો. નિફ્ટની આ વર્ષની બેસ્ટ સ્ટુડન્ટમાં કોને રસ ન હોય? અંશુ ,ફેમિના, ફેબ ઇન્ડિયા, સ્પાન જેવા બુટીકમાંથી એને અત્યંત ઉમળકાભેર આવકાર પણ મળ્યો હતો.હવે એણે નક્કી કરવાનુ હતુ કે એ કોની સાથે જોડાશે. આ દરમ્યાન ભણવામાં વ્યસ્ત હોવાના લીધે જે જન્મજાત આવડત હતી એ થોડો સમય આઘી ઠેલાઇ ગઈ હતી એની પર ધ્યાન પોરવ્યુ હતુ. સ્કેચ ,ઓઇલ પેઇંન્ટીંગ ફરી એકવાર શરૂ કર્યુ હતુ.

“ કૈરવ હીયર, ઓળખાણ પડી? ઝાઝી ઔપચારિકતા મુકીને એ સીધો જ મુદ્દા પર આવી ગયો. આમ પણ વાતની શરૂઆત કરવાથી વાત પોતાના હાથમાં રહે એવુ એ માનતો. એને જે કહેવુ હોય એ કહી દીધા પછી જ બીજાની વાત સાંભળવાનો સ્વભાવ થઈ ગયો હતો.

“અજય ટેક્સટાઇલ અને ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કૈરવ શેઠને ભુલી તો નહીં જ ગયા હો એમ માની લઉ છું.”

“ યસ, વેરી મચ રાઇટ. આમ તો હું એવી સાવ ભુલકણી પણ નથી. એકવાર ઓળખાણ થાય પછી થોડો સમય તો જરૂર યાદ રહે છે મને અને આપણને મળ્યાને લાંબો ટાઇમ નથી થયો.”

“ઓહ ! સો નાઇસ ઓફ યુ! અજય ટેક્સ્ટાઇલ અને ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રીઝ આજ સુધી એમના પોતાના બ્રાન્ડ નેમ સાથે પોતાની પ્રોડક્ટ માર્કેટમાં મુકે જ છે પણ હવે વિચારે છે કે એક એવો સ્ટુડીયો ઉભો કરવો જે આજ સુધી કોઇએ જોયો ન હોય. નો કેઝ્યુઅલ વેર. જસ્ટ એક્સક્લ્યુઝીવ વેર વીથ ટ્રેન્ડી લુક. પાર્ટી વેર, ઇવનીંગ ગાઉન, બ્રાઇડલ એન્ડ વ્હોટ એવર યુ સે.”

“હું શું કહું? તમારો સ્ટુડીયો છે તમને જે આઇડીયા આવે એમાં મારે શું કહેવાનું હોય?’

“કેમ? આ સ્ટુડીયોના ફેશન ડીઝાઇનરને પુરો હક છે કહેવાનો અને ધાર્યુ કરવાનો.”

“……ફેશન ડીઝાઇનર?”

“ યસ મિસ મૃણાલ શ્રોફ ,આ અદ્યતન ડિઝાઇનર સ્ટુડીયોના હેડ ડિઝાઇનર તમે હો તો તમને પુરો હક છે કશુ પણ સજેસ્ટ કરવાનો.” રોકેટ ઝડપે કૈરવ આગળ વધતો હતો અને મૃણાલ ઠંડી પડતી જતી હતી. ડિઝાઇનર સ્ટુડીયો તો મૃણાલનુ સપનુ હતુ. ક્યાં અને કેવી રીતે આગળ વધવુ એ વિચારે એ પહેલા જ કૈરવ જાણે જાદુઇ ચિરાગ લઈને સામે ઉભો હતો. કોઇ કહે કે “માંગ માંગ માંગે એ આપુ” અને માંગનારની બોલતી જ બંધ થઈ જાય એવી સ્થિતિમાં આવીને મૃણાલ ઉભી.

“જી?”

“ આ “જી” તમારી તકિયા કલમ છે? અજય ટેક્સટાઇલ અને ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રીઝ નિફ્ટના બેસ્ટ સ્ટુડન્ટ મિસ મૃણાલને આ સ્ટુડિયોના હેડ ડીઝાઇનર તરીકે એપોઇંન્ટ કરે છે. કાલે તમને લેટર મળી જશે.”

“પણ હજુ તો મને એવો કોઇ અનુભવ નથી. મારે હજુ થોડી પ્રેક્ટીકલ ટ્રેઇનીંગ લેવી છે અને આમ સીધા જ હેડ ડિઝાઇનર તરીકે ?”

“ હીરાની પરખ ઝવેરી જ કરી જાણે છે. અજય ટેક્સટાઇલ અને ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રીઝ પાસે આ નજર છે મેડમ. અનુભવમાંથી તો અનુભવીઓ મળે પણ એ તાજગી મારે ક્યાંથી લાવવી જે એક ફ્રેશનરમાં હોય? રેમ્પ વોક દરમ્યાન મેં તમારુ કામ જોયુ છે. મને પસંદ પડ્યુ છે એટલે તો આટલા ટુંકા ગાળમાં હું નિર્ણય લઈ શક્યો છું.”

“ મને વિચારવાનો તો સમય આપો.”

   “હવે આમાં વિચારવા જેવુ શું છે મિસ મૃણાલ ? તમારી જગ્યાએ જો બીજુ કોઇ હોત તો આ ક્ષણે મારી ઓફિસમાં હોત.”

અને સાચે જ બીજા દિવસે મૃણાલ કૈરવની ઓફિસમાં હતી. કૈરવે એને સમય જ ક્યાં આપ્યો હતો? એ ફોન પર વાત કરતો હતો એ દરમ્યાનમાં તો મૃણાલના ઘરની વિન્ડ ચાઇમ જેવી ડોર બેલ રણકી ઉઠી અને સામે હાથમાં સરસ મઝાના કવરમાં મૃણાલનો એપોઇંન્ટમેન્ટ લેટર લઈને કૈરવની ઓફિસનો માણસ ઉભો હતો. એ સમયે તો મૃણાલે એ કવર લઈ લીધુ અને પેલા માણસને રવાના કરી દીધો પણ બીજા દિવસે એ જાતે જ એપોઇંન્ટમેન્ટ લેટર લઈને કૈરવની ઓફિસમાં હતી. ઠાલા હાથે પાછા આવેલા માણસને જોઇને કૈરવ સહેજ ભોંઠો તો પડ્યો હતો પણ અંદરથી એ મુસ્તાક હતો કે આજે નહી તો કાલે મૃણાલ એની સામે એની ચેમ્બરમાં જરૂર હશે.

સાંજે પપ્પા અને મમ્મી સાથે વાત કર્યા પછી મૃણાલે નિર્ણય લીધો હતો કે એ એકવાર તો કૈરવને મળશે જ. શ્રીકાંતનુ માનવુ હતુ કે જે કોઇ નિર્ણય મૃણાલ લે એ એનો પોતાનો હોવો જોઇએ. સાથે નવી તકને પહોંચી વળવાનો આત્મવિશ્વાસ હોવો જોઇએ. એ આત્મવિશ્વાસ હોય તો દુનિયાના કોઇપણ ખુણે જઈને ઉભી રહેશે તો એને વાંધો નહી આવે. અનુભવ તો અનુભવે જ મળે ને? એના માટે ક્યાંકથી તો શરૂઆત કરવી જ પડે. આમ પણ મૃણાલ જે કોઇ ડિઝાઇનર સ્ટુડીયો સાથે જોડાત તો એ એની શરૂઆત જ હોત ને? ગાયત્રી એ માત્ર મુંગા રહીને શ્રીકાંતની વાતને સંમતિ આપી હતી. આમ પણ ફેશન શો ના સાંજની મૃણાલની વાતમાં કૈરવનો ઉલ્લેખ તો બંને એ સાંભળ્યો જ હતો પણ આટલી જલદી આમ મૃણાલને તક મળશે એવી તો કલ્પના ત્રણમાંથી કોઇને ય નહોતો.

આગળ ભવિષ્યમાં ય આ પ્રસ્તાવ કે આ તક ક્યાં જઈને ઉભી રહેશે એની ય કલ્પનાય એ ત્રણમાંથી ક્યાં કોઇને હતી?

કાચની કેબીનમાંથી દુરથી જ મૃણાલને આવતી જોઇને કૈરવ એની રીવોલ્વીંગ ચેરમાં ટટ્ટાર થયો. ટાઇની નૉટ જરા સરખી કરી. સી.જી રોડની ફર્સ્ટ ફ્લોરની આ આખી એરકંડીશન ઓફિસમાંથી અજય ટેક્સટાઇલ અને ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રીઝનુ સંચાલન કૈરવ કરતો આવ્યો હતો. બાજુની ઓફિસ પરની નેમ પ્લેટ પર ચીફ એડવાઇઝર એન્ડ મેનેજીંગ ડીરેક્ટર અજય શેઠના નામની તકતી હતી જ્યારે કૈરવની કેબીનની બહાર કાળી નેમ પ્લેટ પર ગોલ્ડન અક્ષરે ચેરમેન ઓફ અજય ટેક્સટાઇલ અને ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રીઝની તકતી દુરથી દેખાતી હતી તેમ છતાં મૃણાલે એન્ટર થતા જમણા હાથે બેઠેલી રીસેપ્શનિસ્ટને કૈરવ માટે પુછ્યુ. મૃણાલને આવતી જોઇને કૈરવે એને સુચના આપી દીધી હતી એ મુજબ બ્લેક સ્કર્ટ અને બ્લ્યુ શર્ટ પર બ્લેક સિલ્કનો સ્કાર્ફ ધારણ કરેલી સ્માર્ટ હસમુખી છોકરી એ આંગળી ચીંધીને મૃણાલને કૈરવની કેબીન બતાવી. બીજી મિનિટે મૃણાલ કૈરવની ઓફિસમાં હતી અને એની પછીની દસમી મિનિટે એ એના એપોઇન્ટમેન્ટ લેટર પર સાઇન કરી રહી હતી.

પોતાનુ ધાર્યુ બીજા પાસે કરાવવાની કૈરવમાં એક આવડત હતી. વાતો દલીલો અને કુનેહભરી સમજાવટથી એ સૌના દિલ જીતવામાં સફળ રહેતો અને આજે પણ એ મૃણાલને સમજાવવામાં સફળ રહ્યો હતો. મૃણાલની હા પછી કૈરવે સ્ટુડીયો ઉભી કરવા માટે જે જરૂરી તૈયારીઓ કરવાની હતી એ એણે કરવા માંડી. પ્રાઇમ લોકેશન પર બે માળનો સ્ટુડીયો ઉભો કરવા માટે એણે શહેરના શ્રેષ્ઠ ઇન્ટીરીયરને હાયર કર્યા હતા. નીચેના ફ્લોર પર એન્ટર થતા ડ્રેસીસનુ ડિસ્પ્લે અને ઉપરના ફ્લોર પર મૃણાલની ડિઝાઇનર ઓફિસ જેમાં બેસીને મૃણાલે એની કલ્પના મુજબ એક્સક્લ્યુઝીવ ટ્રેન્ડી વસ્ત્રો ડિઝાઇન કરવાના .ફ્લોરના બાકીના હિસ્સામાં વર્કશોપ. જોતજોતામાં પ્રાઇમ લોકેશનનો આ અદ્યતન “જસ્ટ ફોર યુ” નામનો ક્લાસિક સ્ટુડિયો ટેસ્ટ ધરાવતા ક્લાયન્ટમાં હોટ ફેવરીટ બની ગયો.

કૈરવ જાણે એના પ્રોફેશનનો એક ભાગરૂપે હોય એમ સ્ટુડીયો પર અવારનવાર મુલાકાત લેતો થઈ ગયો. શાંત અને સ્વભાવિક લાગતી મૃણાલ જોડે એ કોઇ ઉતાવળુ પગલુ ભરવા માંગતો નહોતો. આજ સુધી એવુ જ બન્યુ હતુ કે કૈરવની ઓળખતી છોકરીઓ કૈરવની દોસ્તી માટે સામેથી હાથ લંબાવતી જ્યારે મૃણાલ કૈરવ સાથે પ્રોફેશનલ એપ્રોચથી આગળ વધતી જ નહોતી. અંદરથી ખુબ ચટપટી હોવા છતાં કૈરવને ધીરજ જ રાખવી પડતી હતી. એ પણ જાણે પ્રોફેશનલ અભિગમ સાથે જ મૃણાલને મળતો હોય એવી સ્વભાવિકતા દર્શાવતો. એ પોતાની ઇમ્પ્રેશન જરાય ખરડાય એવુ પગલુ લેવા માંગતો નહોતો.

બે વીક, બે મહિના…અને એક દિવસ એને જરાક આગળ વધવાનો મોકો મળી ગયો. નવેમ્બરમાં દિવાળી અને એ પછી ડીસેમ્બરમાં શરૂ થતી લગ્ન સીઝનમાં કામ પુષ્કળ વધી ગયુ એક તો ટ્રેન્ડી એથ્નિક લૂક અને શો રૂમના બદલે સ્ટુડીયો કહેવાતા આ “ જસ્ટ ફોર યુ” એ તો હંગામો મચાવી દીધો. સવારે દસ વાગ્યાથી શરૂ થતો સ્ટુડીયો સાંજે આઠ વાગે બંધ થતો પણ આ દિવસો દરમ્યાન કામ ખુબ રહેવા માંડ્યુ અને એન આર આઇની ટુંકી મુલાકાતોને પહોંચી વળવા મૃણાલે પણ વધુ ને વધુ સમય આપવાનુ ચાલુ કર્યુ. એ સવારે દસના બદલે આઠ વાગે પહોંચી જતી અને એની વર્કશોપની ટીમને પણ વહેલી બોલાવી લેતી. આ નિર્ણય મૃણાલે કૈરવને જાણ કરીને લીધો હતો. કૈરવ ખુશ હતો અને એની આ ખુશી તક મળે મૃણાલ પાસે વ્યક્ત કરવામાં પાછો નહોતો પડતો. આ આખાય સમયનો યશ એ મૃણાલને ચોક્કસ આપતો. એની ઓફિસમાં એને એકલીને મળે ત્યારે અને જાહેરમાં પણ.

“જોયુ મૃણાલ હું નહોતો કહેતો કે હીરાની પરખ એક ઝવેરી જ કરી જાણે? એક ફ્રેશનરના આઇડીયા યંગસ્ટર્સને જેટલા સ્પર્શે એટલા અનુભવી ઓલ્ડ ફેશન ડિઝાઇનરના ના જ ગમે..” મિસ મૃણાલ પરથી એ ક્યારે મૃણાલ પર આવીને અટક્યો હતો ? એની નોંધ તો મૃણાલે પણ નહોતી લીધી અને કૈરવ તો આવી નાની નાની બાબતને ક્યાંય બાજુમાં મુકીને આગળ વધતો રહેતો.

“કેમ? ટ્રેન્ડી લૂક ઓલ્ડ ફેશનને જ આભારે નથી? ઓલ્ડ ઇઝ ગોલ્ડ એ જ અભિગમ અપનાવીને તો ડીઝાઇન કરુ છું.”

“વાત તમારી ય સાચી છે અને મારી પણ. પણ એક વાત કહેવી પડશે મારે તમને એક નવો જ ટ્રેન્ડ ઉભો કરવાનો યશ તો તમને જ આપવો જોઇએ.” ખરેખર સીઝન પત્યા પછી સ્ટુડીયોની સફળતાના માનમાં કૈરવે એક શાનદાર પાર્ટીનુ આયોજન કર્યુ. આ પાર્ટીમાં મૃણાલથી માંડીને મેનેજર અને વર્કર સૌને એક સરખુ મહત્વ આપ્યુ જે મૃણાલને સ્પર્શી ગયુ.

“પપ્પાએ શરૂઆતથી કહ્યુ હતુ કે બિઝનેસની સફળતા માત્ર એના ફેલાવાથી માપી ન લેવાય. એનો પાયો મજબૂત હોવો જોઇએ અને આ પાયો એટલે કે ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા મેનેજરથી માંડીને નાનામાં વર્કરનો સંતોષ. અને મેં પણ આ સિધ્ધાંત સ્વીકાર્યો છે.પપ્પાની કહેલી દરેક વાતો સોનાની લકીર જેવી છે .આ સોનાની લકીરને કેમ ટાળી શકાય? પપ્પાના અનુભવે તો હું ઘડાયો છું ને? ”

કૈરવે એક કાંકરે બે પક્ષી પાડ્યા. એક તો એ પપ્પાને એ ખુબ માન આપે છે એ જાહેર કરીને અને એની ઇન્ડસ્ટ્રીના નાનામાં નાના વર્કરનુ મહત્વ સમજે છે અને એક સરખુ માન આપે છે એ દર્શાવીને મૃણાલની નજરમાં ઉંચો બની ગયો. કૈરવની આ સલુકાઇ ધીમે ધીમે મૃણાલને સ્પર્શતી ગઈ અને કૈરવ માટે મૃણાલ સુધી પહોંચવાનો સુંવાળો રસ્તો બનતો ગયો.

હવે મૃણાલ કૈરવની વાતોમાં દિલચશ્પી લેતી થઈ. કૈરવની સાથે જરા છુટથી, જરા મોકળાશથી વર્તતી થઈ. કૈરવ માટે તો સોનાનો સમય હતો. ક્યારેક સ્ટુડીયો પરથી નિકળ્યા પછી કૈરવ સાથે કોફી માટે રોકાતી થઈ. ધીમે ધીમે એને પણ કૈરવ માટે એક જાતનો લગાવ ઉભો થતો ગયો જે લગ્નના પ્રસ્તાવ સુધી પહોંચ્યો.

 

 

 

પ્રકરણ ૪

મૃણાલનાં લગ્ન ધામધૂમ થી કૈરવ સાથે થયા ત્યારે કૈરવનાં અહં નાં મુગટમાં એક વધુ પીંછુ ઉમેરાયુ. તે જે ધારે તે કરી શકે વાળી વાત હવે વાતે વાતે ઉભરાતી. મૃણાલ કહેતી પણ ખરી કૈરવ મેં તારી ચાહતને સ્વિકારી છે..અને આ તારી સફળતાનો નશામાં મને ના તાણ. એને બદલે મને મારી મમ્મીને મારા પપ્પા જે પ્યારથી ભીંજવે છે તે વહાલ અને પ્રેમ આપ.

કૈરવ તો મૃણાલને એક ટ્રોફી જ સમજતો રહ્યો.. જેને જીતવી હતી તેવી એક જીત..સામાન્ય રીતે જીત થઇ ગઇ પછી ટ્રોફીનું શું થાય? બસ એમ જ તે ઘરનું સમાજમાં બતાવવા માટેનું એક આભૂષણ બની ગઈ. મનમાં આવ્યું ત્યારે પહેર્યુ અને મનમાં ના આવ્યુ ત્યારે કબાટનું અંદરનું ખાનુ શોભાવે.

મૃણાલ પોતાના લાગણીઓનાં ઉછાળામાં કૈરવને ભીંજવતી..પણ ભીંજવાયેલા કૈરવને તે બધુ એટલી જ ઉષ્મા સાથે પાછુ વાળતા આવડતું જ નહીં..હશે આજે નહીં અને કાલે તે વળી જશે તેવા આશાવાદ સાથે મૃણાલ નવા ઘરમાં કેળવાતી ગઇ..

“આજથી તારે સ્ટુડીયો પર જવાની જરૂર નથી મૃણાલ” એક સવારે કૈરવે સ્ટુડીયો પર જવા તૈયાર થતી મૃણાલ સામે જોયા વગર જ પોતાની ટાઇની નૉટ સરખી કરતા સાવ જ સપાટ અવાજે જણાવી દીધુ. મૃણાલ આગળ કોઇ સવાલ કરે એ પહેલા પોતાની વાત આગળ વધારી. આમે એને પોતાની વાત શરૂ કર્યા પછી પતે નહી ત્યાં સુધી બીજા કોઇને બોલવાનો અવકાશ આપવાની જરૂર ક્યારે લાગી હતી કે આજે લાગે? “ સ્ટુડીયો માટે તારી જગ્યાએ અંજુમન ખુરશીદને મેં એપોઇંટ કરી લીધો છે. અંજુમન ખુરશીદ નામ તો તેં સાંભળ્યુ જ હશે ને?”

ઘીસ ખાઇ ગઈ મૃણાલ. આ વાત એના માટે એકદમ અચાનક અને આંચકો આપનારી હતી. શું પ્રત્યાઘાત આવશે એની પરવા કર્યા વગર કૈરવે બેડરૂમના આદમ કદના આયના સામે ઉભા ઉભા વાળ ઓળી લીધા બાદ પરફ્યુમ સ્પ્રે કરીને હેંગર પરથી કોટ કાઢી હાથમાં લીધો.

કૈરવને નિકળવાની તૈયારી કરતા જોઇને મૃણાલ આંચકામાંથી જાણે સફાળી જાગી હોય એમ ઝબકીને સીધી કૈરવની સામે આવી ગઈ.

“શા માટે? મને પુછવાનું તો દૂર જાણ કરવાની જરૂર પણ ન લાગી કૈરવ તને?”

“અરે બાપરે! કેટલો સમય થયો મૃણાલ તને મારી સાથે ? હજુ તું મને ન ઓળખી શકી? ઓફીસમાં લેવાતા નિર્ણય માટે તો હું પપ્પાને પણ નથી પુછતો તો બીજાની તો ક્યાં વાત જ છે? મૃણાલ આ બદલાતી ફેશનના ટ્રેન્ડમાં આપણે પણ ઝડપથી બદલાવુ પડે ને? અત્યારનો ટ્રેન્ડ જોતા મને ફેશન ડીઝાઇનરની જગ્યાએ અંજુમન ખુરશીદ વધુ યોગ્ય લાગ્યો અને મેં એને બોલાવી લીધો. એની ઑબ્જેક્શન?

મૃણાલ કંઇ બોલે કે પુછે એ પહેલા મૃણાલની સામે પણ જોયા વગર એ સડસડાટ રૂમની બહાર નિકળી ગયો. પાછળ રહી ગઈ સ્તબ્ધ અવાચક મૃણાલ અને એની રૂમનું ઘટ્ટ ચોસલા જેવુ મૌન. આ એના આત્મ સન્માન પર જાણે કારી ઘા હતો જે એણે જીરવી લેવાનો હતો અને તેમ છતાંય મૃણાલે એ પળો સહી લીધી એક પણ વધારાનો સવાલ કર્યા વગર.

આજ સુધી મૃણાલે જોયુ હતું કે ઓફીસમાં કૈરવ અને ઘરમાં માધવીબેનની એક હથ્થુ સત્તા હતી જેમાં કોઇને બોલવાનો અવકાશ જ નહોતો. અજયભાઇ ઘરમાં કે ઓફીસમાં ભાગ્યેજ માથુ મારતા. હા! કૈરવ એમની આમાન્યા ખુબ જાળવતો જરૂર પડે સલાહ લેતો અને એનુ પાલન પણ કરતો.

એ પળથી જ મૃણાલ ચહેરા પર હાસ્યનું મહોરુ પહેરીને જીવતા શીખી ગઈ. આમે એના આંસુની કિંમત પણ ક્યાં હતી? ધીમે ધીમે મૃણાલે શેઠ પરિવારના ઢાંચામાં પોતાની જાતને ગોઠવતા શીખી લીધુ હતુ એણે અને ગાયત્રી મમ્મી સાથે વાત કરતી ત્યારે આંખમાં આવતાં આંસુઓ છુપાવવાનું પણ શીખી લીધુ હતુ.. પણ એના ચહેરા પર ઉદાસી આંખોમાં તો છતી થતી જ હતી…

સમયની સાથે કદમતાલ મેળવવા ઉપડતા પગલાનો ય એને ભાર લાગવા માંડ્યો હતો. નિરસ બનતુ જતું હતું જાણે જીવન. માધવીબેન સાથે સામાજીક સમારંભોમાં જવાનો એને ઝાઝો શોખ પણ નહોતો અને મૃણાલની ઉપસ્થિતિથી ઘટતા મહત્વને લીધે મૃણાલને સાથે લઈ જવાનો માધવીબેનને અભરખો ય નહોતો.

“ ઉડતા પંખીની પાંખ કાપીને એને હંમેશા માટે પાંજરામાં પુરવાથી પંખી અને પાંજરા બંનેની શોભા વધશે એવું તું માનતો હોય તો કૈરવ એ તારી ભુલ છે.” મૃણાલની આ ઉદાસી પારખતા અજયભાઇએ કૈરવને ટકોર કરી લીધી હતી. તેજીને ટકોરો અને કૈરવે અચ્છા નાટ્યકારની જેમ કુશળતાથી તખ્તો ફેરવી નાખ્યો.

એક દિવસ કૈરવે જ મૃણાલની પાસે સરકતા કહ્યું.. “ઘરમાં એકલું લાગતું હોય તો થોડુંક કામ શરુ કર.. તું તો યાર કમાલની કલાકાર છે…તારો સમય આમ ગૃહસ્થ જીવન જીવી વેડફ નહીં. સ્ટુડીયો પર જવાનુ બંધ થયુ પણ એનો અર્થ એવો તો નથીને બધી દિશાઓ બંધ થઈ ગઈ છે? મૃણાલને એ દિવસે લાગ્યુ કે જાણે કૈરવ એના મનની વાત ખુબ નજાકતાથી કહીં ના રહ્યો હોય…!

કૈરવ ફરી થી જાણે ખોવાઇ ગયેલો દોસ્ત બની ને આવીને ઉભો રહ્યો…મૃણાલની આંખો વહાલથી દરિયો બનતો જોઇને કૈરવે ફરી એક પ્રોત્સાહન નું પીંછું ફેરવ્યું…”મૃણાલ! આ ધરતીકંપનાં તાંડવમાં આખુ ભુજ દબાઇ ગયું હવે તેને ઉભુ કરવા કંઇ કરીએ તો?”

કલાકાર જીવ જાગી ગયો..અને બે ત્રણ દિવસમાં તો “ હાલો ઉભા કરીએ કંપેલા ભૂજનાં ઘરોને” થીમ ઉપર ઇંટરનેટ ઉપરનાં ચિત્રો ડાઉન લોડ થયા…દરેક નાના કિસ્સાઓ ન્યુઝ રીપોર્ટમાંથી સંકલિત થયા.લોકોને દાન તો આપવું ગમે છે પણ કાયમ એક જ આશંકા સૌને રહે છે..કોણ આ અનુકંપાદાન ને ભુજ સુધી પહોંચાડે…ઘણા ધાર્મિક સંસ્થાનો શરુઆત ફોટાઓ પડાવવા કરાવે અને જે દાન મળે તે જે તે જગ્યાએ નવું મંદિર બનાવવામાં ખર્ચ કરે આ બધી અસંગતતાને મૃણાલ જાણતી નહોંતી તેમ તો ન જ કહેવાય પણ તે નિષ્ઠાવાન હતી તેથી તેણે એક દિવસ માટે નવરંગપુરા ભવન્સ ઓડીટોરીયમ અને પ્રદર્શન મેદાન બુક કરાવી લીધું

કચ્છી લોકકળા વાળી જેટલી ભાત (ડીઝાઇન) જ્યાંથી મળી તે સૌને મેળવી લીધી…કૈરવ તો ટહુકો કરીને નીકળી ગયો.. પણ ફોટો ગ્રાફરો.. કચ્છી સમાજ નાં મોવડીઓને મળી જાત માહિતી મેળવી ફોટૉશૂટ કરી પ્રિન્ટ આવતી ગઈ. આમેય અજય ટેક્ષ્ટાઇલ્સ્નાં સ્પોન્સર શીપમા ટહેલ પડી હોય ત્યારે આમેય જે હલચલ મચવી જોઇએ તે હલચલ સ્થાનિક છાપાઓમાં દેખાતી હતી.

એ દિવસ નાં આગલે દિવસે પ્રદર્શન મેદાન ઇઝલ અને જુદા જુદા એંગલે ફોટાઓથી ગોઠવાઇ ગયુ હતું. કચ્છી સમાજ નાં અગ્રણી હીરજી ગડા મુંબઇથી આવવાના હતા. ગાંધી નગર થી હસ્તકલા અને ગ્રામ્ય વિકાસનાં મંત્રી પ્રણવ છેડા ઉદઘાટન કરવાનાં હતા. જો કે આ બધી ન્યુઝ પેપર જાહેરાતો કૈરવ શેઠનું કામ હતું. પહેલી વખત મૃણાલ ને લાગ્યું કે કૈરવ એને પુછ્યા વિના કામ કરી તો નાખે જ છે અને પછી કંઇ જાણતો નથી તેમ દેખાડે છે. સમયનાં અભાવે પોતાની નામરજી બતાવી ના શકી..પણ એ જાહેરાતો એ મૃણાલની લૉ પ્રોફાઇલમાં રહેવાની વાતનો છેદ ઊડાડી દીધો.

ખેર! મૃણાલે તેમના સાસુ સસરા પાસે દીપ વિમોચન કરાવી માઇકથી દુર રાખ્યા તે વાત કૈરવને ગમી પણ માધવીબેનને ભયંકર આંચકો લાગ્યો…માઇક ઉપર સમગ્ર કર્ણાવતીને વારંવાર એક યા બીજા પ્રકારે એટલું જ કહેવાતું કે “હાલો ઉભા કરીએ કંપેલા ભૂજનાં ઘરોને..”

આખુ ઓડીટોરીયમ ભરેલુ હતુ. પણ સ્ટેજ ઉપર એક પણ ખુરશી નહોતી

મૃણાલ અને કૈરવે આવીને સૌનું સ્વાગત કર્યુ. અને જાહેરાત કરી કે આજનાં પ્રદર્શન નાં દરેક ચિત્રોનાં વેચાણની સમગ્ર રકમો ગુજરાત સરકાર દ્વારા થતા રાહત ભંડોળમાં જશે. દરેક ચિત્રો ભૂજની લોક કલા પ્રદર્શિત કરે છે અને ભૂકંપે વેરેલા વિનાશની સામે ઝઝુમી રહેલ માણસાઇની વાતો કરે છે.

હીરજી ગડાએ માઇક ઉપર તેમના મનની વાત કહી “મૃણાલ અને કૈરવ શેઠે કચ્છને અને ભૂજને પોતાના સંવેદનોમાં લઇને એટલું તો સાબિત કરી જ આપ્યુ કે કુદરતી આપત્તિ સમયે સૌએ સરહદોનાં સીમાડા ઓગાળી માણસાઇથી વર્તવું રહ્યું. કંપન ભૂજને એકલાને નથી આવી સમગ્ર ગુજરાતને આવી છે. જેમ ભગવાન કીડી ને કણ અને હાથી ને મણ આપે છે તેમ તમારી તાકાત ગોપવ્યા વિના “ હાલો ઉભા કરીએ કંપેલા ભૂજ નાં ઘરોને!”

મંત્રીશ્રી પ્રણવ ગડાએ પ્રદર્શન ખુલ્લુ કરવાની જાહેરાત સાથે એમ પણ જાહેર કર્યુ કે આ તસ્વીરોનાં વેચાણ સામે આવેલી રકમોને બેવડી કરી ગુજરાત સરકાર ભૂજનાં કલાકારોને તેમના ઘર બાંધવામાં સહાય કરશે.

ઓડીયન્સમાં બેઠેલા સૌ ને વિનંતી કરી કે આપની ખુરશીની નીચે એક કવર પેન અને કાગળો મુક્યા છે. આપને ગમતા ચિત્રનો નંબર અને તેને માટે આપ શું ભાવ આપશોનો અંદાજો લખી આપનું નામ અને ઇ મેલ આપવા વિનંતી.

પંદર મિનિટમાં સ્ટેજ પ્રોગ્રામ સમટાઇ ગયો અને પ્રદર્શનમાં મુકાયેલી તસ્વીરો અને તેની કથા કહેતો જીવંત પાવર પોઇંટ શરુ થયો. એક પછી એક ૧૫૧ તસ્વીરો દર્શાવાઇ..મૃણાલ દરેક તસ્વીરોની ખૂબી સમજાવતી ગઈ. કલાકાર નું નામ અને ભાત નો પ્રકાર સમજાવતી ગઇ. બે કલાક આ કાર્યક્રમ ચાલ્યો..મૃણાલની સમજાવવાની પધ્ધતિ એટલી સચોટ હતી કે સામાન્ય માણસ ને પણ ચિત્ર પ્રભાવિત કરતું હતુ.

ભોજનનાં બ્રેક દરમ્યાન બધા કવર એકઠા કરાયા અને ચિત્રોની હરાજી દ્વારા વેચાણ આરંભાયુ.

હીરજી ગડા પણ આ હરાજી દરમ્યાન કચ્છી ભાષામાં કહેતા રહ્યા..કુદરતી પ્રકોપ સામે માણસ જ માણસનાં ખભા મિલાવી ને ઉભો રહે છે.

બીજા બે કલાક માં ૧૫૧ ચિત્રો લગભગ સાડા દસ લાખ નું દાન ઉભુ કરી શક્યા

દિવસ પુરો થયો. કૈરવ અને મૃણાલ થાકી ગયા હતા પણ હીરજીભાઇ ગડા અને પ્રણવ છેડાએ બંને ને સ્ટેજ ઉપર બોલાવી બહુમાન કર્યુ અને “યુવા પ્રતિનિધિ”નાં અવૉર્ડથી સન્માન્યા..

બીજે દિવસે ટીવી રેડીયો અને છાપા મૃણાલ શેઠ અને કૈરવ શેઠ અને તેમના આ પ્રદર્શનનાં ચિત્રો થી ભરેલા હતા. ફોન ની ઘંટડીઓ વાગતી હતી અને અભિનંદનો ની વર્ષા ચોતરફથી થઇ રહી હતી તે સાંજે કૈરવનાં મમ્મી માધવીબહેન કૈરવને શીખામણ આપી રહ્યા હતા કે હવે સમય આવી ગયો છે જ્યારે મને દાદી કહેનાર કોઇ ધરતી ઉપર આવે. ડાઇનીંગ ટેબલ પર બેઠેલા અજયભાઇ એ પણ માધવીબેન ની વાતને ટેકો કરતા કહ્યું હા હવે ઘર કોઇની કિલકારીઓથી ભરાય તો સંપૂર્ણ લાગે.

આમેય તમે લોકો સમજુ છો વધુ તો શું કહેવું.. પણ હવે તમે જો ફેમિલિ પ્લાનિંગ કરતા હો તો તે હવે હકારાત્મક ફેમિલિ વધારવા માટે કરજો. ડાઇનીંગ ટેબલ પર બેઠેલી મૃણાલ આવી સીધી વાત થી લજાઇ ગઇ અને સૌ ખડખડાટ હસી પડ્યા…ઘણા સમય પછી મૃણાલના ચહેરા પર જાણે સુરખી છવાઇ.

આમ છતાં કોણ જાણે કેમ હજી મૃણાલને કૈરવમાં કંઇક ખુટતું હોય એવુ સતત લાગ્યા કરતું. પોતાની સાથે નાનપણથી જે ચહેરો એણે કલ્પ્યો હતો એ આ તો નહોતો જ. સાવ સરળ પણ ઉષ્માભર્યા પપ્પા જેવો કૈરવ બને તેમ ઝંખતી. તેને મમ્મી જેમ પપ્પા ઉપર ઓળઘોળ છે તેમ કૈરવનાં ચહેરા સાથે મનથી અને તન થી એક થવાની બીક લાગતી હતી.. સમય સાથે રંગ અને ચહેરો બદલતા કૈરવ સાથે તાલ મેળવવાનુ એને અઘરૂ જ નહી પણ અશક્ય ય લાગતુ. એને હંમેશા લાગતુ કે મમ્મી જેમ પપ્પા સાથે ખુલીને વાત કરી શકે છે એટલી સરળતાથી એ કૈરવ સાથે ખુલી શકતી જ નથી.

ક્યારેક એ મનોમન વિચારતી કે લગ્નવેદિ પર સાત ફેરા લેતા અપાયેલા સાત વચન ખરેખર સાચા હશે? આ સાત વચનમાં જીવનભર એકબીજાને મિત્ર તરીકે સ્વીકારીને સંબંધ જાળવી રાખવા વચનબધ્ધ થવાની વાત એ વખતે કહેવા પુરતી જ હશે? અને જો એ એમ જ હોય તો મમ્મી પપ્પા વચ્ચે આટલું સખ્ય કેવી રીતે? અને જો એ વચન સાચા મનથી અપાયુ હોય તો એની અને કૈરવ વચ્ચે કેમ નહી? કેમ એ કૈરવ સાથે મન ખોલીને વાત પણ નથી કરી શકતી?

એને તો એવી ખબર હતી કે પ્રેમ સંબધથી બંધાયેલા પતિ-પત્નિ વચ્ચે સંબંધમાં અહંનો અભાવ, સમાનતાની ભાવના ,બાંધછોડ કરવાની તૈયારી બંને પક્ષે એટલી જ હોવી જોઇએ. જેમ તુલાને સ્થિર રાખવા બંને પલ્લામાં એક સરખું તોલ મુકવુ પડે એમ પતિ-પત્નિએ પણ જીવનની તુલા સ્થિર રાખવા બંને પક્ષે એક સરખી સમતુલા જાળવવી જ પડે.

કૈરવ આ બધુ જાણતો નહી હોય કે પછી સમજતો ય નહી હોય?

તે રાત્રે કૈરવને કહી દીધુ..”આજે આપણે દિલની વાતો કરીશું તેમાં ફક્ત હું અને તું જ. નહીં તારા મમ્મી કે પપ્પા અને નહીં મારા મમ્મી અને પપ્પા.”

કૈરવ કહે “ભલે!” પણ મને લાગે છે કે તું જ તેમા વધારે ગુંગળાઇશ કારણ કે તારી વાતોમાં હજી આપણાં પપ્પા અને મમ્મી છે…હું તો તેમને બેડ રૂમની બહાર કાયમ મુકતો આવ્યો છુ. “

રાત્રે સ્નાન કરીને બંને જ્યારે તેમનાં પલંગમાં બેઠા ત્યારે સાબુની સુગંધ સાથે મૃણાલે પહેલો પ્રશ્ન કર્યો “ કૈરવ મને કેમ એવું લાગ્યા કરેછે કે મારી અંદરની મૃણાલ મને વારં વાર ચેતવ્યા કરે છે કે આગળ ખતરો છે.”

“ કેવો ખતરો?”

“ તું પુરુષ છે. મને તારા હાસ્યમાં કે તારા વહાલમાં કોણ જાણે કેમ એક અજાણ્યો મનુષ્ય જ દેખાયા કરે છે. મને કેમ તારા ઉપર હજી ભરોંસો નથી બેસતો. તારા મનમાં હું તને જોઇતી રાજકુમારી દેખાઇ ગઇ અને તેં મને હાંસલ કરી ..પણ મારા મનને ગમતા રાજકુમાર અને તારો ચહેરો કેમ એક નથી થતા?”

કૈરવે સજ્જન પ્રેમીનો ચહેરો પહેરી લઇને કહ્યું “ મૃણાલ! આ પરીકથાના રાજકુમારવાળી વાતો નાના ઢીંગલા ઢીંગલીઓને શોભે આપણને નહી. હું પતિ કે પ્રેમી બનતા પહેલા તારો એક સંવેદનશીલ અને સમજુ મિત્ર પહેલા બનવા માંગુ છું. અને તેથી તને ગમતા તારા વિષયોમાં મારી જાતને ઉમેરવા માંગુ છુ.અને તેથી જતો આપણા લગ્નને બે વર્ષ થયા છતા મેં ક્યારેય ઉછાંછળાપણું કે તને ન ગમતું કર્યું છે? મારા મનને ગમતું મારું પાત્ર મારી શૈયામાં મારી સાથે જ હોય છતા જ્યાં સુધી સમજથી ભેગા ન થવાય ત્યાં સુધી રાહ જોવાની તે કેવી કઠોર પરિક્ષા છે તે તો સમજ જરા…તને લૉ પ્રોફાઇલમાં રહેવું ગમે પણ કહે તો ખરી આ હળાહળ કળયુગમાં આ જાતે ઢોલ પીટવાનાં સમયમાં તું સત યુગની વાતો કરે તે કેમ ચાલે?..તું હવે મૃણાલ શ્રોફ નથી..મૃણાલ શેઠ બને તે જરૂરી છે.”

મૃણાલ ફરી સંકોચાઇ ગઈ.” મેં તને કહ્યું છે આજની આપણી વાતોમાં ક્યાંય આપણે આપણા પપ્પા કે મમ્મીને લાવતા નથી.”

પેલા કુશળ રીંગ માસ્ટરની અદામાં કૈરવે સહેજ ખોંખારો ખાધો અને કહે “ જો પરણેલો પુરુષ કાયમ ઇચ્છે કે તેની પત્ની તેની થાય..પણ તું તો મારામાં તારા પપ્પાને જ શોધે તો તે તો થવાનું જ નથી. લગ્ન ને દિવસે જ્યારે સાત ફેરા ફરીને એક મેક ને સુખી કરવાનાં પ્રણને હું ભુલ્યો નથી..અને તને તો તે યાદ સુધ્ધા નથી “

મૃણાલ કહે “ મને બધુ યાદ છે પણ મારું દિવસ દરમ્યાન નું જીવન દેખાડા કરી કરી જીવવાનું. ઘર ના ને સાચવો ..વટ અને વહેવાર સાચવો અને ખાસ તો સૌથી વધારે મને શોષવી નાખે છે બંને કુટુંબોનાં વહેવારો..”

કૈરવ ખંધુ મલક્યો…” પણ મૃણાલ..તારે તો શ્રોફ પરિવારને પરાયો જ કરવાનો છે. તેમાં જે હતુ તે ભૂતકાળ છે. લગન કર્યા ત્યારે નવું ઘર , વર અને તેનું કુટુંબ જ તારો પરિવાર છે. સરખામણી ના કર.માધવી બહેનમાં ગાયત્રી મમ્મી શોધવાનું તને નથી કહેતો. પણ તું અહીં મારે લીધે છે…મને સાચવ..તને હજી હું અજાણ્યો મનુષ્ય લાગું છું તો તેને જાણ…ફક્ત તારા જ પપ્પા સારા હોઇ શકે અને અન્ય કોઇ નહીં તેવા કાલ્પનિક ભયને ટાળવા મથ એ ભયને આધિન ના થા.”

મૃણાલ કૈરવની વાતોથી સંકોચાતી જતી હતી..પણ તેને કૈરવની વાતો ઉપર વિશ્વાસ મુકવાની ઇચ્છા પણ થતી હતી.. હીરજી ગડાનાં શબ્દો એને યાદ આવતા હતા…તેઓ બોલ્યા હતા કે આ સમગ્ર પ્રસંગ નો યશ મૃણાલને જાય છે પણ આ પ્રસંગે પડદા પાછળ રહીને ઉભેલા કૈરવને પણ ભુલાય તેમ નથી..મૃણાલ લાગણીઓથી ભરેલું સરોવર છે તો તેમાં પૂર્ણ રૂપે ખીલેલું કમળ કે હંસ તો કૈરવ છે

મૃણાલને શાંત જોઇને હળવેક થી તેના હાથને ચુમી તે બોલ્યો…”મૃણાલ વાસ્તવિક જિંદગી. કાલ્પનિક ભયો કરતા વધુ કિંમતી છે. આજે મોકો છે મિલન ની રાત છે વિશ્વાસ એક વખત તો મુકી જો કે તારા પપ્પ્પા કરતા પણ કોઇક વધું સારુ હોઇ શકે છે.”

મૃણાલ વિષાદભર્યુ હસી..તેના પપ્પ્પા પણ આજ કહેતા હતા .. ભરોસો મુકી જો..ચકાસી જો.. જીવન નાવનું સુકાન તે નાવિક ને આપી તો જો.

તેની આંખમાં પર્શ્ચાતાપનાં આંસુ નીકળ્યા અને તે બબડી…” હા કૈરવ…જિંદગીને વાસ્તવિક રૂપે આજથી જોવાની શરુ કરુ છુ…મને માફ કરી દે.”

તે રાત મિલનની હતી..અને આન્યાનાં જન્મની પણ….

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ ૫

ગાયત્રી મમ્મી બહું જ ખુશ હતા.જ્યારે તેમને સમાચાર મળ્યા કે તે નાની બનવાની છે. જો કે ખુશ તો બધા જ હતા..પણ સંવેદનાઓ જ્યાં શુભ્ર અને ઉજ્વળ હોય ત્યાં આનંદનો અનુભવ વધુ હોય…તેમના મનમાં હવે મૃણાલ તેનું ઘર કરશે તેવી હાશ પણ બંધાવા માંડી હતી. આમેય સામન્ય ઘરની છોકરી કાપડની મિલ માલિકનાં ઘરમાં સ્થિર થતી જાણી ને આનંદ કોને ના થાય?

કૈરવ પણ ખુશ હતો.. મૃણાલ હવે સાચા શબ્દોમાં “શેઠ”ને જણશે. ભૂજ ઉપર શૉ સફળ થયા પછી તેના ચિત્રો અને સમજણ ઉપર બહાર પડેલ પુસ્તક “ કંપન”ની ત્રીજી આવૃત્તિ વખતે પ્રસિધ્ધ પુસ્તક પ્રકાશક પ્રભુ આશર બે લાખ રૂપિયાનો ચેક આપવા જ્યારે ઘરે આવ્યા ત્યારે ઘરે માધવીબહેન હતા.

પ્રભુ આશર મૃણાલને કહેતા હતા “ બહેન તમે તો આ પુસ્તકની કલમનો જે જાદુ પાથર્યો છે કે વાંચનાર દ્રવિત થયા વિના રહી જ ના શકે.. આજે પણ પુસ્તકની માંગણી એટલી બધી છે કે તેનો હવે અંગ્રેજી અનુવાદ અને હિંદી અનુવાદ થઇ રહ્યા છે. અને દિલ્હી અકાદમીએ આ પુસ્તકને વાંચનમાં લઇ ચાલુ વર્ષે સૌથી વધુ વંચાતા પુસ્તકમાં સ્થાન આપવાનું નક્કી કર્યુ છે.”

મૃણાલ નિસ્પૃહતાથી સાંભળી રહી હતી તેથી માધવીબહેન બોલ્યા “ પ્રભુ ભાઇ આ બધી વાતોનો જશ તો ખરેખર કૈરવને જાય છે કારણ કે “ કંપન “ મુખ્યત્વે તો તેનું સુચન હતું કેમ મૃણાલ ખરું ને?”

“ હા” કહેતા મૃણાલે ઉમેર્યુ કે “આ રોયલ્ટી નો ચેક પણ કૈરવ શેઠ નાં નામે જ લખજો કે જેથી તેમનેવ્યવસ્થા કરવાનું ફાવે.”

પ્રભુ આશર સમજુ હતા માધવીબેન ની હાજરીમાં તેમણે ફેરવી તોળ્યુ “બહેન અમે લેખકના નામે જ ચેક લખીએ કારણ કે ચોપડે તે રીતે જ બધુ ઉધારાય..પછી ભલેને ચેક આપ જોઇંટ એકાઉન્ટમાં જમા કરાવો. અને હા બહેન હાલ તમે જે કંઇ સર્જન કરી રહ્યા હો તે મને પહેલા આપજો..તમારું કાર્ય અદભુત છે અને ક્યાંય સ્વાર્થ નથી હોતો..ફક્ત જનહીતાયેજ આપ લખો છો તે લેખિનીને મારા શત શત પ્રણામ..

માધવીબહેનથી મૃણાલની પ્રશસ્તિ સહન થતી નહોંતી. એમણે એક નવો ફણગો મુક્યો..નવી આવૃત્તિમાં ટાઈટલ પેજ ઉપર એકલી મૃણાલને બદલે કૈરવ સાથે નો સ્ટેજ ઉપરનો ફોટૉ મુકો તો કૈરવનું પણ કાર્ય લોકભોગ્ય થાયને યાદ છે મંત્રીશ્રીએ યુવા પ્રતિનિધિનાં એવોર્ડ થી બંને ને સન્માન્યા હતા.”.

“ માફ કરજો બહેન! પણ ટાઇટલ તો પ્રિંટ થઇ ગયુ છે પણ મૃણાલબહેન નાં બીજા પ્રોજેક્ટમાં આપણે તમારા સુઝાવ પ્રમાણે કરીશું”

“ના તમે ટાઇટલ ફરીથી પ્રિંટ કરાવો અને જે કંઇ ખર્ચ થશે તે હું આપી દઇશ.”

“ મમ્મી તેને બદલે આપ અને પપ્પાએ દીપ પ્રાગટ્ય કર્યું હતું તે ચિત્ર મુકાવીએ તો?”

“ જુઓ બંને બહેનો! એક વાત સમજો…જે ફોટા આપણે મુકવા હશે તે અંદર આપણે મુકીશું પણ અત્યારે ટાઈટલ ફરી કરવા જઇશ તો મારું પ્રોડક્શન મોડું પડી જશે.”

શાંતિથી વાત સાંભળતા અજયભાઇએ પ્રભુભાઇની વાત ને ટેકો આપતા કહ્યું “માધવી તમે જે વાતો કરો છો તે નવા પ્રોજેક્ટ માટે જરૂરી છે. હાલમાં નવેસરથી બધો ખર્ચો કરવાનો અને કૈરવને પ્રમોટ કરવાની જરૂર નથી. મૃણાલ હજી ઘણું નવું કરશે..અને કૈરવની સાથે જ કરશે. તેથી જીદ છોડી દો.”

માધવીબહેન ને ગુસ્સો તો આવ્યો…પણ મ્લાન મુખે હસતા બોલ્યા “હું તો કૈરવને બીજી ૫૦૦૦ પુસ્તકોની છબીમાં જોવા માંગતી હતી.”

“ તમે જે સુચન મુક્યું ને કે હું પૈસા આપી દઇશ તે અયોગ્ય છે. દરેક બિઝનેસ પોતે નક્કી કરે કે તેમણે શું કરવાનું છે. આપણે સુચન કરી શકીએ પણ હું પૈસા આપી દઇશ કહીને આડકતરી રીતે તમે તેમના નિર્ણયને પડકારો છો તે ખોટું છે. અમને પ્રોડક્શનમાં જે વસ્તુ જતી રહી હોય અને કોઇ ડિઝાઇનમાં ફેર કરો વાળી વાત લઇ ને આવે તો અમે તો માથામાં વાગે તેવી ના જ કહી દેતા હોઇએ છે. પ્રભુ ભાઇ આપ માધવીની વાત ને માની લાગણી સમજજો પણ તે રીતે કરવું યોગ્ય ના હોય તો તે વાત ઉપર ધ્યાન ના આપશો.”

“ આભાર અજયભાઇ પણ વચલો રસ્તો હજી લઇ શકાશે અંદરનાં પાને પ્રેરણા કહીને બે પિક્ચર મુકી શકીશ અને તે આપના દીપ પ્રગટ્યનો અને મૃણાલ અને કૈરવભાઇને મળેલા યુવા એવૉર્ડનો.. જેથી માધવીબહેન અને મૃણાલબહેનની વાત રહી જશે.”

માધવીબહેન તરફ ફરીને પ્રભુભાઇએ ફરી આભાર કહ્યું અને રજા લીધી.

સાંજે અપેક્ષા પ્રમાણે કૈરવનાં આવ્યા પછી જમતા આ વાત નીકળી ત્યારે અજયભાઇ બહુ સ્પષ્ટ હતા..અને બોલ્યા “માધવીને કૈરવ શ્વાસ પ્રાણ વહાલો તેથી પ્રભુભાઇ આશરને ખોટું સુચન કરી બેઠાં..”

કૈરવ સાંભળતો રહ્યો અને મૃણાલ સામે જોતો રહ્યો. મૃણાલનાં મોં પર અણગમતા ભાવો જોઇને તે બોલ્યો “ મૃણાલ મમ્મી ક્યાં ખોટી હતી?”

મૃણાલે કોઇ જવાબ આપ્યા વિના રૂમમાંથી આવીને ૨ લાખની રોયલ્ટી નો ચેક કૈરવનાં હાથમાં આપ્યો. જાણે કોઇ જ મોટી વાત ના હોય તેમ ચેક જોઇને નીચે મુકી દીધો…

મૃણાલે કૈરવની થાળી પીરસવા માંડી અને કૈરવે એજ પ્રશ્ન કર્યો “ મમ્મી ક્યાં ખોટા હતા મૃણાલ?”

“ મને એમણે પૈસા આપી દેવાની વાત કરી તે ગમી નહોતી. પ્રકાશકનો ઉપકાર કે તેઓ મારા વિચારોને લોકો સુધી પહોંચાડે છે. ટાઇટલ અને પુસ્તક પ્રકાશન એ એમનો વિષય છે અને પપ્પાએ સાચું જ કહ્યુ હતું કે આપણે વિનંતી કરી શકીએ.. આડકતરો દબાવ ના પાડી શકીએ.”

“મૃણાલ મને આ જવાબની આશા નહોંતી મને તો એમ કે તમને કૈરવનું ૫૦૦૦ પુસ્તકો પર નામ જાય અને ફોટો જાય તેથી તમે રાજી થશો…”

“તમે જાણો છો તેમ મેં મને જે સાચું લાગ્યુ તે કહ્યું…અને હું આમેય ધંધાકિય અભિગમો નથી ધરાવતી…’

“ભલે હવે આ વાતનો ધંધાકિય ફાયદો લેવાનો એક રસ્તો હું બતાવું” અજયભાઇએ વાતોમાં ભાગ લેતા કહ્યું અને સૌની નજર પપ્પા તરફ ગઇ. “ કૈરવ તું ૧૫૧ છબીમાં થી લોકકલાનાં ભાગ સ્વરુપે સૌથી લોકપ્રિય દસ ભાત શોધી આપો. એક વાત નક્કી છે ત્રીજી એડીશન થાય છે એટલે તે લોકપ્રિય પુસ્તક છે. તો એ કચ્છી ભાત ની દસ સાડી નું ઉત્પાદન શરુ કરાવો.. આપણું માર્કેટીંગ તે ભાત કરશે..અને સાડીનું બ્રાંડ નેમ હશે મૃણાલ શેઠ અને મૃણાલ મોડેલ પણ હશે તે દસ સાડીઓની…”

માધવીબહેન ને સૂચન ના ગમ્યું પણ કૈરવ ખુશ થયો…મૃણાલે મોડેલ બનવાની તૈયારી એટલા માટે ના બતાવી કે પેટ ઉપસી રહ્યુ હતુ. એડ મેનેજેરે મૃણાલ શેઠ ને બદલે ખાલી મૃણાલ નામ કરાવ્યું

એડ કેમ્પેઇન ચાલુ થવા માંડ્યુ તેમ માધવીબહેન માનતા હતા તેમ જ મૃણાલ પ્રસિધ્ધિની સીડી સડસડાટ ચઢવા માંડી…તેનાં સ્કેચ અને ફોટા ની માંગ વધવા માંડી…

એક દિવસ જ્યારે મા અને દીકરો એકલા હતા ત્યારે કૈરવને માધવીબહેને કહ્યું “ આ “અભિમાન” ફિલ્મની કહાણી તમારા જીવનમાં ચાલુ થઇ ગઇ હોય તેવું મને કેમ લાગે છે?”

કૈરવ કહે “ મોમ! તમે કૈરવને ઓળખતા નથી.. જે હાથે તે ચઢાવી શકે છે તે હાથે તે ઉતારી પણ શકે છે.”

“ એના કાના અને યશોદાનાં ચિત્રો જોયા?”

“ હા મોમ સરસ પેઇટીંગ છે.”

પણ જે જોવું જોઇએ તે તું નથી જોતો..”

“શું મોમ?”

“કાનો કૈરવ જેવો નથી દેખાતો”

“ મોમ ..તો યશોદા પણ ક્યાં મૃણાલ જેવી છે?”

“ તને સમજ નથી બેટા પ્રસુતા જેવા ચિત્રો જુએ તેવું બાળક થાય..”

“ મોમ! હવે એ વીસમી સદીની વાતો રહેવા દો… અને મને ખબર છે મૃણાલને બેબી છે.”

“ આશા રાખુ તારા જેવી હોય….”

“ એટલે? મને તો મારી દીકરી મૃણાલ જેવી જ જોઇએ છે.. ઘાટીલી અને મીઠડી..”

મીઠડી .. માય ફૂટ.. તેતો મુંગી અને મુંઝાયેલી હોય છે..સહેજ પણ ચહલ પહલ નહીં”

“ મોમ એને તો કૈરવ જેવી જ બનાવજો હં કે” .મૃણાલ ત્યાં આવી ને ટહુકી…

“ હા.. હા..બરોબર એવી જ..કૈરવ અને મમ્મી બંને સાથે બોલ્યા…

મૃણાલે બરોબર જ સાંભળ્યુ હતું તે તો મુંગી અને મુંઝાયેલી છે. પણ હવે મારી દીકરી આવે છે ને મારી મુંઝવણો દુર કરવા..તેણે ઉંડો શ્વાસ લઇને પોતાની જાતને આશ્વાસન આપતા વિચાર્યુ.

“ કૈરવ જો ને હવે તો પેટમાં બેન બા ગરબા ગાય છે. જો હાથ મુક એટલે તેની લાતો અનુભવાશે.”

કૈરવને આ બચપણું ના ગમ્યું પણ મમ્મી એ ઉઠીને તેના પેટ ઉપર હાથ મુક્યો એટલે કૈરવે મમ્મીને પુછ્યુ.. “શું થાય છે મમ્મી?”

હા જો તો ખરી કેવી ઉછળકુદ કરે છે.. અને બધા આનંદમાં મલકી ઉઠ્યા.

કૈરવ મારા આ કાના અને યશોદાનાં ચિત્રો મારે જલ્દી પતાવવા છે પછી તો સમય મળવાનો જ નથી.. “ પેટ તરફ ઇશારો કરીને તે બોલી “ આ બેન બા આવશે ને પછી.”

“એટલે “ માધવી બહેને વાતને વધુ સ્પષ્ટ કરવા પુછ્યું “ પછી સ્ટુડીઓ બંધ.?

“ હા મોમ પછી આ બધું બંધ.. હું અને આપણી ઢીંગલી અને આપણે બધા…મઝા જ મઝા”

“ કાન હસતો યશોદાને દ્વાર”ની મેન્યુસ્ક્રીપ્ટ અને ચિત્રોની સીડી જ્યારે પ્રભુ આશરે જોઇ ત્યારે ખુશીનો માર્યો ઉછળી રહ્યો. “મૃણાલ બેન તમારું આ પુસ્તક પણ “કંપન” ની જેમ અત્યારથી જ કહી દઉં એકદમ સફળ થશેજ…દરેક ચિત્રની સમજણપૂર્વક છણાવટ અને કાન ને લખાયેલા હાલરડા તો એકદમ હ્રદય સ્પર્શી છે.

પુરા દિવસે આન્યા જન્મી..એક સાથે છ જણાને નવી પદવી મળી કોઇક પપ્પા કોઇક મમ્મી તો કોઇક દાદા અને કોઇક દાદી.. કોઇક નાના અને કોઇક નાની.. બધાનાં આશીર્વચનો લેતી અને બધાને હસાવતી આન્યાએ જ્યારે ભેંકડો તાણ્યો ત્યારે સૌ હસ્યા..

આન્યાનું બચપણ પોતાની ગતિએ જતુ હતુ અને માતૃત્વ નિખરતુ હતુ…સ્ટુડીયોમાં પીંછી અને કેન્વાસ લાંબી નિંદ્રા ખેંચી રહ્યા હતા પણ અજયભાઇ નો સાડી પ્રોજેક્ટ “મૃણાલ” નિષ્ફળતા તરફ વહેતો હતો તેથી કૈરવ તણાવ યુક્ત હતો..તે સમજી ગયો હતો કે જે ચાલ્યુ હતું તે મૃણાલની કલમને લીધે નહીં કે કૈરવની માર્કેટીંગ ક્ષમતાને લીધે…વળી અધુરુ હોય તેમ “ કાન હસતો યશોદાને દ્વાર” પુસ્તકે છ જ મહિનામાં ત્રીજા પુનઃમુદ્રણનો ડંકો વગાડ્યો.-બે લાખ રૂપિયાનાં ચેક સાથે.

માધવીબહેનની વાત હવે કૈરવને સાચી લાગતી હતી….પુરુષ ઇગો છંછેડાતો હતો. તેની ક્યારેય નોંધ લેવાતી નહીં નોંધ તો હંમેશા મૃણાલની લેવાતી.. તેના ચિત્રોની લેવાતી અને તેની કલમની લેવાતી.. આ વાહ વાહ તેને હવે પોતાની દુશ્મન લાગતી.

કોઇપણ જાહેર સમારંભમાં જાય તો ત્યાં કૈરવ કરતા મૃણાલને વધુ સન્માન મળે એ કૈરવથી સહન ન થતા એનો ઇગો કરંડીયામાં પુરેલા નાગની જેમ છંછેડાયો હતો. એના સીધા ફુંફાડા ગરમીથી બંને વચ્ચેની રહી સહી નિકટતા ઓગળતી જતી હતી.

મૃણાલે કહેલ વાક્યો હજી તેને ડંખતા હતા.. “તું પુરુષ છે. મને તારા હાસ્યમાં કે તારા વહાલમાં કોણ જાણે કેમ એક અજાણ્યો મનુષ્ય જ દેખાયા કરે છે. મને કેમ તારા ઉપર હજી ભરોસો નથી બેસતો. તારા મનમાં હું તને જોઇતી રાજકુમારી દેખાઇ ગઇ અને તેં મને હાંસલ કરી..પણ મારા મન ને ગમતા રાજકુમાર અને તારા એક ચહેરા કેમ નથી થતા?”

આમ જુઓ તો તે તો ત્રણ વર્ષ જુની વાત હતી છતાં તેનો ઇગો વારંવાર ઘવાતો હતો..એને વારંવાર થતું કે મેં ગરજ વધારે બતાવી..અને હવે જાણે તે મારા ઉપર ઉપકાર કરતી હોય તેમ વર્તે છે. વાસ્તવમાં એવું કશુંય નહોતુ…પણ પુરુષ અને તેનો ઇગો…ભગવાન બચાવે અને આમેય જ્યારે સત્ય સામે આવે કે તેણે ભુલ કરી છે કે સામેનું પાત્ર તેના કરતા ઘણું ઉંચુ છે ત્યારે તો નાની નાની વાતે છમકલા થયા કરે.

દિન-બ-દિન મૃણાલની વધતી જતી પ્રતિષ્ઠાથી કોઇપણ જાતના કારણ વગર કૈરવ હંમેશા છંછેડાયેલો રહેતો અને વિના વાંકે મૃણાલ હિજરાતી જતી હતી.  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ ૬

મૃણાલ..આમ તો કલાકાર જીવ..તેણે ભલે કેમેરો કેન્વાસ અને પીંછી આન્યાનાં બચપણ દરમ્યાન છોડી દીધી હતી પણ એની સંવેદનાઓમાં તો આન્યાની પળે પળ કેદ હતી. અને તે ઉષ્મા ડાયરીમાં કવન રૂપે કે પ્રસંગ રુપે નોંધેલી હતી.

આન્યાનાં જુનિયર કે.જીના દિવસોમાં જ્યારે તે સ્કુલે હોય ત્યારે મૃણાલમાંનો કલાકાર જીવ પિંજરામાં થી બહાર આવવા ફડફડતો.. તે દિવસ આન્યા બોલી “મમ્મા મારું ચિત્ર બનાવને?” કૈરવ પણ તે દિવસે હાજર હતો…પેલા બંધિયાર પંખીને પિંજરું ખુલ્યુ અને સ્કેચ પેડ ઉપર પેન્સીલથી આન્યાનાં સ્કેચ ઉતરવા માંડ્યા. સ્કેચ પુરો થાય અને આન્યા પોઝ બદલે એટલે બીજો સ્કેચ દોરાય…ને આન્યા તેના કાલા અવાજે કહેતી જાય મમ્મા હવે સ્કુલે જતી આન્યા….મમ્મા હવે બ્રે્ક ફાસ્ટટેબલ ઉપર આન્યા… થાકેલો કૈરવ તો સુઇ ગયો..પણ મા અને દીકરીએ લગભગ ત્રણ કલાકમાં ૧૨ ચિત્રો બનાવ્યા.દીકરી પોઝ બદલે અને મા તેને સ્કેચ પેડ ઉપર ઝીલી લે.

આન્યા ૪ વર્ષની અને બધુંજ સમજે પણ ખબર ના પડે કે પપ્પા મોમ ઉપર કેમ અકળાય છે. વહેલી સવારે કૈરવે મૃણાલનાં સ્કેચ જોયા ત્યારે તેને ગુસ્સો પણ આવ્યો અને વહાલ પણ કારણ કે દરેક આન્યાનાં સ્કેચમાં કૈરવ પશ્ચાદભૂમાં હતો. કારણ કે તે આ ક્રિયા દરમ્યાન પલંગ ઉપર સુતો હતો.

સવારે બ્રેક્ફાસ્ટ ટેબલ ઉપર આન્યા સ્કેચ બુક લઇને આવી અને પપ્પાને બતાવે અને કહે કે “પપ્પા કાલે તો મેં અને મમ્માએ બહુ મઝા કરી.

કૈરવ અને માધવી બહેન કંઇ બોલે તે પહેલા અજયભાઇ બોલ્યા.. “ જોવાદે દીકરા તારા સ્કેચ..”ખરેખર આંખને ઉડીને વળગે તેવા સ્કેચ હતા.. પણ માધવી બહેન બોલ્યા “ સમય નો બગાડ.. કેમેરા ઉપર ક્લિક ક્લિક કરી લો તો આ ત્રણ કલાકનું કામ દસ મિનિટમાં થઇ જાય.

“માધવી તમે પણ મૂળ વાત ભુલી જાવ છે અને તે આન્યા ત્રણ કલાક સુધી જુદા જુદા પોઝ આપતી અને મૃણાલ કહે ત્યાં સુધી તે પોઝમાં બેસી રહે તેનો એને કેટલો બધો આનંદ છે તે આનંદ અગત્યનો છે.”

મૃણાલ તે વખતે ઉપમા વઘારતી હતી અને આ વાત સાંભળતી હતી.

તેને હતું કે કૈરવ હમણા જ તાડૂકશે..પણ પપ્પાની હાજરીમાં તે એટલું જ બોલ્યો.. મને તો લાગે છે કે મમ્મી સાચા છે સ્કેચ બૉર્ડ અને પેન્સિલ એ જુનવાણી રસ્તા છે જેમાં સમયનો બગાડ જ થાય છે.”

મૃણાલ બોલી “ આન્યા જ્યારે સમજણી થશે ત્યારે આ ચિત્રો તેની માનસિક સંપત્તિ હશે.. જેમ આજે પણ મારી માએ દોરેલા મારા બચપણનાં સ્કેચ મારે માટે અમુલ્ય જણસ છે”કૈરવ બોલ્યો.. “ મૃણાલ.. આન્યાને તો કૈરવ જેવી બિઝનેસ વુમન બનાવવાની છે તમારા જેવી નહીં હં!”

થોડાક મૌન પછી મૃણાલ શ્રીકાંત ભાઇનું ગમતું વાક્ય બોલી..” દરેક બાળક વિધાતા પાસે તેમનું ભાગ્ય લખાવીને આવે છે આપણે તો તેમને મોટા કરી ભણાવી ગણાવીને તેમના હાલ ઉપર છોડવાના છે.” મારા” કર્યા કે “મારા જેવા”.કર્યા એમ કહીએ તો ઉપર વાળો હસશે..તે કોના જેવી થશે તે તો તેનું ભાગ્ય કહેશે.”

અણગમતું વાક્ય સાંભળી કૈરવ ઉભો થયો અને ઓફીસે જવા તૈયાર થવા માંડ્યો…રાખની નીચેનો અંગારો ધધકતો હતો જ પણ પપ્પાની હાજરીમાં ચુપ રહેવું યોગ્ય લાગ્યુ. માધવીબહેનથી ના રહેવાયુ અને ગર્વથી બોલી ઉઠ્યા મને તો કૈરવ મારા જેવો છે કહેતા ગર્વ થાય છે. જે સમજે છે પૈસાની ભાષા અને બોલે છે પૈસાની ભાષા.

અજયભાઇ બોલ્યા.. “મૃણાલ હવે આ મા દીકરાને પૈસાની ભાષા અપણે સમજાવવાની છે “ દીકરી વહાલનો દરિયો” વિષય ઉપર ફોટો એક્સિબિશન કરીશું અને જેને કથીર અને પૈસનો બગાડ માને છે તેમને બતાવી આપીએ કે આન્યાનાં ચિત્રો પણ પૈસાની ખાણ છે.”

“પપ્પા પણ સમય ક્યાં છે?”

“ કાલે રાત્રે જેમ સમય કાઢ્યો તેમ કાઢવાનો અને ફક્ત એક જ મહિનામાં આપણે સફળ થઇને દેખાડશું”

બહાર નિકળતા કૈરવે પપ્પાની વાત સાંભળી ત્યારે નિઃસાસો નાખ્યો.. “આ લતને હું જેમ કાઢવા મથુ છું તેમ વધુ જોર પકડે છે”

ઓફિસે જઇને ઘરે પહેલા ફોન કર્યો….પપ્પા સાથે વાત કરવા.

“ હેલ્લો” પપ્પા એ ફોન ઉપાડ્યો”

“ પપ્પા! તમે મૃણાલનાં સ્ટુડીયોને ફરી ખોલવાના પ્રયત્નો ના કરો”

“કેમ? તારા કરતા વધુ સફળ છે તે વાત સહન નથી થતી?”

“ હા પણ તમે જ કહેતા હતાને કે સ્ત્રીનું સ્થાન તો ઘરમાં અને પુરુષનું સ્થાન ગલ્લે.”

“ હા. પણ તે વાત તારી મમ્મી જેવી ઘમંડી સ્ત્રીને લાગુ પડે છે કે જેને કદી ધરો હોતો નથી.. જોયું નહીં? દરેક વાતે તે તને ઉંચો દેખાડવા મથે છે પણ તેને એ સમજ નથી કે તારી અને મૃણાલની કોઇ સ્પર્ધા જ નથી. તારા ક્ષેત્રે તે પ્રતિસ્પર્ધક નથી તો તારે શું કરવા તેના ક્ષેત્રે ઇર્ષાથી બળી જવું ? તું લાખ ચાહીશ તો પણ તેના જેવા વિચારો કે વણાંકો તુ દોરી શકવાનો નથી. વળી તેં જ એનું પહેલુ એક્સિબિશન સફળ કર્યુ…તેંજ રસ્તો ચાતર્યો હવે ત્યાંથી પૈસા ઉભા થાય છે તો થવા દેને?”

“પણ તેમાં તે ખુબ જ આગળ છે અને મને તેની સફળતાની ઇર્ષા આવે છે.”

“ના લાવ..તું તું છે અને તે તે છે. તે કમાયેલા પૈસા તેના ઉપર વાપરે છે?”

“ના.”

તેના માબાપનું ઘર ભરે છે?”

“ના.”

“તો એક ભાગીદાર વધ્યો છે તેમ માન ને…”

પણ પપ્પા મારે આન્યાને તેના જેવી નથી થવા દેવી.”

એ તો લગ્ન પહેલા વિચારવાનું હતુ. હવે તો તે વિચારવું એક મુર્ખતા છે છોકરી મા ઉપર પડે કે બાપ ઉપર..”

“પણ પપ્પા મને મમ્મી કહ્યા કરે છે તારા લગ્નજીવનમાં તે તારા માથે ચઢી જશે..”

“એક છોકરાનો બાપ થયો હવે તો તારે તારા પોતાનાં નિર્ણયો જાતે લેવાનાં.. તારી મમ્મીની વાતો સ્વકેન્દ્રી છે તે હવે તો તને સમજાઇ જવું જોઇએ અને મૃણાલને તેઓ કદી સ્વીકારશે નહીં કારણ કે તેને તો ભૌતિક દ્રષ્ટીએ ઇક્વલ સ્ટેટસ જોઇતુ હતુ. જે શ્રીકાંતભાઇ અને ગાયત્રીબેનનું હતું જ નહીં. મારી વાત સમજ જે રોગની દવા એન્ટી બાયોટિક હોય તેને વિટામીન ના અપાય. રોગ વકરતો જાય અને શક્ય છે કે તારી મમ્મીની વાદે રહી મૃણાલ અને આન્યા ને તુ ખોઇ બેસે..

“પપ્પા!”

“ જો સમજ મૃણાલ અને તુ બે જણા પ્રતિસ્પર્ધી નથી તેથી સ્પર્ધાનાં ભાવે દુઃખી ના થા..અને તે કંઇ માન અને સિધ્ધિ મેળવે છે તે પતિ તરીકે તને પણ મળે જ છે.”

ફોન મુકાયો ત્યારે એક નવી દિશા ખુલી હતી તેનો માંહ્યલો કહેતો હતો કે મૃણાલ ટોફી નથી.. મૃણાલને વહાલ થી પોતાનામાં ઓળઘોળ કરવાની છે.

સાંજે ઘરે આવતાની સાથે ઘરમાં સ્ટુડીયો ખુલી ગયો હતો.. આન્યા શાંતિથી બેઠી હતી અને એના સ્કેચ દોરાતા જતા હતા. અને મમ્મી ભારેખમ હતા…

“ આ તારા પપ્પા પણ લીધેલો છાલ છોડતા નથી.”

“ મમ્મી તે પપ્પા છે અને તેમની વાતો આ ઘરમાં સૌને માટે પથ્થરની લકીર..”

“પણ કૈરવ આ પગની જુતીને પગમાં રખાય માથે ના મુકાય.” માધવીબેનની સમૃધ્ધિ માત્ર અજયભાઇને આભારી હતી બાકી મન અને વિચારોથી તો એ કંગાળ જ હતા.

મમ્મી મારે આન્યાને કેળવવાની..એને આપણે એની મમ્મી જેવી નથી બનાવવી..એટલે સમય આવે વિચારશું”

મહીનામાં મૃણાલે આન્યાના એ સ્કેચ પુરા કર્યા રંગ ભર્યા અને નિર્ધારિત તારીખે પ્રદર્શન યોજાયુ..પ્રભુ આશર આ વખતે બધી રીતે સજ્જ હતા કેમેરામેન રેર્કોર્ડીંગ અને સાઉ ન્ડ ઇફેક્ટ સાથે લાઇવ વિડિયો બનવાની હતી અને લાઇવ ટેલીકાસ્ટ થવાનું હતું આખા વિશ્વમાં કોઇ પણ માણસ ફોટો પ્રદર્શનમાં ભાગ લઇ શકે તેવા સઘળા ઓન લાઇન ઉપાયો પ્રયોજ્યા હતા. દરેક વખતની જેમ “દીકરી વહાલનો દરિયો”નું પ્રદર્શનનું ગ્રાઉ ન્ડ ભરચક હતુ. લોકો વાતો કરતા હતા કે ચિત્ર એક વખત એમને એમ જુઓ અને પછી મૃણાલને સાંભળો અને પછી ચિત્ર જુઓ આખો સંદર્ભ બદલાઇ જશે.

સ્ટેજ ઉપર આ વખતે ચાર ખુરશી રાખેલી હતી..ગાયત્રીબેન, માધવીબેન મૃણાલ અને આન્યાની. પ્રભુ આશરનાં હાથમાં આ વખતે માઇક હતું માધવીબહેન અને અજયભાઇએ દીપ વિમોચન કરી મૃણાલને શુભેચ્છા પાઠવી. કૈરવ અને મૃણાલ સાથે સ્ટેજ ઉપર આવ્યા ત્યારે પ્રભુ આશરે મંચને લલિત કલાનાં સુભગ સંગમ તરીકે વણી લીધો હતો અને મૃણાલ અને કૈરવને પણ પુરતુ પ્રાધાન્ય અપાયુ હતું આખા વિશ્વમાં લાઇવ ટેલીકાસ્ટ હતુ તેથી માહોલ જીવંત હતો.

વિડિયો કેમેરા ઉપર હાવ ભાવ અને સંવેદનશીલતા યોગ્ય રીતે બહાર આવે તે માટે પાછળ ઓરકેસ્ટ્રા પણ હતી.

મૃણાલ અને કૈરવ જ્યારે સ્ટેજ ઉપર આવ્યા ત્યારે સમગ્ર સભા તાળીઓનાં ગડગડાટ થી ગુંજી ઉઠ્યો. કૈરવે માઇક હાથમાં લઇ સૌનો અભાર માન્યો..કોમ્પ્યુટર ઉપર આ પ્રોગ્રામ માટે વિવિધ ઓન લાઇન સંદેશાઓ વાંચ્યા અને માઇક મૃણાલ ને આપ્યું પાછળ સ્ક્રીન ઉપર દરેક ચિત્ર નો નંબર અને બોલીમાં બોલાતો ભાવ દેખાતો હતો.

માધવીબહેનને સૌથી પહેલા મૃણાલે ચરણ સ્પર્શ કર્યા ત્યાર બાદ ગાયત્રીબહેનને અને પછી મણાલે બહુ વહાલથી દીકરીને ઉઠાવી અને પ્રેમથી ગણ ગણી.. મારી દીકરી એટલે વહાલનો દરિયો પાછળ ઓર્કેસ્ટ્રામાં આ અવાજ સંગીત સાથે ગુંજતો થયો અને લોકોએ ફરીથી ઉમળકાભેર તાળીઓ પાડી.

પ્રભુ આશરે પ્રથમ ચિત્ર સ્ક્રીન ઉપર મુક્યુ જેમાં આન્યા બોલતી હતી મમ્મી મને પણ તારા જેવું થવું છે..મારો સ્કેચ દોરીશ?

બરોબર સાથે જ બ્લેક અને વ્હાઇટમાં નાની મૃણાલ ગાયત્રી મમ્મીને પોઝ આપતી બતાવીને બોલતી હતી મમ્મી મારો સ્કેચ દોરીશ અને તે સાથે પહેલું ચિત્ર મુકાયુ જેમાં મૃણાલ સ્કેચ દોરતી હતી આન્યા પોઝ આપતી હતી અને ધીમે ધીમે તેમાં રંગ પુરાતા જતા હતા. ત્રીસ સેકંડને અંતે પૂર્ણ ચિત્ર તૈયાર થઇને સ્ક્રીન ઉપર હતું અને બોલી બોલાતી જતી હતી લંડન ખાતેથી છેલ્લી બોલી બોલાઇ જે ૧૦૦ પાઉંડ હતી. મૃણાલે પોતાની તે ચિત્ર ઉપર સહી કરી ત્યાં સુધીમાં બીડ બદલાઇ ગયુ હતું ૫૦૦ પાઉંડ સાથે તે ચિત્ર ઇબે ઉપર ખરીદાયુ ..હૉલ આનંદની કિલકારીઓથી ગુજી ઉઠ્યો.. આ કલાકારની કલાનું બહુમાન હતું

બીજા ચિત્રની રજુઆત જુદી થઇ મૃણાલ નાના ઇઝલ ઉપર ચિત્ર દોરતી હતી.. ગાયત્રીમા મોટા ઇઝલ ઉપર ચિત્ર દોરતા હતા…ટ્રીક સીન થી ગાયત્રીમાની જગ્યાએ મૃણાલ હતી અને નાની મૃણાલની જગ્યા એ આન્યા હતી..ચિત્ર દોરાઇ ગયું રંગો ભરાઇ ગયા અને હાજર રહેલા મંચમાંથી બોલી ભરાતી ગઇ.. આ વખતે ઑસ્ટ્રેલીયન ડોલરે બાજી મારી હતી…ચિત્રો વેચાતા જતા હતા..છેલ્લા દ્રશ્યમાં સ્ટેજ ઉપર જ સ્કેચ દોરાયો.. રંગ ભરાયો અને સહીની જગ્યાએ મૃણાલ સાથે આન્યા પણ હતી.. પાંચ વર્ષની આન્યાનું પ્રથમ ચિત્ર…ખુબ જ ઉંચો ભાવ આપીને અજયભાઇએ તે ચિત્ર ખરીદ્યુ ત્યારે હૉલ તાળીઓથી ગુંજી રહ્યો હતો.

મૃણાલનાં આગલા બે પુસ્તકો પણ વેચાઇ રહ્યા હતા અને નવા પુસ્તકની આગોતરી ખરીદી પણ ચાલુ હતી.

પ્રોગ્રામ પુરો થયો. પ્રભુ આશરે પચાસ ચિત્રો જે વિદેશમાં વહેંચાયા અને પચાસ ચિત્રો જે ભારતમાં વેચાયા તેના આંકડા આપી સૌનો આભાર માની પ્રોગ્રામ સંપન્ન કર્યો.

આખાય પ્રોગ્રામ દરમ્યાન પોતે જાણે ખુણામાં હડસેલાઇ ગયો હોય એવી સંકુચિત ભાવના સાથે કૈરવ અકળાતો રહ્યો. અજયભાઇએ ઘણુ સમજાવ્યો હોવા છતાં એનાથી મૃણાલની સફળતા અને સિધ્ધી સહન જ નહોતા થતા.

 

ઘરે પહોંચીને આન્યા અને દાદાજીને બહાર આઇસ્ક્રીમ ખાવા મોકલીને કૈરવે તોફાન શરુ કર્યુ. “મૃણાલ આન્યાને હું તારા કોઇ જ શોખ કરવા દેવાનો નથી.” તેણે તો મારો બીઝનેસ સંભાળવાનો છે.. તે ચિત્ર, લેખન અને સંગીત ત્રણેય થી બાધ્ય છે.”

“પણ કેમ?”

“ એ મારી દીકરી છે માટે?”

“ તો શું એ મારી દીકરી નથી.?”

“ કહ્યું ને ના એટલે ના.” પુરુષ ઇગો વકર્યો હતો…

“કૈરવ, એ માત્ર તારી કે માત્ર મારી દિકરી છે એવી વહેંચણી કેમ? એ આપણી દિકરી છે અને અત્યારથી એ શું બનશે એ નક્કી કરવાવાળા આપણે કોણ? સાવ કુમળુ ફુલ છે એના પર અત્યારથી એના ભવિષ્યનો ભાર કેમ કૈરવ? અને એનું ભવિષ્ય નક્કી કરવાવાળા આપણે કોણ? જો મા-બાપના કહ્યા મુજબ જ બાળકોનું ભવિષ્ય બંધાતુ હોત તો મારી મમ્મીએ પણ એવુ ઇચ્છ્યુ હતુ કે હું પપ્પા જેવી બનુ તો હું પણ એમ જ બની હોત ને?”

“સાચી વાત છે તારી મૃણાલ એ કુમળુ ફુલ છે માટે જ અત્યારથી એને આ બધા માહોલ વચ્ચે રાખવાની ક્યાં જરૂર? એ અત્યારથી જે જુવે એ જ શીખે ને? એને જે બાજુ વાળો એમ વળે. આ ચારેબાજુ રંગોની રંગોળી વેરાયેલી જોયા કરે એટલે એના બાળ માનસ પર એ છવાતુ જ જવાનું.. તારી મમ્મીએ ગમે તે વિચાર્યુ હશે પણ અંતે તો એમની સાથે એમની આસપાસ રહીને તું પણ એ જ શીખી ને? એટલે મા બાપના વિચારવાથી કશું બને કે ન બને પણ સતત એ જ વાતાવરણમાં રહેવાથી તો બાળક એ જ શિખશે ને?”

“ તો એમાં હું શું ખોટુ શિખી એ તો મને કહે. આ જ મૃણાલ હતી જેને તું પહેલા વાર મળ્યો હતો. આ જ મૃણાલ હતી જેને ફેશન ડીઝાઇનર તરીકે તેં હાયર કરી હતી. તેં એ વખતે કંઇક મારામાં જોયુ હશે ને જેનાથી તારુ ધ્યાન મારી પર કેન્દ્રીત થયુ. એ વખતે મૃણાલને તો તું ઓળખતો પણ નહોતો ને? ત્યારે તું મૃણાલ તરફ નહી પણ એની આવડત તરફ ખેંચાયો હતો ને? તો હવે કેમ આ બધુ આપણી વચ્ચે આડે આવે છે? ખેર જવાદે એ બધો ભૂતકાળ કૈરવ, અત્યારે તો આપણે આન્યાની જ વાત કરીએ. અત્યારે તો આન્યાને એને એનુ બાળપણ જીવી લેવા દે .બની શકે કે આજે અત્યારે એને આ અવનવી દુનિયા જાણવી માણવી ગમતી હોય પણ આવતી કાલે એ એના મિત્ર વર્તુળમાં રહીને કંઈક અલગ જ વિચારવા માંડે.”

“માટે જ, એ આજે આ વિચારે તો કાલે બીજુ કંઇ વિચારે એ પહેલા જ એણે શું બનવાનુ છે એ જ વિચારવા માંડે એ હિતાવહ છે. ઇઝ ધેટ ક્લિયર?”

 

“કૈરવ, આવો વિતંડાવાદ શાને? હું તો બધુ ભુલીને આન્યા સાથે જ સમય ગાળવા માંગતી હતી ને? તેં કીધુ એ દિવસથી “જસ્ટ ફોર યુ”પર જવાનુ ય બંધ કરી દીધુ હતુ ને? જન્મ પછી મેં ય આ બધુ વિસારે પાડી દીધુ હતુ ને? ક્યારેક તેં તો ક્યારેક પપ્પાજી એ કોઇ આઇડીયા આપ્યો અને એમાં મેં સાથ આપ્યો અને હજુ ય તું કહીશ તો આગળ આવા બીજા કોઇ પ્રોજેક્ટ આવશે એ નહી કરીએ.”

“વાહ! મમ્મી જોયુ? મેડમને કોઇ ઇચ્છા જ નહોતી આ તો મારા અને પપ્પા પર જાણે ઉપકાર કરતી હોય એવી વાત થઈ. બોલ્યા- તેં કીધુ એ દિવસથી “જસ્ટ ફોર યુ” પર જવાનુ ય બંધ કરી દીધુ હતુ ને? જન્મ પછી મેં ય આ બધુ વિસારે પાડી દીધુ હતુ ને? ક્યારેક તેં તો ક્યારેક પપ્પાજી એ કોઇ આઇડીયા આપ્યો અને એમાં મેં સાથ આપ્યો અને હજુ ય તું કહીશ તો આગળ આવા બીજા કોઇ પ્રોજેક્ટ આવશે એ નહી કરીએ.” મૃણાલની મજાક ઉડાવતો હોય એમ મૃણાલની જેમ બોલ્યો..

“બસ કર મૃણાલ. આ મન મન ભાવે અને મુંડુ હલાવે એવુ મારી પાસે નહી ચાલે.”

“ કૈરવ, મને નથી ગમતુ એવુ કે માત્ર કોઇના કહેવાથી જ હું આ કરી રહી છું એવુ હું ખોટુ તો નહી જ બોલુ. ખોટો આડંબર કરતા મને આવડતું ય નથી.આન્યા મારો શ્વાસ ને પ્રાણ છે તો મારી કલા ય મારુ વિશ્વ છે.”

“જોયુ મમ્મી, સાંભળ્યુ મમ્મી? તેં ક્યારેય એક મ્યાનમાં બે તલવાર રહેલી જોઇ છે? આન્યા એમનો શ્વાસ ને પ્રાણ છે તો કલા એમનું વિશ્વ છે.. બે ઘોડા પર સવારી કરવી છે એમને. આન્યાના ઓઠા હેઠળ લોકોની વાહ વાહ જીતવી છે. દુધ અને દહીં બંનેમાં પગ રાખવો ય છે અને સાથે એવુ ય નાટક કરવું છે એ માત્ર એમની મરજીથી નથી કરી રહ્યા.”

કૈરવ જ્યારે જ્યારે ઉશ્કેરાતો ત્યારે સીધો તું પરથી તમે પર આવી જતો. મૃણાલને એની ખબર હતી અને સાથે એ ય ખબર હતી કે હવે કૈરવને શાંત પાડવો કેટલો અઘરો હતો. હવે તો કોઇપણ જાતની દલીલ કરીને એને સમજાવવો કોઇ કાળે શક્ય બનવાનુ નહોતુ .માધવીબેન જે રીતે કૈરવનો ઉશ્કેરાટ નિરાંત ભાવે જોયા કરતા હતા એમાં તો એમના તરફથી પણ કૈરવને ઠંડો પાડવાની આશા રાખવી શક્ય દેખાતી નહોતી.

થાકી ગઈ હતી મૃણાલ. ક્યારેય એણે આવુ જોયુ તો શું જાણ્યુ ય નહોતું .કૈરવ ક્યાંથી ક્યાં વાતને લઈ જતો હતો? એને ક્યાં શેનો વાંધો હતો એ ય સમજાતુ નહોતુ, બસ જાણે એક જીદ્દી બાળક કોઇ જીદ પર આવીને અટક્યો હતો. મૃણાલની પ્રતિષ્ઠાને લઈને આ તોફાન આદર્યુ હોય એવી તો મૃણાલને કલ્પના સુધ્ધા મનમાં આવતી નહોતી. પણ હવે એને લાગ્યુ કે આખી વાતનો, આ સમગ્ર ચર્ચાનો આન્યા પાછી આવે એ પહેલા અહીં અંત આવે તો સારુ.

“તો હું શું કરુ તો તને વિશ્વાસ આવશે કે મને મારુ ઘર, તું અને મારી આન્યા જ મહત્વના છે. આ બધુ છોડી દેવામાં મને સાચે જ કોઇ અફસોસ નહી થાય કૈરવ.”

“બસ તો છોડી દે આ જ ક્ષણથી અને તારી જાતે જ બધુ ઉઠાવીને ફેંકી દે. ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી.”

“એટલે ?”

“ કેમ ના સમજણ પડી શું કહેવા માંગુ છું? સીધે સાદી ગુજરાતીમાં તો કહી રહ્યો છું. ઉઠાવ આ બધુ અને ખાલી કરી નાખ .કશું જ ના જોઇએ આજથી આ ક્ષણથી આ ઘરમાં.”

ભોંચક્કી બનીને સ્તબ્ધ બનીને મૃણાલ કૈરવ સામે તાકી રહી. આ શું કહી રહ્યો હતો કૈરવ? આમાં તો આન્યાને પણ કશું લાગે વળગતું નહોતુ તેમ છતાં આન્યા માટે કશું પણ જતુ કરવાની એની પુરતી તૈયારી હતી. પણ આ કૈરવ તો સાવ છેલ્લે પાટલે બેસવાની વાત કરી રહ્યો હતો. મૃણાલને એના અસ્તિત્વથી છુટી પાડી દેવાની વાત કરતો હતો. કેટલાય સમયથી આ રૂમ , આ સ્ટુડીયો હતો કે જેમાં એણે પગ પણ નહોતો મુક્યો પણ એનું બધુ યથાવત હતુ અને હજુ પણ આ બધો અસબાબ એમ જ અકબંધ રાખીને ય એનાથી દૂર રહી શકાય ને? આન્યા આજે નહી તો કાલે મોટી થઈ જશે એ પછી શરૂ કરવામાં શું વાંધો ? એમ તો માધવીબેન ક્યાં ઘર પકડીને બેસી રહેતા હતા? સામાજીક સમારંભોમાં કે પર્સનલ ગ્રુપમાં સમય આપતા તો હતા જ ને? તો પછી એ પોતે કેમ ફરી એની મનગમતી પ્રવૃત્તિ ન કરી શકે?

“જોયુ ને મમ્મી ! હાથીના દાંત બતાવવાના અને ચાવવાના જુદા છે. માત્ર બધુ છોડી દેવાની વાત કરવી છે પણ છોડવાની પહેલ નથી કરવી.”

સ્તબ્ધ મૃણાલને હજુ શું બોલવુ એની સમજણ પડે એ પહેલાં જ કૈરવે બુમ મારી.. “રામજી …..

અને રામજી આવે એ પહેલા એણે જાતે જ આગળ વધીને ઘરના એક રૂમમાં બનાવેલા સ્ટુડીયોમાંથી મૃણાલની ઇઝલ , કેન્વાસ ,કલર્સ ઉપાડીને ફેંકવા માંડ્યુ.

માધવીબેનના પેટમાં ટાઢકનો શેરડો રેડાયો હોય એમ રાજી થયા.. અને જોત જોતામાં રામજી આવે એ પહેલા જ કૈરવ સ્ટુડીયોમાંની દરેક વસ્તુઓ ઉંચકીને કૈરવે ફેંકવા માંડી.

આઘાતથી સ્તબ્ધ મૃણાલ વિફરેલા કૈરવને જોઇ રહી …

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

પ્રકરણ- —૭

जीवन की भाग-दौड़ में – क्यूँ वक़्त के साथ रंगत खो जाती है? हँसती-खेलती ज़िन्दगी भी आम हो जाती है। एक सवेरा था जब हँस कर उठते थे हम और आज कई बार बिना मुस्कुराये ही शाम हो जाती है!! कितने दूर निकल गए, रिश्तों को निभाते निभाते खुद को खो दिया हमने, अपनों को पाते पाते लोग कहते है हम मुस्कुराते बहुत है , और हम थक गए दर्द छुपाते छुपाते……….

આગળ એક શબ્દ પણ ન વાંચી શકી મૃણાલ. આંખમાં ઝળઝળીયા ભરાઇ આવ્યા. એક એક શબ્દ જાણે પોતાના માટે ન લખાયો હોય !જીવનના કેટલા વર્ષો આમ સુનકારભર્યા વિતાવ્યા હશે? સુની આંખે એ દુર સુધી તાકતી રહી. બાલ્કનીમાંથી દુર ઢળતા સૂર્યના તામ્રવણા કિરણો વરલીના દરિયા પર રેલાઇને કંઇક નવી જ આભા ઉભી કરી રહ્યા હતા. બીજી કોઇ ક્ષણ હોત તો મૃણાલને એ મનોરમ્ય દ્રષ્ય કેન્વાસ પર અથવા તો કેમેરાની આંખે ઝીલી લેવાનુ મન થયું હોત પણ બાલ્કનીમાં ઢાળેલી ઇઝી ચેરમાંથી કોણ જાણે કેમ એને ઉઠવાનુ મન જ ન થયું.

“આકર્ષણ પ્રેમ નથી. -પ્રેમ જવાબદારી છે. લાંબો સમય નિભાવાના વચન છે- આકર્ષણ તો ઝાકળના ટીપા જેવુ છે મીરાં, સહેજ તાપ અડે અને એ ક્યાંય ઉડી જાય . જો તને સંપૂર્ણ વિશ્વાસ હોય કે કૈરવને તારા માટે આકર્ષણ નહી સાચો પ્રેમ છે તો તુ એક ક્ષણ પણ વિચારવા ના રહેતી પણ જો તારા મનમાં સહેજ પણ સંશય હોય તો આખુ જીવન વિચારવામાં કાઢી નાખજે ” પપ્પા આવુ જ કંઇક કહેતા હતા ને?

પણ એને જ સમજણ નહોતી પડી કે કૈરવને એના માટે માત્ર આકર્ષણ હતુ કે પ્રેમ અને પોતાને ? આજે આટલા સમય પછી વિચાર કરતા પપ્પાની વાત હજુ હવે સમજાઇ. ખરેખર કૈરવને એના માટે માત્ર આકર્ષણ જ હતુ અને પોતે તો ઝાંઝવાના જળને સાચુ માનીને જીવનભરની પ્યાસ બુઝાવવા દોડી હતી. કૈરવ સાચે જ એના જીવનપથ પર મૃગજળ જ સાબિત થયો હતો.

હજુ તો એ છેલ્લા “દિકરી વ્હાલનો દરિયો” પ્રોજેક્ટની સફળતાના નશામાંથી બહાર આવે એ પહેલા જ કૈરવના જીવનમાંથી બહાર ફેંકાઇ ગઈ હતી.

મૃણાલે એવી વાયકા સાંભળી હતી કે દુર્વાસા ઋષિએ વિવાહ સમયે પ્રતિજ્ઞા કરી હતી કે હું મારી સ્ત્રીના સો અપરાધ સુધી ક્ષમા કરીશ. પ્રતિજ્ઞા પ્રમાણે તેમણે સો અપરાધ માફ કર્યા. પછી શાપ આપી પોતાની સ્ત્રીને ભસ્મ કરી દીધી. પણ અહીં તો દુર્વાસા મુનિ કરતાં ય કૈરવે કાળો કેર વર્તાવ્યો .મૃણાલના કોઇ પણ અપરાધ વગર એનુ જીવન ભસ્મ કરી મુક્યુ હતુ.

સ્ટુડિયોમાંથી મૃણાલના અસબાબને ફેંકતા એ જરાય અચકાયો નહોતો એટલું જ નહી મૃણાલ આડી આવી તો એને પણ ધક્કે ચઢાવી હતી. મૃણાલ માટે એ અપમાન, એ અવહેલના અસહ્ય હતી. આવું ક્યાંય હોઇ શકે? આવું બની શકે? એક ઉચ્ચ પ્રતિસ્થિત –સો કૉલ્ડ ખાનદાન ઘરનો નબીરો આવી ઉતરતી કક્ષાએ જઈ શકે?

“કૈરવ….”

“હવે એક પણ શબ્દ બોલી કે આડી આવી તો તને પણ આ ઘરમાંથી બહાર નિકળવાનું કહી દેતા મને વાર નહી લાગે. કૈરવનો ક્રોધ સાતમા આસમાને પહોંચી રહ્યો હતો. ગુસ્સાથી થરથરતા કૈરવને શું બોલી રહ્યો છે એનું ભાન નહોતું

પણ મૃણાલને તો હતુ ને? એ હવે એક ક્ષણ પણ આ ઘરમાં ઉભી રહી શકે એમ નહોતી.

એણે ડગલું માંડ્યુ ઘરમાંથી બહાર જતા દરવાજા તરફ. એક પળ આન્યાનો વિચાર આવતા એ ખચકાઇ. કૈરવ ક્રોધમાં છે પણ મમ્મી? એમની સમજણ તો અકબંધ છે ને? કૈરવને એ શાંત પાડે અને વાતને વણસતી અટકાવે એ આશાથી એણે માધવીબેન સામે નજર કરી અને એ સ્તબ્ધ બની ગઈ. માધવીબેનના ચહેરા પર વિજયી સ્મિત રમતું હતું.

રામજીકાકા કૈરવની બૂમ સાંભળીને દોડ્યા આવ્યા હતા પણ અહીં જે દ્રષ્ય ભજવાતુ હતું એ એમના માટે અકલ્પ્ય હતું. ક્રોધિત કૈરવનો વિકૃત ચહેરો , કુટિલ સ્મિત ભરેલો શેઠાણીનો ચહેરો અને ક્યારેય ન જોયો હોય એવી હતાશાભર્યો મૃણાલનો ચહેરો આ ઘરમાં આવનાર આંધીના એલાન સમો ભાસતો હતો. એને સમજણ પડતી નહોતી કે એણે શું કરવાનું છે કે કૈરવે એને કેમ બૂમ પાડી હશે. આટલા વર્ષોથી આ ઘર સાથે જોડાયેલો રામજી એટલું તો સમજી ગયો કે અહીં ઉભા રહેવામાં સાર નથી. વળતી પળે એ પાછો ફરી ગયો અને એની નોંધ સુધ્ધા કોઇએ ન લીધી.

હતપ્રભ મૃણાલને ધક્કો મારતા હોય એવા માધવીબેનના શબ્દો એના કાને અફળાયા. “કૈરવ જોજે એકપણ આ આડા અવળા કાબર ચિતરા લીટીવાળા કાગળીયા કે રંગોના કુચડા રહી ના જાય ઘરમાં નહીં તો પાછી એની એ રામાયણ ઉભી ને ઉભી જ રહેશે.”

આ આવી ભાષા? આવા શબ્દો? કૈરવના વિકૃત ચહેરા કરતા પણ વધારે વરવા લાગતા હતા. મૃણાલ સમજી શકતી હતી કે આ ઘરમાં એનું કે એની કલાનું સન્માન ક્યારેય હતુ જ નહીં અને ભવિષ્યમાં થવાનું પણ નથી. આ ઘર સાથે એને જોડી રાખે એવી જો કોઇ કડી હોય તો એ માત્ર આન્યા જ છે અને રહેશે.

અત્યંત કપરી ક્ષણો હતી મૃણાલ માટે આ… એનું ઘર તુટી રહ્યું હતુ, એનો સંસાર વેર-વિખેર થઈ રહ્યો હતો.

આ ઘર હવે એનું હતું જ નહી. હવે આવતી તમામ ક્ષણો પછી આ ઘરમાં એનું સ્થાન પણ નિશ્ચિત હતું જ નહી અને છતાં ય કોઇ કડી હતી જે એને બાંધી રાખતી હતી. પગમાં બેડી પડી હોય એમ એના પગ જકડાઇ રહ્યા હતા.

આન્યા…..

“કેમ કોની રાહ જુવે છે? મૃણાલના મને સવાલ કર્યો..

દિલ અને દિમાગ બંને જુદી દિશામાં દોડી રહ્યા હતા. મન કહેતું હતું કે “મૃણાલ બહુ થયુ , હવે આનાથી વધારે અપમાન નહી સહન થાય અને હ્રદય માનતું નહોતુ. મુણાલ એ ય જાણતી હતી કે કૈરવ નામના પુરુષને સમાધાન હંમેશા મંજૂર છે જો એ સામે પક્ષેથી થતુ હોય તો. અને મૃણાલ તો એના માટે ય તૈયાર હતી પણ અવકાશ તો હોવો જોઇએ ને?

અહીં જે ઝડપે કૈરવ મૃણાલની દુનિયાનો નાશ કરવા બેઠો હતો એ જોઇને એની કૈરવ પાસે જવાની ય હિંમત રહી નહોતી.

“દિકરી વ્હાલનો દરિયો” પ્રોજેક્ટ માટે કરેલા આન્યાના તમામ સ્કેચ અને પેઇંટીંગ્સ સિવાય એક સ્કેચ મૃણાલે પોતાના માટે બનાવ્યો હતો. એ દિવસે ઉંઘમાંથી ઉઠેલી આન્યાના માસુમ ચહેરા વિખરાયેલા વાળ અને છલકતી તાજગી ,બગાસુ ખાવા ખુલેલા મ્હોંમાંથી દેખાતી દંત પંક્તિઓ અને મમ્મી તરફ તાકી રહેલી નજર…….મૃણાલનું માતૃત્વ ધન્ય બની ગયુ અને એક તસવીર ઉભરી આવી કેન્વાસ પર.

આ ચિત્ર મૃણાલે પોતાના માટે જ રાખ્યુ હતુ અને હવે કૈરવ એ સ્કેચ ઉઠાવી રહ્યો હતો. અંદરથી ધક્કો વાગ્યો હોય એટલી તિવ્રતાથી મૃણાલ આગળ વધી અને કૈરવના હાથમાંથી એ સ્કેચ આંચકી લીધો.

“કૈરવ, બસ! ઇટ્સ ઇનફ….” કયા જોરે કયા બળે એણે કૈરવનો સામનો કર્યો ?પણ એણે એ સ્કેચ કૈરવના હાથમાંથી લગભગ આંચકી લીધો હોય એમ લઈ લીધો અને સડસડાટ ઘરની બહાર નિકળી ગઈ. આજે એના બેડરૂમમાં આન્યાને છેલ્લે જોઇ એ દિવસની આન્યાનો લેમીનેટ કરેલો વિશાળ સ્કેચ એજ એના સૂના જીવનમાં પ્રાણ પુરી રહ્યો હતો. કહો કે એને જીવવાનું બળ પુરૂ પાડી રહ્યો હતો. પ્રકરણ -૮

એ રાત્રે એક હાથમાં છાતી સરસો જડેલો આન્યાનો સ્કેચ લઈને એ બહાર તો નિકળી પણ કઈ દિશામાં જવુ એની અવઢવ સાથે એ બંગલાના ગેટની બહાર ઉભી રહી , જરા વાર અને પાછુ જોયા વગર એ આગળ વધવા માંડી. ત્યાંજ સામે તેજ લિસોટા સાથે આવતી કાર શોર્ટ બ્રેક સાથે એની પાસે ઉભી રહી. ડ્રાઇવરનો કાર પર અને બ્રેક પર કમાન્ડ જ કદાચ એટલો હશે નહીંતો રઘવાઇ બનેલી મૃણાલના છેક પગ પાસે આવેલી કાર સાથે એ અથડાઇ હોત.

કારની હેડ લાઇટ્સમાં એની આંખો અંજાઇ ગઈ હતી અને પોતે તો સાવ જ બઘવાઇ ગઈ હતી કે બૂત બનીને ઉભી રહેલી મૃણાલને કારની ડ્રાઇવર સાઇડનું બારણુ ખોલીને અજયભાઇ સામે આવ્યા ત્યાં સુધી સામે કોની કાર છે કે કારમાં કોણ છે એનો ય વિચાર ન આવ્યો.

“મૃણાલ !!!!”

“મૃણાલ …..” અજયભાઇએ એને હડબડાવી મુકી ત્યારે એ સ્તબ્ધતામાંથી જાગી હોય એમ એમની સામે તાકી રહી.

પળવારમાં અજયભાઇ પરિસ્થિતિ પામી ગયા.

“છેવટે મેં ધાર્યુ હતુ એ અણધાર્યુ બન્યુ ખરું. મનોમન એમનાથી નિશ્વાસ નખાઇ ગયો.

કૈરવ સાથે કેટકેટલી વાર ચર્ચા કરી હતી? કૈરવમાં ઉકળતા લાવા સામે કેટલીવાર લાલ બત્તી ધરી હતી? અંતે તો કૈરવે જીદ પર આવીને જે ધાર્યુ હતુ એ કરીને જ રહ્યો.

“મૃણાલ, ચાલ…” એનું બાવડું પકડીને મૃણાલને પેસેન્જર સાઇડ પર બેસાડી અને પોતે ડ્રાઇવિંગ સાઇડ પર ગોઠવાયા. કાર ચાલુ કરીને ઘર તરફ હાંકે એ પહેલાજ મૃણાલે એમનું બાવડું સજ્જડ રીતે પકડી લીધુ જાણે એના જોરથી કારને બ્રેક ન લાગવાની હોય?

“ના , પપ્પાજી હવે નહી અને હવે પછી પણ નહી. એકવાર એ ઘરનો ઉંબરો છોડીને નિકળી છુ ત્યાં મારા પગ પાછા નહી ફરે” કહેતા મૃણાલ હિબકે ચઢી.

સારું હતું કે આઇસ્ક્રીમ ખાઇને પાછલી સીટ પર ગાઢ નિંદરમાં પોઢેલી આન્યાના કાન સુધી એના ડુસકા કે અસ્પષ્ટ અસ્ફુટ રીતે બોલાયેલા શબ્દો પહોંચતા નહોતા અને મૃણાલ પણ જાણે આન્યાના અસ્તિત્વથી બેખબર હોય એમ ધ્રુસ્કે ચઢી હતી.

ફરી એકવાર અજયભાઇથી સજ્જડ બ્રેક મરાઇ ગઈ. કાર બંગલાના ગેટથી લગભગ થોડે દૂર આવીને ઉભી રહી ગઈ.

“ઘર છે એ તારું મૃણાલ અને ઘરની લક્ષ્મી ઘરમાં જ શોભે”

“પપ્પાજી, હવે નથી એ મારું ઘર અને ઘરની લક્ષ્મી તો ક્યારેય સ્વીકારાઇ જ નહોતી નહીંતર આમ અડધી રાતે એને આમ રાતે પાણીએ રોવાનો વારો જ ન આવ્યો હોત ને? બસ પપ્પાજી, હવે મને એક શબ્દ ન કહેશો.” અને મૃણાલ બારણું ખોલીને ઉતરવા ગઈ. અજયભાઇએ ફરી એકવાર એનું બાવડું પકડીને રોકી.

“બેસી રહે મૃણાલ” અને એમણે કાર થોડી રિવર્સમાં લઈ શ્રીકાંતના ઘર તરફ હાંકી. વચ્ચેનો સમય અત્યંત ભાર અને ઉદ્વેગ ભર્યો પસાર થઈ ગયો. ન તો મૃણાલ એક શબ્દ બોલી કે ન તો અજયભાઇએ એને એક સવાલ કર્યો પણ કાર ચલાવતા એક હાથે અજયભાઇએ મૃણાલનો હાથ અત્યંત વ્હાલથી પસવાર્યા કર્યો. મૃણાલ પણ આ સ્પર્શમાં એક બાપની હતાશા, એક સંવેદનશીલ વ્યક્તિની સંવેદના અનુભવી રહી.

ઘરના ઝાંપાની બહાર દૂરથી જ બે નાનકડી આંખો તગતગતી દેખાઇ. ઘરના ગેટની એક બાજુના પિલર પર આફ્રીકન આદીવાસીનું લાકડાનું મહોરુ લગાડેલું હતુ . મ્હોં અને આંખની જગ્યાએ બાકોરા હતા અને એ આંખના બાકોરામાં બે નાના બલ્બ મુકેલા હતા અને એની ઉપર લાલ જીલેટીન લગાવ્યું હતું દૂરથી જોનારને ય એ બે તગતગતી આંખો જાણે વશીકરણ કરતી હોય એમ દેખાતી.

ઘરના ગેટ પાસે આવીને અજયભાઇએ કાર રોકી અજયભાઇ બારણું ખોલીને ઉતરે એ પહેલા મૃણાલે અજયભાઇના હાથ પર સધિયારો આપતી હોય એમ હાથ મુક્યો અને બારણું ખોલીને ઉતરી અને બોલી ..

“બસ, પપ્પાજી. તમે અહીંથી પાછા વળી જાવ. હું નથી ઇચ્છતી કે આ ક્ષણે તમારે મમ્મી-પપ્પાના કોઇપણ સવાલોનો સામનો કરવો પડે.”

અને પાછલું બારણું ખોલીને એ ઉંઘતી આન્યાને ઉચકવા નીચે નમી.

“ બસ મૃણાલ દિકરી અહીંથી જ અટકી જા. હું પણ નથી ઇચ્છતો કે હવે પછીને ક્ષણે તારે કે મારે કૈરવનો સામનો કરવો પડે.”

“પપ્પાજી ?? આટલા આઘાતો ઓછા હોય એમ આ નવા આઘાતે તો મૃણાલને સાવ જ દિગ્મૂઢ કરી નાખી.

“ જો બેટા, હું કશું જ જાણતો નથી અને મારે કશું જાણવું પણ નથી પણ શું બન્યુ હશે એ હું કલ્પી શકું છું. અત્યારે આન્યા વગર ખાલી હાથે પાછો ફરીશ તો ઘરમાં નવેસરથી પલિતો ચંપાશે અને એના છાંટા તને, આન્યાને અને આખા ઘરને ભસ્મીભૂત કરી મુકશે. મારું આટલું માન રાખ દિકરી ,થોડી ધીરજ ખમી ખા. પરિસ્થિતિ સહેજ ઠંડી પડવા દે, થાળે પડવા દે .એક બાપનું તને વચન છે એ ઘરમાં તું પાછી હોઇશ.”

“પપ્પાજી એવા કોઇ વચન ન આપો જેમાં તમારે નિરાશ થવાનું આવે. આજ સુધી આન્યા અને તમારા લીધે જ હું ત્યાં રાજી હતી પણ હવે મારે જ એ ઘરમાં પાછા નથી આવવું એ તમને મારું ય વચન છે.”

“મૃણાલ……” અવાજ ફાટી ગયો અજયભાઇનો અને મૃણાલ સડસડાટ કરતી ગેટ ખોલીને અંદર જતી રહી.

રાત્રે અગિયાર વાગે ક્યારેય આ ઘરમાં બેલ વાગ્યો નહોતો. શ્રીકાંત અને ગાયત્રી બંને સફાળા જાગ્યા.

“મૃણાલ !!!!” મૃણાલ એકપણ શબ્દ બોલ્યા વગર સીધી સડસડાટ એના રૂમમાં જતી રહી અને એની પાછળ પાછળ દોડેલા શ્રીકાંત કે ગાયત્રીનું ધ્યાન પડે એ પહેલા એક કાર ધીમી ગતિએ સરકી ગઈ.

મૃણાલે અજયભાઇને આપેલું વચન એણે હંમેશા નિભાવ્યું એ ઘરમાં ક્યારેય એ પાછી ગઇ જ નહીં.

****

એક વાવાઝોડું ફુંકાઇ જાય અને આખી સૃષ્ટીને ખેદાન-મેદાન કરી નાખે અને એ પછીની સ્મશાનવત શાંતિ ઘરમાં ફેલાયેલી હતી. એ શાંતિને ચિરતો કારની બ્રેકનો અવાજ સાંભળીને કૈરવ ઉંડા વિચારોમાંથી સફાળો જાગ્યો. વિનાશ કાળે વિપરીત બુધ્ધિની જેમ એ સમયે કૈરવની બુધ્ધિ સાન-ભાન ગુમાવી બેઠી હતી અને ન બનવા જોગ બની ગયું હતું પણ એ પછી ડૅડીને શું જવાબ આપવો ?

એને અને માધવીબેન બંનેને ખબર હતી કે અજયભાઇ તદ્દન નિષ્પક્ષ રીતે વિચારી શકતા હતા અને જે સાચુ લાગે એ જ કરવામાં માનતા હતા .આજે જે બની ગયું હતું એ સાવ તો અણધાર્યું એ બંને માટે નહોતું પણ આ ઘર માટે, ડેડી માટે, મૃણાલ માટે અને આન્યા માટે તો હતું જ તો. એના પ્રત્યાઘાતો કેવા આવશે એની કલ્પના કરવી ય અઘરી નહોતી.

આન્યાને ઉચકીને અજયભાઇ ઘરમાં પ્રવેશ્યા અને હળવેકથી દાદરા ચઢીને ઉપર પોતાના બેડરૂમમાં જઈ આન્યાને પોતાના બેડ પર આસ્તેથી સુવડાવી.

બાથરૂમમાં જઈ શાવર લઈ નાઇટ ડ્રેસ પહેરીને આન્યા સાથે સુઇ ગયા.

ઘણી બધી વાર સુધી ડેડી નીચે ન આવ્યા કે ન કોઇને બોલાવ્યા. હવે માધવીબેન અને કૈરવ મુંઝવણમાં પડ્યા. ભેંકાર શાંતિનો ય ખળભળાટ હોઇ શકે? મા-દિકરો એકબીજાની સામે મ્હોં વકાસીને જોઇ રહ્યા.

અંતે માધવીબેનથી ન રહેવાયુ. ડરતા ધીમા ડગે એ ઉપર ચઢ્યા. રૂમનું બારણું ધકેલીને અંદર પ્રવેશ્યા. કિંગ સાઇઝના ડબલ બેડ પર આન્યા અને અજયભાઇને સુતેલા જોઇને એ ખમચાયા. આગળ અજયભાઇ તરફ વધે એ પહેલા જ અજયભાઇ બોલ્યા. “આજથી આન્યા મારી સાથે સુઈ જશે. તમે તમારી વ્યવસ્થા બીજા રૂમમાં કરી લેજો.”

આવો તલવારની ધાર જેવો અજયભાઇનો અવાજ ભાગ્યેજ નિકળતો પરંતુ જ્યારે અવાજમાં એ ધાર આવે ત્યારે એમના અવાજ કે નિર્ણયનું ઉલ્લંઘન કરવાની હિંમત માધવીબેન કે કૈરવ બંનેમાં નહોતી.

જેવા આવ્યા હતા એવાજ ધીમા પગલે એ પાછા ફરી ગયા.

એ રાત પછીના બીજા દિવસની સવારે પણ અજયભાઇએ ન તો માધવીબેન સાથે મૃણાલ અંગે કોઇ વાત કરી કે ન તો કૈરવને એક પણ સવાલ પુછ્યો.

એ દિવસથી અજયભાઇએ કૈરવ સાથે વાત કરવાનું બંધ કરી દીધુ અને માધવીબેનની તો સામે પણ જોવાનું ટાળવા માંડ્યુ.

એ દિવસથી અજયભાઇની દિનચર્યા આન્યા માટે, આન્યાની આસપાસ ગુંથાવા માંડી.

એ દિવસે સવારે આન્યા ઉઠે એ પહેલા જ રૂમમાં એના માટે હોટ બોર્નવિટા અને કેક રસ્ક મંગાવી લીધા. રામજી ચુપચાપ ટ્રે માં બધુ ગોઠવીને લઈ આવ્યો ત્યારે એક નાની પ્લેટમાં પલાળેલી બદામ પણ હતી.

રામજીને ખબર હતી કે મૃણાલ સવારે દુધ સાથે બદામ પણ આપતી. એ સિવાય રામજીને એ પણ ખબર હતી કે મૃણાલ આન્યા નાહીને તૈયાર થાય એટલે એને કોઇપણ બે ફ્રુટ્સ પણ આપતી. આન્યા માટે શું કરવું એની રામજીને બધી ખબર હતી અને આટલા વર્ષો આ ઘરમાં રહ્યા પછી હવે રામજીને એ પણ ખબર હતી કે હવે એના માથે બીજી કઈ જવાબદારી આવવાની છે.

અને સાચે જ અજયભાઇએ રામજીના માથે ઘણી બધી જવાબદારી મુકી દીધી. એમનો ઘરનો વ્યહવાર રામજી થકી સરળતાથી નિભાવા માંડ્યો.

આન્યાને તૈયાર કરીને એને સ્કુલે મુકીને એ ઓફિસ જતા અને આન્યાને સ્કુલેથી પાછી લેવાના સમયે એ ઓફિસમાંથી નિકળી જતા. એમના દિવસો આન્યા અને માત્ર આન્યામય બનતા ચાલ્યા પણ આન્યાની ભિતરમાં એક ન સમજાય એવી ગુંચવણો ઉભી થવા માંડી.

સવારે ઉઠીને સીધી બૂમ મારી “ મમ્મા…..”પણ આજે એ મમ્માની સાથે મમ્માની રૂમમાં નહોતી. આજે તો એ દાદાજીના રૂમમાં દાદાજી સાથે હતી અને તો ય એના માટે હોટ બોર્નવિટા , કેક રસ્ક અને બદામ તૈયાર હતા.

“ મમ્મા ક્યાં છે?”

“તને તારી મમ્મા કેટલી ગમે છે?” દાદાજી એ સામજાવવાનું ચાલુ કર્યુ.

બે હાથ પહોળા કરીને આન્યાએ બતાવ્યુ “ આટલી બધી”.

“તને મમ્મા પાસે કેટલુ રહેવુ ગમે ?”

“આટલુ બધું” ફરી એકવાર બે હાથ પહોળા કરીને આન્યાએ જવાબ આપ્યો.

“તો મમ્માને એની મમ્મા પણ કેટલી ગમે?”

“આટલી બધી”

“અને મમ્માને એની મમ્મા સાથે રહેવુ કેટલું ગમે?”

“આટલું બધું”.

અરે ! આટલી વાતની દાદાજીને ખબર નથી ? આન્યાને દાદાજીના અજ્ઞાન માટે અચરજ થતું હતું

“તો પછી બેટા મમ્મા પણ ક્યારેક એની મમ્મા પાસે રહેવા જાય કે નહીં?”

“આન્યાને કીધા વગર? આન્યાને લીધા વગર?” ઘરમાં બધા એને નામથી બોલાવતા એટલે એ પોતે પણ એની વાત કરવા માટે નામનો જ ઉપયોગ કરતી થઈ હતી. આજ સુધી એવું તો ક્યારેય બન્યુ નહોતુ કે આન્યા ઘરમાં હોય તો મૃણાલ એને લીધા વગર નાનીના ઘેર ગઈ હોય. હા! પપ્પા તો ક્યારેય નહોતા આવતા.

“અને પપ્પા?” તરત જ બીજો સવાલ.

“પપ્પા એમના રૂમમાં તૈયાર થાય છે. પણ મમ્માએ આન્યાનું ધ્યાન રાખવાનું દાદાજીને કીધુ છે ઑ કે?”

“પણ મમ્મા ક્યારે પાછી આવશે? આઇ વૉન્ટ મમ્મા.” કહીને આન્યાએ ભેંકડો તાણ્યો.

આન્યાના રડવાનો અવાજ સાંભળીને કૈરવ અને માધવીબેન દોડી આવ્યા પણ જે નજરે અજયભાઇએ એ બંનેની સામે જોયુ એ બંને ત્યાં જ થીજી ગયા.

એ ઘરમાં એ દિવસથી એક મૌન સન્નાટો પણ થીજી ગયો.

એવો બીજો મૌન સન્નાટો શ્રીકાંત ગાયત્રીના ઘરમાં પણ થીજી ગયો હતો.

પ્રકરણ ૯

અડધી રાતનું મૃણાલનું આગમન કંઇ શુભ તો નહીં જ હોય એમ માનતા શ્રીકાંત અને ગાયત્રીને જરાય વાર ન લાગી. પરંતુ હાલ પરત્વે ,આ પળે મૃણાલને એક પણ સવાલ કરવાનું બંને એ ટાળ્યુ હતું .સડસડાટ પોતાના રૂમમાં પહોંચી ગયેલી મૃણાલ સ્વસ્થ થાય ત્યાં સુધી ધીરજ રાખવાની સમજૂતી એ ચારે આંખોમાં ઝબકી ગઈ.

“મીરાં, તારો જીવનપથ તેં જાતે કંડારી લીધો છે. તું હંમેશા સુખી રહે એવા સાચા મનના અમારા તને આશીર્વાદ છે.પણ ક્યારેય આ રસ્તે ચાલતા તને ઠોકર લાગે તો એક વાર પણ વિચારવા ન રહેતી. આ ઘર હંમેશા તારું જ છે અને આ ઘરના દરવાજા હંમેશા તારા માટે ખુલ્લા છે એટલો વિશ્વાસ દિકરી મનમાં કાયમ રાખજે”

લગ્ન કરીને વિદાય લેતી દિકરીને શ્રીકાંતે એક પળ માટે રોકી લીધી હતી. કોણ જાણે કેમ પણ કૈરવ પરત્વે એમનો એ વખતે ય મૃણાલ જેટલો વિશ્વાસ ઉભો જ નહોતો થઈ શકતો.

ગાયત્રીએ ફ્રીજમાંથી ઠંડા પાણીનો ગ્લાસ ભરીને મૃણાલના હાથમાં થમાવ્યો. એકી શ્વાસે સદીઓની તરસ બુઝાવતી હોય એમ મૃણાલ પાણી ગટગટાવી ગઈ. ગાયત્રીબેને એની બાજુમાં બેસીને એનો હાથ હાથમાં લીધો. પા પા પગલી ચાલતા શીખતી મૃણાલ જે વિશ્વાસથી મા નો હાથ પકડી લેતી એટલા જ વિશ્વાસથી મૃણાલે એ હાથ થામી લીધો.

આજે પણ મૃણાલનો રૂમ એમ જ અકબંધ સચાવાયેલો હતો. બસ ખાલી એમાં આન્યાને ઉંચકીને લઈને ઉભેલી મૃણાલની બંને બાજુએ શ્રીકાંત અને ગાયત્રીનો વ્હાલસોયો ઉમેરો થયો હતો એ જીવંત તસ્વીર આ રૂમને વધુ જીવંત બનાવતી હતી. શ્રીકાંત અને ગાયત્રીએ મૃણાલના રૂમની એક દિવાલ પર મૃણાલના નાનપણથી માંડીને વિદાય સમયના કેટલાક લાક્ષણિક ફોટાઓના મેળવીને એ કૉલાજથી મૃણાલની યાદો વધુ ઉપસાવી હતી. કેટલીય આનંદની પળોમાં ગાયત્રીએ શ્રીકાંતને આ કૉલાજ સાથે વાતો કરતા જોયા હતા.

હળવેકથી શ્રીકાંતભાઇ ઉભા થઈને એમના રૂમમાં ચાલ્યા ગયા અને ગાયત્રીએ મૃણાલના હાથમાંથી આન્યાનો પોટ્રેટ લઈ બાજુમાં મુકી મૃણાલને એના બેડ પર સુવડાવીને પોતે પણ એની બાજુમાં સુઇ ગયા.

મા ની જોડે, મા ના આગોશમાં મૃણાલને શાતા વળી પણ આંખોમાં ઉંઘનું નામ નિશાન નહોતું. ક્યાંથી હોય? બળબળતી આંખોમાં ભડ-ભડ સળગતા સંસારની રાખ લેપાઇ ગઈ હતી. અને એ રાખોડી આવરણની પેલે પાર આન્યાનો માસુમ ચહેરો ,નિર્દોષ આંખોની મસ્તી , બોર્નવિટા પીધેલા મ્હોં ની સુગંધ એકદમ અનુભવી શકતી હતી. મન પર બાઝેલો ડૂમો બહાર છલકાઇ જાય એ પહેલા એણે જબરદસ્તીથી આંખો મીંચી દીધી.

એણે તો આંખો મીંચી દીધી પરંતુ બાજુમાં સુતેલી ગાયત્રી કે બાજુના રૂમમાં સુતેલા શ્રીકાંતની આંખોમાંની નિંદર વેરણ થઈ ગઈ હતી.

વહેલી સવારે ગાયત્રી ઉઠીને બહાર આવી , હળવેથી રૂમનું બારણું બંધ કર્યુ. શ્રીકાંતભાઇ તો એ પહેલા જ ઉઠીને ચા તૈયાર કરવા માંડી હતી. ઘણીવાર શ્રીકાંતભાઇ સવારની આદુ-ફુદિનો અને ઘરની પાછળ ઉગાડેલી લીલી ચા નાખીને ચા બનાવતા. મૃણાલને શ્રીકાંતભાઇએ બનાવેલી ચા ખુબ ગમતી.

ચા નો કપ નાક પાસે લઈને ઉંડો શ્વાસ ભરી લેતી. “પપ્પા, આ સુગંધથી જ એકદમ તાજગી આવે છે. જાદુ છે તમારા હાથમાં”

“જાદુ નહી બેટા તમારા માટેનો પ્રેમ છે.”

શનિ-રવિવારની સવારે આવી કડક મીઠી ચા સાથે ગાયત્રી કશોક ગરમ નાસ્તો બનાવતી અને જુદા જુદા વિષયો પર ચર્ચાઓ ચાલતી અને ત્યારે એ સૌની સવાર પણ કડક મીઠી બની જતી. ગાયત્રીએ બોલ્યા ચાલ્યા વગર એક બાજુ સ્ટ્ફ પરાઠાની તૈયારી કરવા માંડી. મૃણાલ ઉઠી ત્યારે ચા ના ટેબલ પર બધુ જ તૈયાર હતું પણ માનસિક રીતે કોઇ કોઇની સાથે વાત કરવા કે મૃણાલ પાસે જે અનહોની બની ગઈ એ ઉખેળવા તૈયાર નહોતા.

મૃણાલની કોરી ધાકોર આંખોમાં  શૂન્યાવકાશ છવાયેલો હતો. આ  શૂન્યાવકાશના પડળ છેદાતા કેટલો સમય લાગશે? પણ જે સમય લાગે એ સમય મૃણાલને આપવો એવી સમજૂતી બંને એ કરી લીધી હતી.

મૃણાલે ઉઠીને ચુપચાપ ટેબલ આવીને ચા પી લીધી. બીજો કોઇ સમય હોત તો એણે ચાની મીઠી સોડમ ફેફસામાં ભરી લીધી હોત પણ ના! એણે એવું કશું જ કર્યા વગર ચા પી લીધી અને સીધી શાવરમાં જતી રહી.

થોડીવારે શ્રીકાંતભાઇના સેલફોન પર અજયભાઇનો મેસેજ ઝબક્યો.

“આઇ વૉન્ટ ટુ ટોક ટુ યુ. કેન આઇ?”

શ્રીકાંતભાઇ ઉભા થઈને પોતાના બેડરૂમમાં ચાલ્યા ગયા અને એમણે જ અજયભાઇને ફોન જોડ્યો. હાથ બહાર ગયેલી પરિસ્થિતિ અંગે જે કંઇ સાંભળ્યુ એ એમની ધારણા બહારનું હતું . ઉંડો શ્વાસ લઈને એમણે અજયભાઇને કહ્યું

“જેવા મારી દિકરીના નસીબ.”

“એ મારી પણ દિકરી છે અને રહેશે.. એની અમાનત મારી પાસે છે. આન્યાનો ઉછેર મારી જવાબદારી છે.”

****

હવે સવાલો પુછીને મૃણાલનો ઘા ખોતરવાની કોઇ જરૂર નહોતી ..જરૂર હતી એને માનસિક સધિયારો આપીને સ્વસ્થ બનાવવાની.

દુઃખનું ઓસડ દહાડા.

ધીમે ધીમે મૃણાલની કોરી સપાટ ભાવ વિહોણી આંખોની શૂન્યતા ઓગળતી હતી અને એના બદલે ક્યારેક આછી ભીનાશ, આંસુઓની તરલતા દેખાતી હતી. પણ હજુય મૃણાલ મૌન હતી. શ્રીકાંતભાઇએ અજયભાઇ સાથે થયેલા વાત ઉખેડવાનું હાલ પુરતું માંડી વાળ્યું હતું.

“મીરાં , તું તો મારી બહાદ્દુર દિકરી છો ને? કોઇપણ પરિસ્થિતિમાં સ્વસ્થતા જાળવવાનું નાનપણથી તને શિખવ્યું છે અને તું એકલી ક્યાં છું ? હું તારી મમ્મી અને અજયભાઇ હર હાલમાં તારી સાથે છીએ એટલો તો તને વિશ્વાસ હોવો જોઇએ.”

અજયભાઇનું નામ સાંભળીને મૃણાલે શ્રીકાંતભાઇ સામે નજર માંડી.

“ હા દિકરા, એમણે મને બધી જ વાત કરી છે.

એ અને આન્યા તારા વગર સુના છે. કોઇ પ્રતિભાવ આપ્યા વગર મૃણાલ એકી ટશે શ્રીકાંતભાઇ સામે તાકી રહી.

“સમય સમયનું કામ કરશે દિકરા.” શ્રીકાંતભાઇએ મૃણાલના માથે હાથ મુકીને સધિયારો આપ્યો.

ધીરે ધીરે મનનો લાવા મનમાં જ ધરબી દઈને મૃણાલ સ્વસ્થ થવાનો આયાસ કરવા માંડી હતી અને આંશિક રીતે એ એમાં સફળ થઈ રહી છે એવુ શ્રીકાંતભાઇ અને ગાયત્રીબેન પણ અનુભવી રહ્યા હતા.

બસ એક ચિંતા સતત કોરી ખાતી હતી કે આન્યા વગર મૃણાલ અને મૃણાલ વગરની આન્યા કેટલા સોરાશે ?

અઠવાડીયું વીત્યુ હશે અને ગાયત્રીબેને આન્યા વિશે મૃણાલને પુછ્યુ “બેટા લગ્ન જીવનમાં કૈરવ શ્રીકાંત જેવો નથી એ વાત આન્યા જ્યારે મોટી થશે અને પુછશે ત્યારે તું કેવી રીતે સમજાવીશ?”

“ એને સમજણી તો થવા દે મમ્મી!”

“પણ કૈરવ એના મનમાં તારા વિશે એટલું બધું વખ ઘોળશે કે તે તારો મુદ્દો સમજી જ નહીં શકે અને તને કાયમ જ દોષી ના સમજે તેટલા તો સંબંધો રાખ.”

“ મમ્મી તું તો નસીબદાર છે તને પપ્પા જેવા પતિ મળ્યા પણ હું એટલી નસીબદાર નથી તે સત્ય સ્વીકારને!”

“હા. મેં એ સત્ય તો અઠવાડીયા પહેલા તું જે મુંઝાયેલી અને કકળતી હાલતમાં આવી ત્યારે જ સમજી ગઈ હતી. પણ કુંઠીત અવસ્થામાં કંઇ જિંદગી ન જાય.”

“ મમ્મી હું તારી અને શ્રીકાંત શ્રોફની દિકરી છું ને? મને સમજાતું નહીં હોય? પણ સત્ય જે છે તે છે જ. એને હું એના ઘરમાં ટ્રોફી બની ને જ રહું એટલું જોઇએ છે. જે મારે માટે શક્ય જ નથી. તેને તેના પુરુષ હોવાનું ભલે અભિમાન હોય પણ હું તેના આવા ધમપછાડાથી શું કામ ડરું? અને વાત જ્યાં સુધી મારા પુરતી કે મારા કામ પુરતી હોત તો મેં એ પણ જતું કરી લીધું હોત. એણે કદાચ મને પ્રેમથી આ બધું છોડી દેવાનું કહ્યું હોત તો એના પ્રેમ એના માન-સન્માનને અનુલક્ષીને મેં પળ વારમાં જતું કર્યુ હોત. પણ તને ખબર નથી મમ્મી વાત ક્યાંથી શરૂ થઈ ને ક્યાં પહોંચી હતી. અને એ વખતે કોઇપણ સ્વમાની વ્યક્તિ જે પગલું ભરે એ પગલું મેં લીધુ છે. મન મોતી અને કાચ એકવાર તુટે પછી કોઇ સાંધો કે રેણ એને જોડી શકતું નથી. કદાચ જો જોડાય પણ ને તો એમાં રહેલી તિરાડ દેખાયા વગર રહેતી નથી. એટલે બસ ! મા હવે આમાં ક્યાંય મારા પાછા ફરવાનો અવકાશ છે જ નહીં તું નાહક જીવ બાળીશ નહીં ”

ગાયત્રીબેન મૃણાલનાં દ્રષ્ટીબિંદુ ને સમજી રહ્યા હતા.

“પણ હજી આન્યા નાની છે અને તેને માની જરૂર વધારે છે.”

“મમ્મી તે વાત કૈરવ સમજે છે અને તેને પોતાની બાજીનો એક્કો સમજે છે. એક બાજુ ટપલી મારવાની અને રાહ જોવાની કે તેને હું આન્યાને લીધે સહન કરી લઉ.. છેલ્લા પાંચ વર્ષો થી આજ ચાલતું હતું ને….”.

“હેં? ગાયત્રીબેનની આંખો ફાટી ગઈ..તે બેટા તેં અમને કદી કહ્યું પણ નહીં?”

“જો મમ્મી હું ઇચ્છતી હતી કે જો તેનો પ્રેમ સાચો હશે તો તે કદીક વળશે…આન્યાને જોઇને મારે માટે ગાંડો ગાંડો થશે તેવી મારી કલ્પનાઓ ખોટી નીકળી … તેને તો છોકરો જોઇતો હતો એની મમ્મીને રાજી રાખવા…શેઠ કુટુંબને વારસદાર આપવાનો હતો. મમ્મી ગમે તેટલા ધન-સંપત્તિથી ઉંચા હોય પણ તેમનામાં સ્ત્રીને તેમનાથી નીચી રાખવાની વૃત્તિ હજુ સુધી ગઈ નથી .”

“બેટા! અમને તારી ચિંતા થાય એટલે અમને કહેવાનું નહીં તેવું નહીં રાખવાનું બેટા.. શક્ય છે આ મા પણ તું વિચારે છે તેથી જુદું કંઇ વિચારી શકે.”.

“મમ્મી હવે તમારે કંઇ વિચારવાનું નથી. ખાસ કરીને મારા ભવિષ્યની ચિંતા તો કરશોજ નહીં. મને છેલ્લા શૉમાં જાપાનથી અને અમેરિકાથી ઓફરો આવી છે. નવી ટેકનોલોજી અને નવા આસમાન ખુલી રહ્યા છે.”

“પણ બેટા આન્યાનું શું?”

“ત્યાં જ તો અટકીને બેસી ગઈ છું મમ્મી. મને જ્યારે જ્યારે આન્યા યાદ આવે છે ત્યારે આંખમાં લાગણીઓનું તોફાન આંસુઓનાં પુર લાવી દે છે.”

ગાયત્રીબેન વહેવારિક રીતે ઠાવકા બની ને બોલ્યા “ બેટા તને તો પહેલે થી ખબર હતી કે કૈરવ સાથે તને નહીં ફાવે તો આન્યાનો જન્મ જ કેમ થવા દીધો?”

“કૈરવનાં મમ્મી ને પૌત્ર જોઇતો હતો..અને જ્યારે ખુબ આનંદમાં હું હતી ત્યારે કૈરવને ના ન કહી શકી.”

“તમે જુવાનીયાઓ આમ જ જિંદગીને રમતનું મેદાન બનાવીને આખી જિંદગી પસ્તાવાનો પરવાનો લઇ લો છો”

ઘરમાં મૌન પીગળે તેવું વાતાવરણ ઉભુ થતું જતું હતું ત્યારે જ કૈરવનો વકીલ મોટો કાગળ લઈને આવ્યો..ઘણી શરતો હતી જેમાંની એક શરત આન્યાને તે ૨૧ વર્ષની ના થાય ત્યાં સુધી નહીં મળવાની હતી. કૈરવ જાણતો હતો કે મૃણાલ તે શરત નહીં માને પણ વકીલનાં અને કૈરવના આશ્ચર્ય સાથે તેણે તરત જ સહીં કરી આપી અને તે જ દિવસે તે મૃણાલ શેઠમાં થી મૃણાલ બની ગઇ.

કૈરવ તો માનીજ ના શક્યો કે મૃણાલ આમ લપડાક મારીને નીકળી જશે.

ક્યાંય કોઇ ખુલાસો નહીં અને પંદર જ દિવસમાં અમેરિકાની સફરે મૃણાલ નીકળી ગઈ તેવા સમાચારોએ માધવીબેન અને કૈરવને હચમચાવી નાખ્યા. તેના મનમાં તો એવું હતું કે આ ભુખડી બારસ કંઇ કેટલાય પૈસા પડાવશે અને ઉત્પતો કરશે. પણ ના તે શ્રીકાંત શ્રોફ અને ગાયત્રી શ્રોફની દિકરી હતી. પીડા વેઠવાની અને કલા જન્માવાની કળા જાણે વારસામાં લઈને ના આવી હોય!

જે દિવસે ટીવીમાં મૃણાલનાં વિદેશગમન નાં સમાચાર આન્યા એ જોયા ત્યારે મમ્મા મમ્મા કરીને તે બહું રડી અને તે દિવસે કૈરવ અને માધવી બહેનને આન્યાને મમ્મી વિરુધ્ધ કાન ભરવાનું સરસ બહાનુ મળી ગયું. આટલી નાની છોકરીને મુકીને ચાલી ગઈ કારકિર્દી બનાવવા.. આને તો કંઇ મા કહેવાય?

આન્યાને છાની રાખતા જાય અને કુમળા મન ને માની વિરુધ્ધ ભરતા જાય.

આમ પણ મૃણાલ ગઈ એ દિવસથી આન્યાના બાળ માનસ પર એક ના સમજાય એવી અવઢવ છવાયેલી રહેતી. એનું નાનકડું મન એ સ્વીકારી જ શકતું નહોતું કે એની મમ્મા એને મુકીને આમ જતી રહે. દાદાજી કંઇક જુદું કહેતા હતા તો દાદી અને પપ્પા કંઈક જુદુ જ. પણ એને દાદાજીની જ વાત માનવાનું મન થતું હતું.

એક તબક્કે તેણે દાદી અને પપ્પાને મોં ઉપર કહી દીધું “ મને ખબર છે તમેજ મમ્માને હેરાન કરતા હતા.. તમે બંને ગંદા છો.” અને જેમ ચોરી પકડાઇ જાય તેમ વધરે ને વધારે ગુસ્સે ભરાતો કૈરવ નાની આન્યાને જાણે મૃણાલને મારતો હોય તેમ મારી બેઠો…

“દાદાજી..”કહીને મોટો ભેંકડો તાણ્યો ત્યારે અજયભાઇએ કૈરવને કડક અવાજે કહીં દીધું..” આ નાનું બચ્ચું છે…એને સમજાવવાની હોય.. પણ મારવાની ના હોય”

કૈરવ પણ ગુસ્સામાંને ગુસ્સામાં બોલ્યો “ નાની છે પણ તમને ખબર છે મને અને મમ્મીને કહી દીધું કે તમે ગંદા છો.”

“તે તમે શું કરતા હતા ? તમે પણ મગજમાં ગંદકી ભરવાની કોઇ કસર છોડી નથી ને? મૃણાલને ઘરમાંથી જવું પડ્યું એટલુ તમને ઓછું પડ્યું કે હવે એના મનમાંથી પણ એની મમ્મીને હાંકી કાઢવા યુધ્ધે ચઢ્યા છો? ઇનફ ઇઝ ઇનફ.”

“ યસ પપ્પા ઇનફ ઇઝ ઇનફ હવે તો એના મનમાંથી પણ મૃણાલે નિકળે જ છુટકો અને હવે તો એ એકવીસ વર્ષની થાય ત્યાં સુધી એને ન મળવાની શરત પણ મંજૂર રાખીને? એકવાર પણ આન્યાની કસ્ટડી માટે આજીજી કરી? જો દિકરીનું આટલું દાઝતું હોત તો ડીવોર્સ પેપર પર કેમ સાઇન કરી? ”

“ બસ! આ જ તને નડયું ને? આ આજીજી…. આજીજી કેમ ના કરી? જાણે એણે આજીજી કરી હોત તો તેં એને આન્યાની સોંપણી કરી હોત? કૈરવ સાચા મનથી વિચારીને જવાબ આપજે કે તને શેનો અફસોસ છે ? મૃણાલ ગઈ એનો કે એણે તારી સામે નમતું ન જોખ્યું એનો? અને હવે તો તમને ભાવતું મળ્યુને ? આન્યા આખી હવે તમારી થઇને રહેશેને?”

“ના રે ટીવીમાં તેની મમ્મીને જોઇ એટલે મમ્મા મમ્મા કહીને રડવાનું ચાલુ કર્યુ.”

“રામજી! આન્યાને મારા રૂમમાં લઇ જાઓ તો..” એ સમજતા હતા કે આ બધી વાતો આન્યાની હાજરીમાં તો ન જ થવી જોઇએ પણ જે રીતે કૈરવે આન્યા પર હાથ ઉપાડ્યો ત્યારે તમામ સારા-નરસાનો ભેદ ભુલી અજયભાઇએ બહું જ ગુસ્સામાં ઘાંટો પાડીને કહ્યું . એ ભાગ્યેજ આટલા ગુસ્સે થતા પણ જ્યારે ગુસ્સે થાય ત્યારે એમને જીરવવા કપરા હતા. તેથી આન્યા તો લગભગ ડરી ગઈ પણ તે એટલું તો સમજી શકતી હતી કે દાદાજી મમ્મીનો પક્ષ લઇને પપ્પાને લઢતા હતા તેથી તે તેને ગમ્યું…

રામજીએ આન્યાનો હાથ પકડી અજયભાઇનાં રૂમમાં લઇ જતો હતો ત્યારે અજયભાઇ દાદીને ખખડાવતા હતા…” હવે તો જરા ઝંપો..તમને તેનું બધું સોંપીને ગઇ છે છતા એનો તંત નથી મુકતા…”

દાદી કશી દલીલ કરતા હતા પણ આન્યાને તે ના સમજાયું. રૂમમાં જઇને તે રડી.. ખુબ જ રડી. મમ્મીને યાદ કરીને.. આખરે મૃણાલનું જ તે લોહી હતું ને.. સંવેદનશીલ..લાગણીઓથી ભરેલું. રામજીકાકા તેને છાની રાખતા હતા અને થાબડતા જતા હતા. હીબકે ચઢેલી આન્યા જ્યારે સુઈ ગઈ હતી ત્યારે તે તંદ્રામાં જોતી હતી.. તેની મમ્મી તેને થાબડતી હતી..નીચે હજી અવાજો આવતા હતા…દાદા ક્યારે આવ્યા તેને ખબર નહોંતી..પણ દાદા દીકરીનાં ગાલે થીજી ગયેલું આશ્રુબીંદુ જોઇને અરેરાટી નાખી ગયા.. બે આખલા લઢે અને ઝાડનો ખુડદો નીકળે છે.તેઓ જોઇ રહ્યા હતા કે બે આખલાઓએ ગાયને ભગાડી મુકી છે અને બચ્ચાનાં ભાગનું દુધ ઘટ ઘટ કરતા પીએ છે.

તેને કૈરવ ઉપર ગુસ્સો આવતો હતો..ત્રીસ વરસનો થયો છતા મા અને પત્નિ વચ્ચે સંતુલન કરતા ના આવડ્યું બંને ને સાંભળવાના પણ નિર્ણય તો જાતે જ લેવાના હોયને?

અજયભાઇનાં લેપટોપ ઉપરની સ્ક્રીનમાં મૃણાલનો મેસેજ ઝબકતો હતો_”થેંકસ પપ્પા!..હું બોસ્ટન પહોંચી ગઈ છું…આન્યાને મીસ કરું છું.. અને મોટા આંસુ પાડતું એક કાર્ટુન ઝબકતુ હતુ..

અજયભાઇએ ઓ કે કહીને આન્યા પણ તને યાદ કરે છે કહીને જય શ્રી કૃષ્ણ લખી કોમ્પ્યુટર બંધ કર્યુ.

નાનકડી આન્યા ને મૃણાલ જેવો ચહેરો હોવાની આજે કૈરવે સજા કરી હતી તે વાતે તેમને હતપ્રભ કરી નાખ્યા હતા. અને માધવી પણ કૈરવનું મન ફેરવવા શું ચાલો ચાલે છે તે સમજતા એક મિનિટ પણ ના લાગી.

તેમણે ફરી નીચે જઇને માધવીને કહ્યું..”કૈરવનાં છૂટા છેડા પછી હવે તેને પરણાવવાનો ફરી વિચાર કરતા હો તો મારી એક વાત સાંભળી લેજો અને તે એ કે જે દિવસે કૈરવનાં લગ્ન થશે તે દિવસે તમે મારાથી છુટા થશો સમજ્યા?

માધવી તો હેબતાઇ જ ગઈ.

“પણ કેમ?”

“એક છોકરીની જિંદગી તો બગાડી.. બીજી શું કૈરવની જિંદગીમાં ચાંદ લાવવાની છે?”

“એ તો કૈરવની જીદ હતી મેં તો ના જ પાડી હતીને?”

“બસ હવે મારી જીદ છે અને મેં ના પાડી છે. સમજ્યા?”

“પણ જરા સમજો જુવાન જોધ છોકરો..પહાડ જેવી જિંદગી કેમ કાઢશે?”

“ એ ચિંતા છોકરાને ડાઇવોર્સ માટે ચઢવતા પહેલા વિચારવાનું હતુ.. હવે નહીં.” એમના અવાજની કડકાઇ માધવીબહેન ને અંદરથી કંપાવી ગઈ

“.બિચારી શ્રેયા! “ કહીને તેમણે ફડફડતો નિઃસાસો નાખ્યો ત્યારે અજયભાઇ બોલ્યા. . “મને ખબર જ હતી કે તમારો પ્લાન શું છે પણ ઝેરનાં પારખા ના હોય. હવે કૈરવે તેના ગુનાની સજા ભોગવવાની છે તેને ભોગવવા દો.”

“કૈરવનો ગુનો?”

“ હા માધવી, તમારા જેવો સંકુચિત મનનો હતોને તે મૃણાલની સફળતા ક્યારેય સ્વીકારી શક્યો જ નહોતો. અરે એણે એકવાર પણ એવું વિચાર્યુ કે મૃણાલની સાથે એનું નામ જોડાયેલું છે અને મૃણાલની સાથે એની વાહ વાહ થઈ રહી છે ? પણ ના ! એ મૃણાલને ધાક ધમકીથી કાબુમાં લેવા ગયો હતો તો એમાં મૃણાલ તો હાથમાંથી ગઈ પણ હવે આ દિકરીને તો તમારી કરી જાણો. આન્યા માટે તો કૈરવનો મૃણાલ સાથે ઝગડો હતો ને કે એને કોના જેવી બનાવવી તો અત્યારે એ તમારી પાસે છે, એના ઉછેરની જવાબદારી અત્યારે તો તમારી છે ને ? તો એને પ્રેમથી કેળવી જુવો અને કૈરવ જેવી બનાવાનો એકડો તો ઘુંટી જુવો. કૈરવે જે જીદ લઈને આન્યાને એની મમ્મીથી દૂર કરી છે તો હવે જ ખરો મોકો છે ને એની પાસે મા વગરની છોકરીને કેળવવાનો? અત્યારે આન્યાના મનમાં એની મમ્મી માટે ઝેર ભરવાના બદલે તમારા માટે કે કૈરવ માટે કુણી લાગણી ઉભી કરવાનો, પ્રેમનું ખાતર સિંચીને એ કુમળા છોડને વાળવાનો યોગ્ય સમય છે એવો વિચાર આવે છે તમારા મનમાં ? અને એ એનાથી કેવી રીતે દૂર જઈ શકી છે એ તો એનું મન જ જાણતું હશે ને?

“મને પૂછોને મને ખબર છે કેવી રીતે અહીંથી દૂર જઈને બેઠી છે.”

“એમ??? તમને તેનું કારણ ખબર છે?”

“હા, અહીં આપણે આન્યાને ઉછેરીએ છીએ માટે ”

“તો શું એની પર તમે ઉપકાર કરો છો? એ ધારે તો આન્યાની કસ્ટડી માંગી શકી હોત. એણે ધાર્યુ હોત તો એ ઘણુ બધુ કરી શકી હોત.”

“જવા દો વાત હવે એ મુંજી શું કરી લેવાની છે?’

“કૈરવ પાસે થી અડધો અડધ પૈસા માંગી શકે છે.”

“મને ખાલી ખાલી ડરાવો છોને?”

ડાઇવોર્સનાં કાગળો પહેલા વાંચો…અને પછી આ બધી માથાકુટો કરજો.”

માધવીબહેને બબડતા કહ્યું.. “એ મૃણાલે શું ભુરકી નાખી છે કે તમે કૈરવનું જોતા જ નથી.”

“કૈરવનું જ જોઇને તો આ બધુ કહું છુ, ઉપકાર માનો એ સંસ્કારી મા-બાપની સંસ્કારી દિકરીનો કે તમારી તિજોરી સામે નજર સુધ્ધા નાખી નથી. એની જગ્યાએ આ તમારી શ્રેયા કે સપના હોત તો તમને ધોળા દિવસે તારા દેખાડી દેત. પણ એક રીતે જોઇએ તો તમારા અને તમારા દિકરા માટે તો એવી કન્યાઓ જ કામની . જેવા દેવ એવી પૂજા કરનારી.” એટલું કહીને વાત સમેટતા અજયભાઇ ઉભા થઈ ગયા.

ડોઝ બરોબર અપાયો છે તે વિચારીને અજયભાઇ તેમના રૂમમાં આવ્યા ત્યારે આન્યા ઘસઘસાટ ઉંઘી ગઈ હતી. તેમણે લેપટોપ ચાલુ કર્યુ ત્યારે મૃણાલ ચેટીંગ ઉપર હતી. ઉંઘતી આન્યાને ફોકસ કરી કેમેરા ઉપર તેમણે આન્યાને બતાવી. ત્યારે સામા છેડા ઉપર પ્રસન્ન મા હસતી હતી

 

 

 

 

 

પ્રકરણ ૧૦

સમયને જતા ક્યાં વાર લાગે છે. આન્યા ગુગલ ઉપર મૃણાલનો વિકાસ જોતી અને પપ્પા સાથે સરખામણી કરતી તો તેને મમ્મી ઘણી આગળ દેખાતી હતી. ઘરમાં કદી મૃણાલની ચર્ચા થતી નહીં. પણ જ્યારે થાય ત્યારે બે ભાગલા તરત જ પડી જાય એક બાજુ દાદા અને આન્યા અને બીજી બાજુ માધવીબહેન અને પપ્પા.

આન્યાનું બાળપણ અત્યંત અસલામત, અવઢવભર્યુ અને અણસમજમાં જ વિત્યુ. દાદાજીના અથાક સમજાવવા છતાંય એનું બાળ માનસ એ સ્વીકારવા તૈયાર થતું જ નહોતુ કે જે મમ્મી એને પળવાર પણ એકલી છોડતી નહોતી એ એને આમ કહ્યા વગર જતી રહે? પપ્પા અને દાદી તો હંમેશા એમ જ કહેતા કે મમ્મીને દિકરી કરતા પોતાનામાં જ વધારે રસ હતો. કેવા કેવા શબ્દો વાપરતા ?

“મમ્મીને નામ કમાવવું હતું, છાપાઓમાં ફોટા આવે એવુ બધુ ગમતું હતું એટલે એને અહીં રહેવું નહોતું”. સમજણ નહોતી પડતી કે કોની વાત સાચી માને? પણ એક હકિકતનો તો સ્વીકાર કર્યે જ છુટકો હતો કે સાચે જ એની મમ્મા એને મુકીને જતી રહી જ છે અને એ પણ ક્યાંય દૂર. ખબર નહીં ક્યારે પાછી આવશે? અરે પાછી આવશે કે કેમ એની ય ક્યાં ખબર છે?

અને તેમ છતાં ય મમ્મી માટે કશું ખોટું સાંભળી પણ શકતી નહી..

ક્યારેક કૈરવ આન્યાને ચીઢવતો અને કહેતો પણ ખરો “તું તો મમ્મી ની છોકરી જ નથી.. તને તારી મમ્મા કોઇ જ વર્ષગાંઠ ઉપર યાદ નથી કરતી અને તું જ આખો દિવસ તારી માને યાદ કર્યા કરે છે.”

આન્યા થોડીક ઝંખવાઇને કહેતી પણ ખરી.. હું જ્યારે સુઇ જાઉ છું ને ત્યારે મારી મોમ પરી બનીને મારે માથે હાથ ફેરવી જાય છે. એ મને આકાશમાંથી જુએ છે.

“પરી? માય પુઅર ચાઇલ્ડ.. આ પરીકથાઓ કહી કહીને જ તારી મમ્મીએ તને ધોળા દિવસે તારા દેખાડ્યા છે. કોઇ પરી-બરી હોતી નથી નહીંતર આવીને તને સાથે લઈ ના જાત?”

કૈરવને સમજણ પડતી નહોતી કે આન્યાના મન પરથી મૃણાલનું ભૂત કેવી ઉતારવુ. એને એટલી પણ ખબર પડતી નહોતી કે નાનકડી આન્યા સાથે દલીલો કરીને એની મમ્મી માટે કંઇપણ સાચી ખોટી વાતો ઉપજાવવાના બદલે એની સાથે પ્રેમથી , હેતથી કે ને વિશ્વાસમાં લઈને એને પોતાની કરી શકાય પણ એ તો કૈરવના સ્વભાવમાં જ નહોતુ ને? કોઇને પ્રેમથી પોતાના કરી શકાતા હોત તો મૃણાલને પણ ગુમાવાના દિવસો ના આવ્યા હોત ને?

સ્કુલના કેટલાય દિવસો એવા હતા કે પેરન્ટ્સ મીટીંગ પણ અજયભાઇએ જ એટેન્ડ કરી હોય. અને હવે તો આન્યાએ પણ પોતાની ખુદની દુનિયા વસાવી લીધી હતી જેમાં એ એના દાદાજી અને મમ્માની અઢળક વાતો હોય. આન્યાને હંમેશા મમ્માની વાતો સાંભળવી ગમતી. ક્યારેક દાદાજી તો ક્યારેક રામજીકાકાને એ સવાલો કર્યા કરતી એટલેથી એને સંતોષ ન થાય તો ક્યારેક નાની ને ફોન કરીને પુછતી પણ ત્યારે કૈરવ ખુબ જ ખીજાતો અને કહેતો પણ ખરો કે તારી માને તું એકલી છોકરી ઓછી છે? તેની બીજી બે છોકરીઓ છે એક પીંછી અને બીજી કલમ.. તું એની પ્રાયોરીટી ક્યારેય હતી જ નહી”

માધવીબહેન પણ પલિતો ચાંપતા બોલતા “ સાચી વાત છે તારા પપ્પાની તારા માટે એણે ક્યારેય કશું લખ્યું છે? કશું ચિતર્યુ છે?”

ધુંધવાયેલી છંછેડાયેલી આન્યા એક ધારદાર નજરે એ દાદી સામે જોઇને પપ્પા સામે અકળાઇને બોલી ઉઠતી.

“સ્ટોપ ઇટ, પાપા” અને એટલે જ કદાચ આન્યાને ક્યારેય પપ્પા કે દાદી સાથે વાત કરવાની ઇચ્છા થતી જ નહીં..

બાળપણની સરહદો વળોટીને ટીન એજમાં પ્રવેશી ચુકેલી આન્યાની દુનિયામાં એના પપ્પા કે દાદીનું કોઇ સ્થાન હતું જ નહીં. આમ પણ નાનપણથી એના મનોજગતમાં આપોઆપ એની મમ્મા જેવા બનવાના સપનાઓ આકાર લેવા માંડ્યા હતા એ હવે કોઇ ચોક્કસ આકાર ધારણ કરી રહ્યા હતા. આન્યાની આંગળીઓ પેપર પર જે સિફતથી લસરકા લેવા માંડતી એ જોઇને અજયભાઇના મનમાં ફડક ઉભી થતી અને કૈરવના મનમાં લાવા….

ક્યારેક કૈરવ હળવે થી કહેતો “હવે તું મારી સાથે ઓફીસે આવ એટલે તું પણ મને ટેકો કરે.. આ બધો ધંધો તારે જ સંભાળવાનો છે ને મીસ આન્યા શેઠ?”

****

“ દાદાજી , તમને લાગે છે કે પપ્પા કહે છે એમ હું એમનો બિઝનેસ સંભાળી શકીશ? મને તો સાચુ કહું ને દાદાજી તો આ સ્ટેટેસ્ટીક્સ , આટલું ટર્ન ઓવર , પ્રોડક્શન , સેલ વળતર-નફાની વાતો જ બોરીંગ લાગે છે. હ! મને રસ છે પ્રોડક્શનમાં પણ આ ટેક્સટાઇલ, આ ઇન્ડસ્ટ્રીઝના નહીં મને પ્રોડક્શનમાં રસ છે પણ મારી પોતાની કલ્પના સાકાર કરે એવા પ્રોડક્શનમાં.”

“એટલે?”

“એટલે એમ…… કરીને આન્યા લંબાણથી પોતાના મનની વાત કરતી અને અજયભાઇ સાંભળતા. એની વાત પુરી સાંભળ્યા પછી જરૂર લાગે તો એને સાચી સમજ પણ આપતા. પપ્પાને એકાઉન્ટમાં મદદ કરવા કરતા તેનું મન આંકડાઓ કરતા રેખાઓમાં વણાંકો અને રંગોમા વધુ પ્રસન્નતા અનુભવતું.

આન્યાને હંમેશા એના પપ્પા સાથે વાતો કરવા કરતાં દાદાજી સાથે વાતો કરવાનું વધારે ફાવતું. એ એના દાદાજી સાથે વધુ ખુલીને વાતો કરી શકતી. પપ્પા સાથે વાત કરવામાં તો એને હંમેશા ડર રહેતો કે કોઇપણ વાત કે ચર્ચાનો અંત અંતે તો એની મમ્મી માટેની વિશેષ ટીપ્પણી સાથે જ આવતો અથવા તો પપ્પા ઉશ્કેરાઇને ઉભા જ થઈ જતા. એને પોતાની વાત કરવાનો પુરતો અવકાશ કે મોકળાશ તો રહેતી જ નહીં જ્યારે દાદાજી એની સાથે શાંતિથી વાત કરતા , એની વાતો શાંતિથી સાંભળતા.

આન્યા હંમેશા વિચારતી.બધા કહે છે કે સોળ વર્ષે સંતાન સાથે મિત્ર જેવો સંબંધ કેળવવો જોઇએ. પણ અહીં મમ્મી તો છે જ નહીં અને પપ્પા? એ પણ જાણે ન હોવા બરાબર . ક્યારેય આન્યાને કૈરવ માટે અંતરથી ઉષ્મા અનુભવાઇ જ નહીં. જે કોઇ લાડ પ્યાર મળ્યા એ દાદાજી પાસેથી. એની જીદ સામે પણ દાદાજી કેવું નમતું જોખી દેતા ?દાદાજી પર તો ગુસ્સો પણ કરી શકાતો અને મનની વાત ન પુરી થાય તો પગ પછાડીને રોફ પણ કરી શકાતો.

એ દિવસે તો જાણે ઓફિસ જવાની વાત પર પડદો જ પડી ગયો પરંતુ અજયભાઇએ ધીરે ધીરે કળથી કામ લેવા માંડ્યુ અને આન્યાને એમની રીતે પલોટવા માંડી.

“ એક વાત કહું આન્યા?”

“હા બોલોને.”

“તને ખબર છે આ આપણો “જસ્ટ ફોર યુ” સ્ટુડીયો ક્યારથી છે અને કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો?”

આન્યા ઉત્સુકતાથી દાદાજી સામે જોઇ રહી.

અને પછી એ દિવસે દાદાજીએ આન્યાને લંબાણથી “જસ્ટ ફોર યુ” કેવી રીતે શરૂ થયો એની વાત કરી. આજ સુધી ઘરમાં મૃણાલ અને મૃણાલની સાથે સંકળાયેલી કોઇપણ વાત કરવા પણ જાણે પાબંદી હોય એવું વાતાવરણ હતું . કૈરવ કે માધવીબેન તો મૃણાલને લગતી કોઇ સારી વાત વિચારી કે કરી શકતા જ નહીં અને અજયભાઇ પણ જાણીને આન્યા સાથે એને લગતી તમામ વાતો કરવાનું ટાળતા. અરે હજુ સુધી તો એમણે આન્યાને એ પણ જણાવા દીધું નહોતું કે એ , શ્રીકાંતભાઇ અને ગાયત્રીબેન મૃણાલ સાથે સંપર્કમાં છે. મૃણાલનો ચૌદ વરસના વનવાસ જેવા પરદેશવાસ દરમ્યાન પણ એ ત્રણે જણા સતત એની સાથે જોડાયેલા હતા ત્યારથી માંડીને મૃણાલે પાછા આવીને મુંબઈમાં પોતાની આગવી દુનિયા ઉભી કરી છે એના પણ એ લોકો સાક્ષી છે..

આન્યાને તો દાદાજીએ એ પણ જણાવ્યું ક્યાં હતું કે આન્યા નાની હતી ત્યારથી એ ઉંઘી ગઈ હોય ત્યારે રોજે રોજ મૃણાલ એને જોતી આવી છે. આન્યાની પ્રગતિની વાતો દાદાજી મૃણાલ સાથે કરતા અને મૃણાલ એ વાતોના વિટામીન પર તો ટકી હતી.

આન્યાને તો એની પણ ક્યાં ખબર હતી કે મમ્મી પાસે દાદાજીએ લીધેલી એની તમામ તસ્વીરો બીજી કોઇપણ પૂંજી કરતા પણ વધારે જતનથી જળવાઇ રહી છે.

આન્યા અવાચક બનીને દાદાજીની વાતો સાંભળતી રહી.

“દાદાજી મને લઈ જાવ.”

“ક્યાં?”

“મમ્મીએ સર્જેલા એના સપનાના મહેલમાં.”

“અત્યારે?”

“અત્યારે એટલે અત્યારે. જસ્ટ નાઉ…”

હાથ પકડીને આન્યાએ દાદાજીને ઉભા કર્યા અને રીતસર ખેંચીને લઈ જતી હોય એમ દોરવા માંડી. અજયભાઇને પણ થયું કે જો એ હવે ઉભા નહીં થાય તો એ અહીં અને એમનો હાથ આન્યાના હાથમાં રહી જશે.

સાંજે કૈરવને ખબર પડી કે આન્યાને લઈને અજયભાઇ સ્ટુડીયો પર ગયા હતા એટલે એ પાછો ચરૂની માફક ઉકળવા માંડ્યો.

“પપ્પા???”

“શાંતિ રાખ મને ખબર છે તારે મને શું પુછવું છે અને શું કહેવું છે. પણ આપણે પહેલા વાત થઈ ગઈ છે કે મારી અને આન્યા બાબતમાં તારે કોઇ માથું મારવું નહી. આન્યા બાબતમાં હું જે કંઇ કરતો હોઉ એમાં તારે કોઇ સવાલ કરવા નહીં અને તેમ છતાં કરીશ તો પણ હું તને જવાબ આપવા બંધાયેલો નથી એટલુ સમજી લેજે.”

“તમારી અને આન્યાની વાત હોત તો હું કઈ બોલ્યો ન હોત પણ આ તો તમે એને સ્ટુડીયો પર લઈ ગયા એટલે મારે પુછવું પડ્યું. તમને ખબર છે કે હું નથી ઇચ્છતો કે આન્યા એની મમ્મી કે એની મમ્મી સાથે સંકળાયેલ કોઇ ભૂતકાળમાં રસ લે.”

“તો પછી તારે એ સ્ટુડીયો પણ બંધ જ કરી દેવો તો ને?”

“એ મારો પ્રોફીટેબલ બિઝનેસ છે એટલે એ ચાલુ રાખવામાં મને રસ છે નહીં કે એ મૃણાલ માટે ચાલુ કર્યો હતો એટલે.”

“પણ આન્યા તારા બિઝનેસમાં રસ લે એમાં તો તને રસ છે ને?”

“ક્યાં સાંભળે છે એ મારું તો કેટલી વાર કહ્યુ પણ આંખ આડા કાન જ કરે છે ને ક્યાં તો ઉભી થઈને ચાલવા માંડે છે.”

“એમ તો એ ય તારી જ દિકરી છે ને? તું પણ ક્યાં કોઇનું સાંભળે છે?”

“પપ્પા કઈ વાત તમારી મેં ના સાંભળી? બિઝનેસ તમે મને સોંપી દીધો છે તેમ છતાં તમને પુછ્યા વગર કે તમારી સલાહ લીધા વગર કયું પગલું મે લીધુ છે?”

“ભાઇ, એ તો મારી સલાહ તને પ્રોફીટેબલ લાગતી હશે ને એટલે…..”કહીને અજયભાઇએ બાકીની વાત અધ્યાહાર છોડી દીધી.

અને સાચે જ એ દિવસ આવી ગયો અને કૈરવ માંગતો હતો એ વરદાન જાણે એને મળી ગયું.

દાદાજીએ આન્યાને ઓફિસ જતી કરી દીધી. અજયભાઇએ મૃણાલની ઘણી બધી એવી વાતો આન્યાને કરી જેનાથી આન્યાને એની મમ્મીની યાદો ભરેલા વાતાવરણમાં જવાનું એક સમય મન તો થયું જ.

કૈરવ માટે એ સમયે તો એ આનંદની પળો હતી પરંતુ એને ક્યાં ખબર હતી કે આન્યાનું આગમન એના જીવનમાં આફત બનીને ઉતરશે?

આન્યા બને ત્યાં સુધી અજયભાઇની ઓફીસમાં જ બેસતી. કૈરવને ઓછામાં ઓછું મળવાનું થાય એવી તકેદારી રાખતી અને કૈરવ પણ એ ખુશ રહે એમ ઇચ્છતો એટલે ભાગ્યેજ એને એની ઓફીસમાં બોલાવતો.

આજે કેટલાક કામના ડોક્યુમેન્ટ સાઇન કરવાના હતા એટલે એણે આન્યાને એની કેબીનમાં બોલાવી. કેટલાક ડોક્યુમેન્ટસ એવા હતા કે જેમાં અજયભાઇ પછી સેકન્ડ નોમિનેશનમાં કૈરવનું નામ હતું . અજયભાઇ ઇચ્છતા હતા કે હવે એમાં ત્રીજું નામ આન્યાનું ઉમેરાય. એટલું જ નહીં પણ અજય ટેક્સટાઇલ અને ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રીઝના શેર હોલ્ડરમાં આન્યાનું નામ ઉમેરાય.

દાદાજીએ એક વાત આન્યાને બરાબર શિખવાડી હતી કે કોઇપણ ડોક્યુમેન્ટ કે કોઇપણ લિગલ પેપર પર વાંચ્યા વગર સાઇન નહીં કરવાની પછી ભલેને એ કૈરવે આપેલા હોય કે ખુદ અજયભાઇએ.

“આન્યા, આ અજય ટેક્સટાઇલ અને ગ્રુપ ઓફ અજય ઇન્ડસ્ટ્રીઝમાં તારું આગમન શુભ નિવડે.” કૈરવે એ બધા ડોક્યુમેન્ટસ એના હાથમાં આપતા એને શુભેચ્છા પાઠવતા કહ્યું. આ ડોક્યુમેન્ટસ સાઇન કર્યા પછી તું આ ગ્રુપમાં સમાન હકની દાવેદાર છું અને મારા મનની કેટલાય સમયની ઇચ્છા હતી એમ આગળ જતા તું મારો હોદ્દો સાચવે.”

કશું જ બોલ્યા વગર આન્યાએ ડોક્યુમેન્ટસ હાથમાં લીધા અને નિરાંતે વાંચવાનું શરૂ કર્યુ. કૈરવ અજયભાઇની આ ટ્રેઇનિંગ જાણતો હતો એટલે એણે પણ આન્યાને પુરતો સમય મળી રહે એવી તકેદારી રાખી હતી.

“ આ તમામ લિગલ પેપર તું નિરાંતે વાંચી જા ત્યાં સુધી હું ડૅડી સાથે કામની વાત કરી લઉ.”

આન્યાએ એનો પણ જવાબ આપવાનું ટાળીને નજરથી સંમતિ દર્શાવી અને પેપરમાં ધ્યાન પોરવ્યું.

પેપર વાંચતા આન્યાને એક વાતની સમજ પડી કે આ ગૃપમાં લગભગ પપ્પા અને દાદાજી જેટલા શેર એના નામે ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

ટ્રીન………આન્યાને બેધ્યાન કરતી ફોનની રીંગ સંભળાઇ. ફોન લેવો કે નહીં એની અવઢવમાં પડેલી આન્યાને વાંચવામાં ખલેલ પડતી હતી એટલે કંટાળીને ફોન લેવાનું વિચાર્યુ. કૈરવની રીવોલ્વીંગ ચેર પાસે પડેલો ફોન ઉપાડવાનુ અત્યંત મોટા ટેબલમાં આન્યા તરફથી શક્ય નહોતું .અકળાઇને આન્યા ઉભી થઈ અને સામે કૈરવની ચેર પાસે પહોંચી ત્યાં સુધીમાં રીંગ વાગતી બંધ થઈ ગઈ. ફરી રીંગ આવશે અને ફરી ઉભા થઈ આ બાજુ આવવું પડે એના કરતાં એ હાથમાં પકડેલેલા પેપર લઇને કૈરવની ચેર પર જ બેસી ગઇ અને ફરી એકવાર નિરાંતવા જીવે એણે આગળ વાંચવાનું શરૂ કર્યુ. પરંતુ આમ કરવા જતા પેપરના ઢગલા વચ્ચેથી એક-બે પેપર સરકીને નીચે પડ્યા. વાંકા વળીને એ લેવા જતા આન્યાની નજર કૈરવના ટેબલના ખુલ્લા ડ્રોઅરમાં પડેલી ફાઇલ પર નજર પડી.

ફાઇલ ઉપર ડિવોર્સ પેપર વાંચીને ચોંકેલી આન્યાએ ઉઠાવીને એ ફાઇલ હાથમાં લીધી. જેમ જેમ તે કાગળ વાંચતી ગઇ તેમ તેમ એના દિલની ધડકન વધુ તેજ થતી ગઈ. પપ્પા અને દાદી કહેતા કે મૃણાલને આન્યાને મળવુ નહોતું પરંતુ અહીં તો આ પેપર કંઇક જુદી હકિકત બતાવતા હતા. મૃણાલ આન્યાને એકવીસ વર્ષ સુધી મળી ના શકે એવી ફાઇલમાં મુકેલી શરતો જોઇને આજ સુધી મમ્મા માટે દાદી અને પપ્પાએ ઉભુ કરેલું ચિત્ર કેટલું પોકળ હતું એ સમજી ગઈ. જો કે દાદાજીએ કરેલી વાતો પરથી એ એક મંતવ્ય પર તો ક્યારની ય આવી ગઈ હતી કે મમ્મા માટે દાદી કે પપ્પા જે કહે છે એ અર્ધ સત્ય પણ નહોતું. જેમ જેમ પપ્પા અને દાદીની સાચી ઓળખ થઇ ગઈ તેમ તેમ તેનાં મનમાં એ બંને જણ માટે ચીડ ઉભરાતી ગઈ પણ દિલમાં એક અજીબ પ્રકારની રાહત થઇ ગઇ. એણે કલ્પેલી હતી તેવી જ એની મમ્મા છે અને આ બેઉ જણાને એણે પાંચ વર્ષની ઉમ્મરે કહેલું તે સાચું જ હતું..તેઓ ચાલ રમતા હતા.. નાના મગજને મમ્મી વિરુધ્ધ કરવાની ગંદી ચાલ…તેને અંદરથી એક ઉબકો આવ્યો પછી દયા પણ આવી,,પણ હવે તેનું મન મૃણાલને શોધવા આતુર હતું. તેને તેની ખોવાયેલી માને મળવું હતું તેને ભેટવું હતું તેની સાથે એ જ બચપણમાં સ્ટેજ ઉપર બેસીને કરેલું પીંછીકામ પુરુ કરવું હતુ.

તેણે કોમ્પ્યુટર ઉપર મા વિશે ઘણું લખ્યુ હતું ઘણું ચીતર્યુ હતું. પરંતુ ઇઝલ ઉપર કેન્વાસ ગોઠવી ચિત્રકામ કરવાની મઝા જ કંઇ ઓર હોય છે પણ પપ્પાને એ ગમતું નહોંતુ .દાદાજીને કોઇજ વાંધો નહોંતો તેથી ક્યારેક ઇચ્છા થઇ જાય તો તેમનાં રૂમમાં બધું એને જોઇતુ જગત હતું. આન્યામાં મૃણાલ અને ગાયત્રીબેનની સુઝ અને રેખાઓ હતી. મૃણાલનાં ચિત્રો ગુગલ ઉપર જોતી અને તેના જેવું દોરવાનું શીખતી. જો કે દાદજીની સ્ટ્રીક્ટ વોર્નીંગ હતી કે દાદી અને પપ્પ્પાને જો આની ગંધ આવશે તો ઘરમાં મહાભારત થશે. દાદાજીનું વિચારીને આન્યા ચુમાઇને બેસી રહેતી પણ હવે આજની આન્યા ચુપ બેસી રહેવાની નહોતી.

હવે એ એની મમ્માને શોધવા કટીબધ્ધ હતી.

પણ મૃણાલ ક્યાં હતી??

 

 

 

પ્રકરણ ૧૧

મૃણાલ….

આટલા લાંબા સમયનો ટુકડો મૃણાલ કેવી રીતે જીવી એ તો મૃણાલનો આત્મા જ જાણતો હતો. એ આ સમય જીવી જ ક્યાં હતી ? જાણે મણ મણની બેડીઓ પગમાં નાખી હોય અને એ વજન ઉંચકીને એ ચાલી હતી. અને એ વજન એ એના મન પર એના હ્રદય પર વેઠીને ચાલી હતી. જે દિવસે આન્યાને છોડીને એને નિકળી જવું પડ્યુ હતુ એ કારમો દિવસ તો આજે પણ એ ભુલી શકી નહોતી. હ્રદય પરનો ઘા આજે પણ એવો જ લીલોછમ બનીને એને લોહીલુહાણ કરતો રહ્યો હતો. કઈ ભુલની એને સજા થઇ હતી એની ય એને ક્યાં ખબર પડવા દીધી હતી. બસ કૈરવના એક તરફી જક્કી વલણે એને આરોપી સાબિત કરી દીધી હતી અને એને નિર્દોષતા સાબિત કરવાની ય ક્યાં તક અપાઇ હતી?

 

સતત એક અઠવાડીયું તો એ નિરવ -નિશબ્દ  બૂત બનીને બેસી રહી હતી. મમ્મી અને ડૅડીએ એને પુરતો સમય આપ્યો હતો મન સાથે સમજૂતી કરવા , મન સાથે સમાધાન કરવા અને મનને મજબૂત બનાવવા. પરંતુ મૃણાલે પોતાની જાતને સંકોરી લીધી હતી. એણે એના મન સાથે સમાધાન કર્યુ કે નહીં એની શ્રીકાંતભાઇ કે ગાયત્રીબેનને ખબર પડે એ પહેલાં જ એણે નક્કી કરી લીધુ હતું કે એનું દુઃખ ફક્ત એનું જ રહેશે એનો આછો સ્પર્શ પણ એ મમ્મી ડૅડીને નહીં જ થવા દે. એક વાત એણે નક્કી કરી લીધી કે આજથી એ એના મનની વેદના મનમાં જ સમાવીને રહેશે અને ખરેખર એ અંગારા પર ઠારેલી રાખની જેમ ઠરતી રહી.

 

મૃણાલને એક વાતની ખબર હતી કે જો એ અહીં મમ્મી ડૅડીની નજર સામે રહેશે તો કદાચ આજે નહીંને કાલે પણ ઢીલી પડી જશે. નાનપણથી મમ્મીને રોલ મોડલ માનતી મૃણાલની નબળી કડી શ્રીકાંતભાઇ હતા. મમ્મી એક એવો સ્તંભ હતી જેના પર એ પોતાની કલ્પનાના મિનારા ઉભા કરી શકતી હતી પરંતુ જ્યારે જ્યારે મૃણાલને સધિયારાની જરૂર પડતી ત્યારે ત્યારે એને માથુ ટેકવવા પપ્પાના મજબૂત ખભાની જરૂર પડતી અને વળી એવુ ય બને કે આન્યાની યાદ એને ફરી એકવાર એ ઘર તરફ એને જવા મજબૂર કરે જે ક્યારેય એનું હતું જ નહીં.

 

એણે વિચારી લીધું કે અહીંથી દૂર જશે જ.

 

“મીરાં , તું અહીંથી દૂર જઈને ખરેખર તારી જાતને આન્યાથી દૂર કરી શકીશ?” મૃણાલનો નિર્ણય સાંભળીને શ્રીકાંતભાઇએ પુછી લીધું. એ મૃણાલને ઢીલી પાડવા માંગતા નહોતા પણ એ જે નિર્ણય લે એમાં એટલી મજબૂતી છે કે નહીં એ ચકાસવા માંગતા હતા. મૃણાલના સ્મશાન વૈરાગ્ય સમ વર્તન અને વ્યહવારને નાણી લેવા માંગતા હતા.

 

“આન્યાથી દૂર જવાનો તો કોઇ સવાલ જ નથી પપ્પા .એ મારો અંશ છે અને એને હું મારા અસ્તિત્વથી અલગ કરી શકુ એમ પણ નથી અને મને નથી ખબર કે હું આન્યાથી કેટલી દૂર જઈ શકીશ પરંતુ ફીઝીકલી તો હું પ્રયત્ન કરી જ શકુ ને પપ્પા?”

 

“વેલ , આ તારા કોઇપણ નિર્ણયમાં અમારો તને સાથ છે જ અને મને વિશ્વાસ છે કે તું તારી રીતે સફળ જરૂર થઈશ કારણ એટલું જ કે પોત પોતાનુ આકાશ શોધવાની ઇચ્છા દરેકને હોય જ છે અને હક પણ એના માટે દોડવાની હિંમત જોઇ એ હિંમત આજે હું તારામાં જોઇ રહ્યો છું .મીરાં આજે ખરેખર મને લાગી રહ્યું છે કે તુ તારા આકાશમાં ઉડાન ભરવા જેટલી તાકાતવર બની રહી છો.”

 

મૃણાલ આશ્ચર્યથી શ્રીકાંતભાઇ સામે જોઇ રહી. કૈરવ સાથે લગ્નના નિર્ણય સમયે પપ્પામાં જે અવઢવ છલકાતી હતી અત્યારે એ ક્યાંય દેખાતી નહોતી એના બદલે એમના ચહેરા પર  નિતાંત શાંતિ અને મૃણાલના સલામત ભાવિ માટેનો વિશ્વાસ દેખાતો હતો. મૃણાલને આ જ જોઇતું હતુ ને?

 

“સાચી વાત છે પપ્પા હવે મેં મારું આકાશ શોધી લીધું છે જે એકદમ સાફ છે. ક્યાંય કોઇ કાળી વાદળીની છાયા નથી. દૂર સુધી એ નિરભ્રતામાં માત્ર એક ધ્રુવની ટમટમતી તારલી હું જોઇ શકું છું જે મારી દિશા સુચક બની રહેશે……મારી આન્યા. હવે પછીના તમામ વર્ષોમાં એને પામવા સુધી ટકી રહેવાનું બળ પણ એ જ બની રહેશે.”

એરપોર્ટ પર મૃણાલ ચેકીંગ કરીને સિક્યોરીટી માટે જતી દેખાઇ ત્યાં સુધી શ્રીકાંતભાઇ ગાયત્રીબેન અને અજયભાઇ ઉભા રહ્યા. મૃણાલે અંદરથી સખ્તાઇ ધારણ કરી લીધી હતી. બહારથી મજબૂત અને સ્વસ્થ દેખાતી મૃણાલે જાણે અંદરથી પણ નિર્લેપતા ધારણ કરી લીધી હતી. એને પોતાને ય ખબર નહોતી કે એ ક્યારે પાછી આવશે અરે આવશે કે કેમ એની ય એને ધારણા નહોતી. બસ જવુ હતું. આ બધાથી દૂર , આ ઘર , આ નગર , આ શહેર અને ખાસ તો એ બધી જ કડવી યાદોથી . ડર લાગતો હતો કે રખેને એ કડવાશ એના ભિતરમાં ઉતરી ન જાય.

એ પછીના વર્ષોની એકલતા એણે પુરેપુરી સ્થિતપ્રજ્ઞતાથી પસાર કરી. કશું જ એને સ્પર્શતુ નહોતું બધુજ પાછળ છોડ્યા પછીની આ નવી દુનિયા સાથે ય જાણે એને કોઇ સંબંધ નહોતો એટલી હદે એ નિર્લેપ બનતી ગઇ.

કામથી કામ અને બાકીનો સમય આન્યાની યાદો….

રોડ આઇલેન્ડની આર્ટ એન્ડ ડીઝાઇન કોલેજની માસ્ટર્સ ડીગ્રી એ પછીના બે વર્ષ આર્ટીકલશીપમાં એણે એની જાતને એટલી તો ઓતપ્રોત કરી લીધી કે જાણે એ સિવાયની બીજી કોઇ દુનિયા જ ન હોય. સમય મળે ત્યાં એપરલ અને ઇન્ડસ્ટ્રીયલ ડીઝાઇનીંગ , આર્ટ હિસ્ટ્રી ,પેઇન્ટીંગ , ફોટોગ્રાફીના નાના નાના કોર્સ……

એને એટલી ખબર હતી કે એને શ્વાસ લેવાનો પણ જો સમય મળશે તો એના એક એક શ્વાસ એક યુગ જેટલા લાંબા લાગશે .

પણ હા! આ બધી વ્યસ્તતા વચ્ચે એકપણ દિવસ એવો નહોતો કે એણે આન્યાને જોઇ ન હોય. અજયભાઇ આન્યાની જાણ બહાર મૃણાલને એની દિકરી સાથે મેળવતા રહ્યા હતા. આન્યાની પ્રગતિ જ એના જીવનની ગતિ હતી.

સ્વદેશ પાછા ફરીને પણ એક વાત નિશ્ચિત હતી કે ભૂતકાળથી જોડાયેલી તમામ કડીઓથી એ દૂર જ રહેશે. મુંબઈ એક એવી નગરી હતી જ્યાં ઘરમાં રહેતો હોય એ માણસ પણ ખોવાયેલો રહે. હજુ ય એને એની પરિચિત દુનિયાથી ખોવાયેલા રહેવું હતું . એને ઓળખતી દુનિયાથી દૂર રહેવું હતું જ્યાં એને કોઇ અંગત સવાલ ન કરે. જ્યાં એને કોઇ જાણતું ન હોય ત્યાં ખોવાઇ જવું હતું. એને દોડતી ભાગતી હાંફતી આ નગરી સાથે તાલમેલ મેળવવા સતત ભાગતા રહેતા લોકોની જેમ એને પણ ભાગતા જ રહેવું હતું.

કોનાથી મૃણાલ ? કોનાથી હજુ તારે ભાગતા રહેવું છે? ઉકળતા ખદબદતા પાણીમાં ઉફળતી બુંદોની જેમ ક્યારેક મનમાં સવાલ ઉઠતો પણ એ સવાલનો જવાબ આપવા માટે પણ મન તૈયાર નહોતું કારણકે એના જવાબમાં કંઇ કેટલાય સંદર્ભોના, કેટલાય સંબંધોના સત્યો સપાટી પર આવીને ઉની ઉની વરાળની જેમ એને દઝાડશે એની ય એને ખબર હતી.

સવાલો અને જવાબોના અંગારા ઉપર થઈને પસાર થતી મૃણાલ માટે બસ મૌન એ જ એક મધ્ય માર્ગ હતો જેના પર ચાલીને એના પગ ઓછામાં ઓછા દાઝવાના હતા અને એટલે જ એણે એ માર્ગ અપનાવી લીધો.

મુંબઈ આવીને સ્થિર થઈ , નામ દામ શોહરત મેળવી. એક એવી ઉંચાઇને આંબી જ્યાં પહોંચવાનું ક્યારેક એણે સપનું જોયું હતું.

આ બધાની વચ્ચે એ સતત આન્યા માટે તલસતી રહી, તરફડતી રહી પરંતુ એ તલસાટ એ તરફડાટ ક્યારેય એણે ભિતરની બહાર છલકાવા ન દીધો. ક્યારેક શ્રીકાંતભાઇ કે ગાયત્રીબેનને નવાઇ લાગે એટલી હદે એણે હોઠ સીવી લીધા હતા. શ્રીકાંતભાઇ અને ગાયત્રીબેન અવાર-નવાર મુંબઈ આવીને મૃણાલ પાસે રહી જતા પરંતુ જ્યાંથી એ નિકળી હતી એ તરફ એણે ક્યારેય પાછા વળીને નજર સુધ્ધા ન કરી.

પ્રકરણ ૧૨

આન્યાની એકવીસમી વર્ષગાંઠને આડે બસ હવે તો એકવીસ દિવસ બાકી હતા. આટલા વર્ષ કાઢ્યા પણ આ એકવીસ દિવસ કાઢવા આટલા કઠીન હશે એની તો કલ્પના મૃણાલે ક્યારેય કરી નહોતી.

આન્યાએ પણ હવે કાઠું કાઢ્યું હતું. લગભગ ચહેરે મોહરે મૃણાલ જેવી લાગતી આન્યા પાસે ઘરમાં તો મમ્મીની એવી કોઇ યાદ કે સંભારણું નહોતું કે જેને જોઇને મમ્મી માટેની કોઇ કલ્પના કરી શકે . હા! ક્યારેક દાદી કે પપ્પા ટીકા કરતા કે મા જેવી દેખાય છે એટલું બસ નહોતું કે જીદ પણ મા ની લઈને આવી છે ?

આન્યા માટે પણ આ એકવીસ દિવસ કાઢવા અઘરા હતા. જે દિવસે પપ્પાએ શેરો તેના નામે કર્યા ત્યારે પપ્પાના ડ્રોઅરમાંથી મળેલી ફાઇલમાં વાંચેલી વાતથી તેને આશા હતી કે એના જન્મદિવસે એની મમ્મીનો ફોન આવશે જ.

 

એક સવાલ જે આટલા વર્ષોથી મનમાં ઘુમરાતો હતો એ સવાલનો જવાબ તો પોતાને મળવો જ જોઇએ એવી એક જીદ આન્યાના મનમાં ઉગી હતી. દાદાજી તો હંમેશા આન્યાને એની મમ્માના એના તરફના પ્રેમ માટે કહેતા જ આવ્યા હતા તો પછી સાચે જ જો એને દિકરી માટે આટલો પ્રેમ હતો તો શા માટે એને છોડીને ગઈ એ તો જાણવું જ પડશે .ખરેખર પપ્પા અને દાદી કહેતા હતા એમ મમ્માને એની કેરિયર વધુ વહાલી હતી એટલે મમ્મા ઘર છોડીને જતી રહી? એને એકવાર પણ આન્યા માટે પાછા વળવાનું મન ન થયું? આટલા સમયમાં એને ક્યારેય આન્યાની યાદ સુધ્ધા ન આવી?

 

આન્યાને આશા હતી એમ એ દિવસે ફોન આવ્યો .આન્યાના દુઝતા મન પર ચંદનનો શિતળ લેપ છવાતો હોય એવો મૃણાલનો વાત્સલ્ય ભર્યો અવાજ ફોનમાં રણક્યો. મૃણાલ તેને તેના જન્મદિવસની  વધાઇ આપતી હતી.

                                         

“હેપ્પી બર્થ ડે બેટા….મમ્મા બોલું છું. ’’ગળામાં અટવાઇ ગયેલા ડૂમાના લીધે મૃણાલ વધું કંઇ ન બોલી શકી. આન્યાના કાનમાં રેડાયેલા એ પાંચ શબ્દોએ એની પંચેન્દ્રીયના તારને ઝણઝણાવી મુક્યા.

 

       થોડીક પળો એમ જ પસાર થઇ ગઇ. આન્યાની સ્તબ્ધતા પારખી ગયેલા કૈરવના મનમાં ખતરાની ઘંટી વાગી. એ ચીલઝડપે ઉભો થયો અને “થેંક્યુ મમ્મા” કહે એટલામાં તો આન્યાના હાથમાંથી ફોન ઝુંટવાઈ ગયો, કપાઇ ગયો અને ફોનનું રિસીવર દૂર ફેકાંઇ ગયુ. આન્યા સ્તબ્ધ બની ને પપ્પાનો દુર્વાસા અવતાર જોઇ રહી.. એકપણ શબ્દ બોલ્યા વગર પણ પપ્પાના ચહેરા ઉપર જે ગુસ્સો છવાયેલો હતો એ જોઇને અન્યા એક પળ તો ઠરી ગઇ. એક પળ ફક્ત. વળતી પળે આન્યાને થયું કે જો એ આજે નહીં બોલે તો એ પછી ક્યારેય નહીં બોલી શકે. આજે એના ચહેરા પર પપ્પા માટે ક્રોધ અને દયા બંને હતા.

 

પપ્પા! મારી મોમ નો ફોન હતો પુરા સત્તર વર્ષ પછી.”

 

“ એ ઠગારી અને જુઠ્ઠી છે.” ઝેરી નાગ ફુંફાડો મારતો હોય તેવી રીતે કૈરવ બોલ્યો.

 

“ પપ્પા મને ખબર છે કોણ કેવું છે.’ મૃણાલ જેવો જ અવાજ અને તેવું જ ખુદ્દારપણું સાંભળી ને કૈરવ અંદરથી હચમચી ગયો. અને તરત જ બોલ્યો…’એટલે હું ખોટો છુ?”

 

અંદરથી અશાંત પણ શક્ય તેટલી શાંતિથી તે બોલી..” પપ્પા ! માણસ જેવું હોય તેવું જ બીજાને પણ જોતો હોય છે. આજ સુધી તમે મને મારી મમ્માથી દૂર રાખી પણ હવે એકવાર તો હું એને મળીશ જ.

પપ્પા, મને મમ્મી ને મળતા તમે હવે નહીં રોકી શકો.” થોડીક બેચેની ભરી પળો વીતી ગઇ અને આન્યા ડાઇનીંગ રૂમમાંથી ઉભી થઇ ગઇ. કૈરવ ગુસ્સામાં તમતમી ગયો.

 

“આન્યા…….”

આન્યા હવે કોઇનું સાંભળવા તૈયાર નહોતી.

મમ્મીને ખોળવી ક્યાં? દાદાજી મમ્મા માટે અઢળક વાતો કરતા પરંતુ જેવું આન્યા મમ્મા ક્યાં છે એમ પુછે તો જીભ પર મૌનનું તાળુ લાગી જતું. આન્યાને ક્યારેય દાદાજીને આ વાત સમજાઇ નહોતી. દાદાજીની નિષ્પક્ષતા પર, તટસ્થતા માટે એને માન હતું .દાદાજીએ હંમેશા મમ્મા માટે સાચી વાત હતી એ કહી હતી તો ક્યારેક પપ્પા તરફની પોતાની અવહેલના માટે ટોકી પણ હતી.

 

હવે? હવે હારી થાકીને બેસી રહે તો આન્યા શેની?

 

એણે કોમ્પ્યુટર પર ગુગલ ઉપર મૃણાલ શેઠ નામે શોધખોળ શરુ કરી. જ્યારે મૃણાલ ખાલી “મૃણાલ” તરીકે પ્રસિધ્ધ હતી. કેટલીય યુ ટ્યુબો ઉપર વાતો હતી અને ઘણી બધી વાતોમાં આન્યા ને “અન્નુ” કહી સંબોધેલા ચિત્રો હતા કાવ્યો હતા અને પુસ્તકો પણ હતા…અને એ બધામાં થી એક જ અવાજ નીકળતો હતો..દીકરીને મળવાની વ્યાકુળતા અને વ્યગ્રતા..

 

“ અન્નુ કાવ્ય” નામના ચિત્રે તો તેને ખુબ જ પ્રસિધ્ધિ અપાવી હતી. પણ ક્યાંય તેનું સરનામુ હતુ નહીં તેથી ફોન ડીરેક્ટરીમાં તેને શોધવા માંડી. જાહેર છે કે ફોન લિસ્ટેડ નહોંતો.

 

હવે એક જ જગ્યા બાકી હતી અને તે નાનાજી અને નાનીનું ઘર. ત્યાંથી જ કોઇક માહિતી મળશે તે આશામાં તે ગાડી લઇને નીકળતી હતી.ત્યાં સેલફોન ફરી રણક્યો.

 

પ્રભુ આશર ફોન પર હતા “ આન્યા! વર્ષગાંઠની ઘણી વધાઇ.”

 

“ અંકલ! સવારે મમ્મીનો ફોન આવ્યો પણ પપ્પાએ કાપી નાખ્યો. મને મોમ ને મળવું છે મને તે ફોન નંબર પર નો રીપ્લાય આવ્યા કરે છે.”

 

“ જો બેટા તારા દાદાજી જેમ જાણે છે તેમ તું પણ જાણી લે કે તું અને તારી યાદોનાં સહારે તારી મોમ સર્જન ક્ષેત્રે શ્રેષ્ઠ બની છે. પણ હજીય કહું કે તે સંપૂર્ણ હજી બની નથી. તું દાદા સાથે મારી ઓફીસે સાંજે આવ.”

 

“ભલે અંકલ હું આવીશ પણ મને મોમ નો નંબર આપશો?”

 

“ હા ચોક્કસ આપીશ પણ સાંજે..મને તારા પપ્પા અને તારી મમ્મીનાં કલહની વચ્ચે આવવું નથી તેથી… હમણા ક્ષમા..”

 

બરાબર ૪.૦૦ વાગે પ્રભુ આશરની ઓફીસે દાદા અને પૌત્રી પહોંચ્યા..ત્યારે પ્રભુ આશર મૃણાલનાં બધા પુસ્તકોનો સેટ લઈને બેઠા હતા.

 

બંને ને આવકારતા પ્રભુ આશરે એક પત્રોનો ઢગલો પહેલા આપ્યો અને સાથે સાથે પુસ્તકોનો સેટ આપ્યો. આન્યા બધુ ખોલીને જુએ તે પહેલા દાદા બોલ્યા આન્યા મ્રુણાલ તું પાંચ વર્ષની હતી ત્યારથી દરેક વર્ષગાંઠે તને પત્ર લખતી હતી.પણ તને એ બધા પત્રો આજે જ આપવાના હતા તેથી પ્રભુ દાદા તેને જાળવતા હતા. મા નો દીકરી તરફ સ્નેહ હોવો તે કુદરતી ઘટના છે પણ આવું બંધન કે દીકરીને મળી ન શકાય તે તો કેટલો મોટો શ્રાપ છે તે તને પત્રો વાંચીશ એટલે સમજાશે.

 

“અને તારા દાદા પણ કેટલા ગ્રેટ છે તે તો આ પુસ્તકો જોઇશ એટલે તને સમજાશે.”

 

પહેલું પુસ્તક હાથમાં લેતા જ ટાઇટલ ઉપર નાની આન્યાનું સ્કેચ દોરતું ચિત્ર હતુ.પછીના પુસ્તકો ઉપર આન્યાનાં દાદાજીનાં રૂમમાં દોરેલા સ્કેચ અને તેની સાથે સરસ ભાવ વિભોર કવિતા અને મૃણાલનાં વહાલ સભર ઉદગારો હતા.

 

તે ભાવ વિભોર થતી ગઈ દાદાજી કેટલા સારા છે.. તેમણે કદી કાયદો તોડ્યો નહીં અને મમ્મીને પણ તુટવા ના દીધી..પણ મનમાં થયું કે દાદાજીએ મમ્મીની કાળજી લીધી અને મને પણ કરમાવા ના દીધી..જે જે મમ્મીનાં શોખ હતા તે મારામાં વિકસાવવા દીધા.દાદાજી! તમે કેટલા સારા છો કહેતા તેની આંખો ભરાઇ ગઈ.

 

પ્રભુ આશરે વિડિઓ કોન્ફરન્સ ફોન ઉપર મૃણાલને ફોન લગાડતા હતા. અને સ્ક્રીન ઉપર પ્રેમાળ મૃણાલ આન્યાને જોતી રહી.

 

આન્યા એકદમ સ્તબ્ધ થઇ ને જોઇ રહી..બીલકુલ જ એની જ કોપી.. ફક્ત વાળમા ક્યાંક રુપેરી છાયા.. પણ એજ પ્રેમ ભરેલો અને  જાજ્વલ્યમાન મુખાર્વિંદ અને મીઠા અવાજે બધાને વંદન કરતા બોલી..બેઉ દાદાજી અને મારી વહાલી આન્યા…

 

આન્યા “મમ્મી મમ્મી.. તું ક્યાં છે?”

 

મૃણાલ ની પણ આંખો ભરાયેલી હતી  હાસ્ય સાથે આનંદ છલકાતો હતો..તે બોલી “ બેટા તારા દાદાને લીધે તને તો હું જોતી હતી પણ હ્રદયને ખુણે વેદના જ રહેતી હતી કે તું મને ક્યારે જોઇશ?

 

“ મમ્મી તું ગુગલ પર ફોટા છે તેના કરતા તો સાવ જ જુદી છે.. બીલકુલ મારા જેવી જ છે”

હસી પડી મૃણાલ ..એકદમ વ્હાલસોયુ અને આનંદથી ભરપૂર…

 

સાથે હસી પડ્યા અજયભાઇ “ બેટા તારી મમ્મા તારા જેવી લાગે છે કે તું તારી મમ્મા જેવી? તારા જેવો ઉંધો કાયદો તો દુનિયામાં શોધ્યો ય નહી મળે.”

 

“ઓહ ! સોરી સોરી…..મમ્મા. દાદાજી ઇઝ રાઇટ.”

 

“દાદાજી ઇઝ ઑલવેઝ રાઇટ બેટા એન્ડ ગ્રેટ ટુ..”

 

“મમ્મા બસ હવે મારે તને મળવું છે.”

 

“સાંભળ બેટા તને હવે કાયદાની રુએ અધિકાર મળ્યો છે. તું મારી પાસે આવી ને રહી શકે છે તેજ રીતે દાદાજી સાથે અને પપ્પાની સાથે પણ રહી શકે છે.તને આજે જે કંઇ ભેટો રૂપે મારા પત્રો અને પુસ્તકો આપ્યા છે તેમાં એક પરબીડીયામાં મુંબઈની ટીકીટ પણ છે તે ટીકીટ નો ઉપયોગ કરી દાદાજીની સંમતિથી આવ. ધ્યાન રહે પપ્પા અને દાદીમાની અવજ્ઞા ના કરીશ.”

 

“ મમ્મી મારે તો હમણાં જ આવવુ છે.”

 

“ આવ બેટા હું પણ ચાતક્ની જેમ તરસું છું પણ છાનું હવે કશું જ નહીં.”

 

બીજા દિવસની સવારે આન્યા મૃણાલના વરલી સી ફેસ પરના એપાર્ટમેન્ટમાં હતી.

 

“મોમ….”

 

આટલા વર્ષોની દાદીમા અને પપ્પા તરફથી મળેલી નફરત ઘોળીને ક્યારેક મા તરફની સુંવાળી સંવેદના પણ જડ થઇ ગઈ હતી કે શું ? આન્યા આજ સુધી તો એવું જ માનતી હતી એની માએ સાવ જ નાનકડી દિકરીને ત્યજી દીધી હતી ? સૌથી પહેલા તો મોમને મળીને પુછવુ હતું કે “મા એવી કેરિયર તરફ કેવી ઘેલછા હતી કે આજ સુધી પાછુ વળીને દિકરીને યાદ સુધ્ધા ન કરી ?

 

પણ આ શું? મૃણાલના ઘરમાં  પ્રવેશતા જ   ઘરની દિવાલો પર આન્યાના જન્મથી માંડીને મૃણાલ ઘરમાં હતી ત્યાં સુધીના પેઇન્ટીંગ અને ફોટોગ્રાફસ ? આન્યા સ્તબ્ધ હતી. મૃણાલના એ નાનકડા બે બેડરૂમના એપાર્ટમેન્ટમાં ચારેબાજુ આન્યાની યાદોની જ બોલતી તસ્વીરો હતી. જાણે મૃણાલે આન્યાને ક્યાંય છોડી જ નહોતી. મૃણાલના વોર્ડરોબની બાજુમાં બીજો એક વોર્ડરોબ હતો. મૃણાલે જાણે ખજાનો ખોલી દીધો. આન્યાથી છુટી પડી ત્યારથી માંડીને આજ સુધીની તમામ બર્થ ડે ના મૃણાલે બનાવેલા બર્થ ડે કાર્ડ અને દરેક બર્થ ડે ની ગીફ્ટ હતી.

 

“મમ્મા….?”

 

“યસ બેટા, આ બધું જ તારું છે તારા માટે છે. અને આ જ મારી સાચી સમૃધ્ધિ હતી. મારા જીવવાનું બળ મને ટકાવી રાખનારી શક્તિ તું હતી. ક્યારેક તું મને મળીશ એ આશા એ આટલો સમય હું ખેંચી શકી .

 

“મમ્મા….”આન્યાને આનાથી વધુ કંઇ બોલવાનું સુઝતું જ નહોતુ.

 

“ મને બોલી લેવા દે બેટા..આટલા સમયથી હું તારી તસ્વીરો સાથે મૌન સંવાદો રચતી હતી. આજે એ મારા મૌનને વાચા મળી છે. મને મારી દિકરી મળી છે. તું નાની હતી ત્યારે તને એક વાર્તા હું કહેતી હતી યાદ છે? રાજાનો જીવ એક પોપટમાં હતો. એ રાજા એટલે તારી મમ્મા અને એ પોપટ એટલે તું. ક્યારેક તને મળી શકાશે એ આશા , નાના-નાની અને દાદાજીનો સાથ ન હોત તો કદાચ હું ક્યારની તુટી ગઈ હોત.

 

“ તો પછી પપ્પા અને દાદી કહેતા હતા એ સાચે જ પોકળ વાતો હતી ને? મનઘડત કહાની જ ને?

આન્યાના મનના સવાલો ઉમટે એ પહેલા જ જાણે મનનું સમાધાન મળી રહ્યુ હતું.

 

મૃણાલ હજુય જાણે તંદ્રાવસ્થામાં હોય એમ કંઇક બોલે જતી હતી. આટ આટલા વર્ષોનો વિષાદ ,આટ આટલા વર્ષોનો વિયોગ વાણીમાં નિતરી રહ્યો હતો.

 

અને આન્યા ફોન પર કૈરવ સાથે વાત કરી રહી હતી.

 

“પપ્પા…

 

“ક્યાં છું તું આન્યા? કૈરવ કૃધ્ધ અને સંશયભર્યા અવાજે પુછી રહ્યો હતો. આમ કોઇને કીધા કર્યા વગર તું ક્યાંય કેવી રીતે જઈજ શકે ? તને તારી કોઇ જવાબદારીનું ભાન છે ?”

 

“પપ્પા ,મારે જ્યાં જવાનું હતું ત્યાં હું પહોંચી ગઇ છું અને આજે જ મને મારી સાચી જવાબદારીનું ભાન પણ થયું છે. આટલા વર્ષોમાં મેં જે ગુમાવ્યું છે એ આજે મને પાછું મળ્યું છે અને એને હું હવે જરાય એળે જવા દેવા માંગતી નથી.”

 

“એટલે.?”

 

“એટલે એમ કે આ એકવીસ વર્ષોમાં જે મને નથી મળ્યું એ આજે મને મળ્યું છે …પણ જવા દો પપ્પા એ બધું તમને નહીં સમજાય અને સમજાવાનો અર્થ પણ નથી ફક્ત એટલું કહેવા ફોન કર્યો છે કે આજથી હું આન્યા શેઠ નહીં આન્યા મૃણાલ બની રહેવા માંગુ છું.”

 

અને કૈરવની સ્તબ્ધતા વચ્ચે એને કશું પણ બોલાવાનો મોકો આપ્યા વગર આન્યાએ ફોન કટ કરી નાખ્યો……