
દવાખાનાના પગથિયા ઉતરતા નકુળ મનમા વિચારી રહ્યો હતો.શું હિંદુસ્તાન અને તેમાંય અમ્દાવાદ આવીને ચમત્કાર સર્જાયો છે કે કેમ? દુખાવો થોડો સહ્ય બનતો ગયો છે. જો કે દવા લેવામા બકુ જરા પણ ગફલત ચલાવતી નથી. સમયસર બધું જ નકુળને મળવું જોઈએ. બકુને ખુશ દેખી નકુળ મનમાં ને મનમાં પોરસાતો. ડ્રાઈવરે ગાડી ઉભી રાખી. નકુળે બકુ માટે દરવાજો ખોલ્યો. પોતા માટે ડ્રાઈવર રાહ જોઈને ઉભો હતો. બકુને ભાવતા શાકભાજી અને ફળ લેવા જવા માટે ડ્રાઈવરને સૂચના આપી.બહાર ખાવાનું તેની તબિયતને અનૂકુળ નહોતું તેથી ઘરે બંને જણા શાંતિથી જમતા.
સાંજે બકુની મસિયાઈ બહેન ઝરણા તેના બાળકો સાથે ખબર કાઢવા આવવાની હતી. સાંજના જ્યારે ઝરણા તેના સુંદર બે બાળકોને લઈને આવી ત્યારે ઘર કલબલાટથી ઉભરાઈ ગયું. તેનો પતિ નિરવ સીધો ફેક્ટરી પરથી આવશે તેમ ઝરણાની વાતચીત પરથી લાગ્યું. બાળકો સાથે રમવામા નકુળ દુખ વિસરી ગયો. તે પણ જાણે બાળક ન હોય? ભુલકાઓની બાલ ચેષ્ટાઓ પર તે પણ બાળક બનીને ખીલતો જતો હતો. અરે એ જ તો રામબાણ ઈલાજ છે.
બાળકોને ગરમીની ઋતુ હતી તેથી બરફના ગોળા અને આઈસક્રિમ ખવડાવ્યા.થાક્યા એટલે થોડી વાર ટીવી.નાં પ્રોગ્રામ જોયા.નિરવ આવ્યો એટલે બધા સરસ જમ્યા.હા,નકુળ માટે મરચા વિનાનું ખાવાનું અલગ હતું તે જ મળ્યું જે હંમેશ બકુ પણ લેતી.’ધર્મપત્ની’આમ તો ગાંધારી હતી.
ચાર થી પાંચ કલાક ઘર ગુંજી રહ્યું હતું. તેઓના ગયા પછી ઘરમા સોપો પડી ગયો. બકુ નાહી ધોઈને જ્યારે સૂવા માટે આવી ત્યારે નકુળે તેને કહ્યું,
“બકુ,મને માફ કરજે.’
બકુતો આભી થઈ ગઈ. પ્યારથી નકુળને પૂછવા લાગી શું થયું,
“કેમ આજે આમ બોલે છે? શાની માફી માગે છે?
નકુળને બકુનું ભોળપણ ખૂબ વહાલું લાગ્યું.
“અંતરથી કહેજે બકુ તને નથી લાગતું,આપણને બાળક નથી તેનો ગુન્હેગાર હું છું.મારા કારણે આપણા આંગણમા કોઈ બાળક ખેલ્યું નથી તારી ગોદ હંમેશને માટે સૂની રહી.બકુ,મને માફ કરજે “કહી નાના બાળકની માફક ધ્રુસ્કેને ધ્રુસ્કે રડી રહ્યો. બકુ તેને વહાલભેર પસવારતી રહી. તે ગાંડી નકુળને દિલોજાનથી ચાહતી હતી. વર્તમાનના સુખના દરિયામા હિલોળા લેતી હતી. ભૂતકાળતો એણે ધરબી દીધો હતો. તેથી જ તો એ સુખી હતી.
હા,બાળક તેને ખૂબ ગમતા.તેનો પ્યાર પોતાના એક યા બે બાળકમા ન રહે તેથીજ તો પ્રભુએ તેને બાળક નહી આપ્યું હોય. તે કોઈ પણ હિસાબે નકુળને જિમ્મેવાર ગણવા માગતી ન હતી. કુદરતની કમાલ તો જુઓ. આખી જીંદગી જેણે અમન ચમનમા ઉડાવી છે તેને આજે હૈયું કોરે છે. જ્યારે જેણે કદીયે સુખની છાયા પણ નસીબ નહોતી થઈ એ બકુ,પરમ શાંતિનો અનુભવ કરી રહી છે. આને સરજનહારની સૃષ્ટિની કરામત નહી તો બીજું શું કહીશું?———–
