
નિરાલીએ અંધેરી જઇને સૌથી પહેલા આલ્બમ જોવા માંગ્યુ. પણ આલ્બમ નિરવના રૂમમાં હતુ અને એ ઘરે હતો નહિ. નીતાબહેને દીકરીને વિવેક કર્યો, “બેટા માનવને અને તેના ઘરવાળા સૌને સાચવજે… હમણા બરોબરની તવાઇ ચાલે છે.”
“ હા અને મમ્મીનાં ઉપવાસ પણ ચિંતાનુ કારણ છે. મને ચિંતા માનવની છે… તે કારણ વિના સંડોવાઇ રહ્યો છે.”
“બધા એવું જ માને છે પણ આ ઉપરા ચાપરી પડતા સરકારી છાપા અને નકારાત્મક પબ્લીસીટી તેની સારી છાપ ને ધોઇ નાખે છે.”
”મમ્મી મને લાગે છે કે ફોટાની બાબતે નિરવભાઇ થી મોટી ભુલ થઇ છે.”
” એટલે? તું શું કહેવા માંગે છે?”
“માનવને એવુ લાગે છે કે અંગત ફોટા બહાર ન જઇ શકે. અનંત કાલે નિરવભાઇ થકી માનવને મળવા માંગતો હતો. તેણે જ અમારા આવવાને દિવસે છાપામાં અર્ધ સંદીગ્ધ સમાચારો આપી આ બધી મુસીબતો પેદા કરી છે તેવુ ન સમજે તેટલો બાઘો માનવ નથી.”
“આ તો મોટી ગેરસમજ છે… નિરવ તો અનંતને માનવ સાથે મુલાકાત કરાવીને બધુ સગે વગે કરાવવા મથે છે… મને તો એવુ સમજાય છે.”
”ના મમ્મી… મને તો નિરવભાઇ એવુ કહેતા હતા કે તે કોઇ મોટા પ્રોજેક્ટમાં માનવને લેવા માંગે છે, પણ માનવે ના કહી હતી કે ‘સગામાં પૈસા આપ્યા એટલે કાં સગુ જાય કે પૈસા.. મારે તેવુ નથી કરવુ.’ ”
નીતાબેનને માનવનો આ જવાબ વિચિત્ર લાગ્યો અને નિરાલીને કહ્યું, “તેના એક્ષ્પોર્ટ અને ઇમ્પોર્ટનાં કામમાં પૈસો બહુ છે અને નિરવ બનેવીને વાત કરે તેમા અજુગતુ શું છે?”
સાંજે જ્યારે નિરાલીને ઘરે જવાનો સમય થયો ત્યારે નિરવ આવ્યો અને આલ્બમ જોવા માંગ્યુ ત્યારે બહુ ચર્ચીત ફોટૉ આલ્બમ માં હેમખેમ હતો તે જોઇને નિરાલી ને ટાઢક વળી. તેણે નિરવને પુછ્યુ “આ અનંત કાલે માનવને શું કામ મળવા માંગે છે?”
નિરવે કરડાઇ ભરી નજરે પહેલા નિરાલી સામે જોયુ અને બોલ્યો, “છાપાવાળા સાથે દુશ્મની કે દોસ્તી બંને નકામી. શીવાજી પાર્કનો એક નંબરનો ગુંડો છે તેને થોડુક પત્રં પુશ્પમ કરીને કે તે જે માંગે તે તેને આપી આ ઝંઝટમાંથી માનવને કાઢવા મેં સમય લીધો અને માનવ મળી ના શક્યો.”
”નિરવભાઇ, મને તો તમારા બધા જ ભાઇબંધો થી બીક લાગે છે. મહેરબાની કરી તેનો છાલ છોડાવો.”
ત્યાં ડોર બેલ વાગ્યો..ઇંસ્પેક્ટર અનવર નિરવને પોલિસ સ્ટેશન પુછપરછ માટે લઇ જવા આવ્યા હતા. નિરવ વોરંટ જોઇને બોલ્યો, “નિરાલી માનવે આ વોરંટ કઢાવ્યુ છે. એ શું સમજે છે તેના મનમાં” અને ગંદી ગાળો બોલતો બોલતો તે પોલીસ ઇંસ્પેક્ટર સાથે જવા તૈયાર થયો.
***
ઘરે જતા જતા નિરાલીની આંખમાંથી પાણી ખુટતુ નહોંતુ. તે માની શકતી નહોતી કે માનવ નિરવ વિરુધ્ધ સમંસ કાઢતા કે કઢાવતા તેને પુછવાને જરૂરત ન સમજી? તેનો મગજનો પારો તો સાતમા આસમાને હતો કારણ કે તેને લાગતુ હતુ કે માનવ જે વિચારે છે તે ખોટું છે. ઘરે દાખલ થતા તેણે તેના મન ને શાંત થવા દીધુ અને ડુમો બેસી જવા દીધો, પછી ગાડીમાંથી બહાર નીકળી. ઘરમાં બધુ સ્મશાનવત શાંત હતુ. તેમના રુમમાં માનવ કોમ્પ્યુટર ઉપર કામ કરતો હતો.
નિરાલી એકદમ ગુસ્સે થતી બોલી-“નિરવભાઇ ઉપર સમંસ કઢાવતા મને પુછવાની જરુર ન લાગી ? હું ઘરે આલ્બમ જોઇને આવી છુ ત્યાં ફોટો હેમખેમ અને સલામત છે. નિરવભાઇએ તે ફોટો નથી આપ્યો.”
માનવે તેના તરફ લાગણીથી જોઇને કહ્યું.” તું ધીરજ થી બે મીનીટ બેસ, હું તને બધુ સમજાવુ છું”
પણ નિરાલી લઢી લેવાનાં મુડમાં હતી તેને ખરેખર બહુ લાગી આવ્યુ હતુ. તે માની નહોતી શકતી કે નિરવને પોલીસ સ્ટેશન લઇ જવામાટેનું સમંસ માનવે કઢાવ્યુ હતુ. માનવ કહેવાની તૈયારી કરતો હતો ને નિરાલીએ પોક મુકી તેથી અમિબેન અને ઘરનાં નોકરો દોડી આવ્યા “શું થયુ?” “શું થયુ?” કરતા.. માનવે પાણી લાવવાનુ કહ્યું અને નિરાલીને શાંત પાડવા મથતો રહ્યો.
ખામોશી અને ડુસકાનું સામ્રાજ્ય અર્ધો કલાકે શમ્યું ત્યારે માનવે નિરાલીને કહ્યું, “તને ખબર છે? નિરવભાઇનાં એક્ષ્પોર્ટ અને ઇમ્પોર્ટનાં ધંધામાં એક ધંધો ડ્રગ્ઝનો પણ છે?”
નિરાલી સાશંક માનવ સામે જોઇ રહી, તેથી માનવે હોટેલની કેસેટ વીડીયોમાં મુકી અને કહ્યું, “જો, આ પ્રવૃત્તિ આપણી હોટેલમાં રાકેશ સાથે નિરવે કરાવી છે તેથી તેના ઉપર શંકાનાં આધારે પુછપરછ માટે લઇ જવાયો છે. મેં સર્ચ વોરંટ એટલા માટે કઢાવ્યું કે શેલત સાહેબને જાણ થઇ હતી કે આજે ભાઇ લોકોમાં તેના નામે સોપારી લેવાઇ છે.. તેનો જાન જોખમમાં છે.”
શોકમગ્ન દશામાં લગભગ અબોલ થઇ નિરાલી માનવને તાકી રહી. તેને કોનો વિશ્વાસ કરવો તે સમજાતુ નહોતુ…
